સ્વામી વિવેકાનંદ/વિદ્યાર્થી જીવન

વિકિસ્રોતમાંથી
← અંગ્રેજી નિશાળમાં સ્વામી વિવેકાનંદ
વિદ્યાર્થી જીવન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
માબાપની દેખરેખ નીચે →


પ્રકરણ ૬ ઠ્ઠું – વિદ્યાર્થી જીવન.

મેટ્રોપોલિટન ઇન્સ્ટીટ્યુશન નામની અંગ્રેજી નિશાળમાં નરેન્દ્રને મૂકવામાં આવ્યો હતો. નિશાળમાં તે એક જગ્યા સ્થિર બેસી રહેતો નહિ. પ્રવૃત્તિમયતા, દયાળુતા અને સ્વતંત્ર વિચાર, ખાસ કરીને આ ગુણો તેનામાં ન્હાનપણથીજ માલમ પડતા હતા અને જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે ગુણો વધારે ને વધારે ખીલતા ગયા. જ્યારે તે રમવાને જતો ત્યારે તે ખુબ રમતો, તે ઘણું કૂદતો, દોડતો અને કુસ્તી કરતો. તે છોકરાઓનાં નામ પાડતો અને તોફાન કરતો. રમતમાં પણ તે સૌનો સરદાર થઈ રહેતો. નવી નવી રમતો તે શોધી કહાડતો અને તેમાં મશગુલ થઈ જતો. ઉપરથી તે સૌને રમતીયાળ અને તરંગી જણાતો, પણ તેનું અંતઃકરણ ઘણું જ હેતાળ હતું. તેના હૃદયમાં ઊંડા પ્રેમનો ઝરો વહી રહ્યો હતો. રમતમાં કોઈને વાગે તો તે તરતજ રમત છોડી દઈને તેની માવજત કરવા મંડી જતો. બધા ફરવા ગયા હોય અને કોઈ માંદુ થઈ જાય તો તેને તે એકલો ઘેર પહોંચાડી આવતો. રસ્તામાં જતાં જતાં કોઇ માણસને આફતમાં આવેલો જુએ તો તરતજ તે ઉભો રહે અને તેની આફત દૂર કરે. એક વખત તેણે એક સ્ત્રી અને તેના બાળકને ચગદાઈ જતાં બચાવ્યાં હતાં. ઘોડાગાડીની છેક નીચે તે બંનેને આવી ગયેલાં જોઈને નરેન્દ્ર ઝટ ઉભો રહ્યો અને એક હાથે સ્ત્રીને અને બીજા હાથે તેના પુત્રને તેણે બહાદુરીથી ખેંચી કહાડ્યાં. શેરીનાં માણસો અને પાડોશીઓ સાથે તે માયાળુપણે વર્તતો અને તેમનું કામકાજ કરતો. બધાંને તેનામાં વિશ્વાસ હતો. ગરિબમાં ગરીબને પણ તે ઘણા હેતથી બોલાવતો. નીચ જાતિની સ્ત્રીને પણ તે “મોટી બ્હેન” કહીને બાલાવતો ! નરેન્દ્રમાં આ દયાળુતા અને ખાનદાની તેનાં માબાપમાંથીજ ઉતરી આવી હતી. ભુવનેશ્વરીનું હૃદય બહુજ દયાળુ હતું. એક વખત એક મુસલમાને પોતાનું ઘર ગીરો મૂકી વિશ્વનાથ પાસે અમુક રૂપીઆ વ્યાજે લીધા. મુદ્દત પુરી થઈ અને પૈસા આપી ઘર છોડાવવાનો વખત આવ્યો. પણ તે મુસલમાન પાસે પૈસા હતા નહિ. પોતાનું ઘર જશે એમ તેને ભય લાગ્યો. ભુખે મરવાનો તેને પ્રસંગ આવ્યો અને તેણે પોતાની હકીકત ભુવનેશ્વરીને કહી. તેમણે તે શાંતપણે સાંભળી અને એક પાઈ પણ લીધા વગર ગીરોખત મુસલમાનને પાછું આપી દઇને દેવું માફ કર્યું. વિશ્વનાથની સખાવતો આખા કલકત્તામાં જાણીતી હતી. મા બાપ તરફથી વારસામાં મળેલી આ દયાળુતાને લીધેજ મોટી વયે નરેન્દ્ર – વિવેકાનંદ – અસંખ્ય પરોપકારનાં કામો કરવાને શક્તિમાન થયો હતો. શાળાના દિવસોમાં તેનામાં એક પ્રકારની અશાંતિ – પ્રવૃત્તિમયતા – દેખાઈ આવતી હતી. એકનો એક વિષય શિખવવો કે એકજ સ્થળે બેસી રહેવું તેને ગમતું નહિ, નવું નવું જોવું, નવું નવું જાણવું, નવા નવા વિચારો કરવા, એ એને વધારે પસંદ પડતું. પણ આવું અસ્થિર-અશાંત બાળક, આસનવાળી એક ચિત્ત થઈ ધ્યાનમાં કલાકના કલાક સુધી બેસી રહેતું તે જોઈ સર્વને આશ્રય લાગતું ! સાધુઓને જોઈને હજી પણ નરેન્દ્ર ગાંડો ઘેલો થઈ જતો અને તે વખતે તેની અસ્થિરતા-અશાંતિ-કોણ જાણે ક્યાંયે જતી રહેતી ! સાધુ મળ્યો કે જાણે એને ગોળનું માટલું મળ્યું ! તેનો અંતરાત્મા સાધુ થઈ જવાને તત્પર થઈ રહ્યો હતો ! શાળામાં પોતાના મિત્રોને તે હર વખત પૂછતો કે દુનિયામાં તેઓ શું શું કરશે ! કોઈ નવો નિશાળીઓ આવે કે તેને પૂછે, “તારા વંશમાં કોઈ સંન્યાસી થયું છે ?” તે જો હા પાડે તો તે તેને બહુજ વહાલો લાગે ! વળી નરેન્દ્ર બધાની હસ્તરેખાઓ જોતો અને ભવિષ્ય ભાખતો. પોતાની રેખા જોઈને તે કહેતો કે તે સંન્યાસી થશે ! પછી બધાઓ સંન્યાસીઓની વાતો કરે અને નરેન્દ્ર તેમને સાધુઓનાં ચરિત્ર રસથી કહે ! “ તેઓ હિમાલયમાં રહે છે અને હમેશાં મહાદેવનાં દર્શન કરે છે, જેમને સન્યાસી થવું હોય તેમણે તેમની પાસે જવું અને પોતાની ઈચ્છા બતાવવી. મનુષ્ય અધિકારી છે કે નહિ તે જોવાને તેઓ તેને એક લાંબા વાંસ ઉપર અદ્ધર સુવાડે છે અને તે જો પડે નહિ તો તેને તેઓ દિક્ષા આપે છે. આ સંન્યાસીઓ શિવલિંગની માફક સીધા બેસે છે અને તેઓ કશાથી ડરતા નથી.” આવી આવી બાળક જેવી નિર્દોષ વાતો નરેન્દ્ર કહેતો. સાધુ વિષે વાત કરતાં તેનું હૃદય ઉલ્લાસમાં આવી જતું અને તેના મુખ ઉપર સાધુ જીવનની ઉજ્વલ પ્રકાશ છવાઈ રહેતો ! આવી વાતો કહેવામાં અને રમવામાં તે આખો દિવસ ગાળતો, માત્ર એકજ કલાક રોજ વાંચતો. વરસમાં નવ મહિના તે રમતો અને પરિક્ષા આવે ત્યારે જરા વધારે વાંચતો, પણ તેની બુદ્ધિ તીવ્ર હોવાથી તે વર્ગમાં પહેલો જ નંબર રાખતો અને પરિક્ષામાં ઉપલે નંબરે પાસ થતો. અંગ્રેજી, સંસ્કૃત અને ઇતિહાસમાં તેની ઉમ્મરના પ્રમાણમાં તે વધારે પ્રવીણ હતો. ગણિતને તે “ગાંધીઓને ધંધો ” કહેતો અને તે ખ૫ જેટલુંજ કરતો.

