સ્વામી વિવેકાનંદ/ફરીથી અમેરિકા જવું
← મઠમાં સંન્યાસીઓની કેળવણી | સ્વામી વિવેકાનંદ ફરીથી અમેરિકા જવું રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
સેવાશ્રમોની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી → |
સ્વામીજી કલકત્તેથી મદ્રાસ જઈ ત્યાંથી ઈંગ્લાંડ થઈને પછી અમેરિકા જવાના હતા. તેમની સાથે બહેન નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ હતા. તુરીયાનંદ મહા વિદ્વાન અને અધ્યાત્મ વિદ્યામાં પ્રવીણ થયેલા હોઈને તેઓ યોગવિદ્યામાં, વક્તૃત્વકળામાં તેમજ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. તે જરા વધારે નિવૃત્તિપરાયણ સ્વભાવના હોવાથી આશ્રમના અધિષ્ઠાતા તરીકેનું કાર્ય કરવાને વધારે લાયક હતા. વળી અમેરિકામાં એક આશ્રમ સ્થાપવાની સ્વામીજીની ઈચ્છા હતી, કારણકે અમેરિકનોએ વેદાન્ત ઉપર ભાષણ ઘણાંએ સાંભળ્યાં હતાં પણ પોતાનો અને વેદાન્તનો ક્રિયાત્મક ભાગ હજી બરાબર સમજવાને તેઓ શક્તિમાન થયા ન હતા. આ બાબતો સમજાવવાને તેમજ શીખવવાને માટે એક સારા સંન્યાસીની જરૂર હતી અને સ્વામી તુરીયાનંદ તે કામને માટે ઠીક લાયકાતવાળા હોવાથી સ્વામીજીએ તેમને પોતાની સાથે લીધા હતા.
રવિવારની સવારમાં મદ્રાસના બંદર ઉપર હજારો મનુષ્યોની ઠઠ ભરાઈ રહી હતી. સર્વે સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને આતુર બની રહ્યા હતા, પણ સર્વેને જણાવવામાં આવ્યું કે સ્ટીમર કલકત્તાથી આવેલી હોવાથી અમુક દિવસ સુધી તેમાંના કોઈને પણ ઉતરવા દેવામાં નહિ આવે. અસંખ્ય મનુષ્યો આ વાત સાંભળી શોકાતુર બની ઘેર ગયા.
કેટલાકે એવો નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે સ્વામીજીનાં દર્શન તો કરવાં. તેઓ મછવામાં બેશીને સ્ટીમર પાસે ગયા. સ્વામીજી બહાર તુતક ઉપર આવ્યા અને તેમના ભક્તો અને મિત્રોએ તેમને જોઈને ખુશાલીનો પાકાર કરી મૂક્યો. સાંજે પણ અસંખ્ય મનુષ્યો બંદર ઉપર એકઠાં થયાં. છેવટે સ્ટીમર ઉપડી અને કિનારે ઉભેલાં સ્ત્રી પુરૂષો અને બાળકોએ જયઘોષ કરી મૂક્યા. આખી મુસાફરીમાં સ્વામીજી ભારતભૂમિના ધાર્મિક વિચારો અને માનવજાતિના વિકાસ સંબંધી જ વાત કરી રહ્યા હતા. નિવેદિતાને મન આ મુસાફરી એક મહાન યાત્રા સમાન થઇ રહી હતી. કેમકે સ્વામીજીના અમૂલ્ય સત્સંગનો અલભ્ય લાભ તેમને આ આખી મુસાફરી દરમીયાન સતત્ મળ્યા કર્યો હતો. એ સમય દરમીયાન શ્રવણ કરેલા વિચારોને તે મોટા શિક્ષણ રૂપ ગણતાં હતાં. એ વિચારોને બહેન નિવેદિતાએ પોતાની ડાયરીમાં લખી લીધા હતા અને પાછળથી પોતાના એક પુસ્તકમાં પ્રગટ કર્યા હતા. મહા પુરૂષો જ્યાં જાય છે ત્યાંનું વાતાવરણ પવિત્ર અને સ્વર્ગ સમાનજ કરી મૂકે છે. તેમની પાસે હમેશાં ઉંચી વાતોજ કરવાની હોય છે અને તેમના સ્થૂલ સૂક્ષ્મ શરીરમાં એક પ્રકારનો જે અતિ હિતાવહ પ્રવાહ વહી રહ્યો હોય છે તેથી કરીને તેમના સમાગમમાં આવનાર મનુષ્યોનો આત્મા ઉન્નત અને પવિત્ર બની રહે છે. બહેન નિવેદિતા લખે છે કે:—
“એ છ અઠવાડીયાંની મુસાફરીને હું મારા જીવનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડી ગણું છું. સ્વામીજીનો સમાગમ કરવાની એક તક આખી મુસાફરી દરમ્યાન હું ચૂકી નથી. સત્સંગ શિવાયનો વખત હું એ વિચારોને લખી લેવામાં તેમજ શિવણ કામમાં ગાળતી હતી.”
