સ્વામી વિવેકાનંદ/સરસ્વતી દેવીને અર્પણ

વિકિસ્રોતમાંથી
← જન્મ અને બાલ્યાવસ્થા સ્વામી વિવેકાનંદ
સરસ્વતી દેવીને અર્પણ
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
અંગ્રેજી નિશાળમાં →


પ્રકરણ ૪ થું ― સરસ્વતી દેવીને અર્પણ.

નરેન્દ્ર છ વર્ષનો થયો ત્યારે તેને એક ગામઠી સંસ્કૃત પાઠશાળામાં મુકવામાં આવ્યો. જે દિવસે નિશાળની શરૂઆત કરી તે દિવસે ઘરમાં મોટા ઠાઠથી સરસ્વતી દેવીનું પૂજન થયું. વેદના અનેક મંત્રો ભણવામાં આવ્યા અને અંતઃકરણોએ એકત્ર થઇને પ્રાર્થના કરી અને માતાપિતાએ પોતાના બાળકને સરસ્વતી દેવીને અર્પણ કર્યું ! કેવા ભાવથી, કેવી શ્રદ્ધાથી અને કેવા ઉલાસથી બાળક અર્પણ થયું હશે કે સરસ્વતી દેવીએ તેને પોતાનું જ કરી લીધું ! શુદ્ધ અને શ્રદ્ધાવંત અંતઃકરણોની આશીષ અને ઈચ્છા સત્વર ફળીભૂત થાય છે. કેટલાં માબાપો આવી શ્રદ્ધાથી પોતાનાં બાળકોને નિશાળે મુકે છે અને સરસ્વતીને અર્પણ કરે છે. હિંદુશિક્ષણનાં તત્ત્વો કાંઈક જુદાંજ છે ! પશ્ચિમમાં વિદ્યા ઐહિક સુખના સાધન તરીકે લેખાય છે, પણ હિંદમાં પારમાર્થિક જીવનના પગથીયારૂપે ગણાય છે. શુદ્ધ આર્યત્વનો વિકાસ તેમાં અનાયાસેજ થાય છે. અનેક ધાર્મિક સત્યો અને સિદ્ધાંતોનું દર્શન તેમાં કરાવાય છે. આ પારમાર્થિક વિચારને લીધેજ સરસ્વતી−વિદ્યાદેવી દેવી તરીકે લેખાય છે – પૂજાય છે અને બાળક ધાર્મિક ક્રિયાઓથી તેને અર્પણ કરાય છે તથા ભણવું એ પણ ધાર્મિક કર્તવ્ય મનાય છે.

નરેન્દ્ર શાળામાં જવા લાગ્યો પણ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની રીતભાતથી તેના ઉપર ખોટી અસર થવા લાગી, તેથી માબાપે ખાનગી રીતે એક પંડિતને ઘેર રાખી નરેન્દ્રને ભણાવવાનો પ્રારંભ કર્યો. નરેન્દ્રની સ્મરણશક્તિ અત્યારથી જ તીવ્ર દેખાતી હતી. તેની સાથે ભણવાને બીજા છોકરાઓ પણ તેના ઘરમાં આવતા હતા. પંડિત બધાને ભણાવે અને સઘળા ધ્યાન દઈને સાંભળે, પણ નરેન્દ્ર એક બાજુ ઉપર પલાંઠી વાળી, આંખો મીંચીને ધ્યાન ધરતો બેસી રહે ! આથી તેના શિક્ષક ઘણા ગુસ્સે થતા અને મનમાં ધારતા કે નરેન્દ્ર મૂર્ખ છે અને ક્લાસમાં ઉંઘ્યા કરે છે. આવી રીતે વખત વર્ગમાં પાઠ શીખવતે શીખવતે તેમણે નરેન્દ્રને આખો મીંચીને બેઠેલો જોતાં તે ઘણા ખીજવાયા. એકદમ ઉઠીને તે નરેન્દ્રની પાસે ગયા અને તેને બે હાથે ઝાલીને ખુબ હલાવ્યો તથા ધમકાવ્યો; પરંતુ નરેન્દ્ર તુરતજ પોતાના બચાવમાં બધા પાઠ કડકડાટ બોલી જવા લાગ્યો ! પંડિતજી તો આ પ્રકાર જોઈને છક્કજ થઈ ગયા ! તેઓ ધીમેથી માત્ર એટલું જ બરબડ્યા કે “આ તો કોઈ વિલક્ષણ પુતળું છે !” તે સમયથી નરેન્દ્રની સ્મરણશક્તિ માટે તેમને ઘણોજ ઉંચો અભિપ્રાય બંધાયો.

