સ્વામી વિવેકાનંદ/નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં

વિકિસ્રોતમાંથી
← પાશ્ચાત્ય શિષ્યોની કેળવણી સ્વામી વિવેકાનંદ
નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
નવા મઠની સ્થાપના →


પ્રકરણ પ૩ મું – નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં.

ભારતવર્ષનું ધાર્મિક જીવન અને તેની ઐતિહાસીક મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને પ્રત્યક્ષ કરાવવાને સ્વામીજી હવે પ્રવાસે નીકળ્યા. કલકત્તાથી તે નૈનીતાલ ગયા. સઘળા પાશ્ચાત્ય શિષ્યો સ્વામીજીની સાથે હતા. સ્વામીજીની સાથે પ્રવાસ કરવો એ ઉંચી કેળવણી લેવા બરોબર હતું. રસ્તામાં સ્વામીજી ધાર્મિક અને ઐતિહાસીક વિષયો ઉપર ચર્ચા કરતા. વચ્ચે વચ્ચે તે ફારસી બેતો, ચીનની કહેવતો અથવા તો સંસ્કૃત શ્લોકો બોલતા અને પોતાના કથનને સિદ્ધ કરતા. આખે રસ્તે સ્વામીજીની ગાઢ સ્વદેશ પ્રીતિ દ્રશ્યમાન થતી. ભારતવર્ષની ઐતિહાસીક મહત્તાનું ભાન તેમાં તરી આવતું જણાતું. પ્રેમ–શૌર્યના જુસ્સાથી તે દરેક સ્થળ બતાવતા. જેમ જેમ આગગાડી આગળ ચાલતી ગઈ તેમ તેમ સ્વામીજી પટના, બનારસ, લખનૌના નવાબની ભવ્ય કચેરીઓ, વગેરેનું વર્ણન કરતા ગયા. તે વર્ણન એવા ભાવથી થતુ કે હિંદનો પ્રાચીન સમય સર્વેની માનસિક દૃષ્ટિમાં આબેહુબ ખડો થઈ રહેતો. સ્વામીજીના વર્ણનથી તેરાઈનો પ્રદેશ બુદ્ધની નિર્વાણપ્રાપ્તિની ભૂમિસમ ભાસવા લાગ્યો. ત્યાં કેટલાક પ્રકાશિત મોર અહીં તહીં વિચરી રહ્યા હતા. તેમને જોઈને સ્વામીજી અજેય રજપુતોની વાતો કહેવા લાગ્યા. વખતે કોઈ હાથી કે ઊંંટનું એકાદ ટોળું દૃષ્ટિએ આવતું. સ્વામીજી પ્રાચીન ભારતવર્ષનાં ધર્મયુદ્ધો, રાજાઓ અને મુગલ બાદશાહના દરબારો વિષે સંપૂર્ણ હકીકત શિષ્યોને સંભળાવતા, તો ઘડીકમાં મરકી અને દુષ્કાળની વાતો કરતા. રસ્તામાં આવતાં વિશાળ ક્ષેત્રો અને સુંદર ગામોને જોઈને સ્વામીજી હિંદુઓની કૃષિવિદ્યા, ગ્રામ્યપંચાયત, ગામડાની સ્ત્રીઓનાં સુંદર કાર્યો તથા ગ્રામ્યજનોનું ધાર્મિક જીવન અને સાધુ સત્કાર, વગેરેને સારી રીતે વર્ણવતા. સ્વામીજીનું વિવિધ પ્રકારનું જ્ઞાન આવા અનેક પ્રકારના તમામ વિષયોને રસમય બનાવતું. જે વિષયને તે હાથ ધરતા તેના ઉપર અવનવો પ્રકાશ પાડતા. તેમના વાર્તાલાપમાં ભારતવર્ષ કેન્દ્રસ્થાને થઈ રહેતું અને તેના અંતરાત્મા રૂપે સ્વામીજી તેની આંતર્‌વૃત્તિઓનું અદ્ભુત રહસ્ય પ્રગટ કરતા.

સ્વામીજી ભારતવર્ષની મહત્તા ઐતિહાસિક કે ધાર્મિક દૃષ્ટિથીજ સિદ્ધ કરતા, એટલુંજ નહિ પણ તેમને મન હિંદની ભૂમિ, પહાડ, પર્વતો, નદીઓ, જંગલો, વગેરે પણ અતિ મહત્ત્વનાં લાગતાં. સ્વામીજી સુંદર શબ્દોમાં હિંદની વિશાળ નદીઓ, વિસ્તૃત જંગલો અને ભવ્ય પર્વતો માટે પોતાનો પ્રેમ પ્રગટ કરતા અને ભારતવાસીઓના શિક્ષણમાં તે પણ ઘણી અગત્યની વસ્તુઓ છે એમ દૃઢપણે કહેતા. હિંદનાં મોટાં મોટાં મેદાનોની સૂકી અને સહેજ સહેજ કાળી ભૂમિ, રણની ગરમ રેતી અને નદીઓની ઉની રેતી અને પથ્થરવાળાં ભાઠાં પણ તેમને મન ઉત્તમ અને ઉપયોગી વસ્તુઓ હતી. જ્યાં સ્મશાન ભૂમિમાં ઉમાનાથ–શંકરના વાસ સ્થાનની ભાવના; મૃત શરીર વિષેની ભાવના; જમણે હાથેજ ભોજન કરવું અને તે હાથેજ પૂજા કે જપ કરવાની માન્યતા; વિધવાનું સાધ્વી સ્ત્રી જેવું જીવન; એકાદશીવ્રત્ત અને તપાચરણ; માતાપિતાની દેવ સમાન ગણના; વર્ણાશ્રમ ધર્મ; બ્રાહ્મણ જાતિને માટે નિર્માણ થયેલી ધાર્મિક ક્રિયાઓ અને ધ્યાનાદિ ઉપાસનાઓ; સ્વાનુભવ અને વૈરાગ્યને પ્રજાકિય આદર્શ તરિકે ધરનાર સંન્યાસીઓ; વેદોનું ઉચ્ચારણ કરતા બ્રાહ્મણો; એ સર્વેમાં ઉંડો અર્થ સમાઈ રહેલો છે અને એ સર્વે ભારતવર્ષના પ્રજાકીય શિક્ષણનાં જુદાં જુદાં અંગો છે એમ સ્વામીજી સર્વેના મનમાં ઠસાવતા.

