સ્વામી વિવેકાનંદ/સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ
સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
મદ્રાસ અને હૈદ્રાબાદ →


પ્રકરણ ૩૦ મું-સાધુજીવનના કેટલાક
જાણવા જેવા બનાવો.

હિંદુસ્તાનમાં જ્યારે સ્વામીજી સાધુ તરીકે પર્યટણ કરી રહ્યા હતા ત્યારે તેમના સંબંધમાં અનેક અલૌકિક બનાવો બની રહ્યા હતા. તે બનાવો વિષે સ્વામીજી કોઈને વાત કરતા નહોતા. છતાં પ્રસંગોપાત કેટલીક બીનાઓ તેમના મુખમાંથી નીકળી જતી. પણ ઘણી બીનાઓ તેમના શિષ્યો અને મિત્રોએ કહેલી કે લખી મોકલેલી છે. તે બીનાઓ સ્વામીજીની આંતરવૃત્તિઓ, આધ્યાત્મિક શક્તિ, પ્રભુ ભક્તિ, વિશાળ હૃદય અને પ્રભુકૃપાના ભવ્ય નમુનારૂપ છે. તેથી કરીને તેમાંની કેટલીકનું વર્ણન અહીં આપવું ઉચિત છે. તે બીનાઓ કયે સમયે બની હતી તે કાળ નક્કી નહિ થવાથી તેમને અહીંઆ એકઠીજ આપવામાં આવેલી છે.

“સ્વામીજી એક વખત રજપુતાનામાં થઈને પસાર થતા હતા. સમય ગ્રીષ્મ ઋતુનો હતો. તાપ સખત હતો. રેતીથી ભરેલાં સ્થાનો કાચની માફક ઝળકી રહ્યાં હતાં. પવન સખત વાઈ રહ્યો હતો. આવા સમયે સ્વામીજી એક સ્ટેશન ઉપર ઉતર્યા. ત્યાંથી તેમને બીજી ગાડીમાં બેસવાનું હતું. તેમની પાસે માત્ર એક ઝભ્ભો અને એક ત્રીજા વર્ગની ટિકિટ એટલું જ હતું. પાસે કમણ્ડલું પણ નહોતું. ઉતારૂઓની ગાડીમાં ભીડ પુષ્કળ છતાં રેલવેના માણસો પોતાને પૈસા આપનારા ઉતારૂઓને ગમે તેમ કરીને ગાડીમાં ચડાવી દેતા હતા. સ્વામીજી પાસેથી તેમને કશુંજ મળે તેમ હતું નહિ. તેમને તેઓ ચડવા દેતા નહિ, તેથી સ્વામીજી પોતાની કામળી પાથરીને ઉની રેતી ઉપર બેસી રહ્યા હતા. મુસાફરખાનામાં પણ પગ મૂકવા જેટલી જગા મળે તેમ નહોતી.

એક મારવાડી વાણીઓ સ્વામીજીની બરાબર સામેજ મુસાફરખાનામાં છાંયે બેઠો હતો. સ્વામીજીની જોડે જ તે ગાડીમાંથી ઉતર્યો હતો. ગઈ સાંજથી તેઓ મુસાફરીમાં સાથે હતા અને આ વાણીઓ સ્વામીજીની મશ્કરી કર્યા કરતો હતો. કારણ કે સ્વામીજી અપવાસી હતા. રસ્તામાં તેમને તૃષા લાગી હતી. ત્યારે પણ પાસે પૈસા નહિ હોવાથી પાણીવાળાએ તેમને પાણી પાયું નહોતું. પેલા વાણીઆએ પાણી વેચાતું લીધું અને તે પીતે પીતે બોલ્યોઃ “સાહેબ આ પાણી કેવું ઠંડુ છે ! પાસે પૈસા હોત તો તમને પણ મળત કે નહિ ? તો પછી કામ કરીને પૈસા કમાતા કેમ નથી !” તે એમજ ધારતો હતો કે સંન્યાસીઓ ભુખે મરે તેમાં ખોટું શું છે ! જ્યારે તે બંને સ્ટેશને ઉતર્યા ત્યારે તે વાણીઆએ અનેક દૃષ્ટાંતો અને તર્કોથી સ્વામીજીને સાબીત કરી આપવા માંડ્યું કે કમાવાની શક્તિ હોવા છતાં ત્યાગી થનાર માણસ ભુખે મરે તેમાં નવાઈ શી છે ! સ્વામીજી તડકામાં બેઠા હતા અને તે વાણીઓ છાંયડામાં બેઠો બેઠો અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ ખાતો હતો.

