સ્વામી વિવેકાનંદ/પ્રવાસી સાધુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ સ્વામી વિવેકાનંદ
પ્રવાસી સાધુ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પાવરી બાબા →


પ્રકરણ ૨૪ મું–પ્રવાસી સાધુ.

આર્ય પ્રજાનું જીવન શેમાં રહેલું છે? તે જીવનમાં કઈ કઈ વૃત્તિઓ પ્રધાનપદ ભોગવી રહેલી છે? તેના હેતુઓ, આદર્શો અને આશા કયા કયા છે? આર્યપ્રજાનું ખરું જીવન ક્યાં જણાઈ આવે છે? તેની ઉન્નતિના માર્ગો કયા છે ? હજારો વર્ષથી તેનું જીવન કઈ દિશામાં વહી રહેલું છે ? તેને હવે કઈ દિશામાં વાળવું ? આર્ય જીવનમાં પ્રભુનો હેતુ શો રહેલો છે? આર્યપ્રજાને કયા કયા કાર્યને માટે પ્રભુએ નિર્માણ કરેલી છે ? આ સઘળું શોધી કહાડવાને સ્વામી વિવેકાનંદે ભારતવર્ષનો ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ કર્યો હતો; એટલું જ નહિ પણ ગામે ગામ, સ્થળે સ્થળ, ઝુંપડે ઝુંપડે, પર્વતોની ગુફાઓમાં, રાજાઓના મહેલોમાં અને ગરીબોનાં નિવાસ સ્થાનોમાં ફરી ફરીને તેમણે સ્વાનુભવથી નક્કી કર્યું હતું કે આર્ય જીવન શેમાં રહેલું છે, આર્યજીવનનું મૂળ શેમાં છે, અને આર્યજીવનરૂપી પ્રવાહ કયે માર્ગે વહી રહેલો છે ? એક ખરા સ્વદેશ ભક્ત અને આદર્શ સુધારક તરીકે તેમણે આ કાર્ય બજાવ્યું છે અને ભારતવર્ષના જીવનની રૂપરેખા આંકીને તેના ભાવી ઉદયને માટે સત્ય માર્ગો સુચવ્યા છે.

તેમના ગુરૂભાઇઓમાં આત્મશ્રદ્ધા વધે, તેઓ એકલા રહેતાં શિખે, એક બીજાની સાથે ભાતૃભાવથી બંધાઈ રહે, સાધુઓનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવે, ભિક્ષાવૃત્તિથી પોતાનું જીવન ચલાવે, જગતમાં વિચરી અનેક પ્રકારના અનુભવો મેળવે, જ્ઞાનમાં વધારો કરે અને જગતની સેવા કરી તેને હરેક રીતે ઉપકારક થઈ રહે; તેમજ પોતે પણ ગુરૂભાઈઓ જોડે ભ્રાતૃભાવથી બંધાયા છતાં સ્વતંત્રપણે બહાર વિચરે; ભારતવર્ષનાં અનેક સ્થળો-ત્યાંના લોકોના આચાર, વિચાર, ધર્મ, કેળવણી, સામાજીક સ્થિતિ વગેરે-જુવે; તેનો ઉંડો અભ્યાસ કરી ઐતિહાસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી એક સ્વદેશભક્ત સાધુ તરીકે તેમની ઉન્નતિના માર્ગો યોજે; કોઈ એકાન્ત સ્થળમાં કે કોઈ યાત્રાના સ્થાનમાં, જંગલમાં કે પર્વતના શિખર ઉપર વસી ઉચ્ચ આધ્યાત્મિક દિશામાં મગ્ન રહે; એવા વિચારોથી સ્વામી વિવેકાનંદે હવે મઠને છોડવાનો અને ભારતવર્ષ માં એક પરિવ્રાજક સાધુ તરીકે ફરવાનો નિશ્ચય કર્યો.

