લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/દેશની ધાર્મિક પરિસ્થિતિ

વિકિસ્રોતમાંથી
← વિપત્તિનું દર્શન અને સત્યની જીજ્ઞાસા સ્વામી વિવેકાનંદ
દેશની ધાર્મિક પરિસ્થિતિ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
શ્રીરામકૃષ્ણ પરમહંસ →


પ્રકરણ ૧૩ મું – દેશની ધાર્મિક પરિસ્થિતિ.

આર્યભૂમિના ઇતિહાસના જે અભ્યાસી છે તેઓને માલુમ છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે હિંદમાં કોઈ સમર્થ ધાર્મિક પુરૂષ ઉદ્ભવે છે અને આર્ય પ્રજાના ધાર્મિક ખજાનાનું રક્ષણ કરી, પ્રાચીન કાલથી સ્થાપિત થયેલું તેનું ધાર્મિક જીવન વેદવિહિત માર્ગે વહેવરાવવાને મહાન પ્રયાસ કરે છે.

હિંદમાં પ્રથમ ધર્મની એટલે ધર્મનિષ્ઠ અને દુનિયાની લોભ લાલચથી મુક્ત તથા પક્ષરહિત અને ઉત્તમ આચાર વિચારવાળા ભૂદેવોનીજ સત્તા સર્વોપરી હોઇને અન્ય સર્વ કોઈ તેમનીજ ધર્માજ્ઞાને અનુસરતા હતા. પરંતુ આગળ જતાં તેમના વંશજો તેમના જેવી યોગ્યતા જાળવી ન રાખતાં, સર્વોપરિપણાને પોતાના વંશપરાના હક્ક તરીકે દર્શાવીને પોતાની સત્તાનો દુરૂપયોગ કરવા લાગવાથી પછી શ્રેષ્ઠ જ્ઞાન ચારિત્રવાળા ક્ષત્રીય રાજાઓનો યુગ પ્રવર્ત્યો. આગળ જતાં ક્ષત્રીઓના વંશજો પણ સ્વચ્છંદી થવા માંડતાં પરશુરામે તેમને સજા કરીને અંકુશમાં આણ્યા અને મહારાજા દશરથ, જનક તથા પ્રાતઃસ્મરણીય ભગવાન શ્રી રામચંદ્રજીએ ક્ષાત્રબળ, પ્રજાહિતાર્થ, રાજ્યવહીવટ અને જીવનમુક્તપણે રાજ્યધૂરા વહન કરવાના અદભૂત આદર્શ રૂપ બની વશિષ્ટ અને વિશ્વામિત્ર જેવા મહર્ષિઓના શિક્ષણ અને અંકુશનો મહિમા સ્થાપિત કર્યો. વળી પાછા કાળે કરીને બ્રાહ્મણોએ ઉતરતા ચાલી ક્ષત્રી રાજાઓની હાએ હા કરવા માંડી અને ક્ષત્રીરાજાઓ નિરંકુશપણે અધર્માચરણ કરવા માંડ્યા. આ પ્રસંગે ભગવાન પૂર્ણપુરૂષોત્તમ શ્રીકૃષ્ણે અવતાર ધારણ કરી દુષ્ટ રાજાઓનો નાશ કરી-કરાવીને આર્યપ્રજા પાછી ઉન્નતઅવસ્થામાં સ્થપાય તેમ કર્યું. અનૈક સૈકાં પર્યંત એવી સુસ્થિતિ ચાલ્યા પછી ધીમે ધીમે પાછા બ્રાહ્મણો અને ક્ષત્રીઓ લથડતા ચાલીને માત્ર બાહ્ય ક્રિયાઓમાં અને યજ્ઞ યાગાદિમાંજ સર્વ ધાર્મિક્તા રહેલી સમજી-સમજાવીને વામમાર્ગ તરફ વળી ગયા, ત્યારે ભગવાન બુદ્ધે અવતાર લઈ અજ્ઞાન અને દુરાચાર સામે પડકાર ઉઠાવ્યો અને માત્ર ઉચ્ચવર્ણ માટેજ નહિ પણ સર્વને માટે મોક્ષના દ્વાર ખુલ્લાં છે એમ દર્શાવી આપ્યું. યજ્ઞમાં પશુવધ કરવા સામે તેણે જે પોકાર કર્યો તેની અસર અદ્યાપિ પર્યંત હિંદુ ધર્મમાં