સ્વામી વિવેકાનંદ/શ્રીરામકૃષ્ણ પરમહંસ

વિકિસ્રોતમાંથી
← દેશની ધાર્મિક પરિસ્થિતિ સ્વામી વિવેકાનંદ
શ્રીરામકૃષ્ણ પરમહંસ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
શ્રીરામકૃષ્ણનો સમાગમ →




પ્રકરણ ૧૪ મું-શ્રીરામકૃષ્ણપરમહંસ.

આગલા પ્રકરણમાં જણાવ્યા મુજબના બંગાળામાં થઈ રહેલા ધાર્મિક ખળભળાટ અને ફેરફારની વચમાં એક સાદો અને નમ્ર સંન્યાસી, એકાંતમાં બેસીને જે કોઈ તેની પાસે આવે તેને હિંદુ ધર્મનાં ગુહ્ય તત્ત્વોનો બોધ કરતો હતો. તેનું જીવન જેટલું સાદુ અને નિર્દોષ હતું તેટલાજ તેના વિચારો ઉચ્ચ અને ઊંડા હતા. હિંદુ ધર્મનો પ્રકાશ શાંત હોય છે, પણ તે સ્થિર અને નિત્ય હોય છે. તેને બાહ્ય ભપકાની જરૂર નથી. તેનાં સત્યોની શક્તિ એવી તો અગાધ છે કે તે રાત્રીની ઝાકળની માફક શાંત રીતે પ્રસરે છે છતાં અલૌકિક પરિણામ નિપજાવે છે. તેની સત્તા એવી તો અદભુત છે કે તેના પ્રકાશકો કોઈ અજાણ્યા ખુણા ખોચરામાં જન્મ પામે છે છતાં તેના શાંત જ્વલંત અને નિત્ય પ્રકાશને અનેક દેશોમાં ફેલાવી શકે છે. આ પ્રકાશ કાંઈ ઘાસના ભડકા જેવો ક્ષણિક નથી હોતો, પણ સૂર્યના તેજ જેવો નિત્ય અને બળવાન હોય છે, છતાં પણ તે સૂર્ય જેવો ઉગ્ર નહિ હોતાં ચંદ્રની પ્રભા જેવો શીતળ અને સુખદાયી હોય છે.

હુગલી પરગણામાં આવેલા કમરપુકર નામના ન્હાના ગામડામાં આ પુરૂષનો જન્મ થયો હતો. તેનાં માબાપ ઈશ્વરનાં પરમભક્ત હતાં. કલકત્તાથી ચારેક માઇલને છેટે દક્ષિણેશ્વર નામનું સ્થાન છે. નદીના કિનારા ઉપર તે આવેલું છે. તેમાં રાણી રાસમણીએ બંધાવેલું. કાળીમાતાનું ભવ્ય અને સુંદર મંદિર છે. તે મંદિરની આસપાસ એક મોટો બાગ આવેલ છે, જે કાળીવાટિકાને નામે ઓળખાય છે. આ બાગની વચમાં આવેલું આ દેવાલય હિંદની પ્રાચીનકળાનું ભાન કરાવે છે. અંદર જવાના દરવાજામાં પેસતાં બંને બાજુએ બંધાવેલાં શિવાલય નજરે પડે છે. આ બાગમાં એ સમયે સેંકડો સાધુ સંતો આવી રહેતા અને ભજન તથા ભોજન કરતા. છેક પાસેજ રાણી રાસમણીનો બંગલો છે. મંદિરની આસપાસ વૃક્ષોની ઘટાઓ આવી રહેલી છે. આ ઘટાઓમાં ઘણા સાધુઓએ યોગ સાધેલો હોવાની દંતકથાઓ પ્રચલિત છે. દક્ષિણેશ્વર, કાળીમાતાનું ભવ્ય મંદિર, કાળીવાટિકા અને તેની આસપાસ આવેલી વૃક્ષોની ઘટાઓ, ધાર્મિકતા, સાધુતા અને પવિત્રતાના વાતાવરણથી ભરપુર થઈ રહેલાં છે. શ્રીરામકૃષ્ણના નામ સાથે જોડાઈને આ સર્વ સ્થળો હાલમાં વધારે પ્રખ્યાત થઈ રહ્યાં છે.

દક્ષિણેશ્વરના બાગમાં પંચવટી નામની એક વૃક્ષોની ઘટા છે. તેની છાયા નીચે બેસીને શ્રી રામકૃષ્ણ યોગ સાધતા. પાસે એક બીલીનું ઝાડ છે. મહાદેવને જેનાં પત્ર અત્યંત પ્રિય છે એવા આ ઝાડની નીચે તેના મૂળ આગળ યોગ સાધવાનું એક બીજું સ્થાન તે સંન્યાસીએ નક્કી કર્યું હતું. સર્વ ઇંદ્રિયોનું દમન કરીને તે આ સ્થળમાં બેઠેલા હતા. ખરેખરા મુમુક્ષુની માફક તેમનું અંતઃકરણ સત્યની શોધને માટે અહર્નિશ મથતું હતું અને સંસારની સર્વ વાસનાનો તેમણે ત્યાગ કર્યો હતો. આત્મજ્યોતિમાં તે લીન થઈ રહ્યા હતા અને આત્મામાં આત્માથીજ સંતુષ્ટ હતા. આત્મદર્શનથી ઉદ્ભવેલી ભવ્યતા તેના મુખ ઉપર તરવર્યા કરતી હતી, આત્માના તેજથી તેમનું શરીર છવાઈ રહેતું હતું. આત્માનો જ અભ્યાસ અને આત્માનું જ ધ્યાન કરીને પોતાના આત્માને અંતરાત્મામાં શમાવી દઈને થોડા સમયમાં अहंब्रह्मास्मि એ પદને તેઓ પહોંચી ગયા હતા. સર્વ દેવતાઓ જુદા જુદા મનુષ્યોએ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે માની લીધેલાં એકજ પરબ્રહ્મનાં સ્વરૂપ અને શક્તિઓ હોઈને મનુષ્યોને ધર્મિષ્ઠ બનાવવામાં તે સાધનરૂપ થાય છે અને મનુષ્ય જેવા સ્વરૂપમાં ભગવાનને ભજે છે તેવા સ્વરૂપમાં ઈશ્વર તેની આગળ પ્રત્યક્ષ થાય છે, એવો તેમના અનુભવ અને ઉપદેશ હતો.

