હીરા માણેકને મારે શું કરવું?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

શું કરવું, મારે શું કરવું છે રે?
હીરા માણેકને મારે, શું કરવું?

મોતીની માળા રાણા, શું કરવી છે?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે ... મારે હીરા.

હીરના ચીર રાણા, શું રે કરવા છે?
ભગવી ચીંથરીઓ પ્હેરી મારે ફરવું છે રે ... મારે હીરા.

મહેલ ને માળા રાણા, શું રે કરવા છે રે?
જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે ... મારે હીરા.

બાઈ મીરાં કહે પ્રભુ, ગિરધર નાગર,
અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે ... મારે હીરા.