સ્વામી વિવેકાનંદ/પંજાબ વગેરે તરફ વિચરણ

વિકિસ્રોતમાંથી
← રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ
પંજાબ વગેરે તરફ વિચરણ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
બેલુર મઠમાં →


પ્રકરણ ૪૮ મું – પંજાબ વગેરે તરફ વિચરણ.

કલકત્તામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા પછી સ્વામીજી આલ્મોરા ગયા. ત્યાં થોડાક દિવસ રહ્યા પછી બરેલી, અંબાલા, અમૃતસર અને રાવલપીંડી વગેરે સ્થળોએ થોડું થોડું રહીને શ્રીનગર ગયા. આ દરેક સ્થળે તેમનો બહુ ભાવ ભર્યો સત્કાર અને માનપત્ર મળ્યાં હતાં. તેના ઉત્તરદ્વારા તેમજ બીજાં ભાષણોદ્ધારા અને ખાનગી ચર્ચાઓ વગેરે દ્વારા પોતાના જ્ઞાનનો અપૂર્વ લાભ તે સ્થળના લોકોને આપ્યો હતો.

કાશ્મીરનું સૃષ્ટિસૌંદર્ય જોવા માટે શ્રીનગરની આસપાસનાં સ્થળો તરફ સ્વામીજી નિકળી પડતા. અનેક પ્રાચીન ઐતિહાસિક સ્થળોની તે મુલાકાત લઈ ભારતવાસીઓનાં કલા કૌશલ્યનાં અને ઇમારતોની ભવ્યતાનાં ભારે વખાણ કરતા. કાશ્મીરનાં ભવ્ય ખંડેરો અને કુદરતની શોભા જોઈને સ્વામીજીની ઐતિહાસિક દૃષ્ટિ અને કલાજ્ઞાન જાગૃત થતાં અને તે ઐતિહાસિક, રાષ્ટ્રિય અને ધાર્મિક વિષયો ઉપર અનેક નવીન વિચારો તેમના મનમાં પ્રકટાવતાં.

શ્રીનગરથી સ્વામીજી રાવલપીંડી ગયા, રાવલપીંડીમાં એક સંદર બગીચામાં તેમણે ભાષણ કર્યું હતું. આ સમયે એક અંગ્રેઝ શિષ્ય હાજર હતો તે લખે છે કે; “ભાષણ આપતે આપતે સ્વામીજી આમ તેમ આંટા લેતા હતા. કોઈ કોઈવાર તે પત્ર, પુષ્પ અને તોરણોથી શણગારેલા સ્તંભને અઢેલીને ઉભા રહેતા. તેમને મસ્તકે અને ગળામાં સુંદર પુષ્પહાર શોભી રહ્યા હતા. ભગવાં વસ્ત્ર પહેર્યાં હતાં. ગ્રીસના પ્રાચીન દેવ જેવા તે દેખાતા હતા. શ્રોતાવર્ગ ઘાસ ઉપર બેઠેલો હતો. થોડેક દૂર સૂર્ય અસ્ત થતો દેખાતો હતો. સઘળો દેખાવ ઘણોજ ભાવગ્રાહી અને મોહક બની રહ્યો હતો.”

સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં તેમનો તમામ સમય કોઈ નહિ ને કોઈ પ્રકારની પ્રવૃત્તિમાંજ વીતી જતો. રાવલપીડીમાં સ્વામીજી, પોતાનો વખત કેવી રીતે વ્યતીત કરતા હતા તે વિષે તેમના એક મિત્રની ડાયરીમાંથી નીચેની હકીકત આપી છે તે ઉપરથી સ્વામીજીની પ્રવૃત્તિ પરાયણતાનો ખ્યાલ વાંચનારને સારી પેઠે આવી શકશે.

“આજે સવારમાં સ્વામીજીએ હંસરાજને ઘેર આવેલા મનુષ્યો સાથે હમેશની માફક ધર્મ ચર્ચા કરી. પછીથી તે નિભાઈ બાબુને ઘેર ભિક્ષા લેવાને ગયા અને ત્યાં એકઠા થયેલા બંગાળીઓ સાથે ધર્મ સંબંધી વાર્તાલાપ કર્યો. બપોરના ત્રણેક વાગ્યાને શુમારે તે પાછા આવ્યા અને થોડા વખત પછી સુજનસિંહના બગીચામાં “હિંદુધર્મ” ઉપર ભાષણ આપવાને તે ગયા. ત્યાંથી પાછા આવીને એક સદ્‌ગૃહસ્થને કેકલીક સાધનાઓનાં રહસ્ય સમજાવ્યાં અને રાત્રે જસ્ટીસ નારાયણદાસ, સ્વામી પ્રકાશાનંદ અને લાલા હંસરાજની સાથે શ્રી ભક્તરામને ઘેર જમવાને ગયા. ત્યાંથી તે આશરે દસ વાગ્યાને સુમારે પાછા આવ્યા અને રાતના ત્રણ વાગતા સુધી સ્વામી પ્રકાશાનંદ (આર્યસમાજી) સાથે ધર્મ સંબંધી વાદવિવાદ કર્યો.”

બીજે દિવસે ગામના મુખ્ય મુખ્ય ગૃહસ્થો અને સ્વામી પ્રકાશાનંદની જોડે વાત કરતાં સ્વામીજીએ આર્યસમાજ અને મુસલમાનો વચ્ચેનો વિરોધ ટાળવાના ઉપાયો બતાવ્યા.

