સ્વામી વિવેકાનંદ/વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા

વિકિસ્રોતમાંથી
← બુદ્ધિનો વિકાસ સ્વામી વિવેકાનંદ
વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
દેશની ધાર્મિક પરિસ્થિતિ →


પ્રકરણ ૧૨ મું – વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા.

મહાનભક્ત કવિ નરસિંહ મહેતો કહે છે કે “સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયાં.” મનુષ્યના શરીરની સાથેજ સુખ અને દુઃખ સરજાયેલાં છે, મનુષ્યમાત્રના જીવનમાં દુઃખના દિવસો આવે છે. વળી એક મહાન ગ્રીક તત્વવેતા કહે છે તે પણ બરાબર છે કે “જેણે વિપત્તિનું દર્શન કર્યું નથી તે ભાગ્યહીન છે !” મનુષ્ય જીવનમાં વિપત્તિ આવશ્યક છે, વિપત્તિ વગર ચારિત્ર ઘડાતું નથી. વિપત્તિ વગર મનુષ્યની શક્તિઓ પૂર્ણ વિકાસને પામતી નથી. મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓને વિપત્તિ બહાર ઘસડી લાવે છે અને મનુષ્ય વિકાસને પામી પોતાના મનુષ્ય સ્વરૂપમાં પૂર્ણપણે પ્રકાશી રહે છે, વિપત્તિ વગર મહત્તા પ્રાપ્ત થતી નથી. જગતના મહાન પુરૂષનાં ચારિત્ર વિપત્તિએજ ઘડેલાં છે. નિષ્ફળતા, નિરાશા; નિર્ધનતા અને એવાં એવાં અનેક સંકટોરૂપી ખીણોમાં તેઓ રખડ્યા છે, ભટક્યા છે, અથડાયા છે. ઘણાને આમ ભટકવું પડે છે; પણ સામાન્ય જીવોજ એવી વિપત્તિઓથી દબાય છે; મહાન પુરૂષો તો ઉલટા તેનાથી ઘડાય છે.

પૃથ્વી પર પૂર્ણ પ્રકાશ આવે છે, અને પાછી રાત્રિ તેને ઘેરી લે છે. આ પ્રમાણે ઉદય અને અસ્ત દરેક વસ્તુને–પ્રાણીને, મનુષ્યને, પ્રજાઓને, મહાપ્રજાઓને, રાજ્યોને, મહારાજ્યોને, પણ લાગુ છે. જેને આદિ છે તેનો અંત છેજ.

નરેન્દ્રના કુટુંબની સમૃદ્ધિનો સૂર્ય અત્યારસુધી પૂર્ણપણે પ્રકાશી રહ્યો હતો, તે હવે એકા એકજ અસ્ત થવાનો સમય આવ્યો. જે કુટુંબ કલકત્તામાં નામાંકિત અને સમૃદ્ધિવાન દત્ત કુટુંબ તરીકે પ્રખ્યાત હતું તે કુટુંબમાં અન્નને અને દાંતને વેર થવાનો પ્રસંગ આવ્યો.