એટલામાં એક બીજો માણસ ગામમાંથી ત્યાં આવ્યો. તેના એક હાથમાં એક પોટલી અને લોટો હતા અને બીજા હાથમાં એક સાદડી અને પાણીનો ઘડો હતો. તેણે પોલીસ વાળાને કશુંક કહીને સાદડીને એક સ્વરછ અને છાયા વાળી જગ્યામાં પાથરી. તેના ઉપર હાથમાંની સઘળી વસ્તુઓ મૂકી અને દોડતો દોડતો તે સ્વામીજીની પાસે આવી કહેવા લાગ્યો “પધારો બાબાજી ! મેં તમારે માટે ભોજન આણ્યું છે તેનો અંગીકાર કરો.” પેલો મારવાડી તો સ્તબ્ધજ બની ગયો. પેલો નવો માણસ ફરીથી કહેવા લાગ્યોઃ “બાબાજી ! એ પ્રસાદ તમારે લેવોજ પડશે!" સ્વામીજી બોલ્યાઃ “ભાઇ, તમે ભૂલતા હશો. કોઈને બદલે કોઈને ધારતા હશો. હું તમને કદી મળ્યો હોઉં એવું મને યાદ નથી.” તેણે જવાબ આપ્યો “હું એક હલવાઈ (કંદોઈ ) છું. બપોરે હું જરા સૂતો હતો ત્યારે સ્વપ્નામાં મને એવી પ્રેરણા થઈ આવી કે સ્ટેશન ઉપર કોઈ મહાત્મા પુરૂષ ભુખ્યા છે, તેમને માટે ભોજન, પાણી અને બિછાનું લઇને જા. હું જાગી ઉઠ્યો, પણ તે માત્ર એક ખાલી સ્વપ્ન હશે એમ ધારીને પાછો સૂઈ ગયો. પણ ફરીથી પાછી એવીને એવીજ પ્રેરણા બહુજ જોરથી મનમાં થઈ આવી અને મારાથી વધારે વાર સૂઈ રહેવાયું નહિ. ઉઠીને મેં જલદીથી પુરી અને શાક બનાવ્યાં અને કેટલીક મીઠાઈ, પાણીનો ઘડો તથા આ સાદડી લઈને હું દોડતો આવ્યો છું. આપ હવે પધારો અને કૃપા કરીને ભોજનનો અંગીકાર કરો. આપને બહુ ભૂખ લાગી હશે.” ત્યારે સ્વામીજીએ ભોજન કર્યું અને જમતે જમતે પ્રભુની અગાધ કૃપાનો વિચાર કરતાં સ્વામીજી ઘણા જ ઉલ્લાસથી શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો નીચલો શ્લોક મનમાં બોલી રહ્યા.

अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते ।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥

પેલો મારવાડી વાણીઓ તો આ બનાવ જોઈને ઝંખવાણોજ પડી ગયો. પોતાની વર્તણૂંકને માટે તે સ્વામીજી પાસે માફી માગવા લાગ્યો અને સ્વામીજીના પગની રજ લઈને પોતાને શિરે ચઢાવી.

