સ્વામી વિવેકાનંદ/દુષ્કાળકામો તથા અનાથાશ્રમ વગેરેની સ્થાપના

વિકિસ્રોતમાંથી
← બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદ
દુષ્કાળકામો તથા અનાથાશ્રમ વગેરેની સ્થાપના
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર →


પ્રકરણ ૫૦ મું – દુષ્કાળકામો તથા અનાથાશ્રમો વગેરેની સ્થાપના.

સ્વામીજીની યોજના પ્રમાણે રામકૃષ્ણ મિશન હવે કાર્ય કરવા લાગ્યું હતું. ઘણે સ્થળે તેણે વેદાન્તનાં મથકો સ્થાપ્યાં હતાં. કલકતામાં સ્વામીજીની દેખરેખ નીચે તેના સભાસદો જ “બુદ્ધનો વૈરાગ્ય, સ્વામી વિવેકાનંદનું કાર્ય, જ્ઞાન અને ભક્તિ” વગેરે વિષયો ઉપર ભાષણો આપતા હતા. સ્વામીજીએ મદ્રાસમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં જે બીજ રોપ્યાં હતાં તેને લીધે ઘણા સુશિક્ષિત મદ્રાસીઓનાં હૃદય હવે તેના તરફ વળવા લાગ્યાં હતાં. અગાઉ ઘણા ખરા યુવાન મદ્રાસીઓ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને હસી કહાડી નાસ્તિકતા અને જડવાદમાં ડૂબી રહ્યા હતા. તેઓ સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી પવિત્ર અને ભક્તિમય જીવન ગાળવા લાગ્યા હતા.

સ્વામીજીએ અમેરિકામાં અને ઈંગ્લાંડમાં જે મહત્ કાર્ય કર્યું હતું તેની ભારે અસર તેમના ઉપર થઈ રહી હતી. હવે તેઓ મદ્રાસમાં વેદાન્તનું એક મથક સ્થાપવાની સ્વામીજીને અરજ કરી રહ્યા હતા. તેમની અરજી સ્વીકારીને સ્વામીજીએ મદ્રાસમાં વેદાન્તનું મથક સ્થાપી તેને ચલાવવાને પોતાના ગુરૂભાઈ સ્વામી રામકૃષ્ણાનંદને ત્યાં મોકલ્યા. રામકૃષ્ણાનંદ મદ્રાસ ગયા અને તેમણે દરરોજ સાંજે ગીતા ઉપર વ્યાખ્યાનો આપવા માંડ્યાં. મદ્રાસની યંગ મેન્સ હિંદુ એસોસીએશનમાં પણ તેમણે સંખ્યાબંધ ભાષણો આપ્યાં. આગળ ચાલતાં તેઓ નિયમીત રીતે ઉપનિષદો પણ શીખવવા લાગ્યા.

માઈલાપુરમાં, ત્રીપ્લીકેનમાં તેમજ ચીંતાદ્રીપટમાં વર્ગ ઉઘાડવામાં આવ્યા હતા. એ દરેક સ્થળે વીસ પચીસ યુવકો શ્રીમદ્ ભગવદ્‌ગીતા તેમજ ઉપનિષદોનો અભ્યાસ નિયમિતપણે કરવા લાગ્યા. આ યુવકોમાં ઘણાખરા ગ્રેજ્યુએટો હોઇને અધ્યયનમાં ઘણોજ રસ લેતા હતા.

વેદાન્તનું બીજું મથક કોલમ્બોમાં સ્થાપી સ્વામી શિવાનંદને ત્યાં મોકલવામાં આવ્યા. કેટલાક યૂરોપિયનો અને ઘણા સુશિક્ષિત હિંદુઓ તેમના વર્ગમાં આવવા લાગ્યા. કેટલાક યૂરોપિયનોની ઇચ્છા નિયમિતપણે ભગવદ્‌ગીતા શિખવાની હતી, તેથી કરીને સ્વામી શિવાનંદ તેમને ગીતાજી શિખવવા લાગ્યા. સ્વામી શિવાનંદ જે સર્વથી અગત્યનું કાર્ય બજાવતા તે એ હતું કે જે કેટલાક જીજ્ઞાસુ પુરૂષો શરીરની અશક્તિ વગેરે કારણોથી તેમની પાસે આવી શકતા ન હોતા તેમને ઘેર જઈને પણ તેઓ વેદાન્તનું શિક્ષણ આપતા હતા અને એવા અનેક જીજ્ઞાસુ–પણ અશક્ત મનુષ્યોને એ શિક્ષણ ઘણુંજ ઉપકારક થઈ પડ્યું હતું.