“મુસાફરીની શરૂઆતથી તે અંત સુધી સ્વામીજીના ઉદાત્ત વિચારોનો પ્રવાહ વહ્યાજ કર્યો. ક્યારે તેમના મુખમાંથી કોઈ નવીન સત્ય બહાર નીકળી આવશે તેનો કશો નિયમ ન હતો. શિવરાત્રી, પૃથ્વીરાજ, વિક્રમાદિત્યનો ન્યાય, બુદ્ધ અને યશોધરા વિષેની વાર્તાઓ અને બીજી અસંખ્ય કથાઓ એક પછી એક સ્વામીજીના મુખમાંથી નીકળ્યાંજ કરતી હતી. વળી અજાયબી ભરેલું તો એ હતું કે એકની એક વાત ફરીથી સાંભળવામાં આવતી નહિ. સ્વામીજીના કથનમાં વર્ણાશ્રમનો સંપૂર્ણ અભ્યાસ, વિચારોની તુલના અને તેમને અપાયલું નવીન સ્વરૂપ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનાં કામોની યોજનાઓ, માનવજાતિનો બચાવ, અરક્ષિતની રક્ષા અને ગરિબોના રક્ષણાર્થે દર્શાવાતું શુરાતન વગેરે દૃશ્યમાન થતાં. અમારા ગુરૂની યાદગીરી તરિકે એમના જે અમુલ્ય વિચારોને અમે સ્મરી રહેલા છીએ, “તેમાં માનવજાતિ પ્રત્યેનો તેમનો અનુપમ પ્રેમ” સૌથી શ્રેષ્ઠ સ્થાન ભોગવે છે.”
“સ્ટીમરમાં સ્વામીજી હિંદના અનેક પ્રાચીન અને અર્વાચીન સાધુઓ, ભક્તો અને સંતોનાં વૃત્તાંતો ઘણા ઉલ્લાસથી કહેતા અને તેમના જીવન ઉપર રહસ્યમય નવીન પ્રકાશ પાડતા. દરેક સાધુનું વૃત્તાંત આપતાં સ્વામીજીનો આત્મા ઉછળી રહેતો અને શ્રોતાને પણ એમજ લાગતું કે જેનું વૃત્તાંત અપાય છે તેના કરતાં વધારે મોટો બીજો થયોજ નહિ હોય.”
“અમે એડન પહોંચવાની તૈયારીમાં હતાં. સમય સાયંકાળનો હતો. મેં સ્વામીજીને સવારેજ પૂછ્યું હતું કે હિંદના બીજા હિતૈષીઓની યોજનાઓ અને તમારી યોજનાઓમાં શો ફેર છે ? એ વિષય ઉપર સ્વામીજીના વિચારોને બહાર કહાડવવાનું ઘણુંજ મુશ્કેલ હતું. સ્વામીજી બીજાઓનાં વખાણ કરવા તરફ ઉતરી પડતા હતા અને તેથી પ્રશ્નના જવાબનો અંતજ આવતો. પણ તે દિવસે સાંજે તે એકાએક એજ વિષય ઉપર વાત કરવા લાગ્યા.તે બોલ્યા:—”
“જેઓ હિંદમાં ફરીથી વહેમોનેજ ઘાલવાનો પ્રયાસ કરે છે તેમનાથી હું તદન જુદો પડું છું. જેમાં પોતાનું હિત સમાયલું છે એવા જનકલ્યાણના કાર્યમાં રસ લેવાનું કામ ઘણુંજ સહેલું છે. વળી પ્રાચીન પુસ્તકોમાં વાંચેલી પરિસ્થિતિ પ્રમાણે ભારતનો પુનરોદ્ધાર કે પુનઃસ્થાપના કરવાની ઈચ્છા કરવી પણ સહેલીજ છે. મારો વિચાર તો એ છે કે પ્રાચીન ભારતમાં જે જે શ્રેષ્ઠ હોય તેની સાથે આધુનિક સમયમાં જે જે શ્રેષ્ઠ લાગે તેનું મિશ્રણ કરવું અને તે મિશ્રણ સ્વાભાવિક રીતેજ કરવું. ભારતમાં લાવવાની નવી વસ્તુસ્થિતિ યાને સુધારણા તેની આંતરિક વૃત્તિઓની અને આત્માની જ હોવી જોઈએ. તેથી કરીને હું માત્ર