સ્વામી વિવેકાનંદ/મહત્તાનું ભાન
← માબાપની દેખરેખ નીચે | સ્વામી વિવેકાનંદ મહત્તાનું ભાન રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
કોલેજનું જીવન → |
પ્રકરણ ૮ મું. – મહત્તાનું ભાન.
જેઓ પ્લેટો અને એરીસ્ટોટલની માફક જગતના વિચારોને ફેરવવાને શક્તિમાન થયા છે, જેઓ અલેકઝાંડર અને સીઝરની પેઠે વિશ્વનું ભાવી બદલી શક્યા છે તેઓને પોતાની મહત્તાનું ભાન ન્હાનપણથીજ હોય છે. નરેન્દ્ર કે જેણે હિંદુસ્તાન અને અમેરિકાનું ભવિષ્ય અન્ય ચઢીયાતી દિશામાં વાળ્યું તે પોતાની મહત્તા નાનપણથીજ સમજતો હતો. હવે તે હાઈસ્કૂલમાં આવ્યો હતો અને ઉપલાં ધોરણો – છઠ્ઠા સાતમામાં અભ્યાસ કરતો હતો. આ વખતે પોતાનામાં એક પ્રકારની સત્તા છે એમ તેને લાગતું હતું. પોતાના વિદ્યાર્થી જીવનમાં તે સર્વદા પ્રવૃત્તિમય જણાતો; પણ સાથે સાથે ધ્યાનમાં બેસવાનું તે ચૂકતો નહિ. જીવનની અનેક કળાઓમાં નિષ્ણાત થવું અને સાથે સાથે મોક્ષને પગથીયે ચઢતા જવું એવું તેના મનનું વલણ હતું, અને તેથી કરીને જ મોટી વયે જનક રાજાની માફક નિવૃત્તિ અને પ્રવૃત્તિનો અદ્ભુત સંયોગ કરી, આ નિવૃત્ત–પ્રવૃત્તિમય જીવનને અનેક રૂપમાં તે વહેવરાવી શક્યો હતો.
વિદ્યાર્થી અવસ્થામાં જાહેર હિંમત નરેન્દ્રમાં કેટલે અંશે હતી તે નીચેના બનાવ ઉપરથી સમજાશે. એક વખત તે નાટક જોવા ગયો હતો. ત્યાં એક પોલીસ અમલદાર નાટક ભજવનારાઓમાંના એક જણને પકડવાને વારંટ લઇને આવ્યો હતો. તે અમલદારે પેલા માણસને પકડવા માંડ્યો અને નાટકમાં ભંગાણ પડવાનો સમય આવશે એમ સૌને લાગ્યું. એકદમ નરેન્દ્ર ઉભો થયો અને તે અમલદારને ધમકાવવા લાગ્યો. “ઉભા રહો ! ખેલ પુરો થાય ત્યાં સુધી ઉભા રહો ! આ પ્રમાણે બધાનું જોવાનું કેમ બગાડો છો ? તમે શું સમજો છો ?” એકદમ બીજા પણ વીસ જણ તેની પાછળ બોલી ઉઠ્યા. પોલીસ અમલદાર ગભરાયો અને પાછો ગયો ! ખેલ શરૂ થયો અને નરેન્દ્રને સૌ શાબાશી આપવા લાગ્યા.
એક વખત મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં મોટો ઈનામ સમારંભ થવાનો હતો. નરેન્દ્રના શિક્ષક આ વખતે પેનશન ઉપર જવાના હતા. તેની ક્લાસના બધા છોકરાઓએ મળીને તેમને માનપત્ર આપવાનો વિચાર કર્યો. હિંદના પ્રસિદ્ધ વક્તા સુરેન્દ્રનાથ બેનરજીને તે મેળાવડામાં પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. આવા મોટા વક્તાની સંનિધિમાં પોતાના શિક્ષકને માટે કાંઈ પણ બોલવું એ બધા છોકરાઓને ભારે થઈ પડ્યું. કોઈની હિંમત ચાલી નહિ. આખરે સૌ નરેન્દ્ર પાસે આવ્યા. નરેન્દ્રે તેમને વચન આપ્યું કે તે સભામાં શિક્ષક વિષે જે કંઇ બોલવાનું હશે તે બોલશે. પોતાના વચન પ્રમાણે નરેન્દ્ર સભામાં ઉભો થઈને બોલ્યો અને તેણે અર્ધા કલાક સુધી બધાને ચકીત કરી નાખ્યા.
તેના બેસી ગયા પછી સુરેન્દ્રનાથ બેનરજીએ ઉભા થઈને નરેન્દ્રનાં ભારે વખાણ કર્યાં અને તેની બોલવાની છટા અને જાહેર હિંમતની અત્યંત પ્રશંસા કરી. આગળ ઉપર નરેન્દ્ર જ્યારે વિવેકાનંદ તરિકે પ્રખ્યાત થયો ત્યારે તેના તેજ સદ્ગૃહસ્થ – સુરેન્દ્રનાથ બેનરજી – કહેવા લાગ્યા : “સ્વામી વિવેકાનંદ જેવો વક્તા હિદમાં ભાગ્યેજ પાક્યો હશે.”
