સ્વામી વિવેકાનંદ/મદ્રાસ અને હૈદ્રાબાદ

વિકિસ્રોતમાંથી
← સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો સ્વામી વિવેકાનંદ
મદ્રાસ અને હૈદ્રાબાદ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન →


પ્રકરણ ૩૧ મું-મદ્રાસ અને હૈદ્રાબાદ.

સને ૧૮૮ર ની સાલના છેલ્લા દિવસોમાં સ્વામીજી કન્યાકુમારીથી મદ્રાસ જવા નીકળ્યા. એકવાર ફરીથી તે દરીઓ તરીને પેલે પાર ઉતર્યા. પછીથી પગે ચાલીને પોન્ડીચેરી ગયા.

પોન્ડીચેરીમાં સ્વામીજીને મદ્રાસના ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ ભટ્ટાચાર્ય સાથે મેળાપ થયો. તેમણે સ્વામીજીના આવવાની વાત માઇસોર લખી મોકલી અને ત્યાંથી તેમના મિત્રે મદ્રાસ ખબર મોકલી. આથી કરીને સ્વામીજી જ્યારે મદ્રાસ ગયા ત્યારે આખા નગરમાં વાત ચાલી રહી કે એક અંગ્રેજી ભણેલો પ્રસિદ્ધ સંન્યાસી નગરમાં આવ્યો છે. માણસોનાં ટોળે ટોળાં તેમને મળવાને આવવા લાગ્યાં. કેટલાક ખરેખરા જિજ્ઞાસુઓની એક મંડળી તેમની પાસે આવી અને તેમને પ્રશ્નો પૂછવાની ઈચ્છા બતાવી. તેમની સાથે ધર્મ, માનસશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, સાહિત્ય અને ઇતિહાસ ઉપર અનેક ચર્ચાઓ ચાલી રહી. એક માણસે તેમને પ્રશ્ન કર્યોઃ “સ્વામીજી, અદ્વૈતવાદને હિંદુઓ માને છે તો પછી તેઓ મૂર્તિને કેમ પૂજે છે?” સ્વામીજીએ જવાબ આપ્યો “તેનું કારણ એ છે કે આપણી દૃષ્ટિ સામે હિમાલય આવી રહેલ છે.” સ્વામીજીના કહેવાનો ભાવાર્થ એ હતો કે પોતાના અંતરાત્માને હલાવી મૂકે એવી ભવ્ય સૃષ્ટિ સૌંદર્યથી પરિવૃત થયેલો હિંદ તેને નમ્યા વગર કે પૂજયા વગર કેમ રહે ! ધાર્મિક સત્ય માનવજાતિના વિકાસ સાથે ઉત્કટ સંબંધ ધરાવે છે. સમસ્ત પ્રકૃતિ તરફ મનુષ્ય જે વલણ ધરાવે છે તેની સાથે ધર્મ સંબદ્ધ થઈ રહેલો છે. અખિલ વિશ્વમાં દૃશ્યમાન થતાં સૌંદર્ય, સૌમ્યતા અને ગૌરવને ઉચ્ચ મનોભાવથી નિહાળવાને મનુષ્ય હૃદય ઇચ્છા કરે છે. વળી પ્રતિમા પૂજા અને ચિત્તની એકાગ્રતા વચ્ચે એક પ્રકારનો ખાસ સંબંધ પણ રહેલો છે. ધર્મ મનુષ્યની પ્રકૃતિ સાથેજ બંધાઈ રહેલો છે. મનુષ્યે કાંઈ ધર્મને ઉત્પન્ન કર્યો નથી, પણ તેની તેને પ્રેરણા થયેલી છે. તે તેનો કર્તા નથી, પણ દૃષ્ટા છે. સ્વામીજીએ પોતાના સઘળા વિચારો માનસશાસ્ત્રનાં પ્રમાણથી સાબીત કર્યા. તેમણે ધર્મની શ્રેષ્ઠતા સમજાવી અને અધ્યાત્મવિદ્યા એક સંપૂર્ણ વિદ્યા છે એમ દર્શાવ્યું.

સ્વામીજીને મળવા આવનાર માણસોમાંના કેટલાક નાસ્તિક હતા; કેટલાકને ધર્મમાં અનેક શંકાઓ હતી. કેટલાક માત્ર તેમને જોવાનેજ આવતા. કેટલાક તેમની પરિક્ષા કરવાને અને તેમના વિચારોને તોડવાનેજ આવતા. સ્વામીજી સાથે ચર્ચા ચાલતાં તે સઘળાઓના મનનું સમાધાન થઈ જતું અને તેઓ આશ્ચર્ય પામતા.

સ્વામીજી કોઈ દિવસ કાળીદાસ, વાલ્મીકી કે ભવભૂતિ વિષે વિવેચન કરતા, તો કોઈ દિવસ બાયરન, શેકસ્પીઅર, હોમર કે વર્જીલ વિષે તેટલાજ ઉંડાણથી સમજાવતા. કોઈવાર તેઓ ટ્રોજનો અને પાંડવોની વાતો કરીને હેલન અને દ્રૌપદીનાં ચારિત્ર્યનો ભવ્ય ચિતાર આપતા, તો કોઇવાર ગ્રીક પ્રજાનાં કળા અને શિક્ષણમાં રહેલી ગૂઢ વિચારસૃષ્ટિનો તે પુરેપુરો ખ્યાલ આપીને તેને હિંદુ વિચાર અને શિક્ષણના આધ્યાત્મિક લક્ષ્ય સાથે સરખાવતા. હિંદુઓના તત્ત્વ જ્ઞાન વિષે વાત ચાલતાં શ્રોતાઓનાં મન તે અપૂર્વ સત્યના શ્રવણથી કોઈ અલૌકિક સૃષ્ટિમાં વિચરવા લાગી આનંદમાં તરબોળ બની જતાં.

