સ્વામી વિવેકાનંદ/બેલુર મઠમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પંજાબ વગેરે તરફ વિચરણ સ્વામી વિવેકાનંદ
બેલુર મઠમાં
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
દુષ્કાળકામો તથા અનાથાશ્રમ વગેરેની સ્થાપના →


પ્રકરણ ૪૯ મું – બેલુર મઠમાં.

સ્વામીજી હવે પોતાના ઘણાખરા દિવસો ગંગાતીરે આવેલા જુના બેલુર મઠમાંજ ગાળી રહ્યા હતા. મઠમાં રખાયલી ડાયરી સ્વામીજીની અનેક પ્રવૃત્તિઓની નોંધ પુરી પાડે છે. ઘડીકમાં સ્વામીજી કોઈ ભાવિક ભક્તને ઘેર જતા જણાતા તો ઘડીકમાં મળવાને આવેલા અસંખ્ય પુરૂષોની સાથે વાર્તાલાપ કરતા દેખાતા. કોઈવાર તે મઠના સાધુઓ અને બ્રહ્મચારીઓને શિક્ષણ આપવામાં કલાકોના કલાકો ગાળતા તો કોઈવાર કલાકોના કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતા. કોઈવાર તે ભજન ગાતા તો કોઈવાર સંકીર્તનમાં ભાગ લેતા અને કોઈવાર તે કાંઈક વાંચતા કે ઉંડો અભ્યાસ કરતા. સ્વામીજી અનેક બાબતો ઉપર લખતા, અનેક કાગળોના જવાબ આપતા, અનેક વાતો કહેતા અને યોગની ભૂમિકાઓ કે આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરતા. વખતે ભગવદ્‌ગીતા ઉપર મોટું વ્યાખ્યાન તે આપતા, વખતે ઉપનિષદો ઉપર વિવેચન કરતા અથવા ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વો સમજવતા અને મહા પ્રજાઓના ઇતિહાસો કહી સંભળાવતા. બેલુર મઠમાં સ્વામીજી આ પ્રમાણે જીવન ગાળી રહ્યા હતા. એ સમયે બાબુ નવગોપાળ ઘોષને ત્યાંથી સ્વામીજીને આમંત્રણ આપ્યું. નવગોપાળ શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમણે રામકૃષ્ણપુરમાં એક મંદિર બંધાવ્યું હતું અને તેમાં શ્રીરામકૃષ્ણની મૂર્તિ પધરાવવાની હતી. તે ક્રિયા કરવાને સ્વામીજીને બોલાવવામાં આવ્યા હતા. સ્વામીજી તેમના ગુરૂભાઇઓ, શિષ્યો, વગેરેને લઇને રામકૃષ્ણપુર જવાને નીકળ્યા. હોડીઓમાં બેસીને સર્વ રામકૃષ્ણપુરના ઘાટ ઉપર ઉતર્યા અને ત્યાંથી મંડળીના આકારમાં ગોઠવાઇને ભજન કરતા કરતા આગળ ચાલ્યા. બીજા ઘણા ભક્તો એ મંડળીમાં સામેલ થયા. કેટલાકો ભજન કરતા કરતા ગાવા અને નાચવા લાગ્યા. સર્વેની વચમાં સ્વામીજી ગળામાં મૃદંગ લટકાવી તેને વગાડતા વગાડતા ઉઘાડા પગે ચાલતા હતા. સાદાં ભગવાં વસ્ત્ર તેમણે પહેર્યાં હતાં. રસ્તાની બંને બાજુએ હજારો માણસ ભેગાં થયાં હતાં.

સ્વામીજીને આવા સાદા પોશાકમાં ઉઘાડા પગે અને મૃદંગ વગાડતા જોઈને પ્રથમ તો લોકો તેમને ઓળખી શક્યા નહિ; પરંતુ જ્યારે તેમને માલમ પડ્યું કે અખિલ વિશ્વમાં વેદાન્તનો ઝુંડો ફરકાવનાર પુરૂષ એજ છે, ત્યારે લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. તેઓ ખુશાલીના પોકારોથી સ્વામીજીને વધાવી લેવા લાગ્યા અને એક બીજાની સાથે વાત કરવા લાગ્યા કે “કેવી નમ્રતા ! કેવી સુંદર અને લાવણ્યમય આકૃતિ !”