સને ૧૮૯૭–૯૮ ની સાલમાં બંગાળામાં અને બીજા પ્રાંતોમાં ભયંકર પ્લેગ અને દુષ્કાળ ચાલી રહ્યાં હતાં, ત્યારે પણ સ્વામી વિવેકાનંદની દેખરેખ નીચે રામકૃષ્ણ મિશને ઘણું અગત્યનું કાર્ય બજાવ્યું હતું. તે વખતે સ્વામી વિવેકાનંદે પોતાના ગરૂભાઈઓ અને શિષ્યોની મદદથી સ્થળે સ્થળે દુષ્કાળકામો અને અનાથાશ્રમો સ્થાપ્યાં હતાં. ત્યાં ભૂખ્યાં અને નિરાશ્રિત સ્ત્રી પુરૂષોને અન્ન, વસ્ત્ર વગેરે આપવામાં આવતું હતું. વળી પ્લેગના સમયમાં ઠામે ઠામે સંક્ટ નિવારણ સંસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. તેમાં પ્લેગથી પીડાયેલાં મનુષ્યોની માવજત કરવામાં આવતી હતી. મુર્શિદાબાદમાં એક અનાથાશ્રમ ઉઘાડવામાં આવ્યું હતું. મુર્શિદાબાદની આસપાસનાં ગામડાંના લોકોને ખાવાનું અનાજ તેમજ પીવાનું ચોક્ખું પાણી મળતું ન હતું. તેને લીધે હજારો સ્ત્રી પુરૂષો મૃત્યુને વશ થતાં હતાં. એ મનુષ્યોના દુઃખની ખબર સાંભળીને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને દ્રવ્ય તથા બે મદદનીશો આપીને મુર્શીદાબાદ મોકલ્યા. ત્યાં એક અનાથાશ્રમ ઉઘાડવામાં આવ્યું અને સ્વામી અખંડાનંદ ગામેગામ ફરી ક્ષુધાથી પીડાયેલાં સ્ત્રી પુરૂષોને શોધી કહાડી તેમને અનાજ પુરું પાડવા લાગ્યા. મુર્શીદાબાદની આસપાસનાં ગામડાંઓમાં લગભગ બસેં માણસો ભૂખથી મરી જવાની તૈયારીમાં હતાં અને તેમની સંખ્યામાં વધારો થતો જતો હતો. એ ખબર સાંભળીને સ્વામી વિવેકાનંદે ફંડ એકઠું કરવાને સ્વામી સુબોધાનંદને કલકત્તા મોકલ્યા. સ્વામીજી જે ઉમદા અને નિઃસ્વાર્થ કાર્ય કરી રહ્યા હતા તેની કદર સરકારી અમલદારો પણ હવે કરવા લાગ્યા. મુર્શિદાબાદ તાલુકામાં સરકાર તરફથી ચાર પાંચ દુષ્કાળકામો ઉઘાડવામાં આવ્યાં હતાં, પણ તેઓ સંતોષકારક રીતે કાર્ય કરતાં નહોતાં, તેથી કરીને