વિશ્વનાથનું મૃત્યુ થયું. વિશ્વનાથનો સ્વભાવ બહુ ઉદાર અને ખર્ચાળુ હતો અને તેમનું મરણ અણધાર્યું થયું તેથી તેમની પાછળ કુટુંબના નિર્વાહ પુરતો પૈસો રહ્યો નહિ. તેમના અચાનક મૃત્યુથી કુટુંબમાં કોઈ કમાનાર રહ્યું નહિ, અને અત્યાર સુધી વૈભવમાં ઉછરેલા કુટુંબને હવે દ્રવ્યની તંગી પડવા લાગી. ઘરમાં સૌ શોકાતુર બની રહ્યું. સૌ નરેન્દ્ર સામું જોવા લાગ્યું, કારણ કે તેજ સૌ છોકરામાં મોટો હતો. નરેન્દ્રે સૌને દિલાસો આપ્યો. કુટુંબના નિર્વાહનો ભાર એકાએક હવે તેને માથે પડ્યો. પણ અત્યારે તેની લાયકાત શી ! ક્યાં વિશ્વનાથની કમાણી અને ક્યાં કુટુંબનો ગંજાવર ખર્ચ ! નરેન્દ્ર બી. એ. થયો હતો, પણ હજી તે ન્હાનો હતો. કમાઈ કમાઈને તે કેટલું કમાય ! અત્યારે તેની લાયકાત કુટુંબને માત્ર એક વખત સાદું ભોજન આપી શકે એટલીજ હતી. તેને બે ભાઈઓ અને બે બ્હેનો હતી, સર્વ ન્હાનાં હતાં. વિશ્વનાથની કમાણીનો પૈસો થોડાક દિવસ તો ચાલ્યો પણ પછી કુટુંબને ઘણીજ હાડમારી વેઠવી પડી. આ વખતે નરેન્દ્ર એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો. એક વખત જે ઘોડા ગાડીમાં બેશીને કોલેજમાં જતો હતો તે હવે પગે ચાલીને જવા લાગ્યો ! એક વખત જે પોતાના પગે કિંમતી જોડા પહેરતો હતો તેને હવે ઉઘાડા પગે જવાનો પ્રસંગ આવ્યો ! બારીક અને કિંમતીને બદલે હવે સાદાં અને જાડાં કપડાં તેને શરીરે ધારણ કરવાં પડ્યાં ! ઘરનાં માણસોને ખાવામાં તંગી પડશે, એમ ધારી તે ઘણી વખત ભુખ્યોને ભુખ્યોજ કોલેજમાં જતો ! ઘણી વખત તેના મિત્રો તેને પોતાને ઘેર બોલાવતા અને તેની આ દશા જાણીને તેને કંઇ કંઈ ખવરાવતા, પણ પોતાના મિત્રોને ઘેર જમતી વખતે તેને પોતાના કુટુંબની હાડમારીનો વિચાર આવ્યા વગર રહેતો નહિ. તેનું હૈયું ભરાઈ આવતું, અને તે કંઈક બ્હાનુ કહાડીને જમ્યા વગરજ ઉઠી જતો. ઘેર જઈને પણ તે પુરૂં પેટ ભરીને ખાતો નહિ; કારણ કે બીજાને માટે પુરતું ખાવાનું રહેશે નહિ એમ તેને લાગતું.

પતિના મૃત્યુથી ભુવનેશ્વરી દેવીએ પણ સાધુ જેવું જીવન ગાળવા માંડ્યું. વૈરાગ્યવૃત્તિ ધારણ કરી અનેક વૃત્ત તે કરવા લાગ્યાં. હિંદુ શાસ્રોએ ફરમાવેલું તપોમય જીવન તેમનું થઈ રહ્યું. પ્રભુનું શરણ તેમણે ગ્રહ્યું અને તેમના ધાર્મિક હૃદયે માથે આવી પડેલી મહાન વિપત્તિને અંતરમાં શમાવી. એક મહાન પણ નિર્ધન ભક્તનું ધૈર્ય તેમણે ધર્યું આ અલૌકિક ધૈર્યનાં ચિન્હ તેમના ભવ્ય કપાળ ઉ૫૨ સર્વદા દેખાઈ આવતાં હતાં. આ કષ્ટમય દિવસોમાં જે પવિત્રતા, ધૈર્ય, સહનશીલતા, ઉચ્ચ ચારિત્ર, આત્મબળ, પ્રભુપરાયણતા અને નિડરતા તેમણે દાખવ્યાં હતાં તે અત્યંત સ્તુતિપાત્ર છે.

દુઃખના સમયમાં એક પછી એક અનેક દુઃખો આવીને પડે છે. અધુરામાં પુરૂં જે ઘરમાં નરેન્દ્ર રહેતો હતો તે ઘરની માલીકી વિષે વાંધો ઉઠ્યો અને તે બાબત કચેરીમાં કેસ ચાલ્યો.

