લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી

વિકિસ્રોતમાંથી
← પાશ્ચાત્ય પ્રદેશોમાં વેદાન્તની અસર સ્વામી વિવેકાનંદ
પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં →


પ્રકરણ પર મું – પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી.

ભારતવર્ષમાં અનેક પંડિતો, સાધુઓ, સંન્યાસીઓ અને મહાત્માઓ આપણી દૃષ્ટિએ આવે છે. વેદ શાસ્ત્રાદિમાં પારંગત થયેલા અનેક વિદ્વાનો ભારતવર્ષમાં જણાય છે. સ્વામી વિવેકાનંદ જેવી વિદ્વત્તાવાળા પણ અનેક સાધુઓ હિંદમાં મળી આવશે. પણ સ્વામી વિવેકાનંદની શ્રેષ્ઠતા સોનામાં સુગંધની પેઠે વિદ્વતા સાથે જોડાયલા તેમના સુંદર ચરિત્ર્ય બળને લીધે વધારે હતી. તેમના ચારિત્ર્યમાંજ તેમની નવીનતા હતી. એ ચારિત્ર્યથીજ તે સર્વેથી જુદા પડતા અને સર્વેના માનનું પાત્ર બની રહેતા. ભારતવર્ષમાં અનેક સાધુઓ અને પંડીતો વેદાન્તનો બોધ આપે છે પણ તેમાંના ઘણા ખરામાં ઉંડા વિચાર, વિશાળ ચારિત્ર્ય અને દીર્ઘદૃષ્ટિની ખામી જોવામાં આવે છે. લોકસેવા તેમજ સ્વદેશાભિમાનની લાગણી તો તેમનામાં લેશ પણ હોતી નથી. સ્વામી વિવેકાનંદનો બોધ એ સઘળી ખામીઓને પુરી પાડતો હતો અને તેમના બોધમાં તેમનું ચારિત્ર્ય સર્વદા રેડાતું હતું.

સ્વામી વિવેકાનંદની સાથે તેમના ઘણા પાશ્ચાત્ય શિષ્યો હિંદમાં આવ્યા હતા. સ્વામીજીનો બોધ તેઓ પ્રહણ કરી રહ્યાજ હતા, પરંતુ તેમની સાથે તેમના ચારિત્ર્યને પણ ઉત્તમ બનાવવાનું આવશ્યક હતું. ભારતવર્ષમાં ઘણાઓ વેદાંત વગેરેની કથા અને ઉપદેશ શ્રવણ કરે છે અને વેદાંતીઓ થઈને ફરે છે; પણ તેમનામાં ચારિત્ર્યનો લેશ પણ અંશ હોતો નથી; એટલું જ નહિ પણ કેટલાક તો કનક કામિની વગેરેના સ્વાર્થ સાધવામાં બીજા સામાન્ય માણસોથી પણ ચ્હડી જાય તેવા હોય છે અને બહારના આચાર, ટાપટીપ, પોપટીયું જ્ઞાન કે બોલવાની છટાથીજ ભોળા ભારતીય જનવર્ગ ઉપર કાબુ જમાવી બેઠા હોય છે. સ્વામીજી એ વાત સારી પેઠે જાણતા અને તેથી કરીને વિદ્યા કરતાં ચારિત્ર્યને તે વધારે મહત્ત્વ આપતા. પોતાના પાશ્ચાત્ય શિષ્યોના મનમાં હિંદના ધાર્મિક આચાર વિચારોનું ખરૂં રહસ્ય ઠસે અને તેઓ ખરેખરા હિંદુઓ બને, ભારતવર્ષનું પ્રાચીન ગૌરવ અને તેની વિદ્યા, કળા, તત્વજ્ઞાન, ધર્મ, સમાજબંધારણ વગેરેનો યથાર્થ અને સંપૂર્ણ ખ્યાલ તેમના હૃદયમાં વસે અને તેઓ ભારતવર્ષનું તેમજ અખિલ વિશ્વનું કલ્યાણ કરતાં મોક્ષને પ્રાપ્ત કરે એવા ઇરાદાથી સ્વામીજી બહુજ કાળજી પૂર્વક તેમનું ચારિત્ર્ય ઘડી રહ્યા હતા.

