લખાણ પર જાઓ

વનવૃક્ષો/કદંબ

વિકિસ્રોતમાંથી
← સીસમ વનવૃક્ષો
કદંબ
ગિજુભાઈ બધેકા
શીમળો →



કદંબ

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય ઝાડ કદંબ. કદંબ ઝાડે ચડીને બાલકૃષ્ણ ગોવાળો સાથે રમત રમતા; ઝાડના થડ ઉપર પગની આંટી મારી, હોઠ ઉપર વાંસળી રાખી, વાંસળીના સૂર છોડતા. કદંબ નીચે ઊભેલી ગાયોને હળવે હળવે બપોરના તડકામાં પંપાળતા. કદંબના ઝાડ ઉપરથી ભગવાને ધરામાં કાલિનાગને નાથવા ભૂસકો માર્યો હતો.

આવું ભાગવતમાં વાંચેલું ને વારંવાર આંખ આગળ કલ્પેલું. આજે પણ એ મીઠી કલ્પનાનું દૃશ્ય એવું જ આંખ આગળ ખડું થાય છે.

એવું એકાદ ચિત્ર પણ જોયેલું યાદ છે. 'કદંબ કેરે ઝાડવે'ની લોકગીતની કંઈક લીટી યાદ હતી પણ તે અત્યારે સાંભરતી નથી.

ચિત્રમાં જોયેલ કદંબ ઉપરથી ગામને પાદર આવેલા એક પીપળાને અમે કદંબનું ઝાડ કહેતા. એ પીપળા નીચે ઊભા ઊભા અમે ભાગવતની રસિક કથા ફરી ફરી વાર સહેજે યાદ કરતા.

વર્ષો પછી સાચા કદંબને જોયું. કોઈએ કહ્યું: "પેલી સીમમાં કદંબનું ઝાડ છે." માઈલો ચાલીને હું કદંબ જોવા ગયો; ઝડપથી અને આતુરતાથી હું કદંબ પાસે ગયો. એ જૂના ઝાડને જોઈને મનને આનંદ થયો. મનમાં એમ પણ થયું કે કાઠિયાવાડના સૂકા મુલકમાં કદંબ પણ આવું લૂખુંસૂકું જ હોય; યમુનાને કિનારે જરૂર કદંબ વધારે ભવ્ય ને વધારે મોટું હશે. હવે તો યમુનાકિનારે જ‌ઇશ ને કદંબ જોઈશ, ત્યારે ફરી વાર તમને જણાવીશ કે કદંબ કેવું છે.

કાઠિયાવાડના નાના એવા લૂખાસૂકા કદંબ પર પણ ફૂલો તો સુગંધી ને સુંદર જ હતાં. એમ અમસ્તું કાંઈ ગોપના રાજાએ કદંબને પોતાનું નહિ કર્યું હોય!