સ્વામી વિવેકાનંદ/પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મદ્રાસ અને હૈદ્રાબાદ સ્વામી વિવેકાનંદ
પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ →


પ્રકરણ ૩ર મું – પશ્ચિમના પ્રવાસની તૈયારી અને
સમુદ્ર યાન.

પ્રવાસનો નિશ્ચય.

હૈદ્રાબાદથી સ્વામીજી પાછા મદ્રાસ આવ્યા. પશ્ચિમમાં જવાનો વિચાર હવે તેમના મનમાં વધારે જોરથી ઘોળાવા લાગ્યો. ઘડીકમાં તે આશા પૂર્ણ બની રહેતા અને ઘડીકમાં તેમને નિરાશા ઉત્પન્ન થઈ રહેતી. વારે ઘડીએ તેઓ શ્રીજગદંબાને પ્રાર્થના કરતા કે “તારો હુકમ શો છે ?” તેમને યાદ આવ્યું કે શ્રી શારદાદેવી સાક્ષાત્‌ જગદંબાજ છે, લાવ તેમને લખીને પૂછું ! તેઓ કહેશે તેમ હું કરીશ.

શ્રી શારદાદેવી શ્રી રામકૃષ્ણનાં પત્ની હતાં. સ્વામી વિવેકાનંદ તેમને જગદંબા સમાન ગણતા અને શારદાદેવી શ્રીરામકૃષ્ણના શિષ્યોને પોતાના પુત્રોજ ગણતાં. સ્વામીજીએ શ્રી શારદાદેવીને પૂજ્યભાવ, મૃદુતા અને પ્રેમથી ભરેલો પત્ર લખ્યો. તેમાં સ્વામીજીએ પોતાનો પશ્ચિમમાં જવાનો વિચાર દર્શાવીને તે બાબતમાં શારદાદેવીને સલાહ અને આશિર્વાદ તેમણે માગ્યાં હતાં અને તેમણે એ વાત કોઈને જણાવવી નહિ એવી વિનતી પણ કરી હતી. કાગળ લખીને બંધ કર્યા પછી સ્વામીજીએ તેને પોતાને મસ્તકે ઘણા પૂજ્યભાવથી ધર્યો અને પછીથી તેને ટપાલમાં મોકલી આપ્યો.

કાગળ શ્રીશારદાદેવીને મળતાં તેમના હર્ષનો પાર રહ્યો નહિ. ઘણા દિવસથી તેમને તેમના વ્હાલા નરેન્દ્રની ખબર મળી નહોતી. સ્વામીજી તેમના ગુરૂદેવના વ્હાલામાં વ્હાલા શિષ્ય હતા; તેમ શ્રીશારદાદેવીને પણ તે ઘણાજ પ્રિય હતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી સ્વામીજીમાં જે અસાધારણ પ્રતિભા ખીલી આવી હતી તે ઉપરથી શ્રી શારદાદેવી એમજ માનતાં હતાં કે નરેન્દ્રના શરીરદ્વારા શ્રીરામકૃષ્ણજ સઘળું કાર્ય કરી રહેલા છે. ઘણીવાર તે નરેન્દ્રને સંભારતાં અને તે ક્યાં હશે ? તે પગે ચાલીને અહીં તહીં ફરતો હશે, તે થાકી ગયો હશે, હું તેને માટે શું કરું ? એવા એવા અનેક વાત્સલ્યપૂર્ણ વિચાર તે અનેકવાર કરતાં. તે સાધુ આત્મા છે, પવિત્ર છે, આધ્યાત્મિકતાનો તેનામાં વાસ છે, તેનું જીવન ધન્ય છે, એમ કહીને તે પોતાનું મન વાળતાં.

