લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/નવા મઠની સ્થાપના

વિકિસ્રોતમાંથી
← નૈનીતાલ, આલમોરા વગેરે સ્થળમાં સ્વામી વિવેકાનંદ
નવા મઠની સ્થાપના
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
મઠમાં સંન્યાસીઓની કેળવણી →


પ્રકરણ ૫૪ મું ― નવા મઠની સ્થાપના.

બેલુર મઠનું નવું મકાન બંધાઇને તૈયાર થઈ ગયેલું હોવાથી સ્વામીજી કલકત્તે આવ્યા એટલે તેની વાસ્તુપૂજા કરવામાં આવી. જુનો મઠ નીલામ્બર મુકરજીના બગીચામાં આવેલો હતો ત્યાં પૂજા અને ધ્યાન થઈ રહ્યા પછી એક મોટો વરઘોડો કહાડવામાં આવ્યો. જુના મઠથી નવા મઠ સુધી તે જવાનો હતો. વરઘોડામાં સ્વામીજી શ્રીરામકૃષ્ણની વિભૂતિને જમણા ખભા ઉપર લઈને ચાલતા હતા. તે વિભૂતિને નવા મઠમાં પધરાવવાને માટેજ એ વરઘોડો કહાડવામાં આવ્યો હતો. રસ્તામાં ચાલતે ચાલતે સ્વામીજી એક શિષ્યને કહેવા લાગ્યા કે જ્યાં સુધી શ્રીરામકૃષ્ણની પવિત્રતા અને દયાભાવ તેમના શિષ્યો ધારણ કરી રહેશે ત્યાં સુધી મઠમાં તેમની પોતાની હાજરી છે એમ સમજવું. મઠના નવા મકાનમાં શ્રીરામકૃષ્ણની વિભૂતિને પધરાવવાની ક્રિયા થઈ રહ્યા પછી સ્વામીજી મંડળીને કહેવા લાગ્યા “ઈશ્વરાવતાર શ્રીરામકૃષ્ણ તેમની હાજરીથી આ સ્થળને પવિત્ર કરે, તેને એક અપુર્વ પુણ્યક્ષેત્ર બનાવે, સર્વેના કલ્યાણને માટે આ સ્થાનને સર્વે ધર્મોની એકતા સ્થાપનારૂં કરી મૂકે, એમ તમે તમારા ખરા અંતઃકરણથી પ્રાર્થના કરો છો ?” સર્વેએ હા કહી અને સર્વે બંને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા.

થોડા દિવસ પછી સ્વામીજીએ મઠના નિયમો અને હેતુઓ ઘડ્યા; અને તેમના શિષ્યોએ અને ગુરૂભાઇઓએ આત્મનિયમન માટે કઈ કઈ ક્રિયાઓ કરવી, કઈ કઈ સાધનાઓ સાધવી, અને જીવનને કેવે માર્ગે વહેવરાવવું–ટુંકામાં કહીએ તો મઠમાં જીવન કેવે પ્રકારે ગાળવું–એ સર્વેને સમજાવ્યું. એ નિયમ અને હેતુઓમાં સ્વામીજીએ ભારતવર્ષની રાષ્ટ્રીય કેળવણીની રૂપરેખા આંકી બતાવી છે અને હિંદમાં પરોપકારનાં કાર્યો કેવી રીતે કરવાં તે પણ સમજાવ્યું છે. સ્વામીજી મઠની બહાર ફરતા ફરતા કહેવા લાગ્યા:–

“પેલી જગ્યામાં સાધુઓ રહેશે. આ મઠ ધાર્મિક ક્રિયાઓ અને વિદ્યાવૃદ્ધિનું કેન્દ્રસ્થાન બની રહેશે. એ મઠમાંથી નીકળતી આધ્યાત્મિક શક્તિ અખિલ વિશ્વમાં ફેલાશે. તે માનવજાતિની પ્રવૃત્તિઓ અને આદર્શોને જુદે માર્ગે વાળશે. અહીંઆંથી આદર્શ ફેલાવવામાં આવશે, તે જ્ઞાન, ભક્તિ અને કર્મનો સુયોગ સાધશે. વખત એવો આવશે કે જ્યારે આ મઠના સાધુઓનું જીવન મનુષ્યોના જડ આત્માઓમાં ચેતનની સ્ફુરણા કરશે. આ સઘળાં ભાવી દૃશ્યોને હું મારી આગળ જોઈ શકું છું.