રાવળપીંડીથી સ્વામીજી જમ્મુ ગયા. કાશ્મીરના મહારાજાએ તેમને ખાસ કરીને ત્યાં તેડાવ્યા હતા. ત્યાં મહારાજાના બંગલામાં મહારાજા, તેમના બે ભાઈઓ અને મુખ્ય અમલદારો હાજર હતા. મહારાજ અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા. તે સઘળાનો ઉત્તર આપતાં સ્વામીજી જણાવવા લાગ્યા કે, આપણે હિંદુઓ જુના પુરાણા, કંઈ પણ અર્થ વગરના અને કઢંગા એવા અનેક રિવાજોને વળગી રહેલા છીએ. એ આપણી કેવી મૂર્ખાઈ છે ! આપણે માત્ર બાહ્ય ક્રિયાઓનેજ મહત્વ આપીએ છીએ અને એવા અનેક પ્રકારના અજ્ઞાનને લીધે આજકાલ કરતાં સાતસેં વર્ષથી ગુલામગીરી ભોગવી રહેલા છીએ. ધાર્મિક બાબતોનું ખરૂં રહસ્ય આપણે સમજતા પણ નથી અને સમજવા માગતા પણ નથી. આથીજ આપણામાં અનેક વ્હેમો પેસી ગયેલા છે. આગળ જતાં સ્વામીજીએ કહ્યું કે, “વ્યભિચાર એ મોટામાં મોટું પાપ છે અને કન્યાવિક્રય પણ મહાન પાપ છે; છતાં એવાં ઘોર પાપ કરનારને આપણે જરા પણ ન્યાત બહાર મૂકતા નથી. માત્ર રસોડામાં અને આભડછેટમાં જ આપણું બધું પુણ્ય અને પાપ આવી રહેલું છે !”

આ પ્રમાણે વાર્તાલાપ બરાબર ચાર કલાક સુધી ચાલ્યો. મહારાજા અને બીજાઓની અનેક શંકાઓ નિવૃત્ત થવાથી તેઓ સર્વ અતિશય સંતુષ્ટ થયા કાશ્મીરના મહારાજાના કહેવાથી જમ્મુમાં સ્વામીજીએ એક ભાષણ આપ્યું; તેથી ખુશ થઈને મહારાજાએ બીજાં વધારે ભાષણો આપવાનો અને જમ્મુમાં ઘણા દિવસ રહેવાનો સ્વામીજીને આગ્રહ કર્યો. જમ્મુમાં સ્વામીજીએ ઘણા મનુષ્યો સાથે આર્યસમાજ વિષે ચર્ચા કરી અને આર્યસમાજી સ્વામી અચ્યુતાનંદને સ્નેહભર્યા શબ્દોમાં તે સમાજ આગળ શા માટે નથી વધતી તેનાં કારણો સમજાવ્યાં. ત્રીજા પહોરે મહારાજાના કહેવાથી સ્વામીજીએ એક સુંદર ભાષણ આપ્યું અને તેમાં વેદો, પુરાણો અને ભક્તિમાર્ગનાં રહસ્યો સમજાવ્યાં.

પંજાબના પ્રવાસ દરમ્યાન સ્વામીજી ઘણુંખરૂં હિંદીમાંજ ભાષણો આપતા હતા. કાશ્મીરના મહારાજાએ પોતાના ઉપયોગને માટે સ્વામીજીને કેટલાક નિબંધો હિંદીમાં લખી આપવાની પ્રાર્થના કરવાથી સ્વામીજીએ તે મહારાજાને લખી આપ્યા હતા. અહીંથી સ્વામીજી સીયાલકોટમાં ગયા. ઓક્ટોબર માસની ઓગણત્રીસમી તારિખે સ્વામીજીએ કાશમીરના મહારાજાની છેલ્લી મુલાકાત લીધી અને સીયાલકોટ જવાની ઇચ્છા જણાવી. મહારાજાએ ઘણા ખેદ સાથે હા પાડી. મહારાજા અને સ્વામીજી ઘણી દિલગીરી સાથે છુટા પડ્યા.

સીયાલકોટમાં સ્વામીજી લાલા મુળચંદના અતિથિ તરિકે રહ્યા. અહીંઆં સ્વામીજીએ બે ભાષણો આપ્યાં અને હિંદમાં ધાર્મિક એકતા પ્રાપ્ત કરવાનાં સાધનો જણાવ્યાં. હિંદુઓએ પોતાની ધાર્મિકતા લોકોપયોગી કાર્યો કરીને દેખાડવી જોઈએ; ધર્મ માત્ર બોલવામાંજ કે ધાર્મિક ક્રિયાઓ કરવામાંજ સમાઈ રહેલો નથી; વગેરે બાબતોને સ્વામીજીએ ઘણો ભાર દઇને સમજાવી. પોતાના પ્રવાસમાં સર્વત્ર સ્વામીજીએ બાબત પર વધારે ભાર દઈને બોધ આપતા અને જ્યાં જ્યાં તે જતા ત્યાં ત્યાં લોકોની જરૂરીઆતો જોઈને તેમનાં દુઃખો ટાળનારી સંસ્થાઓ સ્થાપતા. સીયાલકોટમાં તેમણે એક મંડળી સ્થાપન કરી, લાલા મુળચંદને તેના પ્રમુખ બનાવ્યા અને તે મંડળીના વહીવટ નીચે એક કન્યાવિદ્યાલયની સ્થાપના કરી.

