લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર

વિકિસ્રોતમાંથી
← દુષ્કાળકામો તથા અનાથાશ્રમ વગેરેની સ્થાપના સ્વામી વિવેકાનંદ
પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી →


પ્રકરણ ૫૧ મું – પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર.

ઈંગ્લાંડ તથા અમેરિકાના જિજ્ઞાસુ લોકોમાં સ્વામીજીએ વેદાન્તનું જે બીજ રોપ્યું હતું એ તેમના હિંદમાં પાછા આવ્યા પછી સુકાઇ ન જતાં ઉલટું ખીલતું ચાલ્યું હતું. એ લોકોની સત્યને શોધવાની જિજ્ઞાસા અને ખંતને સ્વામીજી ઘણાજ વખાણતા હતા અને તેમની ખાત્રી હતી કે એમના હૃદયમાંથી વેદાન્તનો બોધ કદીએ ભૂંસાઈ જશે નહિ. વેદાન્તને સમજવાને અને તેને કૃતિમાં મૂકવાને જે સૂક્ષ્મ બુદ્ધિ અને સ્વાર્થત્યાગની જરૂર છે તે બુદ્ધિ અને સ્વાર્થત્યાગ પાશ્ચાત્યોમાં જાગી ઉઠે તેમ છે એમ સ્વામીજી કહેતા. હિંદમાં કેટલાકો તેમને પૂછતા કે અંગ્રેજો જેવા રજોગુણી માણસો સાત્વીક ભાવને શી રીતે પ્રાપ્ત કરશે ? સ્વામીજી ઉત્તર આપતા કે તેમનો રજોગુણ પરાકાષ્ટાએ પહોંચેલો છે. તેઓ અઢળક દ્રવ્ય, વિદ્યા અને બાહુબળ પ્રાપ્ત કરી રહેલા છે અને જગતના ભોગવિલાસો ભોગવીને થાક્યા છે. આવા લોકો સાત્વિક ભાવને પ્રાપ્ત નહિ કરે તો શું તમે હિંદુઓ સાત્વિક ભાવને પ્રાપ્ત કરશો ? તમે દ્રવ્યને માટે ફાંફાં મારનારા, ગંદી ગલીઓમાં પડી રહેનારા અને નિર્બળ શરીરવાળા હિંદુઓ શું મોક્ષને માર્ગે ચ્હડી શકશો ? તમે જરા અંગ્રેજોનાં ભવ્ય મકાનો, સાફ રસ્તાઓ, તેમની સંસ્થાઓ, તેમના શહેરસુખાકારીના નિયમો અને તેમનાં સ્થિર ચારિત્ર્ય તરફ તો જુઓ. પછી તમારી ખાત્રી થશે કે મોક્ષ મેળવવાને માટે લાયક તો તેઓજ છે.

સ્વામીજીનું ધારવું ખરૂંજ હતું. અંગ્રેજોનાં હૃદયમાં તેમણે જે બીજ રોપ્યું હતું તે હવે ઉગીને–ફાલીને ફળી રહ્યું હતું. લંડનમાં વેદાન્તના અભ્યાસીઓ એકઠા મળતા અને હિંદુ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં એક બીજાને મદદ કરતા. મી. સ્ટર્ડી ખાસ કરીને તેમાં ઘણોજ રસ લેતા હતા. મી. એરીક હેમંડ વારંવાર તેમની સભાઓના પ્રમુખ થતા અને તેમને મદદ કરતા. વળી રામકૃષ્ણ મિશન હિંદમાં દુષ્કાળના વખતમાં જે કાર્ય કરી રહ્યું હતું તેને લંડનના વેદાંતીઓ ઘણીજ સહાય કરતા. આ દેશમાં જે અનેક મનુષ્યો ભોગવિલાસથી થાકી જઈને તેમજ જડવાદથી અસંતોષી બનીને પોતાનું જીવન શંકા અને નિરાશામાં ગાળી રહ્યા હતા, તેમની બુદ્ધિને સ્વામીજીનો વેદાન્તનો બોધ અતિશય અનુકુળ થઈ પડ્યો હતો. આર્ય વેદાન્તે તેમના સઘળા વિચારો અને અનુભવો ઉપર તદ્દન નવોજ પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકાશના પ્રતાપે તેમનું જીવન આશા, આનંદ અને અન્ય ઉચ્ચ આધ્યાત્મિક ભાવોવડે ભરપુર રહેતું હતું. સ્વામી વિવેકાનંદના ગયા પછી વેદાન્તના વર્ગોનું કામ સ્વામી અભેદાનંદને સાંપવામાં આવ્યું હતું અને તે પોતાનું કર્તવ્ય ઘણીજ ફતેહથી બજાવી રહ્યા હતા.