આવા પ્રવાસી સાધુ તરીકે તેમણે જે દિવસો ગાળ્યા છે તેમનું વર્ણન રસમય અને બોધપ્રદ છે અને તે સમય આધ્યાત્મિક ભવ્યતાથી ભરપુર છે. ઘણી વખત સ્વામીજી પોતાનું નામ બદલતા અને પોતે ક્યાં જાય છે તે પણ કોઇને જણાવા દેતા નહીં. પોતે ધારેલા કાર્યમાં કોઈ પણ મિત્ર, ગુરૂભાઈ કે શિષ્ય આડે આવે નહીં એમ તેમનો દૃઢ નિશ્ચય હતો. સમસ્ત ભારતવર્ષ અને અખિલ જગતને માટે જે પ્રેમ તેઓ ધરાવી રહ્યા હતા તે પ્રેમમાં–તે પ્રેમથી ઉદ્ભવતા કાર્યમાં અમુક એક, બે, કે પચીસ વ્યક્તિઓનો પ્રેમ અંતરાયરૂપ થઈ ન રહે એવી સાવચેતી તે પહેલેથીજ રાખતા હતા. તે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેમના શબ્દો, દેખાવ અને જુસ્સાથી મોહિત થઈને તેમના થોડા પણ પરિચયમાં આવનાર દરેક મનુષ્ય બીજાને કહેતો કે “અહીંઆં એક અલૌકિક સાધુ આવ્યા છે ! તમારે એમનાં દર્શન કરવા જોઈએ !”

સ્વામી વિવેકાનંદ આ વખતે તદ્દન એકલાજ વિચરતા અને કોઈ પણ ગામમાં એકાદ દિવસથી વધારે રહેતા નહિ. વધુ ખ્યાતિમાં ન આવવું અને એક સામાન્ય સાધુ તરીકે પસાર થવું એવા હેતુથી તેઓ પોતાની વિદ્યા અને અંગ્રેજીનું જ્ઞાન પણ છુપાવતા. કોઈની પાસે કંઈ પણ તેઓ માગતા નહીં અને જે કંઈ આવી મળે તે ખાતા. આ સમય વિષે વાત કરતાં તે કહેતા કે કેટલીક વાર તો તેમને લાંઘા પણ થતાં. કેટલીક વખત તેઓ જંગલમાં વાસ કરતા તો કેટલીક વખત કોઈ જૂની પુરાણી ધર્મશાળામાં ઉતરતા. કેટલીક વખત ખુલ્લા મેદાનમાં તારાઓથી છવાયેલા નિર્મળ આકાશ નીચેજ તેઓ એકલા પડી રહેતા. કેટલીક વખત સૂર્યનો સખત તાપ સહન કરી પગે ચાલતા, તો કેટલીક વખત વરસાદની ઝડીઓ વચ્ચેથી પસાર થતા. તેમનું મન આ સર્વ પ્રસંગે આધ્યાત્મિક વિચારો અને અલૌકિક ભાવનાઓમાં જ રમ્યા કરતું અને ટાઢ કે તડકો કશાની તેઓ પરવા કરતા નહીં. તેઓ “નારાયણ હરિ” કહીને ભિક્ષા માગતા. જે પ્રસંગે જે યોગ હોય તે પ્રમાણે તેઓ આગગાડીમાં અથવા પગે ચાલીને જતા.

પ્રવાસી સંન્યાસી તરીકેનો તેમનો બાહ્ય દેખાવ અત્યંત મોહક હતો. રાજપુરૂષની ભવ્યતા તેમાં દેખાતી હતી. તેમનું સઘળું શરીર જાણે કે એક તેજપુંજ સમાન ભાસતું. તેમનાં પ્રકાશિત વિશાળ નેત્રો, ભવ્ય ચારિત્ર્ય અને તેમના મુખારવિંદ ઉપર જણાઈ આવતાં મોટાઈનાં અમુક ચિન્હો વડે કરીને તેમનું ગમન સર્વત્ર આકર્ષક થઈ રહેતું. હાથમાં દણ્ડ, કમણ્ડલુ અને ભગવદ્‌ગીતા તે ધારણ કરતા. સ્વચ્છ ભગવું વસ્ત્ર પહેરતા અને ઓઢવાને એક કામળી રાખતા. સ્વામી વિવેકાનંદ કહેતા કે એ સમય તેમને મન ઘણોજ આનંદમય લાગતો હતો. “ગિરિ ગુફાઓમાં, સ્મશાન ભૂમિમાં, ગંગા કિનારે કે અન્ય પવિત્ર સરિતાને કાંઠે વસતા, મિત્રરહિત, દ્રવ્યરહિત, એકલા, ઘેરઘેર ભિક્ષા માગતા કે અયાચક વૃત્તિ ધારણ કરતા, તપના તાપથી શરીરયષ્ટિને બાળી નાંખતા” સ્વામીજી તે સમયમાં અત્યંત ઉજ્જવલ જીવન ગાળી રહ્યા હતા.

