સ્વામી વિવેકાનંદ/સર્વ ધર્મપરિષદ

વિકિસ્રોતમાંથી
← અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ સ્વામી વિવેકાનંદ
સર્વ ધર્મપરિષદ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
અમેરિકામાં ઉપદેશક તરીકે →


પ્રકરણ ૩૪ મું-સર્વધર્મ પરિષદ.

સને ૧૮૯૩ ના સપ્ટેમ્બર માસમાં શિકાગોમાં સર્વ ધર્મપરિષદ ભરવામાં આવી હતી. જગતના ઇતિહાસમાં એ પરિષદ એક અગત્યના બનાવરૂપ હતી. જગતમાં ચાલતા સર્વ મુખ્ય ધર્મોના વિચારો, શિક્ષણ, અને આદર્શોનું તેમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યું હતું. તેણે માનવજાતિના ધાર્મિક વિચારોને મજબુત પાયા ઉપર મુક્યા છે. પાશ્ચાત્ય પ્રદેશોમાં તેણે નવીન ભાવનાઓ જાગૃત કરેલી છે. તેણે પૂર્વ અને પશ્ચિમનો મુકાબલો કરેલો છે. એ પરિષદ્‌ના વૈજ્ઞાનિક ભાગના પ્રમુખ ઓનરેબલ મેરવીન–મેરી સ્નેલ લખે છે કે,

"એ પરિષદ્‌થી જગતને મોટામાં મોટો ફાયદો તો એ થયો છે કે તેણે ખ્રિસ્તીઓને અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના લોકોને શિખવ્યું છે કે જગતમાં ખ્રિસ્તીધર્મ કરતાં વધારે માનનીય, વધારે ઉંડા તત્ત્વજ્ઞાનવાળા, વધારે આધ્યાત્મિકતાવાળા, વધારે સ્વતંત્ર વિચારયુક્ત, હૃદયની વિશાળતા અને પ્રમાણિકતાનો વધારે ઉંડો બોધ કરનારા અને નૈતિક તત્ત્વમાં તેનાથી જરાક પણ ઉતરે નહિ તેવા અન્ય ધર્મો જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એ પરિષદમાં ખ્રિસ્તી ધર્મ શિવાયના બીજા આઠ ધર્મોને પ્રતિપાદન કરવામાં આવ્યા હતા. તે નીચે પ્રમાણે હતાઃ–હિંદુધર્મ, જૈનધર્મ, બુદ્ધધર્મ, યાહુદીધર્મ, ચીનાઈ ધર્મ, શીંટોધર્મ, ઇસ્લામધર્મ અને જરથોસ્તી ધર્મ”

જરથોસ્તી ધર્મને પ્રતિપાદન કરવા માટે મુંબાઈના કેટલાક પારસીઓએ નિબંધ લખી મોકલ્યા હતા. શીંટોધર્મ, ચીનાઈધર્મ અને ઇસ્લામધર્મને માટે એકેક પ્રતિનિધિ હાજર થયા હતા. યાહુદી ધર્મના ઘણા પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હતા. પણ તેમનાથી કાંઈ ભારે અસર થઈ નહોતી. મી. વીરચંદ રાઘવજી ગાંધી જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા હતા અને તેમનાં ભાષણોથી શ્રોતાઓનાં મન ઉપર સારી અસર થઈ હતી. જાપાન અને સીલોનમાંથી ઘણા બુદ્ધધર્માનુયાયીઓ આવ્યા હતા અને તેમનાથી પણ ઘણા માણસો આકર્ષાયા હતા. હિંદુધર્મની કેટલીક શાખાઓના પ્રતિનિધિઓ આવ્યા હતા. શ્રી. મણિલાલ નભુભાઈએ કેટલાક નિબંધ લખી મોકલ્યા હતા તે વંચાયા હતા અને તેના ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસમાજ તરફથી પી. સી. મજમુંદાર અને એન. બી. નગરકર આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મના અનેક ધર્માધ્યક્ષો, મોટા પાદરીઓ, ધર્મશાસ્ત્રીઓ અને તત્વજ્ઞાનીઓ હાજર થયા હતા. લગભગ એક હજાર કરતાં પણ વધારે નિબંધો ત્યાં વંચાયા હશે. આટલા વર્ણનથી વાંચકના મનમાં એ ધર્મપરિષદ્‌ના મહત્વનો ખ્યાલ આવી તેની ઉપયોગિતા સમજાશે. આવી ભવ્ય પરિષદમાં સ્વામી વિવેકાનંદ હાજર થવાના હતા અને “શુદ્ધ સનાતન હિંદુ ધર્મ” ઉપર પોતાનું વ્યાખ્યાન આપવાના હતા. પ્રતિનિધિઓના ક્રમમાં તેમનો નંબર ૩૧મો હતો.

