સ્વામી વિવેકાનંદ/શ્રીરામકૃષ્ણનો સમાગમ
← શ્રીરામકૃષ્ણ પરમહંસ | સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણનો સમાગમ રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી → |
પ્રકરણ ૧૪ મું – શ્રીરામકૃષ્ણનો સમાગમ.
“ઇશ્વર તો પુસ્તકોમાં જણાતો નથી” એમ કહેતાં કહેતાં નરેન્દ્રે સઘળા પુસ્તકો ફેંકી દીધા પછી તે વચારવા લાગ્યો કે તેને ક્યાં ખોળવો ? અરે હા, શ્રીરામકૃષ્ણ પરમહંસ છે, તેમની પાસે જાઉં અને તેમને પણ પુછું કે “તમે ઈશ્વરને જોયો છે ?” પણ તેમના તરફથી પણ બરાબર જવાબ નહિ મળે તો ? તો પણ જવું તો ખરૂંજ. આમ અનેક વિચાર નરેન્દ્ર પોતાના મનમાં કરવા લાગ્યો.
નરેન્દ્રનો એક સગો હતો તે રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો, અને તે પોતાનો અવકાશનો સમય પરમહંસની પાસે બેસવામાં ગાળતો હતો. નરેન્દ્ર તેને રામદાદા કહીને બોલાવતો હતો. નરેન્દ્રને સત્ય શોધવાને આમતેમ ભટકતો જોઈને રામદાદાએ એકવાર તેને કહ્યું હતું કે “તું બ્રહ્મોસમાજ અને બીજા સ્થળોએ શા માટે આથડે છે ? તું દક્ષિણેશ્વર જા.” આ ઉપરથીજ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસે જવાનો વિચાર નરેન્દ્રને આવ્યો હતો.
નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયો. પરમહંસ એકલા બેઠા હતા. કંઈક ભય અને કંઇક હર્ષથી નરેન્દ્ર તેમની પાસે ગયો. તેણે નમસ્કાર કરી એકદમ પૂછ્યું : “મહારાજ, તમે ઈશ્વરને જોયો છે ?”
શ્રી રામકૃષ્ણે તેના તરફ બહુજ આનંદથી જોયું અને જવાબ આપ્યો.
“હા, મેં ઈશ્વરને જોયો છે. જેવી રીતે હું તને મારી આગળ જોઉં છું, તેમજ હું ઇશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલોજ છે કે ઈશ્વરનું અસ્તિત્વ અનંત અને તત્ત્વમય છે. તારી મરજી હશે તો હું તને તેના દર્શન કરાવી શકીશ.”
આ શું ! આ શું ! ઈશ્વરને જોયો હોય એવો માણસ અહીંઆં છે ! તેના શબ્દો નરેન્દ્રના હૃદયમાં સચોટ લાગ્યા. તેના અંતઃકરણમાં તે ઉંડા પેશીને અથડાવા લાગ્યા. નરેન્દ્રના અંતરાત્મામાં તે અગાધ અને અવિકારી સત્યની લાલસા જગાવી રહ્યા. નરેન્દ્ર ઘણોજ ખુશી થઈ ગયો. તેનો આનંદ ! ઈશ્વરને જેણે જોયો છે એવા મહાત્માના દર્શનથી થતો આનંદ ! નરેન્દ્રને ઘણુંજ આશ્ચર્ય લાગ્યું. જાણે કે કોઈ નવીનજ પ્રદેશમાં તે વિચરતો હોય તેમ તેને લાગ્યું. સત્ય રૂ૫ની શોધમાં મહિનાના મહિના વીતી ગયા હતા અને તે નહિ જડવાથી અનેક મહિનાઓ સુધી માનસિક વ્યથાઓ ભોગવવી પડી હતી, તેનો હવે અંત આવ્યો. નરેન્દ્રને પોતાની આધ્યાત્મિક તૃષા મટાડવાનું સ્થાન હવે મળી આવ્યું.
શ્રીરામકૃષ્ણની સાથે નરેન્દ્રનો આ સૌથી પહેલો મેળાપ જાણે કે કોઈ જાણીતો પુરૂષ ઘણે દિવસે મળતો હોય તેના જેવોજ હતો. નરેન્દ્રને જોઇને શ્રીરામકૃષ્ણ પણ સાનંદાશ્ચર્ય પામ્યા અને નરેન્દ્રને જાણે ઘણા દિવસથી ઓળખતા હોય તેમ શ્રી રામકૃષ્ણ તેની સાથે વાતો કરવા લાગ્યા. નરેન્દ્ર પણ જાણે કે તેમના તરફ આકર્ષાતો હોય તેમ તેને લાગ્યું.
શ્રી રામકૃષ્ણ હર્ષમાં કેમ આવી ગયા તે નરેન્દ્ર સમજી શક્યો નહોતો.
શ્રીરામકૃષ્ણે તેને એક ભજન ગાવાનું કહ્યું અને તે ભજન સાંભળીને શ્રીરામકૃષ્ણ હર્ષનાં આંસું લાવી બોલી ઉઠ્યા: “ઘણાં વર્ષથી હું તારી રાહ જોયા કરૂં છું આખરે તું આવ્યો છું !” પછી તે સમાધિમાં આવી ગયા અને થોડીવાર પછી પાછા બોલવા લાગ્યા; “હું તારી રાહ જોયા કરૂં છું. તેં ‘આવતા’ વાર કેમ કરી ? સંસારી માણસો સાથે વાતો કરી કરીને મારું ગળું પણ સુકાઈ ગયું !”
શ્રીરામકૃષ્ણ ઘણાજ સરલ ભાવથી અને સાદા શબ્દો બોલતા હતા. નરેન્દ્રનો અંતરાત્મા તે સાંભળીને ક્ષણવાર ઉચ્ચ દશાને પ્રાપ્ત થતો હતો. આ કેમ થતું હશે તે નરેન્દ્ર સમજી શક્યો નહિ, પોતાના મનમાં તે વિચારવા લાગ્યો : “શું આવો તે મહાન ઉપદેશક હોઈ શકે ?” જરાક નજીક તે ગયો અને આ સાદા, બાળક જેવા, પણ સમર્થ અને પ્રભાવશીલ સાધુના તેજમાં અંજાયો.
આગળ ઉપર સ્વામી વિવેકાનંદ આ પ્રથમ મુલાકાતનો અનુભવ પોતાના શિષ્યોને આ પ્રમાણે કહેતા હતા :– “હું તે વખતે વિચાર કરતો હતો કે રામકૃષ્ણ કેવો ગાંડો માણસ છે ! શું રામદાદાએ મને આ ગાંડા માણસની પાસે મોકલ્યો છે ! મારી બુદ્ધિ કહે છે કે તે ગાંડો છે, પણ મારૂં અંતઃકરણ તો તેના તરફ ખેંચાય છે ! આ ગાંડો માણસ નવાઈ જેવો છે ! તેની આકર્ષણ શક્તિ અલૌકિક છે ! તેનો પ્રેમ અમાનુષી છે ! મેં તેને ગાંડો ધાર્યો પણ હું તેનાથી ચકિત થઈ ગયો. આ એક નવાઈ જેવો અનુભવ છે.”
