લખાણ પર જાઓ

સ્વામી વિવેકાનંદ/અંગ્રેજી નિશાળમાં

વિકિસ્રોતમાંથી
← સરસ્વતી દેવીને અર્પણ સ્વામી વિવેકાનંદ
અંગ્રેજી નિશાળમાં
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
વિદ્યાર્થી જીવન →


પ્રકરણ ૫ મું ― અંગ્રેજી નિશાળમાં.

સાત વર્ષની ઉમ્મરે નરેન્દ્રને અંગ્રેજી નિશાળે મૂકવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે હવે તેને અંગ્રેજી શિખવું પડશે. નરેન્દ્ર “ના” કહેવા લાગ્યો. “તે મ્લેચ્છ ભાષા શા માટે હિંદુઓએ શિખવી જોઈએ” એમ તે કહેવા લાગ્યો. આપણે તો આપણી ભાષામાં પારંગત થવું જોઈએ એમ તે વિચારવા લાગ્યો. “અંગ્રેજી ભાષા હું નહીં શિખું” એમ તે દૃઢપણે દર્શાવવા લાગ્યો. નિશાળેથી તે પાછો આવતો રહ્યો. તેનાં માબાપે તેને સમજાવ્યો કે તે રાજ્યભાષા છે અને શીખવી આવશ્યક છે. તો પણ તે માને નહિં. તેના બાપનો એક ઘરડો કાકો હતો તેણે તેને એક ખુણામાં લઈ જઈને ખુબ સમજાવ્યું, પણ તે માને નહિ. કેટલાક માસ વીતી ગયા પછીજ એના મગજમાં એ વાત ઉતરી અને વૃદ્ધ કાકાની શિખામણ માની અને અંગ્રેજીનો અભ્યાસ શરૂ થયો. પોતાના મનનું સમાધાન થયા વગર કોઈ પણ વાત શરૂ ન કરવી એ આ બાળકનો સ્વભાવ હતો, અને સમાધાન થયા પછી જે બાબત તે હાથ ધરતો તેમાં તે પ્રવીણ થતો ત્યાં સુધી તેને છોડતો નહિ. અંગ્રેજી શિખવાનું હાથ ધર્યા પછી તેમાં તે એટલો પ્રવીણ થયો હતો કે મોટી વયે પાશ્ચાત્ય વિદ્વાનોને તેમની સ્વભાષામાં પણ તે આંજી નાંખતો અને આખી દુનિયામાં આર્ય તત્વજ્ઞાનનો ફેલાવો કરવામાં એ ભાષા તેની પાસે એક સમર્થ સાધનરૂપે થઈ રહી હતી. સાથે સાથે એટલું કહેવાની ખાસ જરૂર છે કે નરેન્દ્રને નિશાળે મૂક્યો પણ તેની ઘરની કેળવણી બંધ થઈ નહોતી. હિંદુસ્તાનમાં આજકાલ બાળકને નિશાળે જતું કર્યું એટલે માબાપની ફરજ સેંકડે નવ્વાણું ટકા પુરી થયેલી ગણાય છે. કેટલાંક માબાપ વખતે “આજ કેટલામો નંબર પુરાવ્યો” એટલો વસાલ છોકરાંને પૂછે છે, પણ તેના ચારિત્ર સંબંધી કે ગૃહ કેળવણી સંબંધી બિલકુલ દરકાર કરતાં નથી. સુધારામાં સપડાઈ ગએલાં માબાપ સુધારો, સુધારા કરતાં કાંઈ પણ આદર્શ વગરનું જીવન ગાળે છે. તેમના વિચારો માત્ર સંસારની વાસનાઓને તૃપ્ત કરવાનાજ હોય છે. તેની આગળ શું છે તે જોવાની અગર જાણવાની તે દરકાર કરતાં નથી. આ પ્રમાણે