સ્વામી વિવેકાનંદ/ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરમહંસદેવનું દેહાવસાન સ્વામી વિવેકાનંદ
ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
પ્રવાસી સાધુ →


પ્રકરણ ૨૩ મું – ભાવી જીવનના ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.

શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી થોડાક દિવસ સઘળા શિષ્યો કાશીપુરમાં રહ્યા અને પછીથી તેમણે સ્થાપિત કરેલા રામકૃષ્ણ મઠ નામના સ્થાનમાં તેઓ આવી રહ્યા. હવે સઘળા શિષ્યોએ ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. સઘળા સાથે રહેતા હતા. નરેન્દ્ર સર્વનો નેતા હતો. શ્રીરામકૃષ્ણની વિભૂતિને મઠમાં બંધાવેલા એક મંદિરમાં રાખવામાં આવી. એક સ્થાનમાં શ્રીરામકૃષ્ણની છબી પધરાવવામાં આવી અને ધુપ, પુષ્પ વગેરેથી તેની પુજા કરવામાં આવતી. સઘળા શિષ્યો સંન્યાસીનું સખ્ત જીવન ગાળવા લાગ્યા અને વિપત્તિની સામે થવા લાગ્યા. અહીં ભુખ, તરસ કે ઉંઘની દરકાર કોઈ કરતું નહીં અને રાતદિવસ દરેક જણ પ્રાર્થના, ભજન કે સાધનમાંજ નિમગ્ન રહેતું.

થોડાંક વર્ષ પછી રામકૃષ્ણ મઠનું નાનું સ્થળ બેલુરમઠ નામના પ્રસિદ્ધ સ્થળમાં બદલાઈ ગયું, બીજા શિષ્યો મઠાધિશો, ઉપદેશકો, અને સ્વયંસેવકો થઈ રહ્યા અને પોતાનું જીવન, પ્રાર્થના, સાધના અને જનસેવામાં ગાળવા લાગ્યા, શ્રી રામકૃષ્ણની પ્રેરણાથી તેઓ એટલા બધા પ્રેરિત થઈ રહ્યા હતા કે તેમની મહાસમાધિ પછી માત્ર બાર વરસમાંજ તેમનું નામ અને સંદેશ આખા હિંદમાં, રે, લગભગ સમસ્ત જગતમાં પ્રસરી રહ્યાં.

હવે નરેન્દ્ર કાશીપુરનો બાગ અને દક્ષિણેશ્વરના મંદિરની બહાર નીકળતો જણાય છે. તેણે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં છે. હાથમાં તેણે દંડ ગ્રહ્યો છે. એક પ્રવાસી સાધુ તરીકે તે અહીં તહીં પર્યટણ કરી રહ્યા છે. યુવાન હવે પુખ્ત ઉમરનો મનુષ્ય બન્યો છે. શિષ્ય નરેન્દ્ર તે હવે ઉપદેશક સ્વામી વિવેકાનંદ થયો છે. શ્રીરામકૃષ્ણ પાસે બેસીને શિખનાર શિષ્ય અસંખ્ય મનુષ્યોનો ગુરૂ બન્યો છે. આધ્યાત્મિક શક્તિઓને માટે યાચના કરનારો હવે શક્તિઓની જીવંત મૂર્તિ બની રહે છે ! શ્રીરામકૃષ્ણનાં સઘળાં લક્ષણો નરેન્દ્ર-વિવેકાનંદમાં પ્રકટી રહે છે ! જાણે શ્રીરામકૃષ્ણનું જ વ્યક્તિત્વ એક નવીન અને બળવાન શરીરમાં પ્રગટ થઈ રહે છે !

એક સામાન્ય મનુષ્ય જેવો-ખુણામાં પડી રહેલો નરેન્દ્ર હિંદુસ્તાનના અનેક રાજકુંવરોનો ગુરૂ બને છે; પૌર્વાત્ય અને પાશ્ચાત્ય અનેક શિષ્યોથી તે પુજાતો નજરે પડે છે !

હિંદુસ્તાનમાં સર્વત્ર પર્યટણ કરતો તે હવે દેખાય છે. યુરોપ, અમેરિકાદિ દેશોમાં વિચરતો તે જણાય છે. હિંદુસ્તાનનાં ગહન અરણ્યો અને ગુફાઓમાં, ગરીબોનાં ઝુંપડાઓ અને રાજાના મહેલમાં, તેમજ યતિઓના આશ્રમમાં અને અસ્પર્સ્યની સંનિધિમાં વસતો તે માલમ પડે છે. હિંદની ગંદી અંધારી ગલીઓમાં અને ધુળવાળા રસ્તાઓ ઉપર ચાલતો તે દૃષ્ટિએ આવે છે, તેમજ યુરોપ અને અમેરિકાના સુંદર, સ્વચ્છ અને ભવ્ય મહોલ્લાઓ અને મકાનમાં પુજાતો તે નજરે આવે છે ! વખતે તે અસંખ્ય સાધુઓના નિવાસરૂપ હૃષીકેશમાં વાસ કરતો અને વખતે તે હિમાલયની ઉચ્ચ અને ઠંડી ટેકરીઓ ઉપર મુસાફરી કરતો દૃષ્ટિગોચર થાય છે !

અત્યાર સુધી જગત શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિકતા અને ઉચ્ચ શક્તિઓ વિષે સાંભળી રહ્યું હતું; પણ હવે ગુરૂને સ્થાને તેમનો પટ્ટ શિષ્ય વિરાજે છે અને જગત સ્વામી વિવેકાનંદની બુદ્ધિ, અનુભવ, અને અધ્યાત્મિક શક્તિઓ જોઇને વધારે ચકિત થાય છે ! પ્રાચીન સમયના જ્ઞાની ભક્ત શ્રી રામકૃષ્ણની ભક્તિ, સાધુતા, મૃદુતા અને અત્યંત નમ્રતાને સ્થાને હવે અર્વાચીન સમયના વિવેકાનંદનો ભક્તિમય જુસ્સો, જ્ઞાનબળ, લોક કલ્યાણ માટે અથાગ શ્રમ અને યોગયુક્ત હૃદયની નિડરતા તથા સામર્થ્ય નજરે પડે છે. વિવેકાનંદના જીવનમાં જ્ઞાન અને નિષ્કામ કર્મનો સુયોગ સધાય છે. આધ્યાત્મિકતાના પાયા ઉપર બંધાતી અને વિકાસને પામતી મનુષ્યની ઈચ્છાશક્તિનું મહાકાર્ય તેમાં દૃષ્ટિગોચર થાય છે. અનેક સંકટ સામે આધ્યાત્મિક બળને ધરતું અને તેમના ઉપર વિજય મેળવતું ભવ્ય ચારિત્ર્ય તેમાં નજરે આવે છે. માનવ જીવનના પ્રપંચોથી પર થઈ રહેલ. વેદાન્તનાં અગાધ સત્યોમાં રમમાણ થતું પણ જગતનાં કાર્યો કરવામાં અત્યંત શક્તિ અને ઝનુન દાખવતું છતાં પરમ શાંતિને ભોગવતું તે જીવન દૃશ્યમાન થાય છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય આદર્શો ઉપર તે હિંદનું ભાવી રચે છે. કેટલીકવાર તે એક બાળકની માફક હસતું-રમત ગમતમાં ભાગ લેતું પણ નજરે આવે છે. ક્ષણે ક્ષણે પરમ વૈરાગ્ય તેમાં દૃશ્યમાન થાય છે.