સ્વામીજીનો પત્ર વાંચતાં ધર્મ સેવા માટેની તેમની તત્પરતા જોઇને શારદાદેવી ઘણાંજ ખુશી થયાં. નરેન્દ્ર આખી પૃથ્વીમાં એકલો ઘુમે તો પણ તેને હરકત થનાર નથી એમ તેમને લાગ્યું અને પોતાના આશિર્વાદ પત્રદ્વારા તેમણે લખી મોકલ્યો. પત્રમાં તેમણે પ્રેમ અને સલાહથી ભરેલાં ઘણાં વચન લખી મોકલ્યાં.

જ્યારે સ્વામીજીને શારદાદેવીનો પત્ર મળ્યો ત્યારે તેને વાંચીને તે નાચ્યા, કુદ્યા અને તેમની આંખોમાં આનંદનાં અશ્રુ આવી ગયાં. તે પોતાની ઓરડીમાં ગયા અને પછીથી સમુદ્રને કિનારે ગયા અને ત્યાં એકાંતમાં છેવટના વિચારો કરી લઈ પશ્ચિમમાં જવાનો નિશ્ચય દૃઢ કર્યો. તે પોતાના મનમાં કહેવા લાગ્યા કે “હા, હવે બધું નક્કી થયું ! શ્રીજગદંબાની એજ ઈચ્છા છે કે મારે પશ્ચિમમાં જવું !”

મદ્રાસમાં બાબુ મન્મથનાથ ભટ્ટાચાર્ય ને ઘેર સ્વામીજીનો મુકામ હતો. સમુદ્ર કિનારેથી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના મુખ ઉપર એક પ્રકારનું તેજ છવાઈ રહેલું હતું. ઘરમાં તેમના ઘણા શિષ્યો એકઠા થયા હતા. સ્વામીજી ઘરમાં પેસતે પેસતે “હવે તો પશ્ચિમનીજ વાત, હવે તો બસ પશ્ચિમનીજ વાત ! હવે હું તૈયાર છું; શ્રી જગદંબાનો એજ હુકમ છે.” આ પ્રમાણે બોલવા લાગ્યા. સઘળા શિષ્યો એ સાંભળીને ઉત્સાહમાં આવી ગયા અને ફંડ એકઠું કરવાને નીકળી પડ્યા.

પ્રવાસની તૈયારી.

તેમના પ્રયાસથી થોડાજ સમયમાં સારી રકમ એકઠી થઈ ગઈ અને તે સ્વામીજીને ભેટ કરવામાં આવી.

આ પ્રમાણે સ્વામીજી પશ્ચિમમાં જવાની તૈયારી કરી રહ્યા હતા એટલામાં ખેત્રીના મહારાજાના ખાનગી કારભારી જગમોહનલાલ ત્યાં આવી પહોંચ્યા. ખેત્રીના મહારાજાને પુત્ર નહોતો અને સ્વામીજીનાં પગલાં પોતાને ત્યાં થયા પછી અને તેમની કૃપાથી રાજાજીને ઘેર પુત્રનો જન્મ થયો હતો. પુત્ર જન્મની ખુશાલીમાં રાજાજી મોટો ઉત્સવ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને સ્વામીજીની કૃપાદૃષ્ટિથીજ પુત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી તે ઉત્સવ વખતે સ્વામીજીનાં પવિત્ર પગલાં તેમના મહેલમાં જોઇએજ એવી રાજાજીની ઉત્કટ ઇચ્છા હતી. સ્વામીજી મદ્રાસમાં છે એમ જાણીને તેમણે પોતાના ખાનગી કારભારીને ત્યાં મોકલ્યો હતો. જગમોહનલાલે પોતાનું આવવાનું કારણ જણાવ્યું, પણ સ્વામીજી પશ્ચિમમાં જવાની તૈયારી કરી રહ્યા હતા તેથી તેમણે ખેત્રી જવાની ના પાડી. જગમેહનલાલે ઘણો આગ્રહ કર્યો અને નહિ આવો તો રાજાજી ઘણાજ નિરાશ થઈ જશે એમ જણાવવાથી છેવટે સ્વામીજીને તે વાત કબૂલ કરવી પડી.