શ્રીરામકૃષ્ણ આધેડ ઉમ્મરના અને મધ્યમ કદના હતા. તેમનો ચહેરો સહજ શ્યામવર્ણનો હતો. તે બહુ જાડા નહોતા તેમ પાતળા પણ નહોતા. તેમનો દેખાવ બહુ આકર્ષક નહોતો. તેમની કેડે એક સાદુ ધોતીયું જેમ તેમ વીંટેલું રહેતું. તેમની આંખો ઘણી મોટી હતી અને તેમની દૃષ્ટિમાં સંસાર તરફ બેદરકારી દેખાતી હતી. તેઓ એક ગામડીયા જેવા ભાસતા હતા. તેમનો પોશાક કોળી જેવો લાગતો હતો. બાળક જેવા તે સરળ અને સાદા હતા, પણ તેમના તરફ દૃષ્ટિ કરનાર ફરીથી એકવાર તેમને જરા નિહાળીને જોતો કે તરતજ તેમના ચારિત્રના પ્રભાવ અને મોહિનીથી તે અંજાઇ જતો અને તેને એમ ભાન થતું કે તે કોઈ દેવની સંનિધિમાં આવીને ઉભો છે. ત્રીજીવાર દૃષ્ટિ કરતાં તો પોતાના વિચારો આ સાધુના મુખાવિંદ ઉપર જાણે કોતરાઈ રહ્યા હોય તેમ તે જોતો. શ્રીરામકૃષ્ણ સામાના મનના વિચારોને તરતજ જાણી જતા અને તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણવાર પણ પોતાના વિચારો તેમની આગળ છુપાવી શકતો નહિ, બેદરકારીથી જોતાં જોતાં પ્રેક્ષકના મનની વાત તે બીજાને કહી દેતા, પવિત્રતાની તો તેઓ મૂર્તિ જ હતા. જે બે મુખ્ય વસ્તુઓ, કાંચન અને કામિનિ કે જે મનુષ્યને પોતાનું સ્વરૂપ એળખવામાં પ્રત્યવાય રૂપ થઈ રહે છે તેનો શ્રીરામકૃષ્ણે પુરેપુરો ત્યાગ કર્યો હતો અને યોગની સાધનાવડે તુર્યાવસ્થામાં સ્થિત થઈ નિઃસીમ આનંદના અધિકારી બની રહ્યા હતા. લોકો તેમને શ્રીપરમહંસ દેવ કહેતા હતા.

પરમહંસ એક ખરેખરા મહાત્મા હતા, જો કે પોતે એક અક્ષર પણ લખી કે વાંચી જાણતા નહોતા તોપણ શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય અભ્યાસવડે ગુહ્યમાં ગુહ્ય પારમાર્થિક સત્યને સમજી તેમાં ઊંડા ઉતરી શક્યા હતા. તેમનું સાદું જીવન, નિર્દોષ ચારિત્ર્ય, પરમાત્મનિષ્ઠાથી

અને પૂર્ણ બ્રહ્મચર્યવૃત્તથી આકર્ષાઇને ઘણા વિદ્વાન મનુષ્યો તેમની પાસે આવતા અને તેમને દેવ સમાન પુજતા.