જણાઈ આવે છે. અનેક સૈકાઓ સુધી બુધ્ધદેવની સંસ્કૃતિ પ્રવર્ત્યા પછી બુધ્ધ ભિક્ષુઓ પણ કથળ્યા. એમ થતાં હિંદુ ધર્મમાં ઘણો અગત્યનો અને કાયમનો સુધારો કરનાર, અદ્વૈતવાદને ફેલાવનાર, મહાબુદ્ધિશાળી ભગવાન શંકરાચાર્ય ઉત્પન્ન થયા. લગભગ છઠ્ઠા સૈકામાં બુધ્ધધર્મમાં સડો વધી જતાં તેઓ પ્રગટ થયા. હિંદુધર્મ અને હિંદુ જીવન ઉપર તેમણે જે છાપ પડી છે તે ઘણીજ ઊંંડી અને તેની અસર કાયમની છે. તેમણે પોતાના ટુંકા જીવનમાં પણ હિંદુધર્મમાં પેસી ગએલા વહેમ અને દંભની સામે સખત લડત ચલાવીને વિકૃત બુધ્ધોના તંત્રમંત્રોમાં ફસાયેલી આર્યપ્રજાના માનસિક વાતાવરણ અને આચરણમાં મોટા ફેરફાર કરી નાખ્યા. યજ્ઞ ક્રિયાઓ સુધારી, વર્ણવ્યવસ્થાને સારા પાયા ઉપર આણી, આર્યદર્શનશાસ્ત્રોનું તેમણે અતિ સૂક્ષ્મબુધ્ધિ પૂર્વક પૃથક્કરણ કર્યું, અને પ્રજાને ધર્મનો ખરો બોધ આપવાને સંન્યાસીઓના મઠો સ્થાપ્યા. એ પછી અનેક સૈકાઓ બાદ આ અદ્વૈતવાદનાં મુખ્ય પગથીઆં રૂ૫ જે સદાચાર અને પ્રભુ ભક્તિ તે ઘટતાં ચાલી અનધિકારે અદ્વૈતવાદ દુરાચારના અને આચાર ભ્રષ્ટતાના ઓઠા રૂપે વપરાવા લાગ્યો, ત્યારે અગીઆરમા સૈકામાં ભગવાન રામાનુજ વિશિષ્ટાદ્વૈતવાદ દ્વારા કર્મ, ભક્તિ અને પવિત્ર આચાર ફેલાવવાને પ્રગટ્યા. આ વખતે મુસલમાન સત્તાએ હિંદમાં પ્રવેશ કર્યો હતો. એ પછી લગભગ સોળમા સૈકામાં જ્યારે બાબર પાણીપતની લડાઈ જીતીને દીલ્લીમાં પોતાનું રાજ્ય સ્થાપી રહ્યો હતો ત્યારે પંજાબમાં ગુરૂ નાનક અને બંગાળામાં શ્રી ચૈતન્યદેવ પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા. મુસલમાનના વખતમાં હિંદમાં અનેક ફેરફાર થયા. હિંદુઓના જીવનમાં, રીતરિવાજોમાં, સાહિત્યમાં, મુસલમાન જીવનની ઊંડી છાપ પડી. મુસલમાનોએ ધર્મમાં હાથ ઘાલવા માંડ્યો અને આર્યપ્રજાનો પવિત્ર ખજાનો નષ્ટ થવાનો સમય આવ્યો. મુસલમાનોની રાજ્યનીતિને તાબે થવું, અને પરાપૂર્વથી ચાલી આવતી ધાર્મિક વૃત્તિઓનું પાલન કરવું, આ મહા કઠિન કાર્ય આર્યપ્રજાએ ઘણાં વરસો સુધી ધીરજ અને ખંતથી ઉઠાવ્યું. ધર્મ રક્ષકોને અનેક મુશીબતો વેઠવી પડી, પ્રજાના અનેક સવાલોના ફડચા લાવવા પડ્યા, અને ધર્મના રક્ષણ માટે તેમણે એવી રીતે કામ લીધું કે ઝનુનીમાં ઝનુની મુસલમાનોનાં હૃદય તેમની શાંતિ અને ધૈર્ય આગળ નરમ બનીને પોતાની મેળેજ શાંત થઈ ગયાં. પાછળથી આથી પણ બારીક સમય હિંદની તવારિખમાં આવી પડ્યો. પાણીપતની બીજી લડાઈ પછી મુસલમાની રાજ્ય નષ્ટ થવા માંડ્યું, અને દેશમાં બ્રીટીશ સત્તા જામવા માંડી.