નરેન્દ્રના કોઈ સગાએ તેના ઘરમાં તેનો ભાગ છે, અને તે વળી મોટો અને સારો ભાગ છે એમ કોર્ટમાં દાવો માંડ્યો. નરેન્દ્ર અને તેની માતાના મનપર આથી સખ્ત આઘાત થયો. પણ છેવટે તેઓ ધૈર્ય ધારણ કરી આ આપત્તિને ટાળવા કટિબદ્ધ થયાં.

પ્રખ્યાત બેરીસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજી કે જે તેના બાપના મિત્ર હતા તેમણે તેનો દાવો લઢવાનું કામ માથે લીધું. દાવો ઘણા દિવસ ચાલ્યો. આ દાવાની દરમીયાન ઘણા બનાવો બન્યા, કે જે નરેન્દ્રનો ટોળી સ્વભાવ અને વર્તન દર્શાવી રહ્યા. સામી બાજુના બેરિસ્ટરે જાહેર કર્યું કે નરેન્દ્ર એક “ચેલો છે.” બેરિસ્ટર યુરોપિયન હતો અને તે “ચેલો” એટલે શું તે સમજતો નહોતો. તેના મનમાં ચેલો એટલે ગાંડો માણસ એમ હતું અને આવા ગાંડા માણસના કહ્યા ઉપર ભરોસો રાખવો નહિ એમ તે કોર્ટને અરજ કરવા લાગ્યો. નરેન્દ્ર એકદમ પોતે જાતે આગળ ધસી આવ્યો અને તે બૅરીસ્ટરને પૂછવા લાગ્યો : “સાહેબ, ચેલો એટલે શું તે તમે જાણોછો ? અલબત્ત હું ચેલો (શિષ્ય ) છું !” આમ કહીને શ્રીરામકૃષ્ણનો તે શિષ્ય છે એમ જણાવવા લાગ્યો. બેરીસ્ટર સાહેબને તો તેણે એવા ઉધડા લીધા કે તેના સવાલ જવાબ સાંભળીને અને તે કાયદાનો અભ્યાસી છે એમ જાણીને જડજ સાહેબ એકદમ બોલી ઉઠ્યા : “યુવાન માણસ ! તમે એક ઘણા સારા વકીલ થશો.” દાવાનો ચુકાદો નરેન્દ્રના લાભમાં થયો. તેણે એકદમ ઘેર જવા માંડ્યું. પણ સામા પક્ષના પેલા યુરોપીયન બેરીસ્ટરે તેને ઉભો રાખ્યો, તેના હાથ સાથે પોતાનો હાથ મીલાવ્યો, અને બોલ્યા : “જડજ સાહેબનું કહેવું બરાબર છે. ખરેખર કાયદો તમારો ધંધો છે. હું તમને મુબારકબાદી આપુંછું.”

નરેન્દ્ર દોડતો દોડતો ઘેર ગયો; ઘરનું બારણું ઉઘાડ્યું અને એક કુદકો મારીને ચોકમાંથી પસાર થયો; ઝટ તે દાદરે ચઢ્યો; વળી બીજો કુદકો મારીને ભુવનેશ્વરીની ઓરડીમાં ગયો. ને બોલી ઉઠ્યો “મા, મા, ઘર બચ્યું છે.” ભુવનેશ્વરી દેવીના હર્ષનો પાર રહ્યો નહિ. તેમણે નરેન્દ્રને માથે હાથ મુક્યો અને આશિર્વાદ આપ્યો. આમ માતા અને પુત્રે સુખની ઘડી અનુભવી.

આ પ્રમાણે ઘર તો જતું બચી ગયું, પરંતુ આર્થિક બાબતોમાં તો કેટલાંક વર્ષ સુધી ઘરમાં વિપત્તિ જ રહી. ખાવાને માટે ઘણો સાદો અને હલકો જ ખોરાક તેઓ પામતાં અને પહેરવાને માત્ર જાડાં કપડા જ હતાં. જીવનના આ દિવસોમાં સાદું ભોજન પણ બે વખત મેળવવું તેમને કઠણ થઈ પડ્યું. ઘણી વખત નરેન્દ્ર અડધો ભૂખ્યો રહેતો અને ઘરનો નિર્વાહ કરવાને દરેક પ્રયાસ કરતો.