સ્વામીજીનો પ્રૌઢ અને મિષ્ટ અવાજ, તેમનાં ભજનો, તેમનું આત્મબળ, તેમની પ્રબળ બુદ્ધિ, તેમના યુક્તિસર હાજર જવાબ, તેમનો આનંદી સ્વભાવ, તેમનાં દૃષ્ટાંતો અને વાક્ચાતુર્ય–આ સર્વથી શ્રોતાજનોનાં હૃદય તેમના પ્રતિ આકર્ષાઇ રહ્યાં. દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધતી ગઈ. રા. ભટ્ટાચાર્યને ઘેર સ્વામીજી ઉતર્યા હતા. તેમનું ઘર શ્રેતાઓથી ભરપૂર રહેવા લાગ્યું. સ્વામીજીમાં એક પ્રકારની નમ્રતા હતી, પણ તેની સાથે તેમનામાં જાહેર હિંમત અને સ્વશક્તિનું ભાન હતું. શ્રોતાજનોના ઉપર જાણે કે આકાશમાંથી એક વાદળ તૂટી પડતું હોય તેમ તેમના જવાબ તૂટી પડતા અને સર્વને પોતાના પ્રવાહમાં ઘસડી જતા. સ્વામીજીનામાં કોઈ પણ જાતનો દંભ નહોતો. પ્રાચીન ગુરૂઓની માફક તે કોઈ પણ જાતના પ્રતિબંધ વગર સર્વેને બોધ આપતા. કોઈને તે કટુ વચન કહેતા નહોતા, પણ ટીકા કરવાની આવશ્યકતા હોય તો તે કર્યા વગર પણ રહેતા નહોતા. એક પંડિતે તેમને પ્રશ્ન પૂછ્યો “પ્રાતઃ, મધ્યાન્હ અને સાયંકાળમાં સંધ્યાવંદનાદિ ન કરીએ તો ન ચાલે? અમને વખત મળતો નથી.” સ્વામીજી એકદમ ઝનુનમાં આવી ગયા અને જવાબ આપવા લાગ્યાઃ “શું ! આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ જે અનેક કાર્યો કરી રહ્યા હતા અને બુદ્ધિ અને જ્ઞાનમાં જેમની આગળ તમે માત્ર પતંગીયાં જેવાજ છો, તેમને વખત હતો અને તમારે નથી ?” પાશ્ચાત્ય રિવાજોને પસંદ કરનારો એક હિંદુ સુધારક વૈદિક ઋષિઓનું ઘસાતું બોલવા લાગ્યો અને તેમના ઉપદેશોને અર્થ વગરના ગણવા લાગ્યો. સ્વામીજી એકદમ તેના ઉપર પૂર્ણ જુસ્સાથી વાક્પ્રહાર કરી રહ્યા. તે બોલ્યાઃ “અલ્પ જ્ઞાનથી ભાઇ, તમારું મગજ ખરાબ થઈ ગયેલું છે. તમે તમારા પૂજ્ય બાપદાદાઓ ઉપર ટીકા કરવાની હિંમત શી રીતે કરી શકો છો ? આ પ્રમાણે બોલીને તમે તમારી નસોમાં તમારા બાપદાદાઓનું જે લોહી વહી રહેલું છે તેને વગોવો છો, ઋષિઓની પ્રાચીન વિદ્યાની તમે કદી પરિક્ષા કરી છે ? તમે વેદો વાંચ્યા છે ? ઋષિમુનિઓએ પોતાની વિદ્યાને સર્વ માટે ખુલ્લી મૂકી છે. તેમના ઉપદેશોની પરિક્ષા કરો અને તે તમને જરાએ અપૂર્ણ જણાશે નહિ. તમારા જેવા કેળવાયલાઓના આવા દુરાગ્રહ અને એકપક્ષી જ્ઞાનને લીધેજ હિંદુ પ્રજા આજે તિરસ્કારને પાત્ર બની રહી છે.”