“આ ભૂમિ ઉપર દક્ષિણે સરસ્વતી મંદિર બાંધવામાં આવશે. તેમાં વ્યાકરણ, તત્વજ્ઞાન, કળા, વિજ્ઞાન, સાહિત્ય, વક્તૃત્વકળા, હિંદુ શાસ્ત્રો અને સ્મૃતિઓ તથા અંગ્રેજી ભાષા શિખવવામાં આવશે. પેલા સ્થળમાં યુવાન બ્રહ્મચારીઓ રહેશે અને શાસ્ત્રોનો અભ્યાસ કરશે. મઠમાંથી તેમને ભોજન વસ્ત્રાદિ મળશે. પાંચ વર્ષ પછી તે બ્રહ્મચારીઓને પોતાને ઘેર પાછા જવાની અને ગૃહસ્થાશ્રમી તરીકે જીવન ગાળવાની રજા આપવામાં આવશે. અથવા તેમની મરજી હશે તો તેઓ મઠના વડીલ સાધુઓની આજ્ઞા લઈને સંન્યાસ દિક્ષા ગ્રહણ કરશે. કોઈ પણ બ્રહ્મચારી નિયમ વિરૂદ્ધ વર્તનાર કે ખોટે માર્ગે ચાલનારો માલમ પડશે તો તેને કહાડી મૂકવામાં આવશે. અહીંઆં છોકરાઓને ન્યાત જાતના ભેદ વગર શિખવવામાં આવશે અને જેમને તેવા ભેદનું પાલન કરવું હશે તેમણે પોતાને હાથે રસોઈ વગેરે કરવું પડશે. તેઓને અધ્યયન કરવાને માટે વર્ગમાં સૌની જોડે બેસવું પડશે. તેઓના ચારિત્ર ઉપર મઠના અધિકારીઓ પુરતી દેખરેખ રાખશે. જે મનુષ્યે મઠમાં અમુક વર્ષ સુધી કેળવણી લીધી નહિ હોય તેને સંન્યાસ આપવામાં આવશે નહિ.”

એ વખતે શરદચંદ્ર જે સ્વામીજીના “શિષ્ય” તરીકે ઓળખાય છે તે ત્યાં હાજર હતા. તેમણે પૂછ્યું, “ત્યારે મહારાજ, તમે તો આપણા દેશમાં પ્રાચીન ગુરૂકુળને ફરીથી સ્થાપવા માગો છો ?”

સ્વામીજી—હા, ખરેખર તેમજ. આધુનિક કેળવણીમાં બ્રહ્મવિદ્યાના વિકાસને માટે જરાએ સ્થાન નથી. પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમની વ્યવસ્થા ફરીથી ચાલુ થવી જ જોઇએ. પણ તેના પાયો ઘણા ઉદાર અને વિશાળ વિચારો ઉપર રચાવો જોઇએ. તેમાં આધુનિક સમયને લગતા કેટલાક ફેરફારો પણ કરવા જોઈએ.

“આપણા મઠની પાસે આવેલી પેલી જમીનને કકડો આપણે લેવો પડશે. ત્યાં શ્રીરામકૃષ્ણના સ્મરણાર્થે એક અન્નક્ષેત્ર ઉઘાડવામાં આવશે. ત્યાં ખરેખરા ગરિબોને અન્ન આપવામાં આવશે. ગરિબોને નારાયણનાં સ્વરૂપો જ ગણવાના છે. ફંડ પ્રમાણે તેના કાર્યની વ્યવસ્થા કરવામાં આવશે. ઉત્સાહી બ્રહ્મચારીઓને એ અન્નક્ષેત્ર ચલાવવાને કેળવવામાં આવશે. તેઓ તેના નિભાવ માટે ઘેરે ઘેર માગીને ફંડ એકઠું કરશે. તેને મઠ તરફથી દ્રવ્યની મદદ કરવામાં આવશે નહિ. બ્રહ્મચારીઓ એ પ્રમાણે પાંચ વર્ષ વ્યતીત કરશે ત્યાર પછી તેમને સરસ્વતી મંદિરમાં દાખલ કરવામાં આવશે. આ પ્રમાણે દસ વર્ષ સુધી કેળવણી લીધા પછી તેઓ સન્યાસદિક્ષાના અધિકારી થશે અને તેમને મઠના અધિકારીઓ યોગ્ય રીતે સન્યાસ આપશે.”

અનારોગ્યને લીધે ઔષધોપચાર માટે સ્વામીજીનું હવે ઘણે ભાગે કલકત્તામાંજ રહેવું થતું હતું. તબીયત નાદુરસ્ત છતાં પણ અનેક જાતની પ્રવૃત્તિઓમાંજ તેમનો આખો દિવસ જતો હતો. એ પ્રવૃત્તિઓ વિષે એક શિષ્ય નીચે પ્રમાણે લખે છે:–

“જ્યાં સુધી સ્વામીજી કલકત્તામાં રહ્યા ત્યાં સુધી સભાઓ દરરોજ ભરવામાં આવતી. સવારથી તે રાતના આઠ નવ વાગતા સુધી આખો દિવસ મનુષ્યોનાં ટોળે ટોળાં તેમને મળવાને આવતાં અને તેથી તેમનું ભોજન ઘણુંજ અનિયમિત થઈ જતું. તેમના ગુરૂભાઈઓ અને મિત્રોએ સ્વામીજીને સલાહ આપી કે અમુક સમય શિવાય તેમણે કોઈને મળવું જોઈએ નહિ. સ્વામીજીએ જવાબ આપ્યો કે “તેઓ પોતાને ઘેરથી ચાલીને મને મળવા સારૂજ આટલે દૂર સુધી આવવાનો શ્રમ ઉઠાવે અને હું શું મારી તબીયતની બ્હીકનો માર્યો અહીંઆં બેઠે બેઠે પણ તેમની સાથે વાત ન કરૂં ?”