અમેરિકાથી સ્વામી વિવેકાનંદ વિદાય થયા ત્યારપછી ત્યાંનું કામ સ્વામી શારદાનંદને સોંપવામાં આવ્યું હતું અને તે કામ ઘણુંજ વધી પડ્યું હતું. અનેક વેદાન્ત સમાજો ત્યાં સ્થપાઈ રહી હતી. તે સર્વેમાં કામ કરવું તે એક સંન્યાસીથી બની શકે તેમ ન હતું. ન્યૂયોર્ક, ડેટ્રોઈટ, બ્રુકલીન વગેરે સ્થળોમાં વેદાન્ત સમાજો સ્થપાઈ ચૂકી હતી. તેમાં કામ કરવા ઉપરાંત સ્વામી શારદાનંદને બીજી સભાઓમાં પણ હાજરી આપવી પડતી અને ગ્રીનેકરમાં આવેલી તુલનાત્મકધર્મવિચાર પરિષદમાં શિક્ષક તરિકે પણ કામ કરવું પડતું. એ પ્રમાણે કામ વધી પડેલું હોવાથી સ્વામી અભેદાનંદને અમેરિકામાં બોલાવવામાં આવ્યા. પશ્ચિમની સઘળી સમાજોમાં ન્યૂયોર્કની વેદાન્ત સમાજ ઘણી જ મોટી હોવાથી સ્વામી અભેદાનંદે ન્યૂયોર્કમાંજ પોતાનું મુખ્ય મથક રાખ્યું. વળી મોન્ટક્લેરના લોકોએ વેદાન્તનો બોધ સાંભળવાની ઇચ્છા જણાવવાથી અઠવાડીયામાં એકવાર ત્યાં પણ તેઓ જતા હતા. ન્યૂયોર્ક અને બીજા મથકોમાં હિંદના પ્રાચીન સાહિત્યનો શોખ વધતો ચાલ્યો અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોની પુષ્કળ માગણી થવા લાગી. જ્યાં જ્યાં સ્વામીઓ જતા ત્યાં ત્યાં લોકો તેમનો બોધ ઘણાજ ભાવથી સાંભળતા. થોડાજ સમયમાં માલમ પડ્યું કે ઘણે દૂર આવેલા કેલીફોર્નીઆમાં પણ ઘણા મનુષ્યો વિવેકાનંદનાં પુસ્તકો વાંચી રહેલા છે અને તેઓ વેદાન્તનો બોધ ગ્રહણ કરવાને તૈયારી કરી રહેલા છે. બ્રુકલીન અને સેનફ્રાન્સીસ્કો જેવાં સ્થળોને પણ નિરાશ થવું પડતું હતું; કારણકે તે સ્થળોમાં જવાનો સ્વામીઓને બીલકુલ અવકાશ મળતો નહિ. આ પ્રમાણે અમેરિકામાં હજી બીજા ઘણા સંન્યાસીઓની જરૂર હતી, પણ હિંદમાં તેવા સંન્યાસીઓ હજી તૈયાર ન હોતા. હિંદમાં સ્વામી વિવેકાનંદ તેવા સંન્યાસીઓને હજી તૈયાર કરતા હતા.