ખરેખરા દુકાળથી પીડાતાં સ્ત્રી પુરૂષોને જોઇએ તેવી મદદ મળતી ન હતી. એવાં સ્ત્રી પુરૂષો હવે રામકૃષ્ણ મિશનના અનાથાશ્રમમાં આવીને રહેવા લાગ્યાં. અહીં મિશનના સંન્યાસીઓ તેમની કાળજીથી બરદાસ્ત કરતા, તેથી તેમનાં દુઃખી અંતઃકરણ શાંત થતાં અને તેમની આંખોમાં પાણી આવી જતું. વળી જે લોકો વ્યાધિઓથી પીડાતા હતા તેમને માટે પણ દવા વગેરેની સારી સવડ રામકૃષ્ણ મિશન કરી રહ્યું હતું. અન્ન પાણીના કષ્ટથી ગભરાઈ રહેલાં સ્ત્રી પુરૂષોનાં ઉદાસ મુખો જોઈને પત્થરનાં હૃદય પણ પીગળી જતાં હતાં. એક સ્ત્રી અને તેનાં નાનાં નાનાં છોકરાંનું દુઃખ નહિ જોવાયાથી ઘરધણી તેમને એમનાં એમ મૂકીને ચાલ્યો ગયો હતો. બીજો એક મનુષ્ય પોતાની બાયડી તથા છોકરાંને ભૂખે મરતાં જોઇને શું કરવું તે નહિ સૂઝવાથી ગળે ફાંસો ખાવાની તૈયારીમાં હતો. વળી કેટલાક આત્મઘાત કરવાની તૈયારીમાં હતા. એ સઘળાઓને રામકૃષ્ણ મિશને વખતસર મદદ આપી અને તેમના પ્રાણ બચાવ્યા. મિશનના સંન્યાસીઓએ ગામે ગામ ફરીને આવાં આવાં ભુખમરાથી પીડાતાં મનુષ્યોને અને કુટુંબોને શોધી કહાડીને તેમને જે જે જોઇએ તે તે પુરૂં પાડ્યું હતું. ગામડાંઓમાં કેટલીક મોટા ઘરની છતાં નિર્ધન સ્ત્રીઓ અને પડદાનશીન મુસલમાન સ્ત્રીઓ પણ અતિશય દુઃખી હતી. સરકારી આશ્રમમાં જઈને મદદ લેવા કરતાં તેઓ મરવાનું વધારે પસંદ કરતી હતી. એવી સ્ત્રીઓના મલાજાને હાનિ ન પહોંચે તથા તેમની લાગણીઓ ન દુઃખાય તેવી રીતે રામકૃષ્ણ મિશને તેમને પણ પુરતી મદદ પહોંચાડી હતી. ફંડ પુરતું નહિ હોવાથી સ્વામીજી ઘણે દૂર આવેલાં ગામોમાં જઈને ભિક્ષાની ઝોળી ફેરવીને પણ અનાજ વગેરે લાવવા લાગ્યા. દુકાળીઆઓની સંખ્યા વધતી જઇને લગભગ છસેં માણસોની થઈ હતી. દરરોજ છ મણ ચોખા દુકાળીઆઓના ખોરાક માટે જતા હતા; તેમજ વસ્ત્ર અને દવાઓની પણ જરૂર પડતી હતી.

