લખાણ પર જાઓ

હીરાની પરીક્ષા

વિકિસ્રોતમાંથી
હીરાની પરીક્ષા
ધીરા પ્રતાપ બારોટ
(રાગ કાફી)



પદ ૨૩ મું

હીરાની પરીક્ષા રે, ઝવેરી હોય તે જાણે.
મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે. ટેક.
મગ મરી બરોબર મૂરખ જન જાણે, ગોળ ખાંડ એક ઘાટ;
પુષ્પની વાસના પત્ર ન જાણે, એવો જગતભગતનો ઠાઠ;
સો વાર સમજવું રે, પતીજ તોય નવ આણે.. હીરાની.. ૧
મૂરખહાથે હીરલો લાધ્યો, તે છાણ સાથે વેચાય,
કોઈક જાણ મળ્યો તેણે ઝડપી લીધો, તો તેની કિંમત થાય;
ગુણ ગાયે ઝવેરી રે, પૂરણ પરમાણે.. હીરાની.. ૨
ભગત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવાનો ઉપાય,
તન જોગી મન કંચન કામની, એણે તરણે કેમ ઊતરાય ?
ઘરધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે.. હીરાની.. ૩
જાગ, જગન, જપ, તપ ને તીરથ, તેમાં સહુથી મોટો સતસંગ.
ચંદનડાળે વેલ થઈ વીંટાણો, તોય વિષ ન તજે ભોરંગ;
ધીરા શોધી હીરો રે, રટ રાત દિવસ વહાણે.. હીરાની.. ૪