સ્વામીજીનું પાશ્ચાત્ય શિષ્યોને કેળવવાનું કામ પણ હજુ જારીજ હતું. કલકત્તેથી સ્વામીજી પાશ્ચાત્ય શિષ્યોના મુકામપર વારંવાર જતા અને તેમને અનેક પ્રકારનો બોધ આપતા. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી અનેક વાતો તેમને સમજાવતા. જનમેજયે કરેલો યજ્ઞ, સાવિત્રી, નળ–દમયંતિ, રામ અને સીતા, ધ્રુવ, પ્રલ્હાદ, ભરત, વિક્રમાદિત્ય વગેરેનાં વૃત્તાંતો તે એમને સંભળાવતા અને શ્રીકૃષ્ણ તથા બુદ્ધનાં અનુપમ ચારિત્રો એમના મગજમાં ઠસાવતા. સ્વામીજી બહેન નિવેદિતાના ખાસ ઉચ્ચ અધિકારને લીધે તેમને પોતાની પુત્રીજ ગણતા અને તેમની આધ્યાત્મિક ઉન્નતિ સાધવાને અનેક પ્રયાસ કરતા. ભારતવર્ષની સ્ત્રીઓની કેળવણી તેમના હાથમાં સોંપવી એવા વિચારથી એક કન્યાશાળા તેમની દેખરેખ નીચે ચાલુ કરવામાં આવી હતી.

સ્વામીજીની સલાહથી નિવેદિતા શ્રીરામકૃષ્ણનાં પત્ની શારદાદેવીની સાથે રહેતાં અને પોતાનું જીવન સખત તપાચરણમાં ગાળતાં. માત્ર ફળાહારજ તે કરતાં અને વખતે દુધ પીતાં. કશું પાથર્યા વગરજ પાટ ઉપર તે સૂઇ રહેતાં. સ્વામીજી જાતે કોઇ કોઈવાર નિવેદિતાને માટે રસાઈ કરતા અને પોતાની દુહિતાને સાથે બેસાડીને જમાડતા. વળી કોઇવાર નિવેદિતા પાસેજ રસાઈ કરાવીને તેમની સાથે પોતે જમતા. સ્વામીજીના આગ્રહ વગર નિવેદિતા કદી અન્ન ખાતાં નહિ અને એકલો ફળાહારજ કરીને રહેતાં.

એકવાર સ્વામીજી કલકત્તામાં આવેલા પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસ માટે બનાવેલા બાગમાં ગયા હતા. રાય બહાદુર રામબ્રહ્મ સન્યાલ તે બાગના સુપરિન્ટેન્ડેન્ટ હતા. તેઓ પ્રાણીવિજ્ઞાન અને વનસ્પતિવિજ્ઞાનમાં નિષ્ણાત હોવાથી તેમની સાથે સ્વામીજીને પુષ્કળ વાતચીત થઈ. રામબ્રહ્મ બાબુ ડાર્વીનના સિદ્ધાંતને માનનારા હતા. સ્વામીજી પણ તે સિદ્ધાંતને કેટલેક અંશે માનતા, પણ તેના કરતાં પતંજલીના સિદ્ધાંતને વધારે શ્રેષ્ઠ ગણતા. વાતચીતમાં સ્વામીજીએ ડાર્વીનના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જણાવ્યું કે પતંજલીનો સિદ્ધાંતજ પ્રગતિના કારણોનું પુરેપુરૂં નિરાકરણ આપી શકે છે. ‘પૂર્ણત્વને પ્રાપ્ત કરવું ?’ એનેજ પતંજલી પ્રગતિનો ઉદ્દેશ અને છેડો કહે છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તાઓ માને છે તેમ પતંજલી “જીવન કલહ,” “યોગ્ય જીવન,” “સ્વાભાવિક પસંદગી” વગેરે સ્થિતિઓનેજ પ્રગતિનો આદર્શ અથવા સાધન ગણતા નથી. નીચલા વર્ગનાં પ્રાણીઓની બાબતમાં એ વિચારો ખરા હશે, પણ મનુષ્યોની બાબતમાં તો તે માનવ સ્વભાવને અધમજ બનાવનારા અને તેના વિકાસને અટકાવનારાજ છે. પ્રાચીન રૂષિઓ કહે છે કે પૂર્ણતાને પ્રાપ્ત કરવી એજ મનુષ્યનો સ્વભાવ છે, કેમકે પૂર્ણતા એજ તેનું ખરૂં સ્વરૂપ છે. કેટલાંક બાહ્ય આવરણો અને વિક્ષેપોને લીધે મનુષ્ય તે પૂર્ણતાને અનુભવી શકતો નથી, પરંતુ તે આવરણો અને વિક્ષેપોને દૂર કરી દેવામાં આવે તો મનુષ્ય તેના મૂળ આત્મસ્વરૂપમાં–પૂર્ણતામાં–પ્રકાશી રહે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે શિક્ષણ, સ્વનિયમન, ધ્યાન, એકાગ્રતા, વૈરાગ્ય અને સ્વાર્થત્યાગની ખાસ જરૂર છે. “જીવન કલહ” મનુષ્યના પૂર્ણ સ્વરૂપના વિકાસને માટે આવશ્યક નથી અને તેથીજ આપણા રૂષિ મુનિઓ જીવન કલહથી અલગ રહી છેવટે પ્રકૃતિથી પણ પર થઈ શકતા હતા. સાધક અવસ્થામાં તેઓ પાશવ વૃત્તિઓને જીતીને તેમને દાબી દેવાનો પ્રયાસ કરતા અને હમેશાં દૈવી પ્રકૃતિજ ધારણ કરવાનો યત્ન કરતા.

