સ્વામી વિવેકાનંદ/મઠમાં સંન્યાસીઓની કેળવણી

વિકિસ્રોતમાંથી
← નવા મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદ
મઠમાં સંન્યાસીઓની કેળવણી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ફરીથી અમેરિકા જવું →


પ્રકરણ ૫૫ મું — મઠમાં સંન્યાસીઓની કેળવણી.

સ્વામી વિવેકાનંદ હિંદના પ્રાચીન તત્વજ્ઞાનની અને આચાર વિચારની મહત્તા જેમ પુરેપુરી સમજતા હતા તેમ પશ્ચિમના સામાજીક સેવાના સિદ્ધાંતોને પણ તે પુરેપુરૂં મહત્વ આપતા હતા. એથી કરીને આપણે જોઇશું કે મઠના સંન્યાસીઓને કેળવવામાં તેમણે હિંદના પ્રાચીન શિક્ષણની સાથે પશ્ચિમના સિદ્ધાંતોમાંથી પણ તેમને જે કંઇ શ્રેષ્ઠ અને આધુનિક સમયને ઉપકારક થાય તે સઘળું ભેળવેલું છે. હિંદુ શાસ્ત્રોમાં કહેલાં ઈશ્વર પ્રાપ્તિનાં સાધનો–યમ, નિયમ, આસન, ધ્યાનાદિમાં–તેમણે પશ્ચિમનું સામાજીક સેવાનું એક ખાસ મહત્વનું તત્વ ઉમેર્યું છે. ઈશ્વર ભક્તિમાં સઘળો સમય વ્યતિત કરનારાઓને તેમણે કર્તવ્ય પરાયણતા, સ્વદેશપ્રીતિ અને લોકસંગ્રહનું ભાન પણ કરાવ્યું છે. પ્રભુ માત્ર મંદિરોમાંજ નથી, પણ તે સર્વત્ર રહેલો છે. મંદિરોમાં મૂર્તિને પૂજવાથી પ્રભુ ખુશી થાય છે. તેના કરતાં તે લૂલાં, લંગડાં, પાંગળાં, અપંગ, નિરાધાર, ગરિબ વગેરેની સેવા કરવાથી વધારે રાજી થાય છે એમ તેમણે સમજાવ્યું છે. આધુનિક સમયમાં સાધુઓ દુઃખીઓનાં દુઃખ પ્રત્યે અને દેશની દુર્દશા પ્રત્યે ખાસ લાગણી ધરાવતા હોય એવું ભાગ્યેજ જોવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે પોતાના ઉપદેશ અને ચારિત્ર વડે તેમને એ વિષયનો પાઠ ઉત્તમ પ્રકારે શિખવ્યો છે. ઉંચા પ્રકારની સ્વદેશપ્રીતિનો રસ તેમણે સૌના હદયમાં રેડેલો છે. વળી આધુનિક સમયમાં સાધુઓ જ્યાં ત્યાં મોક્ષનીજ વાતો કરી રહેલા છે, પરંતુ તેનો પોત પોતાની પ્રકૃતિને બંધ બેસતો થઈ પડે તે યથાર્થ ક્રમ કે જેને ભગવદ્‌ગીતાએ "સ્વધર્મ” નું નામ આપેલું છે તેના અજ્ઞાનને લીધે ઘણાજ સાધુઓ ભળતી બાબતોમાંજ ગોથાં ખાઈ રહેલા જણાય છે, તો કેટલાક કંટાળીને નિરાશાના ઉદ્‌ગાર કહાડતા જણાય છે. કેટલાક આત્માનુભવની વાત નહિ સમજીને માત્ર મોઢાના અહં બ્રહ્માસ્મિનો જપ પકડી બેઠેલા છે તો કેટલાક ધર્મને બદલે કનક કામિનીના મોહમાં પડી ગયેલા છે. રામકૃષ્ણ મિશનના સાધુઓ પણ તેવા ન થઈ પડે તેટલા માટે સ્વામી વિવેકાનંદે તેમના મઠના સંન્યાસીઓના મગજમાં દૃઢપણે ઠસાવ્યું છે आत्मानो मोक्षार्थं जगद्गिताय च ॥ અર્થાત્‌ સાધુ સન્યાસીઓનું જીવન પોતાનો મોક્ષ સાધવાને અને જગતનું હિત કરવાને માટેજ છે. લોકસેવા એ પણ પ્રભુ સેવાજ હોઇને વર્તમાન સમયમાં ઘણાખરા જીજ્ઞાસુઓ અને ભક્તોને માટે મોક્ષ પ્રાપ્તિનો તેમની પ્રકૃતિને બંધ બેસતો એજ માર્ગ છે એમ સર્વેને તેમણે સારી પેઠે સમજાવી આપ્યું છે. પોતાના દૃષ્ટાંત અને ચારિત્રથી સ્વામીજીએ વર્તમાન સમયના સાચા સંન્યાસીની આબાદ રૂપરેખા આંકી બતાવી છે. જો કોઈપણ બાબતથી સ્વામી વિવેકાનંદ અન્ય સંન્યાસીઓથી જુદા પડતા હોય તો તે તેમનું અપૂર્વ જીવનજ હતું. એ જીવન સદા ઉદ્યોગી હતું. પવિત્રતા, દૃઢ વૈરાગ્ય અને પરહિતની લાગણીથી તે ભરપુર હતું. આળસનો લેશ પણ અંશ તેમાં દેખાતો નહિ. સ્વામીજી તેમના શિષ્યોને જે કાંઈ બોધ આપતા તેના કરતાં પણ પોતાના ચારિત્ર્યથી તેમનું ચારિત્ર્ય વધારે ઘડતા. તેમનું ચારિત્ર્ય તેમના શિષ્યોને મન અનેક પ્રકારના બોધોનો સાક્ષાત્‌ ભંડાર થઈ રહ્યું હતું. મુખથી બહુ નહિ પણ ચારિત્ર્યથીજ કેળવણી આપવી એ હિંદના પ્રાચીન રૂષિઓનો જે મહત્વનો સિદ્ધાંત હતો તે સ્વામીજીએ સારી રીતે અમલમાં લાવી બતાવ્યો હતો.