વિશ્વનાથદત્ત અને ભુવનેશ્વરીની તીવ્ર ઈચ્છા હતી કે નરેન્દ્રને અંગ્રેજી શિખવતાં પહેલાં સંસ્કૃતમાં પારંગત કરવો. સંસ્કૃત ભાષા હિંદુઓની એક વખતની માતૃભાષા છે અને હાલની ધર્મભાષા છે. જગતમાં સર્વથી તે જુનામાં જુની ભાષા લેખાય છે. આર્યોના પ્રૌઢ વિચાર અને ઉચ્ચ ભાવનાઓનો તે ભંડાર છે. હિંદુ શાસ્ત્રો તેમાંજ રચાયલાં છે. હિંદુઓનું ગૈારવ તેમાંજ સમાયેલું છે. તેના અધ્યયનથી હિંદુ જીવનનાં તત્વો સહજે સમજાય છે અને આર્ય ચારિત્ર ઘડાય છે. હિંદુ ચારિત્ર કેવાં ઉચ્ચ તત્વોનું બનેલું છે તેનો ખ્યાલ એ ભાષા આપણને આપે છે. આર્યોના પ્રાચીન અને અસાધારણ ગૈારવને તથા પ્રજાકિય જીવનને સમજાવે છે. આર્ય જીવનનો તે પાયો છે. તેમાં સમાયેલી વિદ્યા અને વિચાર આર્ય પ્રજાનો મહાન ખજાનો છે. આર્ય પ્રજાનું ઐક્ય અને તે ઐક્યનું ભાન તેનાજ ઉપર રહેલું છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેનું પ્રથમ સુત્ર છે. પ્રજાકિય કેળવણીનું તે બીજ છે. તેનો ઉંડો અભ્યાસ, આર્ય જીવન શું શું કરી શકે, આર્યજીવનની મહત્તા કેટલી છે, તેમાં કેવી કેવી ગુહ્ય શક્તિઓ રહેલી છે તે સર્વનું પ્રત્યક્ષ ભાન કરાવે છે. તેના અભ્યાસ વગર હિંદુ ધર્મનું ખરું સ્વરૂપ સમજાતું નથી. આર્ય સ્ત્રી પુરૂષોના આદર્શ એ ભાષાના ગ્રંથોમાંથીજ માલમ પડી આવે છે. ભારતવાસીઓનો તે આત્મા છે. સમસ્ત હિંદુ પ્રજાનો સમસ્ત ભારતવર્ષમાં પ્રસરી રહેલો તે જીવન પ્રવાહ છે. હિંદની સમસ્ત ભાષાઓનું તે મૂળ છે. સંસ્કૃતનું જો વિસ્મરણ થાય તો આર્ય પ્રજા નષ્ટ થઈ જાય. આથી નરેન્દ્રના માબાપે પ્રથમ સંસ્કૃતથીજ શરૂઆત કરાવી. બાલ્યાવસ્થામાંજ બાળકને પોતાની ધર્મભાષા ભણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. નરેન્દ્રનો પ્રેમ એ ભાષા તરફ દિવસે દિવસે વધતો ગયો અને તે એટલો વધ્યો કે તે વિવેકાનંદ તરીકે બહાર પડ્યો ત્યારે સંસ્કૃત ભાષાના મોટા અભ્યાસી અને હીમાયતી તરીકે પ્રખ્યાત થયો; અને અમેરિકામાં તેના સંસ્કૃત અભ્યાસને લીધે પણ તે ઘણા અમેરિકનોનાં હૃદયને જીતી લઈ શક્યો.