નવગોપાળ ઘોષને ઘેર મૂર્તિસ્થાપનની ક્રિયા પુરી થઈ રહ્યા પછી અચાનકજ શીઘ્ર કવિની માફક સ્વામીજીના મુખમાંથી નીચેનો શ્લોક નીકળી ગયો કે,—

स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरुपिणे ।
अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः ॥

“ધર્મનો પુનરોદ્ધાર કરનાર, સર્વ ધર્મોની સાક્ષાત્‌ મૂર્તિ, સર્વે અવતારોમાં શ્રેષ્ઠ, એવા શ્રીરામકૃષ્ણ ! તમને નમસ્કાર છે.” આ શ્લોક રામકૃષ્ણની સ્તુતિમાં ખાસ કરીને બોલાય છે.

સ્વામીજી હવે બેલુર મઠમાં રહેવા લાગ્યા, તેમની પ્રેરણાથી કેટલાકને સખત તપાચરણ કરવાની ઈચ્છા થઈ. કેટલાક ગરિબ અને માંદાઓને આશ્રય આપવાને તત્પર થઈ રહ્યા. કેટલાક સાધારણ અભણ વર્ગોમાં કેળવણીનો પ્રચાર કરવાને તૈયાર બની રહ્યા હતા. સર્વનાં હૃદયમાં સ્વામીજીનો જુસ્સો અને સ્વદેશપ્રીતિ વાસ કરી રહ્યાં. ખરેખર, આ વખતે સ્વામી વિવેકાનંદ ઉદાત્ત વિચારો અને ઉન્નત આત્માની જીવંત જ્યોતિ બની રહ્યા હતા. શ્રીમદ્ ભગવદ્‌ગીતામાં કહેલા ઉચ્ચ આદર્શોને તે હવે સમજાવવા લાગ્યા. શ્રીમદ્ ભગવદ્‌ગીતા ઉંચા પ્રકારનું પુરૂષાર્થ કરવાનું બોધે છે. એમ સર્વને તે પ્રત્યક્ષ કરાવવા લાગ્યા. શૈવ અને વૈષ્ણવ માર્ગોની પરા અને અપરા ભક્તિનું સ્વરૂપ સમજાવી શ્રોતાઓનાં હૃદયને તે ભક્તિથી પલાળવા લાગ્યા. વળી કોઈ દિવસ તે વેદાન્ત ઉપર ચર્ચા કરતા અને અદ્વૈતવાદની મહત્તા સર્વેને સમજાવતા અને તેમની બુદ્ધિને ખીલવતા હતા. સર્વેની આગળ શ્રી રામકૃષ્ણનું ઉત્તમ દૃષ્ટાંત તે ધરતા. શ્રી રામકૃષ્ણની સંનિધિમાં જે દિવસો ગળાયા હતા તેવાજ દિવસો ફરીથી બેલુરમઠમાં ગળાતા હોય તેવો સર્વેને ભાસ થવા લાગ્યો.

સને ૧૮૯૮ માં બેલુર ગામની પાસે પવિત્ર ગંગા કિનારે પંદર એકર જમીન એક મકાન સાથે વેચાતી લઈ મકાન વગેરેમાં કેટલીક મરામત કરાવવામાં આવી તેમજ બીજું એક ભવ્ય મંદિર અંધાવવામાં આવ્યું. એ મંદિરમાં રોજ શ્રી રામકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. મઠનું મકાન બંધાવવાને જોઈતી રકમ સ્વામીજીને તેમના અંગ્રેજ શિષ્યોએ લંડનમાં આપી હતી અને જમીન ખરીદવાને પણ એક સારી રકમ મિસ હેનરીએટા મુલર વગેરે શિષ્યોએજ આપી હતી. શ્રી રામકૃષ્ણની પૂજાને માટે જે મંદિર બંધાવવામાં આવ્યું હતું તેનું સઘળું ખર્ચ મીસીસ ઓલબુલ નામની શિષ્યાએ આપ્યું હતું.