સીયાલકોટથી સ્વામીજી લાહોર ગયા. સ્ટેશન ઉપર તેમને ભારે આવકાર આપવામાં આવ્યો. લાહોરની સનાતન ધર્મ સમાજના સભાસદોએ તેમાં મુખ્ય ભાગ લીધો હતો. સ્વામીજી લગભગ દસ દિવસ લાહોરમાં રહ્યા હતા. લાહોરમાં હિંદુ ધર્મ વિશે જુદા જુદા મત ધરાવનારી અનેક મંડળીઓ અને પંથો છે. તે સર્વેને શુદ્ધ સનાતન વૈદિક ધર્મનું ખરું સ્વરૂપ સમજાવનાર, સર્વ સંગ્રાહ્ય ધર્મનો બોધ કરનાર અને એ જુદા જુદા વાડાઓ વચ્ચે પ્રેમ અને ભ્રાતૃભાવની લાગણી ઉત્પન્ન કરાવનાર સ્વામીજી જેવા મહા બુદ્ધિશાળી અને વિશાળ હૃદયના મહાઉપદેશકની ત્યાં જરૂરજ હતી. જગતમાં જુદી જુદી મંડળીઓની જરૂર છે, પણ પોતાનું જ ખરૂં એવા દુરાગ્રહની જરૂર નથી. જુદા જુદા પંથોનાં શાસ્ત્રોમાં પણ એક પ્રકારની એકતા વહી રહેલી છે. આવી બાબતોને સમજાવવાને માટે સ્વામીજી જેવા શાસ્ત્રજ્ઞ પુરૂષની ત્યાં ખાસ આવશ્યકતા હતી. આર્યસમાજના નેતાઓએ પણ સ્વામીજી તરફ ઘણીજ સ્નેહભરી લાગણી દર્શાવી હતી અને તેમના વિચારોને વ્યાવહારિક સ્વરૂપ આપવામાં ઘણી મદદ કરી હતી. સીયાલકોટમાં તેમજ લાહોરમાં સ્વામીજીએ લોકસેવાનાં કાર્યો કરવાનો ઘણોજ આગ્રહ કર્યો હતો. તેમણે પુનઃ પુનઃ કહી બતાવ્યું હતું કે હિંદનાં ભૂખે મરતાં કરોડો મનુષ્યોનાં પેટ માત્ર ધાર્મિક બોધથી ભરાશે નહિ. તેમને સર્વથી પહેલી અન્નનીજ જરૂર છે. માનવ શરીર એ પ્રભુનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર છે અને તેથી કરીને મનુષ્ય સેવાદ્વારા પ્રભુની સેવા કરવી એજ ઉત્તમ પ્રભુસેવા છે. આવા આવા અનેક વિચારો સ્વામીજીએ લાહોરની પ્રજાના મગજમાં ઠસાવ્યા હતા.

સ્વામીજી ખ૫ જેટલીજ વાત કરતા હતા અને ખાસ અગત્યના વિષયો સંબંધીજ બોધ આપતા હતા. તેમની પાસે જે મનુષ્યો આવતાં તેમના તરફ તે બહુજ પ્રેમ દર્શાવતા. જે કોઈ તેમની પાસે એકાદ કલાક બેસતું તે તેમની વિદ્યા, પ્રૌઢ વિચારો અને પ્રમાણિક હેતુઓથી ખુશ ખુશ બની જતું. માત્ર લોકોને રૂચે તેવીજ વાતો કહીને તેઓ અટક્યા નથી; તેમના દોષોને માટે પણ તેમણે ઘણોએ ઠપકો આપ્યો છે. સ્વદેશાભિમાની પુરૂષ તો તેજ કહેવાય કે જે લોકોને તેમના દોષો દર્શાવે, તેમના રીત રિવાજોની અને તેમની સંસ્થાઓની ખામીઓ સમજાવી આપે અને તેમને સુધરવાનો તેમજ આગળ વધવાનો માર્ગ બતાવી આપે. આમ કરવામાં ઉચ્ચ પ્રકારની જાહેર હિંમત, દેશભક્તિ, ન્યાયીપણું અને માનવ પ્રેમની જરૂર છે. સ્વામીજીમાં એ સર્વ ગુણો હતા અને ખરેખરી વાત તો તે ઘણીજ હિંમતથી કહી દેતા. આપણા દેશની સંસ્થાઓના ચાલકો અને તેમાં આગેવાની ભર્યો ભાગ લેનારાઓમાં જોઈએતેવી હૃદયની વિશાળતા હોતી નથી. તેમનાં ઘણાંખરાં કાર્યો એકમાર્ગીજ હોય છે. એથી કરીને સંસાર સુધારાસમાજ, આર્ય સમાજ કે સનાતન ધર્મસભા, એકેની સાથે કાયમને માટે જોડાઈ રહેવાની ઈચ્છા સ્વામીજી રાખતા નહોતા. દરેકની તરફ તેમની સહાનુભૂતિ હતી, પણ દરેકના દોષો દર્શાવવામાં સ્વામીજી જરાએ ચૂકતા નહોતા. લાહોરની સનાતન ધર્મસભાએ તેમને એ સભાની માન્યતા મુજબનો હિંદુધર્મનો બોધ કરવાનું કહ્યું હતું, પણ સ્વામીજીએ ચોક્ખી ના પાડી અને ધર્મનું ખરૂં સ્વરૂપ જ સર્વેને સમજાવ્યું. આ પ્રમાણે સ્વામીજી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં સત્ય, ભ્રાતૃભાવ, સંપ, શાંતિ, પ્રેમ, સહિષ્ણુતા અને સ્વાર્થત્યાગનો વાસ કરાવતા. પૂર્વ અને પશ્ચિમના લોકોને સ્વામીજીના બોધમાં એવું શું નવાઈ જેવું મળતું હતું કે જેથી બંને ગોળાર્ધની સઘળી પ્રજાઓ તેમને જગતગુરૂ ગણીને અત્યંત ભાવથી પૂજતી હતી ? કારણ એજ કે સ્વામીજીના હૃદયમાં હિંદના પ્રાચીન ગૌરવને માટે દૃઢ શ્રદ્ધા હતી. હિંદના પ્રાચીન ઋષિઓ તરફ તેમને અત્યંત પૂજ્યભાવ હતો. હિંદુધર્મની મહત્તા અને ઉપયોગિતામાં તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો. વળી દરેક મહાપુરૂષની બાબતમાં બને છે તેમ તેમનામાં ઉંડી આત્મશ્રદ્ધાએ વાસ કરેલો હતો. તેમના આત્માના ઉજ્જવલ પ્રદેશમાંથી સત્ય ધર્મનો પ્રબળ પ્રવાહ વહીને બહાર નીકળી આવતો અને તે જગતનાં બુદ્ધિશાળી અને ધાર્મિક મનુષ્યોનાં હૃદયમાં શાંત અને નિર્મળ જળનું સિંચન કરતો. હિંદમાં પોતાના પ્રવાસમાં સ્વામીજી અનેક સંતો, સાધુઓ અને બ્રહ્મવિદ્‌ સંન્યાસીઓને મળ્યા હતા. તેમની પાસેથી તેમણે ઘણો અનુભવ મેળવ્યો હતો અને જાણે કે તેમના પ્રતિનિધિ રૂપેજ તે જગતમાં વિચરી રહ્યા હતા, માત્ર વેદાન્તનોજ તે બોધ કરતા. વેદાન્તને સાદામાં સાદા સ્વરૂપમાં તે સમજાવતા. સઘળી પ્રજાઓથી સમજાય અને પોતાના વ્યાવહારિક જીવનમાં પણ જેનો ઉપયોગ કરી શકાય એવાં સાદાં સત્યોનોજ તે બોધ કરતા. તેમનો બોધ મનુષ્યોને છુપી રીતે આપવાનો નહોતો; સૂર્યના પ્રકાશની માફક તે સર્વેને માટે ખુલ્લોજ હતો. આકાશની માફક તે વિશાળ હતો અને સર્વે ધર્મોનો તે સ્વીકાર કરતો.