સને ૧૮૯૮ ના માર્ચ માસમાં મિસીસ ઓલબુલ અને મિસ જોસફાઈન મેક્લીઓડ અમેરિકાથી આવ્યાં અને બેલુરમઠની જમીન ઉપર એક જુના મકાનમાં રહેવા લાગ્યાં. પોતાના ગુરૂ  સ્વામી વિવેકાનંદની જન્મભૂમિનાં દર્શન કરવાં, સ્વામીજીના સમાગમમાં વધારે આવવું અને ભારતવર્ષના લોકો અને સાધુઓનું નિરીક્ષણ કરીને વેદાન્ત જીવનને પ્રત્યક્ષ કરવું એવો તેમનો ઇરાદો હતો.

બ્હેન નિવેદિતાએ ઈંગ્લાંડ સાથેના સઘળા સંબંધ છોડી દઈ હિંદમાંજ વાસ કર્યો હતો. સ્વામીજીના બીજા શિષ્યો મી. સેવીઅર અને તેમનાં પત્ની આલમોરામાં રહેતાં હતાં. સ્વામીજીની બીજી શિષ્યા મિસીસ પેટર્સન–કલકતાના કોન્સલ જનરલનાં પત્ની–કલકત્તામાં જ રહેતાં હતાં. સ્વામીજી પ્રથમ અમેરિકામાં ગયા ત્યારે ત્યાંની વીશીવાળાઓ તેમને કાળા આદમી ગણીને વીશીઓમાં દાખલ કરતા ન હતા ત્યારે તેમણે સ્વામીજીને ઘણો આશ્રય આપ્યો હતો અને એ વખતથી તે સ્વામીજી પ્રત્યે અત્યંત ભાવ રાખતાં હતાં. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ તે વારંવાર સ્વામીજીના સમાગમમાં આવતાં. કલકત્તાના ગર્વિષ્ઠ અંગ્રેજ અમલદારોને એ વાત પસંદ પડતી ન હોતી, તોપણ મિસીસ પેટર્સન તેની દરકાર નહિ કરતાં સ્વામીજીની સાથે પ્રવાસે પણ નીકળતાં. સ્વામીજીના બીજા શિષ્યો મી. ગુડવીન વગેરે હિંદમાં અહીં તહીં વિચરી રહ્યા હતા. આ સર્વને એકઠાં કરીને હિંદનાં જાણીતાં સ્થળોનાં દર્શન કરાવવાં અને તેમના હૃદયમાં હિંદની મહત્તા ઠસાવવી એવો સ્વામીજીએ વિચાર કર્યો.

કલકત્તામાં રહીને પણ પોતાના પાશ્ચાત્ય શિષ્યોના મગજમાં હિંદનું પ્રાચીન શિક્ષણ ઉતારવાને સ્વામીજી અનેક પ્રયાસ કરી રહ્યા હતા. બહેન નિવેદિતાના ગ્રંથો વાંચવાથી સમજાશે કે સ્વામીજી તેમના પાશ્ચાત્ય શિષ્યોના મગજમાં કેવા ભવ્ય સંસ્કારો નાંખી રહ્યા હતા.

સ્વામીજી જયારે નીલાંબર મુકરજીના બગીચામાં રહેતા હતા ત્યારે પણ પોતાનાં પાશ્ચાત્ય શિષ્ય–શિષ્યાઓ જે તેમનાથી થોડેક દૂર ગંગા નદીને કિનારે રહેતાં તેમને મુકામે વારંવાર જતા. તેમની મુલાકાતથી એ શિષ્યોનું જીવન ઘણું જ રસમય અને અનેક જાતની પવિત્ર ભાવનાઓથી ઉછળી રહેતું. અહીંઆં સ્વામીજી એકાદ વૃક્ષ નીચે બેસતા અને વાર્તાલાપના અસ્ખલિત પ્રવાહથી હિંદનો ઇતિહાસ, તેની દંતકથાઓ, વર્ણાશ્રમધર્મ અને રીતરિવાજો તેમજ ધાર્મિક આદર્શોને પોતાની કાવ્યમય ઓજસ્વી વાણીથી સમજાવતા. આખરે તેમનું કથન પ્રભુના મહિમામાં અને તત્ત્વોપદેશમાં સમાપ્ત થઈ સવે પરમાનંદમાં મગ્ન થઈ રહેતાં.