સ્વામીજી દરબારમાં પહોંચતાં રાજાજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતા ઉપર માટે અનુગ્રહ થએલો જણાવીને ઘણાજ આનંદથી તેમને સિંહાસને બેસાડ્યા. એ પ્રસંગે ત્યાં પધારેલા અન્ય રાજાઓ, કુંવરો અને શેઠ શાહુકારોએ પણ સ્વામીજીને હર્ષથી પ્રણામ કર્યા અને ઉત્સવનું કાર્ય ઘણા ઉલ્લાસથી કરવામાં આવ્યું. રાજાજીએ પોતાના બાળકને દરબારમાં મંગાવરાવ્યો અને સ્વામીજીનો તેને મસ્તકે હાથ મુકાવી આશીર્વાદ લીધો.

ખેત્રીથી સ્વામીજી મુંબઈ જવાને ઉપડ્યા. ત્યાં તેમને કેટલીક તૈયારી કરવાની હતી. રાજાજી તેમને જયપુર સુધી વળાવવાને ગયા. રાજાજીએ પશ્ચિમના પ્રવાસને માટે જોઈતાં સાધનોમાં ઘણીજ મદદ કરી અને સ્વામીજીને રીઝવર્ડ કરેલા ફર્સ્ટ કલાસના ખાનામાં બેસાડીને રાજાજી વિદાય થયા.

પશ્ચિમના પ્રવાસની સઘળી તૈયારી કરી આપવા માટે ખેત્રીના રાજાએ પોતાના ખાનગી કારભારી જગમોહનલાલને સ્વામીજીની જોડે મુંબઈ મોકલ્યા હતા. જગમોહને સ્વામીજીને માટે ભાતભાતનાં સુંદર રેશમી અને કસબી કપડાં ખરીદવા માંડ્યાં. સ્વામીજીએ તેની ના પાડી અને માત્ર એક ભગવો ઝભ્ભોજ બસ થશે એમ કહેવા લાગ્યા. જગમોહને કહ્યું કે તમે રાજાજીના ગુરૂ છો અને એક રાજાના ગુરૂ જેવા પોશાકમાંજ પશ્ચિમમાં હાજર થવાની આપ કૃપા કરો એવી અમારા રાજાની નમ્ર ઈચ્છા છે.

ખેત્રીના મહારાજાએ પોતાના ગુરૂને એક રાજગુરૂને છાજે તેવાં ઉત્તમ વસ્ત્રોથી સજ્જ કરવાનું અને બીજી તૈયારી પણ તેવી જ રીતે ઉત્તમ પ્રકારની કરી આપવાને પોતાના કારભારીને આજ્ઞા કરી હતી અને તેને માટે પુરતું દ્રવ્ય પણ આપ્યું હતું. જગમોહને સ્વામીજીને “પેનીન્શ્યુલર” સ્ટીમરમાં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લઇ આપી અને દરેક રીતે મુસાફરીની ઉત્તમ સગવડ કરી આપી.

સ્વામીજીના ગુરૂભાઇઓ કલકત્તામાં પોતાનો સમય ધ્યાન ભજનમાં ગાળતા હતા અને વખતે એક બીજાને પુછતા હતા કે “નરેન્દ્ર ક્યાં હશે ?” પણ સ્વામીજી ક્યાં છે તેની કોઈને ખબર નહોતી. સ્વામીજીએ કેટલાક સમય સુધી પોતાનું સંન્યાસનું નામ સ્થિર થવા દીધું નહોતું કે જેથી કરીને તેમના ગુરૂભાઈઓ તેમના વિષે કાંઈ પણ જાણે નહિ અને તેમની પાછળ આવે નહિ. કોઈ સ્થળે તે “વિવિદિશાનંદ” અને કોઈ સ્થળે તે જ “સચ્ચિદાનંદ” ને નામે ઓળખાતા હતા. ખેત્રીના મહારાજાની ઇચ્છાથી આખરે તેમણે “વિવેકાનંદ” નામ નકીપણે ધારણ કર્યું હતું અને પછીથી એ નામથીજ તે હમેશાં ઓળખાતા હતા.