ઉપનિષદોનોજ ઉપદેશ કરું છું. તમે જુઓ છોજ કે ઉપનિષદો શિવાય બીજાનું પ્રમાણ હું આપતો નથી. ઉપનિષદોમાંથી પણ એકજ વાતને હું આગળ ધરું છું અને તે “સામર્થ્યનો વિચાર” છે. વેદ અને વેદાન્ત, સર્વેનો સાર એકજ શબ્દ “સામર્થ્ય” માં આવી રહેલો છે. ભગવાન બુદ્ધ જે અહિંસાનો બોધ આપતા હતા તેજ બોધ વેદ અને વેદાન્ત વધારે ઉત્તમ રીતે આપે છે. નિર્બળ મનુષ્ય જ બીજાની સામે થવાની ઇચ્છા કરે છે. સમુદ્રમાંથી વાછટ આવે તો તેથી હું આઘો ખશી જતો નથી, કેમકે તેથી મને કંઈ પણ થતું નથી, પણ એક મચ્છરને તેથી ઘણું લાગે છે. જગતનાં સઘળાં સંકટો સામર્થ્ય અને નિડરતા આગળ એવાં તુચ્છજ છે. ૧૮૫૭ ના બળવા વખતે બળવાખોરોએ એક બળવાન સાધુને મારી નાંખ્યો હતો. જ્યારે તેની છાતીમાં કટાર ભોકવામાં આવી ત્યારે તે એટલું જ બોલ્યો કે “અને તું પણ તે પ્રભુજ છે ને !” એ બળવાન સાધુ મારો આદર્શ છે. પ્રજાને કેળવણી દ્વારા આવું સામર્થ્ય પ્રાપ્ત કરાવવું જોઇએ.” ઉપરના વિચારને સાંભળીને નિવેદિતા ચકિત થયાં. તે લખે છે કે “મને તે વખતે વિચાર થયો અને હજી પણ મને એનો એજ વિચાર આવ્યા કરે છે કે મારા ગુરૂનો માત્ર એટલો સિદ્ધાંત શિખવાથીજ મારી આખી મુસાફરી સફળ થઈ ગયેલી છે.”
સ્વામીજીના હૃદયમાં ભારત વર્ષ ના અવતારો, આચાર્યો અને સંત સાધુઓનાં વર્ણન તથા આખ્યાયિકાઓનો એવો મોટો ભંડાર ભરેલો હતો કે તે કદીએ ખુટતોજ ન હોતો. એ સાધુચરિત્રો અને આખ્યાયિકાઓ તેમના મનમાં સદાએ જાગૃત રહીને તેમના હિંદુધર્મ પ્રત્યેના સદભાવને સદાએ તાજો અને ઉભરાતો રાખતાં. એમનું સ્વદેશાભિમાન પણ હિંદની ધાર્મિકતા અને તેની સાથે સ્વાભાવિક પણેજ જોડાયલી મહત્તા ઉપરજ રચાયેલું હતું. હિંદના ઇતિહાસના પ્રત્યેક પ્રસંગમાં, સંત સાધુઓનાં ચરિત્રોમાં અને આખ્યાયિકાઓમાં કંઈને કંઈ ગૂઢ હેતુ સમાઈ રહેલોજ તેમને જણાઈ રહેતો. અફસેસની વાત એ છે કે એ સાધુચરિત્રો અને આખ્યાયિકાઓને અત્યારે અસત્ય ગણવામાં આવે છે અને હિંદુઓનાં બાળકોને તે શિખવવામાં આવતાં નથી. ઉપર પ્રમાણે સ્વામીજી અનેક વિષયો ઉપર મહત્વના વિચારો દર્શાવી રહ્યા હતા. તે સઘળા વિચારો અહીં આપીએ તો એક આખું પુસ્તક ભરાય. હિંદુઓનાં ષડ્દર્શનને તે એક પછી એક હાથ ધરતા અને એક બીજા સાથે તેની તુલના કરી બતાવીને તેમની મહત્તા દેખાડતા. વળી બુદ્ધિધર્મ અને એ દર્શનોમાં શો ભેદ છે તે સમજાવતા. આમ પોતાની મુસાફરીમાં સ્વામીજી પોતાના શિષ્યોને હિંદુધર્મ, ભારતવર્ષ, પૂર્વ, પશ્ચિમ વગેરે સંબંધી અનેક બાબતોથી માહીતગાર કરી રહ્યા હતા.