એ સાંભળીને રામબ્રહ્મ બાબુ ઘણાજ પ્રસન્ન થયા અને બોલ્યા “સ્વામીજી, આ સિદ્ધાંત તો ઘણોજ અલૌકિક છે. ખરેખર જગતને આપના જેવા પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય બંને વિદ્યામાં પ્રવીણ થયેલા નિષ્કામ મહાત્માઓનીજ જરૂર છે. હાલના આપણા શિક્ષિત વર્ગના એક માર્ગી વિચારોનું ખોટાપણું દર્શાવી તેમની ભુલો સુધારે અને તેમના મગજમાંથી ખોટા ખ્યાલોને કહાડી નાખે એવા અનેક મનુષ્યોની અત્યારે ભારતવર્ષને જરૂર છે.”

તેજ દિવસે સાંજે બળરામ બાબુના મકાનમાં સ્વામીજીએ સર્વેના આગ્રહથી માનવજાતિનો વિકાસ કેવી રીતે થાય છે તે શિષ્યો અને મિત્રોને સમજાવ્યું. તેમણે કહ્યું કે ડાર્વીનનો સિદ્ધાંત તો પ્રાણીઓ અને વનસ્પતિઓને જ લાગુ પડે તેવો છે. તે સિદ્ધાંત માનવજાતિને લાગુ પડી શકતો નથી; કારણકે મનુષ્યોમાં બુદ્ધિ અને જ્ઞાનનો ઘણો વિકાસ થયેલો હોય છે. આપણા સંતપુરૂષો અને આદર્શ પુરૂષોમાં જીવન માટેનો કલહ જણાતો નથી; બીજાઓનો નાશ કરીને યા તેમને કાંઈપણ નુકશાન કે અન્યાય કરીને સ્વાર્થ સાધવાની કે મોટા બની બેસવાની વૃત્તિ તેમનામાં જરા પણ હોતી નથી. ઉલટો તેમનામાં તો સ્વાર્થત્યાગ અને દાનવૃત્તિ–સેવાવૃત્તિજ જોવામાં આવે છે. એક મનુષ્ય જેમ જેમ વધારે સ્વાર્થ ત્યાગ કરે છે તેમ તેમ તે વધારેને વધારે ઉન્નત દશાએ પહોંચતો જાય છે. ખરો વિચારવંત પુરૂષ બહારની વસ્તુસ્થિતિઓ સાથે નહિ, પણ પોતાની આંતર્‌વૃત્તિઓ સાથેજ કલહ યા યુદ્ધ કર્યા કરે છે. કેમકે જેણે મન જીત્યું છે તેણે આખા જગતને જીત્યું છે.