કેટલીક વાર બેઠા પછી નરેન્દ્રે ઘેર જવા માંડ્યું. શ્રીરામકૃષ્ણે તેને ફરીથી આવવાની ભલામણ કરી. નરેન્દ્રે ફરીથી આવવાનું વચન આપ્યું. તે ફરીથી ગયો અને શ્રીરામકૃષ્ણે તેને ભજન ગાવાનું કહ્યું. નરેન્દ્રે ગાવા માંડ્યું એટલે શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “જુઓ, વિદ્યાદેવી સરસ્વતિનો પ્રકાશ તેના મુખ ઉપર કેવો ઝળકી રહ્યો છે ?” વળી શ્રી રામકૃષ્ણે સવાલ પૂછ્યો “ઉંઘતા પહેલાં ચળકતો પ્રકાશ તારી નજરે પડે છે ?” નરેન્દ્રે હા કહી અને પોતાનો અગાઉનો અભ્યાસ તથા અનુભવ જણાવ્યો. શ્રી રામકૃષ્ણે કહ્યું “હા, ખરી વાત છે. આ છોકરો ધ્યાન સિધ્ધ છે. જે પણ બાબતમાં તે પોતાનું ચિત્ત પરોવે તેમાં તે તલ્લીન બની જાય છે. તેની ઉંઘ પણ એક જાતનું ઈશ્વરનું ધ્યાનજ છે.” નરેન્દ્ર ફરીથી સ્તબ્ધ બની ગયો ! તે ઘેર જવા નીકળ્યો અને વિચાર કરવા લાગ્યો “મહર્ષી દેવેન્દ્રનાથે પણ કહ્યું હતું કે છોકરા તારી આંખો યોગીના જેવી છે. મહર્ષિ દેવેન્દ્રનાથ અને શ્રી રામકૃષ્ણ આ માણસો તે કેવાક હશે ! મારા વિષે આ બંનેનું કહેવું ખરૂં હશે ?” તેણે ઘેર ગયા પછી રામદાદાને શ્રી રામકૃષ્ણ વિષે પુછ્યું અને તેમણે જવાબ આપ્યો કે શ્રીરામકૃષ્ણ એક અલૌકિક માણસ છે. તે ઘણાજ ધર્મિષ્ઠ છે, તેમનામાં સંસારની વાસના એક તલ માત્ર પણ નથી, તે દ્રવ્યને ધિક્કારે છે, દરેક સ્ત્રીને પોતાની માતા ગણે છે, તે ખરેખરા યોગી છે. તેમણે ઈશ્વરનાં દર્શન કર્યા છે.”
જ્યારે નરેન્દ્ર શ્રી રામકૃષ્ણને મળ્યો, ત્યારે શ્રી રામકૃષ્ણ આધ્યાત્મિક જીવનરૂપી કમળનું સંપૂર્ણ ખીલી રહેલું પુષ્પ હોય તેવા બની રહ્યા હતા અને તેમના જીવન કુસુમની સુવાસ લેવાને અનેક માનવ ભ્રમરો તેમના તરફ ખેંચાઈ આવવા લાગ્યા હતા.
શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં દેવીના વિશાળ મંદિરની એક ઓરડીમાં રહેતા, કોઈ કોઈ વાર તેઓ એ ઓરડીના છાપરાપર ચઢીને પોકાર કરતા કે “ઓ મા, ઓ મા, મારો ઉપયોગ લેનારા ક્યાં છે ? તેમને મારી પાસે મોકલ.” ધીમે ધીમે અનેક મનુષ્યો તેમની પાસે આવી તેમના ઉપદેશામૃતનું પાન કરવા લાગ્યા હતા. હવે આ તેમનો ભાવી પટ્ટ શિષ્ય પણ તેમને આવી મળ્યો ! શિષ્યો અને ગુરૂ ઈશ્વર
સંબંધી અનેક વાતો કરતા, ભજનો ગાતા અને અલૌકિક આનદમાં આવી જતા. ઈશ્વરનું નામ દેતે દેતે ગુરુ અને શિષ્યો ગાતા અને નાચતા. સધળું સ્થળ ઈશ્વરના નામથી ગાજી રહેતું. પણ હજી સુધી નરેન્દ્ર એમાં ભાગ લેતો નહિ. આ શું હશે તે એ સમજી શકતો નહિ
ફરીથી એકવાર નરેન્દ્ર શ્રી રામકૃષ્ણની પાસે ગયો. તેણે એક ભજન ગાયું. શ્રી રામકૃષ્ણ ભાવાવેશમાં આવી ગયા. નરેન્દ્રની સામું તાકીને તે જોવા લાગ્યા, તે એકદમ ઉભા થયા. નરેન્દ્રનો હાથ પકડીને બાગમાં ઘણે દૂર આવેલી એક વૃક્ષોની ઘટામાં તેને લઈ ગયા, અને તેને છાને માને કહેવા લાગ્યા: “તારામાં શિવનો વાસ છે, અને મારામાં શક્તિનો વાસ છે. શિવ અને શક્તિ બને એકજ છે.” નરેન્દ્ર હસ્યો. તે કાંઈ પણ બોલ્યો નહિ. શ્રીરામકૃષ્ણનું મગજ ખશી ગયું છે એમ તેને વિચાર આવ્યો. શ્રીરામકૃષ્ણને જણાયું કે નરેન્દ્રની નાસ્તિકતા દૂર કરવાની જરૂર છે. તેઓ બંને પાછા આવ્યા, કેટલીક વખત વાતચિત ચાલી, સમય સાયંકાળનો થયો. સર્વત્ર શાંતિ વ્યાપી રહી. શ્રીરામકૃષ્ણ એકદમ ઉઠ્યા અને નરેન્દ્ર તરફ ગયા. પોતાનો જમણો હાથ તેની છાતી ઉપર મૂક્યો અને બીજો હાથ તેના ખભા ઉપર મુક્યો. નરેન્દ્ર હવે સ્થળ, શ્રી રામકૃષ્ણ અને તેમની પાસે બેઠેલા મનુષ્યો, સર્વનું ભાન ભુલવા લાગ્યો. શ્રીરામકૃષ્ણના પવિત્ર સ્પર્શથી આ જગતનું ભાન તે ભુલી ગયો અને કોઈ નવીન દશામાં આવી ગયો ! તે એકદમ બોલી ઉઠ્યો કે અરે ! આ શું થાય છે ? તમે મને આ શું કરો છો ?
આમ કહીને તે એક પ્રકારની સમાધિમાં આવી ગયો. થોડોક સમય તે સ્થિતિમાં રહ્યા પછી શ્રી રામકૃષ્ણે તેના હૃદયનો સ્પર્શ કર્યો એટલે તે શુદ્ધિમાં આવવા લાગ્યો. શુદ્ધિમાં આવ્યો ત્યારે તેના હૃદયને કાંઈક સામર્થ્ય મળ્યું હોય તેમ તેને લાગ્યું.
ખરી ધાર્મિકતા, પવિત્રતાનો પ્રભાવ કેવો છે?