ચારિત્ર્યથીજ ચારિત્ર્યને ઘડવું એ પદ્ધતિ કેળવણીમાં કેટલી બધી અગત્યની છે ? હિંદની કેળવણીમાં એ પધ્ધતિની કેટલી બધી જરૂર છે ? ગુજરાતમાં અને બીજા પ્રાંતોમાં આપણા અનેક જાણીતા માણસો સારી પેઠે વિદ્વતા ધરાવવા સાથે ઘરમાં પણ બે પૈસે સુખી હોવા છતાં પોતાના જ્ઞાન અને ચારિત્ર્યને વહેંચવાને બદલે વેચવાનું જ કામ કરતા જોઈએ છીએ, ત્યારેજ સ્વામી વિવેકાનંદ, રામતીર્થ અને દયાનંદ જેવા મહાત્માઓની મહત્તાનો આપણને કેટલોક ખ્યાલ આવી શકે છે. સ્વામીજી કોઈવાર પોતાના શિષ્યો પાસે રસોઈ કરાવતા. કોઈવાર પોતે જાતેજ રસોઈ બનાવીને તેમને જમાડતા. તેઓ નિયમિત અને સ્વાશ્રયી બને તેવાં કાર્યો તેમની પાસે તે કરાવતા. નાનામાં નાના કાર્યમાં પણ પુરતી કાળજીથી–ચિત્તને એકાગ્ર કરીને જ કામ–કરવાની ટેવ તેમને પાડતા. કેટલાકને ઉપદેશકો બનાવવાને માટે વક્તૃત્વશક્તિ પ્રાપ્ત કરવાનું તે શિખવતા અને તેમની પાસે વ્યાખ્યાનો અપાવતા. સ્વામીજી તેમની કેળવણીમાં ઘણા સખત થતા. નિયમોનું યથાર્થ પાલન તે શિષ્યો પાસે કરાવતા અને તેમાં લેશ માત્ર પણ શિથિલતાને તે સહન કરતા ન હોતા. સ્વામીજીમાં મોટામાં મોટો ગુણ એ હતો કે તે કોઈપણ મનુષ્યથી કે બાબતથી ડરતા ન હતા. નિરાશાને તો તે સમજતાજ ન હતા. શારીરિક સામર્થ્ય, માનસિક સામર્થ્ય અને આધ્યાત્મિક સામર્થ્ય એજ તેમનું જીવન સુત્ર હતું. એ સામર્થ્ય પોતાના શિષ્યોમાં લાવવાને અને તેમને નિડર બનાવવાને સ્વામીજી ઘણીજ કાળજીથી પ્રયત્ન કરતા. તેમની પાસે અનેક કાર્યો કરાવી તેમના ડર તે ટાળતા. ગમે તેવું કઠણ કાર્ય હોય તેને કરવાની અને ગમે તેવું સંકટ હોય તેની સામે થવાની હિંમત તેમનામાં તે ઉત્પન્ન કરવા મથતા. સ્વામીજી દૃઢપણે માનતા કે મનુષ્યના આત્મામાં અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે. તે શક્તિઓને શી રીતે પ્રગટાવવી એજ માત્ર સવાલ છે. મનુષ્યમાં આત્મશ્રદ્ધા જાગૃત થવાથી તે શક્તિઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. એ આત્મશ્રદ્ધા તેમના શિષ્યોમાં જાગૃત થાય તેવી રીતે સ્વામીજી તેમને શિક્ષણ આપતા. પણ સઘળું કાર્ય  સ્વામીજી અત્યંત પ્રેમથીજ લેતા. પોતાના શિષ્યોમાં કંઈપણ સારા સદ્‌ગુણ જેવું જણાય તો તેનાં તે વખાણ કરવા ચૂકતા નહિ અને તેમના દોષોને તે બને ત્યાં સુધી ઢાંકીજ રાખતા. ગુરૂ અને શિષ્ય વચ્ચે જ્યાં આવો સંબંધ બંધાઈ રહ્યો હોય ત્યાં ગુરૂના મુખમાંથી નીકળતો દરેક શબ્દ, તેમનું દરેક કર્મ, તેમના દરેક વિચારો અને હેતુઓ, શિષ્યના હૃદયમાં અલૌકિક પ્રકાશ પાડી અપૂર્વ બળને ઉત્પન્ન કરે છે. તેના અહંકારનો નાશ થઈ આત્માનો અત્યંત વિકાસ થઈ રહે છે. આ વખતે આખા મઠમાં એક પ્રકારનો નવીન જુસ્સો વ્યાપી રહ્યો હતો. મઠની આંતર્‌ વ્યવસ્થા સ્વામી શારદાનંદ રાખતા હતા. સ્વામીજીએ તેમને તે કાર્યને માટે અમેરિકાથી પાછા બોલાવ્યા હતા. સ્વામી શારદાનંદ પશ્ચિમની સંસ્થાઓ અને તેની વ્યવસ્થા વગેરેનો બારીક અભ્યાસ કરીને આવ્યા હતા. સ્વામીજીના કહ્યા પ્રમાણે મઠની સઘળી આંતર્ વ્યવસ્થા તે રાખતા હતા. અમેરિકામાં તેમની હાજરીની જરૂર હતી પણ રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક બેલુરમઠ હતું અને તેની વ્યવસ્થા પ્રથમ સારા પાયા ઉપર મૂકાવી જોઈએ એવો સ્વામીજીનો વિચાર હોવાથી તે કામ કરવાને માટે શારદાનંદને બોલાવવામાં આવ્યા હતા. શિષ્યોના અધ્યયનને માટે વર્ગો લેવામાં આવતા હતા અને તેમાં સંસ્કૃત સાહિત્ય તથા પૂર્વ અને પશ્ચિમનાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવામાં આવતો. વળી ધ્યાન, યોગાદિને માટે પણ અમુક સમય રાખવામાં આવ્યો હતો. અભ્યાસ કરાવવાનું કામ શારદાનંદને સોપવામાં આવ્યું હતું અને મઠનું બીજું કામકાજ યુવાન બ્રહ્મચારીઓ અને સાધુઓને સોંપવામાં આવ્યું હતું. તેઓ પોતાની મેળે સઘળા કામની વ્યવસ્થા કરી લેતા. સ્વામીજીનો વિચાર એવો હતો કે જ્યાં સુધી તેમને સ્વાતંત્ર્ય આપવામાં નહિ આવે અને જ્યાં સુધી તેમને માથે જવાબદારી સોંપવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ સ્વાશ્રયી બનશે નહિ, જેથી યુવાન સાધુઓ અને બ્રહ્મચારીઓનું એક મંડળ બનાવીને તેઓ દર મહિને મંડળનો એક અધ્યક્ષ પોતાનામાંથી નીમે અને તે અધ્યક્ષ મઠની સઘળી જરૂરીઆતોને માટે જવાબદાર રહે એવી યોજના કરવામાં આવી હતી. આ અધ્યક્ષ કામની વહેંચણી કરતો અને તેના કહ્યા પ્રમાણે સર્વે પોત પોતાની દરરોજની ફરજ બજાવતા. દરેક જણને દિવસમાં કેટલોક સમય સાધના કરવાને માટે આપવામાં આવતો. અધ્યક્ષની દેખરેખ નીચે મઠનું સઘળું કાર્ય વ્યવસ્થાસર અને સફાઈબંધ કરવામાં આવતું. માંદા માણસોની પણ બરાબર માવજત કરવામાં આવતી. મઠના સાધુઓનું કાર્ય જોઇને સ્વામીજીને હવે સંતોષ થવા લાગ્યો. સ્વામીજી સર્વેના નેતા હતા, સર્વેના આદર્શ હતા અને સર્વે બાબતોમાં ભાગ લેતા હતા. ઘડીકમાં પોતાના શિષ્યો સાથે તે વર્ગોમાં બેસતા, ઘડીકમાં મઠનું કાર્ય કરતા અને બ્રહ્મચારીઓને સલાહ આપતા; અને ઘડીકમાં સર્વેને ઉત્તેજન ભર્યા શબ્દોથી શાબાશી આપતા જણાતા.

એ દિવસોમાં સ્વામીજી મુખ્ય કરીને સંન્યાસીના જીવનના આદર્શો અને રહેણી કરણી વિષેજ શિષ્યોને બોધ આપતા જણાતા. તે તેમને સંન્યાસીની ફરજો સમજાવતા અને સંન્યાસરૂપી જે મહાવ્રત તેમણે લીધેલું હતું તેની જવાબદારીઓ તેમના મનમાં ખૂબ ઠસાવતા. સંન્યાસીના જીવનનું ગૌરવ અને તેની શક્તિઓ પણ સાથે સાથે તેમની દૃષ્ટિએ લાવતા. સ્વામીજી તેમને વારંવાર કહેતા કે “તમારૂં બ્રહ્મચર્ય તમારી નસોમાં વ્યાપી રહેલા અગ્નિના જેવું તેજસ્વી હોવું જોઇએ. યાદ રાખો કે મુક્તિ અને જનસેવા એ તમારો આદર્શ છે.” જગતના સુખને માટે પોતાના સુખનો ત્યાગ કરવો એનુંજ નામ વૈરાગ્ય છે.

તેઓ ઉપદેશતા કે આત્મમશ્રદ્ધાવાળા મનુષ્યને માટે કશુંએ અશક્ય નથી. તે દર્શાવતા કે “જગતનો આખો ઇતિહાસ થોડાંક આત્મશ્રદ્ધાવાળાં મનુષ્યોનોજ ઇતિહાસ છે. એ આત્મશ્રદ્ધાથી તમારામાં જે દેવત્વ જાગૃત થાય છે તેના વડે તમે ગમે તે કરી શકો તેમ છો. એ અપરિમિત શક્તિને પ્રગટાવવાનો જો તમે પુરેપુરો પ્રયાસ ન કરો તોજ તમે નિષ્ફળ થાવ. આત્મશ્રદ્ધાને ખોનાર મનુષ્ય કે પ્રજાનો જલદીથી નાશ થઈ જાય છે.”

“પ્રથમ તમારા પોતાનામાં શ્રદ્ધા રાખો અને પછી ઈશ્વરમાં. આત્મશ્રદ્ધાવાળાં મુઠ્ઠીભર મનુષ્યો આખા જગતને ધ્રુજાવવાની શક્તિમાન છે. લાગણીવાળા હૃદયની, વિવેકવાન બુદ્ધિની અને કામ કરવાને સશક્ત શરીરની આપણને જરૂર છે. જ્યારે બુદ્ધિ કંઈક કહે અને હૃદય કંઈક કહે ત્યાં હૃદયનું જ કહ્યું કરો.”

