સ્વામી વિવેકાનંદ/ભાવિ જીવનનું ભાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કોલેજનું જીવન સ્વામી વિવેકાનંદ
ભાવિ જીવનનું ભાન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
બુદ્ધિનો વિકાસ →


પ્રકરણ ૧૦ મું – ભાવિ જીવનનું ભાન.

પોતાની યુવાવસ્થા વિષે વાત કરતાં સ્વામી વિવેકાનંદ કહેતા કે, “તે સમયમાં હું ભગવદ્‌ગીતા વાંચતો અને તેમાંના કેટલાક વિચારો રાત દિવસ મારા મગજને હલાવી નાંખતા. શ્રીમદ્ ભગવદ્‌ગીતા હિંદુ ધર્મનું ઉમદા રહસ્ય સમજાવે છે. ખરો વેદાન્ત ધર્મ તે બહુજ સુંદર રીતે પ્રતિપાદન કરે છે ! આર્યોનો આત્મા વિષેનો અનુભવ તેમાં દર્શાવેલો છે. તેમાં વર્ણવેલો ધર્મ કોઈ એક દેશનો, જાતિનો, વ્યક્તિનો કે સંસ્થાનો નથી. તે ધર્મ સ્ત્રીનો નથી કે પુરૂષનો નથી; પણ જાતિ રહિત, વર્ણ રહિત, દેશ રહિત, સંસ્થા રહિત આત્માનો છે. તે ધર્મ સર્વ સામાન્ય છે, તે સર્વને લાગુ છે. તેના સિદ્ધાંતો દેશકાલાદિથી અબાધિત છે. તે નિત્ય છે. ખેદયુક્ત અર્જુન યુદ્ધમાં ઉભેલો છે અને શ્રીકૃષ્ણ તેને આત્માનું ખરૂં સ્વરૂપ સમજાવી સ્વધર્મમાં પ્રેરે છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતા આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવનાર, સ્વધર્મમાં યોજનાર અને મોક્ષના દ્વારમાં લઈ જનાર એક અતુલનીય સ્વર્ગીય ગાન છે.”

નરેન્દ્ર ભગવદ્‌ગીતાનું દરેકે દરેક પ્રકરણ વાંચતો અને તેમાંનું અગાધજ્ઞાન, અદ્ભુત આધ્યાત્મિક પ્રકાશ, આર્ય મહર્ષિઓના અપૂર્વ અનુભવ, તેના વાંચનમાં નરેન્દ્રની નજરે આવતો. ભગવદ્‌ગીતા જાણે કે એક વ્યકિત હોય, તેનો મિત્ર હોય તેમ તેને તે ચહાવા લાગ્યો. તેને મન તે સર્વ શાસ્ત્રોનું એક શાસ્ત્ર હતું. રણભૂમિના અસંખ્ય પોકારોની વચમાં અત્યંત શાંતિને અનુભવનાર પરમાત્મા શ્રીકૃષ્ણનું, ખેદયુકત જીવ-આત્મા–અર્જુન પ્રત્યે આત્મકથન હતું. સંસારરૂપી રણભૂમિ ઉપર સ્વધર્મમાં પ્રવૃત્ત થવા, આત્માના અંતઃપ્રદેશમાં પેસીને પોકારતો જાણે કે તે શંખનાદ હોય તેમ નરેન્દ્રને લાગતું. “કર્મ કર્મને માટેજ કરવાનાં છે, ભયથી કે સ્પૃહાથી કરવાનાં નથી.” “જે મારી પાસે આવે છે તે સંસારરૂપી સાગરને તરે છે.” વગેરે ગીતાના વાક્યોમાં અગાધ ઉંડું તત્ત્વ સમાયેલું છે એમ તેને ભાસવા માંડ્યું, અને એ સત્યોની અસર એવી તો તેના હૃદય ઉપર થઈ કે “લોક કલ્યાણ એ પોતાનું જ કલ્યાણ છે, જગતનું ભલું કરનાર પોતાનું જ ભલું કરે છે, જગત ઉપર તે ઉપકાર કરે છે એમ તેણે ધારવાનું નથી ” આવા આવા અનેક સિદ્ધાંતો તેના મનમાં ઠસ્યા અને તે તેના જીવન પર્યંત તેના હૃદયમાં સામ્રાજ્ય ચલાવી રહ્યા. ગીતાનાં રહસ્યોમાં હિંદુ જીવનની ચોક્ખે ચોક્ખી ભાવના તેને જણાઈ. ગીતાએ તેને અસમાન્ય પુરૂષાર્થ સમર્પ્યું, અને એ દિવસથી તે હિંદુ ધર્મેનો બહાદુર રક્ષક બની રહ્યો. એક પુત્ર પોતાની માતાને માટે લાગણી ધરાવે તેમ નરેન્દ્ર હિંદુ ધર્મને માટે લાગણી ધરાવવા લાગ્યો. ગીતાએ તેને હાજર જવાબી બનાવ્યો અને ખ્રિસ્તિ પાદરીઓના બોધ સામે હિંદુ ધર્મની મહત્તા દર્શાવી આપવાનો જુસ્સો તેનામાં આણ્યો.