રામકૃષ્ણ મિશન તરફથી બીજો આશ્રમ દેવધરમાં ખોલીને સ્વામી વિરજાનંદને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્રીજો આશ્રમ દીનાજપુરમાં ખોલીને સ્વામી ત્રિગુણાતીતને ત્યાં મોકલ્યા હતા. આ અને બીજા સંન્યાસીઓ જે ઉત્સાહથી અને નિઃસ્વાર્થ સેવાભાવથી પોતાની ફરજ બજાવતા હતા તેવો ઉત્સાહ સ્વાર્થબુદ્ધિથી કાર્ય કરનાર સામાન્ય મનુષ્યોમાં ભાગ્યેજ જોવામાં આવે છે. જુદાં જુદાં આશ્રમમાં સ્વામીઓ તરફથી દરેક પ્રકારની કાળજી અને ખંતપૂર્વક કામ બજાવાતું જોઈને સરકાર પણ તેમનો ઘણોજ આભાર માનતી હતી.

સ્વામીજી પોતાનું કાર્ય પદ્ધતિસર કરી રહ્યા હતા. માણસ પાસે પૈસો હોય તો તેને સખાવત કરવાનું અઘરું લાગતું નથી; પણ અપાત્રને દાન કરવાથી લાભને બદલે વધારે નુકશાન થાય છે. સ્વામી ત્રિગુણાતીત જાતે શ્રમ લઈને તપાસ કરતા હતા અને ખરી તંગી વાળાં મનુષ્યોને શોધી કહાડતા હતા.

કલેક્ટર મી. બોનહામ કાર્ટરે રામકૃષ્ણ મિશનના દુષ્કાળ કામ માટે વડી સરકારને નીચે પ્રમાણે લખી મોકલ્યું હતું :–

“રામકૃષ્ણ મિશનના સ્વામી ત્રિગુણાતીત દુષ્કાળ વખતે જે ઉમદા કામ કરેલું છે તેનું વર્ણન કર્યા વગર હું મારો રિપોર્ટ બંધ કરીશ નહિ, આ જીલ્લામાં દુકાળ પડેલો જાણીને સ્વામીજી મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે, જેમ બરહાનપુરમાં કર્યું હતું તેમ રામકૃષ્ણ મિશન આ જીલ્લામાં પણ મદદ કરવાને તૈયાર છે. મેં તેમને સલાહ આપી કે દીનાજપુરની પશ્ચિમે છ માઈલ દૂર આવેલા બીરાલ ગામમાં તમે કાર્યની શરૂઆત કરો. જીલ્લાના દક્ષિણ ભાગમાં વરસાદ સારો થયો હતો. પશ્ચિમમાં દુકાળની અસર વધારે જણાતી હતી. અહીંઆં સ્વામીજીએ ઘણી અગવડો વેઠીને પણ પોતાનો મુકામ નાંખ્યો અને તે ખરી તંગીવાળાં મનુષ્યોને મફત ચોખા આપવા લાગ્યા. ખરી વાત શી છે તે શોધી કહાડવાને તેમણે બનતો પ્રયાસ કર્યો અને ઘણું ખરૂં તો તે જાતેજ તપાસ કરવા જતા હતા. પછીથી તેમણે દીનાજપુરમાં ઘણાઓનું સંકટ ટાળ્યું. હું નીચે આંકડા આપું છું તે ઉપરથી સમજાશે કે ન્યાત જાત કે ધર્મના ભેદ રાખ્યા વગર સર્વેને મદદ કરવામાં આવી હતી. તે આંકડાઓ બહુજ કાળજીથી લેવામાં આવેલા છે. જો આવાં નિઃસ્વાર્થ કામો ઘણાં થાય તો સરકારી દુષ્કાળકામોને ઘણી મદદ મળે. સ્વામીજીએ મારી કે કોઈની મદદ લીધા સિવાયજ સઘળું કામ વ્યવસ્થિતપણે કરેલું છે, પણ મેં તેમને જે જે સુચનાઓ કરી હતી તે સધળી તેમણે ખુશીથી ધ્યાનમાં લીધી હતી અને દર અઠવાડીએ તે પોતાનો હિસાબ અને આંકડા મારા તરફ મોકલતા હતા.”