સ્વામીજી તેમને વારંવાર સમજાવતા કે ખરેખર ત્યાગી હોય છે તેજ જગતમાં મોટાં કાર્યો કરી શકે છે. માટે ખરેખરા સાધુના લક્ષણ-વૈરાગ્ય, પવિત્રતા અને સાદાઈ–એ સર્વેનો સુયોગ આપણે આપણામાં સાધવો જોઇએ. સ્વામીજી એમજ માનતા હતા કે સ્વાર્થ દૃષ્ટિથી કરેલું કામ કામજ નથી. પારમાર્થિક દૃષ્ટિએ કરેલું કાર્ય જ નિત્ય અને શ્રેષ્ઠ ફળને આપનાર નિવડે છે.

લોકસેવા કેવી રીતે કરવી એ વિષે સ્વામીજી અનેક વાર ચર્ચા કરતા. અપંગ અને નિરાધારોનું પોષણ કરવું, આપત્તિના સમયમાં આશ્રય આપવો, માંદાઓની માવજત કરવી, વ્યાધિથી દૂષિત થયેલા ગામમાં સુખકારી સ્થાપવાના ઉપાયો યોજવા, અનાથાશ્રમો ઉઘાડવાં, દવાખાનાં સ્થાપવાં, કેળવણીનાં મથકો બંધાવવાં એવી એવી અનેક બાબતોને તે તેમના શિષ્યોના મગજમાં ઠસાવતા. સ્વામીજીના આગ્રહથી એ સઘળી બાબતો રામકૃષ્ણ મિશનના કાર્યક્રમમાં ક્રમમાં દાખલ કરવામાં આવેલી છે. આજે પણ આપણે જોઇ શકીશું કે ભારતવર્ષના અનેક ભાગોમાં રામકૃષ્ણ મિશનના સાધુઓ યથાશક્ય કાર્ય બજાવી રહેલા છે. કોઈપણ સ્થળેથી દુઃખનો કે આફતનો પોકાર આવ્યો કે તરતજ બેલુર મઠના સાધુઓ સહાય આપવાને તે સ્થળે જઈ પહોંચે છે અને દુઃખીઓનાં દુઃખ હરે છે.

મઠમાં શિષ્યોને ફક્ત ધાર્મિક કે વ્યવહારિક વિષયોનું મોઢાનુંજ જ્ઞાન આપવામાં આવતું એમ નહિ, પણ તેમની પાસે બાગનું કામ કરાવવામાં આવતું, તથા ઢોર અને બીજાં પશુઓને કેવી રીતે સંભાળવાં અને ઉછેરવાં તે પણ તેમને શીખવવામાં આવતું. તેમની રસવૃત્તિ ખીલવવાને તેમને સંગીત શિખવવામાં આવતું. વળી તેમની શારીરિક ઉન્નતિ સાધવાને સ્વામીજી તેમની પાસે કસરત કરાવતા અને હોડી હંકારાવતા. તે કહેતા કે “ધાર્મિક પુરૂષોમાંથીજ મારે ખલાસીઓ અને ખાણ ખોદનારાઓની ફોજ ઉભી કરવી છે. એથી કરીને મારા દીકરાઓ, તમારી ભુજાઓને બળવાન બનાવો. યોગીઓ ભલે શરીરને દુર્બળ કરે, પણ જેમને કામ કરવાનું છે તેમણે તો બાહુઓને વજ્ર સમાન બનાવવા જોઈએ.” વળી શિષ્યો હિંદના સામાજીક અને ધાર્મિક સવાલો ઉપર પુરેપુરો વિચાર કરતાં શિખે અને પૂર્વ–પશ્ચિમનાં આદર્શોનો સુયોગ સાધી શકે તે માટે સ્વામીજી તેમની પાસે તે બાબતોનો અભ્યાસ પણ કરાવતા.

અખંડ બ્રહ્મચર્યની સાથે વૈરાગ્યનું પાલન કરવાથી હૃદયમાં જ્ઞાનનો શ્રેષ્ઠ પ્રકાશ પડી રહે છે અને આત્માનો સાક્ષાત્કાર સત્વર થાય છે, એ વાતને શિષ્યોના મગજમાં ઠસાવવાનું સ્વામીજી કદીએ ચુક્તા નહિ. સાધુઓએ પોતાના જીવનમાં પ્રકૃતિ સામે અનેક પ્રકારનાં યુદ્ધ કરવાનાં છે અને આંતર્ વૃત્તિઓ ઉપર જય મેળવવાનો છે, માટે તેમણે સાત્વિક તપસ્યા કરીને મનોનિગ્રહ અને એકાગ્રતાને સાધવાનાં છે; વગેરે બાબતોને પણ સ્વામીજી સારી રીતે સમજાવતા. કોઈ શિષ્યને એકાંતમાં ધ્યાન કે તપ કરતો જોઈને તે ઘણાજ ખુશી થતા. એક વખતે એક સંસારી પુરૂષે એક આધ્યાત્મિક પ્રશ્ન કરતાં સ્વામીજીએ કહ્યું કે “જાઓ અને તમારા ચિત્તની શુદ્ધિ કરવાને તપ કરો, એટલે પછીથી તમારે આવા પ્રશ્નોજ નહિ કરવા પડે.”

બ્રહ્મચર્યાશ્રમનું સખ્ત પાલન સર્વે એ કરવું એવો સ્વામીજીનો દૃઢ આગ્રહ હતો. બ્રહ્મચારી તરીકે તેઓએ સખત નિયમો પાળવા અને બ્રહ્મચર્યાશ્રમને માટે દર્શાવેલા આહાર વિહારના નિયમો પ્રમાણેજ જીવન ગાળવું એવો સખત હુકમ સ્વામીજીએ સર્વે કરી દીધો હતો.

તેઓ કહેતા કે બ્રહ્મચર્યાશ્રમનું બરોબર પાલન કર્યા પછી ગૃહસ્થાશ્રમી થવું કે સંન્યાસી થવું એ દરેકની મરજીની વાત છે, પણ ઢોંગી સાધુ બનીને સંન્યાસાશ્રમને લાંછન લગાડવું એ તો અતિશય ખરાબ હોઈ એના કરતાં તો ગૃહસ્થાશ્રમી થવું હજાર દરજ્જે સારૂં છે. વળી તેમણે સવારમાં વહેલા ઉઠવું. સંધ્યાવંદનાદિ તથા ધ્યાન નિયમિત રીતે કરવું. તપસ્યા કરવામાં પણ ખાસ કરીને અમુક સમય ગાળવો. શરીરને આરોગ્ય રાખવાને પુરતો પ્રયાસ કરવો. ભોજન લેવામાં નિયમિત થવું. હંમેશાં તેમણે ધાર્મિક વિષયો ઉપરજ વાતો કરવી. પશ્ચિમના મઠોમાં વર્તમાનપત્રો વાંચવામાં આવે છે તે પણ તેમણે કેટલોક વખત પડતું મૂકવું અને ગૃહસ્થાશ્રમીઓ જોડે પણ વધારે ભળવું નહિ, એવો બોધ પણ સ્વામીજી આપતા. વળી તેઓ કહેતા કે સંસારી મનુષ્યોએ મઠના કામમાં જરાએ હાથ ઘાલવાનો નથી. સંન્યાસીને ધનવાન લોકોનું કશુંએ કામ નથી. તેણે તો દીનદુઃખી પ્રત્યેજ ફરજ બજાવવાની છે. આપણા દેશના સંન્યાસીઓએ ધનવાનોને માન આપી તેમની પાસેથી આશ્રયની ઈચ્છા રાખવા માંડી તેથીજ આજે આખો સંન્યાસાશ્રમ બગડી રહેલો છે. ખરા સંન્યાસીએ તો એ વાતથી દૂરજ રહેવું જોઇએ. એવા વર્તનવાળા સંન્યાસી વેશ્યાના જેવા હોઈ તેનો સંન્યાસ મિથ્યા ઢોંગરૂપજ છે. શ્રીરામકૃષ્ણ મહાકાળી પ્રત્યે રોઈને પ્રાર્થના કરતા કે જેમણે કામિની–કાંચનનો ત્યાગ કરેલો છે એવા માણસોનેજ તે તેમની પાસે વાત કરવાને મોકલે. તે કહેતા કે “સામાન્ય રીતે સંસારીઓ કદીએ પ્રમાણિક હોઈ શકે નહિ. તેમને હંમેશાં કંઇને કંઈ સ્વાર્થ વળગેલોજ હોય છે. કોઇપણ ધાર્મિક સંસ્થાનો નેતા થઇને બેસનાર ગૃહસ્થાશ્રમી ધર્મને નામે પોતાનોજ સ્વાર્થ સાધવાને મથે છે. પરમાર્થને ઓથે તે સ્વાર્થને છુપાવે છે અને આખરે પરિણામ એ આવે છે કે તે સંસ્થા અંદરથી તદ્દન નિઃસત્વ અથવા સડેલી બની રહે છે. ગૃહસ્થાશ્રમીઓના ઉપરીપણા નીચે ચાલતી સઘળી ધાર્મિક સંસ્થાઓની એવી જ સ્થિતિ થાય છે. વૈરાગ્ય વગર ધર્મ ટકી શકતોજ નથી.”