સને ૧૮૯૯ના જાન્યુઆરીમાં મઠનું મકાન પુરૂં થઈ જતાં સ્વામીજી, તેમના ગુરૂભાઈઓ અને શિષ્યો ત્યાં રહેવાને ગયા. થોડા વખત પછી પાશ્ચાત્ય શિષ્યોને માટે પણ મઠની પાસે મકાનો બંધાવવામાં આવ્યાં.

એક દિવસ મઠમાં શ્રીરામકૃષ્ણની જન્મતિથિ ઉજવાતી હતી. તે દિવસે સ્વામીજીએ ઘણી જનોઈ મંગાવી રાખી હતી. જેમ જેમ મઠમાં શ્રી રામકૃષ્ણના ભક્તો અને સ્વામીજીના શિષ્યો આવતા ગયા તેમ તેમ સ્વામીજી તેમને જનોઈ ધારણ કરવાનું કહેતા ગયા. ક્ષત્રિયો અને વૈશ્યોને એક બ્રાહ્મણ શિષ્ય પાસે જનોઈ દેવાની ધાર્મિક ક્રિયા તે કરાવવા લાગ્યા. સ્વામીજી બોલ્યા: “શ્રીરામકૃષ્ણનાં સઘળાં બાળકો–ભક્તો–બ્રાહ્મણોજ છે. વળી વેદો પણ દ્વિજોને ઉપનયન ધારણ કરવાની છૂટ આપે છે. હાલમાં સર્વે વ્રાત્ય બની રહેલા છે પણ પ્રાયશ્ચિત કરવાથી તેઓ દ્વિજોના અધિકારને પ્રાપ્ત કરી રહેશે. આજનો શ્રીરામકૃષ્ણની જન્મતિથિનો પવિત્ર દિવસ સર્વ ભક્તોને જનોઈ આપવાનો સરસ વખત છે. સર્વેને તેમના અધિકાર પ્રમાણે ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને દ્વિજત્વ પ્રાપ્ત કરાવો.

તે દિવસે સ્વામીજીના બોધથી લગભગ પચાસ ભક્તોને ઉપનયન સંસ્કાર કરી ગાયત્રી મંત્ર ઉપદેશવામાં આવ્યો. તેઓ દેશકાલાદિનો પણ વિચાર કરતા હતા. એવી રીતે હિંદુઓની રીતભાતમાં અને માન્યતાઓમાં ઘટીત ફેરકાર કરવો એમને ગ્રાહ્ય હતો. સ્વામીજીનો આદર્શ પ્રજાજીવનની વૃદ્ધિ કરતો હતો. ધર્મ હમેશાં પ્રજાજીવનનો પોષાકજ હાય. જે રીત રિવાજ કે માન્યતા પ્રજાજીવનના વિકાશમાં આડે આવનારી હોય તે ધાર્મિક નજ ગણાય; તે ધર્મના ખરા સ્વરૂપની વિરોધિ છે; પ્રજારૂપી વૃક્ષની તે છેદક છે. પ્રજાજીવનને હણનારી, તેમાં કુસંપ, પરસ્પર વિરોધ, રાગદ્વેશ, વગેરેને વધારનારી ખોટી ખોટી માન્યતાઓને છેદી ધર્મનું ખરૂં વિશાળ સ્વરૂપ પ્રજાજનોની આગળ રજુ કરવું, જેથી કરીને પ્રજાજીવનનો વિકાસ થાય, હૃદયનું સંકુચિતપણું નષ્ટ થાય અને ભ્રાતૃભાવ જાગૃત થાય એવા બળદાયી વિચારોનો તેમાં વાસ કરાવવો, વગેરે બાબતોને ઘણીજ હિંંમતથી સ્વામીજી હાથ ધરી રહ્યા હતા.