સ્વામીજીની શિક્ષણપદ્ધતિ અપૂર્વ હતી. હિંદુજીવનનાં અનેક સ્વરૂપો, તેના હેતુઓ, મહત્ત્વાકાંક્ષાઓ, ગુહ્ય શક્તિઓનો ચિતાર તે શિષ્યોને પ્રત્યક્ષ કરાવતા અને તેમના પરસ્પર સંબંધો સમજવાનું કાર્ય તેમનેજ સોંપતા. એથી કરીને એ વિષયમાં શિષ્યોની બુદ્ધિ ખીલતી. કોઈવાર સ્વામીજી કોઈ ઉત્તમ કાવ્ય કે પુરાણનો કોઈ ભાગ તેમને શ્રવણ કરાવતા અને હિંદુધર્મની દંતકથાઓ અને ક્રિયાઓનું તેમને ભાન કરાવતા. કોઈવાર ઉમા–મહેશ્વર વચ્ચેના અદ્ભુત સંબંધ અને તત્વ ચર્ચાની વાતો કહેતા, તો કોઈવાર રાધાકૃષ્ણ કે શ્રી મહાકાળીનાં વૃત્તાંતો સમજાવતા. સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ વગેરે જે વિષયને તે હાથમાં લેતા તેને અદ્વૈતવાદની દૃષ્ટિથી સમજવતા અને જ્ઞાનની દરેક શાખા એકજ નિત્ય વસ્તુ–પરમાત્માનેજ શોધી રહેલી છે એમ પ્રતિપાદન કરતા. ઐહિક યાને વ્યવહારિક જ્ઞાનને તેઓ નકામું નહિ પણ પારમાર્થિક જ્ઞાનનાં પગથીયારૂપજ દર્શાવતા.