પ્રત્યક્ષ અનુભવ થયા વગર કાંઈ પણ માનવું નહિ એમ નરેન્દ્રનો અત્યારથી જ નિશ્ચય હતો. ફલાણાએ કહ્યું છે અથવા તે ફલાણા પુસ્તકમાં લખેલું છે માટે તે માન્ય કરવું, એનાથી તે તદન વિરૂદ્ધ હતો. નિશાળેથી આવતાં રસ્તામાં એક ચંપક પુષ્પનું ઝાડ હતું તેના ઉપર ચઢીને તે બેસતો. એ ઝાડની ડાળી ઉપર તે ઉંધે માથે લટકતો અને ભયંકર રમતો રમતો. એ ઝાડ એને બહુ પ્રિય હતું. એ ઝાડનો માલીક એક વૃદ્ધ સદગૃહસ્થ હતો અને તે નરેન્દ્રને ઓળખતો હતો. નરેન્દ્ર ઝાડ ઉપરથી પડશે તો એનું મોત થશે એવા વિચારથી તે તેને બીવડાવવાને કહેવા લાગ્યો: ‘આ ઝાડમાં એક બ્રહ્મરાક્ષસ રહે છે અને તે તારું ગળું મચડી નાખશે !” નરેન્દ્રને આ વાતમાં રસ પડ્યો. "રાક્ષસ હશે તો જોવાશે” એમ ધારીને તે ફરીથી ઝાડ ઉપર ચઢીને બેઠો. તેનો એક બાળમિત્ર પાસે ઉભો હતો તે ભયથી કહેવા લાગ્યો, “નીચે ઉતરી જા, નહિ તો બ્રહ્મરાક્ષસ તને મારી નાંખશે ! નરેન્દ્ર જવાબ આપવા લાગ્યો “જો બ્રહ્મરાક્ષસ અહીં રહેતો હોત તો તેણે મારું ગળું ક્યારનું એ પકડ્યું હોત ! મૂર્ખા કોઈએ કંઈ કહ્યું કે તરતજ તે માની લેવું નહિ.”

