સ્વામી વિવેકાનંદ/બુદ્ધિનો વિકાસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભાવિ જીવનનું ભાન સ્વામી વિવેકાનંદ
બુદ્ધિનો વિકાસ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા →


પ્રકરણ ૧૧ મું બુદ્ધિનો વિકાસ.

જ્ઞાનની અનેક શાખાઓમાં નરેન્દ્રનું મન પરોવાયેલું હતું. કોલેજનો અભ્યાસ તો તે કરતો જ હતો, પણ તેની સાથે બીજા ઘણા વિષયામાં પારંગત થવાની તે ઈચ્છા રાખતો હતો. ગણિતશાસ્ત્ર અને ખગોળવિદ્યામાં તે ઘણો આગળ વધ્યો. સંસ્કૃત તેને બાલ્યાવસ્થાથી જ પ્રિય હતું. બાર વર્ષની ઉમ્મરે તે સંસ્કૃત વ્યાકરણ શિખ્યો હતો અને સત્તર વરસની વયે તો સંસ્કૃતમાં શ્લોક બનાવવા લાગ્યો ! પોતાની બંગાળી ભાષાને પણ તેણે એટલી બધી કેળવવા માંડી કે આગળ જતાં બંગાળી લેખક તરીકે તે ઉચ્ચ પદ્વી પ્રાપ્ત કરી રહ્યો.

નરેન્દ્રની સ્મરણશક્તિ અલૌકિક હતી. તેની માતા તરફથી વારસામાં તેને તે મળી હતી. વિશ્વનાથના એકાએક મૃત્યુએ જન્મ અને મરણનાં ગુહ્ય સત્ય તરફ તેના મનને ખેંચ્યું હતું. યુવાન નરેન્દ્ર હવે ખરેખરો હિંદુ બની રહ્યો, એટલું જ નહિ પણ હિંદુત્વને માટે આગ્રહી બન્યો. હિંદુ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો હવે તેણે વાંચવા માંડ્યાં. તેમના ઉપર લખાયેલી ટીકાઓ હિંદુ વિચાર પ્રમાણે સંપૂર્ણ હતી, પણ પાશ્ચાત્ય શિક્ષણથી કેળવાયેલા વિદ્યાર્થિને મન તે અનુકુળ થઈ નહિ. આથી કોલેજમાં તેણે તત્વજ્ઞાનનો વિષય પસંદ કર્યો અને પાશ્ચાત્ય તત્વવેત્તાઓના સિદ્ધાંતો જાણવાનો પ્રયાસ કર્યો. હર્બર્ટ સ્પેન્સરના સિદ્ધાતમાં તેને રસ પડ્યો. તેના અધ્યયનથી તેની મનનશક્તિ, તર્ક અને બુદ્ધિ ખૂબ વિકાસ પામ્યાં. સાથે સાથે કેન્ટ, શોપનહોર, મિલ અને કાંટનો અભ્યાસ પણ શરૂ કર્યો. એરીસ્ટોટલ પણ વંચાયો. એ સર્વ સાથે ઉપનિષદોનો અભ્યાસ પણ તેણે જારી રાખ્યો હતો. પાશ્ચાત્ય સિદ્ધાંતોની કસોટીથી ઉપનિષદનાં સત્યને તે તપાસતો રહેતો. લાંબા અધ્યયન અને મનન પછી તેને પાશ્ચાત્ય સિદ્ધાંતોની અપૂર્ણતા દેખાવા લાગી. આર્યઋષિઓએ શેાધી કહાડેલાં મહાન સત્યો આગળ પાશ્ચાત્ય સિદ્ધાંતો તેને માત્ર આભાસ જેવા જ જણાયા અને હિંદુ તત્વજ્ઞાનની મહત્તા તેના મનમાં ઠસી રહી. પરંતુ વેદાન્તનાં કેટલાંક સત્ય બુદ્ધિથી અગમ્ય હોઈ અનુભવગમ્ય છે. નરેન્દ્રમાં તે અનુભવની ખામી હોવાથી તેના મનમાં ક્વચિત શંકા થતી કે, “વેદાન્તથી પણ અધિક સરળ અને શ્રેષ્ઠ માર્ગ કોઈ હશે ખરો ? ”