લાગવગની આશાથી તે ફ્રીમેસન થયો, વિદ્યાસાગરની એક નિશાળમાં તે માસ્તર થયો. આવા આવા અનેક પ્રયાસ તે કરવા લાગ્યો, પણ પ્રભુની ઇચ્છા કંઈક જુદી જ હતી. કુટુંબમાં અન્ન અને દાંતને વેર થઈ રહ્યું હતું. આ દુઃખના દિવસોનું સ્મરણ નરેન્દ્રને તેના જીવન પર્યંત રહ્યું હતું. ધૈર્યશીલ માતાએ અને શુરવીર પુત્રે આ ભયંકર દિવસો કેવી રીતે ગાળ્યા તે કોઈના જાણવામાં આવ્યું નથી; એ હાડમારીનું વર્ણન માતા અને પુત્રના હૃદયમાં જ સદાને માટે ઢંકાઈ રહ્યું છે; કારણ કે ભુવનેશ્વરી દેવી અને નરેન્દ્ર – માતા અને પુત્ર – બંને એ બાબતમાં એવાં તો મગરૂર હતાં કે પોતાના મનની લાગણીઓ કદી પણ કોઈને દર્શાવતાં નહિ.

અન્નની ઓછપને લીધે અને અન્ય નાની ઉમરનાં સંતાનોને પુરતો ખોરાક મળી રહે તેટલી માટે કેટલીકવાર માતા તબીયત વગેરે કારણો કહીને નરેન્દ્રના આગ્રહ છતાં જમતી નહિ; તો કેટલીક વાર નરેંદ્ર મિત્રોને ત્યાં જમવાને બહાને માતાના આગ્રહ છતાં જમવાનું માંડી વાળતો ! પરમાત્માન ! અસામાન્ય મનુષ્યોપર આવી આપત્તિઓ આવવામાં તારી કળા ગમે તેટલી હિતાવહ હશે; પરંતુ અમો સાધારણ માનવો તો આવા પ્રસંગો વાંચીને પણ હઇયું હાથ રાખી શકતા નથી. આ વિપત્તિઓએ માતા અને પુત્ર વચ્ચેના પ્રેમને બહુજ દૃઢ કર્યો. નરેન્દ્ર સાદા ખોરાકનો મહિમા સમજ્યો અને એક ત્યાગી તરીકેના ભાવી સાદા – સહનશીલ – જીવન માટે અજાણતાં તૈયાર બન્યો. ભુવનેશ્વરી દેવી આ દુઃખકારક અવસ્થા કોઈ આગળ આડકતરી રીતે પણ કહેતાં કે કબુલ કરતાં નહિ અને નરેન્દ્રનું પણ તેવું જ ધોરણ જોઈને અત્યંત ગૌરવ માનતાં. નરેન્દ્રને પ્રથમથી જ વિષય વાસનાનો તિરસ્કાર હતો, અગાઉ તેને જુદા જુદા દેવોની મૂર્તિઓ ખરીદવાનો શોખ હતો ત્યારે પણ ખરીદ કર્યા પછી જો તેને એમ માલમ પડે કે અમુક દેવને સ્ત્રી હતી તો તે દેવની મૂર્તિને તે ડોક મચડીને ભાગી નાંખતો અને તેને કુવામાં ફેંકી દેતો ! અમુક દેવ પરણેલા હતા એ વિચાર પણ તેને પસંદ પડતો નહોતો. લગ્ન એ તેને મોટા બંધન રૂપ લાગતું.

તેની નાસ્તિક દશામાં પણ જગત માત્ર ખાવા પીવા અને મોજમઝા મારવાને માટે જ છે એમ તે માનતો નહોતો. જગતના વૈભવોમાં માત્ર તેને ડોળ જ માલમ પડતો. ખાવું પીવું અને મોજ મારવી એ કાંઈ ખરૂં જીવન નથી; એમ તે સમજતો. લોકોને તે તેવાજ જીવનમાં ડુબી રહેલા જોઈ દુઃખી થતો. સંન્યાસ ધારણ કરી, જીવનનું ખરૂં સ્વરૂપ સમજી, જગતને તે માર્ગે ચલાવવાની ઇચ્છા નરેન્દ્રની થઈ રહી હતી. તે હમેશ ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યો : “હે ઈશ્વર ! સામાન્ય મનુષ્યો જગતના પદાર્થો તરફ જે પ્રેમ દર્શાવે છે તેવા જ અત્યંત પ્રેમથી હું તને નિહાળું એમ કર.”