દિવસ શિવરાત્રિનો હતો. મઠમાં સઘળા સાધુઓ ભજન અને આનંદ કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણની મૂર્તિને ભસ્મ ચોળી, મસ્તકે લાંબી જટા ધારણ કરાવવામાં આવી તેમજ હાથે અને ગળે રૂદ્રાક્ષની માળા પહેરાવવામાં આવી, એ પછી સ્વામીજી અને તેમના ગુરૂભાઈઓ વગેરેએ પણ શરીરે ભસ્મ અને રૂદ્રાક્ષ ધારણ કર્યા. તેમનો એક શિષ્ય લખે છે કે “એ વખતે સ્વામીજી સાક્ષાત્‌ શિવજી જેવા દેખાતા હતા. અહો ! તેમની આકૃતિ કેવી ભવ્ય અને સુંદર લાગતી હતી ? સ્વામીજીની આસપાસ બીજા સાધુઓ બેઠા હતા અને આખો મઠ કૈલાસ જેવો ભવ્ય ખ્યાલ આપી રહ્યો હતો.” જાણે સાક્ષાત્‌ શિવજીજ સમાધિમાં બેઠા હોય તેવો ભવ્ય દેખાવ બની રહ્યો હતો. સ્વામીજીની આંખો અડધી મીંચેલી હતી અને તે પદમાસન વાળીને બેઠા હતા.

સ્વામીજી હવે હાથમાં તંબુરો લઈને ભજન ગાવા લાગ્યા. ગાતે ગાતે સ્વામીજીને ભક્તિભાવમાં તલ્લીન થતા જોઈને સર્વ સાધુઓ અને ભક્તોનાં હૃદયો પણ ભક્તિના પ્રવાહમાં તણાવા લાગ્યાં. આખું વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની રહ્યું. સ્વામીજીના મુખમાંથી નીકળતા ભજનામૃતનું પાન કરીને સર્વ ભક્તિભાવમાં મસ્ત બની રહ્યા. ખરેખર તે દેખાવ દેવતાઓને પણ દુર્લભ હતો.

સ્વામીજીએ છેલ્લું ભજન ગાયા પછી સ્વામી શારદાનંદ સ્વામીજીનું બનાવેલું ભજન “સૃષ્ટિ સૃજન” ગાયું. સ્વામીજી હવે પખવાજ વગાડવા લાગ્યા. પખવાજ વગાડવામાં સ્વામીજી મોટા મોટા પખવાજીઓને પણ કોરે મૂકે તેવા હતા. એ કળા તેમણે બહુજ ઉત્તમ રીતે સંપાદન કરી હતી. સ્વામીજી પખવાજ વગાડનાર અને શારદાનંદ ગાનાર, એટલે પછી બાકીજ શું રહે ! શારદાનંદના સુંદર કંઠનો અને પખવાજના મનોહર અવાજનો ધ્વની સર્વત્ર વ્યાપી રહ્યો હતો. ભજનની ધૂન સર્વત્ર છવાઈ રહી હતી. શ્રીરામકૃષ્ણ વિષેનાં કેટલાંક ભજનો ગવાઇ રહ્યા પછી સ્વામીજીએ પોતાનાં વસ્ત્રાભૂષણો–ભગવો ઝભ્બો તથા રૂદ્રાક્ષની માળાઓ કહાડીને ગિરીશ બાબુને પહેરાવ્યાં અને પછી તેમના શરીરે ભસ્મ ચોળી. ગિરીશ બાબુ બંગાળાના એક પ્રખ્યાત નાટકકાર હોઇ તેમણે બંગાળી ભાષામાં અનેક સુંદર નાટકો લખેલાં છે. શ્રી રામકૃષ્ણના તે પરમ ભક્ત હતા. તેમને શરીરે ભગવાં વસ્ત્રો પહેરાવતા પહેરાવતા સ્વામીજી બોલ્યા: “શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે ગિરી બાબુ ભૈરવનો અંશ છે.” એ વચનો સાંભળીને ગિરીશ બાબુ ગળગળા થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયાં. સ્વામીજીએ તેમને શ્રીરામકૃષ્ણ વિષે કંઈક બોલવાનું કહ્યું. ગિરીશબાબુનું હૈયું પ્રેમથી ઉભરાઇ રહ્યું હતું. તે ગદ્‌ગદ્‌ કંઠે બોલ્યા કે “આપણા પરમ કૃપાળુ ગુરૂદેવ વિષે હું શું બોલું ? મારા જેવા નાલાયક મનુષ્યને તમારા જેવા ત્યાગી–બાલ્યાવસ્થામાંથીજ કાંચન અને કામિનીનો ત્યાગ કરનારા–મનુષ્યો સાથે બેસવાનો હક્ક તેમણે આપેલો છે, એ શું એમની ઓછી કૃપા છે ?”

