અથવા એ ખરડા પર આગળ વિચાર કરતાં પહેલાં સંસ્થાનમાં વસવાટ કરનારા હિંદીઓ માતાધિકારનો
ઉપયોગ કરવાને લાયક છે કે નથી તે સવાલની તપાસ કરવાને એક કમિશન નીમવાને
અંતરથી પ્રાર્થના કરે છે.
અને ન્યાય તેમ જ દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો ફરજથી બંધાઈને હમેશ પ્રાર્થના કરતા રહેશે વ. વ.
[મૂળ અંગ્રેજી]
સંસ્થાનોની કચેરીના દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯, નાતાલની પાર્લમેન્ટના મત અને કાર્યવાહી;
૧૮૯૪.
સર જૉન રૉબિન્સન, કે. સી. એમ. જી.
વડા પ્રધાન અને સંસ્થાન મંત્રી
નાતાલ સંસ્થાન
આપ નામદારને વિનંતી કરવાની કે
આ અમારા પ્રતિનિધિમંડળની મુલાકાતને સારુ આપ નામદારના કીમતી સમયમાંથી થોડો કાઢવાને માટે આપ નામદારનો અમારે અત્યંત આભાર માનવાનો છે.
સંસ્થાનમાં વસતા હિંદીઓની આ અરજી આપ નામદારની આગળ રજૂ કરવાની અમે રજા ચાહીએ છીએ અને આપ નામદારને તેના પર પૂરા દિલથી ધ્યાન આપવાને વિનંતી કરીએ છીએ.
જેટલો બિલકુલ જરૂરી હોય તેથી વધારે વખત લઈ આપ નામદારના સૌજન્યનો અમે ખોટો લાભ લેવા માગતા નથી. છતાં આપ નામદારની આગળ બની શકે તેટલી પૂરી વિગતે અમારી દાદ રજૂ કરવાને પૂરતો વખત અમારી પાસે નથી તેનો અમને ખેદ થાય છે.
સાહેબ, અમને એવું સંભળાવવામાં આવ્યું છે કે વાત લગભગ વણસી જાય એટલા અમે મોડા જાગ્યા છીએ. માનનીય ઍસેમ્બલી અને માનનીય કાઉન્સિલ એ બંને ધારાસભાનાં મંડળોની આગળ અમારી વિનંતી રજૂ કરવાને આથી વહેલા પહોંચવાનું અમારાથી બને એવું નહોતું એ બીનાની આપ નામદારને ખાતરી કરાવવાને અમારા ખાસ સંજોગોની હકીકત આપને જણાવીએ તો પૂરતું છે. કોમના બે મુખ્ય આગેવાન માણસો તાકીદને કામે સંસ્થાનની બહાર ગયા હતા અને સંસ્થાનમાંથી તેમની સાથે કોઈ જાતનો વહેવાર થાય એવું નહોતું. અંગ્રેજી ભાષાના અમારા ઘણા અધૂરા જ્ઞાનને કારણે મહત્ત્વની રાજકારણી બાબતોની જાણકારીમાં રહેવાનું અમે ઇચ્છીએ તેટલું રહી શકતા નથી.
આપ નામદાર તરફ પૂરા આદર સાથે અમે જણાવવા રજા લઈએ છીએ કે ઍંગ્લોસૅકસન અને હિંદી બંને જાતિઓ એક જ વંશની છે. મતાધિકારના કાયદામાં સુધારા કરનારા ખરડાના બીજા વાચન વખતે આપ નામદારે કરેલું છટાદાર સમર્થ ભાષણ અમે એકચિત્ત થઈ વાંચેલું અને તેથી અમને આનંદ થયેલો. તે પછી તેમાં આપ નામદારે બન્ને જાતિઓ