આ અલૌકિક સાધુમાં વધારે આશ્ચર્યજનક એ હતું કે પરા, અપરા ભક્તિ અને આત્મદર્શન વિષે બોલતાં, અત્યંત ભાવથી તે આવેશમાં આવી જતા અને વારંવાર તેમના આત્મા પરમાત્મામાં તદાકાર થઈ જઇને આસપાસનું ભાન ભુલી જતા. ધર્મનાં કેટલાંક ગુહ્ય અને અગમ્ય તત્ત્વો તેઓ ઉચ્ચારતા તેથી પંડિતો પણ વિસ્મય પામતા. આવા પવિત્ર મહાત્માના દર્શન માત્રથી પણ અનેકોના હૃદયમાં પવિત્રતાનો વાસ થતો, મનની મલિનતાનો નાશ થતો, અને નાસ્તિકો આસ્તિક બની જતા. મદ્યપાન અને વ્યભિચારમાં ગરક થઈ ગયેલા ઘણા નાસ્તિક પુરૂષો, તેમનો સાચો ભાવ, ભક્તિ અને અસાધારણ જીવન જોઇને સગુણી બની ગયા છે. પાશ્ચાત્ય પ્રજાનું અનુકરણ કરવા સામે તેનું જીવન સખત પોકાર કરી રહ્યું હતું. માત્ર બોધથીજ નહિં પણ પોતાના ઉત્તમ ચારિત્ર અને અનુભવથી તે ધર્મનાં સત્ય સૌના મનમાં ઠસાવી રહ્યું હતું. હિંદુ ધર્મમાં પેશી ગયેલા કેટલાક ખરાબ લોકાચાર, વહેમ અને દંભ સામે તે ખરું સત્ય સમજાવી રહ્યું હતું. પરમહંસ જુના વિચારના બ્રાહ્મણકુલમાં જમ્યા હતા અને જુના વિચારમાંજ ઉછર્યા હતા, છતાં આધુનિક સમયને અનુસરીને પોતાના જીવન અને વિચારોમાં ઘટતો ફેરફાર તેમણે કર્યો હતા. પ્રથમ તે કલકત્તામાં આવેલાં કાળીમાતાના ઉપાસક હતા, પણ પછી ઈશ્વર પ્રત્યે તેમને એટલો બધો પ્રેમ વધ્યો હતો કે દરેક પુરૂષ, સ્ત્રી, પ્રાણી, પદાર્થમાં તે ઇશ્વરનું જ સ્વરૂપ જોતા. તેમનું ચિત્ત ઘણે ભાગે સમાધિસ્થ રહેતું. તેમની આગળ ઈશ્વરનું નામ દેતાં તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ નીકળતાં અને જગતનું ભાન ઘણું ખરૂ ભુલી જતા. તેઓ નરમાંથી નારાયણ બની રહ્યા હતા, સર્વોત્તમ ધાર્મિક સત્યનો તેમને અનુભવ થએલો હતો. જ્ઞાન મેળવી તે પ્રમાણે ચારિત્ર ઘડવું અને જગતનું કલ્યાણ કરતે કરતે મોક્ષ પ્રાપ્ત કરવો એ એમના બોધનો મુખ્ય સાર હતો. ખરું સાધુપણું પરદુઃખભંજન થવામાં જ છે એમ શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન કહી રહ્યું હતું.

જંગલમાં જેમ એક સુંદર અને સુવાસિત ફુલ એકલું ઉગે, એકલું ખીલે, અને એકલું જ કરમાઈ જાય, તેમ આ સાધુ દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં કોઈની પણ દૃષ્ટિએ પડ્યા વગર ઘણાં વરસ સુધી અંધારામાંજ રહ્યા હતા. આખરે બ્રહ્મોસમાજના નેતા કેશવચંદ્રસેનની નજરે તે પડ્યા અને તેમણે તેમને પ્રસિદ્ધિમાં આણી મુક્યા.

આવા પવિત્ર મહાત્માઓ પરમકૃપાળુ પરમાત્માની દયાના નમુનાઓ છે અને તેઓ જગતરૂપી તોફાની મહાસાગરના અંધારા તળીઆમાં ડૂબી જતા મનુષ્યોને આશારૂપી કિરણવાળા પ્રકાશની ગરજ સારે છે. પાશ્ચાત્ય સુધારાનો પવન લેશ માત્ર પણ શ્રીરામકૃષ્ણમાં નહોતો, તેમને પુસ્તકો અથવા તો વર્તમાન પત્રોની બીલકુલ જરૂર નહોતી, તે કદિ પણ ભાષણ આપતા નહિ.

જગતમાં સંસ્કૃત, અંગ્રેજી, વિવિધ ભાષાઓ તેમજ અનેકવિધ લૌકિક વિદ્યા, કળાકૌશલ્ય, સત્તા તેમજ પદવી મેળવીને, લૌકિક ઉન્નતિ અને કીર્તિ ઇચ્છુકો ભલે પોતાને કૃત્યકૃત્ય માને; પરંતુ શાશ્વત અને અશાશ્વત વસ્તુ સ્થિતિઓને સમજી શકનાર તો જગતના કરોડો મનુષ્યોને ખેંચી જઈ રહેલા તે પ્રવાહને વશ ન વર્તતાં સાચી અને શાશ્વત ઉન્નતિનાજ ઉત્કટ જીજ્ઞાસુ અને પરમ પુરૂષાર્થી બનીને એક પણ અક્ષર લખતાં કે વાંચતાં શીખ્યા સિવાય પશુ કેવી રીતે સત્સમાગમથી કર્તવ્યને અને પ્રાપ્તવ્યને સમજી લઈ તેની પાછળ જે સાધ્ય મેળવી શકે છે અને જગતને માટે કેટલા બધા ઉપકારક બની રહે છે તેનું એક જવલંત દ્રષ્ટાંત પરમહંસ દેવના જીવને વર્તમાન યુગને પુરું પાડ્યું છે.

પરમહંસજી આવા સાચા વિદ્વાન હતા. અખૂટ અમાપ આત્મ ધનથી સાચા ધનિક તેઓ બનેલા હોઈ તેના તેઓ અતિ ઉદાર દાતા પણ હતા. એ ધન યાને ઉદાત્ત જ્ઞાન ચારિત્ર્યની ભિક્ષાર્થે મોટા મોટા યુનિવર્સિટીના પદવીધરો, ધર્મોપદેશક, પંડિતો અને વિદ્યાકળાના ઉપાસકો તેમની પાસે આવીને પગે પડતા અને પોતપોતાની પાત્રતા પ્રમાણે જેનાથી જેટલું પણ લઈ શકાય તેટલું લઈ જતા.