વળી એક બીજીવાર રજપુતાનામાં થઈને સ્વામીજી જતા હતા, તે વખતે પણ એક રમુજી બનાવ બન્યો હતો. તે બનાવ સ્વામીજીની હિંમત અને હસમુખા સ્વભાવનો એક નમુનો છે. તે આગગાડીમાં જતા હતા. તેમના ખાનામાં બે અંગ્રેજો હતા. સ્વાભાવિક રીતે જ તેઓ દેશીઓ પ્રત્યે તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. સ્વામીજીને તેઓ એક અજ્ઞાની સાધુ ધારીને તેમની મશ્કરી કરવા લાગ્યા. તેઓ અંગ્રેજીમાં વાત કરતા હતા અને સ્વામીજી અંગ્રેજી સમજતા નહિ હોય તેમ ધારીને હસતા હતા. સ્વામીજી ગુપચુપ બેસી રહીને એક સાધુને છાજે તેમ તેમના બોલવાની દરકાર કરતા નહોતા. આગળ જતાં ગાડી એક સ્ટેશન આગળ ઉભી રહી અને ત્યાંના સ્ટેશન માસ્તર પાસે સ્વામીજીએ પીવાનું પાણી માગ્યું. તે માસ્તર તેમનો મિત્ર હતો. અંગ્રેજી ભાષામાં પાણી માગતા જોઈને પેલા અંગ્રેજો મનમાં સમજ્યા કે સ્વામીજીએ અંગ્રેજીના બે ચાર શબ્દો ગોખી રાખ્યા હશે; તેથી પાછી ફરીથી તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા. સ્વામીજી તો જાણે કે કંઈ જાણતાજ ન હોય તેમ ગુપચુપ બેસીજ રહ્યા; પરંતુ અંગ્રેજો હદપાર જવા લાગ્યા ત્યારે સ્વામીજીએ મૌનનો ત્યાગ કર્યો. પેલા અંગ્રેજો હવે મનમાં સમજ્યા કે આ સાધુને તો અંગ્રેજી સારી પેઠે આવડે છે અને આપણે જે જે બોલ્યા હતા તે સઘળું તે સમજ્યા છે; તેથી તેઓ જરાક ગભરાયા અને સ્વામીજી આટલો વખત મૌન કેમ ધારણ કરી રહ્યા હતા તેનું કારણ પૂછવા લાગ્યા. સ્વામીજી શાંતપણે પણ ઘણાજ જુસ્સા, હિંમત અને ટોળથી અંગ્રેજીમાંજ બોલી ઉઠ્યા : “હું આ પહેલીજવાર મૂર્ખાઓને જોઉં છું એમ નથી !” આ અંગ્રેજો સ્વામીજી સાથે લડવાને પણ ચૂકત નહિ; પરંતુ સ્વામીજીનો જુસ્સો અને મજબુત શરીર જોઈને તેઓ દબાઈ ગયા અને સ્વામીજીની માફી માંગી.

એક વખત સ્વામીજી આગગાડીમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના ખાનામાં એક થીઓસોફીસ્ટ બેઠેલો હતો. તે તેમને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યો. “તમે હિમાલયમાં ગયા છો ? તમે અમુક અસલી મહાત્માઓ કે જેઓ આ જગતની ઉપર કાબુ અને દેખરેખ રાખે છે તેમને જોયા છે ? તેઓ અદ્‌ભુત અમાનુષી શક્તિઓ ધરાવે છે ને શરીરમાંથી નિકળી જઈને જગતમાં ગમે ત્યાં વિચરે છે.” સ્વામીજી જરાક ટોળ કરવાને તેની હાએ હા ભણવા લાગ્યા. થીઓસોફીસ્ટ આગળ જતાં પૂછવા લાગ્યા. “આ યુગનો અંત કયારે આવશે, તે વિષે મહાત્માઓએ કંઈ કહ્યું છે ?” સ્વામીજીએ કહ્યું કે “મહાત્માઓની જોડે તેમને બધી વાત થયેલી છે. આ યુગનો અંત ક્યારે આવશે અને સત્યુગને સ્થાપવાને મહાત્માઓ શું શું કરશે તે પણ તેમણે કહેલું છે.” થોડીકવાર આ પ્રમાણે ચાલ્યા પછી સ્વામીજીએ પોતાનો ખરો અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. તેમનો સ્વભાવ આનંદી હતો અને તેથી ક્ષણવાર માનવજાતિની ભૂલો જાણવામાં તે આનંદ લેતા અને હસતા. પણ પછીથી દયા લાવીને ખરો અભિપ્રાય દર્શાવતા અને સર્વેની ભૂલો સુધારતા. તેઓ બોલ્યા : “તમે વિદ્યા અને જ્ઞાનનો આટલો બધો ગર્વ ધરાવો છો, છતાં આવી જંગલી અને વિચિત્ર વાર્તાઓને અંધશ્રદ્ધાથી એકદમ કેમ માની લ્યો છો ?” પેલો માણસ ઠપકો સાંભળી રહ્યો.