જે દિવસે પરિષદની શરૂઆત થઈ તે દિવસનું વર્ણન આપતાં સ્વામીજી લખે છે કે, “પરિષદ્‌ને ખુલ્લી મુકવાના દિવસે સવારમાં અમે બધા એક મકાનમાં ભેગા થયા હતા. જગતની સઘળી પ્રજાઓના પ્રતિનિધિઓ ત્યાં આવેલા હતા. પછી એક સરઘસના આકારમાં અમને બધાને પરિષદના મકાનમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં ઉચ્ચપીઠિકા (પ્લેટફોર્મ ) ઉપર બેસાડવામાં આવ્યા. એક મોટો ભવ્ય હૉલ અને તેની ઉપર આસપાસ આવેલી મોટી ગેલેરી અને તેમાં અમેરિકાનાં સુશિક્ષિત છ સાત હજાર માણસો બેઠેલાં છે અને તેની ઉચ્ચ પીઠિકા ઉપર આખી દુનિયાના વિદ્વાન મનુષ્ય આવીને બેઠેલા છે; એવી મનમાં કલ્પના કરો. અને હું કે જેણે કોઈ દિવસ પણ આવા અસામાન્ય જનસમૂહ આગળ વ્યાખ્યાન આપ્યું નથી, તેણે તે ભવ્ય સભા આગળ જાહેર વ્યાખ્યાન આપવાનું છે ! ઘણા દબદબા સાથે સંગીત, અને ભાષણો વડે પરિષદની શરૂઆત થઈ. પછીથી પ્રતિનિધિઓનું એક પછી એક ઓળખાણ કરાવવામાં આવ્યું. તેઓ એક પછી એક આગળ ગયા અને બોલ્યા. મારું હૃદય આ વખતે ધબકી રહ્યું અને મારી જીભ તદન સુકાઈ ગયા જેવી થઇ રહી. હું ઘણોજ ગભરાઈ ગયો અને સવારે તો કંઈ પણ બોલી શક્યો નહિ. મજમુદારે સુંદર વ્યાખ્યાન આપ્યું અને ચક્રવર્તીએ તેથી પણ વધારે સુંદર આપ્યું. તેમની પ્રશંસા થઈ. તેઓ ઘણી તૈયારી કરીને આવ્યા હતા. મારી પાસે કાંઈ પણ તૈયારી નહોતી. હું દેવી સરસ્વતીને પ્રણામ કરીને આગળ ગયો અને ડો. બેરોઝે મારૂં એાળખાણ કરાવ્યું. મેં એક ટુકું વ્યાખ્યાન આપ્યું. જ્યારે તે પુરું થયું ત્યારે તદ્દન થાકી ગયા જેવો થઈને હું બેસી ગયો.”

સઘળા પ્રતિનિધિઓ પોતપોતાના પંથોની શ્રેષ્ઠતા મમત્વપૂર્વક સાબીત કરવાને આવ્યા હતા, અને સ્વામીજી હિંદના પ્રાચીન ઋષિઓનાં સર્વ સામાન્ય ધાર્મિક તત્ત્વોને નિષ્પક્ષપાતથી સમજાવવાને આવ્યા હતા. સઘળાઓ પોતપોતાના જ્ઞાનબળ ઉપરજ આધાર રાખતા હતા. ત્યારે સ્વામીજી પોતાને પ્રાચીન ઋષિઓના સિદ્ધાંતો અને પ્રભુનાં અગાધ સત્યને દર્શાવનારું એક સાધન માત્રજ ગણતા હતા .વ્યાખ્યાનની શરૂઆતમાં સર્વે એ એકદમજ આરંભ કર્યો હતો, પણ પ્રભુના સાચા ભક્ત સ્વામીજીએ એક બાળકની માફક અત્યંત નમ્રતાથી પ્રભુની પ્રાર્થના કરી હતી કે,

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्॥
यत्कृपा तमहं वंदे परमानंदमाधवम् ॥

આ રીતે નિરભિમાનપણાથી અને શુદ્ધ સાચા ભક્તિભાવથી, ઈશ્વર ઉપરજ આધાર રાખીને તેમણે પોતાનું વ્યાખ્યાન શરૂ કર્યું હતું.

પ્રાચીન ઋષિઓના સિધ્ધાંતોની સત્યતામાં તેમને અનહદ વિશ્વાસ હતો. પોતે માથે લીધેલા કાર્યની ઉપયોગિતા તે દૃઢપણે માનતા હતા. તેમણે એક ટુંકું જ વ્યાખ્યાન આપ્યું હતું. બીજે દિવસે અમેરિકાનાં સઘળાં વર્તમાનપત્રોએ એક અવાજે જાહેર કર્યું કે સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન સર્વથી શ્રેષ્ઠ છે. સ્વામીજીની ખ્યાતિ આખા અમેરિકામાં પ્રસરી રહી. પરિષદ્ માં કોઈ પણ ધારતું નહોતું કે એમના જેવો એક અત્યંત સાદો અને શરમાળ મનુષ્ય આખી પરિષદ્ નો એક પ્રકાશિત તારો બની રહેશે. પણ સ્વામીજીની આકૃતિ ભવ્ય હતી, હિંદી પોષાકમાંજ તેઓ હાજર થયા હતા, તેમનો અવાજ સંગીત જેવો મધુર હતો, તેમની વક્તૃત્વશક્તિ સ્વાભાવિક, મોહક અને અગાધ હતી, વિષયને પ્રતિપાદન કરવાની તેઓ અલૌકિક કુશળતા ધરાવતા હતા. અને ભારતવર્ષના ધર્મો તથા તત્ત્વજ્ઞાન, જેના ઉપર તેમનું વ્યાખ્યાન થયું હતું, તેમાં તેમણે ઉંડો પ્રવેશ કરેલો હતો.

તે પરિષદ્‌માં મોટા મોટા પગારવાળા, મોટા મોટા અધિકારવાળા, અનેક મનુષ્યો ઉપર સત્તા ધરાવનારા અને પોતાના વિષયનું અદભુત જ્ઞાન ધરાવનારા અનેક ધર્મોપદેશકો આવેલા હતા. વળી શ્રોતાઓમાં અમેરિકાના વિદ્વાનો, સુશિક્ષિત અને બુદ્ધિશાળી પુરૂષો તથા સ્ત્રીઓ હતાં. આવા અસામાન્ય શ્રોતાઓની સમક્ષ ભાષણ આપવું એ કંઈ જેવું તેવું કાર્ય નહોતું. અત્યંત આત્મશ્રદ્ધા અને હિંમતની તેમાં જરૂર હતી. ત્યાં આવેલા ખ્રિસ્તી દેવાલયના મોટા મોટા ધર્માધ્યક્ષ અને પાદરીઓની આકૃતિઓ અતિશય ભવ્ય દેખાતી હતી. તેમની મુખમુદ્રાઓ ઉપર અધિકાર અને માન મરતબાનું તેજ છવાઈ રહેલું હતું. તેમની સાથે સરખાવતાં સ્વામીજી તદ્દન સાદા અને કંઈ પણ હિસાબ વગરના જણાતા હતા. પોતાનું વ્યાખ્યાન આપવાને તેમને પ્રમુખ તરફથી કેટલીકવાર કહેવામાં આવ્યું હતું પણ તેમણે “હમણાં નહિ” એવો જવાબ આપ્યા કર્યો હતો. સ્વામીજી તેમનું ભાષણ આપશે કે નહિ એવી પણ શંકા પ્રમુખને થઈ હતી. આખરે પ્રમુખનો આગ્રહ થવાથી સ્વામીજીએ પોતાનું ભાષણ છેક ત્રીજા પહોરે આપ્યું હતું.