આ મેળાપ થયા પછી એક દિવસ નરેન્દ્ર બ્રહ્મોસમાજમાં ગયા હતા. સઘળા ભેગા મળીને પ્રાર્થના ગાતા હતા. પહેલું ભજન પુરું થયું કે તરતજ સમાજ મંદિરના પાછલા ભાગમાંથી એક અવાજ સંભળાયો કે, "નરેન્દ્ર, નરેન્દ્ર !” તે વાક્યોનો દેખાવ ભવ્ય હતો, પણ બોલનારનું આખું શરીર ઉધાડું હતું; માત્ર કેડથી ઝાંગ સુધી એક ધોતીયું જેમ તેમ વીંટેલું હતું. તેના મુખ ઉપર વ્યથાનાં ચિન્હ દેખાતાં હતાં. તેને જોઇને આખી સમાજ સ્તબ્ધ બની ગઈ. આ માણસ કોણ હશે ? નરેન્દ્રે તેનો અવાજ સાંભળ્યો. તેમનો પોશાક જોઇને તે શરમાયો અને આવી મોટી સમાજમાં આવે વેશે આવીને તેનેજ બોલાવતા શ્રી રામકૃષ્ણને જોઈ ગભરાયો ! તેમના તરફ તે ગયો. નરેન્દ્રને જોતાંજ તેમના મુખ ઉપર આનંદ છવાઈ ગયો. નરેન્દ્રને જોતાંજ તે બોલી ઉઠ્યાઃ “પછી પાછો કેમ જણાયો નહિ ? હું તો તારી વાટજ જોયા કરતો હતો !”
નરેન્દ્ર તેમને બે માસ ઉપર મળ્યો હતો અને ત્યાર પછી શ્રીરામકૃષ્ણ તેને ફરીથી મળવાને ઘણાજ ઉત્કંઠીત થવાથી તેને ખોળતે ખોળતે સમાજમાં આવી પહોંચ્યા હતા.
એક બાજુએ તેમનું ઉધાડું શરીર, માત્ર કેડે વીંટેલું ધોતીયું અને સાદી સીધી રીતભાત નરેન્દ્રના મનમાં ખડાં થયાં અને બીજી બાજુ એ સુધારાના શિખર ઉપર ચઢેલ સમાજના સભાસાદોનો પોશાક, ઠાઠ અને રીતભાત તેના મનમાં આવ્યાં, તે મનમાં બોલી ઉઠ્યોઃ “તે સમાજમાં શા માટે આવ્યા ! શા માટે તેમણે આ ગરબડ કરી મૂકી ! સમાજનું દરેક માણસ તેમને ગાંડા ધારશે !” નરેન્દ્ર હજી પણ પરમાત્માના પરમ ભક્ત શ્રી રામકૃષ્ણને બરાબર સમજી શક્યો નહોતો. નિયમ અને કૃત્રિમ રીતભાતો ઈશ્વરના ભક્તોની આડે આવતાં નથી. કૃત્રિમ ભક્તોને માટેજ કૃત્રિમ નિયમો હોય છે; ઈશ્વરના સ્વાભાવિક અને સાચા ભક્તોની ભક્તિ અને પ્રેમ સ્વતંત્રપણે ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળમાં અને ગમે તે વખતે વહેવા માંડે છે. જગતના નિયમો તેને બાધા કરતાં નથી.
એક વખત નરેન્દ્ર કેટલાક છોકરાઓને એકઠા કરીને બેઠો હતો. તેમાંનો એક છોકરો શ્રી રામકૃષ્ણની નિંદા કરી રહ્યો હતો અને પુષ્કળ વાતચિત ચાલી રહી હતી. એટલામાં બહારથી “નરેન્દ્ર, નરેન્દ્ર” એમ બૂમ સંભળાઈ. સઘળા ચમક્યા. તે શ્રીરામકૃષ્ણની બૂમ હતી. નરેન્દ્ર એકદમ નીચે ગયો. શ્રી રામકૃષ્ણ તેને સામા મળ્યા અને આંખોમાં હર્ષનાં આંસુ લાવીને બોલ્યાઃ “હમણાંનો તું કેમ આવ્યો નથી ?” શ્રીરામકૃષ્ણ એક બાલક જેવા સાદા હતા. પોતાની સાથે થોડી મીઠાઈ તેમણે આણી હતી તે પોતે પોતાને હાથે નરેન્દ્રને ખવરાવી !
શ્રીરામકૃષ્ણ બોલ્યાઃ “આવ, મને એક ભજન ગાઈ બતાવ !” નરેન્દ્રે તંબુરો હાથમાં લીધો. એક ભજન ગાયું અને શ્રીરામકૃષ્ણ ભાન ભૂલી સમાધિમાં લીન થયા ! તેમની મુખમુદ્રા ઉપરથી કોઈ અગાધ આનંદના પ્રદેશમાં તે વિચરતા હોય તેવું નરેન્દ્રના સઘળા મિત્રોને લાગવા માંડ્યું. વળી તેઓ સર્વમાં હર્ષ વ્યાપી રહ્યો. નરેન્દ્ર ઉઠીને શ્રી રામકૃષ્ણને પગે પડ્યો. સમય સાયંકાળનો હતો. પાસેનાં દેવળો અને મકાનોમાંથી ભક્તોનાં ભજનોનો અવાજ આવતો હતો; અને તેમાં દેવળોનો ઘંટનાદ ભળી જઇને સંસ્કારી મનુષ્યના ધર્મભાવમાં વૃદ્ધિ કરી રહ્યો હતો. આ સમયેજ નરેન્દ્ર ખુદ પોતાનાજ ઘરમાં શ્રીરામકૃષ્ણ જેવા પુરૂષને સમાધિમગ્ન થયેલા જોઈ કોઈ અદ્ભુત લાગણી અનુભવતો હતો.
નરેન્દ્ર હવે વારંવાર પરમહંસજી પાસે જવા આવવા લાગ્યો. એક દિવસ તે પંચવટીની ઘટા પાસે ચંદ્રના પ્રકાશથી ઉત્પન્ન થએલી વૃક્ષની છાયામાં ઉભો હતો. તેના મુખ ઉપર તીવ્ર વેદના અને શંકાનાં ચિન્હ દેખાતાં હતાં. તેને સત્ય ખોળવાની ઉત્કટ ઇચ્છા હતી. પવિત્ર દેવાલયોના ઘંટનાદથી તેના અંતરાત્મામાં કંઈક ભક્તિભાવ ઉત્પન્ન થયો હતો. પણ તેનું ચિત્ત શ્રીરામકૃષ્ણને પુરેપુરા સમજવા મથતું હતું. આ માણસ તે કેવો હશે! એમ વારંવાર તે પોતાના મનમાં પૂછતો હતો. એટલામાં એક મનુષ્યને તેણે જોયો. દક્ષિણેશ્વરના મંદિર પાસે પવિત્ર ગંગાના કિનારા ઉપર તે મનુષ્ય બેદરકારીથી પગલાં ભરતો ભરતો, આકાશ તરફ જોતો ધીમે ધીમે ચાલતો હતો; અને હાથ વતી તાળી પાડી હરિનું નામ ઉચ્ચારતો હતો. પોતાનું ભાન તે ભૂલી ગયો હોય એમ લાગતું હતું. છતાં તેના મુખ ઉપર આનંદનો ઓધ છવાઈ રહેલો જણાતો હતો. આ પુરૂષ તે શ્રીરામકૃષ્ણ પરમહંસ હતા. મંદિરમાં આરતી થઈ રહ્યા પછી નામેાચ્ચારણનો ધ્વનિ ગાજી રહ્યો હતો.