પોતાના હૃદયમાં તો નરેન્દ્ર એક નાના બાળક જેવોજ હતો. ક્વચિત તે રમૂજ કરતો જણાતો. પણ સર્વદા આધ્યાત્મિકતાના ઉંચા શિખર ઉપર તે વિરાજતો અને એક મહાન સાધુ તથા ઉપદેશકના ગુણ તથા શક્તિઓથી સર્વને વિસ્મય પમાડતો.

વિવેકાનંદનું જીવન અનેક બાબતોથી ભરપુર હતું. અનેક તત્ત્વનું તે કેન્દ્રસ્થાન બની રહ્યું હતું. સ્વદેશભક્ત, ઉપદેશક, જડવાદનો વિધ્વંસક, ઊંડો વિચારક, હિંદના ગહન પ્રશ્નોનું નિરાકરણ કરનાર મહાપુરૂષ, ભક્ત, જ્ઞાની, યોગી, લેખક, કવિ, વક્તા, કુસ્તીબાજ વગેરેનાં લક્ષણો અને ઉચ્ચ શક્તિઓને એકજ શરીરમાં લાવી મુકીએ તોજ બની રહે-એક વિવેકાનંદ !

જગત એમ ધારે છે કે શરીરના વિનાશ સાથે મહાપુરૂષના જીવનનો ૫ણ અંત આવી જાય છે, પણ તેમ નથી. તેમનું મૃત્યુ પણ અનેક મનુષ્યનાં આદર્શ જીવનનું પ્રેરક બને છે. ગુરૂની મહા સમાધિ પછી નરેન્દ્ર અને તેના ગુરૂ ભાઈઓ રાત અને દિવસ તપ, સાધના, ધ્યાન અને ભજનમાં ગાળતા હતા. વારેઘડીએ ભગવાન શ્રીરામકૃષ્ણ અને તેમના ઉપદેશો વિષેજ વાતો કરવામાં આવતી. નરેન્દ્ર સર્વને તેમના અદ્ભુત જીવનના પ્રસંગો કહી સંભળાવતો. સઘળું સ્થાન આધ્યાત્મિક બળ અને જ્ઞાનાનંદથી ગાજી રહેતું હતું. શ્રી રામકૃષ્ણ હજી પણ સર્વની વચમાં બેઠેલાજ છે એમ ધારી સર્વ કોઈ વર્તી રહ્યું હતું.

કેટલાક દિવસ આમ વહી ગયા. હવે સઘળા શિષ્યો વિચાર કરવા લાગ્યા કે તેમણે શું કરવું ? પોતાનું ગુજરાન તેઓએ શી રીતે ચલાવવું ? કેટલાક ગૃહસ્થ શ્રીરામકૃષ્ણને મદદ કરતા હતા તે તેમની મહાસમાધિ પછી તેમ કરતા બંધ પડ્યા. કેટલાક ગૃહસ્થાશ્રમી શિષ્યો કહેવા લાગ્યા કે આ છોકરાઓ હજી નાના છે અને તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો ! કેટલાક બી. એ. નો અભ્યાસ કરતે કરતે શ્રીરામકૃષ્ણ પાસે આવેલા હતા તેમનાં માબાપ હવે કહેવા લાગ્યાં કે તેમણે તેમના અભ્યાસ પુરો કરીને ડીગ્રી મેળવવી !

સઘળા શિષ્યો કહેવા લાગ્યાઃ “પરમ વૈરાગ્ય અને આધ્યાત્મિક અનુભવોનું આવું જીવંત દૃષ્ટાંત અમારી નજર આગળ જોયા પછી સંસારમાં પ્રવેશ કરવાનું મન પણ અમને કેવી રીતે થાય ? શું ગુરૂદેવ એવો બોધ કરતા નહોતા કે કામિની અને કાંચનનો ત્યાગજ કરવો ? સાધુઓએ આવતી કાલનો વિચાર ન કરવો એમ શું આપણને તેમણે શિખવ્યું નથી ? ઉદરનિર્વાહને માટે આપણે કાળજી શા માટે જોઈએ ? સંયમી બની આપણે આપણી માધુકરી-ભિક્ષા ઘેર ઘેર માગીશું. ખરેખર, આપણા ગુરૂદેવજ આપણી સંભાળ લેશે.”

કેટલાક શિષ્યો હવે યાત્રાએ નીકળી પડ્યા અને કેટલાક મા-બાપના ઘણા આગ્રહને લીધે ઘેર જઈ બી. એ. ના અભ્યાસ પુરો કરવા લાગ્યા. નરેન્દ્ર પણ થોડોક સમય પોતાને ઘેર રહીને કુટુંબની કંઈક વ્યવસ્થા કરવાની અધુરી હતી તે પુરી કરી. પછી તે મઠમાં આવ્યો અને પેલા બી. એ.ના અભ્યાસીઓને ઘેર જઈને તેમને સમજાવવા લાગ્યો. પૂર્ણ આધ્યાત્મિક જુસ્સાથી તે તેમની પાસે જતો, તેમની સાથે વાદવિવાદ કરતો, એક સિંહની માફક અનેક વાર ગર્જના પણ કરતો અને એવી ભાષા તથા જુસ્સાથી તે વૈરાગ્યની મહત્તા. સાબીત કરતો કે તેને શ્રવણ કરનારાઓ મહાતજ થઈ જતા. તે કહેતો: “આ બંધનમાંથી મુક્ત થાવ. બીજાને ગમે તે પસંદ હોય પણ તમારે આમ તમારું જીવતર નકામું કરી નાંખવાનું નથી. તમને આપણા ગુરૂદેવ યાદ આવતા નથી? આધ્યાત્મિક અનુભવ આગળ સઘળું ઐહિકજ્ઞાન અજ્ઞાન જેવું જ છે. વૈરાગ્યને ઇચ્છવો અને વળી જગતના પદાર્થોને ચ્હાવા એ બંને એકી વખતે બનવું અશક્ય છે. પરિક્ષાનો વિચાર છોડી દો, ડીગ્રીને વહેતી મૂકો ! અરે, તમે જે ઐહિકજ્ઞાન મેળવ્યું છે તે સઘળાને પણ વિસારી દેશો ત્યારેજ આધ્યાત્મિક જીવનના તમે ભોક્તા થશો.”

આ સાંભળીને એક પછી એક એમ દરેકે પોતાનાં પુસ્તકો ફેંકી દીધાં અને ડીગ્રીના લોભ છોડી દઈ સઘળા મઠમાં આવીને રહ્યા.

શ્રી રામકૃષ્ણના ગૃહસ્થાશ્રમી શિષ્યો અને સંન્યાસી શિષ્યો વચ્ચે હવે એ પ્રશ્ન ઉભો થયો કે શ્રીરામકૃષ્ણની વિભૂતિ કોણે રાખવી ? નરેન્દ્ર વચમાં પડ્યો અને સંન્યાસી શિષ્યોને સમજાવવા લાગ્યો “ખરું મનુષ્યત્વ પ્રાપ્ત કરો. આપણા ગુરૂએ બોધ આપ્યો છે કે મનુષ્યે ખરા મનુષ્યત્વને પ્રાપ્ત કરવું. તેમને વિભૂતિ લેવા દ્યો ! આપણે સંન્યાસ ગ્રહીને, ગુરૂનાં વચન પાળીને, તેમના તરફની આપણી ભક્તિની સાબીતિ આપીએ નહીં તો આપણે તેમની વિભૂતિની પૂજા ગમે તેટલી કરીએ તોપણ શું થયું ? શ્રીરામકૃષ્ણના શિષ્યો તેમની વિભૂતિ માટે લડ્યા એમ કહેવાવું ન જોઈએ. જો આપણે આપણાં આદર્શને ખરેખરી રીતે વળગી રહીએ અને આપણા ગુરૂના બોધના જીવત દાખલાઓ બની રહીએ તો આખું જગત આપણે ચરણે નમે. ”

નરેન્દ્રનો આ ઠરાવ સઘળા સંન્યાસીઓએ બહાલ રાખ્યો. આથી કરીને એક સંન્યાસી શ્રી રામકૃષ્ણની વિભૂતિને પોતાને મસ્તકે લઈને એક ગૃહસ્થાશ્રમીની વાડીમાં મુકી આવ્યા. તેના ઉપર એક મંદિર બાંધવામાં આવ્યું. તે સ્થાન યોગાદ્યાનને નામે ઓળખાય છે અને ત્યાં પ્રતિવર્ષ મહોત્સવ થાય છે.