પવિત્ર પુરૂષોમાં અગ્રગણ્ય ગણાતા જગપ્રસિદ્ધ અને સમર્થ પંડિત કેશવચંદ્રસેન એક શિષ્યની માફક આ અભણ પરમહંસના પગની પાસે બેસતા અને તેના મુખમાંથી જે કાંઈ નીકળતું તે માન અને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા. તેમનાથી બીજા નંબરના બ્રહ્મસમાજના આગેવાન અને કેશવબાબુના જેવાજ વિદ્વાન તથા પ્રસિદ્ધ પ્રતાપચંદ્રસેન મજુમદાર પરમહંસ વિષે અભિપ્રાય આપતાં લખે છે કે,

જ્યાં જ્યાં તે અદ્ભુત માણસ ( રામકૃષ્ણ ) જાય છે ત્યાં ત્યાં તે એક અલૌકિક વાતાવરણ ઉત્પન્ન કરે છે. એ વાતાવરણનો ચિતાર મારા મનમાં સર્વદા ખડોને ખડોજ રહે છે, તે મારાથી કદી ભુલાતો નથી. જ્યારે જ્યારે તે મને મળે છે ત્યારે ત્યારે મારા મનમાં એક અવર્ણનિય ભાવ ઉત્પન્ન કરે છે, અને તે ભાવ મારા મનમાંથી ખસતો નથી. મારા અને એના વચ્ચે કશી સમાનતા નથી. કેમ કે હું એક કેળવાયલો, સુધરેલો અને આધુનિક વિચારનો માણસ છું અને પરમહંસ એક નમ્ર અભણ, વૃદ્ધ, રોગીષ્ટ, કેળવણી વગરના, મૂર્તિપુજક હિંદુ ભક્ત છે. છતાં મને તેમના સાંભળવાની મોહિનિ શા માટે લાગી છે? હું કે જે મેક્ષમુલર, હેનરી, ફોસેટ અને ડીઝરાયલી જેવા સમર્થ ઈંગ્રેજ વિદ્વાનોનો અભ્યાસી છું, પાદરીઓનો પરમ મિત્ર છું અને ક્રાઈસ્ટનો ખરેખરો અનુયાયિ છું; તો આ પરમહંસની પાસે કલાકોના કલાકો સુધી બેશી રહેવાને શા માટે ઇચ્છા કરૂં છું ? અને હું એકલોજ તેમ કરું છું એમ પણ નથી. મારા જેવા ઘણાય માણસો તેમ કરે છે ! હિંદુધર્મની મહત્તા અને મિષ્ટતાનો તે એક જીવતો જાગતો નમુનો છે ! તેણે ઇંદ્રિયોનું દમન કરી તેને વશ કરી મુકી છે. પોતાના પોશાકની પણ તેને દરકાર નથી. વખાણને ચહાતો નથી, અમૂર્ત, અનંત, અખંડ, સચ્ચિદાનંદ, પરમાત્માનો તે અનન્ય અને સાચો ભક્ત છે. ઘણાએ તેની જોડે વાતચિત કરી છે, ઘણાએ તેની બારીક તપાસ કરી છે. લોકોનાં ટોળાં ને ટોળાં તેને જોવા ને જાય છે; આપણા કેટલાક કેળવાયલા મુર્ખાઓને તેનામાં કંઈ પણ સારું દેખાતું નથી, કે પાદરીઓ તેને ઢોંગી કહે છે, આ બધાનું જે કહેવું છે તેની તુલના મેં મારા મન સાથે કરી છે, અને હું જે નીચે લખું છું તે બહુજ વિચારપૂર્વક લખું છું.”

“આ હિંદુ મહાત્માની ઉમ્મર ચાળીસ વર્ષની છે, તે જાતે બ્રાહ્મણ છે. તેના શરીરનો બાંધો મજબુત છે; પણ જે સખત તપાચરણ કરીને તેણે તેનું ચારિત્ર ઘડ્યું છે તે તપાચરણથી તેનાં ગાત્ર શિથિલ થયેલાં લાગે છે. આ શિથિલતામાં પણ તેના મુખ ઉપર જે ભવ્યતા, બાળક જેવી મૃદુતા, દીનતા, અવર્ણનિય મિષ્ઠતા અને હાસ્ય જણાઈ આવે છે તે બીજા કોઈના મુખ ઉપર જોવામાં આવતાં નથી. સામાન્ય રીતે હિંદુ ગુરૂઓ પોતાના બ્રહ્માચારને માટે ખાસ કાળજી રાખે છે, તેઓ ભગવાં કપડાં પહેરે છે, અમુક ખોરાક ખાય છે, અને મોટા ભક્ત કે બ્રહ્મજ્ઞાની હોવાનો દાવો કરે છે તથા ગુરૂપદ ધારણ કરે છે ! શ્રીરામકૃષ્ણ આવો કશો પણ દાવો કરતા નથી. તેમનો પોશાક અને ખોરાક બીજાના જેવોજ છે, બલ્કે તે પોશાક અને ખોરાક માટે ઘણાજ બેદરકાર રહે છે. ગુરૂ પદને ધિક્કારે છે, લોકો તેમને જે માન આપે છે તેના તરફ તે નાખુશી બતાવે છે. બ્રહ્મજ્ઞાનનો કે સિદ્ધિનો તે ડોળ કરતા નથી, સંસારમાં મચી રહેલા, કામી અને લોભી માણસોથી તે દૂર રહે છે. તેની પાસે કંઈપણ અસાધારણ લાગતું નથી. તેની ધાર્મિકતાજ તેને માટે ભલામણ પત્ર છે.”