મંદિરમાં થતા નામેાચ્ચારણથી તેમનું હૃદય મસ્ત બની રહ્યું હતું અને એવી દશામાં તે ગંગાના કિનારા ઉપર ફરી રહ્યા હતા એકદમ તે અટક્યા અને મંદિર તરફ વળ્યા. નરેન્દ્રે તેમને જોયા અને તેમની પાછળ ગયો ! બંને મંદિરમાં પેઠા એટલે શ્રી રામકૃષ્ણ મોટા અવાજથી શ્રીમહાકાળીનું નામ લેવા લાગ્યા. નરેન્દ્ર ત્યાંથી પાછો ફર્યો અને પંચવટી આગળ ગયો. પાછો તે શ્રીરામકૃષ્ણના સંબંધમાં અનેક વિચાર કરવા લાગ્યો.
એટલામાં શ્રીરામકૃષ્ણ મંદિરમાંથી પાછા આવ્યા અને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં પંચવટી આગળ કોઈ બેઠેલું જણાયું. તે નરેન્દ્ર હતો. તે વિચારમાં મગ્ન હતો. શ્રી રામકૃષ્ણ જરા દૂર ઉભા રહ્યા અને જોવા લાગ્યા.
નરેન્દ્ર વિચારમાં ગરક થઈ ગયો હતો અને શ્રીરામકૃષ્ણ હસતે વદને તેના તરફ જોઈ રહ્યા હતા ! નરેન્દ્ર એકદમ વિચારમાંથી જાગ્યો અને જોયું તો શ્રીરામકૃષ્ણ! એકદમ તે તેમને ચરણે પડ્યો. શ્રીરામકૃષ્ણે તેને ઉભો કર્યો. બંને એકલા હતા. આસપાસ સર્વત્ર શાંતિ વ્યાપી રહી હતી. માત્ર પાસે વહેતી પવિત્ર ગંગાના જળનો ખળખળ થતો અવાજ જરા જરા સંભળાતો હતો. આકાશમાં તારાઓનો ઝાંખા પ્રકાશ દેખાતો હતો. શ્રીરામકૃષ્ણના મુખ ઉપર હાસ્ય ભર્યું અલૌકિક તેજ છવાઈ રહ્યું હતું. “ચાલ, નરેન્દ્ર,” શ્રી રામકૃષ્ણ બોલ્યા અને જે પવિત્ર બિલ્વવૃક્ષ નીચે બેસીને શ્રીરામકૃષ્ણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં આગળ તેને લઈ ગયા. ત્યાં બને જણ બેઠા અને મૃત્યુ, ભય, માનસિક અશાંતિ, વગેરે અનેક બાબતો ઉપર બંને વચ્ચે છુટથી ચર્ચા ચાલી. આ પ્રમાણે આ મહાન ગુરૂ અને તેનો મહાન શિષ્ય એકાંતમાં મળતા, બેસતા અને જ્ઞાન, ભક્તિ, યોગ વગેરે વિષે અનેક વાતો કરતા.
આ સમયે નરેન્દ્રની ઉમ્મર વીસ વરસની હતી. તે એલ. એલ. બી.નો અભ્યાસ કરતો હતો. તેના પિતા ગુજરી ગયા હતા. કુટુંબને સખ્ત હાડમારી વેઠવી પડતી હતી. આગળ જણાવવામાં આવ્યું છે તેમ નરેન્દ્ર અને તેનું કુટુંબ લગભગ ભૂખમરોજ વેઠતાં હતાં. ક્વચિત નરેન્દ્ર જે પણ મળે તે હલકા પગારની નોકરી લેતો અને બને તેટલું કમાઈ લાવતો; પણ આથી કુટુંબનું પુરું થઈ રહેતું નહિ, નરેન્દ્રનું મન અનેક ચિંતાઓથી ગ્રસ્ત રહેતું, પણ તેનું સાધુ જીવન તેને આ આપત્તિમાં ધૈર્ય આપતું. વખતો વખત તે શ્રીરામકૃષ્ણ પાસે જતો અને શાંતિ મેળવતો. પણ ભુવનેશ્વરીને ચિંતા થતી કે નરેન્દ્ર વારે ઘડીએ શ્રીરામકૃષ્ણ પાસે જાય છે અને તે કદાચ સાધુ થઈ જશે તો ? પરંતુ નરેન્દ્રની રીતભાતથી તેમને નિરાંત વળતી કે નરેન્દ્ર તેમને છોડી જશે નહિ.
ભુવનેશ્વરીએ નરેન્દ્રને પરણાવી દેવાનો વિચાર કર્યો, પણ નરેન્દ્રે સર્વદા બ્રહ્મચારીજ રહેવાનો નિશ્ચય જાહેર કર્યો. નરેન્દ્રના પિતા વિશ્વનાથે પોતાના જીવનકાળમાંજ નરેન્દ્રનો વિવાહ એક પૈસાદારની કન્યા સાથે નક્કી કર્યો હતો, પણ તેનું મૃત્યુ થવાથી તેમાં વિઘ્ન આવ્યું. ફરીથી ભુવનેશ્વરીએ તેને પરણાવવાનો આગ્રહ કર્યો ત્યારે નરેન્દ્ર બોલી ઉઠ્યો : “તમારે મને ડૂબાડી દેવો છે ? પરણું એટલે પછી મારી બધી આશાઓનો અંતજ આવે !”
આ પ્રમાણે ખેંચતાણ કરતે કરતે ત્રણ વર્ષ વીતી ગયાં. ધીમે ધીમે હવે કુટુંબના ભરણપોષણનું સાધન કાંઇક ભેગું થતું ચાલ્યું; અને નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની પાસે વધારે વધારે જવા લાગ્યો, ધીમે ધીમે કુટુંબ સાથેનો સંબંધ તેણે ઓછો કરવા માંડ્યો.
પોતે અને પોતાના કુટુંબે વેઠેલી હાડમારીના અનુભવથી તેનું હૃદય દયાર્દ્ર અને સ્વદેશાભિમાની બની રહ્યું હતું. ભૂખમરો શું તે એ જાણતો હતો અને તેથી હિંદનાં અસંખ્ય ગરિબ માણસોના દુઃખથી તેનું હૃદય દ્રવી રહ્યું હતું. તેની બે બ્હેનોને પણ આ જગતનો કડવો અનુભવ થયો હતો અને તે અકાળ મૃત્યુને વશ થઈ હતી, તેથી હિંદની સ્ત્રી જાતિની દુર્દશાનું પણ તેને બહુ ઉંડું ભાન થએલું હતું.
નરેન્દ્રે જ્યારે સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે તેના કુટુંબને ભરણ પોષણની અડચણ નથી એવી ખાત્રી તેના મનમાં થયેલી હતી.