સને ૧૮૮૩ ના મે માસની તારીખ ૩૧ મીએ સ્વામીજીની સ્ટીમર મુંબઈથી ઉપડી. અમેરિકાના શિકાગો નગરમાં ભરાનારી સર્વ ધર્મ પરિષદ્‌માં હાજર થઈ પોતાનું કાર્ય બજાવવાને માટે સ્વામીજી કેવા સજ્જ થએલા હતા તે વિષે લખતાં એક લેખક લખે છે કે – “પોતાના હિંદના પ્રવાસમાં સ્વામીજીએ બુદ્ધ અને જૈન ધર્મના રહસ્યનો અને રામાનંદ તથા દયાનંદના સિદ્ધાંતોનો બારીક અભ્યાસ કર્યો હતો. તુલસીદાસ અને નિશ્ચલદાસના તે મોટા અભ્યાસી બની રહ્યા હતા. દક્ષિણ હિંદુસ્તાન અને મહારાષ્ટ્રના સાધુઓ વિષે તેમણે પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. હિંદના મોટામાં મોટા પરમહંસ પરિવ્રાજકાચાર્યથી તે નાનામાં નાના લાલગુરૂના ભંગી અને મેહેતર શિષ્યોની ભાવના અને આશયોનું તેમણે બારીક અધ્યયન કર્યું હતું. મુગલાઇ રાજ્ય ભારતવર્ષના પ્રજાકીય જીવનને જરાકે બાધ કરતા નહોતું એમ તેમની દૃષ્ટિમાં સ્પષ્ટપણે જણાઈ ચુક્યું હતું. વિચારની વિશાળતામાં “અકબર” એક ખરેખરો હિંદુ હતો અને તે અભેદદર્શી હતો. સ્વામીજીને મન “તાજમહેલ” એ આરસપહાણની બનાવેલી શકુંતલા હતી. કબીર, નાનક, મીરાંબાઈ, અને તાનસેન વગેરેનાં ભજનો તેમના મુખમાં રમી રહ્યાં હતાં. પૃથુરાજ, દીલ્લી, ચિતોડ, પ્રતાપસીંહ, શિવ અને ઉમા, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, તેમજ બુદ્ધની અનેક કથાઓ તેમના સ્મૃતિપટ પર તરી રહી હતી. જ્યારે તેમના વિષે સ્વામીજી વાત કરતા ત્યારે દરેક બનાવ અદ્ભુત રીતે શ્રોતાના મનમાં ખડા થઈ રહેતો. તેમનું શરીર, બુદ્ધિ, હૃદય અને અંતઃકરણ, એ સર્વ તેમનાં દેશનાં પ્રતિભાશાલી કાવ્યરૂપજ બની રહેલાં હતાં. ભારતવર્ષની પ્રાચીન જાહોજલાલી, વર્તમાન દુર્દશા અને તે દુર્દશાને દૂર કરવાની ઉંડી લાગણીઓથી તેમનો અંતરાત્મા છલાછલ ઉભરાઈ રહેલો હતો. ”