ઘરમાં વિશ્વનાથદત્તનો એક સગો સંસ્કૃતનો પંડિત હતો તેની પાસે નરેન્દ્રને હવે રાખવામાં આવતો. રાતે તેનું સૂવાનું પણ તે પંડિતની પાસેજ થતું. આ વિદ્વાનનું ધારવું હતું કે બાળકની સ્મરણશક્તિ ખીલવવાને અને તેનું ચારિત્ર ઘડવાને સંસ્કૃતના કેટલાક શ્લોકો અને પાઠ તેને કંઠે કરાવવા. આથી સૂતાં પહેલાં તે અનેક પ્રકારના ઉત્તમોત્તમ શ્લોક તેને કંઠે કરાવવા લાગ્યા. નરેન્દ્રને તે સહેલાઈથી કંઠાગ્ર થઈ જતાં.

ભુવનેશ્વરી દેવીએ તેને હવે અંગ્રેજી ભાષાના અક્ષરો શિખવવાની શરૂઆત કરી. જે અંગ્રેજી ભાષાદ્વારા આખા જગતને ધ્રુજાવવાને નરેન્દ્ર એક વખત શક્તિમાન થયો હતો તે ભાષાનું શિક્ષણ આપવાની માતાએજ શરૂઆત કરી. સાથે સાથે ભુવનેશ્વરીએ પાંડવોની કર્તવ્યનિષ્ઠા, તેમનાં પરાક્રમ અને યુદ્ધ વગેરેથી ભરપૂર એવી આખી મહાભારતની કથા પણ તેને સંભળાવવાની શરૂ કરી. નરેન્દ્ર અત્યંત ભાવથી તે સાંભળતો. એક તરફ અંગ્રેજી ને બીજી તરફ પ્રાચીન સંસ્કૃતિ ! કેવો સરસ સંયોગ ! નરેંદ્ર જ્યારે વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયો ત્યારે તેનામાં દૃષ્ટાંત તરીકે વાર્તાઓ કહેવાની જે અદ્ભુત કળા આવી હતી તે કળા ભુવનેશ્વરી દેવી પાસેથીજ તે શિખ્યો હતા. વળી આ કુમળી વયમાં જ ભુવનેશ્વરી દેવીએ તેનામાં દેવપૂજા કરવાનો સંસ્કાર નાંખ્યો.

ખરી પ્રાથમિક કેળવણી તો આ પ્રમાણે માતાને હાથેજ મળી શકે ! સાધુ સંતોના અનુભવોની લાંબી લાંબી પુષ્કળ કથાઓ હિંદુસ્તાનમાં પ્રચલિત છે. ઋષિમુનિઓનો તે હિંદુ પ્રજાને અમૂલ્ય વારસો છે. તેની આધ્યાત્મિક વિદ્યાનો તે પાયો છે. તેમના ચારિત્ર ઉપરથીજ હિંદુ સમાજનું બંધારણ બંધાયેલું છે. સમાજના મૂળ બંધારણની પાછળ તે ગુહ્ય તત્ત્વ રૂપે રહેલું છે. હિંદુ સમાજમાંની અનેક ઉત્તમ રૂઢિઓએ સૂક્ષ્મ તત્ત્વોનોજ સ્થૂલ આવિર્ભાવ છે. આથીજ હાલ અનેક વેશધારીઓ વધી જવા છતાં પણ સાધુ સંતોનું હિંદુ સમાજમાં ઉચ્ચ પદ ગણાય છે અને જેઓ જ્ઞાન અને ઉચ્ચ ભાવનાઓનો ભંડાર ગણાય છે. તેમનું ચારિત્ર હિંદુ સમાજના જીવનનું તારતમ્ય અને અંતિમ આદર્શ છે. તેમના આધ્યાત્મિક અનુભવો અને ઉપદેશ શ્રવણ કરવાને દરેક સંસ્કારી હિંદુ સદા આતુર હોય છે. નરેન્દ્ર પણ સ્વાભાવિક રીતે ઈશ્વરનાં દર્શન પામેલા હોય એવા સંત પુરૂષોની વાર્તાઓ ઘણા ઉલ્લાસથી સાંભળતો અને ઘણી વખત અરણ્યમાં જઈ એક ભક્ત અથવા યોગીની માફક ઈશ્વરનાં દર્શન કરવાને આતુર બનતો. બીજાં બાળકોની સાથે રમતે રમતે પણ “ચાલો આપણે ઈશ્વરનું ધ્યાન ધરીએ” એમ બોલી ઈશ્વરનું ધ્યાન ધરવા બેસી જતો અને બીજાને તેમ કરવાનું કહેતો. સંસારની વાતોથી તે દૂર રહેતો. અત્યારથી જ તેનામાં વૈરાગ્યવૃત્તિ દેખાતી હતી.