નરેન્દ્ર પરણ્યો હોત તો સારા કુટુંબની કન્યા તેને મળી હોત ! અને રૂઢી પ્રમાણે કન્યાદાનમાં પુષ્કળ દ્રવ્ય પણ તેને મળ્યું હોત; કારણ કે મોટાં મોટાં પૈસાદાર કુટુંબો વિશ્વનાથની આબરૂ અને પ્રતિષ્ઠાને લીધે નરેન્દ્રને પોતાના જમાઈ તરિકે પસંદ કરવાને ઘણાંજ આતુર હતાં. પણ ત્યાગની મૂર્તિ – શ્રીરામકૃષ્ણનો ભાવિ શિષ્ય – નરેન્દ્ર જરા પણ ડગ્યો નહિ.
શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનો મેળાપ એ હિંદના પ્રાચીન અને અર્વાચિન બંને જીવનના મેળાપ રૂપ હતો. આ મેળાપથી એ બંને જીવનપ્રવાહો સાથે સાથે વહેવા લાગ્યા. હિંદના પ્રાચીન ગૌરવ ઉપર અર્વાચિન વિચારોની ઈમારત ઘડાવા લાગી. નરેન્દ્રનું હૃદય સંસ્કારી હતું, પણ આધુનિક વિચારોનું તોફાન તેમાં ચાલી રહ્યું હતું. શ્રીરામકૃષ્ણ પ્રાચીન ગૌરવની સાક્ષાત મૂર્તિ હતા. નરેન્દ્ર બ્રહ્મસમાજ, આર્યસમાજ, સંસાર સુધારા સમાજ અને એવી બીજી અર્વાચિન સંસ્થાઓનું પરિણામ હતો. પ્રાચીન હિંદનું આધ્યાત્મિક જીવન, તેની ભાવનાઓ, તેની સાધુતા અને ધાર્મિક અનુભવોની મૂર્તિ રૂપે શ્રીરામકૃષ્ણ હતા. નરેન્દ્રમાં આ ભાવનાઓ, અનુભવો અપૂર્ણ અવસ્થામાં પડી રહેલાં હતાં. તેમાં સંશયની છાયા હતી. બંનેના મેળાપથી પૂર્વ અને પશ્ચિમના વિચારો ઉપર વિશાળ દૃષ્ટિથી જોવાતું હતું. બંનેમાં રહેલાં શ્રેષ્ઠ તત્ત્વો ગ્રહાતાં હતાં. હિંદની પ્રાચીન ભાવનાઓને સમર્થન મળતું હતું અને હિંદનું ભાવિ જીવન ઘડાતું હતું.
આ નવા ભાવિ જીવનમાં હિંદની પ્રાચીન ભાવનાઓને મધ્યહૃદયનું સ્થાન અપાયું છે, પણ તેમાં પાશ્ચાત્ય વિદ્યાનું યોગ્ય સંમિલન કરી, તેના આશય અને હેતુઓ વિશાળ દૃષ્ટિવાળા કરાઈને પ્રાચીન સાધુતામાં જન સમૂહની સેવાનું મહત્ તત્વ ઉમેરાયું છે. પ્રાચીન ભક્તિમાં જીવતા દેવો-લૂલાં, લંગડાં, પાંગળાં, ગરિબ, રોગી, અજ્ઞાન અને દુઃખી મનુષ્યોની ભક્તિને મોટો હિસ્સો અપાયો છે. આર્ય જીવનના આદર્શ તરિકે હિંદુ જીવન, હિંદુ આચાર અને હિંદુ વિચાર ગ્રહાયા છે. પાશ્ચાત્ય વિચારોને તેમાં યોગ્ય સ્થાન અપાયું છે અને હિંદનું મહદ્ ભાવિ તેમાંજ અંકાયું છે. આ ભાવિ જીવનમાં સર્વ પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સદ્વિચાર સ્વીકારાયા છે. કોઈનો પણ બહિષ્કાર થયો નથી. પ્રાચીન સત્ય તરફ શ્રદ્ધા ઉત્પન્ન કરવામાં આવી છે અને અર્વાચિન સુવિચારોને પણ તેમાં યોગ્ય માન મળ્યું છે.
જ્યારથી શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનું મુખ જોયું હતું ત્યારથી તેમની તેના તરફ બહુજ કૃપા ઉભરાયા કરતી હતી. પવિત્ર આત્માઓને પરસ્પર બાંધનાર બંધનો પણ આશ્ચર્યકારકજ હોય છે. શ્રી રામકૃષ્ણ અને નરેન્દ્ર આ બંને વ્યક્તિઓ વચ્ચેના પ્રેમ અમાનુષી હતો. આ પ્રેમ એટલો તો અગાધ હતો કે આખરે ગુરુ અને શિષ્ય બંનેનું બોલવું, વિચારવું, બેસવું, ઉઠવું, અરે, આખું જીવન એકજ થઈ રહ્યું હતું અને તેથી તેમના શિષ્યો બંનેને એકજ વ્યક્તિ રામકૃષ્ણ વિવેકાનંદ તરીકે સંબોધતા હતા ! શ્રીરામકૃષ્ણ નરેન્દ્રથી વધુ દિવસ જુદા રહી શકતા નહતા. જ્યારે નરેન્દ્ર પોતાને ઘેર હોય અને ઘણા દિવસથી આવ્યો ન હોય ત્યારે શ્રી રામકૃષ્ણ એકાંતમાં બેસીને અશ્રુપાત કરતા અને કાળી દેવીને પ્રાર્થના કરતા કે તું નરેન્દ્રને મોકલ !
કોઈવાર નરેન્દ્ર મનમાં ડરતો કે શ્રીરામકૃષ્ણમાં અલૌકિક શક્તિ હોવાથી તેઓ તેના મનને ગમે તે માર્ગે વાળી દેશે; તે ક્વચિત તો ધારતો કે શ્રીરામકૃષ્ણ એક અંધશ્રદ્ધાળુ ઘરડો માણસ છે ! ક્વચિત એવા ખરાબ વિચારો માટે પશ્ચાત્તાપ થઈ આવી શ્રીરામકૃષ્ણના અગાધ પ્રેમ તેના મનને પીગળાવી નાંખતો.
શ્રીરામકૃષ્ણની આંખો તરફ તે તાકીને જોતો અને આશ્ચર્ય પામતો. એક દિવસ એવું બન્યું કે નરેન્દ્ર ઘણા દિવસથી આવ્યો નહોતો; તેથી તેને બોલાવવાને શ્રી રામકૃષ્ણે માણસ ઉપર માણસ મોકલ્યાં. નરેન્દ્ર આવ્યો અને કહેવા લાગ્યો: “તમે વારેઘડીએ મારુંજ રટણ કેમ કર્યા કરો છો ? આથી તો ઉલટા તમેજ મારા જેવા થઈ જશો ! ભરત મુનિએ હરણનોજ વિચાર કર્યા કર્યો અને બીજા અવતારમાં તે હરણ થઈનેજ અવતર્યા !”