ભાષણ કરવાને ઉભા થતી વખતે સ્વામીજીના મુખ ઉપર એક પ્રકારની જ્યોતિ છવાઈ રહી. તેમણે એક દ્રષ્ટિપાતથી સમસ્ત સભાને નિહાળી લીધી. શ્રોતાઓ આતુર બની રહ્યા. સર્વત્ર શાંતિ વ્યાપી રહી. પછી સ્વામીજીમાં રહેલો નર જાગૃત થયો. સપ્તર્ષિનો પ્રકાશ તેમના હૃદયમાં છવાઈ રહ્યો, સ્વાનુભવની જ્યોતિ તેમના અંતરાત્મમાં ઝળકી રહી, પરમાત્માની સ્તુતિ કરીને તેમણે પોતાનું ભાષણ કર્યું. શ્રોતાઓને તેમણે “અમેરિકાની મારી ભગિનીઓ અને ભ્રાતાઓ” કહીને સંબોધ્યા. તેમની અગાઉના કોઈપણ વક્તાએ આ પ્રમાણે સંબોધન કર્યું નહોતું, સઘળા શ્રોતાઓ તે સાંભળીને હર્ષમાં આવી ગયા. આખી સભામાં આનંદની લાગણી પ્રસરી રહી. હજારો મનુષ્યો ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા અને ખુશાલીના પોકાર કરવા લાગ્યા. આખી સભા ગાંડા જેવી બની રહી દરેક જણ તાળી પાડ્યાજ કરે. સ્વામીજીને આગળ બોલવાનો અવકાશ મળે નહિ ! તે જરાક ગભરાયા. બે મિનિટ સુધી તેમને કોઈએ બોલવા દીધા નહીં, એટલો બધો હર્ષ સભામાં વ્યાપી રહ્યો હતો. અમેરિકનો આશ્ચર્ય પામ્યા કે તેમને “ભાઈઓ અને બહેનો” કહીને સંબોધનાર આ કોણ હશે ! તેઓને શી ખબર કે ભારતવર્ષમાંથી આવેલા આ હિંદુ સાધુને મન સઘળું જગત કુટુંબ રૂપજ છે ! સ્વામીજીને મન જગતનાં સઘળાં સ્ત્રી પુરૂષો “ભાઈઓ અને બહેનો” જ હતાં. વેદાન્ત ધર્મ તો એથી પણ આગળ વધીને તેમને સર્વને પોતાનું જ સ્વરૂપ, પોતાનોજ આત્મા ગણી રહ્યો હતો.

જ્યારે સર્વત્ર શાંતિ પ્રસરી રહી ત્યારે સ્વામીજીએ પોતાનું વ્યાખ્યાન આગળ ચલાવ્યું. જગતના અને હિંદના સાધુ સંતો તરફથી તેમણે અમેરિકન પ્રજાનો આભાર માન્યા પછી તેઓએ પોતાના મુખ્ય વિષય “હિંદુધર્મ” નો ઉપોદ્‌ઘાત શરૂ કર્યો. હિંદુ ધર્મને તેમણે સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો. અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રાહિતાનો બોધ આપનાર હિંદુધર્મજ છે એમ તેમણે પ્રતિપાદન કર્યું; અને તેવા ભાવનાં અનેક અવતરણો હિંદુ શાસ્ત્રોમાંથી તેમણે પોતાની સુલલિત વાણીથી કહી સંભળાવ્યાં.

સ્વામીજીનું વ્યાખ્યાન ટુંકું જ હતું, પણ તેમના વિચારોની ભવ્યતા, વિશાળતા, સર્વ સ્પર્શાપણું અને જે ઉંડી લાગણીઓથી તે વિચારો દર્શાવાઈ રહ્યા હતા, તે સર્વ વડે કરીને આખી સભા, રે, આખી અમેરિકન પ્રજાનાં મન ઉપર ભારે અસર થઈ રહી. તેમની પહેલાંનો કોઈ પણ વક્તા આવા સર્વસ્પર્શી વિચારો દર્શાવી શક્યો નહોતો. સ્વામીજીના આવા વિચારોથી સર્વધર્મપરિષદના વિશાળ હેતુઓને અજાણ્યે અનુમોદન મળી રહ્યું હતું. જ્યારે બીજાઓ માત્ર પોતપોતાના પંથોનીજ વાત કરી રહ્યા હતા ત્યારે સ્વામીજી “સર્વ ધર્મો સત્યરૂપ એકજ વૃક્ષનાં જુદાં જુદાં ડાળપાંખડાં છે, સર્વે મોક્ષરૂપી ફળ આપનારા છે.” એમ કહી રહ્યા હતા.

ભાષણ પુરૂં થયા પછી સર્વ શ્રોતાઓ જાણે કે કોઈ અલૌકિક પ્રકાશમય સૃષ્ટિમાં વિચરતા હોય તેમ અતિશય આનંદાવેશમાં આવી જઈ સ્વામીજી તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા અને પુષ્કળ તાળીઓનો અવાજ કરવા લાગ્યા.