શ્રીરામકૃષ્ણનું આ કહેવું સ્વામીજી કહી સંભળાવીને પછી કહેતા કે આ ઉપરથી બ્રહ્મચારીઓએ અને સંન્યાસીઓએ પોતાને ગૃહસ્થાશ્રમી કરતાં ચ્હડીયાતા માની લઈ ફુલાઈ જવાનું નથી. કારણ કે કેટલાક ઉત્તમ ચારિત્રવાળા ગૃહસ્થાશ્રમીઓ તેમના વ્હાલામાં વ્હાલા મિત્રો હતા અને તેમનું જીવન સંન્યાસીઓને પણ આદર્શરૂપ થઇ પડે તેવું હતું. સ્વામીજી કોઈ કોઈવાર કહેતા કે “આદર્શ ગૃહસ્થાશ્રમીની મહત્તા હું સારી પેઠે સમજું છું. એવો ગૃહસ્થાશ્રમી પોતે વસ્તુઓનો સદુપયોગ કરતાં શિખે છે અને પોતાના વર્તનથી બીજાઓને પણ શિખવે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્યોને માટે ગૃહસ્થાશ્રમ એ ઉત્તમ ભાગ હશે, પણ જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે તેણે તો જેમ વિષયોને વિષ સમજીને તેનાથી દૂર રહેવાનું છે તેજ પ્રમાણે વિષયાસક્ત ગૃહસ્થાશ્રમીઓથી પણ તેણે છેટાજ રહેવું જોઇએ.”

ભારતવર્ષમાં સૌને શેઠજ થવું ગમે છે, કોઈને નોકર થવું ગમતું નથી. સૌ કોઇને નેતા થવાનું મન થાય છે, પણ નેતા બનવા માટે નેતાને તાબે રહીને કામ કરવું જોઈએ તે કોઈને ગમતું નથી. એ દુર્ગુણ બ્રહ્મચારીઓમાં ન પેસે તે માટે સ્વામીજી તેમને કહેતા કે “કહો, તમારા દેશમાં મારે શું કાર્ય કરવું ? અહીં તો દરેક જણ નેતાજ થવાનું ઇચ્છે છે અને કોઈને તાબે રહીને કામ કરવું ગમતું નથી. મોટાં કાર્યો કરવામાં નેતાની આજ્ઞાનું બરાબર પાલન થવુંજ જોઈએ. જો મારા ગુરૂભાઈઓ મને એમજ કહે કે મારે આજથી મઠની ગટર સાફ કર્યા કરવી તો તમે નક્કી જાણજો કે જરાક પણ ઉં કે ચું કર્યા વગર હું તેમના હુકમને તાબે થાઉં. જે મનુષ્ય પ્રથમ સારો આજ્ઞાધારક બની શક્યો હોય છે તેજ મોટો નેતા અથવા નાયક થઈ શકે છે.”

એક દિવસે સાંજે આમ તેમ ફરતે ફરતે સ્વામીજી એકદમ અટકી ગયા અને પોતાના એક શિષ્યને કહેવા લાગ્યા કે:– “મારા દીકરા, સાંભળ. શ્રીરામકૃષ્ણ જગતમાં આવ્યા અને તેમણે પોતાનું આખું જીવન અખિલ વિશ્વને માટે અર્પણ કર્યું. હું પણ મારા જીવનનો ભોગ આપીશ. તમે અને તમારામાંનો દરેક જણ એ પ્રમાણેજ કરજો. આ બધાં કાર્યો તો હજી માત્ર શરૂઆતજ છે. તમે ખાત્રીથી માનજો કે સ્વદેશ કાર્ય કરવામાં આપણે જે પસીનો ઉતારીશું અથવા જે રક્ત આપણે રેડીશું તે પસીનો કે રક્તમાંથી મોટા વીર કાર્યદક્ષ પુરૂષો અને પ્રભુના યોદ્ધાઓ ઉત્પન્ન થશે અને તેઓ આખા જગતમાં મોટો ફેરફાર કરી મૂકશે. આ વાત કદીએ તમે ભૂલી જશો નહિ કે સમાજસેવા અને ઈશ્વરનો સાક્ષાત્કાર એજ સાધુઓનો આદર્શ છે. તેને વળગી રહો. અને પછી ઓ બહાદુર સંન્યાસીઓ, વૈરાગ્યનો ભગવો ઝુંડો–શાંતિ, મુક્તિ અને આનંદની ધ્વજા–હાથમાં ધરીને તમારે માર્ગે વિચરો. અને તે ક્યાં સુધી કે જ્યાં સુધી દરેકે દરેક પ્રદેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહે, જ્યાં સુધી જગતનાં સર્વે સ્ત્રી પુરૂષો બંધનોથી મુકત થાય અને સંપૂર્ણ આનંદમાં નવીન જીવનનો આરંભ કરે ત્યાં સુધી.”

વૈદ્યનાથ જઇ આવ્યા પછી સ્વામીજીની તબીયત કંઈક ઠીક થઈ હતી અને તેમના મનમાં લોકકલ્યાણની અનેક યોજનાઓ રમી રહી હતી. તેમનામાં પુષ્કળ જુસ્સો લોકહિતનાં કાર્યોમાં વહેવાને ઉછાળા મારી રહ્યો હતો. વૈદ્યનાથથી આવ્યા પછી તરતજ સ્વામીજીએ મઠના સાધુઓને એકઠા કર્યા અને તેમને કહ્યું કે જેમ ક્રાઈસ્ટના શિષ્યો લોકોને ઉપદેશ કરવાને માટે નીકળી પડ્યા હતા તેમ તમે પણ નીકળી પડો અને શ્રીરામકૃષ્ણનો સંદેશ સર્વત્ર ફેલાવી મુકો. સ્વામીજીએ પોતાના શિષ્યો–સ્વામી વિરજાનંદ અને પ્રક્ષાનંદ–ને કહ્યું કે તમે ઢાકા જાઓ અને તમારૂં કાર્ય શરૂ કરો. વિરજાનંદ કહેવા લાગ્યા કે “સ્વામીજી, હું તો પ્રભુના નામ સિવાય બીજું કંઈ પણ જાણતો નથી; હું શેનો બોધ કરીશ ?” સ્વામીજી બોલી ઉઠ્યા “ત્યારે લોકો પાસે જઈને તેવુંજ કહો, કેમકે એ પણ એક મોટો ઉપદેશજ છે.”

કોઇપણ પ્રકારે કામ કરો, મારા દિકરા, કામ કરો. તમારા ખરા અંતઃકરણથી કામ કરો. અને ફળની આશા રાખશો નહિ. બીજાઓને માટે કાર્ય કરતે કરતે નરકે જવાય તોપણ શું થયું ? એવી રીતે મળેલું નરક પણ બીજા સકામ ભાવે કરોડોનાં દાન કે જન્મારા સુધી જપ તપ કર્યા કરનારાઓને મળનારા સ્વર્ગ કરતાં અનેક ગણું ઉન્નતિ તથા આનંદને આપનારૂં થઈ રહેશે. પછીથી સ્વામીજીએ એ બે શિષ્યોને પૂજા કરવાની ઓરડીમાં બોલાવ્યા અને ત્રણે જણ ધ્યાનમાં બેઠા. ધ્યાનમાંથી ઉઠ્યા ૫છીથી સ્વામીજી ગંભીરપણે બોલ્યા “હું હવે મારી શક્તિ તમને આપું છું. પ્રભુ તમને સહાય કરશે.” એમ કહીને સ્વામીજીએ તેમને કેટલીક સુચનાઓ આપી અને પછી બે શિષ્યો ગુરૂના આશિર્વાદ લઈને ઢાકા તરફ વિદાય થયા.