લાહોરમાં સ્વામીજીનું પહેલું ભાષણ “ભક્તિ” ઉપર થયું હતું. ભાષણમાં સ્વામીજીએ પુરાણોના સંબંધમાં જણાવ્યું હતું કે પુરાણો ધર્મનું ઉચ્ચમાં ઉચ્ચ સ્વરૂપ સમજાવે છે એમ કોઈ કહેતુંજ નથી; પરંતુ અત્યાર સુધી તે હયાતીમાં રહેલાં છે એજ તેમની જરૂરીઆત સાબીત કરે છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં અને જુદા જુદા દેશોની પ્રજાઓની સાથે સરખામણી કરતાં સમજાશે કે દરેક પ્રજા અને દરેક ધર્મને અને મનુષ્યોને ઈશ્વર તરફ વાળવાને માટે એવાં પુરાણો અને પ્રતિમાપૂજાની જરૂર પડેલી છે, અને જે લોકો પ્રતિમાપૂજાથી વિરૂદ્ધ છે તે મનુષ્ય સ્વભાવને બરાબર સમજતાજ નથી. તેની સાથે જે મનુષ્યો સર્વેને માટે મૂર્તિપૂજાની આવશ્યકતા દર્શાવે છે તેમનું કહેવું પણ ઉચિત નથી. વળી પૂજાનું પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વરૂપ તે એજ છે કે જીવતાં મનુષ્યોમાં અને ખાસ કરીને દીન દુઃખી મનુષ્યોમાં પ્રભુને નિહાળવો.

સ્વામીજીનું બીજું ભાષણ “વેદાન્ત” ઉપર થયું હતું. અદ્વૈતવાદના કઠિનમાં કઠિન સિદ્ધાંતો તેમણે ઘણીજ ખુબીથી અને સરળ શબ્દોમાં સમજાવ્યા હતા.

એ ભાષણમાં આત્માના સ્વરૂપ ઉપર બોલતાં તેમણે કહ્યું કે, “શરીર કે મન આત્મા નથી; કારણ કે તે બંને અનિત્ય છે અને વિકારી છે. આત્મા તેમનાથી પર અવિકારી અને અવિનાશી વસ્તુ છે. સઘળાં મષ્યોષ્યમાં એકજ આત્મા વસી રહેલો છે અને તેથી કરીનેજ એક બીજાને ચ્હાવાનું, એક બીજાને માટે કામ કરવાનું અને એક બીજા તરફ સહાનુભૂતિ દર્શાવવાનું વલણ રહ્યા કરે છે. આ અનંત પરમાત્મા અંતવાન ઇંદ્રિયો વડે જોઈ શકતો નથી. એને જોવા માટે તો મનુષ્યે વિષય તરફ વહી રહેલી ઇંદ્રિયોને પાછી વાળીને અંતર્મુખ વૃત્તિ કરવી પડે છે અને એનું નામજ વૈરાગ્ય છે. અદ્વૈતવાદ આપણને શિખવે છે કે જગતમાં એકજ આત્મા સર્વમાં વ્યાપી રહેલો છે. એનો એજ આત્મા રાજા તરિકે મહેલમાં વસી રહેલો છે અને એનો એજ આત્મા–તમેજ–મહોલ્લામાં ભિખારી તરિકે ભિખ માગી રહેલો છે. તમારોજ આત્મા–તમેજ–પંડિતમાં વસેલો છે અને તેનો તેજ આત્મા અજ્ઞાનીમાં પણ રહેલો છે. આ મહા સત્યને જાણો અને સર્વે તરફ પ્રેમભાવ દર્શાવો. અદ્વૈત શિખવે છે કે સર્વે મનુષ્યમાં “હું”જ રહેલો છું એવું નિહાળનાર અથવા તો સર્વેમાં પ્રભુનેજ જોનાર મુનિ પોતે બીજાને–પોતાના આત્માને–કદી પણ હણતો નથી. આપણે બીજાને દુઃખ ન દેવું તેનું કારણ આજ છે. બીજાઓ સુખી છે કે દુઃખી તે જોવાનું કારણ પણ આજ છે; કારણ કે એમાં આપણે આપણી જ ભાળ લેવાની છે. અદ્વૈતવાદ એકજ આપણને નીતિનું આવું સર્વ શ્રેષ્ઠ અને સાચું રહસ્ય સમજાવે છે. બીજાઓ ભલે નીતિનો બોધ કરે, પણ તેઓ નીતિનું આ ખરૂં રહસ્ય આપી શકતા નથી.”