“તમારે તમારી વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખરી ધાર્મિકતાને અમાનુષી શક્તિઓ જોડે સંબંધ નથી. તેના આગળ તો એ શક્તિઓ મદારીના ખેલ જેવી તુચ્છ છે. એવી અમાનુષી શક્તિઓને (સિદ્ધિઓને) ધારણ કરનાર મનુષ્ય વાસનાઓને આધીન અને અહંકારી (અનાત્મામાં આત્મબુદ્ધિવાળો) હોય છે. ખરા ચારિત્ર્યને સંપાદન કરવું એજ સાચી ધાર્મિકતા છે. લૌકિક વસ્તુઓ અને અમાનુષી સિદ્ધિઓની વાસનામાંથી મુક્ત થવામાંજ તે સમાયેલી છે. જીવનના મહા પ્રશ્નોની આગળ એ અમાનુષી શક્તિઓ અતિશય અંતરાયકારક અને તુચ્છ છે; તેમને મેળવવાનો પ્રયાસ કરવો એ મિથ્યા શ્રમ અને મોટું અજ્ઞાન છે. સ્વાર્થીપણાની તે નિશાની છે અને આખરે તે માનસિક અને શારીરિક અધમતાનેજ પ્રાપ્ત કરાવે છે. આ અધમ વસ્તુની લાલચેજ આપણી સઘળી પ્રજાને ખરાબ કરી મૂકેલી છે. તમારી આસપાસ જીવનનાં મહાસત્યો પ્રસરી રહેલાં છે. તેમના તરફ લક્ષ કરો. તમારાં ગીતા અને ઉપનિષદ જેવા અપૂર્વ ગ્રંથોનો અભ્યાસ કરો. તમારા મહાન પૂર્વજો – ઋષિમુનીઓ માનવજીવનના જે સર્વોચ્ચ આદર્શ સમજાવી ગયા છે તેને લક્ષમાં ઉતારો. તેને સાધ્ય કરવાના જે સાદા સીધા અને સ્વાભાવિક માર્ગો તેમણે દર્શાવ્યા છે તેનું અવલંબન કરો. ગોરી ચામડી અને અંગ્રેજી ગોટપીટથી મોહાઈ જઈ, જેના તેના પંજામાં ફસાઈ જઈ, અક્કલ ઉપર અંધશ્રદ્ધાના પત્થરના થર ઉપર થર ન ચડાવ્યા જાઓ. અત્યારે આપણા લોકોની સામાન્ય સ્થિતિ કેવી થઈ પડી છે તે તરફ પણ લક્ષ્ય આપો.”