ન્યૂયોર્કમાં વેદાન્તનું કાર્ય જલદીથી આગળ વધતું હતું. સ્વામી અભેદાનંદના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી હતી. એ વખતે લગભગ બસેં વિદ્યાર્થીઓ વેદાન્ત શીખી રહ્યા હતા. વર્ગોની જાહેર ખબર નહિ આપવા છતાં પણ લોકો એક બીજાદ્વારા માહિતી મળતાંજ આકર્ષાઇ આવતા હતા. આ પ્રમાણે અમેરિકાનાં બુદ્ધિશાળી અને વિચારવંત સ્ત્રી પુરૂષોનાં અંતઃકરણમાં વેદાન્તનો બોધ ધીમે ધીમે વાસ કરતો હતો. અમેરિકામાં વેદાન્તની આવી ફતેહનું કારણ એ હતું કે વેદાન્ત સર્વસંગ્રાહ્ય તત્ત્વોથી ભરપુર છે, ઉચ્ચમાં ઉચ્ચ નીતિને તે પ્રતિપાદન કરે છે, અત્યંત પવિત્ર ચારિત્ર્યને ધારણ કરવાનું તે મનુષ્યને બોધે છે અને સંપૂર્ણ સ્વાર્થત્યાગની તે હિમાયત કરે છે. કોઈ પણ ધર્મ કે પંથને તે ધિક્કારતું નથી, પણ ઉલટું ક્રાઈસ્ટના અને બીજા ધર્મોના સિદ્ધાંતોને તે વધારે સ્પષ્ટ કરી આપે છે. વેદાન્તરૂપી પ્રકાશ મળ્યા પછી ઘણા અમેરિકનો પોતાના ખ્રિસ્તી ધર્મને ખરા રૂપમાં સમજવા લાગ્યા હતા. અમેરિકાના લોકોએ વેદાન્તને અંતઃકરણપૂર્વક વધાવી લેવાનું કારણ એ હતું કે જીવનના મહાન પ્રશ્નનો સાચો ઉત્તર તેમને તેમાંથી જ મળી શકતો. વિદ્વાન અને ઉદાર ચિત્તવાળા ખ્રિસ્તી પાદરીઓને ક્રાઈસ્ટના સિદ્ધાંતોની ખરેખરી સમજુતી પણ એજ સિદ્ધાંતોમાં રહેલી જણાતી.

સ્વામી વિવેકાનંદની અમેરિકન શિષ્યા સ્વામિની અભયાનંદ પણ ન્યૂયોર્કમાં ઘણું કામ કરી રહ્યાં હતાં. આ વિદુષી અને ઉત્સાહી બાઇએ સ્વામી વિવેકાનંદના સમાગમમાં આવ્યા પછી સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને પોતાના ગુરૂને પગલે ચાલીને તે યુનાઈટેડ સ્ટેટસમાં વેદાન્તનો બોધ કરી રહ્યાં હતાં. ન્યૂયોર્કમાં તેમણે અદ્વૈતસમાજ સ્થાપેલી છે. તેમનાં ભાષણો અને વાર્તાલાપોથી ઘણા અમેરિકનો વેદાન્તનો અભ્યાસ કરવા લાગ્યા હતા. તેમના પ્રયાસથી અમેરિકામાં આજે ઘણાં સ્ત્રી પુરૂષો બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ કે સંન્યાસાશ્રમને ગ્રહણ કરી રહેલાં છે.