સાયંકાળના સમયમાં સ્વામીજી ફરવાને માટે જતા અને સમુદ્ર કિનારે જઈને બેસતા. ત્યાં માછીઓનાં અડધાં ભૂખે મરતાં કંગાલ છોકરાંઓને પોતાની માતા સાથે કેડ સુધી પાણીમાં કામ કરતાં જોઇને એક વખત સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયાં અને તે બોલ્યા : “પ્રભુ ! તું આવાં કંગાલ મનુષ્યોને શા માટે ઉત્પન્ન કરે છે ? મારાથી તેમને જોઇ શકાતાં નથી. પ્રભુ ! ક્યાં સુધી ! કયાં સુધી !” તેમની સાથેના મનુષ્યોને પણ સ્વામીજીની લાગણી જોઈને અશ્રુ આવી ગયાં. તે મનુષ્યો મદ્રાસના યુવાનો હતા. તેમનાં અંતઃકરણમાં સ્વામીજીએ દૃઢ સ્વદેશભક્તિ અને પ્રભુપ્રેમનો વાસ કરાવ્યો હતો. અહીં અનેક વિષય ઉપર વાતચિત ચાલતી હતી. સ્વામીજી સર્વેનાં અંતઃકરણમાં ધર્મના પ્રચારની આવશ્યકતા, સામાન્ય અને ગરિબ વર્ગોની કેળવણી, વગેરે વિષયો દૃઢીભૂત કરતા હતા. તે કહેતા કે “યુગની સિદ્ધિઓ કે ચમત્કારોને માટે કદી ઈચ્છા કરતા નહિ. તમારા મોક્ષની પણ પરવા નહિ કરતાં બીજાઓની મુક્તિને માટે પ્રયાસ કરે. ધર્મનો પુનરોદ્ધાર કરો. આ તત્વજ્ઞાનને અખિલ વિશ્વમાં ફેલાવો. એશિઆની વિદ્યાનું હિંદ કેન્દ્રસ્થાન છે અને હિંદુ પ્રજાની પુનઃ વ્યવસ્થા કરવાની અને ધર્મને પુનઃ સ્થાપવાની ફરજ ભારતવર્ષના યુવાનોને સાથે રહેલી છે.”

એક વખત સાયંકાળના સમયમાં સ્વામીજીના માનમાં એક મોટી મિજલસ ભરવામાં આવી હતી. મદ્રાસના સઘળા કેળવાયેલા પુરૂષો ત્યાં હાજર હતા. ઘણા માણસો સ્વામીજીની અગાધ બુદ્ધિથી અંજાઈ ગયા હતા. કેટલાક વિદ્વાનોની એક મંડળી તે વખતે ત્યાં એકઠી થઈ અને તેણે સ્વામીજીને વાદવિવાદમાં હરાવવાનો નિશ્ચય કર્યો. સ્વામીજીએ સર્વને જણાવ્યું હતું કે તે અદ્વૈતવાદી છે. પેલી મંડળીએ તેમને સવાલ પૂછ્યોઃ “તમે કહો છો કે તમારા આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ નથી, તો પછી તમે કંઈ પણ ખરાબ કૃત્ય કરો તેમાંથી તમને અટકાવનાર કોઈ છેજ નહિ.” સ્વામીજીએ જવાબ આપ્યોઃ “જો હું પ્રમાણિકપણે એમ માનતા હોઉં કે હું અને સર્વવ્યાપી પરમાત્મા એકજ છીએ, તો પછી મારે પાપ કરવાની જરૂરજ રહે નહિ અને તેમ થતાં મને અટકાવનારની પણ જરૂર નજ રહે.”

થોડા સમયમાં સ્વામીજીના અગાધ જ્ઞાન વિષેની વાત આખા મદ્રાસમાં પ્રસરી રહી. એક દિવસ મદ્રાસના કેટલાક ઝનુની યુવાનો જેમને ડો. ડંકન જેવાઓએ માત્ર મિલ, બેઇન અને હર્બર્ટ સ્પેન્સરનાજ સિદ્ધાંતો ખરા છે એમ સમજાવ્યું હતું, તેમની સાથે ટ્રીપ્લીકેનની સાહિત્ય સભામાં સ્વામીજીએ અનેક વિષયો ઉપર ચર્ચા ચલાવી. તેઓ સઘળા સુધારક પક્ષના હતા. સ્વામીજીને ખબરજ હતી કે તેમનો સુધારો ખોટું જ કાર્ય કરી રહેલ છે. જુના વિચારવાળાને તેઓ માત્ર તિરસ્કારજ કર્યા કરે છે. ઘણી વાતો કરીને સ્વામીજીએ આ સઘળા યુવાનોના હૃદયમાં ઠસાવ્યું કે તેમણે સુખેથી પાશ્ચાત્ય આદર્શોનો બારીકીથી અભ્યાસ કરવો; તેમનું પૃથક્કરણ કરવું; પરંતુ તે પહેલાં તેમણે પોતાના પૂર્વજોના તત્વજ્ઞાન અને આદર્શોનો પણ અભ્યાસ અવશ્ય કરવો જોઇએ. તેમ કર્યા સિવાય માત્ર પાશ્ચાત્ય શિક્ષણથી જ અંજાઈ જઈને તેને અનુસરવા માંડવું જોઈએ નહિ. પ્રાચીન સમયના સિદ્ધાંતો અને સમાજ નિયમોમાં જે કંઈ મહત્ત્વનું લાગે તેને આધુનિક સમયમાં પાયા તરીકે ઉપયોગમાં અવશ્ય લેવું જોઈએ, તેમ નહિ કરવામાં આવતાં આપણી પ્રજારૂપી ઇમારતના પાયાઓનો સમૂળો નાશ થઈ જશે. સ્વામીજીએ તેમને સમજાવ્યું કે તે સુધારાના શત્રુ નથી; તેઓ તો ઉલટો સુધારો માગે છે. પણ તેમનો સુધારો એ આંતર વૃત્તિઓને સુધારે છે, નહિ કે માત્ર બાહ્ય સુધારો. વળી ખરો સુધારો સર્વ જુની બાબતોને ખરાબ માની તેનો નાશ કરવામાં સમાયલો નથી, પણ જુના ઉપર નવીન ઇમારત ચણવામાંજ રહેલો છે.