તત્વજ્ઞાનની સાથે નરેન્દ્ર ઇતિહાસનું પણ ઉંડું અધ્યયન કરતો હતો. અંગ્રેજી પ્રજાની ઉત્ક્રાન્તિઓ, તેનાં મહાન લક્ષણો, રાજદ્વારી ઉથલ પાથલો, અવનવા બનાવો અને રાજદ્વારી પુરૂષનાં મહાન ચારિત્રોનો તેણે ઉંડો અભ્યાસ કર્યો. ગ્રીનનો બનાવેલો “અંગ્રેજ પ્રજાનો ઇતિહાસ” તેણે ખંતથી વાંચ્યો અને ઇંગ્રેજ પ્રજાનું બંઘારણ કેવી રીતે બંધાયું તેની પુરેપુરી માહિતી મેળવી. આખા યુરોપનાં રાજ્યનો ઇતિહાસ તે શિખ્યો. ફ્રેન્ચ રેવોલ્યુશન-ફ્રેન્ચ પ્રજાની ઉક્રાન્ત્તિનું ઉંડું અધ્યયન કર્યું અને તે વખતની રાજકિય હિલચાલો લક્ષ્યમાં લીધી. પણ સૌથી વિશેષ અભ્યાસ જે પુસ્તકનો તેણે કર્યો તે તો મહાન ઇતિહાસકાર ગીબનનું બનાવેલું “રોમન રાજ્યનો અસ્ત અને નાશ” એ હતું. આ પુસ્તકનું અધ્યયન અને મનન તેણે એટલું બધું કર્યું કે પ્રાચીન રોમન મહા પ્રજાનું ગૌરવ તેના મનમાં સર્વદા રમી રહ્યું અને રોમ વિષે વાત કરતાં તેનો આબેહુબ ચિતાર શ્રોતા જનોની દૃષ્ટિ આગળ તે ખડો કરી દેતો. સ્વામી વિવેકાનંદની સાથે જે રોમ ગયા હતા તેઓ કહે છે કે એ પ્રાચીન ભૂમિની નષ્ટ કીર્તિ વિષે વાત કરતાં તેમના મુખમાંથી એવા જુસ્સાથી ઉદ્‌ગારો નીકળતા અને એ ભૂમિનો એવો તે તાદૃશ્ય ચિતાર અપાતો કે શ્રોતાવર્ગને એમજ લાગતું કે સ્વામીજીએ પ્રાચીન સમયમાં કેટલાંક વર્ષો રોમમાં જ ગાળ્યાં હશે ! રોમન રાજાઓ, તેમનાં કૃત્યો, તે પ્રજાસત્તાક રાજ્યના મહાન દિવસો, વ્યક્તિઓનો પરસ્પર સંબંધ એ સર્વ માનુષી દૃષ્ટિથી અને ઐતિહાસિક દૃષ્ટિથી એવી સૂક્ષ્મ રીતે વર્ણવાતાં કે જેથી જાણે સઘળું રોમન રાજ્ય શ્રોતાજનોની નજર આગળ હાલતું ચાલતું હોય એમ થઈ રહેતું. નરેન્દ્રની દૃષ્ટિમાં ઇતિહાસ, મહા પ્રજાઓની મહત્વાકાંક્ષાઓ, અનુભવ, અંતઃસ્ફુરણાઓ અને ઉચ્ચ જીવનનું હજાર વર્ષનું જીવનચરિત્ર રમી રહેલું હતું.

સર્વ ઇતિહાસમાં આર્યભૂમિનો ઇતિહાસ તેને અત્યંત પ્રિય હતો. હિંદના મહાન પુરૂષોનાં ચારિત્રો જાણે કે તેમના સહવાસમાં તે આવ્યો હોય તેમ, બહુ જ સૂક્ષ્મ અને સચોટ રીતે તે વર્ણવતો. આગળ ઉપર પોતાના પાશ્ચાત્ય શિષ્યોને મુગલ બાદશાહોની અને ગુપ્તવંશના રાજાઓની કથાઓ એવી બારીકીથી સમજાવતો કે એ રાજાઓ અને બાદશાહોને તેઓ દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ જોતા હોય અને એ રાજાઓના સમયમાં જ જાણે કે તેઓ રહેતા હોય એવો તેઓને ભાસ થતો ! કોઈ અંગ્રેજ ઈતિહાસકાર જે જુસ્સાથી ઈલીઝાબેથનું વર્ણન કરે તે જુસ્સાથી હિંદની પ્રખ્યાત સ્ત્રીઓનાં પરાક્રમો તે વર્ણવતો. હિંદનાં પ્રાચીન ગૌરવવાળાં સ્થળોને તે નિહાળતો ત્યારે તેની માતૃભૂમિની ભૂતકાળની ભવ્યતાના ભણકારા તેને વાગી રહેતા. તેની પવિત્રતાનું ચિત્ર તેના મનમાં એકદમ ખડું થતું અને તે ચિત્રમાં હિંદની ભાવિ મહત્તાનું આશાજનક સ્ફુરણ તેને થઈ આવતું !