એ પછી થોડા દિવસ રહીને સ્વામીજીએ તેજ પરિષદ્‌માં “હિંદુ ધર્મ” વિષે નિબંધ વાંચ્યો. તેમાં હિંદુઓનું તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર અને બીજા અનેક વિશાળ વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રુતિ એટલે શું, વેદો નિત્ય સત્યોજ છે, પુનર્જન્મ એટલે શું, કર્મનો ભવ્ય સિદ્ધાંત, રૂષિઓ કોણ હતા, આત્માનું અનાદિત્વ, જગતનું અનાદિત્વ, આત્માની સ્વાભાવિક શુદ્ધતા, નિત્યતા અને મુક્તતા, ટુંકમાં વેદાન્તનાં સર્વ મુખ્ય સત્યોને સ્વામીજીએ ઘણીજ સરળ ભાષામાં અને આધુનિક વિજ્ઞાન શાસ્ત્રનાં પ્રમાણોની સાથે સમજાવીને વેદાન્તની વિશાળતા અને સર્વગ્રાહિતા સિદ્ધ કરી બતાવી. મોક્ષના વિષયમાં તેમણે કહ્યું કે, “જ્યારે વિશ્વના જીવન સાથે-સર્વાત્મા સાથે હું એક થઈ રહું ત્યારેજ જન્મ મરણની આવૃત્તિઓ થતી બંધ પડે; જ્યારે હું સુખરૂપજ-સુખ પોતેજ બની રહું ત્યારેજ સઘળાં દુઃખોનો સદાને માટે નાશ થઈ શકે; અને જ્યારે હું જ્ઞાનરૂપજ-જ્ઞાન પોતેજ બની રહું ત્યારે સઘળી ભુલો સદાને માટે થતી અટકે. અને આ પ્રમાણેજ થવું જોઈએ એમ વિજ્ઞાનશાસ્ત્ર પણ કહી રહ્યું છે. વિજ્ઞાનશાસ્ત્રે સાબીત કરી બતાવ્યું છે કે માનવ દેહ અને તેમાં બંધાયેલો દેહાત્મભાવ અસત્ય છે, મિથ્યા છે. જડતાના અગાધ મહાસાગરમાં માનવ શરીર સતત વિકાર અને ક્લેશને પામી રહેલું છે; અને તેમાંથી સદાને માટે છુટીને સચ્ચિદાનંદમય બની રહેવાને માટે મનુષ્ય સર્વવ્યાપી અભિન્ન આત્મા સાથે અભેદ સાધવો એજ એક ઉપાય છે.”

જાણે કે પ્રાચીન સમયનો કોઈ વૈદિક ઋષિ વ્યાખ્યાન આપતો હોય તેમ સ્વામીજી ઉપનિષદોના સિદ્ધાંતોને અનુસરીને સર્વેને “અક્ષય્ય સુખના વારસો” એમ કહીને સંબોધવા લાગ્યા. મનુષ્ય મૂળ સ્વભાવથીજ પાપી છે એમ ખ્રિસ્તી પાદરીઓ શિખવી રહ્યા હતા; પણ સ્વામીજીએ હિંદુધર્મનું તત્ત્વજ્ઞાન સમજાવી સાબીત કરી આપ્યું કે “મનુષ્ય મૂળ સ્વભાવથીજ પાપી નથી, પણ તેઓ ઇશ્વરનાં બાળકો છે અને તેથી તેઓ અક્ષય્ય સુખના ભાગી છે. તેઓ મૂળ સ્વભાવથી પવિત્ર છે અને પૂર્ણ છે. તમે સર્વ મનુષ્યો પૃથ્વી ઉપરના દેવતાઓ છો તમને પાપીઓ કેમ કહેવાય ? મનુષ્યને પાપી કહેવા એજ મોટું પાપ છે. મનુષ્ય-સ્વભાવ ઉપર એ મોટું અને જાડું કલંક છે. માટે આવો, ઓ સિંહો ! તમે ઘેટાં છો એવી ભાવના તમારા મનમાંથી કહાડી નાંખો. તમે અમૃત આત્માઓ છો, મુક્ત છો, નિત્ય છો, પ્રભુના આશીર્વાદયુક્ત છો. તમે જડ નથી, તમે શરીર નથી; જડ તો તમારું હથીયાર છે-દાસ છે. તમે જડના હથીયાર નથી. દાસ નથી... વેદાન્ત આપણને શિખવે છે કે આ વિશ્વમાં માત્ર અત્રુટ્ય નિયમો કે માત્ર કાર્યકારણભાવજ પ્રવર્તી રહેલો હોય એમ નથી, પણ તે ઉપરાંત સઘળા નિયમોને માથે એક નિયંતા પરમાત્મા પણ રહેલો છે. તેના હુકમથીજ આ પવન વાઈ રહેલો છે, તેના હુકમથીજ અગ્નિ સળગે છે, તેના હુકમથીજ મેઘ વૃષ્ટિ કરે છે અને તેના હુકમથીજ પૃથ્વી ઉપર મૃત્યુ વિચરે છે. અને તેનું સ્વરૂપ કેવું છે? તે સર્વવ્યાપક છે; તે નિરંજન નિરાકાર છે; તે સર્વ શક્તિમાન અને અત્યંત દયાળુ છે, તે સચ્ચિદાનંદ છે; તેજ તમારો અને પ્રત્યેકનો આત્મા છે; તેના વડેજ સર્વ છે; તેજ સર્વ છે. તે પરમાત્માને – તમારા પોતાના આત્માને – તમારા પોતાના ખરા સ્વરૂપને ઓળખવાથીજ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશો અને અમૃતત્વને તેમજ સર્વોચ્ચ આનંદરૂપતાને પ્રાપ્ત કરી શકશો.”

પછીથી સ્વામીજીએ મૂર્તિપૂજાનું સ્વરૂપ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે સર્વેધર્મો-સર્વે ક્રિયાઓમાં એકજ સત્ય વ્યાપી રહેલું છે. હિંદુઓ સર્વગ્રાહી દૃષ્ટિથીજ સર્વ ધર્મો તરફ જુએ છે. આખરે સ્વામીજીએ સર્વસામાન્ય ધર્મ, જેમાં કોઈ પંથ કે માર્ગ નથી, પણ જે એક જંગલી મનુષ્યથી તે ઘણા કેળવાયેલા મનુષ્ય સુધીનાં સર્વે મનુષ્યોની ભાવનાઓને અનુકુળ થઈ રહે અને મનુષ્યોને એક બીજાને સહાયભૂત થવાને પ્રેરણા કરી રહે, તેની કલ્પના કહી બતાવી. છેવટે નીચેના શબ્દો બોલીને તેમણે પોતાનો નિબંધ પુરો કર્યો :—

“જગતને આવો ધર્મ આપો અને સઘળી પ્રજાઓ તમને અનુસરશે. અશોકની સભા વિશાળ હતી પણ તે માત્ર બુદ્ધ ધર્મનીજ સભા હતી. અકબરે સ્થાપેલી મંડળી જો કે એકથી વધારે ધર્મને પ્રતિપાદન કરતી હતી તો પણ તે એક ખાનગી સભા જેવીજ હતી. સઘળા ધર્મો પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે છે એવું સમગ્ર જગતને જણાવવાના સ્થળ તરીકેનું માન ઈશ્વરે અમેરિકાને માટેજ રાખ્યું હતું.”