મુર્શીદાબાદ, દીનાજપુર અને દેવધર સિવાય દક્ષિણેશ્વરમાં પણ એક દુષ્કાળકામ ઉઘાડવામાં આવ્યું હતું. દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણ પરમહંસના નિવાસથી પવિત્ર બની રહેલું હતું. અહીંઆં એક સ્વામી બંગાળાનાં ગરિબ કુટુંબોને ચોખા આપવાનું કામ કરી રહ્યા હતા. દરેક સ્થળેથી સરકારી અમલદારો રામકૃષ્ણ મિશનના કાર્ય વિષે સારો રિપોર્ટ મોકલી રહ્યા હતા. રામકૃષ્ણ મિશન પોતાનું કામ એવી શાંતિ અને નિઃસ્વાર્થ વૃત્તિથી કરી રહ્યું હતું કે બ્રિટીશ અમલદારો તેની પ્રશંસા કર્યા વગર રહેજ નહિ. દુષ્કાળવાળાં ગામડાંમાં બ્રિટીશ અમલદારો આવતા અને અનાજ, વસ્ત્ર, વગેરે અપાતાં જોતા. એમ કરવું ઘણું સહેલું હતું. પણ ગામે ગામ ફરવું, ગરિબનાં ઝુંપડામાં તપાસ કરવી, ખરેખરી તંગીવાળાંને શોધી કહાડવાં અને આસપાસ પથરાઈ રહેલાં દુઃખ અને અગવડોમાં વ્યવસ્થિત કાર્ય શરૂ કરવું, એ ઘણું મુશ્કેલ હતું. પણ રામકૃષ્ણ મીશનના સાધુઓએ તે કાર્યને સિદ્ધ કરેલું છે. તેમનો જેટલો ઉપકાર મનાય તેટલો ઓછોજ છે. અત્યારે પણ તેઓ તેવું જ કાર્ય કરી રહેલા છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં પવિત્ર ચરણ કમળના સ્પર્શથી તેઓ સઘળા પવિત્ર અને નિઃસ્વાર્થ બની માત્ર પરોપકાર વૃત્તિથીજ, માનવજાતિનું દુઃખ ટાળવાને સજ્જ થઈ રહેલા છે. હજી પણ તેઓ ભારતવર્ષની ગરિબ પ્રજાને સહાય કરવાને ગામેગામ ફરી રહેલા છે. આ વખતે મુર્શીદાબાદમાં કેટલાંક નિરાધાર બાળકો સંભાળને અભાવે અન્નપાણી વિના મરી જતાં જોવામાં આવતાં હતાં. એથી કરીને મુર્શીદાબાદમાં એક કાયમનું અનાથાશ્રમ સ્થાપવાનો વિચાર રામકૃષ્ણ મિશનનો થયો. મુર્શીદાબાદના કલેક્ટર મી. લેવીંજને પણ આવા બનાવો જોઇને ઘણીજ દયા આવી અને તેમણે એક કાયમનું અનાથાશ્રમ ખોલવાની સ્વામી અખડાનંદને અરજ કરી. સ્વામી અખંડાનંદ પણ એવું અનાથાશ્રમ ખોલવાનો વિચારજ કરી રહ્યા હતા. તેમણે કલેક્ટરની વાત તરતજ કબુલ કરી. બ્રિટીશ સરકારે પંદર વીઘાં જમીન તે કાર્યને માટે મફત આપી. અનાથ બાળકોની સંખ્યા જલદીથી વધતી ગઈ અને દયાળુ હૃદયના સ્વામી અખંડાનંદની સંભાળ નીચે તે સારી રીતે ઉછરવા લાગ્યાં. અનાથાશ્રમનું મકાન બંધાયા પછી સર્વેને ત્યાં રાખવામાં આવ્યાં. તેમને અન્ન, વસ્ત્રાદિ આપવા ઉપરાંત ભાષા, ઇતિહાસાદિનું જ્ઞાન આપવું; ખેતીકામ, વણાટકામ, વગેરે ધંધા શીખવવા અને વેદાન્તના મહત્વના સિદ્ધાંતો તેમના મગજમાં ઠસાવીને તેમને સ્વાશ્રયી અને પ્રભુપરાયણ બનાવવાં, એવો હેતુ પણ મિશને રાખેલો હતો. મુર્શીદાબાદના અનાથાશ્રમનાં બાળકો આધુનિક સમયના શિક્ષિત યુવાનોની માફક નિર્બળ, પરાધીન અને નાસ્તિક ન બને તે માટે મિશન તરફથી પુરતી કાળજી રાખવામાં આવતી હતી.