“તેનો ધર્મ કયો છે? શુદ્ધ સનાતન હિંદુ ધર્મ તેનો ધર્મ છે. શ્રીરામકૃષ્ણ કોઈપણ અમુક દેવનેજ ભજી રહ્યા હોય તેમ નથી. તે શિવ નથી, તે શાક્ત નથી, તે વૈષ્ણવ નથી, તે વેદાન્તી નથી. છતાં તે ઉપર કહેલા બધા ધર્મોને માને છે. તે શિવને ભજે છે, તે કાળીને ભજે છે, તે રામને ભજે છે, તે કૃષ્ણને ભજે છે, અને વેદાન્તનો પણ બોધ ચુસ્તપણે કરે છે. દરેક ધર્મની ક્રિયાઓ, તો તેને ગ્રાહ્ય છે. તેને મન દરેકે આવશ્યક છે. તે મૂર્તિ પુજક છે, છતાં અખંડ સચ્ચિદાનંદનું ધ્યાન ધરી રહ્યા છે. બીજા સાધુઓની માફક તેનો ધર્મ માત્ર જુના વિચારમાં જ, વાદવિવાદમાં, અથવા તો ચંદન અને પુષ્પ વડે બાહ્ય પુજા કરવામાં જ સમાયલો નથી, ધ્યાનની ઉગ્ર સ્થિતિ એ એનો ધર્મ છે. પારમાયિક સત્યનું દર્શન એની પુજા છે. અલૌકિક શ્રદ્ધા અને ભાવના પ્રકાશથી તેનું આખું અંતઃકરણ રાત અને દિવસ ઝળહળી રહ્યું છે. તેની વાતચિત આ પ્રકાશનો ઝરોજ છે, અને તે કલાકના કલાક સુધી વહ્યા જ કરે છે. તેના સાંભળનારાઓ થાકી જાય છે, પણ તે જે કે શરીરે અશકત છે તો પણ કદિ થાકતા નથી. દિવસે વારંવાર તે સમાધિમાં આવી જાય છે; પોતાના અધ્યાત્મિક અનુભવ કહેતે કહેતે તે સમાધિસ્થ બની રહે છે. સઘળા હિંદુ દેવોને માટે તેને સરખોજ ભાવ કેવી રીતે રહેતો હશે ? આ સર્વ સમાનતાનું કારણ શું હશે ? તેને મન સઘળા દેવો પરબ્રહ્મની જુદી જુદી શક્તિઓ છે, અને આ દરેક શક્તિ તે તે રૂપ ધારણ કરીને આત્મા અને પરમાત્માના સંબંધ દર્શાવી રહી છે.”

"મહાદેવનો દાખલો લ્યો. શ્રી રામકૃષ્ણ મહાદેવને ધ્યાન અને યોગનો અવતાર માને છે. સાંસારિક ચિંતાઓથી રહિત, સમાધિમાં મસ્ત થયેલા અને પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરતા તે તેમને જણાય છે. દુ:ખ, ભુખ, શ્રમ, એકાંતવાસને મહાદેવ ગણતા નથી. ઈશ્વરના ધ્યાનમાં તે મગ્ન છે. અલૌકિક આનંદ તે ભોગવે છે. તે શાન્ત, દાન્ત અને સમાહિત ચિત્તવાળા છે. હિમાલય જેવા તે અચળ છે. ધ્યાનસ્થ પુરૂષોના તે આદર્શ છે. સાંસારિક પ્રપંચ અને દુ:ખરૂપી કાર્યો તેમના શરીરે વીંટળાઈ રહ્યા છે પણ તેમને ઈજા કરી શકતા. નથી. દરેક જાતનાં ભયભિત રૂપ ધારણ કરી મૃત્યુ તેમની આસપાસ કરે છે પણ તે બ્હીતા નથી. આખા વિશ્વનું દુઃખ તે પોતે હરી લે છે અને બીજાઓને અમરત્વ આપવાને પોતે ઝેરનું પાન કરે છે. બીજાઓને માટે મહાદેવ સઘળા દ્રવ્ય અને વૈભવનો ત્યાગ કરે છે. માત્ર પોતાની પત્નીને સાથે લઈ જાય છે, અને ભસ્મ તથા વ્યાઘ્રચર્મ પોતાને શરીરે અલંકાર તરિકે ધારણ કરે છે. મહાદેવ યોગીઓના દેવ છે. આ ભલો માણસ શ્રીરામકૃષ્ણ મહાદેવના ગુણનું આવું વર્ણન કરતે કરતે તેમાં એટલો તો લીન થઈ જાય છે કે તે સમાધિમાં આવી જાય છે અને ઘણા લાંબા વખત સુધી પોતાનું ભાન પણ ભુલી જાય છે.”