“હિંદુઓનો જે બ્રહ્મ કહેવાય છે, પારસીઓનો જે અહુરમઝદ કહેવાય છે, બુદ્ધોનો જે બુદ્ધ કહેવાય છે, યાહુદીઓનો જે જિહોવા કહેવાય છે, ખ્રિસ્તીઓ જેને સ્વર્ગમાં રહેલો પિતા ગણે છે, તેઓ તમારા ઉમદા વિચારને અમલમાં મૂકવાને તમને સામર્થ્ય આપો. તારો પ્રથમ પૂર્વમાં ઉગ્યો હતો, ધીમે ધીમે તે પશ્ચિમ તરફ ગયો હતો ! તેનો પ્રકાશ કવચિત્‌ ઝાંખો અને કવચિત્ વધારે તેજોમય થયો હતો; આખરે તેણે આખા વિશ્વની મુસાફરી કરી હતી. હવે પાછો ફરીથી તે તારો પૂર્વના ક્ષિતિજ ઉપર ઉદયમાન થવા લાગ્યો છે ! તેનો પ્રકાશ હવે પ્રથમ કરતાં હજારો ગણો વધારે વધવા લાગ્યો છે.”

“ધન્ય છે કે કોલમ્બીઆ ! ધન્ય છે સ્વાતંત્ર્યની માતૃભૂમિ ! જેણે કદી પોતાના પાડોશીના લોહીનું એક પણ ટીપું પાડ્યું નથી, પોતાના પાડોશીને લુંટીને જલદીથી ધનવાન થવાય છે એવું જે કદીએ સમજ્યું નથી, તેવા કોલમ્બીઆ ! શાંતિ અને સુલેહની પતાકા હાથમાં લઈને તારેજ જગતના સુધારાના અગ્રેસર થવું એમ પ્રભુએ નિર્માણ કરેલું છે.”

સ્વામીજીના ભાષણથી પાશ્ચાત્ય પ્રજાઓનાં હૃદયોમાં નવોજ પ્રકાશ પડી રહ્યો. તેમના વિચારોની વિશાળતા અને સર્વગ્રાહિતાને લીધે ખ્રિસ્તીઓના ધર્માંધપણાને ઘણોજ સખત ફટકો વાગ્યો. વાડા કરીને બેઠેલા પાદરીઓ અને અન્યધર્મીઓ ઉપર તેથી જબરો પ્રહાર થઈ રહ્યો. સ્વામીજીની “સર્વસંગ્રાહ્ય ધર્મની કલ્પના”થી સંકુચિત વિચારના પંથોને ઘણો મોટો ઘા લાગી રહ્યો. સ્વામીજી સર્વને અનુભવસિદ્ધ વાત કહેતા હતા. તેમના બોધથી હવે સર્વે સમજ્યા કે “સત્ય સર્વત્ર એકજ છે, અને ખરો ધાર્મિક અનુભવ સર્વ સ્થળે સરખોજ હોય છે.”

માત્ર થોડા હજાર વર્ષોથીજ આ જગત ઉત્પન્ન થયેલું છે એમ પાશ્ચાત્યો માનતા હતા, તેમને સ્વામીજીએ પોતાના વિચારોથી સિદ્ધ કરી બતાવ્યું કે જગત અને ઇશ્વર બંને અનાદિ છે. પુનર્જન્મની સાબીતિ આપતાં સ્વામીજીએ દૃઢ નિશ્ચય અને સ્વાનુભવથી સર્વને જણાવ્યું કે પોતાના ગત જીવનના બનાવો જાણવાને હિંદના પ્રાચીન રૂષિઓએ યોગમાર્ગ સર્વને માટે ખુલ્લો મુકેલો છે. જાતે અનુભવ કરી જોવો એના કરતાં બીજો વધારે પ્રબળ પુરાવો એકે નથી. ખ્રિસ્તીઓની “અનંત નારકીય દુઃખ” અને “અનંત સ્વર્ગીય સુખ”ની માન્યતાને સ્વામીજીએ તોડી નાંખી અને કહ્યું કે અંતવાળી વસ્તુ અનંત સુખને પ્રાપ્ત કરાવી શકે જ નહિં. આવી રીતે સ્વામીજીએ પોતાના બોધથી અમેરિકામાં એક નવોજ ધર્મ પ્રવર્તાવી મુક્યો હતો. તેમના બોધથી ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો ઉપર નવુંજ અજવાળું પડી રહ્યું હતું. આજે લંડનમાં સેંટ પોલના દેવળમાં અને અમેરિકાનાં મુખ્ય દેવળામાં “પુનર્જન્મ” અને “મનુષ્ય દેવ છે” એ વિષય ઉપર જે નવીન બોધ આપવામાં આવે છે તેને માટે સઘળા પાદરીઓ સ્વામીજીનાજ આભારી છે. પરિષદ્‌માં ખ્રિસ્તી ધર્માધ્યક્ષો, પંડિતો અને સુપ્રસિદ્ધ ધર્મોપદેશકો હતા, પણ સઘળા સ્વામીજીના વિશાળ વિચારોથી ચકિત થઈ ગયા હતા. સ્વામીજીનું વક્તૃત્વ, તેમના મુખ ઉપર છવાઈ રહેલો સૌંદર્યનો, બુદ્ધિનો અને બ્રહ્મનિષ્ટતાનો પ્રકાશ, અંગ્રેજી ભાષા ઉપરનો અસામાન્ય કાબુ, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં તેમણે મેળવેલી પ્રવીણતા, તેમની સાદાઈ, ત્યાગ અને બ્રહ્મચર્ય વૃત્તિ, આ સર્વે બાબતો શ્રોતાઓનાં હૃદય ઉપર ભારે અસર ઉપજાવી રહી. પરિષદમાં એકઠા થયેલા સર્વે ભાગ્યેજ જાણતા હતા કે ભારતનો એક શરમાળ અને નવયુવક સંન્યાસી શ્રોતાજનોનાં હૃદયને અન્ય સર્વ કરતાં વધારે આકર્ષી લેશે ! તેમને આ વાતની પણ ભાગ્યેજ ખબર હતી કે પાશ્ચાત્ય તત્વવેત્તાઓ અને ધાર્મિક સુધારકોનાં આદર્શોથી પણ ચ્હડી જાય એવા ભવ્ય વિચારોથી ભારતીય વેદાન્ત ભરેલું છે !

