સ્વામી વિવેકાનંદ/કોલેજનું જીવન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મહત્તાનું ભાન સ્વામી વિવેકાનંદ
કોલેજનું જીવન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ભાવિ જીવનનું ભાન →


પ્રકરણ ૯ મું – કોલેજનું જીવન.

કોલેજના વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થી જીવનની જે રૂપરેખા નરેન્દ્રે આંકી બતાવી છે તે અત્યંત અનુકરણીય છે. વિદ્યાર્થી તરીકે તેણે જે જે લક્ષણો દર્શાવ્યાં છે તે પ્રશંસા પાત્ર છે. તેનું અત્યંત સાદું જીવન હાલના વિદ્યાર્થીઓની ટાપટીપને ઠપકો દઈ રહ્યું હતું. પરિક્ષાને માટેજ કોલેજમાં ભણવાનું નથી; પણ ઉંડુ જ્ઞાન, નૈસર્ગિક શક્તિ અને ખરૂં મનુષ્યત્વ સંપાદન કરવાને જ માટે છે એમ તે કહી રહ્યું હતું, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિચારોનું તે અદ્ભુત સંમેલન હતું. ઋષિમુનિઓના સિદ્ધાંતરૂપી પાયા ઉપર પાશ્ચાત્ય વિચારોની તે ઈમારત હતું. બ્રહ્મચર્યનો પ્રતાપ તે દર્શાવતું હતું. સ્વદેશાભિમાનના યોગ્ય જુસ્સાની તે મૂર્તિ હતું. સ્વાભિમાનનું તે સુચન હતું. આર્ય જીવનનું મૂળ ક્યાં છે, આર્ય જીવન શેનું બનેલું છે, આર્ય જીવનને કયે રસ્તે વહેવરાવવું, તેનું તે ડિંડિમ હતું. આ દેશની આધુનિક સમયની કેળવણીમાં શારીરિક, નૈતિક અને આધ્યાત્મિક કેળવણીની ખામી છે તે પુરવાર કરી આપતું હતું ! ખરા સુધારાની દિશા તે દર્શાવતું હતું. ખરૂં શિક્ષણ આત્મ સુધારણા છે, ખરો સુધારો આધ્યાત્મિક છે એ દાખલો તે પુરો પાડતું હતું.

વિદ્યાર્થીએ જ્ઞાનની કોઈપણ શાખાની અવધિએ પહોચવું એ સુત્રનું તેમાં યથાર્થ પાલન હતું. આમ કરવામાં ભારતવર્ષના પ્રાચીન કાળની શિક્ષણ પદ્ધતિને તે અનુસરતું હતું. આપણા ઋષિમુનિઓ જ્ઞાનની કોઈ શાખામાં પારંગત થવાનેજ અધ્યયન કરતા હતા. સાદું જીવન અને ઉચ્ચવિચાર, એ તેમના જીવનનો હેતુ હતો. જ્ઞાનપિપાસા તેમની અભિલાષા હતી. તેમના ઉંડા જ્ઞાનને લીધેજ ભારતની એ સમયે ચઢતી કળા હતી.

મેટ્રીકમાં પાસ થયા પછી નરેન્દ્ર કોલેજમાં દાખલ થયો. હવે તેના રમવાના દિવસો ગયા. સંસ્કૃતમાં તેની ઉમ્મરના પ્રમાણમાં તેણે ઘણો સારો અભ્યાસ કર્યો હતો. દેશનો ઇતિહાસ પણ તેને સારો આવડતો હતા. હવે તેણે સામાન્ય ઇતિહાસ, ખગોળવિદ્યા, ઈત્યાદિ અંગ્રેજી સાહિત્યને પણ ખૂબ વાંચવા માંડ્યું. સાથે સાથે વાતચિત કરવાની કળા અને વાદ વિવાદની શક્તિને પણ તે ખીલવવા લાગ્યો. સભામાં બોલવાની હિંમત અને છટા તેણે કેળવવા માંડી અને તેમાં એટલે સુધી ફાવ્યો કે આગળ જણાવ્યું તેમ સુરેન્દ્રનાથ બેનરજી જેવા મહાન વક્તાઓ પણ તેની બોલવાની શક્તિનાં ભારે વખાણ કરતા.