ભારતવર્ષ વિષેના અજ્ઞાનને લીધે પાશ્ચાત્યોના મનમાં જે અનેક પ્રકારના ખરાબ વિચારો બંધાઈ ગયેલા હતા તે વિચારોને સ્વામીજી આવી રીતે તેમના હૃદયપટ ઉપરથી ભૂંસી નાંખતા; પરંતુ તેની સાથે હિંદુઓમાં ઘૂસી બેઠેલા ન્યાત જાતના અનેક ભેદો અને ખરાબ રિવાજો કે જેનાથી આખી હિંદુ સમાજ પાયમાલ થઈ રહી છે, તેમને તે ખુલ્લી રીતે વખોડતા અને તે હિંદુ ધર્મનાં અંગો નથી એમ સમજાવવાની કાળજી લેતા. સઘળા શિષ્યોમાં બહેન નિવેદિતાનું શિક્ષણ સ્વામીજીને વધારે લક્ષ રોકી રહેતું. શંકાનો કિંચિત પણ અવકાશ હોય ત્યાં સુધી તેમને સંતોષ વળતો નહિ. એક વિદુષી અંગ્રેજ સ્ત્રીના મગજમાંથી પાશ્ચાત્ય સંસ્કારોને ખસેડી તેમાં હિંદુ સંસ્કારોનો વાસ કરાવવો અને તેના સમસ્ત જીવનને હિંદમય કરી મુકવું એ કાર્ય જેવું તેવું ન હતું. વેદાન્તના ઉત્તમ સિદ્ધાંતોને તો તે ઝટ સ્વીકારતાં હતાં, પણ હિંદુઓના આચાર, વિચાર, જુદી જુદી ભાવનાઓ, ખાનપાન, પોશાક વગેરે તેમને તર્ક વિરૂદ્ધ અને અર્થ વગરનાં ભાસતાં હતાં. સ્વામી વિવેકાનંદ તેમાં ઉંડું રહસ્ય જોતા અને તેમને કહેતા કે “તમારે તમારા વિચારો, જરૂરીઆતો, ભાવનાઓ અને ટેવોને હિંદુઓ જેવાંજ બનાવવાનાં છે. તમારૂં આંતર અને બાહ્યજીવન એક બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જેવુંજ બનાવવું જોઈએ અને તમારો પૂર્વાશ્રમ તમારી સ્મૃતિમાં પણ રહેવો ન જોઈએ હિંદુઓની જે ભાવનાઓ તમને તર્ક વિરૂદ્ધ લાગે તેને વખોડી નહિ કાઢતાં ધીરજથી તેનો બારિક અભ્યાસ કરવાનો છે. કેમકે આપણે ઉચ્ચ સત્યોને હિંદુઓના પોતાના વિચારોમાંજ સમજાવવાનું છે.” મતલબ એજ કે મિસ નોબલ જેવી બુદ્ધિશાળી પાશ્ચાત્ય શિષ્યાનું મન ફેરવવું એ કંઇ જેવું તેવું કાર્ય ન હોતું; પરંતુ સ્વામીજીએ એ કાર્યને એટલી હદ સુધી પરિપૂર્ણ કરેલું છે કે પાણી પીતી વખતે પણ મિસ નોબલ જુના વિચારના હિંદુઓની માફક પ્રથમ પોતાનાં બુટ ઉતારતાં અને તે પછીજ પાણી પીતાં. હિંદના પ્રાચીન શિક્ષણ વિષે પાશ્ચાત્ય શિષ્યો જે અનેક પ્રકારની પ્રબળ શંકાઓ તેમજ ટીકાઓ કરતા તે સર્વનું ઘણું જ ઉત્તમ અને રહસ્યયુક્ત સમાધાન સ્વામીજી આપતા. હિંદની પ્રાચીન સંસ્કૃતિને તેમજ કેટલાક અર્વાચીન આચાર વિચારોને ધાર્મિક દૃષ્ટિથીજ તપાસવાનું તેઓ તેમને કહેતા. તેઓ તેમને અનેક દાખલા દલીલોથી સાબીત કરી આપતા કે હિંદના પ્રાચીન શિક્ષણની બરાબરી કરી શકે એવું બીજું કોઈ પણ શિક્ષણ જગતમાં નથી. તે શિક્ષણ હજારો વર્ષ સુધી પ્રયોગોની કસોટિએ ચ્હડીને માનવજાતિના ઉંચામાં ઉંચા ધ્યેયને પ્રાપ્ત કરી રહેલું છે તેથી કરીને તે અજેય છે. પોતાના ધાર્મિક વિચારોમાં ભારતવર્ષ હજારો વર્ષથી અડગ રહેલું છે. હિંદ ગરિબ છે પણ તેની ગરિબાઇમાં નિર્દોષતા ઝળકી રહેલી છે. હિંદનો ગરિબ વર્ગ પશ્ચિમના ગરિબ વર્ગ જેવો નાસ્તીક અને તોફાની નથી. તે નિત્ય સ્નાનપૂજાદિ કરે છે; પોતાનાં મકાન, વાસણો વગેરેને ચોખ્ખાં રાખે છે અને સ્વચ્છતાને ધાર્મિકતાનું એક અંગજ ગણે છે. આવા આવા અનેક વિચારો સ્વામીજી તેમના પાશ્ચાત્ય શિષ્યોનાં હૃદયમાં પ્રત્યક્ષ કરાવતા. સ્વામીજી જેવા સ્વદેશપ્રીતિથી ભરેલા ચિત્રકારની કુશળ પીંછીથી ચિતરાયેલું ભારતવર્ષ–જેમકે ચળકતાં વાસણોમાં પવિત્ર ભાગીરથીનું જલ ભરી પાછી ફરતી પવિત્ર આર્ય લલનાઓ, સૂર્યોદય વખતે સૂર્યને નમસ્કાર કરતા કેડ સુધી પાણીમાં ઉભેલા પવિત્ર બ્રાહ્મણો, રૂદ્રાક્ષ અને ભસ્મ તથા તિલક છાપાં ધારણ કરીને અહીં તહીં વિચરતા સંતસાધુઓ, આસનવાળી બેઠેલા તપસ્વીઓ વગેરે–પાશ્ચાય શિષ્યોની દૃષ્ટિ આગળ જીવતું જાગતું ખડું થઈ રહેતું. એ દૃશ્યમાં હિંદ ક્વચિત્ ભવ્ય, ક્વચિત્‌ સુંદર અને ક્વચિત્‌ અત્યંત સાદાઇમાં ગર્વ ધરતું તેમને દૃશ્યમાન થતું. સ્વામીજીને મન આખું ભારતવર્ષ પવિત્ર અને અલૌકિકજ ભાસતું. સર્વત્ર તેની પ્રાચીન કીર્તિ અને સૌંદર્યના ભણકારા સ્વામીજીને સંભળાતા. સ્વામીજીના મુખમાંથી નીકળતી પ્રાચીન કથાઓ તો પાશ્ચાત્ય શિષ્યોને માટે આલ્હાદક હતી. ટુંકામાં કહીએ તો રહસ્ય પૂર્ણ અને કેટલીકવાર તો લગભગ સમાધીની દશાએ પહોંચાડી દેનારી થઈ પડતી. સ્વામીજી પોતે ભારતવર્ષનો આત્મા છે એમજ શિષ્યોને ભાસ થતો અને જ્યારે તે હિંદને વર્ણવવા બેસતા ત્યારે તો જાણે આખું ભારતવર્ષ જ લઘુરૂપ ધારણ કરીને સ્વામીજીના શરીરમાં વસી રહેલું અને તેમના મુખે બોલી રહેલું હોય એવું ભાન તેમને થઈ રહેતું.