વિભૂતિનો કેટલોક ભાગ સંન્યાસીઓએ પોતાની પાસે રાખ્યો હતો. તેને મઠના એક શ્રેષ્ઠ ભાગમાં પધરાવવામાં આવ્યો અને સઘળા સાધુઓ તેની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય વડે કરવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ જે પથારીમાં સુતા હતા, જે કપડાં પહેરતા હતા તથા જે સામાન વાપરતા હતા તે સઘળું કાશીપુરથી મઠમાં લાવવામાં આવ્યું અને તેને એક અમુલ્ય ખજાના તરીકે જાળવી રાખવામાં આવ્યું.

આ મઠમાં શ્રી રામકૃષ્ણના બાળકો-આ સાધુઓ-હવે કેવું જીવન ગાળી રહ્યા હતા ! ખરેખર તે દિવસો અત્યંત હાડમારીનાજ હતા. પણ તે હાડમારીમાં જ તેમનું ચારિત્ર્ય ઘડાતું હતું અને તેઓ વધારે ને વધારે બળવાન થતા જતા હતા. મઠનું મકાન ઘણુંજ જુનું હતું, નીચલા ભાગમાંની જગ્યા વપરાયા વગરની પડી રહેલી હતી અને તેમાં સર્પાદિનો ભય હતો. આસપાસની દિવાલોમાંની એક “આજ પડું, કાલ પડું” એવી થઈ રહી હતી. અનાયાસે જે આવી મળતું તેજ તેઓ ઉપયોગમાં લેતા અને કોઈની પાસે યાચના કરતા નહી. આથી કરીને વારંવાર ભૂખ્યા રહેવાનો પ્રસંગ પણ આવતો. મઠનું કામ-પાણી ભરવું, ઝાડુ વાળવું, રસોઈ કરવી, વાસણ માંજવાં વગેરે – તેઓ હાથોહાથજ કરતા ને તે ઘણા ઉલ્લાસથી કરતા. તેઓ આધ્યાત્મિક વિચારમાંજ કાળ નિર્ગમન કરતા. તેઓ માત્ર કૌપીન અને એકાદ ભગવું વસ્ત્ર શરીરે ધારણ કરતા. જમીન ઉપર સાદડી પાથરીને તેઓ સુતા. કેટલાક દેવો, દેવીઓ અને સાધુઓની છબીઓ, રૂદ્રાક્ષની માળાઓ અને એક તંબુરો, એટલીજ વસ્તુઓ ત્યાં ભીતે ખીંટીઓ ઉપર લટકતી જણાતી હતી. ખુણામાં એક ખાટલા ઉપર આસરે સોએક પુસ્તકો-સંસ્કૃત, બંગાળી, અંગ્રેજી-પડેલાં દેખાતાં હતાં. સંસારની લાલસા વગરના, સાદા અને બાળક જેવા સરળ સ્વભાવના આ સાધુઓ આધ્યાત્મિક અભ્યાસ અને સ્વાતંત્ર્યથી પ્રાપ્ત થતા પૂર્ણ આનંદને ભોગવી રહ્યા હતા. નરેન્દ્ર સર્વનો રક્ષક હતો. શ્રી રામકૃષ્ણ એક વૃક્ષ જેવા હતા, નરેન્દ્ર તે વૃક્ષનું થડ હતો અને તેના ગુરૂ ભાઈઓ તેની શાખાઓ રૂપે બની રહ્યા હતા. આ મહાન વૃક્ષનાં ડાળપાન સર્વત્ર પ્રસરી રહેવાનાં હતાં.

પ્રભુનાં બાળકોની સંભાળ પ્રભુ લે છેજ. જેમણે પોતાનું જીવન પ્રભુને અર્પણ કરેલું છે તેમની કાળજી શ્રીહરિ રાખેજ છે.

શ્રીરામકૃષ્ણના એક ભક્ત સુરેન્દ્રનાથ મિત્ર-સુરેશ બાબુ-કરીને હતો. તેનું લક્ષ મઠના સંન્યાસીઓની તંગી તરફ ખેંચાયું. તેણે ગોપાળ નામના એક માણસને નોકર તરીકે રાખી લઈને કહ્યું કે તારે આ મઠમાં રહેવું અને આ સાધુઓને જ્યારે જ્યારે જે જે વસ્તુની જરૂર પડે ત્યારે મને આવીને કહી જવું. ગોપાળ હવે મઠમાંજ રહેવા લાગ્યો અને જ્યારે સાધુઓને ખાવા પીવાની તંગી હોય ત્યારે સુરેશ બાબુને ખબર કરતો; એટલે એકદમ સુરેશ બાબુ તે વસ્તુઓને માટે પૈસા આપી કહેતા કે જે જોઈએ તે લઈ જા, અને તેમને કહીશ નહી કે તે મેં મોકલ્યું છે ! પૂછે તો પણ એટલું જ કહેજે કે મને કોઈએ આપ્યું છે અને તમને પહોંચાડવાનો ઘણો આગ્રહ કર્યો છે. આ પ્રમાણે વગર યાચનાએ જે કઈ આવતું ત્યારે સાધુઓ તેનો સ્વીકાર કરતા અને ઇશ્વરને ઉપકાર માની તેનો ઉપયોગ કરતા.

આ યુવાન સાધુઓનાં માબાપ પણ મઠમાં આવતાં અને હજી પણ તેમને ગૃહસ્થાશ્રમી થવાને સમજાવતાં. તેઓ રોતાં, વખતે ધમકાવતાં અને કાલાવાલા પણ કરતાં. પણું સઘળું ફોગટ જતું. સર્વસ્વનો ત્યાગ આ સાધુઓએ કર્યો હતો; ઈશ્વરના રટણ શિવાય તેમની પાસે હવે બીજી કંઈ પણ વાત નહોતી, આખરે તે માબાપો નરેન્દ્રનો વાંક કહાડી તેને ધમકાવવા લાગ્યાં અને બોલ્યા: “આ સર્વ તોફાનનું કારણ આ નરેન્દ્રજ છે ! આ છોકરાઓ ઘેર આવ્યા હતા અને પોતાનો અભ્યાસ કરતા હતા તેમાંથી નરેન્દ્રે જ આવીને તેમના વિચાર બદલી નાંખ્યા !” આ સાંભળીને નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ ખડખડ હસતા અને સાધુ જીવનની સહનશીલતા દર્શાવી આપતા. ક્વચિત્ તેઓ સંવાદ કરતા, કવચિત્ વાદ્ય સાથે ભજન ગાતા, અને સંસારના વિચારોને તેના આનંદમાં ડુબાડી દેતા. ભજનમાં નરેન્દ્રનો સ્વર સૌને અત્યંત મધુર લાગતો. શ્રીરામકૃષ્ણ કહેતા કે “મોરલીના મધુર સ્વરથી આકર્ષાઇને જેમ નાગ પોતાની ફેણ માંડે છે, તેમજ નરેન્દ્ર જ્યારે ગાય છે ત્યારે સાક્ષાત્ નારાયણ–અંતર્યામી– પણ સ્તબ્ધ બની રહે છે !” ભજન કીર્તનમાંથી કામિની અને કાંચન વિષે વાદવિવાદ કરવા ઉપર સૌ આવી જતા અને તેઓનાં અંતઃકરણમાં આધ્યાત્મિકતાનો દિવ્ય પ્રકાશ ઝળહળી રહેતો. તેઓ સાંસારિક જીવનને તુચ્છ ગણતા, વૈરાગ્યને શ્રેષ્ઠ માનતા અને ઉચ્ચ સ્વરથી ઉચ્ચારતા કે “तमसोर्मा ज्योतिर्गमय.”