શિકાગોમાં લગભગ ચાર વર્ષ સુધી વેદાન્તનો સંપૂર્ણ બોધ આપ્યા પછી સ્વામિની અભયાનંદને જે ભૂમિએ તેમના ગુરૂ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરૂષને જન્મ આપ્યો હતો તે પવિત્ર ભૂમિનાં દર્શન કરવાની ઈચ્છા થઈ આવી. ભારતવર્ષમાં આવીને તેમણે મુંબઈ મદ્રાસ, કલકત્તા, ઢાકા, માઇમેનસીંગ, બારીસાલ વગેરે સ્થળોમાં અનેક ભાષણો આપ્યાં અને એક વિદુષી અમેરિકન બાઈ તરિકે તેમણે ભારતવર્ષના લોકો તરફ તેમજ તત્ત્વજ્ઞાન તરફ અગાધ પ્રેમ પ્રદર્શિત કર્યો. સ્વામિની અભયાનંદ પૂર્વાશ્રમમાં નાસ્તિક હતાં, પણ અદ્વૈતવાદના સિદ્ધાંતો સાંભળીને તે આસ્તિક બન્યાં હતાં. અદ્વૈતવાદ વિજ્ઞાનશાસ્ત્રથી પણ ન છેદાય એવો છે એમ તેમનું દૃઢ માનવું થઈ રહ્યું હતું. મુંબઈમાં તેમણે જસ્ટીસ મહાદેવ ગોવીંદ રાનડેના પ્રમુખપણા નીચે “વેદાન્ત અને તેનો પશ્ચિમમાં પ્રચાર” એ વિષય ઉપર એક સુંદર ભાષણ આપીને પાશ્ચાત્ય પ્રજાઓનાં મન ઉપર વેદાન્તની કેવી અસર થઈ રહેલી છે તેનો સરસ ચિતાર આપ્યો હતો.

આ પ્રમાણે અમેરિકા અને ઇગ્લાંડમાં વેદાન્તની અસર કેવી થઈ રહેલી હતી તેનો વિગતવાર હેવાલ આપતાં પ્રકરણનાં પ્રકરણ ભરાઈ જાય તેમ હોવાથી ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે પાશ્ચાત્ય પ્રદેશોમાં સ્વામી અભેદાનંદ, શારદાનંદ, વગેરે ઉપદેશકો અત્યંત માન અને પ્રીતિનું પાત્ર થઈ રહ્યા હતા. યુનાઇટેડ સ્ટેટસ અને કેનેડાનાં મુખ્ય મુખ્ય શહેરો ઉપરાંત બીજા ગામોમાં પણ તેમનો બોધ ગ્રહણ કરવાને ઘણાં મનુષ્યો આતુર થઈ રહ્યાં હતાં, પણ કામ એટલું બધું વધી પડ્યું હતું કે તેમનાથી સઘળાં સ્થળોએ જઈ શકાતું ન હોતું. સ્વામી વિવેકાનંદની અમેરિકન શિષ્યાઓ અને શિષ્યો પણ તેમને તેમના કાર્યમાં ઘણી મદદ કરતાં અને ઘણે સ્થળે ભાષણો આપતાં હતાં, છતાં પણ અમેરિકામાં વેદાન્તનો બોધ કરવાને ઉપદેશકોની ઘણીજ તાણ પડતી હતી. વોશીંગ્ટનમાં પ્રેસીડંટ મેક્કીન્લી જેવા સત્તાધીશે ઘણાજ હર્ષ અને માનથી સ્વામી અભેદાનંદની મુલાકાત લઈ ભારતવર્ષ વિષે કેટલીક પૂછપરછ કરી હતી. પછીથી તેઓ એલાસ્કાના ગવર્નરને મળ્યા હતા. પ્રખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી અને માનસશાસ્ત્રવેત્તા ડોક્ટર એલમર ગેટસે તેમને ઘણા ભાવથી પોતાના પરોણા તરિકે રાખ્યા હતા. અમેરિકાનાં સારામાં સારાં માસિકો, જેવાં કે, ધી સન, ધી ન્યૂયોર્ક ટ્રિબ્યુન, ધી ક્રીટીક, ધી લીટરરી ડાઈજેસ્ટ, ધી ઈન્ટેલીજન્સ વગેરે પણ સ્વામીનાં ભાષણોનો ખૂબ ફેલાવો કરી રહ્યાં હતાં. વળી તે પત્રોમાં વેદાન્ત વિષે અનેક ચર્ચાઓ પણ આવતી. આ બધું દર્શાવી આપે છે કે અમેરિકાના પાદરીઓ, ઉદાર વિચારકો અને ધર્મ શાસ્ત્રીઓનાં હૃદયમાં વેદાન્તના સિદ્ધાંતો મક્કમપણે ઠસતા જતા હતા.

આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે જે બીજ રોપ્યાં હતાં તેમાંથી મોટાં વૃક્ષો ઉગી નીકળીને ખુબ ફાલી તથા ફળી રહ્યાં હતાં. પાશ્ચાત્ય પ્રજાઓનાં હૃદયમાં આ વૃક્ષનાં મૂળ ઉંડાંમાં ઉંડાં પેસી રહ્યાં હતાં. એક મિત્ર અમેરિકાથી લખે છે કે “અમારામાંના કેટલાઓનું જીવન સ્વામીઓના બોધથી બદલાઈ રહેલું છે એ કહેવું અશક્ય છે. આગળ જતાં ઘણા મનુષ્યો પોતાના પાછલા જીવન ઉપર દૃષ્ટિ નાંખશે અને સ્વામીઓના બોધથી તેમનાં જીવન કેવાં ઉન્નત બની રહેલાં છે તે આશ્ચર્યથી જોશે.”

અત્યારે અમેરિકાના લગભગ દરેકે દરેક વિષયમાં – વ્યવહારિક ભાષણોમાં, ખ્રિસ્તી ધર્મનાં દેવાલયોમાં, માસિકોમાં અને વર્તમાનપત્રો વગેરેમાં–જુદી જુદી રીતે અને જુદા જુદા સ્વરૂપમાં વેદાન્તના સિદ્ધાંતો બહુજ છૂટથી ચર્ચાતા જણાય છે. ત્યાં આ વિષયને લગતી ઉપરા ઉપરી નવી નવી સમાજો અને મંડળીઓ સ્થપાવા લાગી છે તેમજ અમેરિકા અને હિંદુસ્તાન વચ્ચે પ્રેમ વધવા લાગ્યો છે. આજે પણ અનેક અમેરિકન સ્ત્રીપુરૂષો બ્રહ્મચર્યદિક્ષા કે સંન્યાસ ગ્રહી ભારતવર્ષમાં આવીને વેદાન્તમય જીવન ગાળી રહેલાં છે. કેટલાક ગૃહસ્થાશ્રમી છતાં પણ વેદાન્તના સંપૂર્ણ અભ્યાસી બની હિંદનું ધાર્મિક જીવન જોવા આવતા જણાય છે. સ્વામી વિવેકાનંદે સ્થાપેલા બેલુર મઠમાં અને અદ્વૈત આશ્રમમાં બ્રહ્મચારી કે સંન્યાસી તરિકે તેઓ જીવન ગાળતા નજરે પડે છે. ખ્રિસ્તિ ધર્મને છોડીને શા માટે તેઓ વેદાન્ત ધર્મને ગ્રહણ કરે છે તેનાં કારણો તેઓ સમજાવે છે. હમણાંજ એક અમેરિકન સદગૃહસ્થ “બ્રહ્મચારી ગુરૂદાસ” એવું નામ ધારણ કરીને બેલુરમઠમાં આવેલા છે. વેદાન્તધર્મ સ્વીકારવાનું અને ભારતવર્ષમાં આવીને રહેવાનું કારણ જણાવતાં તે કહે છે કે વેદાન્ત ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે અને તેનું પાલન કરવાને ભારતવર્ષ જેવું બીજું એકે સ્થાન યોગ્ય નથી.