કપડાં પહેરવામાં ટાપટીપ કરવી એ નરેન્દ્રને બિલકુલ પસંદ નહોતું. કોઈ વિદ્યાર્થી આવી ટાપટીપ કરીને આવે તો તે તેનાથી ખમી શકાતું નહિં. કોટ, પાટલુન, નેકટાઈ, કોલર વગેરેને તે ધિક્કારતો અને એવા ઠાઠ કરીને કોઈ આવે તો તેને મોઢેજ તેના ઠાઠને તુચ્છકારી કહાડતો ! આવી કપડાંની ટાપટીપને તે એક પ્રકારનું બાયલાપણું ગણતો !

તેનો બીજો ગુણ આ હતો. અભ્યાસ સારી રીતે કરવાને ખાતર તે પોતાને મોસાળ જઈ એકાંત ઓરડીમાં રહેતો. આ ઓરડીમાં ટેબલ, ખુરશી કે એવો કંઈ સામાન તે રાખતો નહિ. તેને ગાવાનો શોખ હતો તેથી એક ખુણામાં તેનો તંબુરો પડી રહેતો અને બીજા ખુણામાં ચોપડીઓનો ઢગલો જણાતો ! તે સુતો પણ જમીન ઉપર અને વાંચતો પણ જમીન ઉપર. તે ધનાઢ્યનો દિકરો હતો તેથી અનેક ખુરશીઓ અને ટેબલો તે ખરીદી શકત; પણ તેનું જીવન એટલું બધું સાદું હતું કે તેની વૃત્તિ કશાની પણ દરકાર કરતી નહિ !

તેનો ત્રીજો ખાસ ગુણ સહૃદયતા હતી. કોઈ વિદ્યાર્થી ગરિબ હોય, ફી ભરવાને અશક્ત હોય તો નરેન્દ્ર તેની વ્હારે એકદમ ધાતો. ગરિબનો બેલી રામ ! તેમ તેની કોલેજમાં ગરિબનો બેલી નરેન્દ્ર ! ગમે તેમ થાય પણ પેલા ગરિબને તે મદદ કરેજ. ગરિબનો તે પક્ષ ખેંચતો, ગરિબને માટે લઢતો, ગરિબને માટે તે મોટા માણસની પણ ઇતરાજી વહોરી લેતો. એક વિદ્યાર્થીને ફી ભરવાના સોંસા હતા. તેણે માફી થવાને અરજ કરી પણ તેની દાદ કોઈ સાંભળે નહિ. નરેન્દ્રે તેનો પક્ષ લીધો અને કોલેજના સેક્રેટરીને તે મળ્યો પણ તેણે માન્યું નહિ. સેક્રેટરી રસ્તામાં એકલો મળે એવો લાગ નરેન્દ્રે સાધ્યો અને રસ્તામાં તેને આજીજી કરી; તેમાં તે ન ફાવ્યો ત્યારે સેક્રેટરીને ધમકાવવા લાગ્યો ને આખરે તેને મોંએજ માફીની હા કહેવરાવી ! આ પ્રમાણે પેલા ગરિબ વિદ્યાર્થીની ઈચ્છા નરેન્દ્રે પુરી કરી. તેનો સ્વભાવ આનંદી હતો અને વિદ્યાર્થીઓના આનંદ ઉત્સવોમાં તે રસ ભર્યો ભાગ લેતો. ગાયનનો તે શોખીન હતો અને એ વિદ્યામાં ઘણો પ્રવીણ થયો હતો. પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે ગાડીમાં બેસીને બહાર ફરવા જતો ત્યાં પણ અનેક ગાયનો ગાતો. પ્રોફેસરના આવતા પહેલાં ક્લાસમાં પણ એકાદ ચીજ તે લલકારતો અને પ્રોફેસર ક્લાસ તરફ આવતે આવતે તેના મધુર સ્વરનું પાન કરતા અને પોતાના મુખ ઉપર હર્ષનાં ચિન્હ સહિત ક્લાસમાં પ્રવેશ કરતા !