“શ્રીરામકૃષ્ણ, કૃષ્ણ ભગવાનને પ્રેમનો અવતાર ગણે છે. તે કહે છે કે શ્રીકૃષ્ણનું મુખ જુઓ ! તે પુરૂષના મુખને મળતું આવે છે કે સ્ત્રીના મુખને ? કામનો અંશ પણ તેના ઉપર દેખાય છે ? તેના ઉપર પુરૂષની ઉગ્રતા દેખાય છે ? કૃષ્ણનું મુખ સ્ત્રીના જેવું કોમળ છે. તે મુખ ઉપર કુમાર અવસ્થાની કોમળતા અને કન્યાનું સૌંદર્ય એકઠાં મળી રહ્યાં છે ! પોતાના અગાધ પ્રેમને લીધે તેણે ઘણાં સ્ત્રી પુરૂષોનાં મન હરી લીધાં છે અને તેમને ભકિતને માર્ગે દોર્યા છે. પવિત્ર માનુષી સંબંધમાં પણ ઈશ્વરી પ્રેમનો વાસ હોઈ શકે એમ સાબિત કરી બતાવવાને શ્રીકૃષ્ણનો અવતાર હતો. તેણે એક પ્રેમાળ બાળકની માફક વૃદ્ધ મા બાપનાં લાડ સંપાદન કર્યા છે. એક હેતાળ મિત્રની માફક પોતાના ગોઠીયા અને અન્ય જનોનો અચળ પ્રેમ મેળવ્યો છે. એક પ્રખ્યાત અને પુજ્ય ગુરૂ તરિકે પોતાના મિષ્ટ અને મૃદુ બોધથી અનેક સ્ત્રીઓને અગાધ પવિત્રતામાં વાસ કરાવ્યો છે; અને તેમ છતાં પણ શ્રીકૃષ્ણનું સુંદર અને માર્મિક ચારિત્ર હજી પણ અનિર્વણનિયજ છે ! આ મહાન શ્રીકૃષ્ણે ભારતવર્ષમાં ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો છે. પછી કેવી રીતે ભરવાડનો કે ભરવાડણનો પોશાક તે પોતે પહેરતા અને ગોપીઓની માફક કૃષ્ણનો પ્રેમ મેળવવાનો પ્રયાસ કરતા તે શ્રીરામકૃષ્ણ કહેતા. આ અમાનુષી પ્રેમની વાત કરતે કરતે તેમનાં સઘળાં ગાત્રો અને સુખ શાંત અને સ્તબ્ધ થઈ જતાં, તેમની આંખો મીંચાઈ જતી અને તેમાંથી પ્રેમના અશ્રુની ધારા વહી રહેતી. તે પોતાનું ભાન ભુલી જતા. આવી સમાધિમાં પોતાના આત્મામાં તે શું જોતા હશે અને તેમને શું લાગતું હશે તે કોણ કહી શકે ? ઇશ્વર તરફ અગાધ પ્રેમને લીધે ઉત્પન્ન થયેલી આ સમાધિ શું હશે તે કોણ કહી શકે ? પણ એટલું તો નક્કી છે કે સમાધિમાં તે કંઇક જુવે છે, સાંભળે છે અને અનુભવે છે. જો તેમ ન હોય તો સમાધિમાં તે શા માટે અશ્રુપાત કરે, પ્રાર્થના કરે, ભજનો બોલે, બોધ વચનો ઉચ્ચારે ? તેમની આ સ્થિતિ અને સમાધીમાં બોલાયેલા વચનો કઠણમાં કઠણ હૃદયને પીગળાવી નાંખે છે અને તેની પાસે અશ્રુપાત કરાવે છે.”

"પછી તે મહાકાળી વિષે વાત કરતા, તેને તે પોતાની માતા કહીને સંબોધતા. તે કહેતા કે મહાકાળી ઈશ્વરની શક્તિ છે, આ શક્તિ સ્ત્રીઓના ચારિત્રમાં જણાઈ આવે છે. પુરૂષની સાથે રહેલી તે પ્રકૃતિ છે. જુલમી મનુષ્યો ઉપર તે જુલમ ગુજારે છે. જગતની તે માતા છે. તેની મહાન શક્તિ બતાવે છે કે તે તેને શરણે જનારનું રક્ષણ કરે છે. દેવીની પૂજા કરવી એ સ્ત્રી માત્રમાં રહેલી શક્તિની પુજા છે; આથી કરીને શ્રી રામકૃષણે સ્ત્રી માત્ર સાથે સંબંધ ત્યજ્યો છે. તે પરણેલા છે પણ કદિ તેમણે સંસારમાં પ્રવેશ કર્યો નથી. સ્ત્રી જાતિ અજેય છે. જે તેના તરફ પુત્ર તરિકે જુએ છે તે તેને જીતે છે, અને ભાર્યા તરીકે તેના તરફ જોનારને ઈશ્વરથી વિમુખ કરે છે. મોટા મોટા સંતો પણ એવા મોહમાં ફસાઈને પતિત થયા છે. કામ ઉપર જય મેળવવો એ શ્રી રામકૃષ્ણનું જીવન સુત્ર છે. ઘણાં વરસ સુધી તેમણે સ્ત્રીના મોહમાંથી છુટવાના પ્રયાસ કર્યો છે. આ મોહમાંથી છુટવાને તેમણે ગંગાના કિનારા ઉપર જઈ હૃદયને ચીરી નાંખે એવા પોકારો અને પ્રાર્થના કરી છે. તેમને રોતા સાંભળીને હજારો મનુષ્ય એકઠાં થયાં છે અને તેમનું રૂદન જોઇને તેઓએ આંખમાંથી આંસુ પાડ્યાં છે અને તેમને આશિર્વાદ આપ્યા છે.”