લાહોરના યુવાનોને સ્વામીજીએ બોધ આપ્યો કે; “અદ્વૈતવાદના સિદ્ધાંતોને કૃતિમાં મૂકો. પ્રથમ ओम्નું રહસ્ય જાણો અને અનુભવો કે તમેજ ओम् (પરમાત્મા) છો. तत्त्वमसिનું રહસ્ય એજ છે. એ રહસ્યને અનુભવવાથી તમે ધારશો તે કરી શકશો. હું એક નાનો પરપોટો હોઉં અને તમે પર્વત જેવડું ઉંચું મોજું હો, પણ બંનેની પાછળ જે મોટો અપરિમિત મહાસાગર રહેલો છે તેજ આપણ બંનેનો આધાર અને બંનેનું મૂળ સ્વરૂપ છે. એજ પ્રમાણે આપણ દરેકની પાછળ અખૂટ શક્તિ અને બલનો ભંડાર–પરમાત્મા રહેલો છે અને તેમાંથી આપણે સર્વે નાના અને મોટા દરેક જોઈએ તેટલી શક્તિ મેળવી શકીએ તેમ છે. વેદો આપણને કહે છે કે એજ પરમ રહસ્ય છે. ओम् એજ મોટો ખજાનો છે. જે મનુષ્ય એ ओम् નું રહસ્ય જાણે છે તે ધારે છે તે મેળવી શકે છે. તમારે દ્રવ્યની જરૂર હોય તો તમારા એ અનુપમ આત્મામાં શ્રદ્ધા રાખી ઉદ્યોગ કરો અને દ્રવ્ય તમને આવી મળશે. તમારે બુદ્ધિશાળી થવું હોય તો તેને માટે પણ એજ પ્રકારે પ્રયાસ કરો અને તમે વિલક્ષણ બુદ્ધિવાળા બની રહેશો. તમારે ધાર્મિક બનવું હોય તો તેવા બનવાનો પ્રયાસ કરી અને તમે દેવતા બની રહેશો. ‘હું સર્વશક્તિમાન પરમાત્મા છું’ એવું ભાન સર્વને કરાવો. એ ભાવનાના વિચારમાંથી જગતે કદી નિહાળ્યાં નહિ હોય એવાં અદ્ભુત કાર્યો ઉત્પન્ન થશે.” સ્વામીજી વારંવાર કહેતા કે બીજી પ્રજાઓ પોતાના બાહુબળમાં વિશ્વાસ રાખવાથી પણ આટલું બધું કરી શકે છે, ત્યારે આપણને જો આપણા આત્મામાં શ્રદ્ધા હોય તો આપણે તેમનાથી કેટલું બધું અધિક કરી શકીએ ?

સ્વામીજી દૃઢપણે માનતા કે જ્યાં સુધી ભારતવાસીઓ ઉપનિષદોના સિદ્ધાંતો પ્રમાણે પોતાના ચારિત્ર્યને ઘડશે નહિ ત્યાં સુધી તેમનો ઉદય થવાનો નથી. લાહોરમાં વેદાન્ત ઉપરના ભાષણમાં સ્વામીજી એ વાતનેજ પુનઃ પુનઃ શ્રોતાઓનાં મગજમાં ઠસાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે “તમે ભલે સેંકડો સમાજો સ્થાપો, હજારો રાજ્યદ્વારી સભાઓ મેળવો અને લાખો સંસ્થાઓ ઉભી કરો, પણ જ્યાં સુધી તમારામાં સર્વને માટે સહાનુભૂતિ, પ્રેમ અને સહૃદયતા નથી, જ્યાં સુધી ફરીથી એકવાર ભગવાન બુદ્ધ જેવી હૃદયની વિશાળતા તમારામાં આવી નથી ત્યાં સુધી તે સર્વે નકામાં છે. જ્યાં સુધી શ્રીકૃષ્ણનાં વચનો તમે કૃતિમાં મૂક્યાં નથી ત્યાં સુધી તમારે માટે કંઈજ આશા નથી.” સ્વામીજીએ ઘણા ખેદની સાથે એક વાર લખ્યું હતું કે; “લગભગ પચાસ વર્ષથી સંસાર સુધારાને માટે મોટી ધામધુમ કરવામાં આવે છે ! દશ વર્ષથી હું હિંદમાં સ્થળે સ્થળે ફરી રહેલો છું અને દરેક સ્થળે સંસાર સુધારા સમાજ મારી નજરે આવેલી છે ! પણ જે મનુષ્યોનું લોહી ચૂસીને “સદ્‌ગૃહસ્થો” મોટા મોટા થઇને ફરે છે તે ગરિબ મનુષ્યોના ભલાને માટે એક પણ સમાજસ્થપાએલી મેં જોઈ નથી.”

સ્વામીજીના ભાષણની અસર એટલી બધી થઈ કે થોડા સમય પૂછી લાહોરના યુવાનોએ સ્વામીજીના કહ્યા પ્રમાણે એક સમાજ સ્થાપી. તે સમાજ સર્વેને માટે ખુલ્લી હતી. ગામે ગામથી અસહાય દુઃખી માણસોને શોધી કહાડવાં, તેમને મદદ આપવી, માંદાઓની માવજત કરવી અને અભણને કેળવણી આપવી, એ કાર્ય તે સમાજ કરતી હતી.

લાહોરમાં સ્વામીજીએ યુવાન વિદ્યાર્થીઓની એક સભામાં તેમને બોધ આપ્યો કે “હિંદમાં અત્યારે આપણને આપણું ચારિત્ર્ય ઘડવાની ખાસ જરૂર છે. હાલની આપણી કેળવણી આપણાં મગજમાં અનેક નકામી વાતો ભરી રહેલી છે, અને તે આપણા નૈતિક વિકાસ તરફ જરાકે લક્ષ્ય આપતી નથી. સમાજ સેવાથીજ ખરૂં ચારિત્ર્ય બંધાય છે. પ્રથમ જરાક કાળજી રાખી કેટલીક વખત બીજાનું ભલું કરવાથી પછી તેવું કરવાની ટેવજ પડી જાય છે અને એ પ્રમાણે જ્યારે બીજાનું ભલું કરવાનો સ્વભાવ બંધાઈને સ્વાર્થવૃત્તિ દૂર થાય ત્યારેજ તમે ચારિત્ર્યવાન થયા ગણાઓ.”