પરિક્ષાના દિવસોમાં અને તેની પહેલાં બે ચાર દિવસથી ક્વચિત તંબુરો લઈ, ક્વચિત તંબુરો લીધા વગર તે ભજન ગાતો ગાતો અહીં તહીં ફરતો !

સંસ્કારી હૃદયની વૃત્તિઓ સંસ્કારીજ હોય છે. પવિત્રાત્માઓ જગતની દૃષ્ટિએ કંઈક ભાસે છે પણ તેમનો અંતરાત્મા કંઈક જુદા જ પ્રદેશમાં ફરતો હોય છે. નરેન્દ્ર કોલેજનો અભ્યાસ કરતો પણ તેનો અંતરાત્મા કંઈક જુદીજ વસ્તુને ચહાતો. ક્ષણે ક્ષણે તેનો જીવ કંઈક જુદા જ વિષય તરફ દોડતો. મનુષ્ય ગમે ત્યાં જાય કે ગમે તે બાબતમાં પોતાનો જીવ પરોવે પણ તેની વૃત્તિ તેના અત્યંત પ્રિય વિષય તરફ ખેંચાયાજ કરવાની, કોલેજનો અભ્યાસ કરવામાં તે પોતાના જીવને પુરેપુરો પરોવતો, પણ અનાયાસે તેની વૃત્તિ સાધુ જીવન તરફ પ્રેરાઈ જતી ! “સઘળાં પુસ્તકો ફેંકી દ્યો, પ્રભુની સંનિધિમાં વિદ્યાનો શો ઉપયોગ ?” એમ તેને વારંવાર થઈ આવતું. બી. એ. ની પરિક્ષા પહેલાં એક દિવસે તેનો અંતરાત્મા જાગૃત થયો અને પોતાની સત્તા ચલાવવા લાગ્યો ! એક ભજન ગાતો ગાતો તે કેટલાક વિદ્યાર્થીઓની ઓરડીઓ આગળ આવીને ઉભો રહ્યો ! ભજનમાં તે લીન થયો હતો. તેના મુખ ઉપર આનંદ છવાઈ રહ્યો હતો. સમય પ્રભાતનો હતો. અરૂણોદય થયો હતો. અનેક આરડીઓની અંદર છોકરાઓ ઉંઘતા હતા. એવે સમયે નરેન્દ્ર હાથમાં તંબુરો લઈ ગાતો ગાતો પોતાના મોસાળની ઓરડીએથી કોલેજની બોર્ડિંગ આગળ આવ્યો. તેનું ઉમદા ભજન સાંભળીને છોકરાઓ જાગી ઉઠ્યા ! તે આખો દિવસ નરેન્દ્રે ગાયાજ કર્યું ! પરિક્ષા માટે હવે એકજ દિવસ બાકી રહ્યો હતો, તેથી એક જણે પૂછ્યું : “નરેન્દ્ર, તેં પરિક્ષા માટે બધુ વાંચી નાંખ્યું ? ” “અલબત્ત, હા” તેણે જવાબ આપ્યો અને તરતજ બીજું ભજન ગાવા લાગ્યો ! “તું કંઈ નિશ્ચય ઉપર કેમ આવતો નથી ? તારા ભવિષ્યને માટે જો તું વધારે કાળજી રાખીશ તો જગતમાં તું એક નામાંકિત અને પૈસાદાર માણસ થઈશ ” આ પ્રમાણે તેનો મિત્ર ફરીથી બોલ્યો. નરેન્દ્રે જવાબ આપ્યો કે “બંગાળાના પ્રસિદ્ધ વકીલ વ્યોમેશચંદ્ર બેનરજી જેવા પ્રખ્યાત અને લોકપ્રિય થવાનું મને વારે ઘડીએ મન થઈ આવે છે, પણ જરા વધારે વિચાર કરતાં એ બધામાં પણ સંસારની અસારતાજ મને લાગે છે ! મૃત્યુ અવશ્ય આવે છે અને દરેકને ઝડપે છે તો પછી આવી નાશવંત સમૃદ્ધિ મેળવવાને મનુષ્યે શા માટે પ્રયાસ કરવો જોઇએ ? સંન્યાસીના જીવન વિષે મેં બહુ વિચાર કર્યો છે. ખરી મોટાઈ તો એની છે ! કારણ કે મૃત્યુની સત્તાને પણ દૂર કરવાનો તે પ્રયત્ન કરે છે અને અવિકારી સત્યને તે ખોળે છે ! બાકીનું આખું જગત તો નાશવંત વસ્તુઓ મેળવવા માટેજ વ્યવહાર ચલાવે છે.

