હાં રે કોઈ માધવ લ્યો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

માધવને મટુકીમાં ઘાલી,
ગોપી લટકે લટકે ચાલી રે,
હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય,
મટુકીમાં ન સમાય રે .. હાં રે કોઈ માધવ લ્યો

નવ માનો તો જુઓ ઉતારી,
માંહી જુઓ તો કુંજબિહારી રે,
વૃંદાવનમાં જાતા દહાડી,
વા’લો ગૌ ચારે છે ગિરધારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

ગોપી ચાલી વૃંદાવન વાટે,
સૌ વ્રજની ગોપીઓ સાથ રે,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
જેનાં ચરણકમલ સુખસાગર રે .. હાં રે કોઈ માધવ લ્યો