સ્વામીજીએ જે દિવસે પોતાનું પ્રસિદ્ધ ભાષણ આપ્યું તેજ દિવસથી ઘણા મનુષ્યો તેમની પાછળ પાછળ ફરવા લાગ્યા. પરિષદના મકાનમાં પેસતાં અને તેમાંથી બહાર જતાં હજારો સ્ત્રીઓ તેમની સાથે વાત કરવાને આગળ આવવા લાગી. પરિષદની પીઠિકા (પ્લેટફોર્મ) ઉપર સ્વામીજી જો ઉઠીને કોઈ કારણસર એક બાજુએથી બીજી બાજુએ જાય તોપણ શ્રોતાઓ તેમને હર્ષના પોકારો અને તાળીઓના અવાજોથી વધાવી લે ! પરિષદ્‌ના વિજ્ઞાનશાસ્ત્રીય વિભાગના પ્રમુખ લખે છે કે, – “વિવેકાનંદે પરિષદ્‌માં ભાષણ આપવા ઉપરાંત તેના વિજ્ઞાનશાસ્ત્રીય વિભાગમાં પણ ભાષણ આપ્યું હતું. ત્યાં હું પ્રમુખ હતો. દરેક વખતે શ્રોતાઓ તેમને ઘણાજ માન અને ખુશાલીથી વધાવી લેતા હતા. તે જ્યાં જાય ત્યાં લોકો તેમની આસપાસ ટોળે વળી જતા અને તેમના મુખમાંથી નીકળતા દરેક શબ્દને આતુરતાથી શ્રવણ કરતા. ઘણી વખત તેમને ખ્રિસ્તી દેવાલયોમાં બોધ આપવાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં શ્રાતાઓ તેમની ઘણીજ પ્રશંસા કરતા હતા. ઘણા ધર્મચુસ્ત ખ્રિસ્તીઓ પણ તેમને માટે કહેતા હતા કે ખરેખર મનુષ્યમાં તે એક દેવસમાન ( શ્રેષ્ઠ પુરૂષ) છે ! સ્વામીજીને અમેરિકા મોકલવા માટે અમેરિકનો હિન્દુસ્તાનનો ઉપકાર માને છે, અને એમના જેવા બીજા વધારે મોકલવાની વિનતિ કરે છે.”

સર્વધર્મ પરિષદ્‌માં સ્વામીજીએ જે વ્યાખ્યાન આપ્યું તેમાં સમાયલા વિચારો જેમ અતિશય ભવ્ય હતા તેમ તે આકાશ જેવા વિશાળ અને સર્વસ્પર્શી હતા. જગતના સર્વે ધર્મોનો જાણે કે સાર ખેંચી કાઢ્યો હોય તેમ તેમની “સર્વ સંગ્રાહ્યધર્મની કલ્પના” સર્વગામી હતી.

અમેરિકાનાં થોડાંક વર્તમાનપત્રોના તેમના વિષેના અભિપ્રાયો નીચે ટાંકીશું.

“સર્વ ધર્મપરિષદ્‌માં સ્વામી વિવેકાનંદ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે, અને તેમનું ભાષણ સાંભળ્યા પછી અમને લાગે છે કે હિંદુઓ જેવી વિદ્વાન પ્રજાને બોધ આપવાને અમે પાદરીઓ મોકલીએ છીએ એ કેવું મુર્ખાઈ ભરેલું કાર્ય કરીએ છીએ ! ” — ધી ન્યુયૉર્ક હેરલ્ડ.

“બધા વક્તાઓમાં આ માણસેજ સર્વધર્મપરિષદ્‌માં ભારે હર્ષઘોષ જગાવી મુક્યો હતો, અને વારંવાર તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.” — ધી ઇન્ટીરીઅર શિકાગો.

“પોતાનો ભવ્ય દેખાવ અને વિચારોની પ્રૌઢતાને લીધે પરિષદ્‌માં તે ઘણાજ પ્રિય થઈ રહેલા છે. પ્લેટફોર્મ ઉપર તે માત્ર એક બાજુએથી બીજી બાજુએ જાય છે તો પણ શ્રોતાઓ તેમના માનમાં તાળીઓના અવાજ કરી મૂકે છે અને સ્વામી એક બાળક જેવા સાદા સ્વભાવથી, જરાક પણ મગરૂરી ધર્યા વગર, તે હજારો મનુષ્યોના માનનો સ્વીકાર કરે છે,” ―ધી બોસ્ટન ઇવનીંગ્‌ ટ્રાન્સ્ક્રીપ્ટ.