લાહોરના યુવાનોની સાથે વાર્તાલાપ કરતાં સ્વામીજીએ નીચેના વિચારો તેમના મગજમાં દૃઢપણે ઠસાવ્યા હતા. પંજાબ, કાશ્મીર અને રજપૂતાનામાં પણ એ વિચારોનો ફેલાવો તેમણે કર્યો હતો અને પછીથી વર્તમાનપત્રો અને માસિકોએ તે વિચારોનો પ્રચાર આખા હિંદમાં કરી મૂક્યો હતો. તે વિચારો નીચે પ્રમાણે હતા:

૧ હિંદુસ્તાને સારા સારા કેળવાયલા માણસોને હિંદુ તત્ત્વજ્ઞાન અને ધર્મનો બોધ કરવાને યૂરોપ અને અમેરિકા મોકલવા જોઈએ; એથી કરીને યૂરોપ અને અમેરિકા હિંદ તરફ બહુ માનની લાગણીથી જોશે અને તેની ચઢતી થવામાં મદદ કરશે, તેથી હિંદુઓ પણ બીજી પ્રજાઓની વિદ્યા શિખશે. હિંદુઓએ પરદેશ જવું જોઈએ.—પરદેશીઓને તેમણે તત્ત્વજ્ઞાન શિખવવું જોઈએ અને તેમની પાસેથી વિજ્ઞાન (સાયન્સ) શિખવું જોઇએ.

૨ હિંદુ જ્ઞાતિઓમાં નાના નાના વિભાગ પડી ગયેલા છે. તેમને કહાડી નાંખવા જોઇએ અને જેમ બને તેમ થોડાઓએજ લગ્ન કરવાં જોઈએ. દરેક ભિખારી પરણવાને આતુર હોય છે અને પરણીને દેશમાં બીજા દસ વધારે ગુલામો ઉત્પન્ન કરે છે; તેને બદલે આપણામાં બ્રહ્મચારીઓની સંખ્યા વધવી જોઇએ.

૩ ઉચ્ચ વર્ગો અને સામાન્ય ગરિબ વર્ગો વચ્ચે ઘણુંજ અંતર રાખવામાં આવે છે. તેને કહાડી નાખવું જોઈએ. સામાન્ય ગરિબ વર્ગોને કેળવણી આપવી જોઈએ. તેમને ધર્મનું જ્ઞાન આપતાં પહેલાં ખાવાનું પુરૂં પાડી તેમની સ્થિતિ સુધારવી જોઈએ.

૪ સુધરેલી ઢબ પ્રમાણે સંસ્કૃત વિંદ્યાનો પ્રચાર કરવો. બ્રાહ્મણો અને પંડિતો તરફ તિરસ્કારથી જોવું નહિ; કારણ કે તેમના વગર સંસ્કૃત વિદ્યા હિંદમાં રહી હોતજ નહિ.

૫ આપણે પ્રજાકીય યુનિવર્સિટિઓ (વિશ્વ વિદ્યાલયો) સ્થાપવી જોઇએ અને તે દ્વારા શારીરિક બળવાળા મનુષ્યો અને મહાન વિચારકો ઉત્પન્ન કરવા જોઈએ. આધુનિક શિક્ષણ પદ્ધતિ ખરાબ છે. ખરૂં પુરૂષત્વ આપણને પ્રાપ્ત કરાવે એવી યુનિવર્સિટિઓની આપણને જરૂર છે. તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાગુરૂઓએ એકઠા રહેવું જોઈએ અને જીવનના ઉચ્ચ આદર્શોને સિદ્ધ કરવા જોઈએ.

૬ આપણા ચારિત્ર્યને એવી રીતે ઘડવું જોઈએ કે જેથી કરીને ખાનગીમાં તેમજ જાહેરમાં બીજાઓ આપણા ઉપર વિશ્વાસ રાખે. અત્યારે હિંદમાં એવા પુરૂષો થોડાજ હશે કે જેમના ઉપર પુરતો વિશ્વાસ રાખી શકાય.

૭ આપણે જુદા જુદા મત ધરાવતા હોઈએ, છતાં પણ આપણે એક બીજાને ચ્હાવું જોઈએ.

લાહોરમાં સ્વામીજીને શ્રી તીર્થરામ ગોસ્વામીને (જેઓ પાછળથી સંન્યાસી તરિકે સ્વામી રામતીર્થના નામથી વિખ્યાત થયા છે) મળવાનો પ્રસંગ આવ્યો હતો. તેઓ એ વખતે લાહોરની એક કોલેજમાં ગણિતના પ્રોફેસર હતા. સ્વામી વિવેકાનંદજીને તેઓ બહુજ ચ્હાતા હતા. સ્વામીજીને તેમણે તેમના શિષ્યો સાથે પોતાને ત્યાં તેડી જઈ ભોજન કરાવ્યું હતું. જમી લીધા પછી સ્વામીજી એક ભજન ગાવા લાગ્યા. ભજનની ધૂન બરાબર જામી. બંને મહા પુરૂષો–ભારતનાં અદ્‌ભુત રત્નો એકત્ર થાય ત્યાં પૂછવુંજ શું ? મહાન ભક્ત તુલસીદાસના વંશજ પ્રોફેસર તીર્થ રામ અને શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી વિવેકાનંદ ! બંને ગ્રેજ્યુએટો ! બંને પંડિતો ! બંને જ્ઞાનીઓ ! બંને પ્રભુ પ્રેમીઓ ! સ્વામીજી ગાવા લાગ્યા: “જહાં રામ વહાં કામ નાહિ, જહાં કામ વહાં નાહિ રામ; દોનું કબહું ના બસે, દિન રજની એક ઠામ.” જ્યાં રામ છે ત્યાં ઐહિક વાસના નથી અને જ્યાં સંસારની વાસના છે ત્યાં રામનો વાસ નથી ! તીર્થ રામ જાતેજ લખે છે કે, “સ્વામીજીએ એવા મધુર સ્વરથી ભજન ગાયું કે સઘળા સ્રોતાઓનાં હૃદયમાં ભજનનો ભાવ પુરેપુરો જામી રહ્યો.” પછીથી તીર્થરામે પોતાની ખાનગી લાઈબ્રેરી સ્વામીજીને બતાવી.

