હાલો ને કીડીબાઈની જાનમાં
હાલો ને કીડીબાઈની જાનમાં ભોજો |
હાલો ને કીડીબાઈની જાનમાં
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં…
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં…
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં…
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં…
ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં…
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં…
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં…
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…