અહીંઆં એક શિષ્યે સ્વામીજીને પ્રશ્ન કર્યો, “ત્યારે તમે શા માટે અમારી શારીરિક ઉન્નતિ કરવાની એટલી બધી અગત્ય બતાવો છો ?” તરતજ સ્વામીજી સિંહની માફક ગર્જના કરીને બોલ્યા, “શું તમે હિંદુઓ મનુષ્યો છો ? તમે પશુઓ કરતાં સારા છો ? ખાવાપીવામાં, સુવામાં અને પ્રજોત્પત્તિ કરવામાં, એક બીજાના દોષ કરવામાં, અનિતીઓને નીતિ ગણવામાં, ધનવાનો અને બળવાનોની ખુશામત અને ગુલામી કરવામાં અને દુઃખ તથા પ્રતિકૂળતા આવતાં “આપણા નશીબમાં એ લખ્યું હશે તે કોણ ટાળનાર છે ?” એવું માની ચૂપ રહેવામાંજ સંતોષ માનનારા છો. ગમે તેવી અનીતિનો પૈસો કે સત્તા હોય તેનાથી પણ તમે સદા ભયભીતજ રહ્યા કરો છો. તમારામાં જે થોડી ઘણી બુદ્ધિ રહી ગઈ છે તે જો ન રહી હોત તો તમે જરૂર બેપગાં જનાવરોજ બની રહ્યા હોત. તમારામાં સ્વમાનની લાગણી તો હવે જરાએ રહી નથી. પરસ્પર અદેખાઈ કરો છો અને પરદેશીઓના ધિક્કારનું પાત્ર બની રહ્યા છો. તમારી નકામી બડાશોને વેગળી મૂકો. તમારી અતિ ઉચ્ચ ધાર્મિક કલ્પનાઓને આઘી ખસેડી નાખીને તમારી નબળાઇથી (નામર્દ સ્ત્રીની કુલિન પત્નિની પેઠે) તેને લજાઇ મરતી બચાવો. તમારા વ્યાવહારિક જીવનનાં કર્તવ્યોનોજ વિચાર કરો. પાશવ વૃત્તિઓનું જે સામ્રાજ્ય તમારા ઉપર ચાલી રહેલું છે તેથીજ હું તમને પ્રથમ જીવનકલહમાં ફતેહ મેળવવાનુ કહું છું. પ્રથમ તમારા શરીરને બળવાન બનાવવાની સલાહ આપું છું તેનું કારણ એ છે કે તેથી કરીને તમે તમારા મન ઉપર કાબુ મેળવવાને માટે શક્તિમાન થશો. હું વારંવાર કહું છું કે નિર્બળ મનુષ્યો આત્માનો સાક્ષાત્કાર કદીએ કરી શકવાના નથી. એકવાર મનુષ્ય પોતાના મનને વશ કરીને પોતે જ પોતાનો નેતા બની રહે તે પછી જ તેને તેનું શરીર બળવાન હોય કે નબળું હોય તેની બહુ દરકાર રાખવી પડતી નથી.”

સ્વામીજી હવે કલકત્તેથી બેલુરમઠમાં આવ્યા. બેલુરમઠ હવે અપૂર્વ આનંદ અને ભજન, ધ્યાન વગેરેનું સ્થાન બની રહ્યો હતો. પોતાના શિષ્ય શરદચંદ્રને સ્વામીજી વારંવાર કહેતા કે “અહીંઆં વારંવાર આવજે. ધાર્મિક ચર્ચાઓ અને સાધનોથી આ સ્થાન કેવું પવિત્ર બની રહેલું છે ? અહીંઆં તને પવિત્ર મનુષ્યોનો સમાગમ કરવાનું મળશે. પવિત્ર ભાગીરથીમાંથી અહીંઆં આવતી શીતળ પવનની લહેરો કેવી આનંદ અને આરોગ્યદાયક છે ? અહિંના જેવું બીજું સ્થળ તને આખા કલકત્તામાં કોઈ પણ જગ્યાએ મળશે ?”

તે દિવસોમાં સ્વામીજીએ “ઉદ્‌બોધન” નામનું બંગાળી માસિક શરૂ કર્યું. તેમના ગુરૂભાઈઓ અને શિષ્યોએ તેમાં બંગાળીમાં લેખો લખવાનું માથે લીધું. એક ગુરૂભાઈને–સ્વામી ત્રિગુણાતીતને–એ માસિકની વ્યવસ્થાનું કામ સોંપવામાં આવ્યું. સ્વામીજી જાતે પણ ઘણા ઉત્તમ લેખો લખવા લાગ્યા. એ માસિકમાં હિંદુ પ્રજાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુધારણા વિષેનાજ લેખો લખવાના હતા. સ્વામીજીનો દૃઢ આગ્રહ હતો કે કોઈ પણ ધર્મ કે પંથની વિરૂદ્ધ ચર્ચા કે લેખ તેમાં લખાવો ન જોઇએ. સાહિત્ય, તત્વજ્ઞાન, કવિતા અને કલાઓ ઉપર ચર્ચા કર્યા કરવા કરતાં તેનો લોકોની ઉન્નતિ કરવામાં સદુપયોગ કરવા માંડવો એવો સ્વામીજીનો વિચાર હતો. કોઈ પણ ધર્મને નિંદવો નહિ, કોઈને પણ તેની શ્રદ્ધામાંથી ડગાવવો નહિ અને વેદ અને વેદાન્તના ઉત્તમ સિદ્ધાંતોને સ્પષ્ટ રીતે, સાદામાં સાદી ભાષામાં અને સરલ વિચાર શૈલીમાં પ્રગટ કરવા એજ તેનો હેતુ હતો. સર્વત્ર ભ્રાતૃભાવ, સંપ અને શાંતિનેજ ફેલાવનારૂં આ માસિક બનવું જોઈએ એવો સ્વામીજીનો આગ્રહ હતો.