જાહેર હિમ્મત અને સ્વાભિમાનનો યોગ્ય જુસ્સો તેનામાં આ વખતે જણાઈ આવતાં હતાં. પોતાના બાપ વિશ્વનાથની સાથે વાતચિતમાં પણ તે વાદ વિનોદ કરતો અને તેના મનનું સમાધાન થયા સિવાય કંઇ પણ માનતો નહિ. મોટી વયે બાપ અને દીકરાની વચ્ચે મોટો વાદ થતો, તેમાં વખતે પિતા અને વખતે પુત્ર જય મેળવતો. નરેન્દ્રની આ વૃત્તિને વિશ્વનાથ કદી દબાવી દેતા નહિં. તેને જે પૂછવું હોય તે પૂછવા દે અને તેનું સમાધાન કરે. વાદવિવાદમાં જ્યારે પુત્ર જય મેળવતો ત્યારે ભુવનેશ્વરી ઘણાં ખુશી થતાં. મોટી વયે પણ તે એજ વાત સર્વને કહેતો હતો કે “પુસ્તકમાં વાંચો કે તરતજ માનશો નહિ તે સત્યને ખોળી કહાડો. જાતે અનુભવ કરો !” અંધશ્રદ્ધા નહિ, પણ સ્વાનુભવ, એ એના ઉપદેશનું લક્ષ્યબિંદુ થઈ રહ્યું હતું.