નરેન્દ્રને તેના મિત્રો ઘણું જ ચ્હાતા. તેનો એ વખતનો એક મિત્ર લખે છે કે “નરેન્દ્ર સાથે વાત કરવાનું અમને ઘણુંજ ગમતું; તેના વિચારો અમને પ્રિય લાગતા; તેનો સ્વર વીણા જેવો મીઠો હતો; તેના વિચારો જાણવાને અમે ખાસ કરીને કોઈ વાત ઉપાડતા અને તેના વિચારોમાં હમેશા કંઈક નવિનતાજ ભાસતી ! તેની સાથે વિચારોની આપ લે કરીને તેની પાસેથી અમે ઘણું શિખતા. કદી કોઇ તેની વિરૂદ્ધ પોતાનો મત દર્શાવે તો નરેન્દ્ર પોતાની બુદ્ધિ અને ભાષાના પ્રભાવથી તરત તેનું સમાધાન કરી દેતો.

હિંદમાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર વાંચવામાંજ પોતાનો બધો સમય ગાળે છે અને એક ખુણે ભરાઈ રહે છે. કોઈ પણ રમતમાં કે કસરતમાં તેઓ ભાગ લેતા નથી. એનું પરિણામ એ આવે છે કે હિંદી વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ દિન પ્રતિદિન નબળી થતી જાય છે. નરેન્દ્રનાં માબાપ સમજતાં હતાં કે શારીરિક કેળવણી વગર કેળવણી અધુરી છે અને તેથી કરીને તેઓ તેને પોતાનું બળ વધારવાને અનેક સગવડ કરી આપતાં. નરેન્દ્ર ક્રીકેટની રમત ઘણી રમતો અને લકડી પટા ખેલવામાં તેની હોંશીયારી ઘણીજ વખણાતી, કસરતના અખાડામાં પણ તે જતો અને શરીરના અવયવો મજબુત થાય એવી કસરતો કરતો. એક બાજુ જેમ અભ્યાસમાં તે ઊંડો ઉતરતો તેમ બીજી બાજુએ ઉપર જણાવ્યું તેમ શરીરને દૃઢ અને મજબુત બનાવવાને અનેક પ્રયાસ કરતો. લકડી પટાની રમત તેને બહુ પ્રિય હતી. મુસલમાન ઉસ્તાદો પાસેથી તે એ રમત શીખ્યો હતો. તે મેળામાં જતો અને ગમે તેની સાથે લકડી પટા ખેલતો. તેમાં તે એટલો બધો પ્રવીણ થયો હતો કે તે માત્ર દસ વરસની ઉમ્મરનો હતો ત્યારે એક મેળામાં લકડી પટા ખેલવાને તેને બોલાવવામાં આવ્યો હતો, અને ત્યાં હોશીયારમાં હોંશીયાર ખેલાડી સાથે લકડી પટા રમી તેને હરાવી તેની લાકડીના બે કડકા તેણે કરી નાંખ્યા હતા ! તેની સાથે રમનાર માણસ તેનાથી મોટો અને મજબુત હતો પણ પોતાની યુક્તિથી નરેન્દ્રે તેને હરાવ્યો અને પહેલું ઈનામ પોતાને હાથ કર્યું. આ સિવાય દોડવામાં, કૂદવામાં, કુસ્તી કરવામાં, ગંગામાં હાડીઓ ચલાવવામાં તે સૌથી શ્રેષ્ઠ ગણાતો. શારિરીક બળને માટે આટલું કરી તેણે પોતાનું શરીર સુદૃઢ બનાવ્યું હતું. તેનો બાંધી મજબુત દેખાતો હતો અને આકૃતિ સુંદર અને ભવ્ય રૂપ ધારણ કરી રહી હતી. કોલેજના દિવસોમાં જ્યાંથી ત્યાંથી ઉંડું જ્ઞાન મેળવી લેવું અને સાથે સાથે શારિરીક બળ અત્યંત વધારવું, આ બે બાબતો નરેન્દ્રનું લક્ષ્યબિંદુ થઈ રહી હતી.

