હક માગો
Appearance
હક માગો નર્મદ |
હક માગો
(પદ ૧૨મું)
સહુ જન હક ઉઠીને માગો, હવે ઝટ ઊંઘમાંથી જાગો. ટેક
માણસ થઇને હક ના સમજો, તો તો ઢોંડા જેવા;
જનાવરો પણ દુઃખ દે તેનાં, વેર લીએ છે કેવાં ? સહુ. ૧
હું ને મારૂં જરૂરનાં છે, જનને જાગમાં નીતે;
એથી છે દુનીયાની તેજી, કામ કરે સહુ પ્રીતે. સહુ. ૨
યોગ્ય માગણું જો ના માગો, તો પ્રભુનો નિમ તોડો;
માટે ઉપરીઓથી બ્હીને, સુઓ ન તાણી સ્હોડો. સહુ. ૩
વણ માગે માએ ના પીરસે, લુચ્ચા હક ડૂબાવે,
સાવધ રહીને સામૂં થાતાં, હક પોતાના આવે. સહુ. ૪
હકને સારૂ રાજા લડતા, માણસ ઝાઝાં મરતાં;
હક લેવો એ છે પુરૂષારથ, તજી ન દેવો ડરતાં. સહુ. ૫
હકો ગુમાવી ગુલામ રહિને, પેઠી સખ્તી ભારી;
તે જીવતામૂઆએ મિથ્યા, જણતી ભારી મારી. સહુ. ૬
ભણી ગણીને હક જાળવવો, જેવો હોયે તેવો;
નર્મદ કહે જો હોય લુટાયો, ખોળિ લડીને લેવો. સહુ. ૭