એક દિવસ એક પાદરી જાહેર રસ્તા ઉપર હિંદુઓના એક મોટા ટોળાંને બોધ કરતો હતો. તે બોલ્યો : “મારી લાકડીથી તમારા દેવની મૂર્તિને મારૂં તો તે શું કરે ?” શ્રોતાઓ સૌ ચૂપ રહ્યા. જવાબ આપવાને કોઈ શક્તિમાન નહોતું. નરેન્દ્ર તેના મિત્રો સાથે તેજ રસ્તે થઈને જતો હતો તેણે એ સાંભળ્યું. પાદરીને તેણે જવાબ આપ્યો : “હું તમારા દેવને ગાળ દઉં તો તે મને શું કરી નાખશે ?” પાદરીએ કહ્યું : “ તમે મરશો ત્યારે તમને નર્કના અગ્નિમાં નાંખશે !” નરેન્દ્ર જવાબ આપ્યો : “ત્યારે મારા દેવની મૂર્તિ પણ તમે મરશો ત્યારે તમને બાંધીને લટકાવશે !” પાદરી સાહેબ ખીજવાઈ ગયા અને ચૂપ થઈને છાનામાના ચાલ્યા ગયા. નરેન્દ્ર અને તેના મિત્રો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. સૌ શ્રોતાજનો તેમાં સામેલ થયા.

સંસારી થવું ઠીક કે સંન્યાસી ? ગાડી ઘોડે બેસીને ફરનાર ભોગી ઠીક કે ત્યાગી ? સંપત્તિ, વૈભવ, નાના પ્રકારના ભોગવિલાસ ઠીક કે સંન્યાસીનું ભિક્ષાન્ન ઠીક ? સૂવાને પલંગ મેળવવો કે પથ્થરની શિલા ? રહેવાને મહેલ, વિવિધ અલંકાર અને વસ્ત્ર ઠીક કે સંન્યાસીનો અંચળો, તૂંબીપાત્ર અને ચોળવાની રાખ ઠીક ? સ્ત્રી પુત્રાદિ કુટુંબનો પ્રેમ ઠીક કે वसुधैव कुटुंबकम् ? એમ સંસારી અને ત્યાગીની જીંદગીના વિચારોની વચ્ચમાં નરેન્દ્રનું મન આ સમયે અથડાવા લાગ્યું. એ આદર્શો-સંસારી અને ત્યાગી-તેની નજર આગળ ખડા થયા અને તે એ બંનેની તુલના કરવા લાગ્યો. સંસારી જીવનની અનેક તૃષ્ણાઓ, આજ્ઞાઓ, બંધનો, લોભ, મોહ, અસત્ય વ્યવહાર, ડોળ, સ્વાર્થ, પ્રપંચ, સુખ, દુઃખ અને તે સર્વની વચમાં મનુષ્યને ઓચિંતો ઝડપી લેનાર મૃત્યુ, એ સર્વે તેને સંસારની અસારતા દર્શાવવા લાગ્યાં – જગતનું મિથ્યાપણું સમજાવવા લાગ્યાં. સંસારના સૌંદયમાં કે ભવ્યતામાં ખરૂં સુખ નથી, તે માત્ર માયા છે, મિથ્યા છે, “જુઠી માયા જુઠી કાયા, જુઠા ખેલ બનાયારે;” એમ તેના અંતઃકરણમાં ઠસવા માંડ્યું !