“જે જે કાંઈ ભારતવર્ષના પાયારૂપ હોય, તેના જીવનને અને અંગોને જે કાંઈ પુષ્ટિ આપનારું હોય, તે સર્વને સ્વામીજીએ પોતાના મનમાં ધરી રાખ્યું હતું. તેના જીવનપ્રવાહના ગુહ્ય હેતુઓ તે સમજી ગયા હતા. તેમના હૃદયમાં ઝળહળી રહેલા આધ્યાત્મિક પ્રકાશને લીધે તેમજ ત્યાગવૃત્તિ અને બ્રહ્મચર્યાદિ ચારિત્ર બળને લીધે તેમના અંતઃકરણમાં અખુટ ઉત્સાહ અને અદભુત જુસ્સો તેમજ સૂક્ષ્મથી સૂક્ષ્મ સત્ય જળહળી રહેલાં હતાં; અને બીજા મનુષ્યોને જ્યાં માત્ર ભિન્નતાજ દેખાયા કરતી ત્યાં સ્વામીજીની તળસ્પર્શી દૃષ્ટિને અભેદ દેખાઈ રહેતો. તેમનું મન વસ્તુઓના આંતર સ્વરૂપમાં પ્રવેશ કરતું અને બનાવોને તેમના આબેહુબ સ્વરૂપમાંજ ગ્રહણ કરતું. તેમનું મન ઘણું જ તલસ્પર્શી હતું અને તેમનું જ્ઞાન અનુભવ સિદ્ધ હતું. સર્વર્ધમ પરિષદમાં સમસ્ત ભારતવર્ષના પ્રતિનિધિ તરીકે જનાર મનુષ્યમાં આથી વધારે લાયકાત શી હોઈ શકે ? વેદ-વેદાન્ત, બુદ્ધધર્મ, જૈનધર્મ, શૈવ કે વૈષ્ણવધર્મ, ક્રિશ્ચિયન કે ઈસ્લામધર્મ, સર્વને સમજાવવાને આથી વધારે તૈયારી શી હોઈ શકે? શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે સર્વધર્મ પરિષદ્‌રૂપજ હતા તેમના આ પ્રિય શિષ્ય સિવાય આવા કાર્યને માટે યોગ્ય પુરૂષ બીજું કોણ હોઈ શકે ?”

સમુદ્રયાન.

આગબોટ આગળ ને આગળ વધવા લાગી. સમુદ્રની મુસાફરી સ્વામીજીએ કદી કરી નહોતી. અત્યાર સુધી માત્ર દંડ અને કમણ્ડલુ લઈને જ તેઓ હિંદમાં વિચર્યા હતા, તેને બદલે હવે તેમને ઘણો સામાન સાથે રાખવો પડ્યો હતો. અને તેને લીધે તેમને ઘણો શ્રમ વેઠવો પડતો હતો. પણ થોડા વખતમાંજ સ્વામીજી પરિસ્થિતિને અનુકુળ થઈ રહ્યા. તેમના આનંદી સ્વભાવ અને ભવ્ય આકૃતિને લીધે તેઓ આગબોટમાં સર્વને પ્રિય થઈ રહ્યા. સ્ટીમરનો કેપ્ટન પણ તેમની સાથે હળી જઈને અહીં તહીં ફરતો. તેણે આખી સ્ટીમર અને તેનાં યંત્રો બતાવ્યાં.

