હરિ મારે હ્રદયે રહેજો
Appearance
હરિ મારે હ્રદયે રહેજો મીરાંબાઈ |
પદ ૧૮ ભજન.
હરિ મારે હૃદયે રહેજો, પ્રભુ મારી પાસે રહેજો;
જો જો ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ છે.— ટેક.
ધના ભગતે ખેતર ખેડ્યું, વેળુ વાવી ઘેર આવ્યા;
સંતજનોનાં પાત્ર પૂર્યાં, ઘઉંના ગાડાં ઘેર આવ્યાં રે— મને. ૧.
જૂનાગઢના ચોકમાં નાગરે હાંસી કીધી;
નરસૈંયાની હૂંડી સીકારી, દ્વારિકામાં દીધી રે— મને. ૨.
મીરાંબાઈને મારવા રાણાજીએ હઠ લીધી,
ઝેરના પ્યાલા અમ્રત કરિયા, ત્રિકમ ટાણે પધાર્યાં રે— મને. ૩.
ભીલડીનાં એઠાં બોર, પ્રભુ તમે હેતે કરી આરોગ્યાં,
ત્રિભુવનના નાથ તમને મીરાંબાઈએ ગાયા રે— મને. ૪.