કેટલોક સમય તત્વજ્ઞાનના અભ્યાસમાં પણ ગળાતો. કેન્ટ મિલ, હેગલ, સ્પેન્સર અને જડવાદીઓના સિદ્ધાંતો પણ ખૂબ ચર્ચાઈ અસાર ઠરતા. હમેશાં નરેન્દ્ર તેના ગુરૂભાઈઓથી વિરૂધ્ધ પક્ષજ લેતો, તેમના ઉપર વિજય મેળવતો અને પોતાના કથનમાં રહેલા હેત્વાભાસને પાછળથી ઉઘાડા કરીને સમજાવતો. આખરે સર્વ વિરોધી સિદ્ધાંતોની યોગ્ય એકવાક્યતા કરે એવું એકાદ ગીતાનું કે ઉપનિષદનું કે શ્રીરામકૃષ્ણનું વચન તે બોલતો અને વાતનો છેડો આવતો. પછી સર્વે ગુરૂ - ગીતા, મોહમુદ્‌ગર કે શ્રીકૃષ્ણ લીલામાંથી કંઈક કંઈક ગાતા અને તન્મય બની રહેતા. રામકૃષ્ણમઠમાં આવી લીલા થઈ રહી હતી, તે આનંદમય દિવસો આ પ્રમાણે ગળાતા હતા.

ઘણીક વખત સવારમાં સંકીર્તન શરૂ થતું અને તે સાંજ સુધી ચાલતું. દરેક જણ ખાવા પીવાનું ભુલી જતું. ઈશ્વરનાં દર્શન કરવાની તીવ્રેચ્છા સર્વના મનમાં વ્યાપી રહી હતી. આ દિવસોનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદ કહેતા કે “અમે આવતી કાલનો કદી વિચાર કર્યો નથી. એવા પણ દિવસો અમે ગાળ્યા છે કે જ્યારે અમારી પાસે કંઈપણ ખાવાનું હતું નહીં. (બંગાળામાં રાંધેલું અન્ન ભિક્ષામાં નહિ આપતા હોવાથી) કોઈવાર ચોખા ભિક્ષામાં મળ્યા હોય તો મીઠું હોય નહીં; તો કદી ભાત અને મીઠું જ ખાવાનું હોય ! ગમે તેમ થાય તેની અમને દરકાર પણ હતી નહીં. ધ્યાનાદિ સાધનો સાધવામાંજ અમારૂં ચિત્ત લાગી રહ્યું હતું. અમે ગાળેલા તે દિવસો; અરે, અમારું અન્ન વસ્ત્રનું કષ્ટ જોઈને રાક્ષસો પણ ત્રાસી જાય !”

વિવેકાનંદના એક શિષ્ય સદાનંદ તે દિવસો વિષે લખે છે કે “તે દિવસોમાં વિવેકાનંદ લગભગ ચોવીસે કલાક કામ કરતા. સવારમાં વહેલા અંધારું હોય તે વખતે તે ઉઠતા અને સર્વને બુમ પાડીને કહેતા કે “ જાગો, ઉઠો, જેને દિવ્યામૃતનું પાન કરવું હોય તે આ અમૃત ચોઘડીએ ઉઠો.” મધ્યરાત્રિ અથવા તેથી પણ મોડી રાત્રિ સુધી તે અને બીજા સાધુઓ મઠના છાપરા ઉપર બેશી ભજન ગાયા કરતા અને તેમાં તેમનો મધુર સ્વર સૌથી આગળ પડતો સંભળાયાજ કરતો.”

સદાનંદ આગળ જતાં કહે છે કે “તે દિવસો લગભગ તપમાંજ ગળાતા હતા. એક મિનિટનો પણ આરામ કોઈ લેતું નહી. બહારથી પણ માણસો આવતા અને જતા. પંડિતો વાદવિવાદ કરતા. વિવેકાનંદ ક્ષણવાર પણ નવરા પડી શકતા નહી. વિવેકાનંદ આધ્યાત્મિક દૃષ્ટિ અને વિશાળ બુદ્ધિથી વાત કરતા. ઘણા દિવસ સુધી તેઓ ગુરૂભાઈઓ અને બીજા મઠમાં આવનારાઓ આગળ સામાજીક વિષયો ઉપર વ્યાખ્યાન આપતા અને સઘળા સાધુઓને હિંદુ સમાજ અને તેની પ્રાચીન સંસ્કૃતિનું ઉંડું જ્ઞાન આપતાં. હિંદુસમાજનું બંધારણ તેઓ વિશાળ દૃષ્ટિથી સમજાવતા. આખા વિશ્વનો ઇતિહાસ તેમને કહી સંભળાવતા. પ્રાચીન રોમ કે ફ્રેંચ રેવોલ્યુશનનો તેમને પુરેપુરો ખ્યાલ આપતા. ભારત વર્ષના ઇતિહાસના દરેક પૃષ્ઠ ઉપર તેઓ કંઈક નવુંજ અજવાળું પાડતા. ઘડીકમાં શ્રોતાઓનું લક્ષ્ય આર્યપ્રજાનું ભાવી જીવન ઘડવાનાં સાધનો તરફ દોરાતું અને ઘડીકમાં તેને મહાભારતના યુદ્ધ તરફ વળાતું. ભારતવર્ષના પ્રજાકિય જીવનનુ બંધારણ અને મહતા તે સમજાવતા. સ્વામી વિવેકાનંદ જાતે પણ આર્યોની પ્રાચીન સંસ્કૃતિથી એટલા બધા તન્મય થઈ ગયા હતા કે રસ્તામાં કોઈ મુસલમાન પણ મળે તો તેને પણ તે ઘણા માન સાથે નમતા અને એશીયાની સમગ્ર સંસ્કૃતિના એક સંતાન તરીકે તેને તે ગણતા.”

