હેઠા ઊતરીને પાય લાગ્યા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હેઠા ઊતરીને પાય લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા.

અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે … હેઠા.

સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે … હેઠા.

સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે'ર રે … હેઠા.