એક બનાવ એવો બન્યો કે જેથી તેની વૈરાગ્યવૃત્તિને પોષણ મળ્યું. ઘોડા અને ગાડીઓનો તે શોખીન હતો, તેથી ઘણુંખરું ઘોડાઓના તબેલામાં તે જતો, ઘોડાઓને પંપાળતો અને ગાડીવાન સાથે વાતચીત કરતો. આ ગાડીવાન કુંવારો હતો અને તે પરણતો નહોતો. સંસાર અસાર છે, દુઃખનો દરીઓ છે, એમ કહેતો કહેતો તે પોતાનો અનુભવ કહેવા લાગ્યો. સંસારનાં બંધનમાં પડવું, સ્ત્રી અને છોકરાની કાળજી માથે વ્હોરી લેવી, એવી એવી મુશ્કેલીઓ દર્શાવીને તેણે સંસારી જીંદગીનાં અનેક દુઃખ વર્ણવ્યાં. નરેન્દ્ર તેની વાત સાંભળતો અને ઉંડા વિચારમાં પડી જતો. એકવાર આ વાત સાંભળીને તેણે નિશ્ચય કર્યો કે “હું કદી પરણનાર નથી. બસ સ્વતંત્ર જીંદગીજ મારે જોઈએ ! હું સાધુ થઈશ અને સ્વતંત્રપણે આખા હિંદમાં પર્યટન કરીશ.” આ નિશ્ચયની અસર તેના દરેક કૃત્યો ઉપર થઈ. ભુવનેશ્વરી દેવી રામ અને સીતાનાં ઉપાસક હતાં, તેથી નરેન્દ્ર રામ અને સીતા તરફ અત્યંત ભક્તિભાવ દર્શાવતો અને તેમની પવિત્ર કથા સાંભળતાં સાંભળતાં તેનો આત્મા પવિત્ર વાસનાઓથી ઉભરાઈ જતો અને તે આવેશમાં આવી જતો; પણ રામ અને સીતા પરણેલાં ! શ્રી રામ સંસારી ! શ્રી રામ – સાક્ષાત ઈશ્વરનો અવતાર તે પણ સંસારના બંધનમાં ! આ વિચાર તેના મનમાં ખુંચવા લાગ્યો. ભુવનેશ્વરીએ તેને સીતા સ્વયંવરની કથા કહી હતી. તેમનો દાંપત્ય પ્રેમ તે વખાણતાં અને રામના પરાક્રમોનું તે આનંદથી મનન કરતો. રામ અને સીતા બંનેનાં ચારિત્રને તે સર્વોત્કૃષ્ટ ગણતો પણ – પણ તે પરણેલાં ! બસ, ત્યારે બધુંએ નકામું !