નેનીતાલમાં એક મુસલમાન સદ્‌ગૃહસ્થ સ્વામીજીની પાસે આવ્યા. તે સદ્‌ગૃહસ્થ અદ્વૈત વેદાન્તના ચુસ્ત અભ્યાસી હતા. સ્વામીજીની આધ્યાત્મિકનિષ્ઠા અને ભવ્ય ચારિત્ર્ય જોઈને તેમના ઉપર એટલી બધી અસર થઈ કે તેજ દિવસથી એ સદ્‌ગૃહસ્થ સ્વામીજીના ચુસ્ત શિષ્ય બની રહ્યા. પછી સંન્યાસ લઈ “મહંમદાનંદ” નામ ધારણ કરીને તેઓ રામકૃષ્ણ મિશનમાં જોડાયા. નૈનીતાલમાં ઘણા નામાંકિત પુરૂષો સ્વામીજીની મુલાકાતે આવતા. તેમની સાથે વાત કરતાં સ્વામીજી અનેક વિષયો ઉપર ચર્ચા કરતા. એક વખત સ્વામીજીએ પશ્ચિમના સાધારણ લોકવર્ગની વાત કરવા માંડી. ધર્મની બાબતમાં તેઓ કેટલા બધા અજ્ઞાન અને પછાત હોય છે તે વિષય ઉપર આવતાં તેમણે એક ખ્રિસ્તી ધર્મગુરૂને મળેલા અનુભવની વાત કહી. “એક ખ્રિસ્તી ધર્મગુરૂ એક વખત એક ખાણ આગળ ગયો. ત્યાં મજુરો કામ કરતા હતા. તેણે બાઈબલમાંના કેટલાક સારા સિદ્ધાંતો એ મજુરોને સમજાવવા માટે પ્રથમ તેમને પૂછ્યું કે “તમે ક્રાઈસ્ટને ઓળખો છો ?” એક જણે જવાબ આપ્યો કે “એનો નંબર કયો છે ?” તે ગરિબ મજુર મનમાં એમ ધારતો હતો કે પોતાની માટી ટોળીમાંના કોઈક મજુરનું એ નામ હશે. માટે જો તે ધર્મગુરૂ ક્રાઇસ્ટનો નંબર કહે તો તેને એ ટોળીમાંથી શોધી કહાડે !” ઈંગ્લાંડના મજુરવર્ગનું ધર્મ સંબંધી અજ્ઞાન આવી રીતે સમજાવીને સ્વામીજી કહેવા લાગ્યા કે ભારતવર્ષમાં ગરિબમાં ગરિબ વર્ગ પણ શ્રીરામ કે શ્રીકૃષ્ણને સારી પેઠે જાણે છે અને દિવસમાં થોડી ઘણીવાર પણ તે નામનું સ્મરણ અતિશય પૂજ્યભાવથી કરે છે.

“જો એશીઆનો કોઈ વતની અધમમાં અધમ બની ગયેલો હશે તોપણ તેને લંડનના હાઇડપાર્ક માં ધોળે દિવસે ચાલતી અનીતિ નીચું જોવરાવશે.” સ્વામીજી આગળ કહેવા લાગ્યા કે એક દિવસ હું મારા હિંદુ પોશાકમાં લંડનના એક મહોલ્લામાં થઈને જતો હતો એજ રસ્તા૫ર એક માણસ કોયલાનું ગાડું હાંકતો જતો હતો. મારો પાશાક અને શરીરનો રંગ જોઇને તેણે કોયલાના એક કઠણ ટુકડો જોરથી મારા તરફ ફેંક્યો. સારા ભાગ્યે મને તે વાગ્યો નહિ અને મારા કાન આગળ થઇને તે સુસવાટ કરતો ચાલ્યો ગયો. નૈનીતાલમાં સ્વામીજીને તેમના બાળપણના મિત્ર જોગેશચંદ્ર દત્ત મળ્યા. તે સ્વામીજીને કહેવા લાગ્યા કે જુવાન ગ્રેજ્યુએટોને સીવીલ સર્વીસનો અભ્યાસ કરવાને ઈંગ્લાંડ મોકલવાને માટું ફંડ એકઠું કરો તો તેઓ પાછા આવીને ભારતવર્ષને અનેક રીતે મદદ કરશે. સ્વામીજીએ તેમને કહ્યું કે, “મારા મિત્ર ! એમાંનું કશુંએ વળે નહિ. એ યુવાનો ઈંગ્લાંડ જઇને અંગ્રેજોની રીતભાત ધારણ કરશે અને પાછા આવશે ત્યારે યૂરોપિયનો સાથેજ બેસવા ઉઠવાનું વધારે પસંદ કરશે. તેઓ પોતાનું જ પેટ ભરશે; યૂરોપિયનોનો પોશાક, ખાણું, રીતભાત વગેરેનું અનુકરણ કરશે; અને તેમના પોતાના દેશને તે ભૂલી જ જશે.”

નૈનીતાલથી સ્વામીજી આલમોરા ગયા. અહીંઆં તે તેમના પાશ્ચાત્ય શિષ્ય મી. સેવીઅરના અતિથિ થઈને રહ્યા. બીજા પાશ્ચાત્ય શિષ્યો એક મકાન ભાડે રાખીને ત્યાં ઉતર્યા. અહીંઆં પણ મિસ નોબલની સાથે સ્વામીજીને પુષ્કળ વાદવિવાદ ચાલ્યો; કારણ કે મિસ નોબલના મનમાંથી હજી કેટલાક પાશ્ચાત્ય વિચારો ભુંસાતા ન હોતા. એ સમય વિષે મિસ નોબલ લખે છે કે;—