આ વખતે સ્વામી વિવેકાનંદની તબીયત નાદુરસ્ત હોવાથી દાક્તરોની સલાહથી હવાફેર માટે તેઓ દાર્જિલીંગ ગયા અને થોડોક સમય ત્યાં રહ્યા. તેમની શારીરિક સ્થિતિમાં કંઈક સુધારો થયો ન થયો એટલામાં જ ખબર આવી કે કલકત્તામાં ઘણોજ પ્લેગ ચાલી રહેલો છે. સ્વામીજી આરામ લેવાની વાત પડતી મૂકીને એકદમ કલકત્તા પાછા આવ્યા. સરકારે પ્લેગના અટકાવ માટે કેટલાક આકરા નિયમો ઘડ્યા હતા તેથી લોકો ડરીને નાસભાગ કરી રહ્યા હતા અને કલકત્તાની સ્થિતિ જાણે એકાદ મોટું તોફાન ઉપડે તેવી થઈ ગઈ હતી. તોફાન ન થાય તેટલા માટે સ્થળે સ્થળે લશ્કરી સિપાઇઓ રાખવામાં આવ્યા હતા. સ્વામીજી સઘળી સ્થિતિ સમજી લઈને તરતજ લોકોને દવા, સલાહ અને આશ્વાસન આપવાને તૈયાર થઈ રહ્યા. કલકત્તે આવ્યા તેજ દિવસે તેમણે પ્લેગને અટકાવવાના અને લોકોને મદદ કરવાના કાર્યની યોજના ઘડી કહાડી અને તે બંગાળી તથા હિંદીમાં છપાવીને પ્રગટ કરી દીધી.

સ્વામીજીના એક ગુરૂભાઈ તેમને પૂછવા લાગ્યા: “સ્વામીજી, તમે પૈસા ક્યાંથી લાવશો ?” સ્વામીજી એકદમ દૃઢતાથી બોલી ઉઠ્યા: “કેમ ! મઠનું નવું મકાન બાંધવાને ખરીદેલી જમીન વેચી નાંખીશું. આપણે સંન્યાસીઓ છીએ. આપણે ઝાડ નીચે સૂઈ રહીશું અને ભિક્ષા માગીને ઉદરપોષણ કરીશું. આપણી નજર આગળ દુઃખ પામતાં હજારો મનુષ્યોનું દુઃખ જો આપણે ટાળી શકતા હોઈએ તો આપણે મઠ અને બીજી વસ્તુઓની દરકાર શા માટે કરવી ?” આ પ્રમાણે લોકોનું દુઃખ ટાળવાને માટે મઠને પણ વેચી નાંખવાને સ્વામીજી તૈયાર હતા; પણ સુભાગે તેમ કરવાની તેમને જરૂર પડી ન હોતી. કેટલાક ભાગ્યશાળી ધનિકો આવા કામમાં દ્રવ્યની મદદ કરવાને તૈયાર થયા. તરતજ એક મોટી વિશાળ જગ્યા ભાડે લઇને તેના ઉપર દરદીઓ માટે માંડવા ઉભા કરવાનું નક્કી થયું.

સ્વામીજીના શિષ્યો સાથે કામ કરવાને ઘણુ મનુષ્યો રાજી ખુશીથી ભળવા લાગ્યા. શહેરની નાની ગલીઓ અને ઘરોને કેવી રીતે સાફ કરાવવાં તે સ્વામીજી સર્વેને સમજાવવા લાગ્યા. માંદાની સારવાર કરનારી અને દવા વહેચનારી ટાળીઓ સ્વામીજી ગોઠવવા લાગ્યા અને રસી મૂકનારાઓને પણ ઘટતી સુચનાઓ આપવા લાગ્યા. આ વખતે કલકત્તામાં પ્લેગનું જોર વધવા લાગ્યું હતું. રામકૃષ્ણ મિશનના સાધુઓ સખત મહેનત કરીને લોકોના પ્રાણ બચાવી રહ્યા હતા. ખરેખર એ કાર્ય મોતના મુખમાં જવા જેવું જ હતું.