સ્વામીજીની તીવ્ર ઈચ્છા એવી હતી કે મઠમાં વેદ, ઉપનિષદો, વેદાન્ત સુત્રો, ગીતા અને બીજાં શાસ્ત્રોનો પુરેપુરો અભ્યાસ થવો જોઈએ. સ્વામીજી જાતે પણ આ વખતે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો વધારે ઉંડો અભ્યાસ કરવા મંડી પડ્યા હતા. તે પોતે જાતેજ પાણિનિકૃત અષ્ટાધ્યાયી શિષ્યોને શિખવતા હતા. વળી આ દિવસોમાં તે કેટલાક સંસ્કૃત શ્લોક પણ બનાવતા હતા. તેઓ સંસ્કૃતમાં કવિતાઓ રચતા. તેમનું બનાવેલું એક સંસ્કૃત સ્તોત્ર અત્યારે પણ મઠમાં શ્રીરામકૃષ્ણની આરતી વખતે બોલવામાં આવે છે. શિષ્યો સાથે સ્વામીજી કેટલોક વખત સંસ્કૃતમાંજ વાત કરતા. સ્વામીજીની મધુર વાણી, બોલવાની છટા અને ઉંડા સંસ્કૃત અભ્યાસ વિષે તેમના એક શિષ્ય બાબુ શરદચંદ્ર નીચે પ્રમાણે લખે છે:— “જાણે કે સાક્ષાત્‌ સરસ્વતી દેવીજ તેમના મુખમાં આવીને બેઠી હોય તેવુંજ અમને લાગતું હતું. સંસ્કૃતમાં બોલવાની સ્વામીજીની છટા એવી અદ્ભુત અને જુસ્સાદાર હતી, કે મોટા પંડિતોને પણ તેવી સુંદર રીતે વાત કરતાં મેં કદી જોયા નથી.” સ્વામીજી સંસ્કૃતમાં કવિતા લખતા અને પછીથી શિષ્યોને તે આપતા અને કહેતા કે “આને તપાસી જુઓ અને છંદાનુપ્રાસમાં કંઈ ભૂલ હોય તો તેને સુધારો. તમે જાણો છો કે લખતી વખતે વિચારમાં હું મશગુલ થઈ રહેલો હોઉં છું અને તેથી વખતે વ્યાકરણની ભુલો કરી દઉં છું.” સ્વામીજીની અગાધ શક્તિ આગળ બાબુ શરદચંદ્રનું જ્ઞાન સમુદ્રમાં એક ટીપા જેવું હતું. છતાં સ્વામીજીને ઉપર પ્રમાણે બોલતા સાંભળીને તે કહેતા કે “મહારાજ, સંસ્કૃત ભાષા ઉપર આપે કેટલો બધો કાબુ મેળવેલો છે તે સર્વે જાણે છે. જેને તમે વ્યાકરણની ભુલો કહો છો તે તો રૂષિઓએ સાહિત્યના પ્રદેશમાં લીધેલી છુટજ છે.” સ્વામીજી પોતે જે કંઈ લખતા તે તરફ પછી મમત્વ રાખતા નહિ. જે કંઈ લખાયું હોય તે બીજાને સોંપી દેતા અને પછીથી તે માણસ તેમાં સુધારો વધારો કરે અને છપાવે કે ન છપાવે તેની તેમને દરકાર ન હતી. હસ્તલિખિત પ્રત આપીને તે કહેતા કે, “હવે તમારી નજરમાં આવે તેમ કરો. હવે એ વિષે મને કંઈપણ પૂછશો નહિ. તેને ફરીથી જોઈ જવા જેટલી પણ ધીરજ મારામાં નથી.” પોતાના લખેલા લેખોમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવે તો તેની પણ સ્વામીજીને દરકાર ન હતી. માત્ર વિચારોમાં ફેરફાર કોઈ કરે નહિ એટલુંજ તે જોતા. લેખો લખવાના સંબંધમાં સ્વામીજી કહેતા કે “થોડાકમાં બહુ બહુ અલંકારો અને ભાવો ઘુસાડી દઈને લેખો લખવા નહિ, એવું સાહિત્ય આપણા દેશમાં ઘણું છે, તોપણ આપણા સાક્ષરો એવા લટકા મટકા દર્શાવ્યા વગર કશુંજ લખી શકતા નથી. પરિણામ એ આવ્યું છે કે દેશમાં તેથી બાયલાપણું વ્યાપી રહેલું છે. સામર્થ્ય, ભાઈ સામર્થ્ય, આપણને તો સામર્થ્યનીજ જરૂર છે. તમે તમારા કાર્યથી અને લેખોથી પુરૂષાર્થનેજ પ્રેરો. એનીજ આજે આપણને જરૂર છે. હું બંગાળી ભાષામાં એક પ્રકારની જુસ્સાથી ભરેલી નવીજ પદ્ધતિ દાખલ કરવાનો છું.”

આ વખતે મઠમાં એક ચિરસ્મરણીય બનાવ બન્યો. તે બનાવ સ્વામીજી અને નાગમહાશય વચ્ચેની મુલાકાત હતી. નાગમહાશય શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. મઠમાં સ્વામીજીની પાસે અનેક મનુષ્યો આવતા અને તેઓ ધર્મ, તત્વજ્ઞાન અને હિંદની ઉન્નતિ વિષે ચર્ચા કરતા. પણ નાગમહાશયની મુલાકાત જુદાજ પ્રકારની હતી. બંને શ્રીરામકૃષ્ણના ભક્તો; બંને પરમ પવિત્ર અને વૈરાગ્યશીલ; જાણે કે મોટી મોટી બે શક્તિઓ એકઠી થતી હોય તેવોજ તેમનો મેળાપ હતા. નાગમહાશય પ્રાચીન ગાર્હસ્થ્ય ધર્મની સાક્ષાત્‌ મૂર્તિ હતા અને સ્વામીજી અર્વાચીન સમયના આદર્શ સંન્યાસી હતા. નાગમહાશય પ્રભુભક્તિમાં ચકચુર થઈ રહ્યા હતા અને સ્વામીજી અદ્વૈતવાદની પરાકાષ્ટાએ પહોંચી મનુષ્યમાં રહેલા દેવત્વને પ્રગટાવી રહ્યા હતા. બંનેનું લક્ષ્ય–આદર્શ–સંન્યાસ અને આત્માનુભવ હતો. આવા બે મહાપુરૂષોનો મેળાપ ચિત્તાકર્ષક, બોધપ્રદ અને મોહકજ હોય એમાં આશ્ચર્ય નથી.

પરસ્પર નમસ્કાર થયા પછી નાગમહાશય બોલી ઉઠ્યા “જય શંકર, મારી આગળ સાક્ષાત્‌ શિવજીને જોઈને મારી જાતને હું ધન્ય ગણું છું.” એમ કહેતે કહેતે નાગમહાશય હાથ જોડીને સ્વામીજીની સામે ઉભા જ રહ્યા. સ્વામીજીએ તેમને ઘણું એ કહ્યું પણ તે બેઠાજ નહિ. સ્વામીજીએ તેમના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે નાગમહાશય બોલ્યા કે “આ નકામા માંસ અને હાડકાંના થેલાના સમાચાર કેવા ! મને તો અહીંઆં સાક્ષાત્‌ શિવજીનાં દર્શન કરીને ઘણોજ આનંદ થાય છે.” એમ કહીને નાગમહાશય સ્વામીજીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. સ્વામીજી તેમને ઉઠાડીને વિનંતિ કરવા લાગ્યા કે “મહેરબાની કરીને આવું કરશો નહિ.” આ વખતે શિષ્યોના વર્ગમાં ઉપનિષદ્ શિખવાતું હતું. સ્વામીજી પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે “હમણાં વર્ગને બંધ કરો. બધાએ આવો અને નાગમહાશયનાં દર્શન કરો.” સઘળા શિષ્યો ત્યાં આવ્યા અને નાગમહાશયની આસપાસ વીંટળાઈને બેસી ગયા. સ્વામીજી સર્વને કહેવા લાગ્યા “જુઓ, નાગમહાશય ગૃહસ્થાશ્રમી છે, પણ એમને શરીર કે જગતનું ભાન નથી. એ હમેશાં પ્રભુભક્તિમાંજ લીન રહે છે. ભક્તિમાં લીન થએલો પુરૂષ કેવો હોય તેનું આ જીવંત દૃષ્ટાંત છે.” સ્વામીજી નાગમહાશયને અરજ કરવા લાગ્યા કે “કૃપા કરીને શ્રીરામકૃષ્ણ વિષે કંઈક કહો.” નાગમહાશય નમ્રતાથી કહેવા લાગ્યા “હું શું કહું ? તેમના વિષે કંઇપણ કહેવાને હું ના લાયક છું. પ્રભુના અવતાર શ્રીરામકૃષ્ણની લીલામાં ઉત્તમ ભાગ ભજવનાર મહાવીર (સ્વામીજી)નાં દર્શનથી મારી જાતને પવિત્ર કરવાને માટેજ હું અહીં આવેલો છું. શ્રીરામકૃષ્ણનો જય હો, જય હો.” સ્વામીજી બોલ્યા “આપણા ગુરૂને તમેજ ખરી રીતે ઓળખ્યા છે. અમે તો આમ તેમ બાથડીયાં મારીએ છીએ.” નાગમહાશયે ઉત્તર આપ્યો “કૃપા કરીને એવું બોલશો નહિ. તમે પણ શ્રીરામકૃષ્ણની મૂર્તિ છો. તમે બંને એકજ શિક્કાની બે બાજુઓ છો. પ્રભુએ જેને આંખો આપી હશે તેજ તે જોઈ શકશે.”