“આલમોરામાં જાણે કે મારે ફરીથી નિશાળે જવાનું શરૂં થયું હોય તેમજ મને લાગતું હતું. મારામાં ઘર ઘાલીને બેઠેલા પશ્ચિમ તરફના સામાજીક, સાહિત્યવિષયક અને કલાવિષયક વિચારો ઉપર સ્વામીજી આક્ષેપ કરતા. હિંદુ અને યૂરોપિયન ઇતિહાસ તથા ભાવનાઓની તે તુલના કરતા અને એ વિષયો ઉપર ઘણાજ વિશાળ અને અગત્યના વિચારો દર્શાવતા. સ્વામીજીની એક ખાસ ટેવ એ હતી કે જ્યારે તે કોઈ પણ સમાજ કે દેશના દુર્ગુણો વિષે વાત કરતા ત્યારે તે તેમના ઉપર સખત હુમલો કરતા, પણ પોતાની વાત પૂરી કર્યા પછી એ સમાજ અથવા દેશના સદ્‌ગુણોનેજ તે યાદ રાખતા. વખતો વખત તે પોતાના શિષ્યોની પરીક્ષા કરતા. મારી સાથે ચર્ચા કરવામાં પણ તેમનો હેતુ મારા ધૈર્ય અને જ્ઞાનની કસોટી કરવાનોજ હતો. અમારી મંડળીમાંની એક વૃદ્ધ સ્ત્રીના મનમાં એમ આવ્યું કે અમારા વાદવિવાદનો અંત સારો આવશે નહિ અને તેમાંથી કલહ ઉત્પન્ન થશે, તેથી કરીને તેમણે સ્વામીજીને એ બાબત પડી મૂકવાની અરજ કરી. સ્વામીજી તેમનું કહેવું શાંતિથી સાંભળીને બહાર ચાલ્યા ગયા. સાંજે આવીને એ બાઈને એક બાળકની માફક તેઓ કહેવા લાગ્યા કે તમારૂં કહેવું ખરૂં હતું. આમ કહ્યા પછી સ્વામીજી જરાક પાછા વળ્યા. તેમણે ઉંચે જોયું અને સામો બીજનો ચંદ્ર ઉગેલો દેખાયો. તેને જોઈને સ્વામીજીના હૃદયમાં પૂર્ણ આનંદ વ્યાપી રહ્યો અને તે બોલ્યા: “જુઓ, મુસલમાન લોકો નવા ચંદ્રને ઘણું માન આપે છે ચાલો, આપણે પણ નવા ચંદ્રની સાથે નવા જીવનનો આરંભ કરીએ.” એમ બોલતે બોલતે સ્વામીજીએ પોતાના બંને હાથ ઉંચા કર્યા. હું વારંવાર તેમની સામે વાદવિવાદ કરનારી શિષ્યા એ સમયનો સ્વામીજીનો પવિત્ર ભાવોથી ઉભરાઈ જતો ચહેરો જોઈને તેમનાં ચરણ કમળ આગળ શીશ નમાવીને તેમને પગે પડી રહી. સ્વામીજીએ મારે માથે હાથ મૂકીને મને ઉંડા અંતઃકરણથી આશિર્વાદ આપ્યો. ખરેખર, તે ક્ષણ મારે માટે અલૌકિક આનંદથી ભરપૂર હતી. આલમોરામાં મારી તર્ક શક્તિ વડે કરીને હું પરમાત્માની અનંતતા અને દયાળુતાનો યથાર્થ ખ્યાલ મારા મનમાં લાવી શકતી ન હોતી, પણ સ્વામીજીના પવિત્ર હાથનો સ્પર્શ થયા પછી અનેક વખત હું એ અનંતતા અને દયાળુતાને સારી પેઠે અનુભવી શકતી હતી. તે દિવસે પ્રથમજ મારા સમજવામાં આવ્યુ કે શ્રેષ્ઠ ગુરૂ કેવી રીતે આપણામાં રહેલા જીવભાવને ટાળીને તેને સ્થાને સર્વાત્મભાવ પ્રકટાવી શકે છે.”

આલમોરાથી સ્વામીજી પંજાબ અને કાશ્મીર તરફ ગયા. લાહોરમાં ઘણા લોકો તેમને ગુરૂ નાનક અને ગુરૂ ગોવિંદની ઉપમા આપવા લાગ્યા. ખરી સ્વદેશ પ્રીતિથી સ્વામીજી શિખ લોકોની બહાદુરીનું વર્ણન કરવા લાગ્યા. શીખ લોકોનું પવિત્ર પુસ્તક ગ્રંથસાહેબ અને પંજાબના સર્વ ત્યાગી ગુરૂઓ, જેમણે વેદાન્તના સિદ્ધાંતોનો દરેકે દરેક ઘરમાં વાસ કરાવ્યો હતો તેમનાં ભારે વખાણ કરીને સ્વામીજી તેમની મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને સમજાવવા લાગ્યા. ચંદ્રગુપ્ત અને અન્ય બૌદ્ધ રાજાઓનાં રાજ્યોની ભવ્યતાનો તે ચિતાર આપવા લાગ્યા અને એ સમયની શિલ્પકળાની સર્વોત્તમતાનો ખ્યાલ સર્વેના મનવાં ઠસાવવા લાગ્યા. અંગ્રેજ વિદ્વાનો જે એમ કહે છે કે હિંદુઓ શિલ્પવિદ્યાને ગ્રીક લોકો પાસેથી શિખી લાવ્યા હતા તે વાતને સ્વામીજીએ અનેક દાખલા દલીલોથી ખોટી દર્શાવી આપી.

કાશ્મીરમાં સ્વામીજી આખો દિવસ પૌરાણિક કથાઓ, લોકવાર્તાઓ અને ઐતિહાસીક બનાવોનાં રહસ્યો સમજાવવામાં ગાળતા. કોઈવાર સ્વામીજી કાશ્મીરના લોકોના આચાર, વિચાર અને રીતભાતની વાતો કરતા તો કોઈવાર કાશ્મીરની દંતકથાઓ કહી સંભળાવતા અને કોઈવાર હિંદના ઈતિહાસ ઉપર નવોજ પ્રકાશ પાડીને જંઘીસખાનને નેપોલિયન કે અલેકઝાન્ડર જોડે સરખાવતા. “ભક્તિ, ધ્યાન, પ્લેટોનું તત્ત્વજ્ઞાન અને જગત પ્રભુની માત્ર લીલા છે.” એ વિષયો ઉપર પણ તેઓ વખતો વખત વિવેચન કરતા. કોઈ કોઈવાર રામાયણ કે મહાભારતના ભવ્ય અને રમણીય પ્રસંગોની તેમજ પશ્ચિમના સાધુઓની વાતો કરતા અને તેમને તુલસીદાસ તથા રામકૃષ્ણ વગેરેની સાથે સરખાવતા. આખરે સઘળા વાર્તાલાપનો અંત શ્રીમદ્ ભગવદ્‌ગીતાના સારમાં આવી રહેતો અને સ્વામીજી કહેતા કે “ગીતા અલૌકિક કાવ્ય છે. ખરા પુરૂષાર્થનોજ તે બોધ કરી રહેલી છે. નિર્બળતાનો લેશ માત્ર તેના બોધમાં જણાતો નથી.”