મદ્રાસના યુવાનોએ જ્યારે સ્વામીજીમાં તેમનાથી કદી ન મેળવી શકાય એવી વક્તૃત્વશક્તિ, અંગ્રેજીનું ઉંડું જ્ઞાન અને પાશ્ચાત્ય તથા આર્ય તત્ત્વજ્ઞાનનો બારીક અભ્યાસ જોયાં ત્યારે તેઓ સઘળા સ્વામીજીને ચરણે નમી રહ્યા.

એકવાર મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજના સાયન્સના આસિસ્ટંટ પ્રોફેસર શીંગારાવેલુ મુડેલીઅર તેમની પાસે આવ્યા. તેઓ ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતોનો સ્વીકાર કરતા અને હિંદુ ધર્મ ઉ૫ર ટીકાઓ કરતા. તે વાદવિવાદ કરવાને આવ્યા હતા, પણ એક ક્ષણમાં જ તેમના વિચારમાં ફેરફાર થઈ ગયો અને સ્વામીજીના ચુસ્ત શિષ્ય બની ગયા. પછીથી તેમણે સ્વામીજીનાં કાર્યોમાં ઘણી મદદ કરી હતી અને સંન્યાસ દિક્ષા લઈ સાધુ જીવન ગાળી રહ્યા હતા; તથા આખરે સંન્યાસી તરીકે તેમનું દેહાવસાન થયું હતું. શ્રીયુત વી. સુબ્રહ્મણ્ય આયર કહે છે કે તે એક દિવસ રા. ભટ્ટાચાર્યને ઘેર ગયા હતા. સ્વામીજીની સાથે વાદવિવાદ કરીને તેમને હંફાવવાનો તેમનો વિચાર હતો. તેમના કેટલાક મિત્રો પણ તેમની સાથે આવ્યા હતા. સર્વે તે વખતે ક્રિશ્ચિયન કોલેજમાં ભણતા હતા અને સર્વેનું વલણ ખ્રિસ્ત્તી ધર્મ તરફ વધારે હતું. રા. ભટ્ટાચાર્યના મકાનમાં સ્વામીજી એક સ્થળમાં હુક્કો પીતા પીતા વિચારગ્રસ્ત થઈને જાણે કે અડધા જાગતા હોય અને અડધા ઉંઘતા હોય એમ બેઠેલા જણાતા હતા. તેમનામાંનો એક જણ આગળ આવીને પૂછવા લાગ્યો: “મહારાજ, પરમેશ્વર શી વસ્તુ છે ?” પોતાને પૂછાયો સવાલ પોતે જાણે કે સાંભળ્યો ન હોય તેમ સ્વામીજી હુક્કો ગગડાવ્યાજ હતા. થોડીવાર પછીથી તેમણે પોતાની આંખો પુરેપુરી ઉઘાડી અને જાણે જવાબ આપતા હોય તેમ સામા પૂછવા લાગ્યાઃ “મારા મિત્ર ! તમે શક્તિ ( Energy ) કોને કહો છો ?” સવાલ પૂછનાર માણસને શક્તિની વ્યાખ્યા મોઢે આવડતી હતી, કારણ કે તે વિજ્ઞાનશાસ્ત્રનો અભ્યાસી હતો અને તેથી તે એક પોપટની માફક તે વ્યાખ્યા કડ કડ બોલી ગયો. પણ સ્વામીજીએ તેના જવાબને અનેક સવાલો કરીને તોડી નાંખ્યો. બીજાઓએ તે સમજાવવાનો યત્ન કર્યો, તેમને પણ સ્વામીજીએ સહેલાઈથી હંફાવ્યા. આખરે તેઓએ પોતાની વાત પડતી મૂકી. પછીથી સ્વામીજી જરા ટટાર થઈને બોલવા લાગ્યાઃ “આ શું ! તમારાથી મનુષ્યમાં રહેલા શક્તિ જેવા એક સાદા અને સર્વ ગમ્ય પદાર્થની પણ વ્યાખ્યા આપી શકાતી નથી ! તમે તે શબ્દને હમેશાં વાપરો છો તોપણ તેની યોગ્ય વ્યાખ્યા તમે આપી શકતા નથી અને મને ઈશ્વરની વ્યાખ્યા આપવાનું કહો છો !” પછીથી સ્વામીજીએ ઈશ્વર અને શક્તિ બંનેનો ખ્યાલ એવા તો ઉચ્ચ અને સ્પષ્ટ વિચારોમાં તેમને આપ્યો કે તેઓ સઘળા દંગ થઈ ગયા. તેમના બીજા પણ અનેક પ્રકારના યથાર્થ અને સચોટ ઉત્તર સ્વામીજીએ આપ્યા, પછી સ્વામીજીએ તેમને કહ્યું કે તેમની બુદ્ધિ આડે માર્ગે દોરાઈ ગયેલી છે. પ્રાચીન ઋષિમુનિઓના સિદ્ધાંતોને તોડવામાં તેઓ માત્ર પોતાનું અજ્ઞાન અને મૂર્ખતાજ દર્શાવી રહેલા છે. એ પછી રા. આયરના મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા, પણ તે પોતે તો ત્યાંજ બેસી રહ્યા. સ્વામીજીના જ્ઞાનથી ઘણી ઉંડી અસર તેમના મન ઉપર થઈ હતી. પાછલા પહોરે સર્વે બહાર ફરવા નીકળ્યા અને સમુદ્રને કિનારે જઇને બેઠા. ત્યાં અનેક વિષયો ઉપર વાર્તા ચાલી રહી. સ્વામીજીએ રા. આયરને પૂછ્યું: “મારા મિત્ર, તમે કુસ્તી કરી શકો છો?” વાત હિંદુ પ્રજાની શારીરિક ક્ષીણતા ઉપર ચાલી રહી હતી. રા. આયરે કહ્યું: “હા.” સ્વામીજી બોલી ઉઠ્યાઃ “ચાલો આવો, આપણે કુસ્તી કરીએ !” સ્વામીજીનું શારીરિક બળ અને દાવ પેચની આવડત જોઈને રા. આયર ચકિત થઈ ગયા અને સ્વામીજીને “પહેલવાન સ્વામી” કહીને બોલાવવા લાગ્યા.