નાનપણથીજ સમયસુચકતા અને નિડરતાનાં ચિન્હ તેનામાં કેટલેક અંશે દેખાઈ આવતાં હતાં. તે નીચેનાં ઉદાહરણ ઉપરથી સહજ સમજાશે. તે લગભગ છ વર્ષનો હતો અને તેના મિત્ર સાથે મેળામાં ગયો હતો. લાખ માણસ ત્યાં એકઠાં થયાં હતાં. તેણે શિવની મૂર્તિઓ ખરીદ કરી હતી. તેને તે જીવ સમાન સાચવતો હતો, ભીડ ઘણી હોવાથી એ અને એનો મિત્ર બંને જણ છૂટા પડી ગયા, તેનો મિત્ર ભીડમાં ચગદાવાની તૈયારીમાં હતો. શિવની મૂર્તિઓને સંભાળવી અને તેના મિત્રને ભીડમાંથી શોધી બહાર કહાડવો એ બંને વાતો બનવી મુશ્કેલ હતી. એવામાં એક ઘોડાગાડી દોડતી આવી અને તેનો મિત્ર ઘોડાના પગ વચ્ચે આવી જતાં તેણે બૂમ પાડી, નરેન્દ્રે તે બૂમ દૂરથી સાંભળી કે તરતજ તેની પાસે દોડી આવ્યો. એક હાથમાં શિવની મૂર્તિઓ તેણે પકડી અને બીજે હાથે તેના મિત્રને તેણે ખેંચી કહાડ્યો ! પ્રેક્ષકોએ તેને શાબાશી આપી અને તેની પીઠ થાબડી. માતા ભુવનેશ્વરીએ આ વાત જાણી ત્યારે તેમણે હર્ષનાં આંસુ પાડ્યાં અને બોલ્યા: "મારા દિકરા, હમેશાં એવું જ પુરૂષાર્થ દાખવજે.” જ્યારે તે નવ કે દસ વર્ષનો હતો ત્યારે પણ તેણે નિડરતા બતાવી હતી. એક વખત કેટલાક વિદ્યાર્થીઓને લઇને વનસ્પતિ વિજ્ઞાનશાસ્ત્રને માટે બનાવેલા એક બાગમાં તે ગયો હતો. આ બાગ  કલકત્તાથી લગભગ બે માઈલને છેટે હુગલી નદીના કિનારા ઉપર આવેલો હતો. બધાને મછવામાં બેસીને ઘણે દૂર જવાનું હતું. બાગમાં થોડોક સમય ગાળ્યા પછી બધાએ પાછા ફર્યા. રસ્તામાં મછવાની અંદર એકજણ માંદું થઈ ગયું અને તે મછવાનો કેટલોક ભાગ તેનાથી ગંદો થયો. ખલાસીઓએ તે સાફ કરવાનું તેમને કહ્યું. તેઓ ગૃહસ્થના છોકરા હતા તેથી જેટલા જોઈએ તેટલા પૈસા આપવાનું તેમણે કહ્યું, પણ ખલાસીઓએ માન્યું નહિં. મછવો કિનારે આવ્યો પણ તે સાફ કર્યા વગર ખલાસીઓ તેમને ઉતરવા દેતા નહોતા. બોલા બોલી થઈ અને તકરાર વધી ગઈ. કલકત્તામાં ફોર્ટવિલિયમ નામની અંગ્રેજોની જુની કોઠી છે. તેમાંથી નીકળીને બે અંગ્રેજ સોલ્જરો બહાર આવતા હતા. નરેન્દ્રે તેમને દૂરથી જોયા. ખલાસીઓની સાથે તકરાર ચાલતી હતી એટલામાં હોડી જરા કિનારા તરફ વાંકી વળી ગઈ. નરેન્દ્ર તેમાંથી એકદમ કૂદકો માર્યો અને જીવના જોખમે કિનારે જઈને પડ્યો ! તે ખૂબ દોડ્યો અને પેલા અંગ્રેજ સોલ્જરોની પાસે ગયો. દારૂના નિશામાં તેઓ ચકચુર હતા, પણ નરેન્દ્ર તેમને બોલાવવાની હિંમત ધરી અને સભ્યતાથી ભાંગીતૂટી અંગ્રેજી બોલીમાં બધું કહેવા લાગ્યો. દારૂ પીધેલો હોવાથી અંગ્રેજ યોદ્ધાઓ સ્થિર ચાલી શકતા નહોતા, તેથી નરેન્દ્રે તેમના હાથ ઝાલ્યા અને તેમને મછવા પાસે લઈ ગયો. માછીઓને ધમકાવવામાં આવ્યા. અંગ્રેજ યોદ્ધાઓને જોઈનેજ માછીઓ ડરી ગયા અને બધા છોકરાઓને તેમણે ઉતરવા દીધા !!

એક બીજો બનાવ તેની હિંમત, નિડરતા અને સમયસુચકતા દર્શાવે છે. એક વખત કલકત્તાના બંદરમાં એક મનવાર આવી હતી. નરેન્દ્રના મિત્રોને તે જોવાની ઇચ્છા થઇ, પાસ મેળવ્યા વગર ત્યાં જવાય તેમ નહોતું. બધાએ નરેન્દ્રને પાસ મેળવવાનું સોંપ્યું, પાસને માટે એક અંગ્રેજ ઓફીસરની પાસે જવાનું હતું. ત્યાં જવાની કોઈની હિંમત ચાલતી નહોતી. નરેન્દ્રની ઉમ્મર આ વખતે અગીયાર વર્ષની હતી, પણ તેણે તે કામ માથે લીધું. તે સાહેબને બંગલે ગયો. તેને કાઈ અંદર પેસવા દે નહિ. તું છોકરો છે અને મનવાર જોવાને તું લાયક નથી એમ સિપાઈઓ કહેવા લાગ્યા. નરેન્દ્ર જરા ગભરાયો, પણ તરતજ તેણે હિંમત ધરી અને યુક્તિ ખોળી કહાડી. બંગલાની પાછળ એક સાંકડો દાદર હતો અને ત્યાં થઈને સાહેબ પાસે જવાનું હતું. નરેન્દ્ર ધીમે રહીને તે દાદર ચઢી ગયો અને સીધો તે સાહેબની પાસે જઈને ઉભા રહ્યો. સાહેબને તેણે અરજ કરી અને પાસ લઈને પાછો ફર્યો. હવે તે મોટે રસ્તે થઈને આવ્યો. સિપાઇઓ તેને જોઇને આશ્ચર્ય પામ્યા. “આ ક્યાંથી ઘુસી ગયો !” એમ તે બરબડ્યા અને નરેન્દ્ર સામે આંખો કહાડવા લાગ્યા. “મને જાદુ આવડે છે.” એમ બોલતા અને ગર્વથી તેમની સામે ડોળા કહાડતો કહાડતો નરેન્દ્ર છેક પાસે થઈને ચાલતો થયો !