હિમાલયનો પ્રદેશ જોઈને સ્વામીજીની સાધુવૃત્તિ–વૈરાગ્યવૃત્તિ વિશેષ જાગૃત થઈ રહી હતી. અહીંઆં તે ઘણે ભાગે એકાંતમાંજ રહેવાનું પસંદ કરી એકલાજ જંગલમાં ચાલ્યા જતા. પારમાર્થિક જીવનજ તેમને સુખમય અને સત્ય લાગતું હતું. અહીંઆં તેમની સ્વાભાવિક સાધુવૃત્તિ વધારેને વધારે પોષાતી ચાલીને સતેજ થવા લાગી હતી. સ્વામીજી વધારેને વધારે શાંત બની, જીવભાવને ભૂલી, સર્વાત્મભાવને પ્રગટ કરતા જણાતા હતા. એ સમય વિષે બહેન નિવેદિતા લખે છે કે;–

“કોઇ પ્રેમી પોતાના પ્રેમપાત્રની રાહ જોઈ રહ્યો હોય તેમ સ્વામીજી ભસ્મ ધારણ કરીને અહીં તહીં વિચરતા અને વૈરાગી કે એકાંતમાં બેઠેલા યોગીના જીવનનોજ વિચાર કર્યા કરતા હતા. સ્વામીજી આજે કાલે કે ગમે તે સમયે અમને છોડીને એકદમ ચાલ્યા જશે એવું કોઈ અમને કહે તો તેથી આશ્ચર્ય લાગતું ન હતું. સ્વામીજી પોતે અને તેમના ઉપર આધાર રાખનારાં અમે બધાં અહીં પ્રભુની મરજી પ્રમાણે ગંગાજીમાં તણાતાં તણખલાં જેવાં હતાં. કારણ કે ક્યારે સ્વામીજીને મન આખું જગત નહિવત્‌ બની રહેશે કે ક્યારે તેમના ઐહિક જીવનનો અંત આવી રહેશે તે કહી શકાતું નહોતું.”

“સ્વામીજીનું આવું અવ્યવસ્થિત જીવન અત્યારે કાંઈ પહેલ વહેલું કે આકસ્મિક ન હોતું. થોડાં વર્ષ ઉપર સ્વામીજી મને વંચાવવાને એક કાગળ લાવ્યા હતા. તે વાંચીને મેં તેમને એક બે વ્યાવહારિક વ્યવસ્થા સંબંધી સુચનાઓ કરી હતી. તે સાંભળીને સ્વામીજી ઘણોજ કંટાળો ખાઈને બોલ્યા હતા કે ‘વ્યવસ્થા ! વ્યવસ્થા, ! તમે પાશ્ચાત્યો કદીએ ધર્મને તેના ખરા રૂ૫માં પોતામાં પ્રકટાવી શકતા નથી અને અન્યોમાં તેવાજ રૂપમાં પ્રવર્તાવી શકતા નથી તેનું કારણ એજ છે. જો તમારામાંનું કોઈ તેને પ્રકટાવી અને પ્રવર્તાવી શક્યું હોય તો તે કેટલાક કેથોલીક સાધુઓજ હતા કે જેમને વ્યાવહારિક વ્યવસ્થાનો તો વિચાર સુદ્ધાં ન હતો. વ્યવસ્થા કરનારાઓથી કદીએ ધર્મનો ખરા અર્થમાં અનુભવ કે ઉપદેશ કરી શકાતો નથી. સ્વામીજીના એ શબ્દો હું કદીએ ભૂલી જનાર નથી.”

સ્વામીજીની સંનિધિમાં રહેવું એ આત્માના ઉંડા પ્રદેશમાં વિચરવા જેવું હતું. આત્માની ઉચ્ચ વૃત્તિઓ, તેની વિશાળતા અને મહત્તાના આવિર્ભાવરૂપજ સ્વામીજીનું જીવન હતું. એ જીવનમાં આત્માના ઉંડા ભાવ દૃશ્યમાન થતા હતા. એ જીવનનું ચલન વલન વગેરે આત્માનીજ ક્રિયાઓ દાખવી રહ્યું હતું. જ્યાં જીવભાવ હોય ત્યાંજ અમુક વ્યવસ્થા કે યોજના કરવાની હોય; જ્યાં સર્વાત્મભાવ પ્રગટી રહેલો હોય ત્યાં અમુક વ્યવસ્થા કે યોજનાને અવકાશજ નથી. એવા જીવનમાં તો સ્ફુરણાઓ–પ્રભુપ્રેરણાઓજ–પ્રધાનપદ ભોગવી રહેલી હોય છે. તે કોઈપણ સમયે ઉદભવે અને એ પ્રમાણે તે વ્યક્તિનું મહાજીવન દોરાય, એને વ્યવસ્થા કે યોજનારૂપી કશુંજ બંધન હોતું નથી. એવા મહાત્માઓનાં જીવનને આપણાં શાસ્ત્રો સુક્કાં પાંદડાની ઉપમા આપે છે. ખરી પડેલું સુક્કું પાંદડું પવનથી જેમ ગમે ત્યાં ઘસડાઈ જાય છે તેમ મહાત્માઓનું મન અને શરીર કોઈપણ સમયે કોઈપણ સ્થળ વા કાર્ય તરફ દોરાઈ જાય છે. સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યોને હવે સમજાયું કે સ્વામીજીનું જીવન વ્યવસ્થા શૂન્ય નથી, પણ તે વ્યવસ્થા-નિયમથી પર છે. હવે તેમને માલમ પડ્યું કે વૈરાગ્ય અને અભ્યાસનું સતત અવલંબન કરવાથીજ મનુષ્ય એ દશાને પ્રાપ્ત કરી શકે છે. વળી તેમને સમજાયું કે ખરેખર એકાંતવાસ અને મૌનવૃત એ પણ આત્મવિકાસનાં અતિ સહાયક સાધનો છે. સ્વામીજી કહેતા કે “પૌવાર્ત્યો અને પાશ્ચાત્યોની વિચારપદ્ધતિમાં મોટો ફેરફાર અહીંઆંજ જણાઈ આવે છે. યૂરોપિઅનો એમ ધારે છે કે વીસ વર્ષ સુધી એકાંતમાં રહેનાર મનુષ્ય ગાંડો થઈ ગયા વગર રહેતો નથી; અને હિંદુઓ ધારે છે કે જ્યાંસુધી મનુષ્ય વીસેક વર્ષ એકાંતવાસ ભોગવતો નથી ત્યાં સુધી તે સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરતો નથી.”