वेदान्तवाक्येषु सदा रमन्तः भिक्षान्नमात्रेण च तुष्टिमन्तः
अशोकमन्तः करणै चरन्तः कौपीनवन्तः खलु भाग्यवन्तः

ભગવાન શંકરે ઉપલા શ્લોકમાં કહ્યા જેવું અતિ ભાગ્યવંતએવું વિરક્ત જીવન તેઓ ગાળી રહ્યા હતા.

કાશી-બનારસ ! ઘણા પ્રાચીન સમયથી મનાતું પવિત્ર ધામ ! હિંદુ ધર્મનું કેન્દ્રસ્થાન ! પ્રાચીન વિદ્યાનો ભંડાર ! હજારો સાધુ-સંન્યાસીઓનું નિવાસસ્થાન ! સેંકડો વાનપ્રસ્થીઓનું વિશ્રામસ્થાન ! ઉમાનાથ-મહાદેવનું પવિત્ર ધામ ! વિવેકાનંદે આ પવિત્ર સ્થળમાં જવાનો વિચાર કર્યો. આધ્યાત્મિકતા અને વિદ્યાવડે કરીને પ્રાપ્ત કરેલી તેની ઉજ્જ્વલ કીર્તિ ! ગંગા નદીનું ખળખળાટ કરતું વહેતું પવિત્ર જળ ! અનેક ભક્તો, સાધુઓ , દેવાલયો અને સર્વત્ર વ્યાપી રહેલું પવિત્ર વાતાવરણ !! ભગવાન બુદ્ધ અને શ્રી શંકરાચાર્ય જેવાઓનું ઉપદેશસ્થાન ! આવા આવા અનેક વિચારોથી ખેંચાઈ સ્વામીજી બનારસ ગયા. કાશીના સ્ટેશને પહોંચવા પહેલાં ગંગા નદીના પૂલ ઉપરથી જ્યારે તેમણે કિનારા ઉપર બંધાવેલા અનેક સુંદર ઘાટ, ભવ્ય મહેલો અને સુંદર દેવાલયો જોયાં ત્યારે અતિશય સાનંદાશ્ચયપૂર્વક આવી જઈ બનારસ તરફનો પૂજ્યભાવ તેમના હૃદયમાં આવેશથી ઉછળી રહ્યો. પાણીની સપાટીથી ઉંચે દેખાતાં અનેક દેવાલયોના ખંડેરો તેમની નજરે પડી પ્રાચીન ભવ્યતાનું ભાન તાજું કરાવવા લાગ્યાં. સ્વામીજી શહેરમાં ગયાં, અનેક દેવાલયોમાં દર્શન કર્યાં અને પવિત્ર ગંગામાં સ્નાન કર્યું. ઘાટ ઉપર બેસીને ધ્યાન અને ભક્તિમાં કેટલોક સમય ગાળ્યો અને પછી સાધુઓ જોડે વાર્તાલાપ કરવા લાગ્યા. સનાતન ધર્મનો મહિમા હિંદુધર્મના આ મોટા મથકમાં, વિદ્યા અને ભક્તિના આ સ્થળમાં મૂર્તિમંત થઈ રહેલો તેમને ભાસ્યો. હિંદુસ્તાનનો સુધારો તેમણે કંઇક નવીન પ્રકાશવડે જોયો અને અનુભવ્યું કે આર્યજીવનમાં હજી આત્મા–પરમાત્મા-ના અસ્તિત્વ અને સત્યતાનું પુરેપુરૂં ભાન આ મહાન સ્થળમાં જળવાઈ રહેલું છે. આર્યોની આ મહત્તા અને કીર્તિ આ આત્મદર્શન અને ઉન્નત ચારિત્રમાંજ રહેલી છે. સાધુઓનું ગમનાગમન, ભક્તિનો અપ્રતિહત પ્રવાહ, આધ્યાત્મિકતાનું ભાન, દૈવી દર્શન અને આશિર્વાદ પૂર્ણ વાતાવરણ, આર્યહૃદયનો ઉલ્લાસ આ સર્વ તેમની આગળ અકથિત શબ્દોમાં ભારતવર્ષની કીર્તિ વર્ણવવા લાગ્યાં.