નેપોલિયનને તેના શૌર્ય અને બળને લીધે નરેન્દ્ર એક વીર પુરૂષ ગણતો. નિર્બળતાને તે અત્યંત ધિક્કારતો, બળ વગર મહત્તા મળતી નથી એમ તે માનતો. શૌર્ય અને સામર્થ્ય–શારીરિક બળ, માનસિકબળ, આધ્યાત્મિકબળ તેના આખા જીવનના મુખ્ય સિદ્ધાંતો બની રહ્યા હતા. આગળ જતાં તત્વજ્ઞાનના વિવરણમાં પણ પોતાના અગાધ આત્મબળનો જુસ્સો તેણે રેડ્યો હતો અને તેમાં રહેલા  સામર્થ્યનું ભાન તેણે સર્વને કરાવ્યું હતું.

યુવાવસ્થામાં મનુષ્યોને કવિતા ઘણી પ્રિય હોય છે, કારણ કે કવિતા યુવાનોની દૃષ્ટિ આગળ અનેક આદર્શ રજુ કરે છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈપણ આદર્શને અનુસરે છે. યુવાવસ્થામાં મન નિર્મળ હોય છે અને તેમાં નવી સૃષ્ટિની કલ્પનાઓ ઉપન્ન થાય છે. દુનિયામાં આમ કરવું અને તેમ કરવું એ ઉત્સાહ જુવાનના મનમાં રહે છે. તેના મનમાં અનેક ઉચ્ચ તરંગો ઉઠે છે, અનેક ઉચ્ચ આશાઓ કલ્પાય છે અને અનેક ઉચ્ચ ભાવનાઓ બંધાય છે. આ ભાવનાઓ, આશાઓ અને આદર્શોનો જીવંત ચિતાર કવિતા પુરો પાડે છે અને યુવાનના અકલુષિત હૃદયને તે અત્યંત આકર્ષે છે. નરેન્દ્રનું દૃઢ માનવું હતું કે કવિતા આવા આશયો, ભાવનાઓ અને આદર્શોનો ભવ્ય અને જીવંત ચિતાર આપે છે. આવા કોઈપણ આદર્શોનું ભાન મનુષ્ય જીંદગીનો મુખ્ય પાયો છે એમ તે ધારતો, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, કવિતા કે રસાયણશાસ્ત્ર ગમે તે વિષયમાં અમુક આદર્શ રહેલો છે. તે સઘળાં અમુક આદર્શનાં પ્રતિબિંબો છે એમ તે માનતો; અને એ માન્યતાને અનુસરીનેજ તેનો અભ્યાસ કરતો. ઉચ્ચ પ્રતિભાવાળી અને ઉચ્ચ પ્રદેશમાં ઉડનારી કવિતાઓ તે કંઠે કરતો.