કાશ્મીરમાં સ્વામીજી પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા લાગ્યા; અને તેમની મહત્તા પાશ્ચાત્ય શિષ્યોને સમજાવવા લાગ્યા. હિમાલયમાં એક ભવ્ય દેવાલય અને તેની આસપાસનું સૃષ્ટિસૌંદર્ય જોઈને સ્વામીજી બોલી ઉઠ્યા કે “જુઓ પોતાનાં દેવાલયો બંધાવવામાં પણ હિંદુઓએ કેવી વિલક્ષણ બુદ્ધિ વાપરેલી છે ? તેઓએ હમેશાં ભવ્ય સૃષ્ટિસૌંદર્યવાળીજ જગ્યાઓ પસંદ કરેલી છે. જુઓ, આ દેવાલયમાંથી આખો કાશ્મીર દેશ જણાઈ રહે છે. હરિ પર્વતનું રાતું શિખર આસમાની રંગના જળ ઉપર તરી આવે છે તે જાણે કોઈ સિંહ પોતાના પાછલા પગ ઉપર ઉભો હોય તેવું દેખાય છે. આ મારતંડના દેવાલયની તળેટીમાં કેવી મોટી ખીણ આવેલી છે ?”

શ્રીનગર તરફ પાછા ફરતાં સ્વામીજી સંન્યાસનું ધ્યેય સમજાવવા લાગ્યા. સાંસારિક જીવનનેજ મહત્વ આપ્યા કરનારાઓને તેમણે ભ્રમમાં પડેલા જણાવ્યા. તેમણે કહ્યું કે “જનક જેવા થવું એ કંઈ સહેલું કામ છે ? કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર રાજ્ય કરવું એ શું નાની સુંની વાત છે ? દ્રવ્ય, કીર્તિ, સ્ત્રી, પુત્ર, કોઈની ૫ણ દરકાર નહિ કરતાં નિષ્કામ અને નિર્લેપભાવે રાજ્ય વ્યવહાર ચલાવવો એ ઘણુંજ કઠણ કામ છે. પશ્ચિમમાં મને ઘણાએ કહ્યું હતું કે તેવી સ્થિતિ તેમણે પ્રાપ્ત કરેલી છે; પણ હું તો તેમને એટલુંજ કહેતો કે ભારતવર્ષમાં તો હવે એવા પુરૂષો ઉત્પન્ન થતા નથી. આ વાત તમે જાતે પણ જરૂર સમજી રાખજો અને તમારાં છોકરાંને પણ શિખવજો કે એક આગીયા અને સૂર્ય વચ્ચે અથવા એક નાના ખાબોચીયા અને અપાર સમુદ્ર વચ્ચે કે એક રાઈના દાણા અને મેરૂ પર્વત વચ્ચે જેટલો ફેર છે તેટલોજ ફેર ગૃહસ્થાશ્રમી અને સંન્યાસીની વચમાં છે.” કોઈ કોઈવાર સ્વામીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની વાત કહાડીને તેમની સાદાઈનાં ભારે વખાણ કરતા. હિંદના વાઈસરોયની મુલાકાતે વિદ્યાસાગર જતા ત્યારે પણ કોઈ દિવસ તેમણે અંગ્રેજી પોશાક પહેર્યો નથી. તેમણે હમેશાં એક પંચીયું પહેરવાનું અને એક ચાદર ઓઢવાનુંજ પસંદ કરેલું છે એમ સ્વામીજી કહેતા. તેમની સાદાઈ, વિશાળ હૃદય અને નૈતિક દૃઢતાની ઘણીજ પ્રશંસા તે કરતા. વિદ્યાસાગરના નામ સાથે તે ડેવીડ હેર નામના અંગ્રેજનું નામ પણ લેવાને ચુક્તા નહિ. તે ભલા અંગ્રેજે હિંદમાં ઘણાં લોકોપયોગી કામો કરેલાં છે. ડેવીડ હેર સ્કોટલાંડના રહેવાસી હતા અને બંગાળામાં તે એક મોટા કેળવણીકાર તરીકે પ્રખ્યાત હતા. બંગાળામાં દુકાળ પડતો કે મરકી ચાલતી ત્યારે તે ભલા સાહેબ અનેક ગરિબોને મદદ કરતા. એક વાર બંગાળામાં કોલેરા ચાલતો હતો ત્યારે એક ગરિબ છોકરાની સારવાર કરતે કરતે તેમને કોલેરા લાગુ પડ્યો હતો અને તે મરણ પામ્યા હતા. તેમના જુના વિદ્યાર્થીઓએ તેમના શબને દાટ્યું હતું અને તેમની કબર આજ પણ એક પવિત્ર ભૂમિ તરીકે ગણવામાં આવે છે. તે સ્થળ કોલેજ સ્ક્વેરને નામે ઓળખાય છે. સ્વામીજી ભલા ડેવીડ હેરનાં કાર્યો અને ચારિત્રનો પુરેપુરો ખ્યાલ તેમના શિષ્યોને આપતા અને તેમનું અનુકરણ કરવાનું કહેતા.

મુગલ બાદશાહોની જાહોઝજહાલીનું વર્ણન આપતાં સ્વામીજી ધરાતા નહિ. તાજમહાલનું વર્ણન તે ઘણાજ ઉત્સાહથી આપતા. શાહજહાન વિષે તે કહેતા કે “અરે, તે તો મુગલ વંશનું એક મોટું ભૂષણ હતો. કલાના સૌંદર્યને માટે તેણે જે વિવેકબુદ્ધિ અને લાગણી દર્શાવેલાં છે તેવાં જગત્‌ના ઇતિહાસમાં કોઈએ પણ દર્શાવેલાં નથી. શાહજહાન જાતે પોતે કલાકોવિદ હતો. તેનું એક હસ્તલેખિત પુસ્તક મેં જોયું છે; હિંદના કલાવિજ્ઞાનનો તે એક ભવ્ય નમુનો છે.” વારંવાર સ્વામીજી અકબરની વાત કરતા અને તે બાદશાહનું નામ લેતાં તેમની આંખોમાં આંસુ આવી જતાં. આ પ્રમાણે સ્વામીજી હિંદનો ઇતિહાસ, મહાપુરૂષોનાં વૃત્તાંત, પ્રાચીન કથાઓ અને આખ્યાયિકાઓ વગેરે બાબતો તેમના શિષ્યોની આગળ કહેતા અને તેમને હિંદનું ગૌરવ સમજાવતા. તે સર્વે બાબતનું વર્ણન આપવું અશક્ય છે.