કાશીથી કેટલાક માઈલને અંતરે આવેલા સારનાથ નામના સ્થળમાં તે એક દિવસ ગયા. તે સ્થળમાં ભગવાન બુદ્ધે પરમસત્યનો સર્વને બોધ કર્યો હતો. અહીં ઘણો વખત સ્વામીજી ઉભા રહ્યા અને ખંડેર થઈ રહેલા તે સ્થળ ઉપર પુષ્કળ વિચાર કરવા લાગ્યા. હજારો વર્ષો ઉપર ભગવાન બુદ્ધના ચરણકમળવડે કરીને પવિત્ર થઈ રહેલી આ જગ્યાને જોઇને તેમનું હૃદય આનંદ અને માનની લાગણીથી ઉભરાઈ રહ્યું. ભગવાન બુદ્ધને તેમણે નમન કર્યું.

કાશીમાં સ્વામીજીને પોતાના દાદા-સંન્યાસી દુર્ગાચરણ સાંભરી આવ્યા. પોતાની દાદી અને તેમના પુત્ર-વિશ્વનાથ–સ્વામીજીના પિતા–અહીં ગંગા નદીમાં લગભગ ડુબી ગયાનો પ્રસંગ તેમને યાદ આવ્યો. વિશ્વનાથ અને વિરેશ્વર મહાદેવનાં દેવાલયોમાં તે હવે દર્શનાર્થે ગયા. અહીં પોતાના જન્મ વિષે ભુવનેશ્વરી માતાએ જે પુજા કરાવેલી તે વાત મગજમાં તાજી થઈ અને એક પ્રકારનો પૂજ્ય ભાવ તેમના મનમાં ઉભરાઈ આવ્યો. હવે તે પોતાનો સમય ભક્તિ અને ધ્યાનમાં તેમજ અસામાન્ય વ્યક્તિઓની શોધ અને સત્સંગ ગાળવા લાગ્યા. માધુકરી લાવીને પેટ ભરવા લાગ્યા. સાયંકાળના સમયમાં કોઈ ઘાટ ઉપર કે સ્મશાનભૂમિમાં બેસીને તેઓ ધ્યાન ધરતા અથવા ભક્તિતરસથી ભરેલાં ભજન ગાતા. રાત્રે ગંગા કિનારેથી પાછા ફરીને વિશ્વનાથના દેવાલયમાં તે જતા અને ત્યાં થતી ભવ્ય પૂજા અને આરતીથી અનંદમગ્ન બની રહેતા.

કાશીમાં અનેક પંડિતો અને સંન્યાસીઓનો તેમને સમાગમ થયો. પ્રસિદ્ધ તેલંગસ્વામી અને ભાસ્કરાનંદજીનાં દર્શન તેમણે અતિ નમ્ર ભાવે કરી તેમની ચરણરજ માથે ચડાવી હતી. આ બંને અસામાન્ય સંન્યાસીઓ તેમના જ્ઞાનથી અને વક્તૃત્વશકિતથી બહુજ ખુશી થયા હતા.