એકવાર સંપૂર્ણ વૈરાગ્યના તેજથી પ્રકાશીત અને દેવ સમાન દેખાતી સંન્યાસીની મૂર્તિ, તેની માનસિક દૃષ્ટિમાં ખડી થઈ. આ મૂર્તિએ શરીરે માત્ર કૌપીન ધારણ કરેલી હતી. બાકીના શરીરે ભસ્મનું આચ્છાદન હતું. તે મૂર્તિ જ્યાં ઉભી હતી તે સ્થળની પાછળ એક મોટું અરણ્ય હતું, થોડેક દૂર બરફથી ઢંકાયેલી ધોળી ટેકરીઓ આવેલી હતી. સંસારથી તે દૂર હતી, પણ સંસાર તેના તરફ પ્રપંચ ફેંકતો હતો. અનેક આશાઓ, તૃષ્ણાઓ અને લાલચો તેની અડોઅડ થઈને જવા લાગી; પણ આ ધ્યાનગ્રસ્ત સાધુની મૂર્તિ જરાક પણ ચલાયમાન થઈ નહિ. ભૂખ, તરસ અને ટાઢની અસર તેના શરીર ઉપર દેખાતી હતી, પણ તેના મન ઉપર તેની અસર જણાઈ નહિ. તેના ભવ્ય કપાળ ઉપર વૈરાગ્યનું તેજ પ્રસરી રહ્યું હતું. તેની આંખો જાણે કે બે તેજસ્વી સૂર્ય હાય તેમ એવી તો ઝળકી રહી હતી કે તેના પ્રકાશ આગળ જગતનો ઝળકાટ નહિવત લાગતો. તેનાં આંતરચક્ષુઓ આત્મજ્યોતિના ઉંચા પ્રદેશમાં ઉડી રહ્યાં હતાં.

જાગૃત અવસ્થામાં પણ આવાં સ્વપ્નો-આવાં દર્શનો તેને થઈ આવતાં. આવાં દર્શન-સ્વપ્ન આધ્યાત્મિક દશાની અમુક સ્થિતિ સૂચવે છે. આવું દર્શન-ઉદ્ભવતું ત્યારે નરેન્દ્ર ઘણાજ આનંદમાં આવી જતો અને સંસારી દશાને બંધન સમજતો. તેનું મન આ વેળાએ વિવિધ પ્રકારની અદ્ભુત સ્થિતિઓ અનુભવતું. કેટલીક વખત તેને પોતાનું શરીર સ્વપ્નના શરીર જેવું લાગતું. તે ઘણીવાર શરીરનું ભાન ભૂલી જતો અને કોઈ કોઈ વખત જાહેર બાગની અંદર ફરતાં પોતે આત્મા છે એ વિચારમાં તે એટલો બધો લીન થઈ જતા કે પોતાનું શરીર હયાતીમાં છે કે નહિ તેની ખાત્રી કરવાને પોતાનું માથું ઝાડ યા બીજી કોઈ વસ્તુ સાથે અફાળી ખાત્રી કરી લેતો ! પૂર્વ જન્મની ભાવનાઓ અને અનુભવો મનુષ્યના વર્તમાન જીવનમાં અનાયાસે જ દૃશ્યમાન થાય છે. કેટલાક મનુષ્યોને કેટલાક વિચારો અને ગુણો જન્મથીજ પ્રાપ્ત હોય છે. કેટલાક મનુષ્યો ઉપર અન્ય મનુષ્યોને સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે, કેટલાંક સ્થળ કોઇને વગર જોયે પણ પરિચિત હોય એવો ભાસ થાય છે. નરેન્દ્રની બાબતમાં તેમજ હતું. કેટલાક આધ્યાત્મિક અનુભવો, ત્યાગીનું જીવન, તે જીવનની મહત્વાકાંક્ષાઓ, વિવેક, વૈરાગ્ય વગેરે જાણે કે તેણે પૂર્વ જન્મમાં સિદ્ધ કર્યાં હોય તેમ તેના વર્તમાન જીવનમાં સ્વાભાવિક દશાએ પહોંચેલાં માલમ પડતાં હતાં અને તેનું ભાવિ જીવન સુચવતાં હતાં.