“અત્યારે તો આપણને બુદ્ધિ, વ્યવહારિકતા, જાહેર હિંમત અને ખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરાવે, આપણને મનુષ્ય બનાવે અને આપણને આપણા ઉપર આધાર રાખવાની શક્તિ પ્રાપ્ત કરાવે એવા ધર્મ અને તત્ત્વજ્ઞાનની જરૂર છે. અત્યારે તો આપણામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરે, સ્વમાનની લાગણી જગાડે અને આપણી આસપાસના ગરિબ લોકોને કેળવવાનું અને તેમનું દુઃખ ટાળવાને શક્તિમાન કરે એવા ધર્મની આપણને જરૂર છે. અત્યારે જ્યારે તમારી આસપાસ લોકો ભુખમરાથી મરી જાય છે અને અજ્ઞાનમાં સડે છે ત્યારે તમે હિમાલયમાં વસનારા એક મહાત્માને મળીને શું કરશો ? તમારે જો ઇશ્વરનાં દર્શન કરવા હોય તો મનુષ્યોની સેવા કરો. તમારે જો શક્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારા ભાઈઓની સેવા કરો.” પેલો માણસ સ્વામીજીના કહેવાનો ભાવાર્થ સમજી ગયો. તેણે ખાત્રી આપી કે હવેથી તે તેમના બોધનેજ અનુસરશે.

ધર્મને નામે વહેમમાં અને નવા નવા ધતિંગોમાં ફસી પડીને આલસ્ય અને પ્રમાદમાં પોતાનો સમય ગાળનારા કે ચમકારાની અને સિદ્ધિઓની શોધમાં પોતાનું જીવન વ્યતીત કરનારા અને પુરૂષાર્થહીન થઈ આત્માની ઉચ્ચ શક્તિઓને ગુમાવી બેસનારા પુરૂષોને જોઈને સ્વામીજીને ઘણોજ કંટાળો આવતો.

એક દિવસ સ્વામીજીએ ગિરીશબાબુને નીચેનો બનાવ કહી સંભળાવ્યો હતો.

“મારા પ્રવાસમાં એક વખત હું એક ગામ (ખેત્રી) માં હતો. ત્યાં હજારો લોકો મારી પાસે આવતા અને મને પ્રશ્નો પૂછતા. કેટલીક વાર તો મને ખાવા પુરતો પણ વખત મળતા નહિ, તેમ ખાધા પીધાની ખબર પણ કોઈ પૂછતું નહિ. એક રાત્રે જ્યારે બધા માણસો વેરાઈ ગયા ત્યારે એક ગરિબ માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો : “સ્વામીજી, તમે ભુખ્યા છો એ જોઈને મને ઘણું દુઃખ થાય છે. તમે બહુ થાકી ગયા હશો અને તમે બહુ ભુખ્યા થઈ ગયા હશો.” મેં તેને પૂછ્યું : “તું મને કંઈ ખાવાનું આપી શકીશ ?” તે માણસે જવાબ આપ્યો : “સ્વામીજી, ઘણુંએ મન થાય છે, પણ મારા હાથે બનાવેલી રોટલી હું તમને શી રીતે આપી શકું ? તમે મને રજા આપો તો હું લોટ વગેરે લાવું અને તમે તમારે હાથે બનાવો ! ” તે વખતે સંન્યાસી તરીકે હું અગ્નિને અડકતો નહોતો અને તેથી મેં તેને કહ્યું “તમે તમારા હાથની બનાવેલી લાવો. હું તે ખુશીથી ખાઈશ !” આ સાંભળીને તે માણસ ડરવા લાગ્યો. તે માણસ ખેત્રીના રાજાની રૈયત હતો. જો રાજા એમ જાણે કે એક મોચીએ પોતાને હાથે બનાવેલી રોટલી એક સંન્યાસીને ખવરાવી તો તેને રાજ્યમાંથી કહાડી મૂકે કે કોઈ શિક્ષા કરે એમ માણસ મનમાં વિચારવા લાગ્યો. મેં તેને કહ્યું કે તેણે જરાએ બ્હીવું નહિ અને રાજા તને જરાએ શિક્ષા કરશે નહિ. તેને મારા કહેવા ઉપર વિશ્વાસ આવ્યો નહિ. છતાં તેનું અંતઃકરણ ઘણું જ દયાળુ હતું તેથી તે પોતાને હાથે રોટલી બનાવીને લઈ આવ્યો. મને શંકા છે કે દેવાધિદેવ ઇંદ્રે એક અમૃતનો પ્યાલો લાવીને મારી આગળ મૂક્યો હોત તો તે પણ તેનાથી વધારે સ્વાદિષ્ટ અને લાગત નહિ ! પ્રેમ અને આભારથી મારી આંખમાં આંસું આવી ગયાં. મેં મનમાં વિચાર કર્યો: “આવાં વિશાળ હૃદયવાળાં હજારો મનુષ્યો ઝુંપડાંઓમાં વસી રહેલાં છે અને આપણે તેમને હલકી જાતના અને અસ્પૃશ્ય ગણીને ધિક્કારીએ છીએ !” પાછળથી જ્યારે રાજાની જોડે મારે બરાબર ઓળખાણ થઈ ત્યારે મેં તેમને આ ઉમદા વાત કહી. રાજાએ તેને પોતાની સમક્ષ બોલાવ્યો. તે માણસ બ્હીતો બ્હીતો ત્યાં આવ્યો અને રાજા સખત શિક્ષા કરશે એમ મનમાં ધારવા લાગ્યો. પણ રાજાએ તેની પ્રશંસા કરી અને તેની અનેક ઇચ્છાઓ પુરી પાડી.”