જે માબાપો દ્રવ્યનીજ પાછળ ભટક્યા કરે છે તેઓ પોતાનાં છોકરાંને પણ તેમજ કરવાનું શિખવે એટલે પછી બાળકો ઉંચા ચારિત્રવાળાં ક્યાંથી થાય ? નરેન્દ્રની બાબતમાં તેમ થયું નહોતું. ભુવનેશ્વરી દેવીએ તેને રામાયણ અને મહાભારતના અસંખ્ય શ્લોકો કંઠે કરાવ્યા હતા. બંગાળી ભાષાનું સાહિત્ય પણ તેને ખાનગી શિક્ષક મારફત શિખવાતું. આથી કરીને ઘણાં બંગાળી વાક્યો નરેન્દ્ર મ્હોડે બોલી જતો. ખાસ કરીને રામાયણ અને મહાભારત બંગાળી ભાષામાંજ તેને શિખવવામાં આવ્યાં હતાં. આથી કરીને કેટલાક વેરાગીઓ, હાથમાં એકતારો લઈને રામાયણમાંની કવિતાઓ બોલતા બોલતા તેના ઘર પાસે આવતા. ત્યારે તેમને નરેન્દ્ર ધ્યાન દઈને સાંભળતો અને વખતે તેઓ ભૂલ કરતા તો તે સુધારાવતો. તેઓ તેની પ્રશંસા કરતા અને પાછા ફરતા. કોઈ પણ સ્થળે રામાયણની કથા કહેવાય તો ત્યાં નરેન્દ્ર જરૂર જાય. ભજન થતું હોય તો ત્યાં પણ જાય, ભજન ગાવા માંડે અને પ્રભુ નામની ધૂન બોલતા બોલતા કૂદવા માંડે. હનુમાનનું ચારિત્ર તેને અત્યંત પ્રિય થઈ પડતું. હનુમાન ! બાલ બ્રહ્મચારી ! વજ્રાંગ ! મહાવીર ! મહાભક્ત ! આજ્ઞાંકિત સેવક ! શ્રીરામના નામ વગરની મુક્તામાળા પણ જેને તુચ્છ લાગી ! આવા શબ્દો ભાર મૂકી મૂકીને તે બોલતો અને મસ્ત બની જતો ! એક કથાકારે એને કથામાં કહ્યું કે હનુમાન કેળાની ઘટામાં હજી પણ રહે છે. નરેન્દ્ર તરતજ શ્રીહનુમાનનાં દર્શન કરવાને આતુર બની ગયો ! તે બોલી ઉઠ્યો, “મને દર્શન દેશે ?” કથાકારે જવાબ આપ્યો, “હા, તમને પણ દર્શન થશે !” રસ્તામાં આવતાં આવતાં કદળી વૃક્ષની ઘટા તેની નજરે પડી. નરેન્દ્ર તેમાં જઇને બેઠો અને ધ્યાન ધરવા લાગ્યો. લાંબો વખત થયો પણ કંઈ દર્શન બર્શન થયું નહિં. તે બહુજ નિરાશ થયો અને ઘેર પાછો આવ્યો. ઘરનાં માણસોએ તેને સમજાવ્યો અને તેના બાળક હૃદયને શાંત પાડવાને માટે કહ્યું; “શ્રીરામનો સંદેશો લઈને તે પરગામ ગયા છે.” આથી તે શાંત થયો. કેવું બાળક હૃદય ! કેવી નિર્દોષતા ! બાળક નરેન્દ્રને મન તો પૃથ્વી ઉપરજ દેવતાઓ વસી રહ્યા હતા ! સંન્યાસી થયા પછી પણ તે હનુમાન મહાવીરની વાર્તા ઘણા જુસ્સાથી કહેતો અને તેને સાંભળનારાઓ આવેશમાં આવી જઈને “જય હનુમાન” એમ બૂમ પાડી ઉઠતા. પોતાના આશ્રમમાં પણ હનુમાનની મૂર્તિ રાખવાની ઈચ્છા તેણે દર્શાવી હતી.