આ ઉપરથી એમ સમજવાનું નથી કે પાશ્ચાત્ય શિષ્યોને સ્વતંત્ર વિચાર કરવાની છુટ ન હોતી. સ્વામીજી શિક્ષણકલામાં પ્રવીણ હતા. પોતાના શિષ્યોની જન્મસિદ્ધ ભાવનાઓ અને વિચારોને તે માન આપતા અને તેમની સ્વાભાવિક વૃત્તિઓ સામે નહિ થતાં તેમને સ્વતંત્રપણે વિચાર કરવા દેતા. અહીં તહીં વિચરવાનું, અવલોકન કરવાનું અને અનુભવ મેળવવાનું તેમને તે કહેતા. તેમને તે વારંવાર સુચવતા કે “તમારી મેળેજ તમારો વિકાસ કરી અને જરાકે લાગણીથી દોરાઈ જશો નહિ.” કોઈ કોઈ બાબતમાં તો સ્વામીજી તેમના ઉપર દાબ રાખતા અને કહેતા કે “પાંઉ, બીસ્કીટ અને માછલીનો ત્યાગ કરો. જગતનો ઠાઠ હવે તમારે માટે નથી. એ સઘળું હવે કહાડી નાંખવું જોઈએ અને તમારા મગજમાં તેની ગંધ પણ ન રહેવી જોઈએ. એ સઘળું ઈંદ્રિયો બહેકી ગયાની નિશાની છે; એ સઘળું ખરેખરૂં ઝેર છે.” સ્વામીજીનો આ પ્રયાસ સારી રીતે સફળ થયો હતો. તેમના પાશ્ચાત્ય સંસ્કારોને ખસેડીને તેમને સ્થાને તેમણે હિંદુ સંસ્કારોને સ્થાપ્યા હતા અને તેમ કરવામાં તેમણે પૃથ્વીના બે છેડાઓ એકઠા કરવા જેવો મહત્‌ શ્રમ ઉઠાવ્યો હતો. પાશ્ચાત્ય શિષ્યો મન સ્વામીજીનું જીવન આદર્શ રૂપ હતું. એ જીવનના અનેક પ્રવાહો, હેતુઓ, મહત્વાકાંક્ષાઓને વિવિધ જીવંત સત્યોની પેઠે તેઓ સમજતા અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરતા. સ્વામીના જીવનની અસર તેમના પાશ્ચાત્ય શિષ્યો ઉપર કેવી થઈ  રહી હતી તેનું વર્ણન કરતાં બહેન નિવેદિતા લખે છે કે:—

“એ વર્ષના દિવસો ઘણાજ રમણિય હતા. તે દિવસોમાં સ્વામીજીનું આદર્શજીવન નજર આગળ પ્રત્યક્ષ તરી રહેતું હતું. પ્રથમ બેલુર મઠની પાસે પવિત્ર ગંગાજીને કિનારે; પછી હિમાલયમાં; પછી નૈનીતાલ અને આલમોરામાં; પછી કાશ્મીરમાં અહીં તહીં વિચરવામાં અને એમ દરેક સ્થળે એ અદ્ભુત જીવનના જે અલૌકિક પ્રસંગોનો લાભ મળતો તે પ્રસંગો કદિએ ભૂલાય તેમ નથી. તે પ્રસંગોએ સ્વામીજીએ જે અનેક સજીવન વાક્યો ઉચ્ચારેલાં તે જીવનપર્યંત હૃદયપટ ઉપરથી ખસશે નહિ. એકવાર તો સ્વામીજીએ અમને સાક્ષાત્‌ પરમ સત્યમય દશાની ઝાંખી કરાવી હતી.”