હવે તે ઘણુંખરૂં એકાંતવાસ ભોગવવા લાગ્યો. ઉપનિષદ, દર્શનશાસ્ત્ર વગેરે ગ્રંથોનું એકાંતમાં વાંચન, વિચાર અને મનન કરી જીવનના મહાન પ્રશ્નોનું નિરાકરણ કરવાની મહેનત તેણે કરવા માંડી. વિચારોમાંને વિચારોમાં શરીરનું ભાન પણ તે ભૂલી જતો. સર્વ સંશયનો નાશ થઈ સત્ય અને નિત્યજ્ઞાન હૃદયમાં પ્રકાશવું જોઇએ; માત્ર શ્રદ્ધા કે બુદ્ધિથીજ નહિ પણ અનુભવથી સત્યનું પ્રત્યક્ષ દર્શન થવું જોઈએ એવો તેને દૃઢ આગ્રહ બંધાયો હતો. વાત પણ ખરીજ છે કે સાક્ષાત્કાર થયા વિના પારમાર્થિક સત્ય પુરેપુરૂં સમજાતું પણ નથી. પાશ્ચાત્ય તત્વજ્ઞાનનું પરિણામ માત્ર બુદ્ધિનોજ વિકાસ છે, ત્યારે આર્યતત્વજ્ઞાનનું પરિણામ બુદ્ધિનો વિકાસ અને પરમાત્મદર્શન છે. આથી કરીને નરેન્દ્રને હવે તેવું દર્શન પામેલા કોઈ અનુભવી સખા ગુરૂ કે જે તેની અપુર્ણતા દુર કરે, પરમાત્મદર્શન રૂપી અનુભવની તેની જીજ્ઞાસાને પુરી પાડી તેનો ઉદ્ધાર કરે, એવા મદદગારની આવશ્યકતા બહુ જ સ્પષ્ટપણે લાગવા માંડી, તેવા પુરૂષને મેળવવા માટે હવે તે બહુજ આતુર થઈ રહ્યો.

ઈશ્વરને જેણે જોયો હોય એવા સમર્થ ગુરૂને શોધવાનો તેણે ઠરાવ કર્યો. હવે સ્થળે સ્થળે તે આથડવા લાગ્યો.