આમ કરતે કરતે સ્વામીજી લંડન આવી પહોંચ્યા. અહીંઆં માત્ર બે અઠવાડીઆં રહીને સ્વામીજી અમેરિકા જવાને ઉપડી ગયા. ત્યાં વેદાન્તના અભ્યાસીઓએ તેમને પુષ્કળ માનથી વધાવી લીધા. અહિં કેટલાક સમય જુદા જુદાં સ્થળોમાં ગુજાર્યા પછી સ્વામીજીની તબીયતમાં સારો સુધારો થતાં તેઓ સેન ફ્રાન્સીસ્કો ગયા અને ત્યાં લગભગ દરરોજ ભાષણ આપવા માંડ્યાં તેમજ વર્ગો ચલાવવા માંડ્યા. સેન ફ્રાન્સીસ્કોનાં સ્વામીજીનાં ભાષણો વિષે લખતાં ત્યાંના યુનિટિ લોસ એન્જલીસ નામના પત્રે લખ્યું હતું કે:-
“સ્વામી વિવેકાનંદમાં યુનિવર્સીટિના પ્રેસીડેન્ટનું જ્ઞાન, આર્ક બીશપની ભવ્યતા અને બાળકની લાવણ્યતા, સ્વતંત્રતા તથા મિષ્ટતા એ સર્વેનો સુયોગ થયેલો છે. એક ક્ષણની પણ તૈયારી કર્યા વગર તે એકદમ પ્લેટફોર્મ ઉપર ખડા થઈ જાય છે અને ઝટ દઈને પોતાના વિષયમાં ઉંડા ઉતરી જાય છે. કોઈવાર જ્યારે તેમનું મન ઉંડા તત્વજ્ઞાનના વિષયમાંથી નીકળીને આધુનિક સમયના ખ્રિસ્તીઓની રીતભાત તરફ વળે છે ત્યારે તેમનો દેખાવ કરડો બની રહે છે. તેઓ કહે છે કે આધુનિક ખ્રિસ્તીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં બાઈબલ લઈને ફીલીપાઈન ટાપુમાં બોધ કરવાને જાય છે. વળી તેઓ દક્ષિણ આફ્રીકામાં એકજ માબાપનાં છોકરાંને પરસ્પર કાપી નાખવા દે છે. એ રીતભાતની સાથે સ્વામીજીએ હિંદમાં દુષ્કાળ વખતે જે બન્યું હતું તેની તુલના કરીને કહ્યું હતું કે હિંદમાં દુષ્કાળ વખતે મનુષ્ય પોતાનાં ઢોરની આગળ ભુખમરાથી મરી જતા, પણ કદીએ તેમણે તે ઢોર મારવાને હાથ ઉગામ્યા નથી.”
સ્વામીજીએ સેન ફ્રાન્સીસ્કો, ઓકલેન્ડ અને આલ્મેડામાં લગભમ પચાસ ભાષણો આપ્યાં. એ પછી લોકોએ નિયમિત વર્ગો ભરવાની સ્વામીજીને અરજ કરવાથી તેઓ વર્ગો ભરવા લાગ્યા. સેન કાન્સીસ્કોમાં લોકોનાં મન ઉપર સ્વામીજીના બોધની કેવી ઉંડી છાપ પડી રહી હતી તેનો ખ્યાલ એક અમેરિકને એક વર્તમાનપત્રમાં નીચલા શબ્દોમાં આપ્યો હતો.
“જે ભૂમિએ સ્વામી વિવેકાનંદ જેવા મહાબુદ્ધિશાળી વિચારક અને ઉપદેશકને આપણી આગળ મોકલ્યા છે અને જે ભૂમિ તરફ હમણાં થોડાક સમયથી આપણું લક્ષ દોરાયું છે, તે ભૂમિ પ્રત્યે આપણે જેટલો સદ્દભાવ દર્શાવીએ તેટલો ઓછો છે. શ્રોતાઓ ઉપર સ્વામી વિવેકાનંદના બોધની અસર ઘણીજ ઉંડી થાય છે અને તેના કરતાં વળી તેમના ભવ્ય અને પવિત્ર ચારિત્ર્યની અસર તો ઘણીજ વધારે ઉંડી થાય છે. તેમનું ચારિત્ર્ય તેમના મુખમાંથી નીકળતા અસરકારક શબ્દો કરતાં પણ વધારે અસરકારક છે. જાણે કે એકાદ મજબૂત અને સુંદર મ્યાનમાંથી પાણીદાર તેજસ્વી તલવાર બહાર કુદી પડતી હોય તેમ કૂદી પડતું એ મહાપ્રતાપી વિચારકનું મુખારવિંદ અને બોલવું જોઇને અમે સ્તબ્ધ બની જઈએ છીએ. જેઓ તેમના સમાગમમાં આવે છે તેમના તરફ તે અત્યંત માયા દર્શાવે છે. તેમનું માયાળુપણું, તેમની સાદાઈ, તેમની નમ્રતા, તેમના સંગીતમય શબ્દો અને તેમનું અલૌકિક વક્તૃત્વ અમને ઘણાંજ પ્રિય અને સચોટ લાગે છે. સ્વામી વિવેકાનંદ શિક્ષક, ઉપદેશક અને તત્વજ્ઞાની કરતાં પણ અધિક છે; કવિતાની કોઈ અદ્દભૂત ભૂમિકામાંથી ઉતરી આવેલા તે એક મહાન કવિ છે !”