અવલોકન શક્તિ અને વિવેક વિચારાદિથી અલંકૃત થયેલા સાધુનું જીવન અમૂલ્ય શિક્ષણની શાળા છે. આવા સાધુઓ દેશના ઇતિહાસ અને ભૂગોળનાં જીવંત સ્વરૂપ હોઈ અજ્ઞાનમાં ઉછરી રહેલા સામાન્ય વર્ગોને તેઓ શિક્ષણ પુરું પાડે છે. સ્વામી વિવેકાનંદે પોતાના પ્રવાસનો પુરેપુરો લાભ લઈને ભારતવાસીઓને ઉત્તમ શિક્ષણના ભોક્તા કરેલા છે. સ્વદેશ પ્રત્યે તે પોતાનું કર્તવ્ય બજાવતા, પણ તેમનો અંતરાત્મા સર્વદા સાધુઓના ઉચ્ચ આદર્શ-બ્રહ્મમયતા તરફજ વળેલો રહેતો. વખતો વખત તેઓનું ચિત્ત એકાગ્ર બની જઈ સર્વ વ્યાપક પરબ્રહ્મના ધ્યાનમાં તન્મય બની જતું અને જગતનું ભાન તેઓ ભૂલી જતા. જગતના ભાન દરમ્યાન પણ સર્વ વૃત્તિઓના સાક્ષીભાવનું સ્ફૂરણ વખતો વખત થયા કરીને શુદ્ધ સંન્યાસવૃત્તિ તેમના અંતઃકરણમાં તરી આવતી. તે વખતે તેઓ બીજી સર્વ બાબતોને જતી કરીને એકાંતમાં પરબ્રહ્મનું ધ્યાન કરવાનીજ ઇચ્છા કરી રહેતા. દંડ અને કમંડલું લઈને પગે ચાલતાં ચાલતાં તે જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિરક્તિના મસ્ત ભાવ તેમના હૃદયમાં ઉછળી રહેતા અને તેમનું ચિત્ત ગુરૂ, ઇશ્વર કે આત્માના વિચારમાં જોડાઈ જતું. સ્વામીજીને પ્રભાતના અને સાયંકાળના શાંત સમયમાં ફરવાનું ઘણું ગમતું અને તે સમયે અરણ્યો અને મેદાનમાં પ્રસરી રહેલી શાંતિ તેમના તત્વચિંતક હૃદયમાં અનેક સત્યોને જાગૃત કરતી. વારંવાર તે કોઈ નદીને કિનારે કે વૃક્ષોની ઘટામાં જઈને બેસતા અને આત્મચિંતન કરતા. પરંતુ સ્વામીજીને હાથે જે મહાન કાર્ય થવાનાં હતાં તેને લીધે તેમના આત્મચિંતનના શાંત સમયમાં પણ જાણે કે તેમની આધ્યાત્મિક શક્તિઓ અને તેમનો દયાળુ સ્વભાવ તેમને જનસેવાના પ્રવાહમાં ઘસડતો હોય એવું તેમને લાગતું હતું. તેમને વારં વાર લાગી આવતું કે તેમણે મેળવેલાં આધ્યાત્મિક જ્ઞાન અને અનુભવો માત્ર તેમને પોતાનેજ માટે નથી; પરંતુ તેમણે તેને બીજાઓને દાન કરવાનું છે. શ્રી રામકૃષ્ણદેવ પણ તેમજ કહેતા હતા.