શ્રીરામ અને સીતાની મૂર્તિને તે દરરોજ પૂજતો પણ હવે ઉપલા વિચારને લીધે તેને તેના ઉપર અશ્રદ્ધા થવાનું કારણ મળ્યું. ભક્તિભાવમાં ખલેલ પહોંચ્યું અને પોતાનો આદર્શ ફેરવવાનો સમય આવ્યો ! નરેન્દ્ર રોવા જેવો થઈ ગયો. તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં ! દેવતા બધાએ સંસારી ! હવે કોનું પૂજન કરવું એ વિચારે તેને બહુજ મુઝવ્યો. તેને દુઃખમાં સહાય કરનાર, તેની શંકાઓનું સમાધાન કરનાર, ભુવનેશ્વરી દેવી ડગલે ડગલે તૈયારજ હતાં. ભુવનેશ્વરી નરેન્દ્રનું સર્વ વાતે વિશ્રામ સ્થાન હતાં. કાંઈ પણ કારણ મળે કે તરતજ નરેન્દ્ર તેની પાસે દોડી જતો અને ભુવનેશ્વરી તેનું તત્કાળ સમાધાન કરી તેના મનને એવું તો ઉમદા વલણ આપતાં કે નરેદ્રનાં ભાવી ચારિત્રનાં બીજ એક પછી એક તેના હૃદયમાં ઉંડાં રોપાઈ જતાં. નરેન્દ્ર આ પ્રસંગે પણ પોતાની મા પાસે ગયો. ભુવનેશ્વરી રોવાનું કારણ પૂછવા લાગ્યાં. નરેન્દ્ર ચૂપ રહ્યો અને ડૂસકાં ખાવા લાગ્યો. માતાએ તેને છાતી સરસો ચાંપ્યો. નરેન્દ્રના હૃદયનો ભાર ઓછો થયો અને તેણે પોતાની સઘળી વાત કહી. ભુવનેશ્વરીના મનમાં પોતાની વિરેશ્વરની આરાધનાનો વિચાર આવ્યો. મહાદેવનું સ્મરણ થયું અને તેમણે પોતાના પુત્રને “વીરેશ્વર” ના નામથી બોલાવીને સલાહ આપી : “ત્યારે તું મહાદેવની પૂજા કર !” તરતજ બાળક નરેન્દ્ર ત્યાંથી ગયો, ત્રીજે માળ પૂજાની ઓરડીમાં તેણે પ્રવેશ કર્યો. શ્રીરામ અને સીતાની મૂર્તિ જોઇને તે જરા અટક્યો, પણ પછી તરતજ તે મૂર્તિનું ગળું મરડી નાખી તેને રસ્તા ઉપર ફેંકી દીધી ! બીજે દિવસે સવારમાં શિવની મૂર્તિ ખરીદવાને તે બજારમાં ગયો. ભુવનેશ્વરીએ તેને પૈસા આપ્યા હતા. તરતજ તે મહાદેવની મૂર્તિ લઈ આવ્યો અને જે સ્થળે રામ-સીતાની મૂર્તિ બેસાડી હતી તેજ સ્થળે શિવની મૂર્તિ બેસાડી તેનું ધ્યાન ધરવા લાગ્યો.

આત્માના પ્રદેશમાં વિચરવું – એને ધ્યાન અથવા સમાધિ કહે છે. અત્યારે આપણામાં ધ્યાન, યોગ, સમાધિ એ જુના વખતની વાતો થઈ પડી છે. એ શબ્દો ઉચ્ચારતાં આપણા મગજમાં પ્રાચીન સમયના ભણકારા વાગે છે ! જે સમયમાં સાધુઓ અરણ્યમાં વસી, વૃક્ષની છાયા નીચે શીલા ઉપર બેસી અસંખ્ય શિષ્યોને તત્ત્વજ્ઞાનનો બોધ આપતા હતા, તે સમય આપણી દૃષ્ટિ આગળ ખડો થાય છે. સંસારી મનુષ્યોથી ઘણે દૂર, અરણ્યોનાં વૃક્ષોની ઘાડી ઘટામાં આર્ય ઋષિમુનિઓ ધ્યાનસ્થ થઈ, અગાધ શક્તિઓ પ્રાપ્ત કરી, પરમાત્માનું દર્શન દરવાને શક્તિમાન થતા, એ ચિતારનું આપણને ભાન થાય છે ! અને તેમની અગાધ શક્તિઓ ! મહાન પુરૂષોમાં મનની મહાન એકાગ્રતા રહેલી હોય છે. એ એકાગ્રતા વડેજ તેમનો જય ! એવી એકાગ્રતા પૂર્વક જે સાધવાનું સાધન એજ યોગ અને ધ્યાનાદિ છે એમ તેમનાં ઉદાહરણો આપણને સૂચવે છે.

