હરિ વિના હિતકારી બીજું

વિકિસ્રોતમાંથી
હરિ વિના હિતકારી બીજું
દેવાનંદ સ્વામી



હરિ વિના હિતકારી બીજું


હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી... ટેક

પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી;
અક્કલહીણા આળસી બેઠો પામર તું પથી... હરિ ૧

માતપિતા સુત નારી બાંધવ, નહીં તારા સાથી;
અંત સમે તો એકલા જાવું કાં મરે મથી... હરિ ૨

સ્વારથિયો સંસાર તેમાં રહ્યો લથબથી;
સંતપુરુષની સોબત વિના શી થાશે ગતિ... હરિ ૩

અક્કલવંતા રાજકરંતા મૂઆ મહારથી;
દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી... હરિ ૪