શ્રીયુત ભટ્ટાચાર્યને ત્યાં એક રસોઇઓ હતો. તે સ્વામીજીના ઉચ્ચ જ્ઞાનની તો કદર કરી શકતો નહોતો, છતાં પણ તે સ્વામીજીને ઘણુંજ ચહાતો, તેનું કારણ નીચે પ્રમાણે હતું. સ્વામીજીની પાસે ચંદનના લાકડાના બનાવેલો એક હુક્કો હતો. માઇસોરના રાજાએ ઘણા આગ્રહથી એ સ્વામીજીને ભેટ તરીકે આપ્યો હતો. સ્વામીજી પોતાની પાસે કશુંએ રાખતા નહોતા, પણ માઇસોર નરેશે જ્યારે બહુ કહ્યું ત્યારે તેમની યાદગીરી તરીકે એ હુક્કો સ્વામીજીએ સ્વીકાર્યો હતો અને તેને પીતા તે હમેશાં નજરે પડતા હતા. એક દિવસ રા. ભટ્ટાચાર્યને રસોઈઓ તે હુક્કા તરફ એકી નજરે જોઈ રહ્યો. હુક્કો સ્વામીજીના હાથમાં હતો. તેમણે તેને એકદમ પૂછ્યું “તારે આ જોઇએ છે ?” પેલા રસાઈઆએ ધાર્યું કે સ્વામીજી મશ્કરી કરે છે. સ્વામીજીએ ફરીથી પૂછ્યું, પણ પેલો માણસ હા કહેતાં ડરતો હોય તેમ લાગવાથી એકદમ સ્વામીજીએ તે હુક્કો તેના હાથમાં પકડાવી દીધો. પેલો રસોઈઓ ખુશ થઈ ગયો અને સ્વામીજીનો ઉપકાર માનવા લાગ્યો. પોતાની પાસે જે કંઈ હોય તેની જો કોઈ બીજો માણસ ઇચ્છા કરે તો તરતજ તે તેને આપી દેવાનો સ્વામીજીનો સ્વભાવ હતો. હિંદુસ્તાનમાં તીર્થયાત્રા કરતા ત્યારે પોતાની પાસે એક દંડ રાખતા હતા. અમેરિકા ગયા ત્યારે પણ તે દંડને તેઓ ત્યાં લઈ ગયા હતા. સઘળી યાત્રાઓમાં તે પોતાની સાથે હતો એમ ધારીને તેને તેઓ પવિત્ર ગણતા અને બહુ સંભાળથી જાળવી રાખતા. અમેરિકામાં એક યુવાનને તે દંડ ઘણોજ ગમી ગયો અને તે પોતાની પાસે હોય તો ઠીક એવી તેની ઇચ્છા થઈ. સ્વામીજી તેની ઇચ્છા સમજી ગયા અને તરતજ તે દંડ તેને આપીને કહેવા લાગ્યાઃ “તમને જે ગમે તે તમારૂંજ છે.”

મદ્રાસમાં અસંખ્ય મનુષ્યો સ્વામીજીના અનુયાયીઓ બની રહ્યા, ચારે બાજુએથી લોકો તેમની પાસે આવતા અને શ્રી મન્મથનાથ ભટ્ટાચાર્યનું મકાન યુવાન અને વૃદ્ધ, પંડિતો અને સુશિક્ષિત પુરૂષો, સર્વને માટે યાત્રાનું ધામ બની રહ્યું. જેમ જેમ સ્વામીજીની અગાધ બુદ્ધિ, પવિત્રતા અને તેજસ્વીતા લોકોની નજરે આવતી ગઈ તેમ તેમ તેઓ વધારેને વધારે આવવા લાગ્યા. પોતાના પ્રવાસમાં મળેલો અનુભવ અને માહિતી હિંદુ ધર્મનું રહસ્ય સમજાવવામાં તેમને ઘણાં જ ઉપયોગી થઈ પડ્યાં. કેળવાયલા પુષ્કળ યુવાનો તેમના ચુસ્ત શિષ્યો બની રહ્યા. અહિંઆંજ તે ઘણું માન પામી રહ્યા. અહીંજ તેમના સઘળા સિદ્ધાંતોનો ખરેખર સ્વીકાર થતો. પશ્ચિમમાં જવાનો તેમનો નિશ્ચયને અહીં ટેકો મળ્યો અને તેમના મદ્રાસી શિષ્યોએજ મોટું ફંડ એકઠું કરીને અમેરિકા જવાની તૈયારી તેમને કરી આપી. તેમના કાર્યની શરૂઆત જાહેર રીતે અહીં જ થઈ. જ્યારે સ્વામીજી પાશ્ચાત્ય પ્રદેશોમાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે પણ તેમના મદ્રાસી શિષ્યોજ તેમના સિદ્ધાંતને ભારતવર્ષમાં ફેલાવી રહ્યા હતા. તેમના બોધ વડે કરીને આખું મદ્રાસ ગાજી રહ્યું. ત્રણ અઠવાડીયામાં તો સ્વામીજીનું નામ સર્વેનાં મુખમાં રમી રહ્યું.