સ્વામીજીનો નિશ્ચય ધીમે ધીમે દ્રઢ થતો ગયો કે પાશ્ચાત્યોને સનાતન ધર્મનું રહસ્ય સમજાવ્યા વગર તેમના મનની લોકહિતની ધારણાઓ પાર પડનાર નથી.

આ વખતની તેમની માનસિક સ્થિતિ વિષે તેમના એક ગુરૂભાઈ લખે છે કે “નવી નવી માહિતી મેળવવાને તે હમેશાં પ્રયાસ કરી રહ્યા હતા. અનેક વિચારોને તે એકઠા કરતા, તેમની તુલના કરતા, દરેક જીલ્લાના ધાર્મિક અને સામાજિક સિદ્ધાંતોથી પોતાના મતિષ્કને ભરી દેતા. હિંદુજીવનમાં જણાતી ભિન્નતાઓમાં એકતા ખેાળી કહાડવાનો તે પ્રયાસ કરતા. હિંદુ પ્રજાના રીતરિવાજો અને દંતકથાઓમાં દૃશ્યમાન થતા બાહ્ય વિરોધમાં આધ્યાત્મિક એકતાને રહેલી તેઓ જોતા. આલમોરાથી તે કન્યાકુમારી સુધી પ્રવાસ કરતાં તેમને માલમ થયું હતું કે જો કદી હિંદુસ્તાનનો ઉદ્ધાર થશે તો તે તેની ધાર્મિકતા–આધ્યાત્મિકના ઉદ્ધારદ્વારાજ થશે. ભારતની તે સ્વાભાવિક અને રગે રગે વ્યાપી રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરો, પ્રજામાં તેના સ્વરૂપનું ભાન ઉત્પન્ન કરો, એટલે તે ભાન અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ-ધાર્મિક, સામાજીક, ઔદ્યોગિકરૂપમાં પ્રગટ થઈ પ્રજાને એક કરી મૂકશે. આધ્યાત્મિકતા એટલે નિવૃત્તિમાર્ગ એવો અર્થ સ્વામીજી કરતા નહોતા; પણ શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં વર્ણવેલા નિષ્કામ સ્વધર્માનુષ્ઠાનરૂપી કર્મયોગને જ તેઓ પ્રાધાન્યપદ આપતા. મનુષ્યે કર્મવીર થવાનું છે એમ તે કહેતા. આધ્યાત્મિકતાનો તે બહોળા અર્થ કરતા. વળી અદ્વૈતવાદ અને ઇસ્લામીઓના સુફીવાદના સિદ્ધાંતો વચ્ચે ઘણીજ સામ્યતા રહેલી છે અને એ સામ્યતા સમજાવવાથી ઈસ્લામીઓ અને હિંદુઓ વચ્ચે ભ્રાતૃભાવની લાગણી વધશે એ બોધ તે કરતા. આ પ્રમાણે ધર્મના ઉંડા જ્ઞાનના પ્રચારથી બાહ્ય ધાર્મિક ભેદો નષ્ટ થઈને સર્વ માતૃભૂમિના ઉદ્ધારના કાર્યમાં જોડાશે એમ તે દૃઢપણે માનતા.