સ્વામી વિવેકાનંદ/અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ

વિકિસ્રોતમાંથી
← પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન સ્વામી વિવેકાનંદ
અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
સર્વ ધર્મપરિષદ →


પ્રકરણ ૩૩ મું-અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ.

યોકોહોમાથી સ્વામીજી નીકળ્યા અને વાનકુવર જઈ પહોંચ્યા જુની દુનિયામાંથી તે હવે નવી દુનિયામાં આવી પહોંચ્યા. વાનકુવરમાં ઉતર્યા પછી આગગાડીમાં તે શિકાગો ગયા. સમુદ્રની મુસાફરી દરમીયાન તેમને ઘણી ટાઢ વેઠવી પડી હતી, કેમકે તેમની પાસે પુરતાં ગરમ કપડાં હતાં નહિ. શીકાગોમાં અનેક મુશ્કેલીઓ તેમના માર્ગમાં આડે આવવા લાગી. તેમને પરદેશી ધારીને મજુરો, વીશીવાળાઓ વગેરે બમણા ત્રમણા પૈસા તેમની પાસેથી લેવા લાગ્યા. પરદેશી ભૂમિમાં તે એકલા જ હતા. તેમનું ચિત્ત અત્યારસુધી મુખ્ય ભાગે ઈશ્વર તરફ જ રહ્યા કર્યું હતું. હવે તેઓ અમેરિકાના એક વધારેમાં વધારે પ્રવૃત્તિ અને ઘોંઘાટવાળા શહેરમાં આવી પડ્યા હતા, અત્યારસુધી મુખ્ય કરીને તેઓ વિચારસૃષ્ટિમાંજ વિચરી રહ્યા હતા અને જગતના પ્રપંચનો અનુભવ તેમને વિશેષ હતો નહિ. શિકાગોમાં એક વીશીમાં તેમણે મુકામ કર્યો. સર્વ ધર્મ પરિષદ્ ક્યારે ભરાવાની છે તેની તપાસ કરવાને તે હમેશાં જવા લાગ્યા. અમેરિકામાં આવતાં પહેલાં તેમણે જે કાર્યો કરવાનો વિચાર કર્યો હતો તે પાર પડવાં મુશ્કેલ જણાવા લાગ્યા. અહીં તેમને અનેક મુશ્કેલીઓમાંથી પોતાનો માર્ગ કરવાનો હતો. અનેકવાર સ્વામીજી નિરાશ થઈ ગયા અને અનેકવાર તેમણે પાછા જવાનો વિચાર કર્યો. તેમને ખબર મળી કે સર્વધર્મ પરિષદ હજી બેએક મહિના સુધી ભરાવાની નથી. આટલા લાંબા વખત સુધી શિકાગોનું ખર્ચ ઉપાડવાનું તેમની પાસે સાધન નહોતું. વળી રસ્તામાં જતાં છોકરાઓ તેમના વિચિત્ર પોશાકને લીધે તેમની પાછળ પડતા. સખત ટાઢમાં તેમને પોતાના દિવસો કહાડવા પડતા. સ્વામીજી આ સઘળું ધીરજથી સહન કરવા લાગ્યા.