એ સમય વિષે લખતાં શ્રી. કે. વ્યાસ રાવ, બી. એ. લખે છે કે,

“સ્વામીજી કલકત્તા યુનિવર્સીટિના એક ગ્રેજ્યુએટ હતા. તેમનું મસ્તક સાફ મુંડન કરાવેલું હતું. તેમની મુખમુદ્રા મહા તેજસ્વી હતી. તેમણે સંન્યાસીનાં ભગવાં લુગડાં પહેર્યા હતાં. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાં તેમનું વક્તૃત્વ અસ્ખલિત હતું. તેમની હાજરજવાબી આશ્ચર્યકારક હતી. જાણે કે જગદાત્મા સાથે પોતાનું તાદામ્ય સાધતા હોય તેમ તેઓ ગંભીર ભાવપૂર્વક, ખરા અંત:કરણથી અને ખુલે અવાજે શ્લોકો અને ગાયનો લલકારતા. ભારતવર્ષનાં અનેક સ્થળોએ પ્રવાસ કરીને તે આવ્યા હતા. તેમનું શરીર મજબુત અને આરોગ્ય હતું. અનુપમ હાસ્યથી તેમનું મુખ ભરપુર હતું. આવા એક અસામાન્ય સંન્યાસીને જોઈને આખું મદ્રાસ ખળભળી રહ્યું હતું. આ વેળાએ મદ્રાસમાં થિઓસોફી, તેના મહાત્માઓ અને તેમના ચમત્કારો વિષે મોટી ગરબડ ચાલી રહી હતી. સ્વામીજીને મહાત્માઓ અને તેમના ચમત્કારોની પાખંડી વાતો તરફ તિરસ્કાર હતો. જ્યારે મદ્રાસના લોકોએ જાણ્યું કે એ નવા આવેલા પદ્વીધર સંન્યાસી થીઓસોફીના મહાત્માઓનું અસ્તિત્વ સ્વીકારતા નથી ત્યારે લોકોનાં ટોળે ટોળાં તેમનાં દર્શન કરવાને જવા લાગ્યાં. સ્વામીજી વખતે મિજબાનીમાં પણ ભાગ લેતા અને વખતે હુક્કો પણ પીતા; છતાં તેમની વૈરાગ્યવૃત્તિ જોઈને અને તેમનું ઉત્કૃષ્ટ સદાચરણ નિહાળીને સર્વેના મનમાં તેમના વિષે વિલક્ષણ પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો. સંન્યાસી થઈને સ્વામીજી હુક્કો પીએ છે અને ઉત્તમ પકવાનો પણ ખાય છે, છતાં પણ તે પૂર્ણ વૈરાગ્યશીલ છે, એમ જોઇને સર્વે વિસ્મિત થતા. વૈરાગ્ય વિષે બોલતાં તે એટલા શુદ્ધ અંતઃકરણથી બોલતા કે તેમના શ્રોતાઓ ક્ષણભર વિરક્ત બની રહેતા. વિવાદમાં પણ તે તેટલાજ હુંશિયાર હતા. જ્યારે તે હાસ્યવિનોદ કરવા માંડતા ત્યારે શ્રોતાજનો હસી હસીને થાકી જતા. એક ક્ષણે તેમનો હાસ્યવિનોદ નજરે આવતો અને બીજી ક્ષણે તે ઘણીજ ગંભીરતાથી આત્મા અને પરમાત્મા વિષે ચર્ચા કરી અનુપમ જ્ઞાન દાખવતા નજરે પડતા. આધ્યાત્મિક વિષયમાં સ્વામીજી જે નિપુણતા ધરાવતા હતા તે ઉપરાંત જે ગુણ વડે સર્વેનાં મન ઉપર વધારે અસર થઈ હતી, તે સ્વામીજીનું નિઃસીમ સ્વદેશાભિમાન હતું. સ્વામીજીએ યુવાવસ્થામાં ઘરબારનો ત્યાગ કર્યો હતો અને સર્વ સાંસારિક બંધનોથી મુક્ત થયા હતા; પણ પોતાની માતૃભૂમિ પ્રત્યે તેમનો પ્રેમ કાયમજ હતો. તેમને જો કશી વાતથી દુઃખ થતું હોય તો તે ભારતવર્ષની અવનતિને લીધેજ થતું હતું. તે અવનતિના ઉપાયની કલ્પનાઓ તેમના મનમાં ઉઠતી અને તેમને તેમના શ્રોતાઓ આશ્ચર્યથી સાંભળી રહેતા. હિંદુ તરૂણોની શારીરિક દુર્બળતા જોઈને તેમને અત્યંત ખેદ થતો અને પોતાનાં ભાષણોદ્વારા તેને માટે તે સર્વેની ઝાટકણી કહાડતા. તેમના શબ્દ વિજળીની માફક નીકળતા અને એક શસ્ત્રની માફક શ્રોતાઓ ઉપર પ્રહાર કરતા. તેમના બોધની અસર સર્વેના ઉપર થઈ છે. તેમનો ઉત્સાહ કેટલાકના હૃદયમાં તો પુષ્કળ રેડાય છે અને થોડાંના હૃદયમાં તેમની દૃઢ શ્રદ્ધાની જ્યોતિ અતિશય ઝળહળી ઉઠી છે.”