મઠમાં અનેક મનુષ્યો સ્વામીજીને મળવા આવતા અને તેઓ સ્વામીજીનું આતિથ્ય અને નમ્રતા જોઈને ચકિત થતા. બૌદ્ધ ધર્મના ઉપદેશક ધર્મપાલ મઠમાં આવ્યા હતા. તેમને મિસીસ ઓલબુલને મળવું હતું. મિસીસ ઓલબુલ મઠના નવા મકાનને માટે ખરીદાયલી જમીન ઉપર બાંધેલા એક જુના પુરાણા ઝુંપડામાં રહેતાં હતાં. સ્વામીજીની નજીકમાં રહેવાય તેટલા માટે તે એવા ઝુંપડામાંજ પડી રહ્યાં હતાં. મિસીસ ઓલબુલ અમેરિકાના એક મોટા ધનાઢ્ય પુરૂષનાં પત્ની હોઈ કરોડોની મિલ્કત ધરાવતાં હતાં અને તેથી કલકત્તામાં પણ મોટો બંગલો રાખીને રહેવાને શક્તિમાન હતાં. આમ છતાં પણ મઠની જમીન ઉપર આવેલા એક જુના પુરાણા ઝુંપડામાં રહેવાનું તે વધારે પસંદ કરતાં હતાં. તે બતાવે છે કે સ્વામીજી પ્રત્યે તેમની ભક્તિ કેવી અગાધ હતી. કેવી સત્યપ્રીતિએ તેમના હૃદયમાં વાસ કર્યો હતો અને વેદાન્તનો બોધ તેમના ઉપર કેવી ઉંડી અસર ઉપજાવી રહ્યો હતો ! ખરેખર, મિસીસ ઓલબુલ અને તેમના જેવી બીજી શિષ્યાઓની સ્વામીજી પ્રત્યેની ભક્તિ વેદાન્તની અદ્ભુત મહત્તા અને પાશ્ચાત્યોની સત્યશોધક વૃત્તિનો પુરેપુરો ખ્યાલ આપણી આગળ રજુ કરે છે અને આપણા અદ્ભૂત તત્વજ્ઞાન તરફ તથા આપણા દેશના અસામાન્ય મહાત્માઓ તરફ આપણું જે અલક્ષ્ય છે તેને માટે આપણને શરમમાં નાંખે છે.

ધર્મપાલ પ્રથમ સ્વામીજીની પાસે આવ્યા હતા અને તેમને તેડીને તે મિસીસ ઓલબુલની પાસે જવાના હતા. તે વખતે ઘણોજ સખત પવન વાતો હતો અને વરસાદ પણ પુષ્કળ વરસતો હતો; તે છતાં સ્વામીજી ધર્મપાલની સાથે ગયા. રસ્તો ઘણો ખડબચડો અને કાદવવાળો થઈ જવાથી ચાલતાં ચાલતાં સ્વામીજીનો પગ લપસી જાય, તેમના ઉપર વરસાદની વાછંટ આવ્યા કરે, પણ સ્વામીજી નાના છોકરાની માફક હસતા અને આનંદ કરતા ચાલ્યાજ કરતા હતા. એટલામાં ધર્મપાલનો પગ કાદવમાં ઉડે પેસી ગયો તે કેમે કર્યો બહાર નીકળે નહિ. સ્વામીજીએ તેમની પાસે જઈને તેમનો હાથ પોતાને ખભે મૂકાવ્યો અને કેડેથી પકડીને તેમના પગ બહાર ખેંચી કહાડ્યો. પછી બંને જણ હસતા હસતા આગળ ચાલ્યા. જ્યાં જવાનું હતું ત્યાં આવી પહોંચ્યા પછી સર્વે પોત પોતાના પગ ધોવા લાગ્યા. ધર્મપાલ પોતાના પગ ધોવાને પાણીનો લોટો હાથમાં લેતા હતા એટલામાં સ્વામીજીએ તે લોટો લઈ લીધો અને બોલ્યા કે, “તમે મારા અતિથિ છો, મારે તમારી સેવા કરવી જોઈએ.” એમ કહીને સ્વામીજી ધર્મપાલના પગ ધોવા તૈયાર થયા, પણ ધર્મપાલ આઘા ખસી ગયા અને સ્વામીજીના શિષ્યોએ આગળ આવીને સ્વામીજીના હાથમાંથી લોટો લઈ તે કામ બજાવ્યું.