બ્રહ્મોસમાજનો તે સભાસદ થયો. આ વખતે બંગાળામાં મહાશય દેવેન્દ્રનાથ ઠાકુર (કવિવર રવિંદ્રનાથ ઠાકુરના પિતા) એક મોટા ધાર્મિક પુરૂષ ગણાતા હતા. બ્રહ્મસમાજવાળાઓ તેમને મહર્ષિ કહેતા. તેઓ એક ધનાઢ્ય પુરૂષ હતા, પણ પાછળથી લક્ષ્મીમાં સુખ અને શાશ્વતપણું નહિં જોવાથી અત્યંત ધાર્મિક બની વાસ્તવ સત્ય અને શાંતિને ખોળી રહ્યા હતા. ગામથી દૂર એકાંત સ્થળમાં રહીને રોજ તેઓ ઈશ્વરનું ધ્યાન ધરતા હતા. કેશવચંદ્રસેન જેવા અસામાન્ય પુરૂષને પણ ધાર્મિક ઉપદેશ કરનાર આ મહર્ષિ જ હતા. નરેન્દ્ર તેમની પાસે ગયો. મહર્ષિ ધ્યાનમાં બેઠા હતા. મહર્ષિએ તેને ધ્યાનની ક્રિયા હમેશ કરવાનું કહ્યું. યોગ શિખવવાને મહર્ષિએ પોતાને ઘેર કેટલાક છોકરાઓનો વર્ગ બનાવ્યો હતો તે વર્ગમાં બેસીને સૌ ધ્યાન ધરતા અને પોતાનો અનુભવ એક બીજાને કહેતા. નરેન્દ્ર એ વર્ગમાં બેઠો અને આંખ ઉપરની બે ભ્રમરોની વચ્ચેનો બરાબર પ્રદેશ જે જ્ઞાનચક્ષુનું સ્થાન કહેવાય છે તેમાં પોતાનું ચિત્ત સ્થિર કરવા લાગ્યો. પ્રથમ તેને એક અસ્થિર પ્રકાશ જણાવા લાગ્યો. પછીથી તે પ્રકાશ સ્થિર થઈ રહેલો જણાયો. આ સ્થિર પ્રકાશમાંથી અનેક ચળકતા રંગ કિરણરૂપે પથરાતા જણાયા. અને કોઈ નવીન અલૌકિક પ્રદેશમાં તેનું મન ઉડવા માંડ્યું. પરંતુ થોડો વખત એવું રહ્યા પછી પાછી તેની એકાગ્ર વૃત્તિ નષ્ટ થઈ જતી અને મન ઐહિક પદાર્થો તરફ ખેચાઈ જતું. મહર્ષિ નરેન્દ્રને ઉત્તેજન આપવા લાગ્યા અને તેની શક્તિનાં વખાણ કરવા લાગ્યા. પણ “જો ઈશ્વર હોય તો મારે તેને અવશ્ય જોવોજ જોઈએ” આ વિચાર રાતદિવસ નરેન્દ્રના મનમાં ઘેાળાયા કરતો હતો.

એક દિવસ તે ઉતાવળો ઉતાવળો મહર્ષિને ઘેર ગયો. ઘરનું બારણું ઉઘાડ્યું. મહર્ષિ એ સમયે પોતાના અભ્યાસમાં હતા. નરેન્દ્રના જવાથી ધ્યાનમાં વિક્ષેપ પડ્યો. એકદમ નરેન્દ્રે સવાલ પુછ્યો : "મહર્ષિ, તમે ઈશ્વરને જોયો છે?” નરેન્દ્રનું મુખાવિંદ ગંભીર દેખાયું; તેના હોઠ જુદા પડી રહ્યા અને તેની બંને આંખો અંગારાની માફક ચળક્વા લાગી. મહર્ષિ એકદમ ચમક્યા, તેમના મનમાં અનેક વિચાર થવા લાગ્યા. એકવાર, બીજીવાર, ત્રીજીવાર જવાબ આપવાનો તેમણે પ્રયત્ન કર્યો, પણ અપાયો નહિં. આખરે તે બોલ્યાઃ “છોકરા, તારી આંખો યોગી જેવી છે !”

નરેન્દ્ર પાછો ગયો; તેની ખાત્રી થઈ કે મહર્ષિએ પણ ઈશ્વરને જોયો નથી. ત્યારે હવે ઈશ્વરને ક્યાં ખોળવો ? તેની ખાત્રી થઈ કે જગતનું સઘળું તત્વજ્ઞાન તે માત્ર અવર્ણનીય ઈશ્વરને વર્ણવાના અપૂર્ણ પ્રયાસજ છે ! અને તેથી સઘળાં પુસ્તકો હવે તેણે ફેંકી દીધાં. પુસ્તકોમાંનું સત્વ તેણે ચૂસાય તેટલું ચૂસી લીધેલું હોવાથી હવે તેને તે ફુસકા જેવાં લાગતાં હતાં. નરેન્દ્ર હવે બ્રહ્મોસમાજના સ્થાપક કેશવચંદ્રસેનના સમાગમમાં આવ્યો. રામકૃષ્ણાદિની લીલાઓ તેઓ ભજવતા. નરેન્દ્ર પણ તે કાર્યમાં ભાગ લેવા લાગ્યો. તેનો કંઠ મધુર હતો તેથી બ્રહ્મોસમાજની પ્રાર્થનાઓ ગાવામાં તેને અગ્રસ્થાન મળ્યું. આ સમાગમથી તેની માનસિક અને નૈતિક શક્તિ વધારે ખીલતી ચાલી અને તેનામાં તર્ક શક્તિનો વધારો થયો. મહાભારતના સમયનું આર્યાવર્ત બ્રહ્મસમાજીઓનું આદર્શ હતું તેથી તેમના સમાગમથી હિંદનું પ્રાચીન ગૌરવ, શુરાતન, પવિત્રતા, પવિત્ર અને સુશિક્ષિત આર્ય લલનાઓ, રૂષિઓ જેવા સ્વતંત્ર અને શુદ્ધ અંતઃકરણવાળા આર્ય પુરૂષો આ સર્વ તેની માનસિક સૃષ્ટિમાં ખડાં થવા લાગ્યાં. પોતાના ઘરમાં અને મિત્રોમાં પણ તે આવીજ વાતો કરવા લાગ્યો. મહાભારતના સમયનું આર્યાવર્ત તેની દૃષ્ટિમાં રમી રહ્યું.