સઘળાં દર્શનો, આગમો અને યોગની જાણે કે હાલતી ચાલતી મૂર્તિ હોય તેમ સ્વામીજી સર્વને ભાસતા હતા. આર્ય તત્વજ્ઞાનથી તેમનું હૃદય ભરેલું હતું, એટલું જ નહિ પણ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનશાસ્ત્રમાં પણ તે પુરેપુરા નિષ્ણાત હતા. એક પાશ્ચાત્ય વિદ્યામાં પારંગત થયેલો માણસ, જે પાછળથી સ્વામીજીના શિષ્ય બની રહ્યો હતો તે તેમના વિષે લખે છે કે, “તેમની બુદ્ધિના બહોળા વિસ્તારથી હું તો ચકિત જ થઈ ગયો અને તેમના તરફ આકર્ષાયો, ઋગ્વેદથી તે રઘુવંશ પર્યત અને વેદાંતનાં ગહન તત્ત્વોથી તે અર્વાચીન કેન્ટ અને હેગલના સિદ્ધાંતો પર્યત, સઘળું પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કળા, સંગીત અને નીતિશાસ્ત્ર, સર્વેનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કરેલો હતો; તેમના માનસિક પ્રદેશમાં તે સઘળું પ્રત્યક્ષ થઈ રહેલું હતું. પ્રાચીન યોગવિદ્યાનાં ગુહ્ય તત્ત્વોને જેટલી સ્પષ્ટતાથી તે સમજાવતા તેટલીજ સ્પષ્ટતાથી તે આધુનિક સમયની પ્રયોગશાળાની બારિકીઓ સામાના મનમાં ઉતારતા. તેમની બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત થયેલી જણાતી નહોતી. આથી હું ચકિત બની ગયો અને તેમનો દાસ થઈ રહ્યો.”

વળી એક બીજો શિષ્ય લખે છે કે, “ઘણી વખત સ્વામીજીને પોતાના ઉચ્ચ વિચારોના વાતાવરણમાંથી નીચે ઉતરવું પડતું હતું અને તેમને પ્રશ્ન કરનારાઓના અધિકાર પ્રમાણે તેમને સમજુતી આપવી પડતી હતી. વારંવાર પહેલેથીજ તે ક્યા કયા પ્રશ્નો પૂછાશે તે સમજી જતા અને તેમના ઉત્તરો વગર પૂછ્યે આપી જ દેતા અને શ્રોતાઓના મનનું સમાધાન થઈ જતું. પ્રશ્નોને તે શી રીતે જાણી શક્યા એમ જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તે હસતે હસતે જવાબ આપતા કે સંન્યાસીઓ મનુષ્યોના વૈદ્યો છે, અને તેઓ ઔષધિ આપતાં પહેલાં મનુષ્યોના રોગો નજરે જોવાથી પણ પારખી શકે છે.”

ઘણી વખત ઘણા માણસોના વિચારને તે એકદમ જાણી લેતા અને તેમને સર્વેને એકજ વાક્યહારથી ચુપ કરી દેતા. જેમના ઉપર તેમની કૃપા થતી તેમને તે અતિ નમ્ર અને ક્ષમાશીલ દેખાતા, પણ તેમની સંનિધિમાં રહેનાર મનુષ્યને જાણે કે ઝટ સળગી ઉઠે એવા દારૂગોળાની સમીપમાં તે રહેતા હોય એમ સાવચેતીથી રહેવું પડતું, કારણકે જો કદી કોઇના મનમાં કોઈ પણ અપવિત્ર વિચાર સંચાર થાય તો સ્વામીજી તેને એકદમ જાણી જાય અને તેમના મુખ ઉપર એક પ્રકારનો ભાવ જણાઈ રહે. પછી એક પ્રકારના વિચિત્ર હાસ્યથી સ્વામીજી પોતાનો તે ભાવ વાણીમાં પ્રગટ કરે અને વાતચિતમાં તેમના મુખમાંથી તે સંબંધી કેટલાક શબ્દો નીકળી પડે.”