આ કાયસ્થના છોકરા તરફ તેમનું મન એટલું બધું કેમ આકર્ષાતું હશે એ વિષે એકવાર તેમણે પોતાના એક શિષ્યને પૂછ્યું. શિષ્યે જવાબ આપ્યો કે “મહારાજ, મહાભારતમાં લખેલું છે કે પરમાત્મ દર્શનને પામેલા મહાત્માને પોતાની ઉત્થાન દશામાં સાત્વિક ગુણવાળા મનુષ્યની સાથેજ વાતચિત કરવાથી વિશ્રાંતિ મળે છે. ખરેખરા ધાર્મિક પુરૂષની સોબતમાંજ તે વધુ આનંદ પામે છે.” શ્રીરામકૃષ્ણ એ સાંભળીને ચૂપ રહ્યા.
શ્રીરામકૃષ્ણને બીજા અનેક શિષ્યો હતા અને તેઓ પણ સઘળા નારાયણનાં શરીર છે એમ તે માનતા; પરંતુ નરેન્દ્રને તે સર્વ કરતાં તેઓ ચઢતી કોટીનો માનતા. નરેન્દ્રને જોઇનેજ કોઈવાર તો શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જતા. નરેન્દ્રની યોગ્યતા વિષે વારંવાર તે વખાણ કરતા. એક બાળકની માફક ભોળાભાવે નરેન્દ્રની શક્તિઓને વર્ણવતા અને તેની શકિતનું સ્મરણ કરાવતા. સઘળા શિષ્યો સમક્ષ પોતાની શક્તિઓનું વર્ણન થતું જોઈને નરેન્દ્રને જરાક શરમ આવતી, પણ શ્રીરામકૃષ્ણ ખુલ્લા હૃદયથી જે ખરૂં હતું તેજ કહેતા. આથી નરેન્દ્રને પોતાની શક્તિનું ભાન થતું અને તેને ઉત્સાહ અને બળ મળતાં. ગુરૂ તરફથી આ પ્રમાણે અર્પાયલું બળ સ્વામી વિવેકાનંદના આખા જીવનમાં તેમને યાદ આવતું અને જગતનું જે મહાન કાર્ય તેમણે કર્યું છે તે કરવામાં તે પુરેપુરા જુસ્સો અને આત્મવિશ્વાસ તેમનામાં ઉત્પન્ન કરતું,
આ પ્રમાણે નરેન્દ્રનું ચારિત્ર શ્રીરામકૃષ્ણ ઘડતા હતા. નરેન્દ્રનો અધિકાર પણ સૌ શિષ્યોમાં ઉચ્ચ ગણાતો. ગુરૂની સેવા કરવાનું કામ બીજા શિષ્યો કરતા. નરેન્દ્રને શ્રી રામકૃષ્ણ કોઈ પણ જાતની સેવા કરવા દેતા નહોતા; પણ નરેન્દ્ર સેવા કરવાનો આગ્રહ રાખ્યાજ કરતો. આ પ્રમાણે નરેન્દ્રની ઉચ્ચ શક્તિ, ઉચ્ચ અધિકાર અને અત્યંત પવિત્રતા તેના મગજમાં ઠસાવવાને અને તેના મનને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડવાને શ્રી રામકૃષ્ણ અનેક પ્રયાસ કરી રહ્યા હતા.
આવા પવિત્ર અને સમર્થ મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસના ચરણ આગળ બેસીને નરેન્દ્ર વેદાન્તનાં ગુહ્ય તત્વોનો અભ્યાસ કર્યો. હજી પણ શ્રીરામકૃષ્ણના શબ્દોમાં તેને પુરેપુરો વિશ્વાસ ચોંટતો નહિ. તે પ્રશ્ન પૂછતો, વાદવિવાદ કરતો અને શ્રીરામકૃષ્ણ જે બોધ આપતા તે પ્રમાણે તેમનું પોતાનું આચરણ છે કે નહિ તે બારીકીથી તપાસતો. મહિનાના મહિનાઓ સુધી તેણે આ પ્રમાણે કર્યા કર્યું; પણ શ્રીરામકૃષ્ણના અતિ ઉન્નત અને પરોપકારી જીવનનો પ્રભાવ તેના જોવામાં જ્યારે ત્યારે આવ્યાજ કરતો. એ પ્રભાવની અસર એટલી બધી થઈ કે આખરે તેની સધળી શંકાઓ એની મેળે જ શાંત થઈ ગઈ અને તેનામાં આધ્યાત્મ ચેતન વ્યાપી રહ્યું. તેના મનમાંથી તાર્કિક દૃષ્ટિ નષ્ટ થઈ અને તેને સ્થાને આધ્યાત્મિક દૃષ્ટિ સ્થપાઈ. તક બળને સ્થાને શ્રદ્ધાનું અગાધ સામર્થ્ય મૂકાયું. આમ નવું આધ્યાત્મિક ચેતન તેનામાં રૂવે રૂવે વ્યાપી રહ્યું. તેના હૃદયની પાંખડીઓ ખીલી ને ખુલી ગઈ.
અવિવાહિત રહીને નરેન્દ્રે પોતાનું સઘળું જીવન વેદાન્તમય બનાવવાનો અને તેને વેદાન્તને માટેજ અર્પણ કરવાનો નિશ્ચય કરીને હવે તે પોતાના ગુરૂની પાસેજ અહર્નિશ રહેવા લાગ્યો. આ મહાન સાધુની પાસેથી એક ક્ષણવાર પણ ખસવું તેને હવે ગમતું નહિ.
“શ્રીરામકૃષ્ણ પણ મારો નરેન્દ્ર પવિત્ર છે; તેનામાં દુનિયાદારીનો અંશ પણ નથી; તેનામાં દૈવી પ્રકાશ પડેલ છે; તે ઋષિ છે !” આવાં આવાં વચન વડે તેના હૃદયને ઉચ્ચ વાતારણમાં સ્થાપિત કરતા અને તેની વૃત્તિઓને માર્ગ બતાવી તેનું ચારિત્ર ઘડતા હતા. જ્યારે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના ગાઢ સમાગમમાં આવ્યો અને તેમના શિષ્ય થઈ રહ્યો ત્યારે પરમહંસ તેના વિષે ભવિષ્ય ભાખવા લાગ્યાઃ “કેશવચંદ્રસેનમાં તો એકજ શક્તિ છે, પણ નરેન્દ્રમાં અરાઢ શક્તિઓ છે; ઈશ્વરી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ તેનામાં પડેલો છે અને દૈવી પ્રેમનો જુસ્સો તેના હૃદયમાં પુરેપુરો ખીલી રહેલો છે. પોતાની બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ વડે તે જગતને હલાવી મૂકશે.”