ઘણા પંડિતો વાદવિવાદ કરવાને આવતા. વિવેકાનંદ તેમના તર્કોનું સમાધાન આપતા અને કહેતા કે સંસ્કૃત વિદ્યાનું મૂળ પ્રજાના શિક્ષણમાં રહેલું છે. હિંદના અનુપમેય તત્વજ્ઞાનનો આધાર હિંદુ પ્રજાના જીવન ઉપરજ રહેલો છે. પ્રજાની વ્યવહારિક સ્થિતિને લક્ષ્યમાં નહિ લેવાય ત્યાં સુધી બધુંજ તત્ત્વજ્ઞાન નકામું રહેશે. સઘળા સાધુઓ વિવેકાનંદના વિચારો પુરેપુરા સમજવાનો પ્રયાસ કરતા અને તેમ કરવામાં હિંદુપ્રજાનું ભાવી જીવન ઘડવાના માર્ગોનું સુચન તેમને થઇ જતું. ખ્રીસ્તીધર્મના પાદરીઓ અહીં આવતા અને નરેન્દ્ર તેમના સિદ્ધાંતોને પોતાની અપૂર્વ તક શક્તિવડે તોડી નાંખતો. પછી જ્યારે તેઓ પોતાની ભૂલ કબુલ કરતા ત્યારે તે તેમને ખ્રીસ્તી ધર્મનું ખરું રહસ્ય સમજાવતો. ઘણા વિષયો અહીં ચર્ચાતા. ધર્મ, ઈશ્વરવાદ, ઇતિહાસ, સમાજ શાસ્ત્ર, સાહિત્ય, કળા, વિજ્ઞાનશાસ્ત્ર, તુલનાત્મક ધર્મ, તત્ત્વજ્ઞાન, જડવાદ વગેરે બાબતો વિષે અનેક ચર્ચાઓ થતી. ઘડીકમાં નરેન્દ્ર “ઈશ્વર નથીજ” એ પક્ષ લઇને તે પક્ષને સાબીત કરતો અને ઘડીકમાં તે “ઇશ્વર એજ સત્ય છે” એમ પ્રતિપાદન કરતો. આમ દરેક વિષય અનેક બાજુએથી સમજાવતો. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેશિક, મિમાંસા, વેદાન્ત, સર્વની એકબીજા સાથે તુલના કરવામાં આવતી અને તેમાંના સજાતીય અને વિજાતીય તત્ત્વો ઠસાવાતાં. વેદાન્ત સાથે બુદ્ધધર્મ સરખાવતો અને હિંદના વિવિધ ધર્મો અને પથનો વિચાર ચલાવાતો. વૈષ્ણવ, શૈવ અને દેવધર્મના સ્વરૂપો સમજાવાતાં અને વૈદિક સમયના દેવતાઓ વિષે પણ જ્ઞાન અપાતું. આખરે નરેન્દ્ર સર્વને જણાવતો કે પાશ્ચાત્ય વિદ્યાથી કેળવાયલા હિંદવાસીઓને શ્રીરામકૃષ્ણનું જીવન અને બોધનો અભ્યાસ કરવાની જરૂરજ પડશે. શ્રીરામકૃષ્ણનું જીવન તેમને જડવાદમાંથી પાછા હિંદુધર્મ તરફ લાવશે અને ઉપનિષદનાં સત્ય પ્રમાણે તેમનાં જીવનને ઘડવાની જરૂરીયાત સાબીત કરી બતાવશે.

આ પ્રમાણે નરેન્દ્ર અને તેના ગુરૂભાઈએ પોતાના દિવસો પસાર કરતા હતા અને તેમ કરવામાં તેમનું ભાવી જીવન ઘડાતું હતું. નરેન્દ્ર તેમને હિંદુ ધર્મની મહત્તા સમજાવતો અને તેમને હિંદુ ધર્મના રક્ષક બનાવતો હતો. તેમની પાસે ઉપનિષદો, યોગવાસિષ્ઠ, પુરાણ, વગેરે વંચાવતો અને રૂષિમુનિઓનાં વચનનું રહસ્ય તેમના મનમાં ઠસાવતો. બે બાબતો ઉપર તે વધારે ભાર મુકતો - એકતો પરદેશીઓને વેદાન્તનું રહસ્ય સમજાવવું અને વેદાન્ત ધર્મને અખિલ વિશ્વનો ધર્મ બનાવવો, અને બીજું હિંદમાં સર્વને બ્રાહ્મણ ધર્મ સમજાવવો કે જેથી કરીને સઘળાઓ એકજ પ્રજા તરીકે જીવન ગાળી રહે.

આ સાધુઓ સઘળા ધાર્મિક મહોત્સવ ઉજવતા. શિવરાત્રીને દિવસે તેઓ આખો દિવસ અપવાસ કરતા અને આખી રાત ધ્યાન, પુજન, કીર્તનાદિમાં પસાર કરતા. પૂજા કરતી વખતે પોતાના શરીર ઉપર પુષ્કળ ભસ્મ તેઓ ચોળતા. ઘડીકમાં “શિવ ! શિવ !” બોલતા તેઓ નૃત્ય કરતા અને હાથ વડે તાળી પાડતા. આખી રાત “હર હર મહાદેવ ! શિવગુરૂ ! શિવગુરૂ !” ના પડકારોથી સઘળું સ્થાન ગજાવી મુકતા.

સ્વામી વિવેકાનંદે આગળ ઉપર ભવ્ય જીવન જગતની દૃષ્ટિ આગળ ગાળી બતાવ્યું છે તે જીવનની આ સધળી તૈયારીઓજ હતી. તેમના ગુરૂભાઇઓ પણ તેમના જેવા જ વિચાર કરતા, તેમનેજ પગલે ચાલતા અને તેમના જેવીજ ભાવનાઓ બાંધતા. અલૌકિક પ્રકારના આધ્યાત્મિક પાશથી તેઓ એક બીજાની સાથે બંધાઈ રહ્યા હતા. આ સમયે પણ નરેન્દ્ર સૌ સાધુઓને એક ઉચકોટિનો બુદ્ધિશાળી પુરૂષ હાય તેમજ જણાતો. શ્રીરામકૃષ્ણ તેના વિષે જે ભવિષ્ય ભાખ્યું હતું તે સધળું ખરું પડતું જાય છે એમ હવે તેમને લાગવા માંડ્યું. તેમાંના એક સાધુ લખે છેઃ “શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદે જીવનમાં પ્રથમજ જે જુસ્સો, વક્તૃત્વ અને ચારિત્રનો પ્રભાવ દર્શાવ્યા હતા, તેજ જુસ્સો તેજ વક્તૃત્વ અને તેજ ચારિત્ર આ સમયે તેમના ગુરૂ ભાઈઓને જગતના કાર્ય માટે કેળવવામાં તે દર્શાવી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણે જે કાર્ય કરવાનું તેમને સોંપેલું હતું તે કાર્યનું ખરું રહસ્ય અને ઉંડું જ્ઞાન, પ્રેમયુક્ત ભાષાદ્વારા તેમના હૃદયમાં તે ભરતા હતા. જગતની આગળ તેમણે જે અગાધ સત્ય આગળ જતાં મુક્યાં હતાં તે તેમના ગુરૂભાઈઓને મન નવાં નહોતાં, કારણ કે તે સત્યો આ વખતે બહુ ઉલ્લાસથી તેમને સમજાવાતાં હતાં.”