ભજન ગાનારી મંડળીઓ નરેન્દ્રના ઘર આગળ આવતી અને ભુવનેશ્વરી પોતાના પુત્રને માટે ખાસ કરીને તેમની પાસે ભજન ગવરાવતાં. નરેન્દ્ર તેથી ખુશી થતો અને કવિતામાં ગવાતી કથાઓને ધ્યાન દઈને સાંભળતો. આ પ્રમાણે અનાયાસેજ હિંદુ ભાવનાઓનું શિક્ષણ નરેન્દ્રના હૃદયમાં રેડાતું હતું. પોતાના પ્રજાકિય સાહિત્યનું અધ્યયન બાળક જેમ જેમ વધારે કરે તેમ તેમ તેનામાં સ્વાભાવિક રીતેજ સ્વદેશપ્રીતિ અને સ્વાભિમાન વધારે વધારે ઉદય પામે છે અને તે ખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે; એમ ભુવનેશ્વરી દેવીનું દૃઢ માનવું હતું. માતૃભાષાના પરિપક્વ અભ્યાસની આવશ્યકતા ભુવનેશ્વરી દેવી સારી પેઠે સમજતાં હતાં. માતૃભાષામાં લખાયલાં પુસ્તકો, કવિતાઓ, ભજનો, દંતકથાઓ, ઇતિહાસ અને ચરિત્રો નરેન્દ્ર પાસે વંચાવવાં અથવા તો કોઈના મુખથી ગવાતાં તેને સંભળાવવાં કે જેથી કરીને બાળક સ્વદેશી સાહિત્યનું પ્રેમી બને, સ્વદેશી સાહિત્યમાં બાળકનો આત્મા ઉછેરાય, તેનું રહસ્ય તે સમજે અને તેની ઉંડી છાપ તેના હૃદયમાં પડી રહે એમ ભુવનેશ્વરી દેવી દૃઢપણે માનતાં અને નરેન્દ્રનો આત્મા બંગાળી સાહિત્યથી અલંકૃત થાય અને બંગાળી સાહિત્યમાં તે સર્વદા જાગૃત રહે એમ કરવાને તે અનેક યુક્તિઓ રચતાં. આ સઘળાનું પરિણામ એ આવ્યું કે આગળ ઉપર નરેન્દ્ર બંગાળી સાહિત્યનો એક મહાન ભક્ત બન્યો. બંગાળી ભાષાનો એક વિખ્યાત લેખક થયો અને બંગાળી કવિતાઓમાં એક કવિ તરિકે પણ માન મેળવી શક્યો ! આ સઘળો પ્રતાપ ભુવનેશ્વરી દેવીનોજ હતો ! શાબાશ છે એ શુદ્ધ આર્યાને ! ધન્ય છે એ આદર્શ માતાને ! નરેન્દ્રનું મહદ્ ભાગ્ય હતું કે આવી વીર વિદુષી માતા તેને મળી હતી !

અફસોસ ! કેટલો બધો વિનિપાત ! ભુવનેશ્વરી દેવી જેવી લલનાઓ પણ જે માતૃભાષાની હિમાયત કરે, તેની કેવી દુર્દશા ! આધુનિક સમયમાં કોલેજના વિધાર્થીઓને એક કકડો કાગળ લખવો હોય તો તે ઇંગ્રેજી ભાષામાંજ લખવાનું વધારે પસંદ કરે અને તે ભાષામાંજ સારી રીતે લખી શકે ! માતૃભાષામાં લખતાં તેમને શબ્દો જડે નહીં, વાક્ય રચના ગોઠવતાં મુશ્કેલી થાય અને વિચાર સ્પષ્ટપણે દર્શાવતાં આવડે નહીં ! ભલભલા ગ્રેજ્યુએટો પણ તેમાં ઉડું જ્ઞાન ધરાવતા ક્વચિતજ જણાય ! રે, તેને માટે પસંદગી કે તેની આવશ્યકતા દર્શાવતા ભાગ્યેજ દેખાય ! જ્યાં માતૃભાષાની આવી અવગણના ત્યાં સારાં બાળકોની આશાજ શી !