નરેન્દ્રની જ્ઞાન તૃષ્ણા અગાધ હતી. કોલેજનો અભ્યાસક્રમ તેની તૃષ્ણા મટાડે એવો નહોતો. તેના વિષયોને તે બહુ મહત્વના ગણતો નહિ. આથી કરીને કોલેજના અભ્યાસની તે બહુ દરકાર રાખતો નહિ. કોલેજના અભ્યાસક્રમનો કેટલોક ભાગ તેની ઇચ્છાને અનુકુળ થતો અને કેટલોક પ્રતિકુળજ ભાસતો ! આથી પરિક્ષા પહેલાં માત્ર બે મહિનાજ પાસ થવા પુરતું વાંચતો; અને બાકીનો બધો વખત કોલેજ બહારના વિષયો શિખવામાં, જાહેર ભાષણો સાંભળવામાં અને એ સમયના મહાન વિચારકોના વિચારોનું મનન કરવામાં તે ગાળતો. વર્તમાનપત્રો, માસિકો અને નવલકથાઓ તથા સમકાલિન લેખો તે તે પુષ્કળ વાંચતો. નવા નવા વિચારો તે શોધતો. જ્ઞાનની અનેક શાખાઓનું એક મૂળ શોધી કહાડવું અને નૈસર્ગિક શક્તિ પ્રાપ્ત કરવાતે માનસિક શક્તિઓને અત્યંત ખીલવવી, આ તેના અભ્યાસનો ખાસ હેતુ હતો, પાતાના આશયને નરેન્દ્ર મરણપર્યંત વળગી રહ્યો હતો, અને પોતે મુકરર કરેલા અભ્યાસક્રમ પ્રમાણે તે આખી જીંદગી સુધી એક નિત્ય કર્મની માફક વાંચ્યાજ કરતો ! તેના મનના આ વલણથી તે ખર જ્ઞાનની માહીતિનો જાણે કે એક ફુવારો હોય એમ થઈ રહ્યો હતો !

આ જ્ઞાન તૃષ્ણાની સપાટી નીચે તેને ટકાવી રાખનાર, તેને અધિકને અધિક બળ આપનાર, તેના આખા જીવનમાં અને તેની બુદ્ધિમાં પવિત્રતાનો પટ બેસાડનાર તેનું ઉચ્ચ ચારિત્ર હતું. પવિત્રતા તેના ચારિત્રનું મુખ્ય અંગ હતું. તેનું એવું ચારિત્રજ તેની જ્ઞાન તૃષ્ણાને ટકાવતું, વધારતું અને ખીલવતું. આ ચારિત્ર સ્વભાવસિદ્ધ હતું. પવિત્રતા, ધાર્મિકતાની તે જાણે કે એક ઝળહળતી જ્યોતિ હોય એમ અમને ભાસતું. પવિત્રતા તેના આચારમાં, તેના વિચારમાં સદાકાળ વાસ કરી રહેતી. એ પવિત્રતાએજ એને જ્ઞાનની અવધિએ પહોંચાડીને પરબ્રહ્મપદની પ્રાપ્તિ કરાવી હતી. પવિત્રતા અને જ્ઞાનને ગાઢ સંબંધ છે. પવિત્રતા વગરનું જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તેથી મનુષ્ય ખરા વિકાસને પામતો નથી.