દેશમાં હવે પાશ્ચાત્ય કેળવણીની શરૂઆત થઈ. પણ આ કેળવણીની સાથે હિંદુઓની ધર્મ પ્રત્યેની લાગણી કમી થવા માંડી અને તેમનાં અંતઃકરણમાં નાસ્તિકતા તથા અશ્રધ્ધાએ વાસ કરવા માંડ્યો. પાશ્ચાત્ય કેળવણીનું એક ભયંકર પરિણામ એ આવ્યું કે હિંદુઓ પોતાના ધર્મથી વિમુખ થઈ ગયા. પ્રાચીન દંતકથાઓ, વેદ અને શાસ્ત્રોની તે અવગણના કરવા લાગ્યા. પોતે હિંદુ છે એમ કહેતાં શરમાવા લાગ્યા અને હિંદુ શબ્દ તરફ તિરસ્કારથી જોવા લાગ્યા. પાશ્ચાત્ય પ્રજાના ઠાઠ અને બાહ્ય ભપકાથી તેઓ અંજાયા અને પોતાની ન્યાત, જાત તથા કુળના બંધનો તોડવા લાગ્યા. પાશ્ચાત્ય પ્રજાના બાહ્ય જીવનનું તેઓ અનેક પ્રકારે અનુકરણ કરવા લાગ્યા. હિંદુ જીવન, હિંદુ ધર્મ નષ્ટ થવાનો પ્રસંગ આવ્યો. પાશ્ચાત્ય રિતરિવાજો પ્રજામાં ઘુસવા લાગ્યા, અને આ સ્થિતિ જો વધારે વખત પહોંચી હોત તો પૃથ્વી ઉપરથી હિંદુ એવું નામ પણ ભુસાઈ જવાનો પ્રસંગ આવ્યો હોત.

એક બાજુએ પ્રજા જીવનમાં આવો ફેરફાર થઈ રહ્યો હતો. અને બીજી બાજુએ અંગ્રેજી ભણેલા પુષ્કળ ધર્માચાર્યો, સાધુ સંન્યાસીઓ અને પંડિતો તથા બ્રાહ્મણ વગેરે ઉચ્ચવર્ગો પણ શિથીલ તેમજ કનકકામિનીના પ્રેમી બનતા ચાલ્યા હતા. પ્રજા પણ તેમના તરફ હવે માનની દ્રષ્ટિથી જોતી નહિ. પ્રજા અને તેના ધર્મરક્ષકો ઉભયની આવી સ્થિતિ થઈ રહી હતી. એટલું સારું હતું કે ભારતવાસીઓ ઉપર સેંકડો વર્ષ સુધી પરધર્મીઓએ રાજ કર્યું; પરદેશી આચાર વિચારના પ્રહારો તેમના ઉપર પરાણે થયા; પણ હિંદુ ધર્મમાં એવું તો કંઈક આશ્ચર્ય જેવું તત્વ રહેલું છે કે હિંદુ પ્રજાના હૃદયમાંથી તેની ભાવનાઓ કેમે કરી નિર્મૂળ થઈ શકી નહિ. પાશ્ચાત્ય સુધારાના વાવાઝોડા વચ્ચે પણ, પેશાવરથી તે કન્યાકુમારી સુધી અને કલકત્તાથી તે કરાંચી સુધી આખા આયાવર્તમાં હજી સુધી રામાયણ, મહાભારત, ગીતા, વેદ, ઉપનિષદ્ વગેરે આર્યશાસ્ત્રોના સાચા અભ્યાસીઓ અહીં તહીં નજરે પડે છે. હિંદુ ધર્મનો એ મહાન પ્રભાવ છે.