એક ખરેખરા સંન્યાસી તરીકે વિવેકાનંદ આ દિવસો ગાળતા હતા. ઘણા અનુભવો તેમને પ્રાપ્ત થતા હતા. સાધુનું સ્વાતંત્ર્ય તે પુરેપુરું ભોગવતા હતા. તે જે જે જોતા કે શ્રવણ કરતા તેનો બારીકીથી વિચાર કરતા અને નવી નવી વસ્તુઓનું અવલોકન કરતા. બનારસ જોયા પછી અને ત્યાંના જીવનનું રહસ્ય જાણ્યા પછી તેઓ અયોધ્યા ગયા.

અયોધ્યામાં રામાયણના અનેક પ્રસંગો તેમને યાદ આવ્યા- પોતાની બાલ્યાવસ્થામાં સ્વામીજી શ્રીરામ અને સીતાની મૂર્તિઓને ઘણુંજ ચ્હાતા અને રામાયણની કથાના જ પ્રસંગોને ગવાતા જે બહુ આનંદથી સાંભળતા તેજ પ્રસંગોની ભૂમિ ઉપર આવતાં તે પ્રસંગો તેમના મનમાં ખડા થવા લાગ્યા. તેમણે મનમાં વિચાર કર્યો “આવાં પવિત્ર અને ઐતિહાસિક ગૌરવવાળા સ્થળોમાં વિચરવાને ગમે તેવી અગવડ પણ કોણ નહીં વેઠે !”

ત્યાંથી તેઓ મુગલ બાદશાહોનો મહિમા અને સંસ્મરણોથી ભરપુર એવા આગ્રા શહેરમાં આવી પહોંચ્યા. તાજમહાલની અલૌકિક શોભાએ તેમના મન ઉપર ભારે અસર કરી મુકી. મકાનની શ્રેષ્ઠ સંપૂર્ણતા જોઈને સ્વામીજીનું આધ્યાત્મિક હૃદય આનંદથી ઉભરાઈ ગયું. ભારતવર્ષ તરફ જે અગાધ પ્રેમ તે ધરાવી રહ્યા હતા તે પ્રેમથી તેમણે તાજમહાલને-ભારતવર્ષની એક અલૌકિક વસ્તુને- ખુણે ખુણેથી નિહાળી જોઈ.

વારંવાર તે તાજમહાલ જોવાને જતા. ચંદ્રના અજવાળામાં અને પ્રાતઃકાળમાં પણ અનેકવાર તેને જોવાને તે જંતા, અને તે સમયે તાજમહાલ જે અપૂર્વ શોભા દર્શાવતો તે જોઈને હિંદના કારીગરોની કળા વિષે સાનંદ ગૌરવ લેતા. શિલ્પકળાની આ અદ્ભુત કારીગરીને જોઈને મેગલ બાદશાહ અને તેમની કચેરીઓનું તેમને સ્મરણ થઈ આવી સઘળો ઇતિહાસ તેમના મગજમાં તરી આવ્યો. આથી જતે જતે પણ તેમણે તાજમહાલ તરફ નજર કરી અને દૂરથી ચળકતું, સફેદ આરસપહાણમાં કોતરાઈ રહેલું, જાણે કે તે એક સ્વપ્ન હોય તેમ તેમને ભાસ્યું !

શ્રીકૃષ્ણ ! યશોદાનો પુત્ર ! ભારતેન્દુ ! ભારતનો જાયો ! ભારતવર્ષનો આત્મા ! યોગેશ્વર ! જિતેન્દ્રિય ! જિતાત્મા ! કરોડો ભક્તાત્માઓનું વિશ્રામસ્થાન ! અનેકનો પ્રેરક ! ઉદ્ધારક ! એક અલૌકિક સંન્યાસી ! અલૌકિક ગૃહસ્થાશ્રમી ! સદાએ સાદો, સદાએ પવિત્ર, જેનું જીવન ગીતામાં આપેલા ઉપદેશનુંજ પ્રતિબિંબ હતું; જેની આજ્ઞાથી અનેક રાજાઓએ પોતાનાં રાજ્યોનો ત્યાગ કર્યો હતો; જેણે પોતે કદી પણ રાજ્યની ઈચ્છા કરી નથી; એવા શ્રીકૃષ્ણ ! આર્યપ્રજાના હૃદયમાં ઉંડા વસી રહેલા શ્રીકૃષ્ણ ! આ કૃષ્ણની બાલ્યાવસ્થાના વિહારસ્થાન, લીલાસ્થાન, વૃંદાવનમાં આગરેથી પગે ચાલતા કેટલાક દિવસે સ્વામીજી જઈ પહોંચ્યા.