રસ્તામાં અનેક અવનવા સ્થળો અને બનાવો સ્વામીજીની દૃષ્ટિએ ચ્હડતાં હતાં. ઉચ્ચ ભાવનાઓથી ભરેલું તેમનું હૃદય અને સૂક્ષ્મ કલ્પનાશક્તિ સંપન્ન બુદ્ધિ, સમુદ્રમાં ઉઠતાં પાણીનાં મોજામાં, પવનની લ્હેરોમાં અને આકાશમાં અનેક પ્રકારનું સૌંદય જોવા લાગ્યાં અને પરમાત્માના અગાધ મહિમામાં ડૂબવા લાગ્યાં. કોલંબો, સીંગાપોર, હોંગકોંગ વગેરે જે જે સ્થળોએ સ્ટીમર ઉભી રહી, તે તે શહેરોના લોકોની પ્રવૃત્તિઓ અને રીતરિવાજો જાણવાનો જેટલો પણ સમય તેમને મળ્યો તેનો બન્યો તેટલો ઉપયોગ તેમણે કરી લીધો. યોકોહોમાથી લખેલા એક પત્રમાં તેમણે ચીના લોકોના પ્રવૃત્તિમય જીવનનું સુંદર વર્ણન આપી આગળ ચાલતાં તેમાં દર્શાવ્યું હતું કે, ચીનાઓ જેવા વેપારી અને મહેનતુ માણસો જગતમાં બીજે ભાગ્યેજ જડી આવશે. માત્ર તેમની નિર્ધનતાજ તેમને પાછા પાડી રહેલી છે. જાપાનના નાગાસાકી બંદર આગળ સ્ટીમર ઉભી રહી અને સ્વામીજી ઓસાકા, કીસોટો અને ટોકીયો વગેરે સ્થળો જોવાને નીકળી પડ્યા. તેમનું વર્ણન લખી મોકલતાં સ્વામીજીએ લખ્યું હતું કે, “આધુનિક સમયની જરૂરીઆતોનું ભાન જાપાની લોકોમાં પુરેપુરું આવી રહેલું છે. તેઓએ પોતાનું સૈન્ય અનુપમ બનાવી મૂક્યું છે. તેઓ નૌકાસૈન્યને વધારતા જાય છે. ત્યાંનાં દીવાસળીનાં કારખાનાં ઘણાં જોવા જેવાં છે. પોતાને જોઇતી સર્વ, વસ્તુઓ પોતાના દેશમાં જ બનાવવાનો હેતુ ધારણ કરીને તેઓ પ્રબળ પુરૂષાર્થ કર્યા જાય છે. ચીનમાં અને જાપાનમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ અને દેવાલય સ્વામીજી ખાસ કરીને જોતા હતા. તેમનો અભ્યાસ કરતાં તેમને સમજાતું હતું કે ચીનમાં બંગાળી ધર્મોપદેશકો ગયા હતા અને પોતાના બોધ વડે તેમણે ચીનના સુધારા ઉપર ભારે અસર કરી હતી. જાપાનમાં અનેક દેવાલયમાં સંસ્કૃત મંત્ર દિવાલો ઉપર કોતરેલા તેમની નજરે આવ્યા હતા અને સંસ્કૃતનું જ્ઞાન ધરાવનારા કેટલાક ધર્મગુરૂઓ પણ તેમને મળ્યા હતા. જાપાનમાં સ્વામીજી સર્વત્ર જોતા હતા અને ખુશી થતા હતા કે “જાપાની લોકો હિંદુસ્તાનને હજી પણ એક ઉચ્ચ અને શુભ વિચારોથી ભરેલી ભૂમિ તરીકે ગણે છે. ત્યાંના લોકોની પ્રવૃત્તિ, ઉદ્યોગ અને જીવન જોઈને સ્વામીજીએ હિંદવાસીઓને જાપાનનો દાખલો લેવાનું લખી મોકલ્યું હતું. તેમના શબ્દો નીચે પ્રમાણે હતાઃ—“એક ટુંકા પત્રમાં જાપાની લોકો વિષે હું સઘળું લખી શકું તેમ નથી. મારે લખવાનું માત્ર એટલું જ છે કે આપણા કેટલાક યુવાનોએ પ્રતિવર્ષ ચીન અને જાપાનમાં જવું જોઈએ. ખાસ કરીને જાપાનમાં તેમણે જવું જોઈએ, કારણ કે જાપાની લોકો ભારતવર્ષને હજી પણ ઉચ્ચ અને શુભ વિચારોનું સ્થાન ગણે છે. પરંતુ ભારતવાસીઓ! તમે કેવા બની ગયા છો ? વ્યર્થ વાતો કરનારા મુર્ખાઓ ! તમે અહીં આવો, આ લોકોને જુવો અને શરમાઇને તમારું મોં સંતાડો ! આવો, ખરા મનુષ્યો બનો. આવો, તમારાં સાંકડાં દરોમાંથી બહાર આવો અને જગત તરફ દૃષ્ટિ કરો. હિંદુસ્તાનને એક હજાર યુવાન મનુષ્યોના આત્મભોગની જરૂર છે. અને આ આત્માભોગ મનુષ્યનો અને નહિ કે જંગલીઓનો !”