લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીજીનો અક્ષરદેહ


હાઈસ્કૂલના પહેલા આસિસ્ટન્ટ માસ્તર ડૉકટરે કહ્યું કે હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી ઇંગ્લંડ વધુ અભ્યાસ કરવા જાય છે તેને માટે આપણે ખુશી થવા જેવું છે. હું ઇચ્છું છું કે તેના કામમાં ફતેહ થાય.

[મૂળ ગુજરાતી]
काठियावाड टाइम्स, ૧૨-૭-૧૮૮૮


૩. લક્ષ્મીદાસ ગાંધીને પત્ર
મુ. લંડન તા. ૯-૧૧-૮૮ શુક્રવાર


કૃપાસાગર મુરબ્બી વડીલ ભાઈશ્રી મુ. લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીને. સે. મોહનદાસ કરમચંદના શિર સાષ્ટાંગ દંડવત્ સેવામાં માન્ય રાખશો. બે કે ત્રણ અઠવાડિયાં થયાં આપનો પત્ર બિલકુલ નથી એ ઘણી જ તાજુબીની તથા ખેદજનક વાત છે. કારણ કંઈ સમજાતું નથી, તોપણ વચમાં થોડા દિવસ મારા પત્રો નહીં પહોંચતા હોય તેને લીધે આમ થયું હશે. તો લંડન પહેાંચતાં સુધીમાં કાગળ લખવા નાખવાના મુકામ ન હોવાથી એમ થયું. પણ તેથી આપે કાગળ ન લખવા એ તાજુબીની વાત છે. આ દૂર દેશમાં તો માત્ર કાગળથી જ મેળાપ થાય. તો આ આપને શું સૂઝયું એ ખબર પડતી નથી. ઘણી જ ચિંતા થાય છે. ઘરના ખુશખબર અઠવાડિયે સાંભળવાની જે ખરી તક તે પણ ન મળે એ થોડી દિલગીરી નથી. આખો દિવસ નવરો બેસું છું ત્યારે એ જ ફિકરમાં જાય છે. તો મને લાગે છે કે હવે પછી આપ આમ નહીં જ કરો. અઠવાડિયે એક પતું લખવા કૃપા કરશો તોપણ બસ છે. પણ આવી રીતે જો આપ મુદ્દલ પત્ર જ નહીં લખો તો શી દશા થશે એ કહી શકાતું નથી. આપને ઠેકાણાની ખબર ન હોત તો મને બિલકુલ ફિકર ન જ થાત. પણ આપના બે પત્રો મળ્યા પછી બંધ રહ્યા એ જ ખેદજનક વાત છે. મંગળવારે હું ઈનર ટેમ્પલમાં દાખલ થયો છું. આવતે અઠવાડિયે આપનો પત્ર આવશે એમ ધારી આ [અ]ઠવાડિયે વિગતવાર પત્ર નથી લખ્યો. આ૫નો ૫ત્ર વાંચી તમામ ખબર લખીશ. ટાઢ ઘણી જ સખત પડવા માંડી છે. આથી વધારે ટાઢ પડવાનો સંભવ ઘણો થોડો. અલબત્ત, પડે ખરી પણ જવલ્લે જ. પણ અા સખત ટાઢમાં ઈશ્વરકૃપાથી માંસમદિરાની જરા પણ જરૂર જણાતી નથી એથી હું ઘણો જ ખુશાલીમાં રહું છું. મારી તબિયત હમેશાં ઘણી જ સારી રહે છે. હાલ એ જ. માતુશ્રીની સેવામાં શિરસા દંડવત્ પહોંચાડશો. મારી ભાભીને દંડવત્.

લિ. મો.


[મૂળ ગુજરાતી]
ડી. જી. તેન્ડુલકર :महात्मा, પુ. ૧; મૂળ ગુજરાતી લખાણની છબી પરથી.