કાશ્મીરની ઉત્તરે આવેલું અમરનાથનું ધામ હિંદુઓના ધાર્મિક જીવનનો ઉત્તમ ખ્યાલ આપે છે. અહીંઆ અનેક સાધુ, સંન્યાસીઓ અને ગ્રહસ્થો યાત્રાર્થે આવે છે અને તે વખતે તેમનાં તપાચરણ, ધાર્મિક ક્રિયાઓ અને ભાવનાઓથી આખું વાતાવરણ પવિત્ર, ધાર્મિક, અને હિંદુમય બની રહેલું લાગે છે. હિંદનો આત્મા ક્યાં રહેલો છે. એનો પુરેપુરો ખ્યાલ આપણને આવાં સ્થળોમાંજ આવે છે. પોતાના પાશ્ચાત્ય શિષ્યોને આ સ્થળથી પરિચિત કરવા માટે સ્વામીજી તે સર્વેને લઇને અમરનાથની યાત્રા કરી આવ્યા.

અમરનાથના રસ્તામાં સર્વે શિષ્યો તેમજ યાત્રાળુઓ આગળ ચાલ્યા જતા હતા, પણ સ્વામીજી ધીમે ધીમે પાછળ આવતા હતા. પોતે એકલા ચાલવાનું વધારે પસંદ કરતા હતા કારણ કે તેમનું ચિત્ત અનેક ધાર્મિક વિચારોમાં લીન થયેલું રહેતું હતું. અમરનાથનાં દર્શનથી સ્વામીજીના હૃદય ઉપર એટલી બધી ઉંડી અસર થઈ હતી કે કેટલાક દિવસ સુધી તે તેની ને તેની જ વાત કર્યા કરતા હતા. યોગીઓના ઈશ્વર–મહાદેવ, ત્યાગી, વૈરાગી અને ઉમાપતિનું ધ્યેય અમરનાથનાં દર્શનથી વધારે દૃઢ થઈ રહ્યું હતું.

અમરનાથની યાત્રા પૂરી થયા પછી સ્વામીજી પોતાના શિષ્યોને લઈને પાછા શ્રીનગર ગયા. અહીંઆં ઘણા દિવસ સુધી સ્વામીજીએ પોતાના શિષ્યોનો ત્યાગ કરીને એકાન્તવાસમાં રહી ધ્યાન અને આત્મચિંતનમાંજ સઘળો વખત વ્યતીત કર્યો. જ્યારે તે પાછા આવ્યા અને પોતાના શિષ્યોને મળ્યા ત્યારે તેમના મુખમાંથી અલૌકિક અનુભવોની અમૃતધારા વર્ષી રહી. જગતમાં વિચરતાં, લોકકલ્યાણનાં કાર્યો કરતાં કે પોતાના શિષ્યોની સાથે રહેતાં, સ્વામીજીના હૃદયમાં કેટલીકવાર એકાએક વૈરાગ્ય વૃત્તિ જાગૃત થઈ જતી. તેમને પોતાના સ્વરૂપનું ભાન થઈ જતું અને તે એકદમ સર્વે કાર્યોને તેમજ શિષ્યો વગેરેને પડતાં મૂકી જંગલમાં ચાલ્યા જતા અને ત્યાં આત્મચિંતનમાં લીન થઈ રહેતા. આવી રીતે આત્મચિંતનમાં અમુક સમય ગાળ્યા પછી તેમની વૃત્તિ જ્યારે ઉત્થાન પામતી ત્યારે તેઓ પાછા આવતા અને પોતે આરંભેલાં કાર્યો કરવા મંડી જતા. આત્મચિંતનથી તેમને ઘણું જ માનસિક બળ મળતું અને કાર્ય કરવાને તે વધારે બળવાન અને વધારે ઉત્સાહી બની રહેતા. એ આત્મચિંતનના ફાયદા સ્વામીજી ઘણીવાર કહી બતાવતા. તેઓ કહેતા કે દિવસમાં એક ક્ષણ પણ આત્મચિંતનમાં ગાળો અને બનતાં સુધી દિવસના પહેલા પહોરમાંજ એ કાર્ય કરો. અને પછી જુઓ કે તમે કેવું ઉમદા બળ વ્યવહારમાં દાખવી શકો છો. આપણા રૂષિઓ, મુનિઓ, યોગીઓ એજ આત્મચિંતનનો આશ્રય લેતા અને તેમાંથી પુષ્કળ માનસિક બળને પ્રાપ્ત કરતા; આત્મચિંતનથી તેમની બુદ્ધિનો પ્રકાશ વધતો અને તેને લીધે જ તેઓ જગતને હેરત પમાડે એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા.