થોડા વખત પછી સ્વામીજીએ સેન ફ્રાન્સીસ્કોમાં વેદાન્તસમાજ અને “શાંતિ આશ્રમ” નામનો એક આશ્રમ સ્થાપ્યાં. તે બંને સંસ્થાઓ આજે પણ સારી આબાદીમાં છે. સ્વામીજીએ એ બંને સંસ્થાઓનું કામ તુરીયાનંદને સોંપ્યું અને પોતે ન્યૂયોર્ક ગયા. ત્યાં તેમણે ગીતાજીનો વર્ગ શરૂ કર્યો. સ્વામીજી અમેરિકામાં આરામ લેવાને માટે આવ્યા હતા, પણ તેમના જેવા અત્યંત દયાળુ મહાપુરૂષ તો આરામ શી રીતે ભોગવી શકે ?
એક પરોપકારી બાઈએ ૧૬૦ એકર જમીન શાંતિ આશ્રમ બાંધવાને બક્ષીસ આપી અને તેના ઉપર બાંધવામાં આવ્યો. એ આશ્રમ છેક નજીકના રેલવે સ્ટેશનથી પણ ચાલીસ માઈલને અંતરે આવેલ છે. તે આશ્રમના હેતુઓ સ્વામીજીના શબ્દોમાં નીચે પ્રમાણે છે:
“દરેક જીવ પોતાના મૂળ સ્વરૂપમાં દેવ છે. બાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર જય મેળવીને એ દેવત્વને ખુલ્લું કરવું એજ માનવજીવનનો અંતિમ આદર્શ છે. કર્મથી, પૂજાથી, યોગથી કે તત્વજ્ઞાનથી, એકથી કે અનેકથી, તે કાર્યને સાધો અને મુક્ત થાઓ. બધા ધર્મ એમાંજ સમાઈ જાય છે. સિદ્ધાંતો, ક્રિયાઓ, પુસ્તકો, દેવાલયો,વિધિઓ વગેરે સર્વ એના આગળ ગૌણ છે.” ટૂંકમાં કહીએ તો સ્વામીજીએ રાજયોગના સિદ્ધાંતો કૃતિમાં મૂકાય તેટલા માટેજ શાંતિ આશ્રમ સ્થાપેલો છે. પ્રથમ પ્રાણને રોકી પછી મનને રોકવું અને પછી ધ્યાન ધારણાદિ ક્રિયાઓથી સમાધિ પર્યંત જવું વગેરે બાબતો ત્યાં શિખવવામાં આવે છે. કેલીફોર્નીઆ જેવા ઘોંઘાટ અને અશાંતિવાળા અને જડવાદના સિદ્ધાંતોથી ભરેલા પ્રદેશમાં પુષ્કળ શાંતિ, વિશ્રાંતિ અને શ્રદ્ધાથી ભરેલો આ આશ્રમ એ ખરેખર આશ્ચર્યકારક વસ્તુ છે. અભ્યાસ માટે આશ્રમમાં રહેનારા કેલીફોર્નીઆના મનુષ્યોને જાણે કે તેઓ હિમાલયના શાંત પ્રદેશમાં બેઠા હોય એમજ લાગતું. ત્યાં પુષ્કળ શાંતિ આસપાસ વ્યાપી રહી હતી. માત્ર ટાઢ ઉરાડવાને સળગાવેલી તાપણીનો મંદ સુસવાટ કે દૂર આવેલાં વૃક્ષોની ઘટાઓમાંથી આવતી પવનની મંદ લહરીના અવાજથી તે શાંતિમાં કંઈક ભંગ થતો હતો એજ માફ ! અહીં આ ઘણા દૂર પ્રદેશમાં-યોગ અને વેદાન્તની ભૂમિ–ભારતવર્ષથી હજારો માઈલને છેટે, આશ્રમના અધિષ્ઠાતા સ્વામી તુરીયાનંદ પોતાની આસપાસ વીંટળાઈ રહેલા, આંખો અરધી મીંચીને ધ્યાનમાં બેઠેલા અને પરબ્રહ્મને ઉપાસી રહેલા શિષ્યોને યોગ અને વેદાન્તનો બોધ આપતા હતા. કેલીફોર્નીઆના એક વર્તમાનપત્રે તે આશ્રમનો હેવાલ નીચે પ્રમાણે આપ્યો છે.
“હરણ, સસલાં, કબુતર અને બીજાં એવાં શિકાર કરવાનાં પ્રાણીઓથી ભરેલા એક પ્રદેશને મનમાં કલ્પો, તેમાં એક મોટો તંબુ ઉભો કરેલો છે, છતાં એક પણ બંદુક ફોડવામાં આવતી નથી એમ ધારો. રાત્રે તાપણીની આસપાસ લડાઈનાં ગીતોને બદલે સંસ્કૃત મંત્ર બોલવામાં આવે છે એવી કલ્પના કરો. જંગલમાં શિકારીઓ જે વાતો કરે છે તેને સ્થાને સૃષ્ટિની ઉત્પત્તિ વિષેની ચર્ચાઓને ખ્યાલ મનમાં લાવો. ટુંકામાં શિકારીએાની શિકાર કરવાની ઈચ્છાને સ્થાને પોતાનામાં રહેલા “દેવત્વ”ને જાગૃત કરવાની તીવ્ર ઈચ્છાને કલ્પો; ત્યારેજ તમને શાંતિ આશ્રમનો પુરેપુરો ખ્યાલ આવશે.”