વ્યાયામમાં તે આ વખતે સૌથી આગળ પડતો ભાગ લેવા લાગ્યો. પહેલવાનની માફક તે કુસ્તી કરતો અને પોતાના સાથીઓનો નેતા થવાનો તે સર્વદા પ્રયાસ કરતો. લાકડી-પટા તેણે શિખવા માંડ્યા અને તેમાં એટલો હોંશીયાર થયો કે એક મેળામાં લાકડીપટા રમવામાં તેણે પહેલું ઇનામ મેળવ્યું. બીજી વખતે કુસ્તીમાં તેણે ઇનામ મેળવ્યું. હવે તે શેતરંજની રમત રમવા લાગ્યો અને તેમાં ૫ણ ઘણી વખત જીત મેળવતો. આ સમયમાં નરેન્દ્ર જે જે કળાઓ શિખ્યો તે સર્વમાં ગાયનકળા પ્રથમ પદ લેતી હતી. તેનાં માબાપની સલાહથીજ તેને ગાયન શિખવવામાં આવ્યું હતું અને સંગીતમાં તે એટલો બધો કુશળ થયો કે કવચિત્ કવચિત્ પોતાના ઉસ્તાદને પણ તે હરાવી દેતો. શરીરના સૌંદર્યની સાથે કુદરતે તેને મધુર સ્વર પણ બક્ષેલો હતો. કોઈ પણ મનુષ્ય તેને એકજ વાર ગાતાં સાંભળતો કે કદી તેને ભૂલી શકતો નહિ. પોતાનાં માતાપિતા આગળ તે ઘણુંખરૂં ગાતો અને તે ખુશી થતાં. તે ગવૈયાના જેવું ગાઇ શકતો એટલુંજ નહિ પણ કોઈ પણ વાદ્યને તે વગાડી શકતો. મુખ્યત્વે કરીને વીણા તેને ઘણીજ પ્રિય હતી. ગાવું, વાજીંત્ર વગાડવું અને નરઘાંનો ઠેકો આપવો એ ત્રણે કામ તે સાથેજ કરતો. આગળ જતાં મોટી વયે આ ગુણ એટલો બધો ખીલી નીકળ્યો હતો કે મદ્રાસની હાઇકોર્ટના જજ્જ સર શંકર નેર જેવા મનુષ્યોએ વર્તમાનપત્રદ્વારા વિવેકાનંદનાં સંગીતવેત્તા તરીકે ઘણાંજ વખાણ કર્યાં હતાં.
જગતની બાહ્યવિદ્યાકળામાં તે આ પ્રમાણે આગળ વધતો જવાની સાથે આંતરજીવનમાં પણ તેનું મન ધીમે ધીમે ધ્યાનની ઉચ્ચકોટિએ ચ્હડતું હતું અને વધારે વધારે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરતું હતું.
આ સમયમાં તેનું આધ્યાત્મિક જીવન કેવું હતું તે વિષે અનેક વાતો કહેવાયલી છે. એક દિવસ તેનું આખું કુટુંબ રાયપુર જતું હતું. બળદ ગાડીમાં બેસીને સૌને જવાનું હતું. મોટાં જંગલોમાં થઈને રસ્તો જતો હતો. રસ્તામાં તેઓ મુકામ કરતા કરતા જતા હતા; કારણકે તેમને ઘણા દિવસ મુસાફરી કરવાની હતી. રસ્તામાં હવા સ્વચ્છ આવતી હતી અને સૃષ્ટિસૌંદર્ય જોઇને નરેન્દ્ર અત્યંત આનંદ ભોગવતો હતો. જ્યાં જ્યાં મુકામ કરવામાં આવે ત્યાં ત્યાં સૌ શારીરિક ક્રિયાઓ કરતાં અને ધાર્મિક વાતોમાંજ દિવસ ગાળતાં. નરેન્દ્રના આનંદનો એ સમયે પાર રહેતો નહિ. તેની ધાર્મિક વૃત્તિઓ ઉછળી આવતી. ઘડીકમાં તે યોગીઓના યોગી શ્રી મહાદેવ વિષે બોલે, ઘડીકમાં શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થા વર્ણવે, ઘડીકમાં સાધુઓની વાતો કરે અને આવી રીતે આખો દિવસ તેનું મન આધ્યાત્મિક દશાના શિખર ઉપર ચઢેલું જ રહેતું. એક દિવસ તો નરેન્દ્રે આખો દિવસ ધાર્મિક કથાઓમાંજ ગાળ્યો અને સાંજે ભજન ગાતાં ગાતાં ભાવસમાધિમાં આવી જઈ નીચે ઢળી પડ્યો હતો.
નરેન્દ્ર મૂળથીજ આનંદી અને વિનોદી સ્વભાવનો હતો. તેના શિક્ષક ઘણી વખતે તેને ક્લાસ સોંપીને જતા. વિનોદ માટે તે કોઈ ઉપર જુઠો જુઠો ગુસ્સો કરતો અને પછીથી હસી પડતો. બે વર્ષ સુધી તેને નબળી તબીયતને લીધે નિશાળ છોડવી પડી હતી તેથી તે સોળ વર્ષની ઉમ્મરે મેટ્રીકમાં પાસ થયો અને ફર્સ્ટ ક્લાસમાં આવ્યો. મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં ફર્સ્ટ ક્લાસમાં આવનાર તે એકલોજ હતો અને તેનાથી તેની હાઇસ્કૂલની કીર્તિ ટકી રહી. આ પ્રમાણે નરેન્દ્રનું વિદ્યાર્થી જીવન પણ અસાધારણ પ્રકારનું જ હતું.