સ્વામીજીની તબીયત નાદુરસ્ત હોવાથી હવાફેર કરવા જવાનો તેમણે વિચાર કર્યો. પ્રથમ વૈદ્યનાથ જવું અને પછીથી ઉનાળામાં યૂરોપ તથા અમેરિકાના પ્રવાસે નીકળવું એવો તેમનો નિશ્ચય થયો. વૈદ્યનાથ ગયા પછી સ્વામીજી ત્યાં ઘણોખરો વખત એકાન્તવાસમાંજ ગાળતા. હજી પણ તે પુસ્તકોનું અધ્યયન કર્યા કરતા. તે કસરત કરતા અને ઘણો વખત ખુલ્લી હવામાં હરવા ફરવામાં ગાળતા. તેમને દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો અને તે કોઇ કોઈવાર તો જીવ નીકળી જાય એવી સખત પીડા કરતો હતો. વૈદ્યનાથમાં સ્વામીજી બાબુ પ્રિયાનાથ મુકરજીના અતિથિ થઇને રહ્યા હતા. એક વખત સાંજે સ્વામીજી અને સ્વામી નિરંજનાનંદ બહાર ફરવાને માટે ગયા હતા તે વખતે તેમણે રસ્તા ઉપર એક મનુષ્યને પડેલો જોયો. તે મનુષ્ય તદ્દન નિરાધાર હતો અને ટાઢથી ધ્રુજતો હતો. તેને સખત ઝાડો થતો હતો અને તેની પાસે જે એકજ ફાટલું ચીંથરા જેવું લુગડું હતું તે પણ ઝાડાથી બગડેલું હતું. તે માણસનું દુઃખ જોઇને સ્વામીજીનું દયાળુ હૃદય ભરાઈ આવ્યું. તેને શી રીતે મદદ કરવી એનો વિચાર સ્વામીજી કરવા લાગ્યા. તે પણ કોઈના અતિથિજ હતા, તેથી જેને ઘેર ઉતર્યા હોય તેને પૂછ્યા વગર એવા દર્દીને તેને ઘેર કેમ લઈ જવાય ? સ્વામીજી વિચારમાં પડ્યા. શું કરવું તે એમને સૂઝે નહિ, તેમજ તે માણસને એમને એમ મૂકીને તેમનાથી એક ડગલું આગળ ભરાય નહિ. આખરે તે દર્દીને પોતાને મુકામેજ લઈ જવાનો તેમણે નિશ્ચય કર્યો. બંને મળીને પેલા દર્દીને પોતાને મુકામે લઇ ગયા. ત્યાં તેને એક ઓરડીમાં લઈ જઈને સ્વામીજીએ તેનું તમામ શરીર ધોઈ નાખ્યું અને પછી તેને એક સ્વચ્છ કપડું પહેરાવડાવીને દેવતાથી ખૂબ શેક કરવા માંડ્યો. ઘણા વખત સુધી સ્વામીજીના ગુરૂભાઈઓએ તે દર્દીની માવજત કરી અને તે સાજો થયો, બાબુ પણ આ બનાવથી ઘણાજ રાજી થયા હતા.

વૈદ્યનાથમાં રહીને પણ સ્વામીજી પોતાના શિષ્યોને પત્ર લખી અનેક પ્રકારનો બોધ આપી રહ્યા હતા. તેમનાં એક બંગાળી શિષ્યા ઉપર લખેલો એક પત્ર ખાસ જાણવા જેવો હોવાથી તેમાંનો કેટલોક ભાગ નીચે આપ્યો છે.