એક ગોવાળ તરીકે જંગલોમાં શ્રીકૃષ્ણે ગાળેલું જીવન, કંસવધ, સમરાંગણમાં તેમણે અર્જુનને આપેલો બોધ-આ સર્વ ઉપર તે હવે વિચાર કરવા લાગ્યા. પછીથી યાત્રાળુઓની ભેગા ભળી જઈને તેમણે પરિક્રમા કરી અને જુદાં જુદાં દેવાલયોમાં સ્થાપેલી શ્રીકૃષ્ણની પ્રતિમાઓનાં ઘણાજ ભાવથી દર્શન કર્યાં. શ્રીકૃષ્ણના ચિંતવનથી તેમનો આત્મા ઉંચાવસ્થા ભોગવી રહ્યો. વૃંદાવનના શ્રીકૃષ્ણ માટે શ્રી રામકૃષ્ણદેવ પણ ઘણોજ પ્રેમ ધરાવતા હતા તે યાદ આવ્યું.

હવે સ્વામીજીએ વૃંદાવનથી બદ્રીનારાયણ જવાનો વિચાર કર્યો. પણ પ્રભુએ કંઈક જુદું જ ધાર્યું હતું. એક ઉત્તમ ભક્ત આવા મહાત્માઓની શોધમાં રહેતો હતો અને પ્રભુનો હવે સંકેત હતો કે સ્વામીજીએ તેના ગામ તરફ જવું ! હિંદુસ્તાનમાં એવી માન્યતા ચાલી રહેલી છે કે જો કોઈ મનુષ્ય ગુરૂની શોધમાં હોય તો તે તેને આવી મળે છેજ. આથી કરીને હવે સ્વામીજી હાથરસના સ્ટેશનના એક ખુણામાં ગુપચુપ બેસી રહેલા નજરે પડે છે.

સરતચંદ્ર ગુપ્ત નામનો અહીંનો સ્ટેશન માસ્તર પ્રભુનો ભક્ત હતો. મહાત્માઓની સેવા તે કરતો. કોઈ સારા મહાત્મા મળે તો તેને ગુરૂ તરીકે સ્થાપવાનો તેનો વિચાર હતો. પોતાના કામને અંગે સરતચંદ્ર સ્ટેશનના કંપાઉન્ડમાં આમ તેમ ફરતા હતા એટલામાં તેમણે ખુણામાં આસનવાળીને બેઠેલા સ્વામીજીને જોયા. સરતચંદ્રે તેમની પાસે જઈ નમસ્કાર કર્યા અને સ્વામીજીને પોતાના મકાનમાં આવવાનું કહ્યું. અહીંઆ તે એક બે દિવસ રહ્યા. સરતચંદ્ર અનેક સવાલ પુછતો અને પોતાના મનનું સમાધાન કરી લેતો. એક વખત તે સ્વામીજી પાસે આવ્યો અને તેમને જરાક ઉદાસ ચહેરે બેઠેલા જોયા. સરતચંદ્ર એ વિષે પૂછતાં સ્વામીજીએ જવાબ આપ્યો “મારે ઘણું કામ કરવાનું છે, અને તે કરવાની શક્તિ મારામાં નથી. મારા ગુરૂની આજ્ઞા છે કે મારે કાર્ય કરવું તે કાર્ય કંઈ નાનું સુનું નથી, તેમાં આપણા ભારતવર્ષનો પુનરોદ્ધાર આવી રહે છે. આપણા દેશમાંથી અધ્યાત્મિકતા ઘટી જઇને નષ્ટ થવા બેઠી છે. દેશ તેથીજ ગરીબાઈમાં આવી રહેલ છે. હિંદુસ્તાને તે અધ્યાત્મિકતા પ્રાપ્ત કરીને અખિલ વિશ્વને આપવી જોઈએ.” આમ કહેતે કહેતે સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ અને સૌંદર્ય વ્યાપી રહ્યું અને તેમની આંખો તેજથી ચળકવા લાગી. સરતચંદ્ર ચકિત્ થઇને સાંભળી રહ્યો અને બોલ્યો “આ રહ્યો હું, સ્વામીજી ! તમારે જે કંઈ કરવાનું હોય તે મને કહો.” સ્વામીજીએ જવાબ આપ્યો “હાથમાં ભિક્ષાની ઝોળી ધારણ કરીને આ કામ કરવાને તમે તૈયાર છો? તમે ઘેરઘેર ભિક્ષા માગવા જઈ શકશો ? તમે ત્યાગીનું જીવન ગાળી શકશો ?” સરતચંદ્રે બહાદુરીથી જવાબ આપ્યો “હાજી.”