સ્વામીજીએ સર્વેને પોતાનો પશ્ચિમમાં જવાનો વિચાર જણાવ્યો હતો. મદ્રાસમાં તે સર્વેને કહેતા કે “પ્રાચીન ઋષિમુનિઓનો હિંદુ ધર્મ અત્યાર સુધી સ્થાયી થઈ રહેલો છે. તેને ગતિમાન થવાનો વખત હવે આવ્યો છે. હિંદુ ધર્મના પ્રચાર માટે આપણે કમ્મર કસીને સજ્જ થવું જોઈએ. આપણો ધર્મ–કોટ અભેદ્ય છે એમ ખાલી બોલ્યા કરવું અને તેના ઉપર અનેક પ્રહાર થાય તે શું આપણે જોયાજ કરવા ? પ્રાચીન સમયમાં આપણા પૂર્વજો માત્ર પોતાનો બચાવજ કરીને બેસી રહેતા નહોતા. ચઢાઈનું ધોરણ હાથ ધરીને તેમણે આપણા વૈભવશાળી ધર્મનો અનેક દેશમાં પ્રચાર કરેલો છે. પોતાની ન્યાતનું જ કે પ્રાંતનું જ માત્ર અભિમાન ધરીને આપણે એક નાના પાંજરામાં ભરાઈ રહીશું કે અન્ય પ્રજાની વિચારસૃષ્ટિમાં વિચરીને ભારતવર્ષના કલ્યાણને માટે તેમના ઉપર આપણા ધર્મની ઉંડી છાપ પાડીશું? હિંદનો પુનરોદ્ધાર કરવાને તેની સઘળી શક્તિઓને એકત્ર કરવી જોઈએ. આ સઘળું કરવાને માટે જ મેં સંન્યાસ લીધેલો છે.”

સ્વામીજીના વિચારોએ શ્રોતાઓ ઉપર પ્રબળ અસર કરી અને સ્વામીજીને પાશ્ચાત્ય પ્રદેશોની મુસાફરી માટે સઘળાઓએ બહુજ યોગ્ય સમજીને ખર્ચ માટે તેમણે ફંડ ઉઘરાવ્યું, પરંતુ કુંડમાં માત્ર પાંચસો રૂપિયાજ એકઠા થયા.

એ જોઇને સ્વામીજી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે “ભાઈઓ ! માતાજીની ઈચ્છા ઉપરજ મેં સર્વ આધાર રાખેલો છે. જ્યારે તેની મરજી થશે કે મારે પશ્ચિમમાં જવું ત્યારે જરૂરી દ્રવ્ય એની મેળેજ આવી મળશે. માતાજીની સ્પષ્ટ ઇચ્છા જાણ્યા સિવાય પગલું ભરવું નહિ. માટે આ રૂપિઆ ગરિબોને વહેંચી આપો.” સ્વામીજીની આજ્ઞા પ્રમાણે શિષ્યોએ તે રકમ ગરીબોને વહેંચી આપી.

એ પછી થોડા સમયમાં હૈદ્રાબાદથી કેટલાક સંદ્‌ગૃહસ્થો મદ્રાસમાં આવ્યા અને પોતાના શહેરમાં આવવાને સ્વામીજીને પ્રાર્થના કરવા લાગ્યા, સ્વામીજીની કીર્તિ ચારે પાસ ફેલાઈ રહી હતી; તેથી હૈદ્રાબાદના લોકો પણ તેમનાં દર્શન માટે આતુર હતા. લોકો, સરદારો, નવાબ વગેરે હજારો માણસો સ્ટેશન પર સ્વામીજીનો સત્કાર કરવા આવ્યા હતા. સ્વામીજીએ લોકોની માગણી ઉપરથી “પશ્ચિમમાં હિંદુ ધર્મનો પ્રચાર કરવાનો મારો હેતુ ” એ વિષય ઉપર એક સુંદર ભાષણ અહીં આપ્યું હતું. આ ભાષણની બહુજ ઉંડી અસર શ્રોતાવર્ગ ઉપર થઈ હતી અને ઘણા લોકોએ એ કામમાં સ્વામીજીને મદદ આપવાની તત્પરતા દર્શાવી હતી; પરંતુ સ્વામીજીએ હજી તે મદદ સ્વીકારવાનો સમય આવ્યો નથી એવો ઉત્તર આપ્યો હતો.

બે ત્રણ દિવસ પછી સ્વામીજી હૈદ્રાબાદ છોડી ગયા. બાબુ કાલીચરણ લખે છે કે “તેમની પવિત્રતા, સાદાઈ, અસ્ખલિત મનોનિગ્રહ અને અતિ ઉચ્ચ પ્રકારની ધ્યાનાવસ્થા વડે કરીને હૈદ્રાબાદના શહેરીઓનાં મન ઉપર ભારે અસર થઈ રહેલી છે.”

હૈદ્રાબાદમાં સ્વામીજીને એક યોગીનો મેળાપ થયો હતો. તે યોગી બ્રાહ્મણ હતો અને પોતાની માનસિક શક્તિઓને કેળવીને તેણે અસામાન્ય શક્તિ પ્રાપ્ત કરી હતી. પોતે ધારે તે વખતે પોતાની કામળીમાંથી ફુલ ફળાદિના ઢગલે ઢગલા તે કહાડી શકતો હતો. સ્વામીજી તેની પાસે ગયા ત્યારે તે યોગીને તાવ આવેલ હતો. સ્વામીજીને જોતાંજ આ યોગીને તેમના પર અતિશય પૂજ્યભાવ આવી ગયો. સ્વામીજીને તેણે પોતાની પાસે બેસાડ્યા અને તેમનો હાથ પોતાને માથે મૂકવાની બહુ આગ્રહથી વિનતી કરી. સ્વામીજીએ તે પ્રમાણે કરતાં જ તે યોગી એકદમ બેઠો થયો અને તેનો તાવ જતો રહેલો જણાયો.