“તમારા પત્રમાં તમે કેટલાક અગત્યના પ્રશ્નો પૂછેલા છે……રૂષિ, મુનિ અથવા ઈશ્વર–કોઈપણ, સમાજને અમુક રીતરિવાજો કે નિયમોના બંધનમાં લાવી મૂકવાને શક્તિમાન નથી. જેમ જેમ સમય બદલાતો જાય છે અને જેમ જેમ નવી નવી જરૂરીઆતો ઉભી થતી જાય છે તેમ તેમ સમાજ સ્વરક્ષણને માટે આપો આપજ જુદા જુદા રિવાજોને ગ્રહણ કરતી જાય છે. રૂષિઓએ તો માત્ર તેવા રિવાજોને નોંધી રાખેલા છે. કેટલીકવાર એક મનુષ્ય જેમ સ્વરક્ષણને માટે તત્કાળમાં ફાયદાકારક પણ લાંબે સમયે નુકસાન કરે એવા રિવાજોને પણ સ્વીકારી લે છે, તેમ કેટલીકવાર આખી સમાજ પણ તાત્કાલિક લાભને માટે અમુક રિવાજોને ગ્રહણ કરી લે છે.” દાખલા તરીકે આપણા દેશમાં વિધવાવિવાહનો પ્રતિબંધ છે તે લ્યો. એમ નહિ ધારતાં કે આપણા રૂષિ મુનિઓએ કે બીજા દુષ્ટ મનુષ્યોએ એવો પ્રતિબંધક કાયદો ઘડેલો છે. પણ જ્યારે સમાજને તેવા કાયદાની જરૂર પડી હશે ત્યારેજ તે કાયદો અમલમાં આવ્યો હશે. વિધવાવિવાહ સંબંધી બે બાબતો લક્ષ્યમાં લેવા જેવી છે. એક તો એકે હલકી કોમોમાંજ વિધવાઓ પુનર્લગ્ન કરે છે અને તે કોમોમાં સ્ત્રીઓ કરતાં પુરૂષોની સંખ્યા વધારે હોય છે તેથી એ પ્રમાણે કરવામાં આવે તોજ સઘળા પુરૂષોને સ્ત્રીઓ મળી શકે છે. બીજી બાબત એ છે કે ઉંચ વર્ગોમાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે અને તેથી દરેક કુંવારી કન્યાને પણ અકેક વર મળવો મુશ્કેલ હોય; એટલે પછી વિધવાઓને માટે બીજી વારનો વર તો કાઢવોજ ક્યાંથી ? આથી ઉંચ વર્ગોમાં કુંવારી કન્યાઓ અવિવાહિત ન રહી જાય તેટલા માટે વિધવાવિવાહનો પ્રતિબંધ સ્વાભાવિક રીતેજ ઠીક થઈ પડે છે. ઉપલું ધોરણ નહિ જળવાયાથીજ આપણે જોઈએ છીએ કે પશ્ચિમમાં કુંવારી કન્યાઓને માટે પતિ મેળવવાનું કાર્ય દિવસે દિવસે ઘણુંજ અઘરૂં થતું જાય છે.”

“હિંદુઓમાં ચાલતા વર્ણાશ્રમ અને બીજા એવા સામાજીક રિવાજોનું પણ ઉપર પ્રમાણેજ સમજવું. તેટલા માટે જે કોઈપણ સામાજીક રિવાજને બદલવાની જરૂર લાગતી હોય તો તેની ઉત્પત્તિનું મૂળ પ્રથમ શેાધી કહાડવું જોઈએ; અને તે મૂળને બદલી નાંખવાથી રિવાજ પણ એની મેળેજ નષ્ટ થઈ જશે. આ પ્રમાણે ન કરતાં માત્ર તે રિવાજનો ધિક્કાર કર્યા કરવાથી તો કશુંજ વળનાર નથી.” “હવે સ્વતંત્રતા એટલે શું ? સમાજનાં સઘળાં મનુષ્યોને દ્રવ્ય, કેળવણી અને જ્ઞાન સંપાદન કરવાને માટે એક સરખી તક અને છુટ મળે એનુંજ નામ સ્વતંત્રતા આપી કહેવાય. પરંતુ કેટલાક એમ કહે છે કે જો અભણ અને ગરિબને પણ પુરેપુરૂં સ્વાતંત્ર્ય આપવામાં આવે, તેમનાં શરીર અને દ્રવ્ય સંબંધી તેમને સઘળી છુટ આપવામાં આવે અને તેમનાં છોકરાંને ધનવાનોનાં છોકરાંની માફક કેળવણી લેવાની અને પોતાની સ્થિતિ સુધારવાની તક આપવામાં આવે, તો તેઓ ફાટી જાય. ઈંગ્લાંડમાં પણ લોકો કહે છે કે જો નીચલા વર્ગોને પણ સરખા પ્રમાણમાંજ કેળવવામાં આવે તો પછી અમારી ચાકરી કોણ કરે ? આનો અર્થ શું ? મુઠીભર ધનવાન લોકોના મોજશોખને માટે હજારો અને લાખો સ્ત્રીપુરૂષોને અજ્ઞાનમાં અને દારિદ્ર્યમાં રાખવાં, કારણકે જો તેમને ધન અને કેળવણી મળે તો સમાજ ઉંધી વળી જાય !! પરંતુ સમાજ કોની બનેલી છે ? કેટલાક ઉંચ વર્ગના મનુષ્યોની કે લાખો સ્ત્રીપુરૂષોના સમૂહની ? ધારો કે ઉપલી વાત ખરી હોય, તોપણ આપણેજ બીજાઓના નેતા છીએ એવો દાવો કરવાનો આપણને શો અધિકાર છે ? શું આપણે સર્વજ્ઞ છીએ ?”