બહેન નિવેદિતા પણ તે કાર્યમાં જોડાયાં હતાં. આ પ્રાણ સટોસટના સેવા ધર્મમાં જોડાયલા સંન્યાસીઓની પુંજીમાં માત્ર એક કમણ્ડલુંજ હતું. તેઓ કોઈ પણ જાતના બદલાની આશા રાખતા ન હોતા. તેમને મન સમાજસેવા તે પ્રભુસેવાજ હતી. તેઓ માવજત કરનારી, તપાસ કરનારી અને ગલીઓ અને ઘરો સાફ કરાવનારી ટોળીઓમાં ગોઠવાઈ ગયા. ફંડને માટે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી અને ટોળીઓ પોતપોતાનું કાર્ય કરવા મંડી ગઈ. જે મહોલ્લાઓમાં વધારે ગંદકી હતી તેને તેઓ ઉત્સાહથી સાફ કરાવવા લાગ્યા. સાધુઓને ભંગીઓ જોડે પણ કામ કરવું પડતું હતું, પણ તે પવિત્ર પુરૂષો તેનાથી પણ પાછા હઠતા ન હોતા. સારવાર કરવાના માંડવાઓમાં શ્રીરામકૃષ્ણ પરમહંસના વિદ્વાન અને પવિત્ર શિષ્યો સ્વામી શારદાનંદ અને બ્રહ્માનંદ દરદીઓની માવજત કરવા લાગ્યા. વળી તેમણે ભજન મંડળીઓ ઉભી કરીને તેમનાદ્વારા લોકોને વ્યાધીની બ્હીક ત્યજી દઈને આત્મશ્રદ્ધા તથા પ્રભુશ્રદ્ધા રાખવાનું સમજાવવા માંડ્યું. સ્વામી વિવેકાનંદ પણ મઠમાં રહેવાનું ત્યજી દઇને ગરિબ લોકોના મહોલ્લામાં એક ઝુંપડામાં રહેતા હતા. ચારે બાજી ફેલાઈ રહેલી વ્યાધી અને મૃત્યુની વચમાં રહીને સ્વામીજી સર્વેને દિલાસો આપતા, ગરિબોની સારવાર કરતા અને પોતાના જીવન અને દૃષ્ટાંતથી ચારે પાસ પ્રવર્તી રહેલા પ્લેગના ભયને નાબુદ કરવાને સર્વેનાં હૃદયમાં ઉત્સાહ પ્રેરતા. જે મનુષ્યોએ સ્વામી વિવેકાનંદને આ પ્રસંગે કામ કરતા જોયા છે તેઓ આજે પણ તેમના કાર્યને ઘણાજ માન અને આભારની લાગણી સાથે યાદ કરે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસના સંન્યાસી શિષ્યો ગંદામાં ગંદી ગલીઓમાં પણ પેસીને કેવા ઉત્સાહથી કામ કરતા અને પ્લેગથી પીડાતા મનુષ્યોને કેવો દિલાસો અને મદદ આપતા તે કલકત્તાના દરેકે દરેક વૃદ્ધ પુરૂષ હજી સુધી કૃતજ્ઞપણે યાદ કરે છે.

કલકત્તામાં પ્લેગ શાંત થયા પછી સ્વામીજીએ બાગ બજારમાં એક કન્યાશાળા સ્થાપન કરી, અને તેનું કામ બહેન નિવેદિતાને સોંપ્યું. પછીથી સ્વામીજીએ બંગાળા, રજપુતાના અને પંજાબમાં બીજાં ત્રણ અનાથાશ્રમો ખોલ્યાં. આ સઘળી સંસ્થાઓ આજે ઘણીજ ફતેહથી પોતાનું કામ કરી રહેલી છે. આ વખતે સ્વામી વિવેકાનંદની મદદથી બે અંગ્રેજી માસિકો “બ્રહ્મવાદિન” અને “પ્રબુદ્ધ ભારત” શરૂ કરવામાં આવ્યાં હતાં. એ માસિકોના ગ્રાહકો આજે પણ આખી દુનિયા ઉપર થઈ રહેલા છે. વળી ઉદ્‌બોધન નામનું એક માસિક બંગાળી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ પોતાના બે ગુરૂભાઇઓને ઢાકા મોકલ્યા અને ત્યાં રામકૃષ્ણ મિશનની શાખા કહાડવામાં આવી. એ શાખા આજે કલકત્તા મિશનની દેખરેખ નીચે પરોપકારનાં કાર્યો કરી રહેલી છે.