એજ વર્તમાનપત્રનો ખબરપત્રી એકવાર શાન્તિ આશ્રમની મુલાકાત લેવાને ગયો હતા અને તેણે યોગની ક્રિયાઓ શીખવામાં ભાગ લીધો હતો. એ માણસે શાન્તિ આશ્રમની ક્રિયાઓનું વર્ણન નીચે પ્રમાણે આપેલું છે:-
“બીજાઓની માફક મે પણ મારી આંખો બંધ કરી. સવારનો વખત ધ્યાનમાં ગાળવાનો હતો. કેટલીક વાર સુધી તો ચંડોળ પક્ષીનો અવાજ, આઘેથી આવતો ગાયોની ઘંટડીઓનો નાદ, પવનનો મંદ સુસવાટ, સળગાવેલા ધુપની મંદ મંદ વાસ અને સંસ્કૃત શાસ્ત્રના શ્લોકોનું મધુર ઉચ્ચારણ વગેરે સંભળાતું રહ્યું; પણ પછી શાંતિ, નિયમિત પ્રાણાયામ અને બીજી કોઈ અદ્ભૂત વસ્તુ-ગમે તો તેને વાતાવરણ કહો કે ગમે તે કહો, હું તેનું વર્ણન કરી શકતો નથી. તેનાવડે હું મારા ચિત્તમાં અપૂર્વ શાંતિને અનુભવવા લાગ્યો. જાણે કે આખા વિશ્વમાં એક પ્રકારની નિત્ય શાન્તિ, કલ્યાણમયતા અને વિશ્રાંતિ વ્યાપી રહેલાં હોય અને તેમનો હું એક અંશ હોઉં એવો અનુભવ મને થવા લાગ્યો. એ સ્થિતિનું વર્ણન કરવાને મારી પાસે શબ્દો નથી. આવા પવિત્ર વાતાવરણમાં વૃત્તિઓને અંતર્મુખ કરી, અંતઃદૃષ્ટા બની, એકાગ્ર ચિત્તથી એકાદ કલાક સુધી પરમ શાંતિને અનુભવવી એ સ્થિતિનો એક સામાન્ય અમેરિકનને શી રીતે ખ્યાલ આવી શકે ? એ અનુભવ જેને કરી જોવો હોય તે કરી જુએ. અનુભવ કરવા જેવીજ એ વસ્તુ છે. ઓમ્, ઓમ્, ઓમ્ ; જગતના જુનામાં જુના વૈદિક ધર્મના મંત્રો અહીંઆં આ કેલીફોર્નીઆની ખીણમાં ઉચ્ચારાય છે. એ ધર્મ એટલો બધો જુનો છે કે એની ઉત્પત્તિનો સમય પણ જડતો નથી."
આ વખતે સ્વામી વિવેકાનંદની શિષ્યા-નિવેદિતા- ન્યૂયોર્કમાં અનેક વિષયો ઉપર ભાષણ આપી રહ્યાં હતાં. ભારતવર્ષના લોકોની આધ્યાત્મિક અને આર્થિક સ્થિતિ સુધારવાને પોતાનું સમસ્ત જીવન અર્પણ કરનાર આ પવિત્ર દેવીની ઈચ્છા એવી હતી કે હિંદની સ્ત્રીઓને તેમના દેશકાળને અને જરૂરીઆતોને અનુકૂળ થાય તેવી કેળવણી આપવી. તે કેળવણીને માટે એ બાઈ ન્યૂયોર્કમાં એક મોટું ફંડ એકઠું કરતાં હતાં. વળી સ્વામી વિવેકાનંદનો કલકત્તામાં એક હિંદુ યુનિવસીર્ટિ સ્થાપવાનો વિચાર હતો. ભારતવર્ષના કલ્યાણની અનેક યોજનાઓમાં એ પણ તેમના મનની એક ઉમદા યોજના હતી; તેમના મનોરાજ્યનું એ એક મનોહર સ્વપ્ન હતું.