‘उद्धरेदात्मनात्मानस्’ આત્માવડે આત્માનો ઉદ્ધાર કરો. દરેક મનુષ્યને તેની મુક્તિને માટે પ્રયાસ કરવા દો. એનું નામ જ સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય છે. મુક્તિને માર્ગે પ્રયાણ કરવું એજ મોટામાં મોટો લાભ છે. મુક્તિ તરફ પોતે જાતે પ્રયાણ કરવું–શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક મુક્તિને પ્રાપ્ત કરવી–અને બીજાઓને તેમ કરવામાં મદદ કરવી એજ મનુષ્યનો મોટામાં મોટો કલ્યાણનો માર્ગ છે. જે સામાજીક નિયમો મનુષ્યના એવા વિકાસની આડે આવે છે તે અવશ્ય અહિતકર છે અને તેના નિયમોનો નાશ કરવાને જલદીથી પગલાં લેવાં જોઈએ. જે સંસ્થાઓ મનુષ્યની મુક્તિનો માર્ગ ખુલ્લો કરી આપે છે તે સંસ્થાઓનેજ ઉત્તેજન આપવું જોઇએ.”

સ્વામીજી ફરીથી અમેરિકા ગયા તે પહેલાં થોડો વખત તે કલકત્તામાં રહ્યા હતા. ત્યારે તેમના ઉપર અનેક પત્રો આવતા હતા તે પૈકી મુંબાઇના પ્રખ્યાત વ્યાપારી અને ધનાઢ્ય પુરૂષ સર જમસેદજી નસરવાનજી ટાટાનો વિશેષ જાણવા જેવો હોવાથી તે નીચે આપ્યો છે.

“વ્હાલા સ્વામી વિવેકાનંદ,

“હું ધારૂં છું કે તમને યાદ હશે કે જાપાનથી ચિકાગો જતાં આપણે સાથેજ મુસાફરી કરી રહ્યા હતા. હિંદમાં ત્યાગી થઈ જવાની વૃત્તિ ઘણું ખરૂં જોવામાં આવે છે; એ વિષય ઉપર તમે જે વિચારો દર્શાવ્યા હતા તે હજીપણ મને ઘણાજ યાદ આવે છે. એ ત્યાગવૃત્તિનો નાશ ન કરવો પણ તેને એવે રસ્તે લઈ જવી કે તે લોકોને ઉપયોગી થઈ રહે; અને એમ કરવું એ આપણી ફરજ છે એવું તમે કહેતા હતા તે પણ મને બરાબર સાંભરે છે.”

“હિંદમાં વિજ્ઞાનની શોધ કરવાને માટે એક સંસ્થા સ્થાપવાનો મારો જે વિચાર છે તે વિષે તમે સાંભળ્યું હશે અથવા વર્તમાનપત્રોમાં વાંચ્યું હશે. એ સંસ્થાની યોજનાનો વિચાર કરતાં મને તમારા વિચારો ઘણા યાદ આવે છે. મને લાગે છે કે એ ત્યાગવૃત્તિનો સૌથી સારામાં સારો ઉપયોગ નીચે પ્રમાણે થઈ શકશે:– ત્યાગવૃત્તિવાળા મનુષ્યોને માટે મઠો અથવા છાત્રાલયો બાંધવાં જોઇએ. ત્યાં તેઓ રહે, સામાન્ય સભ્ય જીવન ગાળે અને પોતાનો સઘળો સમય વિજ્ઞાનશાસ્ત્ર તથા ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરે બીજી વિદ્યાઓના ઉંચા અભ્યાસ અને શોધમાં વ્યતીત કરે. મારો મત એવો છે કે જો કોઈ કાર્યદક્ષ પુરૂષ એ કામને પોતાને માથે ઉપાડી લે અને દેશની ત્યાગવૃત્તિને સારે માર્ગે દોરે તો તેથી ત્યાગવૃત્તિ અને વિજ્ઞાનશાસ્ત્ર ઉભયને અનેક રીતે ઉત્તેજને મળે અને આપણી માતૃભૂમિની કીર્તિ વધે. એ કામને ઉપાડી લેવાને સ્વામી વિવેકાનંદ જેવો કુશળ મનુષ્ય બીજો કોણ છે ? હું તો કોઈ બીજો જોતોજ નથી. એ બાબતમાં આપણી પ્રાચીન દંતકથાઓને સજીવન કરવાનું કાર્ય તમે કરશો ? આરંભમાં એક જુસ્સાદાર માસિક પ્રગટ કરીને લોકોને એ બાબતમાં જાગૃત કરશો તો ઠીક થશે. હું ઘણીજ ખુશીથી એ માસિક પ્રસિદ્ધ કરવાનું ખર્ચ આપીશ.

તા. ૨૩ નવેમ્બર ૧૮૯૮.
એપ્લેનેડ હાઉસ, મુંબાઈ.
હું છું તમારો,
જમસેદજી ન. ટાટા