સને ૧૮૯૮ ના માર્ચ ની ૨૮ મીએ સ્વામી સ્વરૂપાનંદને દિક્ષા આપવામાં આવી. તેઓ કલકત્તા યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ હોઈ સંસ્કૃતમાં કુશળ હતા. કલકત્તામાંથી નીકળતા પ્રસિદ્ધ માસિક “ડૉન”ના તે અધિપતિ હોઈ અંગ્રેજીમાં ઘણાજ મનનીય લેખો લખતા હતા. મઠમાં તે વારંવાર આવતા અને સ્વામીજી જોડે વાર્તાલાપ કરતા. તેમના વિચારો ઉદાર અને હૃદય વિશાળ હોવાથી સ્વામીજીના વિચારો તેમને ઘણાજ પસંદ પડતા. અખંડ બ્રહ્મચર્ય તે પાળી રહ્યા હતા. જનસેવા કરવાની તીવ્ર ઈચ્છાને લઈને તેમના મનમાં રામકૃષ્ણ મિશનમાં જોડાવાનો વિચાર ઘોળાયા કરતો હતો. બે ચાર વખત સ્વામીજીની પાસે આવ્યા પછી એક વખત તેમની સાથે વાત કરતે કરતેજ તેમનો નિશ્ચય થઈ ગયો કે સંસારનો ત્યાગ કરી મોક્ષના માર્ગે જીવન વ્યતીત કરવું. ત્યાંને ત્યાંજ તેમણે પોતાની સાથે આવેલા મિત્રોને કહી દીધું કે “મારે ઘેર ખબર આપજો કે હું પાછો ઘેર આવનાર નથી.” પછી તેમણે પોતાનો વિચાર સ્વામીજીને જણાવ્યો. સ્વામીજી ખુશી થયા અને તેમની યોગ્યતા જોઈને તેમને તરતજ સંન્યાસ દિક્ષા આપી. એજ દિવસમાં મિસ મારગરેટ નોબલને પણ દિક્ષા આપવામાં આવી. તેણે દિક્ષા લીધા પછી જ “નિવેદિતા” નામ ધારણ કર્યું હતું. એ બનાવનું વર્ણન કરતાં નિવેદિતાએ લખેલું છે કે, “એ દિક્ષાનો દિવસ જરાપણ ભૂલાય તેવો નથી. મારા ખરેખરા જીવનની એજ શરૂઆત હતી, શિવપૂજનની વિધિ સમજાવ્યા પછી સ્વામીજી બોલ્યા કે પરમ સત્યનો સાક્ષાત્કાર કરતાં પહેલાં ભગવાન બુદ્ધે જેમ બીજાઓને માટે અનેકવાર પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેમ તમે પણ કરો.”

એ વિધિ થઈ રહ્યા પછી સ્વામીજી રૂદ્રાક્ષ તથા ભસ્મ ધારણ કરી સર્વ મંડળની વચમાં કીર્તન અને નૃત્ય કરીને સાક્ષાત્‌ શિવલીલાજ પ્રત્યક્ષ કરાવવા લાગ્યા. પછીથી સર્વજણ શ્રીરામકષ્ણનાં પત્ની શારદાદેવીની પાસે ગયા અને જાણે કે પૂર્વ અને પશ્ચિમનો મેળાપ થતો હોય તેમ પાશ્ચાત્ય શિષ્યોએ શારદાદેવીનો ચર્ણ સ્પર્શ કર્યો અને દેવીએ પોતાનો પવિત્ર હાથ તેમને માથે મૂકીને આશિર્વાદ આપ્યા. ‘ગોપાળની મા’ કરીને એક વૃદ્ધ અને પવિત્ર સ્ત્રી જેને શ્રીરામકૃષ્ણ પોતાની માતા તરિકે ગણતા હતા તેમને પણ ત્યાં બોલાવવામાં આવ્યાં. અહીં સર્વે ભેગાંજ રહેવા અને જમવા લાગ્યાં. એ પ્રમાણે સ્વામીજીએ પૂર્વ અને પશ્ચિમની સ્ત્રીઓ વચ્ચે ગાઢ સંબંધ બાંધ્યો, કે જે સંબંધમાં આજે ઘણો વધારે થઈ રહેલો છે અને પૂર્વ પશ્ચિમની સ્ત્રીઓ સાથે મળીને રામકૃષ્ણ મિશનનાં અનેક કાર્યો કરી રહેલી છે.