છેવટે બ્રહ્મોસમાજના વિચારોથી પણ નરેન્દ્રને સંતોષ વળ્યો નહિં, માત્ર પ્રાર્થનાઓ બોલીનેજ તેના મનનું સમાધાન થયું નહિ. ઈશ્વરનું સાક્ષાત્ દર્શન કરવાની તેને તીવ્ર ઈચ્છા હતી. તે દરેક બ્રહ્મ સમાજીને પુછવા લાગ્યો “તમે ઈશ્વરને જોયો છે?” પણ સઘળાએ નાજ કહી. આથી તેને લાગ્યું કે “જેને તેમણે કદિપણ જોયો નથી તેને તેઓ કેવી રીતે ભજતા હશે?” હવે તેનું મન વધારે ભમવા માંડ્યું. જગતમાં ધાર્મિક ગણાતા અનેક પુરૂષને ઘેર તે આથડવા લાગ્યો. અનેક ઘેર તે ફર્યો, ઘણા જણની પાસે ગયો, પણ દંભ સિવાય તેને કંઈ પણ માલમ પડ્યું નહિ. પદાર્થ વિદ્યાથી ઉદ્ભવેલી અશ્રદ્ધા અને ધર્મને નામે થતા પ્રપંચો જ્યાં ને ત્યાં તેની નજરે પડ્યા. પણ તેની સત્ય શોધવાની જીજ્ઞાસા હજી પણ મંદ થઈ નહિં. તે દરેક જણને પુછવા લાગ્યો. સાધુ સંતોના વેશમાં ફરતા અને મોટા ભક્ત કે ઉપદેશક કહેવાતા પુરૂષોમાં પણ જ્યારે તેને પ્રપંચ માલમ પડ્યો ત્યારે તે ઘણો જ નાઉમેદ થયો. નિર્લોભતા–પ્રમાણીકપણું તે પ્રથમ માગતો હતો. હિંદુ, ક્રિશ્ચીયન, મુસલમાન, એમ દરેક ધર્મના ઉપદેશકોના બોધ સાંભળવાને તે જતો અને તેમને પૂછતો: “તમે જે વસ્તુનો બોધ કરો છો તે વસ્તુ ખરી છે એમ શા ઉપરથી કહો છો ? તમે તેનો સાક્ષાત્કાર કર્યો છે ?” દરેક જણ પાસેથી તેને એજ જવાબ મળ્યો કે “ના; પુસ્તકોમાં એવું લખેલું છે. શાસ્ત્ર એમ કહે છે.” તેના અંતઃકરણે તે માન્યું નહિ અને સત્ય શોધવાને કલકત્તાની આસપાસનાં અનેક સ્થળોમાં પણ તે ફરવા લાગ્યો, કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલા ગુરૂની શોધમાં તે ફરતો હતો. આખરે તે જે માગતો હતો તે તેને મળ્યું. યોગ્ય સદ્‌ગુરૂ તેને કેવી રીતે મળી આવ્યા અને તેના જીવન પર્યંત તેના આદર્શરૂપ બની રહ્યા; આ વિષય હવેનાં પ્રકરણોમાં આવશે.