હવે આપણે ભારતવર્ષ તરફ પણ થોડીક ઝાંખી કરી લઈએ. સ્વામીજીના બીજા શિષ્યો અને ગુરૂભાઇઓ જેમના હૃદયમાં સ્વામીજીએ પરોપકારવૃત્તિ અને સ્વાર્થ ત્યાગનો ઉત્તમ જુસ્સો રેડ્યો હતો અને જેમને પ્રાણનો ભોગ આપીને પણ લોકસેવામાં તત્વર રહેવાનો ઉપદેશ આપ્યો હતો, તેઓ સર્વે સ્વામીજીની ગેરહાજરીમાં બેલુર મઠમાં આળસુ થઇને બેસી રહ્યા ન હતા. તે વખતે હિંદની સ્થિતિ ઘણી ભયંકર થઇ રહી હતી. ઉનાળો આવવાથી દુષ્કાળે ઘણું જ ભયંકર રૂપ પકડ્યું હતું. રજપુતાનામાં કુવામાં પાણી સુકાઈ જતાં હતાં અને પાણી માટે લોકો માટે પોકાર કરી રહ્યા હતા. રામકૃષ્ણ મિશને કીશનગઢમાં એક સેવાશ્રમ સ્થાપ્યો હતો. ત્યાં ભુખ અને તરસથી પીડાતાં હજારો મનુષ્ય આવતાં. તેમને રામકૃષ્ણ મિશનના સાધુઓ બનતી મદદ આપી રહ્યા હતા. મધ્યપ્રાંતોમાં પણ એ સમયે ભયંકર દુષ્કાળ ચાલી રહ્યો હતો અને ત્યાંની જરૂરીઆત જોઈને ખંડવામાં દુષ્કાળકામો ઉઘાડવાને એક સ્વામીને મોકલવામાં આવ્યા હતા. તે સ્વામીએ ત્યાંના ડેપ્યુટી કમીશનરની સુચનાથી ઘેર ઘેર ફરીને કુળવાન કુટુંબનાં ભુખે મરી રહેલાં અનેક માણસોને શોધી કહાડ્યાં. આ માણસો ભુખે મરવાનું પસંદ કરતાં, પણું મદદ કોઈની પાસે માગતાં નહિ. આવાં અનેક કુટુંબોને સ્વામીએ શેાધી કહાડીને તેમને બનતી મદદ પહોંચાડી. વળી સરકારી દુષ્કાળકામોમાં કામ કરવાને કેટલાંક સ્ત્રીપુરૂષો અશક્ત હોવાથી ભુખે મરતાં હતાં, તેમને પણ સ્વામીએ અનાજ પહોંચાડ્યું. આ પ્રમાણે હજારો મનુષ્યોનું રક્ષણ કરવામાં આવ્યું. કીશનગઢમાં સ્થાપેલા સેવાશ્રમમાં જે લોકો ગયા હતા તેમની બરદાશ એક બીજા સ્વામી-ક૯યાણાનંદ-સારી રીતે કરતા હતા. તેમણે સહાયને માટે વર્તમાનપત્રો દ્વારા માગણી કરી હતી અને હિંદુસ્તાન તથા અમેરિકામાંથી વારંવાર પૈસાની જે મદદ આવતી તે વડે તેઓ હજારો મનુષ્યોનાં દુઃખ હરી રહ્યા હતા.
કલકત્તામાં પણ તે વખતે પ્લેગ અને કોલેરા ચાલી રહ્યો હતો. લોકસેવા કરવાનો તે સમય હતો. રામકૃષ્ણ મિશનના સાધુઓ ગરિબ, દુઃખી અને નિરાધારની વારે ધાવાને તત્પરજ હતા. જે ગરિબ મનુષ્ય પોતાનાં ઘર, ગટરો, મહોલ્લાઓ વગેરેને પ્લેગવિનાશક વસ્તુઓ વડે ધોવરાવવાને કે સાફ કરાવવાને પૈસા ખરચી શકે તેવા ન હતા, તેમનાં મકાનો, ગટર, મહોલ્લાઓ વગેરેને એ સાધુઓ જાતેજ સાફ કરવા લાગ્યા. બે મહિના સુધી એ સાધુઓએ ગંદા મહોલ્લાઓમાં કામ કર્યા કર્યું અને લગભગ ૧૩૦૦ ઝુંપડાંઓ અને ૪૦ મકાનો તેમણે સાફ કર્યો. ૧૬૦ ગાડાં ભરીને ગંદો કચરો બહાર ક્રાઢી નાંખ્યો અને પ્લેગ તથા કોલેરાના બનાવોથી દુષિત થએલાં ૨૪ મકાનોને પ્લેગવિનાશક વસ્તુઓથી ધોઈ નાખ્યાં. આ પ્રમાણે કલકત્તામાં આ આપત્તિના સમયમાં રામકૃષ્ણ મિશનના સાધુઓએ જીવનું જોખમ વેઠીને જે નિઃસ્વાર્થ મદદ આપી તેને માટે શહેરસુધરાઈએ તેમનો ઘણોજ આભાર માન્યો. બે મહિના પછી રામકૃષ્ણ મિશનના પરદુઃખભંજન સાધુઓ શોભાબજાર પરોપકારી સભા સાથે મળીને નદીના પૂરથી તણાઈ ગયેલાં ગામડાંના લોકોને સહાય કરવા નીકળી પડ્યા હતા. નદીના પૂરથી જેમનાં ઝુંપડાં તણાઈ ગયાં હતાં તેવા અનેક નિરાધાર લોકોને તેમણે આશ્વાસન અને મદદ પહોંચાડી હતી. આ પ્રમાણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સન્યાસી શિષ્યો, પોતાના હૃદયને વધારે ને વધારે સેવાપરાયણ બનાવીને લોકસેવાદ્વારા પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાને ઇચ્છી રહ્યા હતા. તેઓ ભારતવર્ષમાં દુષ્કાળ, પ્લેગ, કોલેરા વગેરેથી પીડાઈ રહેલાં અસંખ્ય મનુષ્યોને સહાય અને આશ્વાસન પહોંચાડી રહ્યા હતા.