થોડા વખતના સમાગમથી ૫ણ સરતચંદ્રનું હૃદય સ્વામીજી પ્રત્યે પૂર્ણ ભાવથી ભરપુર થઈ રહ્યું હતું. પોતાની ઉચ્ચ ભાવનાઓની જાણે કે સ્વામીજી જીવંત મૂર્તિ હોય એમ તેને ભાસ્યું હતું. સ્વામીજી હવે જવાની તૈયારી કરી રહ્યા હતા તેથી સરતચંદ્ર બોલી ઉઠ્યાઃ “સ્વામીજી મને તમારો શિષ્ય બનાવો. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ.” સ્વામીજી એલ્યાઃ “તમે મને ખરેખરી રીતે અનુસરશો ?” સરતચંદ્રે હા કહી. પછી સ્વામીજી બોલ્યાઃ “ત્યારે લ્યો આ મારૂં કમણ્ડલું અને સ્ટેશનના પોર્ટરોને ઘેર જઇને ભિક્ષા માગી લાવો !” સરતચંદ્ર તરતજ ગયો અને થોડી ભિક્ષા માગી લાવ્યો. સ્વામીજીએ તેને આશિર્વાદ આપ્યા.

પછી પોતાનાં માબાપની પરવાનગી લઈને સરતચંદ્ર સ્વામીજીની સાથે જવા તૈયાર થયો. સ્વામીજીએ તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. આગળ ઉપર તે સ્વામી સદાનંદ તરીકે ઓળખાવા લાગ્યો, ગુરૂ અને શિષ્ય બંને હવે હૃષીકેશ તરફ ગયા. ત્યાં જઈને અનેક સાધુઓ ભેગા તે રહેવા લાગ્યા. અહીંનું સઘળું વાતાવરણ તેમને સાધુમયજ લાગ્યું. તેમણે ઘણા દિવસો આ સ્થળે અભ્યાસમાં ગાળ્યા. હવે હિમાલયનાં ઉંચાં શિખરો ઉપર ચ્હડવાનો તેમણે વિચાર કર્યો. હૃષીકેશમાં પવિત્ર જાન્હવીનું જળ નાચતું, કુદતું, ખળખળાટ કરતું વહી જતું હતું; તેનાથી થતો અવાજ તેમના કાનને અત્યંત પ્રિય લાગતો હતો. સ્વામીજીને મન તે “હર, હર, ૐ ૐ” એમ બોલતો અને સાધુ જીવનનું સ્વાતંત્ર્ય દાખવતો હોય તેવો લાગતો હતો. આસપાસ નાના નાના પહાડો આવી રહેલા હતા અને તે સવાર તથા સાંજના સમયે શાંત અને કિંચિત પ્રકાશવાળા સમયે રંગબેરંગી ચિત્રો ધારણ કરી રહેલા જણાતા હતા. આથી કરીને હાલ તો આ સ્થળમાંજ રહેવું એવો નિશ્ચય સ્વામીજી કરી રહ્યા હતા. પણ એટલામાં સદાનંદ પુષ્કળ માંદા પડ્યા અને તેથી સ્વામીજીને પાછા વળવું પડ્યું, સ્વામીજી પોતાના શિષ્ય પ્રત્યે કેવું વર્તન રાખતા તે વિષે સદાનંદ લખે છે: “હું માંદો હતો અને બેભાન થઈ જતો હતો. સ્વામીજીએ મને મૃત્યુથી બચાવ્યો. એક ઘોડાવાળાની માફક તે મારો ઘોડો દોરતા; રસ્તામાં પૂર્ણ જોસવાળી, કાદવમાં લપસી જવાય એવી અનેક નદીઓમાંથી મને પાર ઉતારતા. જ્યારે હું ઘણોજ માંદો પડ્યો ત્યારે તેમણે મારો સઘળો સામાન, રે, જોડા પણ પોતે ઉંચકી લીધા હતા !”