ધ્યાન અને જ્ઞાન એ કાર્યસિદ્ધિરૂપી રથનાં બે ચક્રો છે ! તે બેના સંયોગ વગર ઐહિક કે પારમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શુદ્ધ આચરણ, ઉચ્ચ આશયો અને મહત્વાકાંક્ષાનું સતત ભાન તેજ ધ્યાન ! એ ઉચ્ચ આશયોના ભાવથીજ, ગ્લેડસ્ટન, રાનડે, બર્ક, ગોખલે, ગાંધી જેવા મહાન પુરૂષો અને શંકર, બુદ્ધ, દયાનંદ જેવા મહાત્માઓ, જ્ઞાનને હૃદયમાં ઠસાવી, ટકાવીને બીજાના ઉપર ઊંડી છાપ પાડી જગતમાં વિજયી થયા છે. આ ધ્યાન જ્યાં નથી ત્યાં ખરૂં જ્ઞાન પણ નથી. જ્યાં એકનો અભાવ ત્યાં બીજાનો અભાવ જ છે. એ એના સંયોગ વગરનું જ્ઞાન ધૂમાડાના બાચકા જેવું છે. આ ધ્યાન, પવિત્રતા અને જ્ઞાનના સંયોગથી નરેન્દ્રના મુખ ઉપર, તેની બંને ભુજાઓમાં અને તેના આખા શરીરમાં પુરૂષાર્થનો અનુપમ જુસ્સો જણાઈ આવતો. તે સૌ પ્રત્યે માયાળુ અને ભલો હતો. પણ તેની ભલાઈ असमर्थो मवेत् साधु જેવી નહોતી ! એ ભલાઈ તેનામાં સાત્વિક અને ક્ષમાશીલ બળરૂપે વસી રહેલી હતી અને તે બળનું પોષક તેનું અખંડ બ્રહ્મચર્ય હતું. પવિત્રતા–બ્રહ્મચર્ય તેના વિદ્યાર્થી જીવનનું મુખ્ય લક્ષણ હતું. આ પવિત્રતા તેને માત્ર અસત્‌ કાર્ય કે અસત્‌ વિચારથી દૂર રાખતી, એટલું જ નહિ પણ સદ્‌વિચાર અને સત્‌ કાર્યમાં તે તેને સર્વદા પ્રવૃત્ત રાખતી.

મેટ્રીક્યુલેશનની પરિક્ષામાં પાસ થયા પછી અહમ્મદખાન અને વેણીગુપ્ત નામના મોટા ગવૈયાઓ પાસે નરેન્દ્ર ગાયન શિખવા લાગ્યો. તેના પિતાની ખાસ ભલામણ હતી કે એ વિદ્યા તેણે પ્રાપ્ત કરવી અને હિંદુઓની ગાયનકળામાં પ્રવીણ થવું. નરેન્દ્રને ઈશ્વરે મધુર સ્વર બક્ષેલો હતો. પૂર્વ અને પશ્ચિમની સંગીત કળામાં તે પ્રવીણ થયો અને બંને દેશનાં વાદ્યો વગાડવામાં હોંશીયાર થયો. સાથે સાથે નૃત્યકળા પણ તેણે સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધી. કુદરતના સૌંદર્યને તે ચહાતો અને દરેક વસ્તુમાં સૌંદર્ય લાવવાનું ઇચ્છતો. શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ નૃત્ય મનુષ્યમાં સુંદર લાગણીઓનો આવિર્ભાવ કરે છે. નરેન્દ્રના સંગીતમાં, નૃત્યમાં, કુદરત અને આત્માના સૌંદર્યનો, તેની ધાર્મિક લાગણીઓનો અને સુવિચારોનો આવિર્ભાવ થઈ રહેતો. તે જેમ જેમ વધારેને વધારે ધર્મિષ્ઠ થતો ગયો તેમ તેમ તેનું શરીર તેના સુંદર આત્માનો જાણે કે સ્થૂલ આવિર્ભાવ હોય તેમ બની રહ્યું. ઈશ્વરે તેનો ચહેરો ખુબસુરત બનાવેલો હતો.