“જો કે પરિષદ્‌માં બીજા ઘણા સારા વક્તાઓ હતા, પણ પરિષદનો ખરેખર ઉદ્દેશ તો તે હિંદુ સાધુએજ બરાબર પાર પાડ્યો છે. હું તેમના ભાષણની પુરેપુરી નકલ આપું છું, પણ શ્રોતાઓનાં મન ઉપર તેની શી અસર થઈ હતી તેનું તો માત્ર સૂચનજ કરું છું, કારણકે તે ઇશ્વરી બક્ષિસવાળા એક મહાન વક્તા છે. પીળાં અને ભગવાં વસ્ત્રો તેમણે ધારણ કર્યાં હતાં. જે ગંભીરતાથી, એક કાવ્ય જેવી વાણીમાં તે બોલી રહ્યા હતા, તે સર્વ કાંઈ ઓછાં આકર્ષક નહોતાં. તેમની વિદ્વતા, વક્તૃત્વશક્તિ અને મોહક વ્યક્તિત્વથી, હિંદુઓના પ્રાચીન સુધારાનો અમને કંઈક નવોજ ખ્યાલ આવ્યો છે. તેમનો સુંદર અને બુદ્ધિદર્શક ચહેરો અને સંગીતમય અવાજથી ઘણા મનુષ્યોને તે પ્રિય થઈ પડેલા છે. તેમણે ક્લબોમાં અને દેવાલયોમાં ભાષણો આપ્યાં છે અને તેમના ધર્મથી અમે વાકેફ થઈ રહેલા છીએ. કોઈ પણ જાતની પ્રથમ નોંધ કર્યા વગર તે ભાષણ આપે છે, અને વિષયની પેટા બાબતો તેમજ અંતિમ સાર તેઓ ઘણીજ ભવ્ય કળાથી રજુ કરે છે. તે એવી તો અંતરની લાગણીથી બોલે છે કે તેમના શબ્દો સૌનાં અંતઃકરણમાં સોંસરા પેશી જાય છે અને બોલતાં બોલતાં તેમની વાણી આબેહુબ ઈશ્વર પ્રેરિતજ બની રહે છે.” — ધો ન્યુયૉર્ક ક્રિટીક.

“હૉલ ઓફ કોલમ્બસમાં અમેરિકાનાં અને આખા જગતનાં શ્રેષ્ઠ બુદ્ધિવાળાં અને ધાર્મિક ચાર હજાર મનુષ્યો, સ્વામી વિવેકાનંદને માત્ર પંદર મિનિટ પણ સાંભળવાને બીજા વક્તાઓ પોતાનાં ભાષણો આપી રહે ત્યાં સુધી હસતેમુખે રાહ જોતાં બેસી રહેતાં ! સૌથી શ્રેષ્ઠ વક્તાને સૌથી છેલ્લો ઉભો કરવો (કે જેથી શ્રોતાજનો વેરાઈ ન જાય) એ જુના પુરાણા નિયમને પરિષદ્‌ના પ્રમુખ સારી પેઠે જાણતા હતા.” — બોસ્ટન ટ્રાન્સ્ક્રીપ્ટ.

આ પ્રમાણે સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણથી ભારતવર્ષની મોટી સેવા બજાવી છે. તેમણે હિંદુધર્મને અખિલ વિશ્વના ધર્મ તરીકે રજુ કરેલો છે. પાશ્ચાત્ય પ્રજાઓનાં મનમાં તેમણે ઠસાવ્યું છે કે હિંદુધર્મના સિદ્ધાંતો સર્વ સામાન્ય અને ભવ્ય છે. તેમણે હિંદુધર્મને એક ઐતિહાસિક સ્વરૂપમાં આણીને મુક્યો છે. હિંદુધર્મમાં અનેક ભિન્ન ભિન્ન પંથો છે અને તેથી તેમાં વિરોધાભાસ લાગે છે, એવી માન્યતાને દૂર કરીને સર્વ પંથો એકજ અદ્વૈતવાદનાં જુદાં જુદાં સ્વરૂપ છે એમ તેમણે સર્વને સમજાવ્યું છે. હિંદુધર્મ એ કાંઈ અમુક મનુષ્યોનોજ ધર્મ છે એમ નથી, પણ તે પ્રત્યેક જીવાત્માનો એક કુદરતી વિશાળ અને સર્વ શ્રેષ્ઠ આદર્શ છે, એવું તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે. સ્વામીજી કહેતા હતા કે વેદ એટલે અમુક પુસ્તકો એમ સમજવાનું નથી. અતિશય મહાન એવા જુદા જુદા આર્ય પુરુષોએ જુદે જુદે સમયે શોધી કહાડેલા તે અધ્યાત્મિક નિયમો છે.

પરિષદ્‌નું કામ લગભગ સત્તર દિવસ સુધી ચાલ્યું હતું અને તેમાં આશરે એક હજાર નિબંધ વંચાયા હતા. સ્વામીજી તેમાં હમેશાં ભાષણ આપતા અને શ્રોતાઓ વેરાઈ ન જાય તેટલા માટે તેમનું ભાષણ દરરોજ છેલ્લુંજ રાખવામાં આવતું હતું. આથી કરીને સર્વે શ્રોતા લોકો પરિષદ્‌માં સવારના દસથી તે રાતના દસ વાગતા સુધી બેસતા હતા. ઘણા નિબંધો તેમને નિરસ લાગતા હતા તો પણ છેવટે સ્વામી વિવેકાનંદનું મધુર ભાષણ સાંભળવાને તેઓ બેશીજ રહેતા.

સ્વામીજી પ્રત્યે અમેરિકન પ્રજા કેવો પૂજ્યભાવ ધરાવતી હતી તે વિષે જણાવતાં મહાબોધી સોસાઈટીના જનરલ સેક્રેટરી ધર્મપાલ લખે છે :— “શિકાગોના મહેલ્લાઓમાં સ્વામીજીની છબીઓ જ્યાં ત્યાં ટાંગેલી માલમ પડતી હતી અને તેમની નીચે “સાધુ વિવેકાનંદ” એવા શબ્દો લખેલા દેખાતા હતા. રસ્તે જનારા હજારો ગરીબ અને ધનવાન મનુષ્યો તે છબીઓ તરફ જોઈને પૂજ્યભાવથી નમન કરતા હતા.” આ કંઈ સાધારણ માન ન હતું. સઘળા હિંદુઓએ, જો તે ખરેખરા હિંદુ હોય તો તેમને માટે અભિમાન ધરવું જોઈએ. તેઓએ વળી આ વાતથી પણ હર્ષ ધરવો જોઈએ કે તેમના પ્રાચીન રૂષિઓનું તત્ત્વજ્ઞાન ગ્રહણ કરવાને અમેરિકન પ્રજા તૈયાર છે. હિંદુઓએ હવે બીજી પ્રજાઓના માત્ર એક હથીઆર તરીકેજ પોતાનું જીવન ગાળવાનું નથી, પણ તેમણે પોતાના અનુપમ તત્વજ્ઞાનને ચારિત્રમાં ઉતારીને અને તે જ્ઞાન–ચારિત્રનો અખિલ વિશ્વને બોધ આપીને સમસ્ત માનવ જાતિના ગુરૂ થવાનું છે.