વિદ્યાર્થી જીવનના દિવસોમાં તે કબુતર, ઉંદર અને પોપટ જોડે પણ ખૂબ રમતો, રમકડાંની આગગાડી બનાવતો અને પતરાંની નળીઓ કરી ઠીંકરાનાં વાસણોની નીચે ઘાસનો ધુમાડો કરી એક નાનું વિજળીનું કારખાનું તે કરતો: અને નળીઓમાં ધુમાડો બહાર નીકળતો ત્યારે તેની સામે તે વેગળો ઉભો રહેતો અને પોતાના હાથ કેડે દઈ જાણે કે કોઈ એન્જીનીયર પોતાના કારખાનાને જોતો હોય તેમ તે ગર્વથી જોતો. વળી તેને સારી રસોઈ કરતાં શિખવાનો શોખ થયો. તેણે તેના મિત્રો સાથે મળીને રસોઈનું કામ કરવા માંડ્યું. મોટી વયે પાકશાસ્ત્રની અંદર તે એટલો બધે કુશળ થયો હતો કે અમેરિકામાં થાઉઝન્ડ આઇલેંડ પાર્કમાં પોતાના અમેરિકન શિષ્યોને એક બાજુએ તેમના ગુરૂ તરીકે ઉંડા તત્વજ્ઞાનનો બોધ તે આપતો, અને બીજી બાજુએ તરેહ તરેહવારની હિંદુ રસોઈ બનાવી તેમને જમાડતો અને તે બાબતમાં પણ હિંદુઓની નિપૂણતા સાબીત કરતો ! આ પ્રમાણે દરેક વસ્તુનો જાતે અનુભવ મેળવી, તેને જાતેજ કરી બતાવવી, એ સિદ્ધાંતને દરેક બાબતમાં તે પકડી રહ્યો હતો.

નરેન્દ્ર તેના સાથીઓનો નેતા થતો. તેના મિત્રો તેને ઉપરી તરીકે ગણતા. બાલ્યાવસ્થાની રમતના સંસ્કારો મોટી વયે પણ જાગૃત રહે છે અને મનુષ્ય જાણે કે ફરીથી તેવીજ રમત રમતો હોય તેમ મહત્વનાં કાર્યોમાં તેવીજ પ્રવૃત્તિ કરી રહે છે. બાલ્યાવસ્થાનો નેપલિયન કે વેલીંગટન, મોટી વયે સમરાંગણમાં પણ તેની તેજ રમત રમે છે. “હું રાજા છું” એમ બોલતો બોલતો નરેન્દ્ર દાદરના છેક પહેલા પગથીયા ઉપર જઈને બેઠો. તેના બે મિત્રોને તેણે નીચલા પગથીયા ઉપર પ્રધાન અને સેનાપતિ થઇને બેસવાનું કહ્યું. બીજા પાંચને ત્રીજે પગથીયે ખંડીયા રાજા તરીકે બેસાડ્યા. બીજા કેટલાકને રાજદરબારીઓ બનાવી છેક નીચે બેસાડ્યા, અને દરબારનું કામકાજ શરૂ કર્યું. ખંડીયા રાજાઓ અને રાજપુરૂષો તેને એક પછી એક નમન કરવા લાગ્યા. કેટલાક તેને સૂર્યવંશ ભૂષણ, પૃથ્વીપતિ અને ધર્મપાલક તરીકે બોલાવવા લાગ્યા. પછીથી પ્રજાના સંરક્ષણ વિષે વાતચિત થયા પછી એક ગુન્હેગારને તેની પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને ફાંસીની સજા ફરમાવી; ગુન્હેગાર ન્હાસી ગયો અને પકડા પકડી ચાલી રહી. ઘરના નાકરોને ત્રાસ થયો અને તે નરેન્દ્રના સાથીઓને ધમકાવવા લાગ્યા, પણ નરેન્દ્ર એકદમ આવ્યો અને ઉલટો તેઓ સર્વેને ડરાવવા લાગ્યો.