પોતાની બુદ્ધિ અને આત્માના વિકાસને માટે વિવેકાનંદે જે બહોળું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે સઘળાનો ઉપયોગ તેમણે પોતાના ગુરૂભાઈઓને કેળવવામાં કર્યો છે. ખરું જોતાં યુનિવર્સટિનો અભ્યાસ અને ડીગ્રીનો ત્યાગ કરવાથી તે સાધુઓને કંઈજ ગેરફાયદો ન થતાં ઉલટો તેમના નેતાએ તેમને એક વધારે વિશાળ, વધારે ભવ્ય, અને વધારે બુદ્ધિવાળા જીવનમાં પ્રવેશ કરાવ્યો હતો. જે અસંખ્ય વિચારોના પ્રદેશમાં પસાર થઇને વિવેકાનંદે પોતાનો માર્ગ શોધી કહાડ્યો હતો; જે અનેક વિદ્યાઓમાં પ્રવેશ કરી તેનો સાર તેમણે ગ્રહી લીઘો હતો; વિજ્ઞાન, ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં જે અનેક પાશ્ચાત્ય અને પૌર્વાત્ય પુસ્તકોનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો; તે સઘળું જ્ઞાન તેઓ હવે પોતાના ગુરૂભાઈઓને આપતા હતા. તેમ છતાં તેઓ તેમના શિક્ષક કે ગુરૂ થવાનો દાવો જરા પણ કરતા નહીં. સઘળા સાધુઓ તેમની આસપાસ વીંટળાઈને જમીન ઉપર બેસતા અને વાતચિતમાં સઘળું જ્ઞાન ગ્રહણ કરતા. વિવેકાનંદ કલાકોના કલાકો સુધી બોલતા અને વખતે એકનો એક વિષય ઘણા દિવસો સુધી પણ ચાલતો. તે પોતાની મેળે અનેક પ્રશ્નો ઉત્પન્ન કરતા અને તેનું નિરાકરણ આપતા. કોઈ વખત સામાજીક તો કોઇવાર ધાર્મિક વિષય હાથમાં લેવાતો અને વિજ્ઞાન, કળા, ઇતિહાસ, સંન્યાસ વગેરે વિષયો એક પછી એક ચર્ચાતા. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય આદર્શોનું યોગ્ય સંમેલન કરવામાં આવતું. જુના અને નવા વિચારોનો અપૂર્વ યોગ સધાતો અને આખરે શ્રીશંકરાચાર્ય અને કેન્ટના સિદ્ધાંતોના પ્રતિપાદનમાં વાર્તાલાપનો છેડો આવતો.

સવારમાં કેટલોક વખત ધ્યાનમાં બેઠા પછી વિચારોની આપ લે કરવામાં આવતી. સંવાદ આગળને આગળ ચાલતો અને એક પછી એક સઘળા આકર્ષાઈને આખરે એકાદ ઓરડીમાં એકઠા થતા. જેથી મઠની બાકીની જગ્યા જાણે ખાલીજ પડી રહેલી હોય એવો બીજાને ભાસ થતો. કોઈ વાર તો સર્વે એકાદ વૃક્ષની છાયા નીચે બેસી ત્યાંજ કલાકના કલાકો ગાળતા. ઘડીએ ઘડીએ “ગુરૂ મહારાજકી જય” ના પોકારો સંભળાતા. કોઇ વખત એકાદ જણ એક ખુણામાં બેશીને અધ્યયન કરતો જણાતો અને વિવેકાનંદ ફરતા ફરતા તેની પાસે જઈ શું વાંચ્યું છે તે પુછતા, શાસ્ત્રની બારીકીઓ સમજાવતા અને એટલામાં સઘળા સાધુઓ એક પછી એક આવીને ત્યાંજ ટોળે મળી જતા !

એક વખત એક સાધુની માતાએ અંતપુર નામના ગામે સઘળા સાધુઓને બોલાવ્યા. તેઓ ત્યાં ગયા. અહીંની જગ્યા શાંત અને શહેરના ઘોંઘાટથી મુક્ત હતી. અંતપુરનું સાદું જીવન, સ્થળમાં વ્યાપી રહેલી શાંતિ અને સૃષ્ટિ સૈાંદય—આ સર્વવડે કરીને તે સ્થાન ધ્યાનને માટે ઘણું જ યોગ્ય લાગતું હતું. સાધુઓ અનેક બાબતો ઉપર વિચાર કરવા લાગ્યા. આધ્યાત્મિક જીવનના પ્રકાશ અને બળ તેમના હૃદયમાં એવાં ઉછળી રહ્યાં છે જેથી સઘળા સંપૂર્ણ સંન્યાસ ધારણ કરવાને ફરી ફરીને નિશ્ચય કરવા લાગ્યા અને જગતના કલ્યાણને માટે પોતાનું જીવન અર્પણ કરવાનું પણ લેવા લાગ્યા. નરેન્દ્ર પણ પોતાના ગુરૂનાં વચન સંભારીને નિશ્ચય કરવા લાગ્યો કે “જગતના કલ્યાણ માટે હું મારા જીવનને નિયમિત કરીશ અને સાધુ જીવનનાં બે મુખ્ય અંગો કનક-કામિનીનો ત્યાગ એટલે કે બ્રહ્મચર્ય અને ભિક્ષાવૃત્તિને સંપૂર્ણ રીતે પાળીશ. મારું તપ અને અનુભવ હું જગતને આપીશ.” તે મોટેથી બોલી ઉઠયો “ૐ શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુઃ"

સમય સાયંકાળનો હતો. અંતપુર શાંત થઈ રહ્યું હતું. આ વખતે સાધુઓએ એક ધુણી સળગાવી અને તેની આસપાસ બેશીને પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા. મોટાં મોટાં કાષ્ઠ સળગાવવામાં આવ્યાં અને અગ્નિની જ્વાળાનો પ્રકાશ રાત્રિના અંધકાર સામે ચિત્ર વિચિત્ર આભાસ ઉત્પન્ન કરવા લાગ્યો. કેટલોક વખત સર્વે ધ્યાનગ્રસ્ત રહ્યા પછી નરેન્દ્રે જિસસ ક્રાઈસ્ટની કથા કહેવા માંડી. ક્રાઈસ્ટની બાલ્યાવસ્થા, ઇજીપ્તની મુસાફરી, જ્યુઈશ પંડિતોની સાથે મંદિરમાં બેસવું, વગેરે વગેરે બાબતો એટલા ઉલ્લાસથી કહેવામાં આવી કે સર્વના અંતઃકરણમાં ક્રાઈસ્ટના જીવનનો ચિતાર આબેહુબ ખડો થવા લાગ્યો ! સર્વને ક્રાઈસ્ટનાજ વિચાર આવી રહ્યા; ક્રાઇસ્ટનાં જ વચનો સૌના મનમાં તરી રહ્યાં; ક્રાઈસ્ટના સમયનો આનંદ સૌના મનમાં વ્યાપી રહ્યો; અને ક્રાઈસ્ટના ચારિત્રથી સર્વનાં હૃદય ઉછળી રહ્યાં ! શ્રી રામકૃષ્ણ અને ક્રાઈસ્ટ વચ્ચે સરખાપણું જણાવા લાગ્યું ! મધ્ય રાત્રીનો સમય ક્રાઈસ્ટ અને શ્રી રામકૃષ્ણનાં નામોચ્ચારથી ગાજી રહ્યો ! નરેન્દ્ર સર્વને જગતના ઉદ્ધારાર્થે ક્રાઈસ્ટ જેવા થવાનો બોધ કરવા લાગ્યો અને સર્વેએ તે ધુણીની સમક્ષ સર્વદા સંન્યાસી રહેવાનું વ્રત લીધું ! અને અહાહા ! તરતજ થોડીકવાર પછીથી સર્વને યાદ આવ્યું કે આજનો દિવસ “ક્રીસ્ટમસ ઇવ”નો જ છે !

