૧૭. ઑન[રરી] સેક્રેટરી પોસ્ટથી કે માણસથી લેખિતવાર ખબર આપે તો તેણે એ ૧૬મો રૂલ પાળ્યો ગણાશે.
૧૮. કમિટીના જે મેમ્બર વાજબી કારણ સિવાય કમિટીની ઉપરાઉપરી છ મીટિંગમાં હાજર ન રહે તેનું નામ તે મેમ્બરને નામ કાઢી નાખવાના કમિટીના ઇરાદાની નોટિસ આપ્યા બાદ કાઢી નાખવું. અને જે મેમ્બર આગલી મીટિંગમાં હાજર ન થયેલ હોય તે ગેરહાજરીનું કારણ બીજી મીટિંગમાં બતાવે.
૧૯. કૉંગ્રેસના જે મેમ્બરે વાજબી કારણ વિના ત્રણ મહિના સુધી ઉપરાઉપરી સબસ્ક્રિપ્શન ન આપ્યું હોય તે મેમ્બર થતો બંધ રહે.
૨૦. કમિટીમાં કોઈ બીડી પીએ નહીં.
૨૧. જો બે મેમ્બર ભેળા બોલવાને ઊભા થાય તો પહેલો કોણ બોલે તેનો ઠરાવ ચેરમેન આપે.
૨૨. જો પૂરતા મેમ્બરો હાજર થયા હોય તો કમિટીનું કામ નીમેલ વખતે શરૂ થાય.
પણ જો ઠરાવેલ વખતે કે ત્યાર બાદ અરધા કલાક સુધી પૂરતા મેમ્બરો હાજર ન થાય તો મીટિંગ કંઈ પણ ચર્ચા કર્યા વિના બંધ રહે.
૨૩. કમિટી હૉલનો અને લાઈબ્રેરીનો ઉપયોગ નાતાલ ઇન્ડિયન ઍસોસિયેશન મફત કરે. અને બદલામાં કૉંગ્રેસનું લખવા વ.નું વાજબી કામ ઍસોસિયેશન મફત કરે.
૨૪. કૉંગ્રેસની લાઈબ્રેરી કૉંગ્રેસના બધા મેમ્બરો વાપરી શકે.
૨૫. કમિટીના મેમ્બર બંધ કરેલી જગામાં બેસે અને તેની બહારના ભાગમાં જોનારા બેસે. જોનારા મીટિંગમાં બિલકુલ ભાગ નહીં લે અને, જો તેઓ ઊંચેથી બોલે અથવા તોફાન કરે તો તેઓને હૉલની બહાર જવું પડશે.
૨૬. કમિટી આ રૂલમાં સુધારોવધારો ભવિષ્યમાં કરી શકે.
[મૂળ ગુજરાતી]
અસલ લખાણની ટાઈપ કરેલી નકલની છબી પરથી.
- આ ઉપરાંત ગાંધીજીના પોતાના હાથની લખેલી બંધારણની અંગ્રેજી નકલ અને બીજી એક ગુજરાતી હાથપ્રતની નકલ છે. ધિ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસના 'હેતુ'ના અંગ્રેજી હાથપ્રતમાંના શબ્દો પા. ૧૮૮-૯ અને પા. ૨૫૫-૬ પરના 'હેતુ'ના શબ્દોને મળતા આવે છે. આ પછીની તારીખના હોવાથી પા. ૯૭ પરના શબ્દોમાં સુધારાવધારા હોય એવું લાગે છે. ત્રણે નકલોમાંની ભાષામાં અને તેમાંનાં નામોમાં થોડો થોડો ફેર છે. પણ તે નજીવો છે. એ ત્રણે મૂળ લખાણો સાબરમતી સંગ્રહાલયમાં સંઘરાયેલાં છે.