જ્યારથી શ્રીરામકૃષ્ણને નરેન્દ્ર કંઈક કંઈક સમજવા લાગ્યો ત્યારથી તે બંને વચ્ચેનો પ્રેમ અવર્ણનીય થઈ રહ્યો. એક વખત નરેન્દ્ર ઘણા દિવસથી જણાયો નહોતો. શ્રીરામકૃષ્ણ તેને મળવાને જવા લાગ્યા. રસ્તામાં ગંગાના કિનારા ઉપર નરેન્દ્ર સામો આવતો દેખાયો. શ્રીરામકૃષ્ણ તેની પાસે ગયા અને તેનું મોં પકડીને ૐ નો વિચાર કરતા કરતા સમાધિમાં આવી ગયા. વળી જ્યારે ત્રીજી વખત દક્ષિણેશ્વરમાં બંનેનો મેળાપ થયો હતો ત્યારે શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી જઈને બોલવા લાગ્યાઃ “મેં શ્રી કાળી દેવીને કહ્યું કે કામ અને લાભ વગરના કોઈ પવિત્ર ભક્તની સાથે વાત કર્યા વગર હું એકલો શી રીતે રહી શકું? તું કાલે રાતે આવ્યો અને મને જગાડીને કહ્યું: હું હવે આવ્યો છું.” શ્રીરામકૃષ્ણની સંનિધિમાં નરેન્દ્ર પણ નવીજ અવસ્થા ભોગવતો. ઘણી વખત જ્યારે બધા શિષ્યો ભજન ગાતા અથવા તો શ્રીરામકૃષ્ણ વેદાન્તનો બોધ આપતાં ત્યારે નરેન્દ્ર આનંદના આવેશમાં આવી જતો, તેની વૃત્તિઓ ઉછાળા મારી રહેતી, તેના અંતરાત્મામાં નવીન શક્તિઓ જાગૃત થતી, તેનું હૃદયકમળ ખીલતું, તેમાં રહેલી સુવાસ આસપાસ પથરાતી, અને મન બુદ્ધિ સહિત તેનું આખું શરીર કોઈ અવનવા આનંદમાં તરબોળ થઈ જતું.
શ્રીરામકૃષ્ણનો ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક જીવન અડગ અને વજ્ર જેવાં દૃઢ હતાં. આવું અડગ અને વજ્ર જેવું ચારિત્ર પોતાના શિષ્યોમાં અને ખાસ કરીને નરેન્દ્રમાં લાવવાને તે અનેક યુક્તિઓ કરી રહ્યા હતા. માત્ર ધર્મનો ઉપદેશ કરીને જ તે અટકતા નહોતા, પણ તે ઉપદેશ પ્રમાણે તેમનું ચારિત્ર ઘડવાને એક પ્રકારનો આધ્યાત્મિક જુસ્સો અને બળ તેમનામાં ઉત્પન્ન કરતા. શ્રીરામકૃષ્ણનું જીવન, તેમના બોધનો પ્રવાહ, સહજ સહજ નિમિત્તોથી વારંવાર તેમનું સમાધિમાં આવી જવું, આ સઘળું શિષ્યનાં અંતઃકરણ ઉપર ઉંડી છાપ પાડી રહ્યું હતું. બાર વરસ સુધી તેમણે યોગ સાધ્યો હતો અને તપાચરણ કર્યું હતું.
તેઓ એક હાથમાં સોનાનો કકડો લેતા અને બીજા હાથમાં માટીનું ઢેફું લઈ ગંગાના કિનારે બેસતા અને કહેતાઃ “આ સોનું જગતની વસ્તુઓ પ્રાપ્ત કરાવશે, પણ ઈશ્વરને ઓળખાવવાની તેમાં શક્તિ નથી. ઉલટું તે આડે આવે છે, જે વસ્તુ ઈશ્વર પાસે લઈ જય નહિ તે ધૂળજ છે" એમ કહીને પેલો સોનાનો કડકો અને માટીનું ઢેફું બંનેને તિરસ્કારથી ગંગામાં ફેંકી દેતા. ફરીથી શ્રી કાળીદેવીના પૂજારી તરીકે રહેવાનું અને મંદિરની મોટી આવક ભોગવવાનું તેમને કહેવામાં આવ્યું, પણ તેમણે જવાબ આપ્યો “હું પૈસાને શું કરીશ ! શા માટે શ્રી મહાકાળી આવાં માણસને મારી પાસે લાવે છે ?” ઘણી વખત કેટલાક શિષ્યો તેમની પરીક્ષા કરતા. એક વખત એમને એક ઘરમાં લઈ જવામાં આવ્યા. તે મકાનમાં બે ત્રણ નાચનારી વેશ્યાઓ સંતાડી રાખવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણને એકલા મૂકીને સૌ શિષ્યો બહાર નીકળી ગયા. પેલી નાચનારીઓ તેમની પાસે આવીને ઉભી રહી. તેમને જોઈને શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યાઃ “એ મા, એ મા, મને અહીં ક્યાં આણ્યો ” તેમનું શરીર મડદા જેવું થઇ ગયું અને તેમને સમાધિ આવી ગઈ ! સર્વત્ર પવિત્રતા વ્યાપી રહી. નાચનારીઓ મનમાં પસ્તાવા લાગી અને શ્રી રામકૃષ્ણને પગે પડી અને સૌને તે કહેવા લાગી. “તમે આ સાધુને અહીં શા માટે આણ્યો છે? એ તો શુકદેવ છે ! એ તો ઈશ્વરનો માણસ છે ! અમને તો એ એક બાળક જેવો દેખાય છે.” આવી આવી અમાનુષી લીલા નરેન્દ્ર જોતો અને વિસ્મય પામતો ! તે એકલોજ શ્રીરામકૃષ્ણનો મહિમા ઉંડાણથી સમજી શકતો. તે એકલોજ તેમના શબ્દો ઉપર ઉંડો વિચાર કરતો. તે એકલોજ વિવિધ પ્રકારની શંકાઓ કરતો. શ્રીરામકૃષ્ણ તેનું એ વિચાર સ્વાતંત્ર્ય અને જાહેર હિંમતનો ગુણ પસંદ કરતા, શિષ્યની શંકાઓ દબાવી દેવી એમ તે ઇચ્છતા નહોતા. “મા, મારા જાત અનુભવમાં પણ શંકા કરે એવો શિષ્ય મને આપજે.” એમ માતા પાસે તેમણે યાચના કરી હતી અને તેવોજ શિષ્ય તેમની પાસે આવ્યો હતો, તેથી નરેન્દ્રની શંકાઓથી શ્રીરામકૃષ્ણ ઉલટા ઘણાજ રાજી થતા હતા. બુદ્ધિના વિકાસ કરતાં હૃદયનો વિકાસ અને શુદ્ધ ચારિત્ર તે વધારે પસંદ કરતા. જે અમાનુષી પ્રેમના પટ તેમણે તેમના શિષ્યોના ચારિત્રમાં બેસાડ્યા છે અને જે આધ્યાત્મિક જીવનનો પ્રવાહ તેમના જીવનમાં વહેવરાવ્યો છે તેનું માપ કહાડવું મુશ્કેલ છે.
નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના જીવનના અનેક બનાવો જોઇને વિસ્મય પામતો અને તેની નજર આગળ ગળાતું અમાનુષી જીવન જોઇને તેનું ચારિત્ર ઘડાતું. શિષ્યને સુધારવામાં એકલો બોધ શું કરે ? ગુરૂનું ચારિત્રજ તેમાં મુખ્ય સાધન છે ! ચારિત્રના પ્રભાવ વગરનો બોધ નકામો જાય છે ! શ્રીરામકૃષ્ણ વિદ્વત્તા કરતાં ચારિત્રને પ્રાધાન્ય આપતા અને શિષ્યના મગજમાં ઠસાવતા કે જગતમાં ચારિત્ર એજ ખરી વસ્તુ છે. એ શિવાયનું બીજું ગમે તે અને ગમે તેટલું હોય તોપણ તે બધું નકામું છે.