વિશ્વનો સામાન્ય નિયમ એવો છે કે કૌમાર અવસ્થામાં બંધાયલા વિચારો અને ભાવનાઓ યુવાવસ્થામાં જેવાં ને તેવાં રહી શકતાં નથી. પાશ્ચાત્ય કેળવણીના સંસ્કારોથી, પાદરીઓના પ્રયાસથી અને ધાર્મિક શિક્ષણના અભાવથી હિંદુ વિદ્યાર્થીઓના મનમાં પ્રાચીન ભાવનાઓ તરફ અભાવ ઉત્પન્ન થાય છે; અને તેમના મનમાં જુના અને નવા અનેક વિચારો વચ્ચે તુમુલ યુદ્ધ મચી રહે છે. ઐહિક સુખનાજ વિચારમાં જન્મેલા અને ઉછરેલા યુવકને આ અવસ્થા આવે તોપણ તે મનમાંને મનમાંજ શાંત થઈ જાય છે પરંતુ સંસ્કારી જીવો તો સત્યને ગમે તેટલા પ્રયાસે શોધી કહાડે છે ત્યારે જ જંપે છે. આગળ જતાં એવા મનુષ્યોજ જગતમાં નવિન અને પરિસ્થિતિઓને રચી શકે છે અથવા વિકૃત ભાગને કહાડી નાખી જુના પાયા ઉપર નવીન ઇમારતો ચણીને જગતને ઉન્નતિના માર્ગે દોરી જાય છે. ધન્ય છે એવા મનુષ્યોને કે જેમનું મન સત્ય શોધક બની હજારો તર્ક વિતર્ક કરે છે ! આવી સ્થિતિ ઉત્તમ મનુષ્યના જીવનમાં આવશ્યકજ છે. આગળ ચાલતાં જેમ જેમ નરેન્દ્ર પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસમાં ઉંડો ઉતરતો ગયો તેમ તેમ તેની ધાર્મિક ભાવનાઓ અને કૌમારાવસ્થાની શ્રદ્ધા શિથિલ થવા માંડી. સ્પેન્સરના વિચારોએ પ્રાચીન દંતકથાઓ તરફ તેને શંકાશીલ બનાવ્યો અને જે ભાવનાઓમાં તે ઉછર્યો હતો તે સધળી ડગમગવા લાગી. તેના મનમાં તુમુલ યુદ્ધ મચી રહ્યું; તેના મનમાં દુ:ખ થવા લાગ્યું. તેનું કુટુંબ જે ધાર્મિક અને સામાજીક નિયમો પાળી રહ્યું હતું તેથી તદ્દન વિરૂદ્ધ હવે તેનું વર્તન થવા લાગ્યું ! ટુંકામાં તે નાસ્તિકજ બની રહ્યો. પરંતુ સદ્ભાગ્યે માતા પિતા તરફના અને પૂર્વજન્મના અનેક શુભ સંસ્કારોએ નરેન્દ્રના હૃદયમાં વાસ કરેલ હતો. સત્ય શોધવાની ઉત્કટ ઇચ્છા અને આર્ય સાધુતાના ગૌરવનું ભાન તેનામાં જન્મસિદ્ધ હતાં. પાશ્ચાત્ય વિદ્યાએ તેની એ વૃત્તિઓને દબાવી અસ્તવ્યસ્ત કરી ખરી, પણ તેનાં ઉંડાં મૂળ તેનાથી ઉખેડી શકાયાં નહિ. એક કમાન જેમ દબાય તેમ તે દબાઈ, પણ જેમ કમાન પાછી વધારે જોર કરીને પોતાની મૂળ સ્થિતિએ આવી જાય છે તેમ તેની ધાર્મિકતા વધારે જોરથી બહાર નીકળી આવી. અનેક પ્રકારની માનસિક ગડમથલ પછી ‘ઇશ્વર હોયતો તેને અવષ્ય ખોળવો’ એવો વિચાર તેના મનમાં દૃઢ થયો. નાસ્તિકપણું એ એક જાતની બુદ્ધિની જડતા, અનિશ્ચિતતા, માનસિક શક્તિઓનો અપૂર્ણ વિકાસ, પરાજય, શંકાશીલતા છે એમ છેવટે તેને જણાયું. કૉન્ટના ગ્રંથોમાં તેને કાંઈક અવલંબન મળ્યું. જનસેવા, માયાળુતાના વિચારોને ટેકો મળ્યો અને આ અસર તેના વિચારમાં જીવનપર્યંત રહી. પાશ્ચાત્ય તત્વજ્ઞાનની અનેક શાખાઓ તે હવે ફરીથી તપાસવા લાગ્યો. હીગલ, શોપન હોર અને મિલ વાંચવા લાગ્યો. પારમાર્થિક સત્યનું ભાન કરાવે, આત્માને ઓળખાવે, તેને અનુભવાવે, તે જ ખરું તત્ત્વજ્ઞાન છે અને આવી શક્તિઓ જેમાં નથી તે તત્ત્વજ્ઞાન નથી એમ તે માનવા લાગ્યો. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તેણે એટલે બધો કર્યો કે તેમાંથી ફકરાઓને ફકરાઓ તે મ્હોઢે બોલી જતો !

આ વખતે તે બી. એ. નો અભ્યાસ કરતો હતો. તીવ્ર બુદ્ધિ અને અલૌકિક સ્મરણશક્તિને લીધે તે એક પુસ્તક એકજવાર વાંચતો અને તે તેને યાદ થઈ જતું. આથી કરીને અભ્યાસ સિવાયની બીજી પણ ઘણી બાબતોમાં તે લક્ષ્ય આપી શકતો.