શિકાગોનું ખર્ચ ભારે પડવાથી સ્વામીજીએ બોસ્ટનમાં જઈને રહેવાનો વિચાર કર્યો. બોસ્ટનમાં પણ બેએક મહિના સુધી રહેવાય તેટલું દ્રવ્ય તેમની પાસે નહોતું. છતાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને તે બોસ્ટન જવાને નીકળ્યા. પોતાની જાતની સર્વ ચિંતા ત્યજી દઈને શ્રદ્ધાપૂર્વક સર્વ ભાવે પ્રભુપરાયણ મનુષ્યનું યોગ-ક્ષેમ પરમાત્મા કેવી રીતે કરે છે તેનો અનુભવ સ્વામીજીને અહીંઆ પણ થયો. સ્વામીજી આગગાડીના જે ખાનામાં બેસીને જતા હતા તેજ ખાનામાં એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી હતી. તે પણ બોસ્ટન જતી હતી. સ્વામીજી ઘડીમાં બહારના દેખાવ નિહાળતા તો ઘડીમાં ઈશ્વરના મહિમામાં ડુબતા એક બાજુ પર મૌનભાવે બેઠેલા હતા. તે સ્ત્રી તેમની શાંત વૃત્તિ તથા તેજસ્વી મુખમુદ્રા તરફ જોઈ રહી હતી અને તેમને શાંત અને નચિંત ભાવે બેઠેલા જોઇને આશ્ચર્ય પામતી હતી. “તે કોણ હશે !” તે સ્ત્રીને જાણવાની ઈચ્છા થઈ. “અહો ! તે એક હિંદવાસી છે !” એમ તેના જાણવામાં આવ્યું અને સ્વામીજી થોડાક દિવસ પોતાને ઘેર આવીને રહે તો ઠીક એમ તેણે મનમાં વિચાર્યું. આખરે તે સ્વામીજીની પાસે ગઈ અને તેમની જોડે વાત કરવા લાગી. સ્વામીજી એક સાધુ છે અને વેદાન્તનો બોધ કરવાને તે અમેરિકા આવેલા છે એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહિ. તે કહેવા લાગીઃ “સ્વામી, તમને હું મારે ઘેર આવીને રહેવાનું આમંત્રણ આપું છું. તે આપને અનુકુળ થઈ પડશે ” સ્વામીજી આશ્ચર્ય પામ્યા કે આ શું? પોતાને જે મુશ્કેલીઓ નડતી હતી તે યાદ કરીને સ્વામીજી પોતાના મનમાં ધારવા લાગ્યા કે ખરેખર ! પ્રભુએજ તેમને મદદ કરવાને આ બાઈને મોક્લી છે. બાઈના નિમંત્રણની તરતજ તેમણે હા પાડી અને તેની સાથે તેને ઘેર જઈ સુખેથી ત્યાં રહેવા લાગ્યા.

દિવસે દિવસે સર્વધર્મ પરિષદનો સમય નજીક આવતો ચાલ્યો. પણ સ્વામીજીને કોણ ત્યાં પેસવા દે ! તેમને કોઈ સાથે ઓળખાણ નહોતું. આખી દુનિયાના ધર્મોપદેશકોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને તેઓ દરેક અનેક પ્રમાણપત્રો લઈને ત્યાં આવ્યા હતા. સ્વામીજી પાસે એક પણ પ્રમાણપત્ર (સર્ટીફીકેટ) નહોતું. દેશ દેશમાંથી ધર્મના પ્રતિનિધિઓ આમંત્રણ સ્વીકારીને આવ્યા હતા અને તેમને માટે સઘળી સવડ ત્યાં કરવામાં આવી હતી. સ્વામીજીને આમંત્રણ પણ નહોતું અને પાસે પ્રમાણપત્ર પણ નહિ, એટલે એમનો ભાવ ત્યાં કોણ પુછે ? સર્વધર્મ પરિષદ્‌માં શી રીતે જવું એ સવાલ ભારે થઈ પડ્યો. જ્યાં મોટા મોટા સુપ્રસિદ્ધ ધર્મોપદેશકો, ખ્રિસ્તી ધર્માધ્યક્ષો અને પ્રોફેસરો એકઠા થવાના હતા, ત્યાં સ્વામીજી જેવા એક અપ્રસિદ્ધ મનુષ્યને પેસવાની રજા ક્યાંથી મળે ? પણ પ્રભુનું કાર્ય કરવાને અંતકરણપૂર્વક તૈયાર થઈ રહેલા મનુષ્યને પ્રભુ અલૌકિક રીતેજ મદદ કરે છે. સ્વામીજીની બાબતમાં તેમજ થયું. બોસ્ટનમાં અનેક મનુષ્યો તેમને મળવાને આવતા હતા. એક દિવસ સ્વામીજીની ખ્યાતિ સાંભળીને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જે. એચ. રાઇટ તેમને મળવાને આવ્યા. સર્વ ધર્મપરિષદ્‌માં જવાની આશા સ્વામીજીએ હવે લગભગ છોડીજ દીધી હતી. પ્રોફેસર રાઈટ સ્વામીજીની શક્તિ જોઇને ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તેમણે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર થવું જોઈએ. સ્વામીજીએ પોતાની મુશ્કેલીઓ જણાવી અને કહ્યું કે તેમની પાસે એક પણ પ્રમાણપત્ર નથી. પ્રોફેસર રાઈટ તુરતજ બોલી ઉઠ્યાઃ “સ્વામી, તમારી પાસે પ્રમાણપત્ર (સર્ટીફીકેટ) માગવું એ સૂર્યને પ્રકાશવાનો હક્ક છે કે નહિ એવું પુછવા બરાબર છે !” પછી પ્રેફેસરે ખાત્રી આપી કે સર્વધર્મપરિષદ્‌માં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે ઉભા રહેવાની સઘળી ગોઠવણ તે સ્વામીજીને કરી આપશે. પ્રોફેસરને પરિષદ્‌ના કાર્યવાહકો સાથે ઓળખાણ હતું, તેથી તેમણે એકદમ પ્રતિનિધિઓને ચુંટનાર મંડળીના અધ્યક્ષને લખી મોકલ્યું કે “અહીંઆ એક માણસ છે; તે સઘળા વિદ્વાન પ્રોફેસરોનું જ્ઞાન એકઠું કરીએ તેના કરતાં પણ અધિક જ્ઞાન ધરાવે છે.” પછીથી તેમણે સ્વામીજીને શિકાગો જવાનું ભાડું પણ આપ્યું અને પૂર્વના પ્રતિનિધિઓની ગોઠવણ કરનાર મંડળી ઉપર કેટલાક ભલામણ પત્ર પણ આપ્યા.