એક પછી એક એમ અનેક સવાલ નરેન્દ્ર પૂછવા લાગ્યો. તેણે અનેક તર્ક વિતર્ક કર્યા. વિવાદ કરવામાં તે સિંહ જેવી ગર્જના કરવા લાગ્યો. બધા શિષ્યો ચકિત થઈ રહ્યા. શ્રીરામકૃષ્ણની સમક્ષ સૌની સાથે ધાર્મિક વિષયો ચર્ચાવા લાગ્યો અને સર્વને પોતાના જ્ઞાનથી હરાવવા લાગ્યો. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાંથી અને અર્થશાસ્ત્રોમાંથી સૂક્ષ્મ પ્રશ્નો પૂછીને સૌને ગભરાવવા લાગ્યો. તેનું જ્ઞાન જોઈને શ્રી રામકૃષ્ણ વિસ્મય પામતા અને સમાધિમાં આવી જતા. કેવળ પાંડિત્ય ઉપરાંત નરેન્દ્રમાં કાંઈક વિશેષ તેમને ભાસતું. નરેન્દ્ર ખરા અંતઃકરણથી વાદવિવાદ કરતો. તેનામાં સત્યનિષ્ઠા જણાતી. આ સત્યનિષ્ઠા જોઇને શ્રીરામકૃષ્ણ તેના ઉપર અત્યંત રાજી થતા અને કહેતા કે “નરેન્દ્રમાં દૈવી શક્તિ છે.” આ દૈવી શક્તિને શ્રીરામકૃષ્ણ જોઈ શક્યા અને તે શક્તિઓનું પરિણામ શું આવશે તે પણ જોઈ શક્યા. એક વખત તો કહેવા લાગ્યાઃ “જુવો, જુવો, નરેન્દ્રની અધ્યાત્મ દૃષ્ટિ કેવી જબરજસ્ત છે? કિનારા વગરના તેજના મહાસાગર જેવી તે અપાર છે !”
જેઓ શ્રીરામકૃષ્ણની પાસે બેસવાને ભાગ્યશાળી થયા હતા તેઓજ માત્ર જાણે છે કે શ્રી રામકૃષ્ણ અને તેમના શિષ્યોને પરસ્પર સંબંધ કેવો હતો ! તે સંબંધ ઘણોજ મધુર, પ્રેમાળ, સ્વાભાવિક અને કોઈ પણ જાતની કૃત્રિમતા રહિત હતો. કેટલાક ગુરૂઓમાં દેખાઇ આવતા ઠાઠ કે મોટાઈ શ્રી રામકૃષ્ણમાં બિલકુલ નહોતાં. કોઈ પણ માણસ તેમની પાસે જઈ શકતું. કોઈ પણ તેમની સાથે વાત કરી શકતું. સર્વને દરેક પ્રકારની છુટ હતી. તેમનો બોધ ગંભીર અને સચોટ હતો. તેમની આસપાસના વાતાવરણમાં સર્વત્ર જાણે કે પ્રભુનો વાસ હોય એમ સઘળાને લાગતું હતું. ક્વચિત્ દક્ષિણેશ્વરનાં ઝાડોની ઘટામાં ગુરુ અને શિષ્યો વિહરતા, બેસતા, આરામ લેતા, સૃષ્ટિસૌંદર્ય નિહાળતા અને જ્ઞાન વાર્તા કરતા. વળી થોડોક સમય નિર્દોષ ગમ્મત અને ઠઠ્ઠામાં પણ ગાળતા. આવી ગમ્મતની અંદર પણ શ્રીરામકૃષ્ણ વખતો વખત ઉત્તમ બોધ આપતા અને સામાન્ય વાતોના આનંદને ફેરવીને જ્ઞાનાનંદમાં લઈ જતા. ગંગા નદીને કિનારે પવિત્ર જળનો ખળખળાટને સાંભળતા ચંદ્રમાના અજવાળામાં કોઈ કોઈ દિવસ સર્વ બેસતા, ભજન ગાતા અને ગુરૂના મુખમાંથી નીકળતા જ્ઞાનામૃતને ગ્રહણ કરતા. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં રહેવું એ મહાન ભાગ્યરૂપ હતું. તેમની પાસે બેસનાર જગતના વિચારને વિસારતું અને આત્માના ઉચ્ચ પ્રદેશમાં વિચરતું અને અપૂર્વ આનંદને ભોગવતું. તેમની સંનિધિમાં સર્વ કોઈ સમોહિત ચિત્ત થઈ રહેતું અને એકાગ્રતાને પ્રાપ્ત કરતું. શ્રીરામકૃષ્ણના મુખમાંથી નીકળતા મિષ્ટ શબ્દોથી અને જે ભાવથી તે શબ્દો બોલતા હતા તે ભાવથી. શાતાઓનો અંતરાત્મા ઉછળતો, પ્રફુલ્લ થતો અને ઈશ્વર તરફ વળી રહેતો. તે સ્થળની અપૂર્વ શાંતિ, અલૌકિક દેખાવ, સર્વત્ર પથરાયેલી પવિત્રતા, શ્રીરામકૃષ્ણનું નિર્દોષ મુખાર્વિંદ, તે મુખ ઉપર છવાઈ રહેલી દિવ્ય જ્યોતિ, જ્ઞાનચર્ચાની ગર્જનાઓ, ભજન, કિર્તન, સર્વનો ઉલ્લાસ અને આનંદ, આ સર્વ તેમના સહવાસમાં આવનાર મનુષ્યના મન ઉપર ઉંડી છાપ પાડ્યા કરતાં હતાં.
આવા ધર્મ ધુરંધર ગુરૂની સમક્ષ થતા અનેક વાદવિવાદની ગર્જનાઓમાં નરેન્દ્રનો અવાજ સિંહનાદની માફક સંભળાતો. યુવાવસ્થાના સઘળા ઝનુનથી નરેન્દ્ર બોલતો. અત્યાર સુધી મુંઝાઈ રહેલા તેના હૃદયને ખોલવાનો અવકાશ અને છુટ શ્રી રામકૃષ્ણના સહવાસમાં આવવાથી મળ્યાં હતાં. પોતાના વિચાર સંપૂર્ણ રીતે દર્શાવવાની છુટ શ્રીરામકૃષ્ણ તેને આપી હતી. જે જુસ્સાથી નરેન્દ્ર ચર્ચા કરતો તે જુસ્સો જોઈને શ્રીરામકૃષ્ણ અત્યંત ખુશી થતા અને તેમાં નરેન્દ્રનો ભાવ પ્રભાવ જોતા. તે કહેતાઃ “મેં કહ્યું છે માટે તે ખરૂં છે એમ માનતા નહિ; સઘળાનો જાતે અનુભવ કરો.” આ પ્રમાણે શ્રીરામકૃષ્ણ સર્વનાં હૃદયમાં ત્યાગ, સાધુતા અને પવિત્રતાનો વાસ કરાવી રહ્યા હતા.