આજ પ્રમાણે વળી બીજે પ્રસંગે ભગવાન બુદ્ધનું ચરિત્ર ચિતરાતું અને સર્વ સાધુઓ તેના દરેકે દરેક પ્રસંગને પૂર્ણભાવથી હૃદયમાં ઉતારતા. નરેન્દ્રની પ્રેરણાથી મઠમાં સર્વેએ બુદ્ધધર્મનો અભ્યાસ કર્યો, તેઓએ લાલિત વિસ્તારના શબ્દે શબ્દનું મનન કર્યું અને તેમનો આત્મા દુરસ્થ પ્રાચીન સમયમાં વિચરી રહ્યો. તેમનો અંતરાત્મા ભગવાન બુદ્ધની સાથે સ્થળે સ્થળે પ્રવાસ કરી રહ્યો. બુદ્ધગયાથી તે રાજગીરમાં અને ત્યાંથી સારનાથમાં જઈને વસી રહ્યો. જે બોધીવૃક્ષની નીચે બુધે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું તેની નીચે જઈને તે ઉભો રહ્યો. બુદ્ધના સંન્યાસની ઉત્ક્ટતા અને મહત્તા તેઓ અનુભવવા લાગ્યા પોતાની માનસિક દૃષ્ટિએ તેઓ બુદ્ધનો દેહત્યાગ જોઈ રહ્યા ! બુદ્ધના શિષ્યો સાથે તેઓ વિલાપ કરવા લાગ્યા, અને કુશીનગરના લોકો જોડે બુદ્ધની વિભૂતિ સંગ્રહી રાખવા લાગ્યા. બુદ્ધના ભિક્ષુઓની માફક તેઓ પીતવસ્ત્ર ધારણ કરીને સત્યાન્વેષણ કરતા હોય એમ માનસિક આચરણ કરવા લાગ્યા. નલન્દના વિશ્વવિદ્યાલયના સાધુઓની માફક તેઓ વર્તવા લાગ્યા. સીલોન, ચીન, જાપાન, ઇજીપ્ત અને રોમ સુધી ભિક્ષુઓએ કરેલી મુસાફરી, તેમના ધાર્મિક અને તત્ત્વજ્ઞાન વિષયક સંવાદ, વગેરેનું તેઓ મનન કરવા લાગ્યા અને આસપાસ બુદ્ધમય સૃષ્ટિ રચવા લાગ્યા. આમ નરેન્દ્રે સોના અંતરાત્માને બુદ્ધ ચરિત્રથી હલાવી મુક્યા !

થોડાક સમય પછી હિંદુદેવોના અવતારોનો તથા હિંદુ ભક્તો અને આચાર્યોની ઐતિહાસિક મહત્તાનો વિષય હાથ ધરવામાં આવ્યો. રામ, કૃષ્ણ, શંકર, રામાનુજ, કબીર, તુલસીદાસ, રામદાસ, ચૈતન્ય, રામપ્રસાદ, ગુરૂનાનક, ગુરૂગોવિંદ, વગેરેનાં ચરિત્રો એક પછી એક કહેવામાં આવ્યાં; અને ભારતવર્ષના મહિમા વધારવાને તથા સનાતન ધર્મને માટે તેઓએ શું શું કર્યું છે તે સમજાવવામાં આવ્યું. શ્રી શંકરાચાર્યે વેદાન્તનું પ્રતિપાદન કર્યું, શૈવધર્મને ઉત્તેજન આપ્યું, વિષ્ણુ, દેવી, દક્ષિણા મૂર્તિ વગેરે અનેક દેવ દેવીની ઉપાસનાનો અનેક સ્તોત્ર દ્વારા બોધ કર્યો, આ સર્વથી નરેન્દ્ર હિંદુધર્મની એકતા અને મહાબુદ્ધિશાળી શંકરાચાર્યનો તેમ કરવામાં સમાઈ રહેલો ગૂઢ હેતુ સર્વના હૃદયમાં ઠસાવવા લાગ્યો. ભારતવર્ષના પ્રાચીન રૂષિઓનું સાદું જીવન અને ઉચ્ચ વિચાર, સનાતન ધર્મનાં અનેક સ્વરૂપ અને અંગોનું પોષણ કરવાને માટે હતું એમ તે પ્રતિપાદન કરવા લાગ્યો.

ઘણી વખત મઠમાં સાયંકાળના સમયે પરમ શાંતિ પ્રસરી રહેતી. તે શાંતિની વચમાં વિવેકાનંદનો મધુર સ્વર પાસેના બાગમાંથી સંભળાતો. આ વખતે બીજા સાધુઓ મંદિરમાં કે ગંગા કિનારે ધ્યાનગ્રસ્ત થઈ રહેલા દેખાતા અને વિવેકાનંદ સાયંકાળની છાયામાં ભજન ગાતા ગાતા અહીં તહીં વિચરતા. પછીથી એકાદ બિલ્વવૃક્ષની વિસ્તૃત શાખાઓ નીચે બેશી ઘ્યાનમાં લીન થઈ જતા !

સ્વામી વિવેકાનંદના મનમાં અનેક વૃત્તિઓ ઉછળી આવતી. અનેક વિચારો વિચારાતા અને જે વૃત્તિ પ્રાધાન્ય ભોગવતી હોય તદ્‌વત તેમનું આચરણ થતું દેખાતું. કોઈવાર તે એક મહાન ભક્ત જેવા દેખાતા તો અન્ય સમયે મહાજ્ઞાની જેવા જણાતા. કોઈવાર તે સર્વને પુછતા કે “અત્યંત નમ્રતા શી રીતે પ્રાપ્ત થાય તે કોઈ બતાવશો આ ઉપાધિનો ઉચ્છેદ શી રીતે થાય ?” સઘળાઓ શ્રીરામકૃષ્ણનું વચન સંભારીને જવાબ આપતા કે “મહારાજ, તમારી ઉપાધિ જગતનેજ માટે છે.” કોઇવાર તેઓ નમ્રભાવનો ત્યાગ કરીને વેદાન્તનો અદ્વૈતભાવ ધારણ કરી રહેતા તો કોઈવાર વળી કંઈક જુદી જ વૃત્તિને ધારણ કરીને તે કહેતા “અત્યંત કષ્ટ સહન કર્યા પછીથી હું આ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યો છું.” વળી કોઇવાર અનેક તપાચરણ તેઓ કરતા અને અનેક સાધનાઓ સાધતા ! આવી રીતે સ્વામીજી અનેક ભાવ પ્રગટ કરતા અને જુદા જુદા પ્રસંગે જુદા જુદા સ્વરૂપમાં જણાતા. તેમના જીવનનો ઉંડો અભ્યાસ કરનારજ તેમનું વિવિધ પ્રકારનું ગૂઢ જીવન સમજી શકે.

નાગ મહાશય નામના એક પુરૂષ શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. તે વારંવાર મઠમાં આવતા. પ્રથમ તે વૈદ્યનો ધંધો કરતા હતા, પણ એક દિવસ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું: “જેનું મન સર્વદા રોગની ચિકિત્સા કરવામાં અને દવાની શીશીઓમાંજ લાગી રહે તે કદી ઈશ્વરનાં દર્શન કરી શકે નહીંં !” આથી કરીને નાગમહાશયે દવાની પેટી ગંગા નદીમાં નાંખી દીધી અને આખો દિવસ પ્રભુ ભજનમાંજ ગાળવા લાગ્યા.