“આ પ્રમાણે કામ ઉપર તેમણે જય મેળવ્યો છે. જે મહાકાળીને તે ભજતા હતા તેણે તેમને દરેક સ્ત્રીને કાળીનો અવતાર માનતા કર્યા છે, અને તેથી કરી તે હવે દરેક સ્ત્રીને પોતાની માતા તરિકે ગણે છે. સ્ત્રીઓ આગળ તે પોતાનું માથું નમાવે છે અને ન્હાની કન્યાઓને પણ તે નમસ્કાર કરે છે. જેમ એક પુત્ર પોતાની માની પુજા કરે તેમ તે બધી સ્ત્રીઓની પુજા કરે છે. સ્ત્રીઓ સાથેનો તેમનો સંબંધ અને સ્ત્રીઓ વિષેના તેમના વિચાર, ઘણાજ પવિત્ર અને પ્રશંસનીય છે. હિંદુ સ્ત્રીઓને માન આપે છે એ વાતને તે સિદ્ધ કરે છે અને હિંદુ પ્રજામાં આ ગુણ મૂળથી, પૂર્વકાળથી

ચાલતો આવે છે એમ તે બતાવી આપે છે, યુરોપિયનોનું ધારવું ખાટું છે એમ તે સાબિત કરે છે.”

“પરમહંસ કહે છે કે મારા પિતા શ્રી રામના ભક્ત હતા. હું પણ શ્રી રામનો ભક્ત થયો છું. જ્યારે હું મારા બાપની ભક્તિ વિષે વિચાર કરું છું ત્યારે જે પુષ્પોથી તે પુજા કરતા હતા તે પુષ્પો મારા હૃદયમાં ખીલી ઉઠે છે અને મારા અંતઃકરણને સુવાસથી ભરી દે છે. પુત્ર તરિકે શ્રી રામ સાચા અને આજ્ઞાંકિત હતા; પતિ તરિકે તે પ્રેમાળ અને નિષ્ઠાવાળા હતા; રાજા તરિકે તે ન્યાયી અને પ્રજાના પાલક હતા; મિત્ર તરિકે તે સાચા અને માયાળુ હતા, આવા શ્રીરામ તરફ રામકૃષ્ણ સેવકના ભક્તિભાવથી જોતા. શ્રી રામની સેવા કરવાનો માત્ર અવકાશ મળે તો સર્વસ્વ મળ્યું, શ્રી રામની સેવા કરવામાં આ શરીરનો પણ નાશ થાય તો તે પણ મોટા આનંદની વાત છે, એમ શ્રી રામકૃષ્ણ માનતા. શ્રી રામનો દાસ હનુમાન તેમને વિશ્વાસુ સેવકનો નમુનો છે. અમાનુષી પ્રેમવડે કરીને હનુમાને ભય અને મૃત્યુને નહિ ગણતાં શ્રી રામની સેવા કરી છે. હનુમાને કંઈ પણ બદલાની આશા રાખી નથી. આથી કરીને શ્રીરામકૃષ્ણે દ્રવ્યને પાપરૂપ ગણ્યું છે અને તેને તજ્યું છે. દ્રવ્ય જોઈને જ તે ભયથી આકુળ વ્યાકુળ બને છે. કાંચન અને કામિનિનો ત્યાગ તેના અનુપમ ચારિત્રનું મૂળ છે. એક હાથમાં તે સોનાના કકડો લેતા અને બીજા હાથમાં માટીનું ઢેફું લેતા, બંને તરફ તે જોતા, માટીને સોનું કહેતા અને સોનાને માટી કહેતા અને આખરે બંનેનો તફાવત તેમના મનમાંથી નીકળી ગયો. કોઈની સેવા કરવી તે બદલાની આશા રાખ્યા વગર કરવી એ એમનો સિદ્ધાંત છે. ખરા સંતોએ પ્રેમાળ હૃદયથી ફળની આશા રાખ્યા વગર સેવા કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણ આ સંબંધમાં અનેક ભજન ગાતા અને આ સંબંધમાં આપણે કેટલા બેદરકાર છીએ તે જણાઈ આવતું.”

“પરમહંસ કંઈ લખતા નથી, વાદવિવાદ કરતા નથી, બોધ આપવાનો પ્રયાસ કરતા નથી, પણ તે વારંવાર પોતાના અનુભવો કહ્યા કરે છે. પુરાણોમાં કહેલી કથાઓ ઉપર પણ તે તાત્વિક પ્રકાશ નાંખે છે, અને સૌને અજાયબી ઉત્પન્ન કરે છે. પોતે અભણ અને બહુજ સાદા છે, પણ પોતાની બુદ્ધિ અને જ્ઞાનથી સૌને ચકિત કરી નાંખે છે. પુરાણમાં કહેલા અવતાર વિષે બોલતાં તે કહે છે કે તે બધા અખંડ સચ્ચિદાનંદ પરમાત્માની શક્તિઓ અને લીલા છે.”