તીર્થરામ અને સ્વામીજી વચ્ચે ઘણોજ ગાઢ સંબંધ બંધાયો હતા. લાહોરમાં જ્યાં સુધી સ્વામીજી રહ્યા ત્યાં સુધી તેમનાં ભાષણોની ગોઠવણ કરવામાં તીર્થ રામે ઘણી મદદ કરી હતી. તીર્થરામે સંન્યાસ ગ્રહણ કર્યો અને સ્વામી રામતીર્થ તરિકે બહાર પડ્યા ત્યારે પણ વિવેકાનંદનો દાખલો લઈને જ તે અમેરિકાદિ પ્રદેશમાં વેદાન્તનો બોધ કરવાને ગયા હતા. એક દિવસ સાંજે તીર્થરામ અને વિવેકાનંદ બહાર ફરવા જતા હતા. તીર્થરામની જોડે લાહોરના કેટલાક યુવકો હતા અને સ્વામીજી જોડે તેમના ગુરૂભાઈઓ અને શિષ્યો હતા. એ પ્રસંગ વિષે સ્વામી રામતીર્થે (તીર્થરામે) જાતેજ લખ્યું હતું કે, “યુવાનોએ મને પૂછેલા એક પ્રશ્નને હું જવાબ આપતો હતો કે ખરેખરો મહાત્મા તો એજ કે જે પોતાની જાતનો ખ્યાલ ભૂલી જઇને સર્વમાં આત્મભાવ પ્રગટાવી રહ્યો હોય. જ્યારે કોઈ પણ પ્રદેશની હવા સૂર્યના તાપથી ગરમ થાય છે ત્યારે તે પાતળી થઈને ઉંચે ચ્હડવા માંડે છે, તેથી વાતાવરણમાંની સઘળી હવામાં ગતિ ઉત્પન્ન થઈને ચારે તરફ પવન વાઈ રહે છે. તેજ પ્રમાણે ખરેખરો મહાત્મા આત્મસુધારણા વડે કરીને દેશની આખી પ્રજાને આશ્ચર્યકારક રીતે સુધારી મૂકે છે.” સ્વામીજી મારા એ શબ્દો સાંભળીને તરતજ ઉભા રહ્યા અને બહુજ ભાર દઈને બોલી ઉઠ્યા કે “મારા ગુરૂ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એવાજ અસામાન્ય મહાત્મા હતા.” એક દિવસે તીર્થરામે સ્વામીજીને પોતાનું સોનાનું ઘડિઆળ ભેટ કર્યું. સ્વામીજીએ ઘણો ઉપકાર માનીને તેનો સ્વીકાર કર્યો, પણ ઘડિઆળને, પાછું તીર્થરામના ગજવામાં મૂકી દીધું અને બોલ્યા કે, “બહુ સારૂં મારા મિત્ર, એ ઘડિઆળ આ તમારા ગજવામાં રહેશે તો પણ તેને ધારણ કરનાર હુંનો હું જ (આત્મભાવે) છું ને !”

લાહોરથી સ્વામીજી દેહરાદુન ગયા. સ્વામીજી પોતાની સાથેના શિષ્યોને સંસ્કૃતમાં રામાનુજકૃત શ્રીભાષ્ય પોતાના સઘળા પ્રવાસમાં જ્યારે જ્યારે વખત મળે ત્યારે ત્યારે ભણાવતા હતા. અધ્યયન કરાવવાને વિદ્વાન સ્વામી અચ્યુતાનંદને રોકવામાં આવ્યા હતા. તે સ્વામીજીની સમક્ષ શિખવતા અને જ્યાં તેમને શંકા પડતી ત્યાં સ્વામીજી જાતે તેનો ખુલાસો કરતા. દેહરાદુનમાં ખેત્રીના મહારાજા તરફથી સ્વામીજીને આગ્રહ ભર્યું આમંત્રણ આવ્યું હતું ખેત્રી જતાં તેમણે દિલ્લી, આગ્રા, અલવર અને જયપુરની પણ મુલાકાત લીધી.

દિલ્હીમાં પોતાના ગુરૂભાઈઓ, શિષ્યો અને મી. સેવીઅર તથા તેમનાં પત્નીને સાથે લઈને સ્વામીજી સઘળાં ભવ્ય ખંડેરો અને મિનારાઓ વગેરે જોવાને નીકળ્યા. એ ભવ્ય ખંડેરો અને મિનારાઓ મુગલ બાદશાહની ઝાહોજહાલીનો પુરેપુરો ખ્યાલ આપે છે. તેમાંએ વળી સ્વામીજી જેવા ઉંડી ઐતિહાસિક દૃષ્ટિ ધરાવનાર અને કળાકોવિદ સાથે હોય એટલે કહેવાનુંજ શું ! મુગલ અને હિંદુ કળાનું વર્ણન કરીને તથા બંને પ્રજાઓનો ઇતિહાસ કહી સંભળાવીને સ્વામીજી ભારતવર્ષના કળાકૌશલ્ય તથા ઇતિહાસ ઉપર અવનવો પ્રકાશ પાડવા લાગ્યા. એ વખતે તેમની સાથે ગયેલા મનુષ્યોમાંનો એક લખે છે કે, “સ્વામીજીએ ભૂતકાળને અમારી સમક્ષ એવો તો આબેહુબ ખડો કરી મૂક્યો હતો કે વર્તમાનકાળને તો અમે ભૂલી જ ગયા ! અમે જાણે કોઇ પ્રાચીન સમયના બાદશાહો અને મોટા રાજાઓની સાથે વસતા હોઇએ એવોજ ભાસ અમને થઈ રહ્યો. આગ્રામાં પણ બરાબર તેમજ બન્યું.”