તે જ્યારે ગાતો ત્યારે તેના અવાજની મિષ્ઠતા અને શરીરનું સૌંદર્ય એકમેકની સાથે અલૌકિક રીતે ભળી જતાં અને આસપાસ આધ્યાત્મિક સૌંદર્ય અને આધ્યાત્મિક એકતાનું સર્વને ભાન કરાવતાં. કોઈ કોઈ વખત તે એકલો એકલો ગાતો અને તેમાં એટલો બધો મશગુલ થઈ જતો કે ખાવા પીવાનું પણ ભૂલી જતો ! કેટલીક વખત ન્હાતી વખતે તે ગાવાનું શરૂ કરે અને તેમાં એટલો તો ગરક થઈ જાય કે પાણી પાણીને ઠેકાણે રહે અને કલાક બે કલાક વહી જાય ! ગાવાથી તેનો અવાજ ઘડાઈને મિષ્ટ અને ખુલ્લો થયો અને તે તેને આગળ ઉપર વક્તા તરીકે ઘણોજ કામ લાગ્યો. સ્વામી વિવેકાનંદ તરીકે તે પોતાના વિચારો પોતાના અવાજ ઉપરના કાબુને લીધે પણ વધારે સ્પષ્ટતાથી અને વધારે જુસ્સાથી દર્શાવી શકતો હતો. પશ્ચિમમાં અનેક મનુષ્ય તો તેના મધુર અવાજને લીધેજ આકર્ષાઈને તેના ભાષણો સાંભળવાને આવતા, આ સમયમાં વળી દરરોજ સંધ્યાકાળે તે એક નાના ટટ્ટુ ઉપર સ્વારી કરતો અને ઘોડે બેસતાં શિખતો. પોતાના અભ્યાસકાળમાં તે એકજ વખત એક પુસ્તકને વાંચતો અને પછી આખી જીંદગી સુધી તેની મતલબ તેને મ્હોડે થઈ રહેતી.

પોતાનાં માતાપિતા આગળ નરેન્દ્ર ઘણુંખરૂં ગાતો અને તેઓ સાંભળીને ખુશી થતાં. કોઈ પણ મનુષ્ય તેને એકજ વાર ગાતાં સાંભળતો એટલે કદી તેને ભૂલી શકતો નહિ. તે ગવૈયાના જેવું ગાઈ શકતો. ગાયનકળા વિષે પૂર્વ અને પશ્ચિમના સંગીતની તુલના કરી બંનેના ગુણ દોષ તે દર્શાવતો અને તેના વિચાર સપ્રમાણ ગણાતા, અનેક વાદ્યો તે વગાડતો. મુખ્યત્વે કરીને વીણા તેને ઘણીજ પ્રિય હતી અને એ વગાડવામાં તે ઘણોજ પ્રવીણ હતો. ગાવું, વાજીંત્ર વગાડવું અને નરઘાનો ઠેકો આપવો એ ત્રણે કામ તે સાથે સાથેજ કરતો. મદ્રાસ હાઈકોર્ટના જડ્જ શંકર નેર જેવા મનુષ્યોએ વર્તમાન પત્રદ્વારા વિવેકાનંદના સંગીતવેત્તા તરિકે ઘણાં જ વખાણ કરી આ વાતને સિદ્ધ કરી આપી હતી.