ગંગાનદીના કિનારા પાસે એક નાની ઝુંપડીમાં હવે નાગમહાશય રહેતા હતા. શ્રી રામકૃષ્ણની મહાસમાધિ પછી ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની તેમને તીવ્ર ઈચ્છા થઈ હતી. રાત દિવસ તેમણે રૂદનજ કરવા માંડ્યું ! કશુંએ ખાય નહીં કે કશુંએ પીએ નહીં ! કેટલીક વખત તેમનો કોઈ મિત્ર બળાત્કારે ખવરાવતો. શરીર અને તેની જરૂરીયાતોને તો તે જાણે ભુલી જ ગયા હતા. વિવેકાનંદ જાતે એક દિવસ નાગમહાશયને મળવા ગયા. તેમણે સાંભળ્યું હતું કે નાગમહાશયે ચાર પાંચ દિવસથી કંઇજ ખાધું નથી. તેઓ એક ગાંડા મનુષ્ય જેવા દેખાયા. પુષ્કળ તાવ ચઢ્યો હોય તેમ તે પ્રભુના વિરહથી ધ્રુજતા જણાયા. તેની પાસે આવીને સ્વામીજી બોલ્યા “નાગ મહાશય, અમે તમારા અતિથિ છીએ! અમે તમારી પાસે ભિક્ષા માગવા આવ્યા છીએ !” સ્વામીજી એમ ધારતા હતા કે પ્રભુને નૈવેદ્ય ધરાવ્યા પછી અને અતિથિને જમાડ્યા પછી નાગમહાશય પણ કંઈક પ્રસાદ તરીકે ખાશે. નાગમહાશયે ઉભા થઈને શ્રીરામકૃષ્ણના શિષ્યોને બહુજ સત્કાર કર્યો તેઓ એકદમ બજારમાં ગયા, જે જોઈતું હતું તે આપ્યું, અને જાતે રસોઈ બનાવવા લાગ્યા ! સ્વામીજીએ અને બીજા સાધુઓએ ભોજન કર્યું પણ તેઓ નાગમહાશયને ખાવાનું સમજાવી શક્યા નહીં. તેઓએ ઘણાએ કાલાવાલા કર્યા, ઘણોએ આગ્રહ કર્યો, પણ નાગમહાશયે જરાયે ખાધું નહીં. અંતે જ્યારે સાધુઓએ ઘણો જ આગ્રહ કર્યો ત્યારે તેમણે ભાતનું વાસણ પોતાના મસ્તક સાથે અફાળ્યું અને બોલ્યા “આ પામર શરીર જેણે ઈશ્વરનું દર્શન કર્યું નથી તેને ખાવાનું કેવું ?” આ જોઈ સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયાં. પાછળથી ઘણોજ આગ્રહ કરીને કંઇક ખવરાવ્યું.

કેટલીક વખત સ્વામીજી જાતેજ અશ્રુપાત કરતા અને કહેતા કે “અરે, મેં તે શો આધ્યાત્મિક અનુભવ મેળવ્યો છે ? એકવાર દશાની ઝાંખી થઇ તે થઈ ! ઉલટી તે પછી તો વિયોગની આગ વધારે ભડકી ઉઠી છે. અરે, ક્યાં છે પાછી એ પરમ શાંતિ ! મને આટલાથી સંતોષ વળતો નથી ! ભક્તો સાથે વાતચિત કરવી પણ મને ગમતી નથી. સચ્ચિદાનંદ-સદાનું પરમસુખ મારે જોઈએ છે ! આ નામ-રૂપમાં તે ક્યાં સુધી પડી રહેવું ?” કાશીપુરમાં પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પ સમાધિનું જ આ સ્મરણ હતું. નરેન્દ્ર હવે નામ-રૂપથી કંટાળ્યો હતો. સચ્ચિદાનંદ સ્વરૂપનું જ તે રટણ કરતો હતો. એક ભક્ત તેને મઠમાં એક દિવસ જોઈને લખે છેઃ “આજે નરેન્દ્રે નવું ભગવું વસ્ત્ર ધારણ કર્યું છે. કેવો સુંદર તે દેખાય છે ! તેનું મુખ બ્રહ્મજ્ઞાનના તેજથી તેજસ્વી બની રહેલું છે, તોપણ તે મુખ ઉપર પ્રભુપ્રેમની કેવી મૃદુતા છવાઈ રહેલી છે ! રાત દિવસ પ્રભુનું જ સ્મરણ કરતા આ સાધુઓને ધન્ય છે !”

સાધુતા અને આનંદનું આવું વાતાવરણ મઠમાં પ્રસરી રહ્યું હતું. રામકૃષ્ણમઠનું સઘળું વાતાવરણ આધ્યાત્મિક ચેતનથી ભરપુર થઈ રહ્યું હતું. જાણે કે મઠનાં વૃક્ષો, ઘાસ, પક્ષીઓ, દિવસનો પ્રકાશ અને રાત્રિનો અંધકાર પણ વૈરાગ્ય અને ત્યાગને ધારણ કરી રહેલાં હોય એમ સર્વને ભાસતું હતું ! આ સાધુઓને મન જગત તૃણવત હતું. માત્ર પ્રભુનેજ તેઓ ઓળખતા હતા. તેઓએ એક પ્રકારનો જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત કર્યો હતો. ખરેખર, આવા સાધુઓજ ખરેખરા વીર પુરૂષો છે.

આ સાધુઓને મન દિવસ કે રાત્રિ, કલાક કે મિનિટ, કશાની પણ ગણના હતી નહીં, કારણ કે તેઓ સર્વદા સાધનમાં અને આનંદમાંજ રહેતા. જેઓ બહારથી મઠમાં આવતા તે તેમને જોઇને આશ્ચર્ય પામતા અને કહેતા “આ માણસો કોણ છે ! તેઓની આંખ કેવી તેજસ્વી છે ! તેઓ ગાંડા માણસ જેવા દેખાય છે !” અને ખરેખર તેઓ ગાંડાજ હતા; ઈશ્વરની પાછળ તેઓ ગાંડાજ થઈ રહ્યા હતા ! અનેક પ્રકારના આધ્યાત્મિક અનુભવ તેઓ મેળવતા હતા. કેટલાક કલાકના કલાકો સુધી હાલ્યા ચાલ્યા વગર ધ્યાનસ્થ થઈને રહેતા; કેટલાક ભક્તિમય ભજનો થાકી જવાય ત્યાં સુધી ગાતા; કેટલાક માળા લઈને બેસતા અને આખી રાત જપ કર્યા કરતા; કેટલાક ધુણી સળગાવીને તેની પાસે આસન વાળીને બેસતા અને કલાકો સુધી પરમાત્મ ધ્યાનમાં જોડાઈ રહેતા. શ્રીરામકૃષ્ણની છબી મઠમાં હતી અને તેની સમક્ષ હૃદયસ્પર્શી ભજનો ગવાતાં, મંત્ર ઉચ્ચારાતા, ધુપ, દીપ, નૈવેદ્ય થતાં, અને શંખનાદ પણ કરવામાં આવતો. સાયંકાળે સર્વે સાધુઓ મંત્રોચ્ચાર કરતા અને સર્વની વચમાં નરેન્દ્ર ધ્યાનાવસ્થામાં બેસતો. તે પોતાની આધ્યાત્મિક શક્તિથી સર્વના આત્માને ઉન્નત કરતો બ્રહ્મધ્યાનમાં લીન થઈ રહેતો. અહાહા ! આ સાધુઓ- શ્રીરામકૃષ્ણનાં બાળકો-પ્રભુના કેવા પરમ ભક્તો હતા ! તે સવ ભક્તોની વચમાં દિવ્યજ્યોતિ સમો નરેન્દ્ર વિરાજતો !