એ સમયનો એક બીજો અગત્યનો બનાવ એ હતો કે બહેન નિવેદિતાએ સ્વામીજીના પ્રમુખપદ નીચે “ઈંગ્લાંડમાં હિંદુઓના ધાર્મિક વિચારોની અસર” એ વિષય ઉપર મોટી સભા સમક્ષ કલકત્તામાં એક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. વક્તાનું ઓળખાણ કરાવતાં સ્વામીજીએ કહ્યું કે “ઈંગ્લાંડે નિવેદિતારૂપી એક મોટી બક્ષિસ આપણને આપેલી છે.” પોતાના ભાષણમાં નિવેદિતાએ અંતરના ઉદ્‌ગારો કહાડીને સર્વેને જણાવ્યું હતું કે :—

“તમે–હિંદુઓએ–લગભગ છ હજાર વર્ષથી પ્રાચીન વિચારોને ધારણ કરી રાખીને સમસ્ત જગતને માટે સર્વોત્તમ આધ્યાત્મિક સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે; તેથીજ હું ભારતવર્ષની સેવા કરવાને માટે આકર્ષાઇને અહીંઆં આવી છું.”

એ પછી મિસિસ ઓલબુલે કહ્યું કે “હિંદુસ્તાનનું સાહિત્ય પાશ્ચાત્યોને મન અત્યારે એક અમૂલ્ય જીવંત વસ્તુ થઈ રહેલી છે અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદરચિત પુસ્તકો અમેરિકામાં ઘેરે ઘેર વાંચવામાં આવે છે.” મિસ મુલરે “મારા વ્હાલા જાતિ ભાઈઓ અને મિત્રો” એમ સંબોધીને બોલવાની શરૂઆત કરતાં જ શ્રોતાઓએ પોતાની ઉભરાઇ જતી લાગણી દર્શાવવાને તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. મિસ મુલરે કહ્યું કે “મને અને સ્વામીજીના બીજા પાશ્ચાત્ય શિષ્યોને હિંદુસ્તાનમાં આવીને એમજ લાગે છે કે જાણે અમે અમારા ઘરમાંજ આવ્યાં છીએ. ભારતવર્ષમાં આધ્યાત્મિક પ્રકાશ અને ધાર્મિક જ્ઞાન વાસ કરી રહેલાં છે; એટલું જ નહિ પણ તેમાં અમારાં સગાંઓજ વસી રહેલાં છે એમજ અમે માનીએ છીએ.”

ઇંગ્લાંડમાં વેદાન્તના બોધની અસર કેવી થએલી છે તે વિષે બોલતાં તેમણે કહ્યું કે; “વખત હવે એવો આવ્યો છે કે અમે પાશ્ચાત્યોને હિંદુસ્તાનના આધ્યાત્મિક વિચારોનો લાભ મળવાથી અમારા વિચારો ઉન્નત બનતા ચાલીને અમે સુખી થવા લાગ્યાં છીએ. એક જીવંત મહાત્માએ તે વિચારો અમને એવી તો સરસ રીતે સમજાવ્યા છે કે તે અમને ગ્રાહ્ય થઈ રહેલા છે. અમે તેમને કૃતિમાં મૂકીએ છીએ અને પાશ્ચાત્ય પ્રજાઓના જડવાદથી ભરેલા જીવનમાં તેમણે નવું જીવન અને નવો જુસ્સો રેડ્યો છે. પશ્ચિમમાં પોતે કરેલા કાર્ય વિષે વિવેકાનંદે તમને સઘળું જ કહી બતાવ્યું નથી. પશ્ચિમના સામાજિક અને જાહેર જીવનમાં તેમણે જે અગત્યનો સુધારો કર્યો છે અને તેમના બોધથી તેમાં જે મોટા ફેરફાર થઈ રહેલા છે તે વિષે તે તો તમને થોડું જ કહે; પરંતુ મારે જણાવવું જોઈએ કે તેમના બોધને સાંભળવાને જે જે લોકો ભાગ્યશાળી થયાં હતાં તેઓ સર્વનાં હૃદયમાં અને કુટુંબમાં તેમના ઉદાર ધર્મભાવોએ અને વિશાળ આધ્યાત્મિક ભાવનાઓએ ઉંડી જડ ઘાલી છે. આર્ય તત્વજ્ઞાનના ઉચ્ચતમ સિદ્ધાંતો અત્યાર સુધી અમને અજ્ઞાત હતા, તે પહેલવહેલા અમે તેમનેજ મુખેથી સાંભળ્યા છે. તે સાંભળીને તેનો અમે બરાબર અભ્યાસ કર્યો છે. તેને અમે અમારાં હૃદયમાં દૃઢ ઠસાવ્યા છે. તેમને અમે અમારાં કુટુંબમાં ફેલાવ્યા છે. તેમને અમે અમારા વડીલો, માતાઓ, દિકરાઓ અને દિકરીઓને સમજાવ્યા છે અને એ સર્વ તે અદ્ભુત આધ્યાત્મિક જ્ઞાનને કૃતિમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”