સ્વામીજીની પવિત્રતા, વૈરાગ્ય અને જ્ઞાનથી આકર્ષાઈને ઘણા અમેરિકનો પોતાને ઘેર તેમને બોલાવવા લાગ્યા. શિકાગોના કેટલાક ધનાઢ્ય પુરૂષોએ પોતાના ભવ્ય મહેલો તેમને માટે ખુલ્લા મુક્યા. એક માનવંતા અતિથિ તરીકે નિમંત્રવાને શ્રીમંતો એક બીજાની સ્પર્ધા કરવા લાગ્યા. શિકાગોની સમાજોએ તેમના માનમાં અનેક સભાઓ ભરી.

જે દિવસે સ્વામીજીએ પોતાનું જગપ્રસિદ્ધ ભાષણ આપ્યું, તેજ દિવસે એક ધનવાન અને પ્રખ્યાત મનુષ્ય જેનો મહેલ શિકાગોની ઉચ્ચ કોટીની વસ્તીમાં આવેલો હતો તેણે સ્વામીજીને પોતાને ત્યાં તેડી જઈને એક રાજાના જેટલું માન આપ્યું. તે ધનવાને પોતે જાતેજ સ્વામીજીની સઘળી સરભરા કરી અને એક શિષ્યની માફક તેમના તરફ પૂજ્યભાવ દાખવ્યો. સારા કીંમતી સામાનથી સજ્જ કરેલો એક હૉલ તેમને સ્વાધીન કરવામાં આવ્યો અને અનેક પ્રકારની સગવડો તેમને કરી આપવામાં આવી. પણ પોતાની પ્રશંસાથી કે માનથી સ્વામીજી ફુલાઈ જાય તેવા નહોતા. વર્તમાનપત્રોમાં જ્યારે પોતાની અતિશય પ્રશંસા તેઓ વાંચતા, ત્યારે પ્રભુ પોતાના કાર્યમાં તેમના નિમિત્ત તરીકે જે ઉપયોગ લે છે તેના વિચારથી આભારનો જે ઉભરો તેમના હૃદયમાં ચ્હડતો તેથી તેમની આંખો અશ્રુથી ભરાઈ આવતી. મોટા મોટા શ્રીમાનોની સેવા અને સહકારથી કેટલીકવાર તેઓને એમ વિચાર આવતો કે રખેને, આવી તેવી બાબતોમાંજ રોકાઈ પડાઈને તેમના પરિવ્રાજક તરીકેના સ્વતંત્રજીવનનો અને પોતાના દીન–પરતંત્ર દેશ પ્રત્યેના સેવાભાવનો અંત આવી જાય !

તે ધનવાન મનુષ્યના ભવ્ય હૉલમાં પહેલેજ દિવસે રાતે સુતે સુતે અમેરિકાની વિપુલ લક્ષ્મી અને ભારતવર્ષની પુષ્કળ નિર્ધનતાના વિચારો તેમના મનમાં ખડા થવા લાગ્યા. ભારતવર્ષના દુઃખે દુઃખી થનાર મહાન સ્વદેશભક્ત–સ્વામીજીને સવા મણ રૂની તળાઈમાં પણ આખી રાત હિંદની દુર્દશાનોજ ખ્યાલ આવ્યા કર્યો ! સુંવાળી રેશમ જેવી પથારી તેમને કાંટાની પથારી જેવી લાગવા માંડી અને સઘળો તકીઓ આંસુથી પલળી રહ્યો ! સ્વામીજી ઉઠ્યા અને બારીમાંથી દૂર–હિંદભૂમિ તરફ–જોવા લાગ્યા. પણ પાછા દુઃખની લાગણીથી દબાઈ જઈને પથારીમાં પડ્યા. પથારીમાં આમ તેમ તરફડીયાં મારતા તેઓ બોલ્યા કે “ઓ જગદંબા, જ્યારે આખી ભરતભૂમિ અત્યંત અજ્ઞાન અને દુઃખમાં ડુબી રહેલી છે ત્યારે આ નામ અને કીર્તિને મારે શું કરવાં છે ! દુર્દશામાં ડુબકાં ખાઈ રહેલા ભારતનો ઉદય કોણ કરશે ? તેમનાં ક્ષુધાતુર મુખોને રોટલી અને મેલ ચ્હડી ગયેલાં હૃદયોને પવિત્રતા કોણ આપશે ? માતાજી ! હું તેમને કેવી રીતે મદદ કરી શકું તે બતાવો.”

આ પ્રમાણે સ્વામીજીએ આખી રાત દુઃખ અને દિલગીરીમાં કહાડી. હિંદના ગરિબ, દુઃખી અને તિરસ્કાયલા વર્ગોને માટે સ્વામીજીના મનમાં ઘણી જ ઉંડી લાગણી થતી અને તે લાગણી જ આગળ ઉપર હિંદના ગરિબોને માટે તેમની પાસે અનેક કાર્યો કરાવી રહી હતી. પ્રાચીન રૂષિમુનિઓનાં સિદ્ધાંતોને અનુસરનાર ખરેખરો ધર્માત્મા સર્વત્ર કેવી રીતે પૂજાય છે અને અત્યંત સુખ, નામ તથા કીર્તિ મળવા છતાં તેનાથી નિર્લેપ રહીને એક ખરેખરો સ્વદેશભક્ત પોતાનું કર્તવ્ય કેવી રીતે બજાવે છે તેનો ખ્યાલ સ્વામીજીએ પોતાની જાતના દાખલાથી ભારતવાસીઓને આપ્યો છે.