વિશ્વનાથદત્ત વકીલ હોવાથી તેમને ઘેર ઘણા અસીલો આવતા. બંગાળામાં એવો રીવાજ છે કે જુદી જુદી ન્યાતના માણસાને માટે જુદા જુદા હુક્કા ભરીને તૈયાર રાખવામાં આવે છે. વિશ્વનાથના અસીલો તેમને ઘેર આવતા ત્યારે નીચે બેસતા અને પોતપોતાની ન્યાતનો હુક્કો લઇને ગગડાવતા. નરેન્દ્ર કોઈ કોઈ વખતે તેમની પાસે બેસતો અને તેમના ગપાટા સાંભળતો. અસીલો તેમને ઘેર ચાલ્યા જાય ત્યારે નરેન્દ્ર વારાફરતી દરેક હુક્કો ગગડાવીને તેનો સ્વાદ ચાખી જોતો ! જુદા જુદા હુક્કામાંથી જુદા જુદા સ્વાદ આવે છે એમ તે માનતો. પોતાની ન્યાતનો હુક્કો પીવાય અને બીજી ન્યાતનો ન પીવાય એ વિચારથી તેને આશ્ચર્ય લાગતું ! “શું બીજાનો હુક્કો પીયે તો મરી જવાય ? શું ઘરનું છાપરું માથે તૂટી પડે ? મને અજમાવી જોવા દ્યો” એમ કહેતો કહેતો નરેન્દ્ર દરેક હુક્કાનો સ્વાદ ચાખતો અને પછી બોલતો “જુઓ, હું તો કંઇ મરી જતો નથી ! મારા ઉપર કંઈ મેડી તૂટી પડતી નથી !” તેના ઘરનાં તેની તરફ જોઈ રહેતાં અને તેના આ કૃત્ય સામે તિરસ્કાર દર્શાવતાં. એટલામાં એક દિવસ વિશ્વનાથ જાતે ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા : “આ શું કરે છે ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “બીજી ન્યાતનો હુક્કો પીયે તો શું થાય તે હું અજમાવી જોઉં છું !” વિશ્વનાથ ખડખડ હસ્યા અને પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. બાળકની આ બાળ ક્રીડામાં પણ જાતે જોવું, અનુભવવું, પછીજ માનવું, એ સિદ્ધાંતજ કૃતિમાં મૂકાતો હતો.

ફરીથી એક વાર નરેન્દ્ર પેલા ચંપક વૃક્ષ ઉપર જઇને બેઠો હતો. તેનો માલીક તેને ફરીથી જોઈને કંટાળીને પુછવા લાગ્યો : “અલ્યા છોકરા તું તે શું આખો દિવસ રમતો ફરે છે; કાંઈ વાંચતો કેમ નથી ?” નરેન્દ્ર જવાબ આપ્યો : “હું વાંચુછું અને રમુંછું બંને કરૂંછું !” માલીક વિદ્વાન હતો. તેણે નરેન્દ્રને ઘરમાં બોલાવ્યો અને તેની પરીક્ષા લીધી. તેના અભ્યાસ વિષે તેની ખાત્રી થઈ. વળી તેણે પુછ્યું : “તું ક્યારે વાંચે છે અને તારી ઉપર દેખરેખ કોણ રાખે છે ?” નરેન્દ્રે જવાબ આપ્યો : “હું સવારમાં વાંચુંછું અને મારી મા મારા ઉપર દેખરેખ રાખે છે.” નરેન્દ્રનો અભ્યાસ, બોલવાની છટા, અને નિડરતા જોઈને તે માલીક આશ્ચર્ય પામ્યો અને બોલ્યો : “મારા દિકરા ! તું એક મોટો માણસ થઈશ ! હું તને આશિર્વાદ આપું છું.”