પ્રમુખ તરિકે સ્વામીજીએ જણાવ્યું કે પ્રાચીન સમયમાં હિંદવાસીઓ પૂર્વ અને પશ્ચિમના પ્રદેશોમાં બહુ દૂર સુધી પ્રવાસ કરતા હતા. પ્રાચીન સમયમાં જેમ હિંદ અખિલ વિશ્વનું ગુરૂપદ ધારણ કરી રહ્યું હતું તેમજ અત્યારે પણ તે આખી દુનિયાના ગુરૂપદે બેસી શકે તેમ છે. આપણા સંકુચિત જીવનને વિસ્તૃત કરવું અને આપણા સર્વ શ્રેષ્ઠ આધ્યામિક વિચારોને સર્વત્ર ફેલાવવા એમાંજ આપણા ઉદ્ધારનું ખરું રહસ્ય રહેલું છે. એની સાથે પાશ્ચાત્યો પાસેથી તેઓએ વિજ્ઞાન, કળા, હુન્નર વગેરે પણ શિખવાં જોઈએ અને આ પ્રમાણે આપ લે કરવાથી હિંદવાસીઓ એક મોટી બળવાન પ્રજા બની રહેશે. અહીંઆ સ્વામીજીએ આત્મશ્રદ્ધા ઉપર ખાસ ભાર મૂકીને કહ્યું હતું કે “અરે મનુષ્યો ! તમારી પોતાની શક્તિમાં–આત્મામાં શ્રદ્ધા રાખતાં શીખો. તેમ કરવાથીજ તમે ઈશ્વરમાં ખરી શ્રદ્ધા રાખતાં શિખશો. એ સર્વશક્તિમાન શ્રદ્ધાનું રહસ્ય સમજાવવું એજ મારા જીવનનું ખરૂં કર્તવ્ય મેં ગણેલું છે. શ્રદ્ધા હોય તોજ મનુષ્યના મનમાં મહત્વાકાંક્ષા બંધાય છે. જો આપણામાં પુરતી શ્રદ્ધા આવે તો આપણે પ્રજાકિય જીવન જલદીથી વ્યાસ અને અર્જુનના દિવસો પાછા જોઈ શકે તેમ છે, કે જે દિવસોમાં જનપ્રીતિના સર્વોત્તમ સિદ્ધાંતો અને સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ ભારતવર્ષમાં વ્યાપી રહ્યાં હતાં.” છેવટે સ્વામીજીએ બંગાળાના યુવાનોને ઉદ્દેશીને કહ્યું હતું કે “તમે જાગૃત થાઓ, ભલે તમે ગરિબ હો, પરંતુ જગતનાં મોટાં મોટાં પરાક્રમો તો ગરિબોએજ કરેલાં છે. ભારતવર્ષનું કલ્યાણ કરવાને માટે પવિત્રતા, સહૃદયતા, સ્થિરતા અને વૈરાગ્ય ધારણ કરો અને તમારી જાતમાં અનહદ શ્રદ્ધા રાખો.