આ વખતે ફરીથી તેણે હર્બર્ટસ્પેનસરના ગ્રંથો વાંચવા માંડ્યા અને તેના તત્વજ્ઞાનની કેટલીક ખામીઓ તેણે હર્બર્ટસ્પેનસરને લખી મોકલી. હર્બર્ટસ્પેનસરે નરેન્દ્રનાં ખુબ વખાણ કર્યા અને જવાબ આપ્યો : “બીજી આવૃત્તિમાં હું તે ખામીઓ જરૂર સુધારી લઈશ.” નરેન્દ્રને આથી ઘણું જ ઉત્તેજન મળ્યું. નરેન્દ્રનો સંસ્કારી પ્રોફેસર ડબલ્યુ, ડબલ્યુ, હેસ્ટી કે જે એક મોટો વિદ્વાન હતો તે કહેવા લાગ્યો “નરેન્દ્રનાથદત્ત એક મહાન બુદ્ધિશાળી પુરૂષ છે. મેં ઘણી મુસાફરી કરી છે, પણ એના જેવો બુદ્ધિશાળી છોકરો મેં જર્મન યુનિવર્સીટિઓમાં પણ કોઈ જોયો નથી. નક્કી, તે જગતમાં પ્રખ્યાત થશે.” નરેન્દ્ર પોતે પણ હવે માનવા લાગ્યો કે ઈશ્વરે તેને મહાપુરૂષ થવાનેજ સરજેલો છે.

આ પ્રમાણે રમતમાં એક બાળક જેવો, સંગીતમાં એક પ્રવીણ ગવૈયા જેવો, વિદ્યામાં પંડિત જેવો, જગતને નિહાળવામાં તત્ત્વવેત્તા જેવો, વાદવિવાદમાં એક સિંહ જેવો, એમ જુદી જુદી યોગ્યતાઓનું કેન્દ્રસ્થાન બની કંઇક નવીનજ સ્વરૂપમાં નરેન્દ્ર આસપાસના યુવાન વિદ્યાર્થીઓમાં વિરાજતો હતો. તે કૉલેજમાં સખત અભ્યાસ કરતો અને કવચિત્‌ કવચિત્‌ સંસારની અસારતાના વિચારોએ ચઢી વૈરાગ્યને ધારણ કરતો તથા વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવવાને મથ્યા કરતો. તે બી. એ. માં પાસ થઈ ફર્સ્ટ ક્લાસમાં આવ્યો. હવે તે એલ. એલ. બી. ને માટે અભ્યાસ કરવા લાગ્યો.

પ્રોફેસર વૃજેન્દ્રનાથ સીલ એમ. એ. કે જે નરેન્દ્રની સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા : તે નરેન્દ્ર વિષે લખે છે; “તે ખરેખરો એક ઈશ્વરી બક્ષિસવાળો યુવાન હતો; તેની રીતભાત સ્વતંત્ર હતી. છતાં સૌની સાથે તે ભળી જતો, હળી જતો. તે એક મધુર ગવૈયો હતો અને સમાજમાં પ્રિય થઈ પડેલો હતો. વિવાદ કરવામાં તે ઘણોજ બુદ્ધિશાળી જણાતો. જગતની મિથ્યા ટાપટીપ અને ડોળની સામે તે સખત ટીકા કરતો અને પ્રાણીમાત્ર તરફ અત્યંત પ્રેમભરી દૃષ્ટિથી જોતો……એક મિત્રે તેને હ્યુમ અને હર્બર્ટસ્પેનસરના ગ્રંથો વાંચવાનું કહ્યું પણ તેથી તેની અશ્રદ્ધાએ ઉલટું નાસ્તિકતાનું રૂ૫ ધારણ કર્યું…… તેણે મને પોતાની સઘળી શંકાઓ દર્શાવી અને પરમતત્વને પહોંચવાની નિરાશા જણાવી…… મેં તેને શેલીની કવિતાઓ વાંચી સંભળાવી…… જગતમાં એક સર્વસામાન્ય પરમશુદ્ધત્વ વ્યાપી રહેલું છે તે વિષે મેં તેને કહ્યું… પણ તેથી તેના આત્માને શાંતિ વળી નહિ.”