શ્રીનગરમાં એક વખતે ટોડકૃત રાજસ્થાન ઉપર વાત ચાલી. સ્વામીજી કહેવા લાગ્યા કે “બંગાળામાં પ્રવર્તી રહેલા રાષ્ટ્રીય વિચારોનો બે તૃતીયાંશ ભાગ તો એ પુસ્તકમાંથીજ આવેલો છે.” પછી મીરાંબાઈ, પ્રખ્યાત રાજકુંવરી કૃષ્ણા કુમારી, રજપુત યોદ્ધાઓ અને મહારાણા પ્રતાપસિંહ વિષે સ્વામીજી અનેક વાતો કહેવા લાગ્યા. શ્રીનગરમાં સ્વામીજી નદીમાં એક હોડીમાં રહેતા હતા. હવે પોતાની હોડીને તે એક એકાંત સ્થળમાં લઈ ગયા. પોતાની પાસે તે એ સ્થળમાં કોઈ પણ મનુષ્યને આવવા દેતા નહિ. સ્વામીજી કહેતા કે “પ્રેરણાત્મક વિચારોનું બળ એટલું બધું છે કે તે મનુષ્યને કેટલીક  વાર તો ઉંઘવા પણ દેતા નથી. કોઈ જીવતા મનુષ્યના અવાજની પેઠે તેઓ આપણને કંઈ કંઈ કહ્યા કરતા હોય છે.” ખરેખર સ્વામીજીની સ્થિતિ તેવીજ હતી. માત્ર એક દાક્તરનેજ તેમની પાસે જવાની રજા હતી. તે દાક્તર કાશ્મીરનો રહીશ હતો અને સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી તેમનો ભક્ત બની રહ્યો હતો. સ્વામીજીને કાંઈ જોઈતું કરતું હોય તે તેજ આણી આપતો હતો તેથી તે એકલોજ કોઈ કોઈ વાર તેમની પાસે જતો. તે દાક્તર હોડી ઉપર જતાં સ્વામીજીને ઘણી વાર ધ્યાનગ્રસ્ત થઈ રહેલા જોતો અને તેવે સમયે તે તરતજ શાંતપણે ત્યાંથી પાછો નીકળી આવતો. આ પ્રકારના એકાન્ત અને ધ્યાનને પરિણામે સ્વામીજીને જે દર્શન થયું તે જ્ઞાનમય અને પ્રકાશમય હતું. આ સ્થિતિમાંથી જાગ્રતમાં આવ્યા પછી સ્વામીજી લખવાનો પ્રયાસ કરવા લાગ્યા અને તેમણે “કાલીમાતા” એ નામની કવિતા લખી કહાડી. એ કવિતામાં સ્વામીજીએ પોતાના એ પ્રસંગનો અનુભવ વર્ણવેલો છે. એ પ્રસંગ લખતાં લખતાં સ્વામીજીનું ચિત્ત ભગવતી પરબ્રહ્મસ્વરૂપિણી જગન્માતામાં એવું તો તદાકાર થઈ ગયું કે તેઓ ભાવસમાધિમાં આવી ગયા અને તેમના હાથમાંથી કલમ પડી ગઈ. સમાધિમાંથી જાગૃત થયા પછી કેટલાક દિવસ સુધી સ્વામીજી ભગવતી જગન્માતા વિષેજ વાત કરવા લાગ્યા કે “દેવી પોતેજ અનંત કાળ, અનંત દેશ અને અનંત શક્તિ છે. સારામાં, ખોટામાં, ભયમાં, શોકમાં, સર્વમાં તે સમાનરૂપે વ્યાપી રહેલી છે. સર્વે તેનાંજ સ્વરૂપો છે. તેની કૃપાનો લાભ લેવો હોય તો તમારા હૃદયને સ્મશાનભૂમિ બનાવી ગર્વ, સ્વાર્થ અને વાસનાને તેમાં બાળી નાંખો.” તે વખતથી હમેશાં સ્વામીજી દુઃખના કે બીમારીના વખતમાં પણ દેવીજ સઘળી ઇંદ્રિયો છે, દુઃખ પણ તે પોતેજ છે, એમ બોલતા જણાતા.

થોડા દિવસ પછી સ્વામીજી એકલા ક્ષીરભવાની જઇ ત્યાં છ સાત દિવસ રહ્યા હતા. ત્યાંથી સ્વામીજી શ્રીનગર આવ્યા ત્યારે તેમનામાં ઘણો ફેરફાર થયેલો જણાતો હતો. પોતાના બંને હાથ ઉંચા કરીને સર્વેને આશિર્વાદ આપતા તે બોલ્યા “હવે હરિ ૐ નહિ; હવે તો જય દેવી, જય દેવી.” વળી તે કહેવા લાગ્યા “મારૂં સ્વદેશાભિમાન હવે નાશ પામ્યું છે. હવે સર્વત્ર દેવીનેજ હું જોઉં છું. મેં ભુલ કરી છે. દેવીએ મને અંતઃસ્કુરણામાં કહ્યું છે કે ‘નાસ્તિકો મારા દેવાલયમાં પેસે અને મારી મૂર્તિને અભડાવે તોપણ તમારે શું ! શું તમે મારૂં રક્ષણ કરો છો કે હું તમારું રક્ષણ કરૂં છું ?” સ્વામીજીના એ ઉદ્‌ગારો માત્ર તેમનું નિરભિમાન–નિરહંકારવૃતિ અને પ્રભુ શરણતાનેજ દર્શાવતા હતા. હું કરૂં છું, હું સ્વદેશાભિમાની છું, એવા અહંભાવને ધરનારા અને પ્રભુના શરણનો સ્વીકાર નહિ કરનારા સ્વદેશાભિમાનીઓ પ્રભુ શરણ થઈ રહી તેના હથીયારરૂપેજ પોતાને માનનારા નિરાભિમાની મનુષ્યોની અપેક્ષાએ કાંઈપણ અગત્યનું કાર્ય કરી શકતા નથી એમ તેઓ સુચવી રહ્યા હતા. આ વખતે પણ સ્વામીજીનું ચિત્ત મોટે ભાગે ધ્યાનગ્રસ્ત રહેતું. તેઓ વખતો વખત નદી ઉપરનાં જંગલોમાં ચાલ્યા જતા અને ધ્યાનમાં લીન રહેતા. એક દિવસ જંગલમાંથી પાછા આવ્યા તે વખતે તેમણે માથું આખું મુંડાવી નાંખ્યું હતું અને તદન સાદાં વસ્ત્રો પહેર્યાં હતાં. તેમના મુખ ઉપર તપનો ભવ્ય પ્રકાશ છવાઈ રહ્યો હતો. ક્ષીરભવાનીમાં થયેલા અનુભવો હવે તે વર્ણવા લાગ્યા. ત્યાં કરેલા ઉપવાસ, તપ અને વૈરાગ્ય તેમજ આંતરિક આત્માનુભવોને તે કહેવા લાગ્યા. તેમાંની એક વાત નીચે પ્રમાણે હતી.