સાયંકાળનો સમય થવા આવ્યો હતો. એ વખતે સ્વામીજી શિકાગોના સ્ટેશન ઉપર ઉતર્યા. ત્યાંથી પરિષદ્‌ની ઓફીસમાં તેમને જવાનું હતું અને તેના અધ્યક્ષ ડો. બેરોઝને મળવાનું હતું. પણ મોટા શહેરમાં ક્યાં જવું તે એમને જડે નહિ, આમતેમ તપાસ કરતે કરતે રાત પડવા આવી. ભોગ જોગે પ્રોફેસરે આપેલું શિરનામું પણ ખોવાઈ ગયું હતું ! સ્વામીજી બહુ આથડ્યા, પણ કંઈ પત્તો ખાધો નહિ. આખરે થાકીને સ્ટેશનના કંપાઉન્ડમાં એક ભાગલી પેટીના ખોખામાં આખી રાત સુઈ રહ્યા. સવારે ઉઠીને તેઓએ પાછી તપાસ કરવા માંડી. પણ ક્યાં જવું તે સુઝે નહિ આખરે થાક લાગવાથી તેઓ એક રસ્તા ઉપર એક ભવ્ય મહેલની સામી બાજુએ બેશી ગયા ! આખી રાતના તે ભુખ્યા હતા અને તેમનો આધાર માત્ર પ્રભુ ઉપરજ હતો. બેઠા પછી થોડીજ વારમાં એકદમ પેલા મેહેલના બારણામાંથી એક સભ્ય સ્ત્રી બહાર નીકળી અને સ્વામીજી તરફ તેની નજર પડતાંજ તે તેમની પાસે જઈને કહેવા લાગી કે “તમે સર્વધર્મપરિષદમાં એક પ્રતિનિધિ તરીકે આવેલા છો ?” સ્વામીજીએ પોતાની મુશ્કેલીઓ કહી બતાવી. એકદમ તે તેમને પોતાના ઘરમાં લઈ ગઈ અને તેમને માટે નાસ્તા પાણીનો બંદોબસ્ત કર્યો. સ્વામીજી નાસ્તો લઈ રહ્યા પછી તે સ્ત્રી જાતેજ તેમને પરિષદ્‌ની ઓફીસમાં લઈ ગઈ અને દરેક બાબતમાં તેણે ઉપયોગી સલાહ આપી. તેનું નામ મીસીસ જ્યોર્જ ડબલ્યુ. હેલ હતું. તેના પતિ અને છોકરા જોડે પણ સ્વામીજીને અત્યંત ગાઢ સંબંધ બંધાયો હતો.

સ્વામીજીમાં હવે નવોજ ઉત્સાહ આવી રહ્યો. મીસીસ હેલની જોડે તે પરિષદના કાર્યવાહકોને મળ્યા અને તેમને એક પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવ્યા, પૂર્વના બીજા પ્રતિનિધિઓ સાથે તેમને પણ દરેક પ્રકારની સગવડપૂર્વક રાખવામાં આવ્યા. સ્વામીજી હવે સ્વસ્થ થયા અને ઘણો ખરો સમય આત્મધ્યાનમાં ગાળવા લાગ્યા.