લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ

પાઉંડ ઉઘરાવી લાવ્યા. એમણે એમ ન કર્યું હોત તો એ રકમનો મોટો ભાગ કૉંગ્રેસને ગુમાવવો પડત. શ્રી અબદુલ કરીમ પોતાને ખરચે વેરૂલમ સુધી ગયા અને તેમણે લગભગ ૨૫ પાઉંડ ઉઘરાવ્યા. ચેકો ઉપર સહી કરવા બાબતમાં પણ આગળપડતા સભ્યોમાં મતભેદ હતો. મૂળ નિયમ એવો હતો કે તેમના ઉપર માનદ મંત્રી સહી કરે અને નીચેના લોકોમાંથી એક જણ સામે સહી કરે. શ્રી અબદુલ્લા એચ. આદમ, શ્રી મૂસા હાજી કાસમ, શ્રી પી. દાવજી મહમદ, શ્રી હુસેન કાસમ, શ્રી અબદુલ કાદર, અને શ્રી દોરાસામી પિલ્લે. એક સૂચન એવું કરવામાં આવ્યું કે વધારે લોકોની સહી કરાવવી. એક સમયે આ મતભેદ એટલે સુધી પહોંચ્યો કે તેનાથી ખુદ કૉંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. પણ સભ્યોની ભલમનસાઈ અને આવી કટોકટી અટકાવવાની તેમની ઉત્સુકતાને લઈને છેવટે વાદળો વિખેરાયાં અને ઉપર દર્શાવેલો ફેરફાર સર્વાનુમતિથી માન્ય રાખવામાં આવ્યો.

ડરબનમાં કૉંગ્રેસનું કામ ઠીક ઠીક શરૂ થયું એટલે સર્વશ્રી દાઉદ મહમદ, મૂસા હાજી આદમ, મહમદ, કાસમ જીવા, શ્રી પારસી રુસ્તમજી, શ્રી પીરણ મહમદ અને માનદ મંત્રી એ દરેક પોતાના ખરચે પિટરમૅરિત્સબર્ગમાં સભ્યો બનાવવાના કામે પહેાંચી ગયા. ત્યાં એક સભા ગોઠવવામાં આવી હતી અને આશરે ૪૮ લોકોએ લવાજમ ભર્યા. આવી જ બીજી એક સભા વેરૂલમ મુકામે ભરવામાં આવી. ત્યાં આશરે ૩૭ જણે લવાજમ ભર્યા. શ્રી હુસેન કાસમ, શ્રી હાજી, શ્રી દાઉદ, શ્રી મૂસા હાજી કાસમ, શ્રી પારસી રુસ્તમજી અને માનદ મંત્રી ત્યાં પહેાંચી ગયા હતા. સર્વશ્રી આમદ ભાયાત, હાજી મહમદ અને કમરુદ્દીને પિટરમૅરિત્સબર્ગમાં અને સર્વશ્રી ઇબ્રાહીમ, મૂસાજી આમદ, આમદ મેતર અને પી. નાયડુએ વેરૂલમમાં સક્રિય મદદ કરી.

મિ. અમરુદ્દીન જોકે કૉંગ્રેસના સભ્ય નહોતા છતાં તેમણે કૉંગ્રેસને માટે ઘણું જરૂરી કામ કર્યું. શ્રી એન. ડી. જોષીએ ગુજરાતી હેવાલની સાફ નકલ કરી આપવાની મહેરબાની કરી.

શ્રી સોમસુંદરમે કૉંગ્રેસના વર્ષના શરૂના ગાળામાં સભાઓમાં દુભાષિયાનું કામ કરીને અને પરિપત્રો વહેંચીને એને મદદ કરી. ન્યૂકૅસલ અને ચાર્લ્સટાઉનમાં પણ કામકાજ કરવામાં આવ્યું છે. સભ્યોએ બીજા વર્ષ માટેનું લવાજમ ભર્યું છે.

શ્રી મહમદ સિદાત, શ્રી સુલેમાન ઇબ્રાહીમ અને શ્રી મહમદ મીરે ન્યૂકૅસલમાં કાળજાંતૂટ કામ કર્યું. તેઓ અને શ્રી દાઉદ આમલા પોતાને ખરચે ચાર્લ્સટાઉન પણ ગયા. ચાર્લ્સટાઉનના લોકોએ બહુ સુંદર જવાબ વાળ્યો. એક કલાકની અંદર જેમને જેમને મળ્યા તે બધા જ સભ્ય બની ગયા. શ્રી દિનદાર, શ્રી ગુલામ રસૂલ અને શ્રી વાંદાએ ઘણી સહાય કરી. બ્રિટિશ સરકારને મોકલેલી મતાધિકારની અરજી, ટ્રાન્સવાલ અરજી તથા વસાહતી પ્રવેશ અરજી સંબંધમાં ઇંગ્લંડ અને હિંદુસ્તાનમાં રહેતા હિંદીઓના મિત્રોને લગભગ ૧,૦૦૦ પત્રો લખવામાં આવ્યા છે.

ગિરમીટનો કરાર નહીં કરી આપનાર ઉપર ૩ પાઉન્ડનો કર નાખવાનું જેમાં વિચારાયું છે એ વસાહતી કાનૂનનો બહુ જોશથી વિરોધ કરવામાં આવ્યો. બંને ધારાગૃહોને અરજીઓ કરવામાં આવી.

જોકે ટ્રાન્સવાલ અરજી સીધી કૉંગ્રેસ મારફતે મોકલાઈ નહોતી છતાં તેનો કૉંગ્રેસના કામકાજના હેવાલમાં ઉલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી.

કૉંગ્રેસ સંસ્થાની ભાવના અથવા તેના ઉદ્દેશ મુજબ બંને ધારાગૃહોના સભ્યોને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો અને તેને સંસ્થાનમાં અને દક્ષિણ આફ્રિકામાં બધે છૂટથી વહેંચવામાં આવ્યો હતો. છાપાંઓએ એની મોટા પ્રમાણમાં નોંધ લીધી હતી અને તેને લઈને ઘણો સહાનુભૂતિભર્યો ખાનગી પત્રવ્યવહાર ઊભો થયો. નાતાલમાંના હિંદીઓની પરિસ્થિતિ વિષે