થોડીવાર પછી સ્વામીજી બોલ્યા “તમે જો મઠમાં આવીને રહો તો કેવું સારૂં થાય ! આ છોકરાઓને તેમનું ચારિત્ર્ય ઘડવાને ઉત્તમ જીવંત નમુનો મળે.” પ્રભુના પરમ ભક્ત પ્રભુનું શરણ લેતા બોલી ઉઠ્યા, “જગતનો ત્યાગ કરવાનું મેં એકવાર શ્રીરામકૃષ્ણને પૂછ્યું હતું. તેમણે કહ્યું ‘સંસારનો ત્યાગ કરશો નહિ’ તેથીજ હું તે પ્રમાણે રહ્યો છું. તમે તેમનાં બાલબચ્ચાં હોઈ બધાનાં દર્શન કરવાને કોઈ કોઇવાર અહીં આવીને લાભ લઉં છું.” સ્વામીજી તેમને ઘેર આવવાની ઈચ્છા ધરાવતા હતા એવું જાણીને નાગમહાશય ઘણાજ આનંદથી બોલ્યા, “અરે તે દિવસ ક્યારે આવશે ! મારૂં એવું સદ્ભાગ્ય ક્યાંથી ? તમારા પગની રજથી એ સ્થળ પવિત્ર થશે અને કાશીધામ બની રહેશે. જેની આંતર્ દૃષ્ટિ પવિત્ર થઈ નથી તે તમને શું ઓળખી શકે ? તમે કોણ છો તે એ શું જાણી શકે ? માત્ર શ્રીરામકૃષ્ણજ તમને બરાબર ઓળખતા હતા. બીજાઓ તો માત્ર તેમણે તમારા વિષે જે કહેલું છે તેને જ માને છે. તેઓ જાતે તમને બરાબર ઓળખી શક્યા નથી.”

સ્વામીજી—આપણા દેશને જાગૃત કરી મૂકવો એજ હવે મારી ઈચ્છા છે. આ મહાકાય, મહાબળવાન ભારતભૂમિ અજીત આત્મશ્રદ્ધાને ખોઇને ભર ઉંઘમાં પડેલી છે. બહારથી તે મૃતવત્‌ દેખાય છે. આપણે જો તેને તેના સનાતન ધર્મની મહત્તા અને તેમાં રહેલા અજેય બળ–પરાક્રમનું ભાન કરાવીએ તો આપણે અને આપણા ગુરૂએ નકામો અવતાર લીધો એમ ન કહેવાય. માત્ર એટલી એજ ઈચ્છા રહેલી છે. મુક્તિનો વિચાર પણ તેની આગળ તુચ્છ લાગે છે. મને તમે આશીર્વાદ આપો કે તે બાબતમાં હું વિજયી નિવડું.

નાગમહાશય—શ્રીરામકૃષ્ણ તમને સદાએ આશિર્વાદ આપ્યાજ કરે છે. તમારી ઈચ્છાને કોણ રોકી શકે તેમ છે ? તમારી ઈચ્છા અને શ્રીરામકૃષ્ણની ઈચ્છા એકજ છે. જય શ્રી રામકૃષ્ણ.

સ્વામીજી—તે કામ કરવાને માટે ઘણા સશક્ત શરીરની જરૂર છે. મારૂં શરીર જો તેવું સશક્ત હોત તો કેવું સારૂં થાત. જુઓ, હિંદમાં આવ્યા પછીથી આ શરીર કેવું બગડી ગયેલું છે ? એથી કાર્યની યોજનાઓ પણ મંદ પડી ગયેલી છે. યુરોપ અને અમેરિકામાં રહ્યો ત્યાં સુધી મારૂં શરીર ઘણું સારૂં હતું.

નાગમહાશય—આપણા ગુરૂ કહેતા હતા કે શરીર ધારણ કરવા બદલ દુઃખ અને વ્યાધિના રૂપમાં આપણે કર આપવો પડે છે. પણ તમારૂં શરીર તો સોના ઝવેરાતની પેટી કરતાં પણ વધુ કિમતી છે. તેથી એની તો બહુજ સંભાળપૂર્વક દેખરેખ સૌએ રાખવી જોઈએ. જગતને એ કેટલું ઉપયોગી છે તે કોણ જાણે છે ?

સ્વામીજી—મઠનો દરેક માણસ ઘણીજ પ્રીતિથી મારી સંભાળ લે છે.

નાગમહાશય—જે તમારી સેવા કરે છે તેમને ધન્ય છે. કારણકે તેથી તેઓ પોતાનું કલ્યાણ સાધે છે, એટલું જ નહિ પણ તેઓ સમસ્ત જગતનું પણ કલ્યાણ કરે છે. જાણે કે અજાણ્યે તેઓ અવશ્ય તેમજ કરે છે.

ઉપરના શબ્દો નાગમહાશયના મુખમાંથી ઘણાજ ભાવ સાથે અને અંતઃકરણની લાગણીથી નીકળી રહ્યા હતા. નાગમહાશયનો ભાવ વર્ણવો મુશ્કેલ છે. જે મનુષ્યો તે મુલાકાત વખતે હાજર હતા તેઓજ જાણે છે કે એ બંને મહાપુરૂષો એક બીજાને માટે કેટલી લાગણી ધરાવતા હતા અને તેઓ એક બીજાને કેવા ઉપયોગી સમજતા હતા. મહાપુરૂષોજ મહાપુરૂષોની યથાર્થ મહત્તા સમજી શકે છે. સામાન્ય મનુષ્યોને તેનો પુરેપુરો ખ્યાલ હોતો નથી. નાગમહાશય પોતાના વિચારોને એવા ભાવથી દર્શાવતા કે શ્રોતાઓ તેમની વાણીથી ગળગળા થઈ જતા અને અશ્રુપાત પણ કરતા. સ્વામી વિવેકાનંદને તે શિવનો અવતાર માનતા અને તેથી કરીને તેમના વિષે જે શબ્દો તે ઉચ્ચારતા તે અંતઃકરણના પુરા ભાવથીજ બહાર આવીને શ્રોતાઓનાં હૃદયમાં કોતરાઈ જતા. એકવાર તેમને પૂછવામાં આવ્યું હતું કે “શ્રીરામકૃષ્ણ ભગવાનનો અવતાર હતા કે નહિ ?” જવાબમાં તેમણે કહ્યું હતું કે “શ્રીરામકૃષ્ણની તો વાત જ શી ! હું તેમના દરેક શિષ્યને પ્રભુનોજ અવતાર ગણું છું.”

એકવાર શ્રીમતી સરલાદેવી બી. એ. ના સાંભળવામાં આવ્યું કે સ્વામીજી ઘણી સારી રસોઈ કરી શકે છે. તેમણે તે વાત નિવેદિતાને કહી. સ્વામીજીને એ વાતની ખબર પડી એટલે તેમણે બંનેને મઠમાં જમવાને વાસ્તે બોલાવ્યાં અને પોતાને હાથે સારી સારી વસ્તુઓ બનાવીને તેમને જમાડ્યાં. તેમની સાથે વાત કરતે કરતે સ્વામીજીએ નિવેદિતાને કંઈક કામ બતાવ્યું. નિવેદિતાએ તે કામને પોતાની ફરજ અને ગુરૂની સેવા સમજીને ઘણીજ રાજી ખુશીથી કરવા માંડ્યું. સરલાદેવીના ગયા પછી સ્વામીજી સર્વેને કહેવા લાગ્યા કે “એજ સમયે નિવેદિતાની પાસે કામ કરાવવાનું કારણ એ હતું કે કલકત્તામાં કેટલાંક શિક્ષિત સ્ત્રીપુરૂષોનું માનવું એવું છે કે અંગ્રેજોનાં વખાણ કરીને અને તેમના કહ્યા પ્રમાણે ચાલીને જ મેં તેમને શિષ્ય બનાવ્યા છે.” ખરી વાત તો એજ હતી કે અંગ્રેજ સ્ત્રીપુરૂષો સ્વામીજીના જ્ઞાન અને ચારિત્ર્યથી આકર્ષાઈને તેમનો સમાગમ અને સેવા કરવાને આવ્યાં હતાં અને વેદાન્તની મહત્તા અને ઉપયોગિતા સમજ્યા પછી જ તેઓ સ્વામીજીના શિષ્યો થઈ રહ્યાં હતાં. શિષ્યો થયા પછી સ્વામીજી પ્રત્યે તેમનો ભાવ એટલો બધો હતો કે સ્વામીજી જે કાર્ય કરવાનું કહે તે કરવામાં તેઓ પોતાનું અહોભાગ્ય માનતાં.