એ વખતે પેરીસમાં એક મોટું પ્રદર્શન અને તેની સાથે એક ધર્મ પરિષદ્ ભરવાની યોજના ત્યાંના લોકોએ કરી હતી. ત્યાંના રોમન કેથોલીક ધર્મના પાદરીઓને ડર લાગતો હતો કે જો એવી પરિષદ્ ભરવામાં આવશે તો અમેરિકાની માફક પેરીસમાં પણ વેદાન્ત ધર્મની સર્વોપરિતા પાછી ફરીથી સાબીત થશે. એથી કરીને તેમણે એ યોજના ભાગી પાડી. સર્વેએ મળીને ઠરાવ કર્યો કે એ પરિષદમાં ધર્મ વિષે ચર્ચા કરવી નહિ, પણ ધાર્મિક ઇતિહાસ ઉપરજ બને તેટલું નવું અજવાળું નાંખવું. એ પરિષદમાં ભાગ લેવાને સ્વામી વિવેકાનંદને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું. રવામીજીએ હવે ફ્રેંચ ભાષા કાળજીથી શીખવા માંડી અને બે મહિનામાં તે ભાષામાં વ્યાખ્યાન આપી શકાય તેટલી તૈયારી કરી લીધી અને તેઓ પેરીસ ગયા.
પેરીસમાં સ્વામીજીને પશ્ચિમના અનેક વિદ્વાનો જોડે મુલાકાત થઈ. પરિષદમાં ઘણા વિદ્વાનો, કવિઓ, લેખકો, તત્વવેત્તાઓ, વિજ્ઞાનશાસ્ત્રીઓ અને પાદરીઓ એકઠા થયા હતા. તે સર્વે સ્વામીજીની જોડે ઓળખાણ કરીને ઘણોજ આનંદ દર્શાવવા લાગ્યા. પરિષદનું કાર્ય શરૂ થયું અને પશ્ચિમના વિદ્વાનો જગતના ધર્મોનો ઈતિહાસ રજુ કરીને તે ઉપર ચર્ચા કરવા લાગ્યા. હિંદુધર્મ વિષે બોલતાં તેઓ શિવલિંગ અને શાલિગ્રામની પૂજાની ઉત્પત્તિ અમુક જંગલી ભાવનાઓમાંથી થએલી છે એમ કહેવા લાગ્યા તથા ખગોળવિદ્યા, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિદ્યાને હિંદુ ઋષિઓ ગ્રીક લોકો પાસેથી શિખી લાવ્યા હતા એમ પ્રતિપાદન કરવા લાગ્યા. એ સર્વે બાબતની વિરૂદ્ધ જવાબ આપવાને સ્વામી વિવેકાનંદ ઉભા થયા અને તેમણે શિવલિંગ તથા શાલિગ્રામની પૂજાની ઉ૫ત્તિનો ખરેખર ઇતિહાસ દર્શાવીને સાબીત કરી આપ્યું કે હિંદુઓએ ગ્રીક લોકો પાસેથી કોઈપણ પ્રકારનું જ્ઞાન લીધું નથી, પણ સર્વે વિદ્યાઓને તેમણે સ્વતંત્રપણેજ સંપાદન કરી હતી. હિંદુધર્મ અને તેના ઇતિહાસ વિષે જે અનેક પ્રકારના ખોટા ખ્યાલો પાશ્ચાત્યોના હૃદયમાં ભરાઈ ગયા હતા તે સર્વેને સ્વામી વિવેકાનંદે કહાડી નાંખ્યા અને હિંદના ધાર્મિક ઇતિહાસ ઉપર તદ્દન નવોજ પ્રકાશ પાડ્યો પશ્ચિમના વિદ્વાનો સ્વામીજીના જ્ઞાનથી સાનંદાશ્ચર્ય પામ્યા અને તેમની સાથે ગાઢ મિત્રાચારીનો સંબંધ બાંધી રહ્યા. પેરીસથી સ્વામીજી હિંદ જવા નીકળ્યા.