નરેન્દ્રને એવા સાધુઓ અને તેમની વાતો ઘણાંજ પ્રિય હતાં. સાધુઓ વિષે તે સઘળું જાણતો. તેઓ કેવી રીતે ધ્યાન ધરે છે તે એ સમજતો. ઘરનાં માણસો પૂજા કરવાને કેવી રીતે બેસતાં તે એ જોતો. એક દિવસ એક વડીલે સંતોની વાતો કહેતે કહેતે ગમ્મતની ખાતર કહ્યું કે, જે સાધુઓની માફક ધ્યાન ધરે તેના વાળ વધીને મોટી જટા જેવા બની રહે ! નરેન્દ્રે એ વાતને સાચી માનીને શરીર ઉપરનાં સઘળાં વસ્ત્ર કહાડી નાખ્યાં. એક ભગવી લંગોટી તેણે વાળી અને પદ્માસન વાળીને એકાંતમાં ધ્યાન ધરવા લાગ્યો ! ભુવનેશ્વરીએ તે જોયું ત્યારે તે બોલી ઉઠ્યાં, “અલ્યા આ શું કરે છે !” માતાની પાસે દોડતા દોડતા તે હર્ષભેર ગયો અને ગર્વ ધરી બોલવા લાગ્યો : “જુવો, હું ધ્યાન કરું છું – હું ધ્યાન કરું છું.” હાથ જોડી, આખો મીંચી, પોતાની બાળબુદ્ધિ પ્રમાણેનું ધ્યાન તેણે એક કલાક સુધી કર્યું. એટલામાં તેના વાળ વિષે તેને વિચાર આવ્યો. વાળને તપાસતાં તે વધેલા માલમ પડ્યા નહીં અને તેથી ગભરાઈ ઉઠીને તે પોતાની માતા તરફ દોડી જઈ વાળ નહી વધવાનું કારણ પૂછવા લાગ્યો. માતાએ તેને સમજાવ્યો કે છોકરાંના વાળ કંઈ તરત વધે નહિ. મોટો થઈશ એટલે તે વધશે. વળી તે પોતાના અનુભવની વાત કરવા લાગ્યો, “માડી સવારમાં શિવજી પાસે બેસીને હું ધ્યાન ધરતો હતો પણ તેમાં ચિત્ત લાગ્યું નહી, તેથી મને તમારા શબ્દો સાંભર્યા કે મેં તોફાન કર્યું તેથી શિવે મને કૈલાસમાંથી કહાડી મૂક્યો છે ! હું ધારૂં છું કે મારા પાછલા જન્મમાં હું સાધુ હોઈશ ને મેં તોફાન કર્યું હશે તેથીજ મને શિવજીએ કહાડી મૂક્યો હશે ! જો હું હવે ભલો સાધુ થાઉં તો શિવ મને ફરીથી કૈલાસમાં આવવા દેશે ?” ભુવનેશ્વરીએ જવાબ આપ્યો, “હા” પણ તે મનમાં ગભરાવા લાગ્યાં કે તેના દાદા દુર્ગાચરણની – માફક તે પણ કદાચ સાધુ થઈ જશે ! પણ તેમણે એ વિચાર મનમાંથી કહાડી નાંખ્યો.