મઠમાં સઘળા ગુરૂભાઈઓ વિવેકાનંદને પાછા આવેલા જોઇને ઘણાજ ખુશી થયા. પૂજા અને ભજનમાં તે હવે ભાગ લેવા લાગ્યા. પોતે કરેલા પ્રવાસનો અનુભવ સર્વને કહીને સર્વની દૃષ્ટિ વિશાળ બનાવવા લાગ્યા. ભારતવર્ષના આધ્યાત્મિક પુનરોદ્ધારના વિચારો હવે ખૂબ જોસથી તેમના મનમાં ઉભરાવા લાગ્યા, બનારસ, અયોધ્યા, વૃંદાવન, આગ્રા વગેરે સ્થળમાં સ્વામીજીને જે અનુભવ પ્રાપ્ત થયા હતા તે ઉપરથી તે હવે કહેવા લાગ્યા કે હિંદુસ્તાનનો સુધારો આધ્યાત્મિક, ઉત્પાદક શક્તિવાળો અને ઉંચા પ્રકારનો છે. “સઘળું એશીઆ એકજ છે” આ કહેવત ભારતવર્ષમાં ખરી પડે છે. યાત્રાનાં સ્થાનમાં, આધ્યાત્મિક આદર્શોમાં અને સંસ્કૃત વિદ્યાના ઉંડા અધ્યયનમાં આખું ભારતવર્ષ એકજ દેખાય છે. સમાજના બંધારણનાં તત્ત્વો સર્વત્ર એકજ દેખાય છે. કાશ્મીર અને નેપાલથી કેપ કોમેારીન સુધી અને આસામથી મુંબઈ સુધી સરખીજ પૂજા થાય છે. અમરનાથના શિવ, નેપાલના પશુપતિનાથ, તારકેશ્વરના મહાદેવ, કાશીના વિશ્વનાથ અને છેક દક્ષિણમાંના રામેશ્વરના શિવ સધળા એકજ છે.

રામકૃષ્ણમઠ હવે એક ધાર્મિક વિશ્વવિદ્યાલય જેવો બની રહ્યો હતો. તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓ, સમાજ શાસ્ત્ર, ઇતિહાસ વગેરે બાબતો સંન્યાસીઓ તેમજ બીજા શ્રોતાઓને અહીં આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાવવામાં આવતી. સઘળા સાધુઓ સનાતન ધર્મની ઉજ્જવલ કીર્તિથી પ્રેરાઈ રહ્યા ! પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની તુલના કરી સ્વામીજીએ સૌના મનમાં ઠસાવ્યું કે પાશ્ચાત્ય સુધારો અનિષ્ટ પરિણામ યુક્ત જડવાદથીજ જડિત છે ત્યારે હિંદનું જીવન તો ધર્મજ છે. ધર્મથીજ તેનો ઉદય અને જય છે. ધર્મનાં લક્ષણ દયા, ક્ષમા, તપ, સત્ય, બ્રહ્મચર્ય વગેરે શિવાય કઈ પ્રજાએ પોતાનો ઉદય કર્યો છે ! સઘળા સાધુઓ હિંદ વિષેના અનેક પ્રશ્નોના મનમાં વિચાર કરવા લાગ્યા. પોતાની માતૃભૂમિનો પુનરોદ્ધાર થાય એવી ઈચ્છા ધરતા પ્રભુને પામી રહ્યા.