એક વખત હિતવાદી પત્રના માજી અધિપતિ પંડિત સખા રામ ગણેશ દેઉસ્કર તેમના બે મિત્રો સાથે સ્વામીજીને મળવાને આવ્યા. તે મિત્રોમાંનો એક પંજાબનો રહીશ હોવાથી સ્વામીજી તેની સાથે પંજાબની જરૂરીઆતો વિષે વાત કરવા લાગ્યા. પંજાબમાં તે વખતે દુષ્કાળ પડ્યો હતો. તેની હકીકત સ્વામીજી પૂછવા લાગ્યા. એ પછી લોકોને કેળવણી કેવી રીતે આપવી, તેમની આર્થિક અને સામાજીક સ્થિતિ કેવી રીતે સુધારવી વગેરે વિષય ઉપર વાત ચાલી. ત્યાંથી જતી વખતે તે પંજાબી ગ્રહસ્થ જરા ખેદની લાગણીથી કહેવા લાગ્યા કે "મહારાજ અમે તો ધર્મ વિષયક બાબતોને શ્રવણ કરવાના ઇરાદાથી આપની પાસે આવ્યા હતા, પણ કમનસીબે આખો વખત સામાન્ય વિષયો ઉપરજ વાત ચાલ્યા કરી.” સ્વામીજીએ એ સાંભળીને ઘણીજ ગંભીરતાથી કહ્યું કે, “સાહેબ, જ્યાં સુધી મારા દેશનો એક કુતરો પણ ભુખ્યો હશે ત્યાં સુધી તેને ખવરાવવું અને તેનીજ સંભાળ લેવી એજ મારો ધર્મ બની રહેશે.”

સ્વામીજીના જવાબથી ત્રણે સદ્ગૃહસ્થો સ્તબ્ધજ બની ગયા. સ્વામીજીના અવસાન પછી રા. દેઉસ્કર તેમના એક શિષ્યને કહેતા હતા કે સ્વામીજીના તે શબ્દો તેમના હૃદયમાં સદાને માટે કોતરાઈ રહેલા છે અને ખરૂં સ્વદેશાભિમાન શું છે એ તે શબ્દોએજ તેમને શિખવેલું છે.

લગભગ તેજ સમયમાં વાયવ્ય પ્રાંતોમાંથી એક પંડિત સ્વામીજી જોડે વેદાન્ત વિષયક ચર્ચા કરવાને આવ્યા હતા. તે વખતે હિંદમાં ઘણેખરે ઠેકાણે છપનીઓ દુષ્કાળ ચાલી રહેલો હતો. લોકોનું સંકટ ટાળવાને સ્વામીજીએ પોતાનાથી બનતા સઘળા ઉપાય કરવા છતાં તેમને સંતોષ થાય તેટલું એ બાબતમાં તેમનાથી નહિ બની શકવાનો વિચાર એ સમયે તેમના મનમાં ચાલી રહેલો હોવાથી તેઓ જરા ખિન્ન હૃદયે બેઠેલા હતા. આ કારણને લીધે તે સમયે તે પંડિત સાથે શાસ્ત્રો ઉપર ચર્ચા કરવાને બદલે સ્વામીજી તેમને કહેવા લાગ્યા કે “પંડિતજી, પ્રથમ તો તમે આ સર્વત્ર વ્યાપી રહેલા દુષ્કાળનું દુઃખ ટાળવાનો પ્રયાસ કરો. તમારા દેશ બંધુઓ ભુખ્યા છે અને તેઓ મુઠી અનાજને માટે હૃદયને ચીરી નાંખે એવા પોકારો કરી રહેલા છે તેમને માટે તમારાથી બને તેટલું કર્યા પછી તમે સુખેથી વેદાન્ત ઉપર ચર્ચા કરવાને આવજો. બીજાઓને આત્મવત્‌ સમજીને, હજારો ભુખ્યાઓના પ્રાણ બચાવવાને, આપણે આપણા જીવનનો પણ ભોગ આપવો એ પણ વેદાન્તનું મુખ્ય રહસ્ય છે.”

શ્રીરામકૃષ્ણના બોધને કૃતિમાં મૂકવાને માટે રામકૃષ્ણ મિશને અનેક પ્રકારનાં કાર્યો આરંભેલાં છે તેમાંના એક અગત્યના કાર્યનું વર્ણન અત્રે આપવું આવશ્યક છે. તે કાર્ય શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવની ઉજવણી છે. શ્રીરામકૃષ્ણનો જન્મદિવસ આખા બંગાળામાં મહોત્સવ તરીકે લેખાય છે. તે દિવસને સઘળા બંગાળીઓ ઘણોજ પવિત્ર અને શુભ ગણે છે. શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ બેલુર મઠમાં દર સાલ ઉજવાય છે અને તે દિવસે બંગાળાના દરેક ભાગમાંથી જુદી જુદી ન્યાત જાત અને પંથના લોકો, પોતાનો ભેદભાવ ભુલીને ઘણા ભક્તિભાવથી ત્યાં ઉતરી પડતા નજરે પડે છે. કલકત્તાના મોટા મોટા નાગરિકો પણ તે ઉત્સવમાં ભાગ લે છે. શ્રીરામકૃષ્ણનો જન્મ દિવસ આખી બંગાળી પ્રજાને ધન્ય દિવસ મનાય છે. એ દિવસે શ્રીરામકૃષ્ણના ભક્તો તેમની પૂજા કરવાને મઠમાં આવીને ઘણા ભક્તિભાવથી તેમની છબીની પૂજા કરે છે. વળી ઘણા સાધુ, સંતો, ભક્તો, ઉપદેશકો અને ભજનિકો વગેરે પણ ભજન કરતા કરતા ત્યાં પ્રવેશ કરે છે અને આખા મઠને પોતાનાં ભજનોથી ગજાવી મૂકે છે. તે દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવાને સર્વે બંગાળીઓ જાય છે અને લોકોનાં ટોળેટોળાંથી ગંગા નદીના બંને કિનારા ઉભરાઈ જતા નજરે આવે છે.

પોતાના ગુરૂના જન્મોત્સવને દિવસે સ્વામી વિવેકાનંદ પવિત્ર જાન્હવીમાં સ્નાન કરીને પછી ઉઘાડે પગે કોઈ વખત મૃદંગ વગાડતા તો કોઈવાર ભજન ગાતા અહીં તહીં વિચરતા સૌની નજરે આવતા હતા. જ્યારે તે કલકત્તામાં રહેતા હતા ત્યારે પણ એ દિવસે સવારમાં સ્નાન કરી ગળે મૃદંગ લટકાવી ઉઘાડે પગે ભજન ગાતા ગાતા કલકત્તાના મહોલ્લાઓમાં થઈને મઠમાં જતા. રસ્તામાં અસંખ્ય મનુષ્યોનાં ટોળે ટોળાં તેમની સાથે જોડાતાં. એ પ્રસંગે સ્વામીજીનો ભાવ કેવો હતો; એ વિશાળ હૃદયના મહાપુરૂષના આત્મામાંથી કેવા અલૌકિક પ્રેમનો ઝરો વહી રહેતો હતો; એ ભાવ અને એ પ્રેમનું વર્ણન શબ્દોમાં આપવું અશક્ય છે. તે સમયે ત્યાં હાજર રહેલા અને સ્વામીજીના સમાગમમાં આવેલા પુરૂષોજ તે ભાવનો ખ્યાલ આણી શકે તેમ છે. સ્વામીજી બે હાથ પહોળા કરીને સર્વેને ભેટી પડતા અને પોતાનાથી નાનું હોય તેને તો ખોળામાંજ બેસાડી દેતા. સ્વામીજીનો એવો ભાવ જોઈને ઘણા સુશિક્ષિત યુવાનો તેમની આસપાસ વીંટળાઈ વળતા, તેમની પાછળ પાછળ ફરતા અને “લેક્ચર, લેક્ચર” એવી બુમો પાડી રહેતા.