પોતાના બાળ મિત્રોની સાથે રમતમાં પણ નરેન્દ્ર ધ્યાન ધરવાની રમત રમતો જણાતો. તેનું કુટુંબ તેને ઘણીવાર ધ્યાનસ્થ થયેલો નિહાળતું. તે લાંબા વખત સુધી આંખો મીંચી આસન વાળીને બેસતો. તેના મનમાં શું હશે તે કોઈ જાણી શકતું નહી; પરંતુ ધ્યાનમાં તે એટલો લીન થઈ જતો કે કોઈ કોઈ વખત તેને જગાડેવાને તેના શરીરને પુષ્કળ હલાવવું પડતું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત પ્રમાણે બાળપણમાંથીજ કોઈ મહા પુરૂષનાં લક્ષણ આવી રીતે આ બાળક દર્શાવતું હતું. તેનું ધ્યાન ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાને માટે જ હતું. એકાગ્રતાવડે આગળ જતાં લગભગ આખા જગતને તે પોતાના વિચારોથી હલાવી શક્યો. હિંદુ જાતિનું ગાંભીર્ય, હિંદુઓની વિશાળ તાત્ત્વિક દૃષ્ટિ કે જે નરેન્દ્રમાં મોટી વયે પૂર્ણતાને પહોંચેલાં જણાયાં તેનાં બીજ આ પ્રમાણે અત્યારથી જ તેનામાં દેખાય તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એક સમયે નૈતિક અને આધ્યાત્મિક પૂર્ણતાને શિખરે પહોંચેલી હિંદુ પ્રજામાં હજી પણ એને અનુકુળ વિચારોનું પોષણ કેટલાંક કુટુંબમાં મળે છે ખરૂં, પણ સોએ યા હજારે એકાદ જેટલા વિરલ અપવાદોને બાદ કરતાં ઘણેખરે ઠેકાણે તો અજ્ઞાન, દુઃખ, દારિદ્ર્‌ય કારણોને લીધે એ વિચારોનો ઉચ્છેદજ થતો ચાલ્યો છે. ઋષિમુનિઓની પ્રજાના કેળવણીના માર્ગો જુદાજ હોય ! તે ઋષિઓના જેવાજ હોય. આધુનિક આર્યપ્રજા પાશ્ચાત્યોના મોહ આડે તે વાત સમજતી નથી. હિંદુ જીવનમાં અનેક ગુહ્ય શક્તિઓ રહેલી છે. હિંદુ જીવનનાં તત્ત્વો જુદાંજ છે. પણ હાલના હિંદુઓ પોતે જ પોતાની જાતિને ઓળખતા નથી. તેનું બંધારણ સમજતા નથી. તેમની નસોમાં કયું લોહી વહે છે તે વાતને તેઓ જાણે કે ભૂલી જ ગયા છે ! અંધશ્રદ્ધાથી પાશ્ચાત્યોના અનુકરણમાં સર્વસ્વ આવી રહેલું માનનારાઓ હિંદુ જાતિમાંથી આ કુદરતી લોહીને કહાડી નાંખી નવુંજ લોહી દાખલ કરવા માગે છે; પણ વ્યાધિની પરિક્ષા વગરના ઉંટવૈદાની પેઠે એવા ઉપાય નકામાજ છે !

નરેન્દ્રની બાલ્યાવસ્થાના આ સમયમાંજ એક અલૌકિક વાત એ બનતી હતી કે રાતે પથારીમાં સુતા પછી તે જ્યારે ઉંઘી જવાની તૈયારીમાં હોય ત્યારે તેની આંખો ઉપરનાં બે ભવાંના વચલા ભાગની સામે એક આસમાની રંગનો પ્રકાશ તેને દેખાતો.

નરેન્દ્ર દસ વર્ષનો થયો ત્યાંસુધી એમજ સમજતો કે ઉંઘી જતી વખતે બધાએ આ પ્રમાણે પ્રકાશ જોતા હશે ! પછીથી તે સમજ્યો કે દરેકને તે જોવાનું ભાગ્ય હોતું નથી. આ જ્યોતિદર્શન તેના અવસાન સુધી કાયમ રહ્યું હતું. આ પ્રકાશદર્શન ધ્યાનનું ફળ છે. નરેન્દ્ર તે બાલ્યાવસ્થામાંથીજ જોતો હતો, તેથી સાબિત થાય છે કે તેના પૂર્વ જન્મમાંજ ધ્યાનાવસ્થા તેને સિદ્ધ થએલી હતી. આથીજ ધ્યાન તેને મન એક રમત જેવું થઈ રહ્યું હતું.