આગ્રાથી સ્વામીજી અલવર ગયા. અહીં તેમને ઘણાજ સત્કારપૂર્વક મહારાજના એક બંગલામાં ઉતારો આપવામાં આવ્યો હતો. સ્વામીજી અલવરના સ્ટેશન ઉપર ઉતર્યા તે વખતે સ્ટેશન ઉપર થએલા ભવ્ય મેળાવડામાં ઘણા પ્રતિષ્ઠિત પુરૂષોની વચમાં સ્વામીજી બેઠા હતા. સ્વામીજીનો એક ભાવિક શિષ્ય દૂર ઉભો રહી તેમનાં દર્શન કરતો હતો. તે શિષ્ય ઘણો ગરિબ હતો અને પોતે સારાં વસ્ત્ર નહિ પહેરેલાં હોવાથી પાસે આવી શકતો નહોતો. સ્વામીજીએ આઘેથી તે ભાવિક મનુષ્યને જોતાંજ ઓળખ્યો અને મેળાવડાના કાર્યક્રમની કે સભ્યતાના નિયમોની દરકાર નહિ કરતાં તેને બૂમ પાડીને બોલાવવા લાગ્યા કે; “રામસ્નેહી ! રામસ્નેહી !” મોટા મોટા અમલદારો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોની વચમાં થઈને રામસ્નેહીને સ્વામીજીની પાસે લાવવામાં આવ્યો. સ્વામીજીએ તેને કુશળ સમાચાર પૂછ્યા અને તેની સાથે ઘણીજ છૂટથી વાત કરવા લાગ્યા.

સ્વામીજી પોતાના શિષ્યોને કેવા ઉંડા ભાવથી ચ્હાતા હતા તે નીચેના બનાવ ઉપરથી સમજાશે. ઈંગ્લાંડથી આવ્યા બાદ મદ્રાસમાં તેમના માનમાં મોટો વરઘોડો નીકળ્યો હતો ત્યારે તેમને એક મોટી બગીમાં બેસાડવામાં આવ્યા હતા અને લોકો તેમને ઘણા માનથી વધાવી રહ્યા હતા. રસ્તામાં અને મહોલ્લાઓમાં માણસોની ઘણી ગરદી થઈ રહી હતી. તે ગરદીમાં આઘે તેમનો એક જુનો શિષ્ય ઉભેલો જણાતાંજ સ્વામીજીએ તેને ઓળખ્યો અને બૂમ પાડીને તેને બોલાવ્યો. પછી ગાડી ઉભી રખાવી અને પોતાના જુના શિષ્યને પોતાની પાસેજ બેસાડ્યો.

સ્વામીજી કલકત્તામાં હતા ત્યારે એકવાર જાતેજ એક શિષ્યના પગ ધોઈ રહ્યા હતા. તેમની અંગ્રેજ શિષ્યા બહેન નિવેદિતા (મિસ મારગરેટ નોબલ) એ વખતે ત્યાં ઉભેલાં હતાં. તેઓ એ બનાવ જોઈને ઘણાજ આશ્ચર્યથી બોલી ઉઠ્યાં કે; “આ શું કરી રહ્યા છો ?” સ્વામીજી જવાબમાં એટલુંજ બોલ્યા કે “શું ક્રાઇસ્ટ તેમના શિષ્યોના પગ ધોતા નહોતા ?” એ સાંભળીને બહેન નિવેદિતા ઘણાજ ભક્તિભાવથી સ્વામીજી તરફ જોતાં જોતાં મનમાં બોલી ઉઠ્યાં કે “આ પણ સાક્ષાત ક્રાઈસ્ટનોજ અવતાર છે !”

અલવરમાં સ્વામીજી રહ્યા ત્યાં સુધી તે લોકોને ઘેર ભિક્ષા લેવાને જતા. અમેરિકા જતા પહેલાં જ્યારે સ્વામીજી અલવરમાં આવ્યા હતા ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ ઘણા ભાવથી જાડા જાડા રોટલા ખવરાવીને તેમનું સન્માન કર્યું હતું. સ્વામીજીના આવ્યાની વાત જાણીને તે સ્ત્રી મનમાં ઘણી જ ખુશી થતી હતી. સ્વામીજીને અનેક સદ્‌ગૃહસ્થો તરફથી ભિક્ષાનાં આમંત્રણ આવતાં હતાં, પણ તેમણે તે વૃદ્ધ સ્ત્રીને કહાવી માકલ્યું કે; ઘણાં વર્ષ ઉપર તમારે ઘેર હું જાડા જાડા, રોટલા ખાઈ ગયો હતો તેવાને તેવા જાડા રોટલા ખાવાને આજે હું તમારે ઘેર આવીશ ! એ સાંભળીને વૃદ્ધ સ્ત્રીનું હૃદય હર્ષથી ઉભરાઇ ગયું. તેની આંખોમાં પ્રેમનાં અશ્રુ આવી ગયાં અને પોતાની જાતને તે ધન્ય માનવા લાગી. સ્વામીજી ભિક્ષા લેવાને માટે બેઠા એટલે તે બાઈ બોલી; “મારા દિકરા શું કરું ? હું ગરીબ છું, નહિ તો સારૂં સારૂં કરીને હું તમને ન ખવરાવું ?” સ્વામીજી જાડા રોટલાઓને ઘણા સ્વાદ અને હર્ષથી ખાવા લાગ્યા અને પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે; “જુઓ આ માઈ કેવી ભાવિક છે ! તેનામાં કેવો પ્રેમ વસી રહેલો છે ! આપણી મા જેવોજ તે ભાવ બતાવી રહેલી છે. તેના હાથના આ જાડા રોટલા કેવા સત્વગુણની વૃદ્ધિ કરનારા છે !”

સ્વામીજી અલવરથી ખેત્રી, કીશનગઢ, અજમેર, જોધપુર, ઇંદોર અને ખંડવા થઈને કલકત્તા તરફ ગયા. તબીયત સારી નહિ રહેતી હોવાથી મુંબઈ ઇલાકા તરફ જવાનો વિચાર માંડી વાળ્યો. કામ તેમનું લક્ષ ખેંચી રહ્યું હતું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોનાં ચારિત્ર્ય ઘડવાં, તેમનાં મનમાં ઉત્તમ આદર્શોનો વાસ કરાવવો, તેઓ ભારતવર્ષને, રે, અખિલ વિશ્વને અનેક રીતે ઉપકારક થાય અને સમસ્ત માનવજાતિનું કલ્યાણ કરવાની સ્વામીજીની યોજનાઓને અમલમાં મૂકવાને લાયક બને એવી કેળવણી તેમને આપવી, વગેરે કાર્યોમાં સ્વામીજીનું મન હવે પરોવાયું હતું.