શ્રીરામકૃષ્ણના જન્મોત્સવને દિવસે રામકૃષ્ણ મિશને સ્થાપેલા દરેક મઠ, વેદાન્ત મથક, અનાથાશ્રમો વગેરે સર્વ સ્થળે જેટલા બને તેટલા ગરિબોને સારી રીતે જમાડવાનું ધોરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. એ દિવસે બેલુર મઠમાં વીસેક હજાર સ્ત્રી પુરૂષોને ભોજન આપવામાં આવતું હતું. વળી બીજાં મથકોમાં પણ એકંદરે આઠ દશ હજાર મનુષ્યોને ખવરાવવામાં આવતું હતું. હાલ પણ બેલુરમઠ અને બીજાં મથકોમાં એ પ્રમાણેજ કરવામાં આવે છે. એ ઉપરાંત સર્વે મથકોમાં એ દિવસે પૂજા, ભજન, વેદોચ્ચારણ વગેરે ચિત્તાકર્ષક ક્રિયાઓ દ્વારા જનસમુહની ધર્મભાવના જાગૃત થાય તેમ કરવામાં આવે છે અને ત્યાં આવેલાં હજારો સ્ત્રી પુરૂષોનો આત્મા સર્વત્ર વ્યાપી રહેલા પવિત્ર વાતાવરણથી ઉન્નત બને છે. આવા ઉત્સવો સંસારમાં પુરેપુરાં લુબ્ધ થઈ રહેલાં સ્ત્રી પુરૂષોને ઘડીભર ધાર્મિક આનંદનો સ્વાદ ચખાડીને તેમને ધાર્મિક મેળાઓમાં, મંડળોમાં અને ક્રિયાઓમાં ભાગ લેતા કરે છે. મઠમાં એ દિવસે પ્રભુના નામનો ઘોષ સર્વત્ર વ્યાપી રહે છે. ભક્તો અને સાધુઓ પૂજન કરી રહ્યા બાદ “શ્રીરામકૃષ્ણ કથામૃત” કે “બોધવચન” માંથી અસરકારક હકીકતો લોકોને શ્રવણ કરાવે છે. આ સઘળી બાબતો ત્યાં આવનાર મનુષ્યોના હૃદયમાં ઘણાજ ઉદાર ભાવો અને પ્રભુ ભક્તિ ઉત્પન્ન કરે છે. ગરિબોને ભોજન કરાવવામાં મઢના સાધુઓ ન્યાત જાત કે ધર્મનો ભેદ ગણતા નથી અને ઘણાજ પ્રેમથી અને સેવાભાવથી તેમને પોતાને હાથે પીરસીને આગ્રહથી જમાડે છે. શ્રીરામકૃષ્ણ જન્મોત્સવની આટલી હકીકત જાણ્યા પછી આપણે પાછા મૂળ બાબતપર આવીએ.

સ્વામીજીની તબીયત સારી નહિ હોવાથી ખુલ્લી હવાનો લાભ મેળવવા માટે તેઓ એક જમીનદાર મિત્રની હોડીમાંજ હવે સવાર સાંજનો ઘણો ખરો સમય ગાળતા. હોડીમાં ઘણુંખરૂં તે ધ્યાનગ્રસ્તજ રહેતા અને એક બાળક જેવા આનંદી અને કોઈ પણ જાતની ચિંતા વગરના દેખાતા. સ્વામીજીની હોડી ધીમે ધીમે દક્ષિણેશ્વર તરફ જતી અને તે સ્થળને જોઇને સ્વામીજી કોઈવાર ઉંડા વિચારમાં તો કોઈવાર આત્મધ્યાનમાં લીન થઈ જતા.

સને ૧૮૯૮ ના ડિસેમ્બરમાં ફરીથી અમેરિકા જવાનો વિચાર થયો. તેમની પ્રકૃતિ સારી નહિ હોવાથી દાક્તરો અને સ્વામીજીના મિત્રોએ પણ તેમને તેમ કરવાનીજ સલાહ આપી. એપ્રીલ માસમાં સ્વામીજીએ અમેરિકામાં પોતાના એક મિત્રને લખ્યું કે “બે વર્ષ સુધી શારીરિક દુઃખ ભોગવવાથી મારી જીંદગીમાંથી વીસ વરસ ઓછાં થયાં છે, પણ આત્મા તો તેવો ને તેવોજ છે.” સ્વામીજી હવે પોતાનો ઘણાખરો વખત અધ્યયનમાંજ ગાળવા લાગ્યા. વળી શિષ્યોને બોધ આપવામાં અને ભજન કીર્તનમાં પણ તેમનો કેટલોક વખત જતો. વારંવાર મઠમાં સ્વામીજીના મધુર સ્વર સંભળાતા અને તેમના આત્માના ઉંડા પ્રદેશમાંથી નીકળી આવતું કિર્તન સર્વત્ર ગાજી રહેતું.

સ્વામીજી અમેરિકા જવાના છે એમ જાણીને મઠના યુવાન સાધુઓએ તેમને એક માનપત્ર આપ્યું. તેના જવાબમાં સ્વામીજીએ “સંન્યાસ; તેનો આદર્શ અને અભ્યાસ.” એ વિષય ઉપર વિવેચન કર્યું. સ્વામીજીએ સર્વેને જણાવ્યું કે સંન્યાસીનું જીવન જગતના કલ્યાણને માટેજ છે. તેને માટે કેવળ ધ્યાનમય જીવન સ્વાભાવિક અને અશક્ય છે, તેમ કેવળ વ્યાવહારિક બની જવું એ પણ મોટી ભુલ છે. આધ્યાત્મિક્તા અને વ્યાવહારિકતા–નિવૃત્તિ અને પ્રવૃત્તિ–બંનેનો સુયોગ અને સદુપયોગ તમારે તમારા જીવનમાં સાધવો જોઇએ. તમારે સારી પેઠે ધ્યાનપરાયણ રહેવું જોઇએ, પણ તેની સાથે દરેકની પ્રકૃતિમાં સ્વાભાવિકપણેજ જે થોડું વા ઘણું રજસ વા તમસ રહેલું હોય છે તે તમને ધ્યાનમાંથી અલગ કરે ત્યારે તમારે વૃથા વાર્ત્તામાં, ગામ ગપોડામાં, ખાવા પીવાની ચર્ચા કે વિચારોમાં અથવા તો નિદ્રા, આળસ કે વૃથા વિચારોમાં નહિ પડી જતાં લોકસેવાનાં પોતાને માફક આવે એવાં ઉમદા કાર્યોમાંજ નિસ્કામભાવથી તમારા તન મનને જોડવું જોઈએ. તમારે ઋષિઓ બનવું જોઇએ. ખરો માણસ તો તેજ છે કે જે શરીરે ઘણો બળવાન છતાં જેનું હૃદય સ્ત્રીના જેવું કોમળ છે. તમારા મનમાં તમારા મંડળસંઘને માટે ઘણું માન હોવું જોઈએ. તમારે પુરેપુરા આજ્ઞાંકિત થવું જોઇએ. ઉપર પ્રમાણે સર્વેને બોધ આપીને સ્વામીજી પોતાની માફક અત્યંત પ્રેમથી સર્વે તરફ જોઈ રહ્યા અને સર્વેને આશિર્વાદ આપ્યો.

હવે અમેરિકા જવાનો દિવસ આવ્યો. પરમસાધ્વી માતાજી શારદાદેવીએ સ્વામીજીના માનમાં સર્વે સંન્યાસીઓને જમાડ્યા. તેમનો આશિર્વાદ લઈને સ્વામીજી બંદર ઉપર ગયા. ત્યાં તેમને વિદાય આપવા ઘણા મિત્રો એકઠા થયા હતા. સ્વામીજીની સાથે સ્વામી તુરીયાનંદ અને નિવેદિતા પણ જવાનાં હતાં. તુરીયાનંદે અમેરિકામાં વેદાન્તનો બોધ આપવાનો હતો. અમેરિકામાં ઘણા સંન્યાસીઓની જરૂર હતી તેથી સ્વામીજીએ તેમને ત્યાં જવાની આજ્ઞા કરી હતી. વળી નિવેદિતા કલકત્તાની કન્યાશાળાને માટે ફંડ એકઠું કરવા સારૂ જતાં હતાં. સ્ટીમર ઉપડવાનો સમય થતાં સ્વામીજીના મિત્રો અને શિષ્યો ગળગળા થઈ રહ્યા. સ્ટીમર ઉપડી અને તેની સાથે સ્વામીજી પણ સર્વેને આશિર્વાદ આપતા આપતા ઉપડી ગયા.