“હિંદુ ધર્મને માટેજ નહિ પણ બીજા ધર્મો તરફ પણ તે માન દર્શાવે છે. મુસલમાનોના અલ્લાનાં દર્શન કરવાને તેમણે મુસલમાની ધર્મની અનેક ક્રિયાઓ કરી છે, કુરાનના ફકરાઓ મોઢે બોલ્યા છે અને અલ્લાનો અનુભવ મેળવ્યો છે. ક્રાઈસ્ટને માટે પણ તેમને અગાધ માન છે. ક્રિશ્ચિયન દેવાલયમાં તે એક બે વખત ગયા છે અને ક્રાઇસ્ટનું નામ લેતાં તે પોતાનું મસ્તક નમાવે છે.”

“તેમના મુખમાંથી જે જે બોધ વચનો નીકળે છે તે સધળાં જો એકઠાં કરવામાં આવે તો જ્ઞાનનો એક મોટો ભંડાર બની રહે. મનુષ્ય, પ્રાણી અને પદાર્થ વિષેનાં તેમનાં અવલોકનોનો સંગ્રહ કરવામાં આવે તો જગતને એમજ માલમ થાય કે પૂર્વ કાળ પાછો આવ્યો છે. ભવિષ્ય ભાખનારાઓ અને વગર જાણ્યે અગાધ સત્ય દર્શાવનારા આ કળીયુગમાં પણ તેમનાં બોધ વચનો ઇંગ્રેજી ભાષામાં ઉતારવાં અશક્ય છે.”

“આ ભલો અને પવિત્ર મહાત્મા રામકૃષ્ણ હિંદુ ધર્મની મિષ્ટતા અને ઉંડાં તત્ત્વોની સાબિતિ છે. તેણે સંપૂર્ણ રીતે ઈંદ્રિયનિગ્રહ કર્યો છે, તે પોતાના આત્મા રૂપ બની રહ્યા છે. ધર્મનાં સત્યો, આનંદ અને પવિત્રતાએ તેમનામાં વાસ કરેલો છે. તે સિદ્ધ પુરૂષ છે અને જગતના મિથ્યાપણાનો તે સાક્ષી છે. તેની સમીપના દરેક હિંદુના હૃદયમાં લાગણી ઉત્પન્ન કરે છે. ઈશ્વર સિવાય તેને બીજો કંઈ વિચાર નથી, બીજો કંઈ ઉદ્યોગ નથી, બીજું કંઈ સગું નથી અને બીજો કોઈ મિત્ર નથી. તેને મન ઈશ્વર જોઇએ તે કરતાં પણ વધારે છે. તેની અકલુષિત પવિત્રતા, તેનું જ્ઞાન, શાંતિ, સાર્વજનિક સ્નેહ અને ઇશ્વર તરફ અગાધ પ્રેમ, એજ તેને મન સર્વ છે. એ સિવાય તે બીજું કંઈ ઈચ્છતો નથી. અમારૂં ધાર્મિક આદર્શ જુદુ છે, પણ જ્યાં સુધી ઇશ્વર તેને જીવતો રાખશે ત્યાં સુધી તેનાં પવિત્ર ચરણ કમળ આગળ અમે બેસીશું અને તેની પાસેથી પવિત્રતા, અધ્યાત્મિકતા અને ઈશ્વર તરફ અગાધ પ્રેમ વિષે અનેક બોધ ગ્રહણ કરીશું.”

બ્રહ્મોસમાજના નેતા કેશવચંદ્રસેન ઉપર શ્રી રામકૃષ્ણ પરમહંસની અસર કેટલી થઈ હતી તે નીચેના ફકરા ઉપરથી જણાશે. બાબુગિરિચંદ્ર સેન એ વિષે લખે છે કે —

“શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન ઉપરથીજ બ્રહ્મોસમાજમાં ઈશ્વરને શક્તિ રૂપે ભજવાનો સિદ્ધાંત પ્રચલિત થયો. અમારા આચાર્ય કેશવચંદ્ર સેને ઇશ્વરને શક્તિ તરિકે પુજવાનો, તેને “મા” કહીને સંબોધવાનો અને એક બાળકની માફક તેની પાસે અરજ કરવાનો સિદ્ધાંત પરમહંસ પાસેથી ગ્રહણ કર્યો હતો. બ્રહ્મસમાજનો ધર્મ પ્રથમ માત્ર જ્ઞાનના વાદવિનોદમાંજ હતો; પરમહંસના સહવાસથી બ્રહ્મોસમાજના ધર્મમાં મિષ્ટતા આવી છે.”

બાબુચિરંજીવ શર્મા લખે છે કે :—

“પરમહંસ અને કેશવચંદ્રસેને પોતાના વિચારો આપણા કર્યા તેથી બ્રહ્મોસમાજમાં ભક્તિ વધી છે. પરમહંસના સાદા બાળક જેવા સ્વભાવે કરીને કેશવચંદ્રસેનના યોગાભ્યાસ, ત્યાગ, પવિત્રતા, ભક્તિ અને ધર્મ ઉપર ભારે અસર થઈ છે. બ્રહ્મોસમાજમાં જે ભક્તિભાવ જોવામાં આવે છે તે પરમહંસને લીધેજ છે. કેશવચંદ્રસેનમાં પાછલા દિવસોમાં જે સરલ ભક્તિભાવ જણાઈ આવતો તે આ મહાત્મા રામકૃષ્ણને લીધેજ હતો.”

કેળવાયલા વર્ગ ઉપર શ્રી રામકૃષ્ણની કેટલી અસર હતી તે ઉપલા ઉતારાઓ ઉપરથી જણાશે.