ક્ષીરભવાનીના મંદિરમાં સ્વામીજી એકવાર પૂજા કરી રહ્યા હતા ત્યારે દેવીના મંદિરની જીર્ણ અવસ્થા જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એક નવું ભવ્ય મંદિર બંધાવાય તો કેવું સારૂં ! સ્વામીજીના મનમાં એ વિચાર જરા ઉંડાણથી થવા લાગતાં અંતઃકરણમાંથી એક દિવ્ય અવાજ તેમને સંભળાયો અને તે તરતજ ચમકી ઉઠ્યા. તે અવાજ દ્વારા મહાશક્તિ ક્ષીરભવાનીએ કહ્યું કે “મારા દિકરા, જો મારી મરજી હોય તો હું અસંખ્ય દેવાલયો ઉભાં કરૂં. હું સુંદર મઠો બંધાવવાને શક્તિમાન છું. મારી મરજી હોય તો આજ ક્ષણે સાત માળનું સુંદર સુવર્ણમંદિર હું અહીંઆં ઉભું કરી શકું છું.” સ્વામીજીને આવા અનેક અનુભવો થયેલા હતા પણ તે સર્વ કોઇને કહેતા ન હતા, કારણ કે એવા અનુભવો જગતના સામાન્ય મનુષ્યોની બુદ્ધિમાં ઝટ લઈને ઉતરી શકતા નથી, તેમ તેમનો અધિકાર જોતાં તે તેમને માટે ઉપકારક ન થતાં ઉલટા તેમનામાં “બુદ્ધિ ભેદ”ને ઉપજાવી ઉભય ભ્રષ્ટ કરનારા થઈ પડે છે. હવે શ્રીનગરથી પાછા ફરવાની તૈયારી થઈ. સ્વામીજી તો કાલે ક્યાં જવું તે વિષે ભાગ્યેજ વાત કરતા પ્રવાસની યોજના તે કદીએ ઘડતા નહિ અને જ્યારે જ્યાં જવાય ત્યાં ખરૂં, એવુંજ તેમના મનમાં રહેતું. એમની ઇચ્છા તો માત્ર એટલી જ હતી કે જેમ બને તેમ એકાંતવાસમાં રહેવું અને ધ્યાનમય સાધુજીવન ગાળવું. ગુરૂ, શિક્ષક, કે ઉપદેશક થવું પણ ખરા મનથી તેમને ગમતું ન હતું. જગતને ભૂલી જવાય અને ગુપ્તવાસી બની એકાંતમાં આત્મચિંતન થાય તો ઠીક, એવી સ્વામીજીની ઇચ્છા હવે વિશેષ પ્રબળ થઈ રહી હતી.” જગતને ઉપદેશ કરનાર પોતે કોણ ? એ પણ મિથ્યા અભિમાન જ છે. માતાજીને તેમની મદદની જરૂર નથી, પણ તેમને માતાજીનીજ મદદની જરૂર છે. એવા એવા અનેક વિચારો સ્વામીજીના હૃદયમાં વારંવાર પ્રબળપણે તરી આવતા હતા. બીજી તરફ માનવજાતિ પ્રત્યે પણ તેમનો પ્રેમ અગાધ હતો. એ પ્રેમથી એમનું હૃદય એવું તે પલળી રહ્યું હતું કે બુદ્ધિગમ્ય ઉચ્ચસિદ્ધાંતોનું તેના ઉપર ઓછુંજ જોર ચાલતું. બહેન નિવેદિતાએ સ્વામીજીના અતિ વિશાળ માનવ પ્રેમ વિષે તેમજ એ વિષચની તેઓ જે વાતો કહેતા તે વિષે જણાવ્યું છે કે :—

“સ્વામીજીના હૃદયની વિશાળતાનો ખ્યાલ હું તમને આપી શકું તેમ નથી. પ્રેમથી એમનું હૃદય એટલું બધું પલળી રહ્યું હતું કે કોઈને પણ જરાક ઈજા થાય તો તેનો ધક્કો સ્વામીજીના હૃદયને લાગતો અને બીજી તરફ સ્વામીજીને ગમે તેવી ઈજા કોઈ કરે તો પણ તેમના મુખમાંથી તો સ્નેહ અને આશિર્વાદનાં જ વચનો નીકળતાં.”

“સ્વામીજી અમને વસિષ્ટ અને વિશ્વામિત્રની વાત આ પ્રમાણે કહેતા. વસિષ્ઠના સો પુત્રોને વિશ્વામિત્રે મારી નાખવાથી વસિષ્ઠ મુનિ નિર્વંશ બનીને વાનપ્રસ્થ દશામાં પોતાનું જીવન ગાળી રહ્યા હતા. એક દિવસે રાત્રે ચાંદની ખીલી રહી હતી. તે ચાંદનીમાં વૃક્ષોની ઘટામાં આવેલી વસિષ્ઠની પર્ણકુટીમાં વસિષ્ઠ અને અરૂંધતી બેઠેલાં હતાં. વિશ્વામિત્રનું લખેલું એક પુસ્તક વસિષ્ઠ વાંચતા હતા. એટલામાં અરૂંધતી તેમની છેક નજીક આવીને કહેવા લાગ્યાં ‘જુઓ, આજે ચાંદની કેવી સરસ ખીલી રહેલી છે.’ પરંતુ ઉંચું જોયા વગરજ વસિષ્ઠે જવાબ આપ્યો કે ‘પણ અહિંયાં વિશ્વામિત્રની બુદ્ધિ તેના કરતાં પણ હજારગણી વધારે ખીલી રહેલી છે.’

“સઘળું ભુલાઈ ગયું ! તેમના સો દિકરાઓનો નાશ, તેમને કરેલી ઈજાઓ, તેમના ઉપર આણેલી આફતો, સઘળુંજ ભુલાઈ જવાયું, અને વસિષ્ઠનું અતિ વિશાળ હૃદય પોતાના શત્રુની પણ વિલક્ષણ બુદ્ધિનાં વખાણ કરવા મંડી ગયું ! સ્વામીજી કહેવા લાગ્યા કે આપણો પ્રેમ પણ એવોજ પવિત્ર અને વિશાળ જોઈએ. વસિષ્ઠ જેમ સઘળું ભુલી જઇને પોતાના શત્રુ તરફ પણ સ્વચ્છ પ્રેમ ધરી રહ્યા હતા તેવોજ સ્વચ્છ પ્રેમ આપણે પણ ધરવો જોઇએ.”

શ્રીનગરથી હવે સર્વ મંડળી પાછી ફરી. સઘળા શિષ્યો અને ગુરૂભાઈઓ વગેરે પોતાને અનુકુળ પડે તેમ એકલા કે કોઇના સાથમાં કલકત્તે જઈ પહોંચ્યા. સ્વામીજી એકલાજ મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોવાથી પાછળથી કલકત્તે આવી પહોંચ્યા.