“માનવજાતિ પ્રત્યે સ્વામીજીનો પ્રેમ અપ્રતિમ હતો. અધમમાં અધમ અને અજ્ઞાનીમાં અજ્ઞાની પણ તેમના પ્રેમનું પાત્ર બની રહેતો. સ્વામીજીની દૃષ્ટિએ સમસ્ત જગતને અમે નિહાળતાં અને તે વખતે અમને અખિલ વિશ્વ કલહ રહિતજ ભાસતું. સ્વામીજીની વિલક્ષણ બુદ્ધિના કેટલાક પ્રસંગો નહિ સમજવાથી અમે હસતાં પણ ખરાં. તેમને મુખે શુરાતનના પ્રસંગો સાંભળીને અમારાં હૃદય ઉછળી ઉઠતાં. કોઇ કોઇવાર તા જિસસ ક્રાઈસ્ટની બાલ્યાવસ્થાના પ્રસંગો જેવાજ પ્રસંગો એમના અદ્ભુત જીવનમાં અમે જોતાં.”

“સ્થળોનું વર્ણન સ્વામીજી એવા જુસ્સાથી કરતા કે આ લખતાં, હજી પણ ઈસ્લામાબાદનાં લીલાંછમ જેવાં અન્નપૂર્ણ ક્ષેત્ર, હિમાલયનાં જંગલોમાંના પ્રકાશિત દેખાવો અને દિલ્હી તથા તાજમહેલનાં ભપકાદાર અને સુંદર ચિત્રો મારી નજર આગળ તરી આવે છે. તે સદાને માટે અમારા સ્મૃતિપટ ઉપર કોતરાઈ રહેલાં છે. જુદા જુદા પંથો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે પણ અમે જોયું છે. નવા નવા પંથ પ્રવર્તકોને પણ અમે નિહાળ્યા છે. સ્વામીજીની પાસે વિવિધ પ્રકારના લોકો આવતા હતા. સ્વામીજી સર્વની વાત સાંભળતા તેમજ સર્વે તરફ સહાનુભૂતિ દર્શાવતા અને કોઈ તરફ અણગમો દેખાડતા નહિ. સ્વામીજી એવા નમ્ર હતા કે જગતમાં એમનાથી વધારે નમ્ર બીજો કોઈ ભાગ્યેજ હશે. તેમનો વૈરાગ્ય પણ અદ્‌ભુત હતો. ગરિબ અને દુઃખી મનુષ્ય પ્રત્યેની તેમની દયા અમાપ હતી. માનવ પ્રેમ તેમનામાં એવો હતો કે તેમને દુઃખ દેનારને પણ તે આશિર્વાદ આપતા.”

“અમે ઘણીવાર તેમને ફાટ્યાં તૂટ્યાં વસ્ત્ર ધારણ કરીને એક ભિક્ષુકની માફક ફરતા જોયા છે. એવાં વસ્ત્રો જોઈને કેટલાક પરદેશીઓ તેમને હસતા, પણ ભારતવાસીઓ તેમની પૂજા કરતા. ખરી મજુરીનો રોટલો, ઝુપડાંનો વાસ અને અન્નપૂર્ણ ક્ષેત્રોના માર્ગોમાં પર્યટણ, એવી સાદી સ્થિતિજ એ જીવનને ખરેખરૂં દર્શાવી શકે તેમ છે. અભણમાં અભણ પુરૂષ તેમજ વિદ્વાનો અને રાજ્યદ્વારી પુરૂષો તેમને સરખી રીતે ચ્હાતા. નદીમાં હોડી થોભાવીને ખલાસી તેમના પાછા આવવાની રાહ જોતો જોતો પૂજ્યભાવથી ઉભો રહેતા. તેમની સેવા કરવાને નોકરો પરસ્પરમાં હરિફાઈ કરતા. તેમની સેવા કરવી એ સર્વેને મન “પ્રભુ સાથે રમવા” જેવું લાગતું.”