અખાના છપ્પા/ખળજ્ઞાની અંગ
← ભાષા અંગ | અખાના છપ્પા ખળજ્ઞાની અંગ અખો |
જડભક્તિ અંગ → |
ખળજ્ઞાની અંગ
જ્ઞાન કથી શું કીધું ઘાટ, અંતર અવિદ્યાયે વેંધ્યા હાડ;
અનુભવ કરે ત્યારે એક આતમા, મુખ નિંદ્રા દીસે નહીં ક્ષમા;
અખા કથ્યું પણ ન લહ્યું જ્ઞાન, શું ગુરુ આગળ માંડ્યાતાં કાન. ૨૬૪
ભલો કહાવ્યો પણ ભલપણ ક્યાં, જેમ ગોખર હુંડે ગોધણમાં
વેષ પે'રે વીટંબના વધી, વંઠ્યું દૂધ થયું નહિ દધી;
કવિતા થયે ન કાઢ્યું કર્મ, અખા ન સમજે મૂળગો મર્મ. ૨૬૫
મહાપુરુષ કહાવે માંઈબલી, વેષ પેર્યો પણ ટેવ ન ટળી;
સ્તુતિ નિંદા અદેખાઈ આદ્ય, પે'રે ખાય પણ વાધી વ્યાધ્ય;
અખા કૃપા વિના જીવ કબુધી, પાકું ઈંદ્રારણું ને કટુતા વધી. ૨૬૬
કથા સુણી શ્રોતા શું ખટ્યો, ગુણ ગાઈને ગાનારો વડ્યો;
થયા ગયા તે પોથે લખ્યા, પણ વણ થયાની લહો પરખ્યા;
વણ થયો વિગત સર્વે કરે, તેને લહે અખા અર્થ સરે. ૨૬૭
બાણા બાધ્યાને સૌ કો મોહ્ય, પણા બાંણાવળીને કોઇક જોય;
શ્રોતા વક્તા બિજુ આણ, ટલે બે ને રહે નિવારણ;
નામા હુય વંચકને સભા, અખા સહુ વહે કાળની પ્રભા. ૨૬૮
સાચો જુઠાના ગુણ ગાય, જુઠે સાચો નવ લેવાય
દર્પણતો મુખ સુખને ગ્રહે, પ્રતિબિંબ કેમ બિંબને લહે;
આદર્શ સ્થાની જે નામ રૂપ અખા શું તે લહે સત્ય હરિભૂપ ૨૬૯
અખે વિચાર વિચાર્યો ખરો, જે વાંક સર્વ આપણમાં ભર્યો;
બુદ્ધિ વોણો જીવ લૈ નવ શકે, પઢે જક્તદોષ કાઢી મુખ બકે;
સદ્ગુરુ જો ઉઘાડે બાર, અખા હરિ દીસે સંસાર. ૨૭૦
કામ ક્રોધ જે જ્ક્ત આચરે, તે દેખી જીવા નિંદ્યા કરે,
એ તો પાંચે રૂપે માયા રમે, કળ ભરાવિને ભવમાં ભમે
વિચાર વિચારી હરિને જાણ, નિંદા કરે અખા છે હાણ્ય. ૨૭૧
ઊંચ નીચ દેખે તે ભર્મ, ભર્મે થાપ્યા કર્ત્તા કર્મ;
વલી ડાહ્યો ભ્રમ કહે કર્તા રહી, પણ વસ્તુ વિચાર ગયો વિસરી;
ધર્મ કર્મ નહીં કર્તા કોય, અખા પોતે વિચારી જોય. ૨૭૨
શબ્દ સ્પર્શ રુપ રસ ગંધ, વ્યસને જીવ પમાડ્યો ધંધ;
લોભ મોહ પાંચે થયાં છતાં, પ્રાયઃ પ્રકૃતિ ઉદરમાં હતાં;
તેણે મોહ્યો જીવ રોગિલો થયો, ત્યારે અખા વસ્તુ વિચાર જ ગયો. ૨૭૩
વર્ણ ધર્મ તું રહે મૂળગે, જેણે સર્વ પડે ત્યાં વગે;
જાત વિચારે તે આતમા, અને આશ્રમ તો તારા તુજમાં;
તેં જાણ્યો છે તે નોહે ધર્મ, અખા કુસકા કુટ્યે શ્રમ. ૨૭૪
ધરે પિંડ કાંઈ એકતા કરે, તેમાં જીવ અપોપું ધરે;
જડ દેહ સંગે જડતા ગ્રહે, ચૈતન પક્ષ મૂકીને દહે;
અખા કુબુદ્ધે પ્રીછે પિંડ, પણ આત્મા પ્રીછે છે અખંડ. ૨૭૫
શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, વ્યસને જીવ પમાડ્યો સંબંધ;
પ્રાયઃ પ્રકૃતિ છે સંસાર, વિચરે ભૂત ધરે અવતાર;
અખા તન તપાશી જુવે, કાં જીવપણે જન્મારો ખુવે. ૨૭૬
જ્ઞાની સુર સૌ કો થઇ ફરે, સુભટ તે જે અવસરે મરે;
સુખે ઘેર બેઠા સૌ જાણ, પણ વરતે જે થોભે ઘમાસાણ;
અખા કથણીથી અનુભવ તે અલગ, ઉંચા ચડે આકાશે જ સલગ. ૨૭૭
પ્રપંચ આધારે પરબ્રહ્મ કથે, મહી વિના પાણી જેમ મથે;
શ્રમ કરે પણ નાવે સાર, જેમ નપુંસક વહે હથિયાર;
એમ અખા નોહે સદ્જ્ઞાન, માદક કેમ કરે જળપાન. ૨૭૮
કર્મ ધર્મ એ ભર્મને ભલાં, એકે ન રહે એક એકલાં;
ભુધ વોણી ધેનુ માટે ચર્મ; કર્મ ત્યાં ભર્મ ત્યાં કર્મ;
વસ્તુ વિછાર પશુને કશો, અખો ભર્મે ભર્મ અભ્યસો. ૨૭૯
મરતું દીસે તે નોય મર્ત, ચાલે સચરાચર કાળનું કૃત્ય;
વેતું કરવત કાઢે ગાર, તેમ શનૈ: શનૈ: મરે સંસાર;
તો અખા પરને ક્યાં રુવે, આપ વિચારી શે નવ જુવે. ૨૮૦
નહીં ઉપજ ને નહીં ત્યાં વરો, ક્યાં આકાશ ને ભેળું કરો;
એ ભર્મે ભ્રમ માન્યો ઉપન્યો, ત્રાય સુવર્ણનએ ક્યાંથો બન્યા;
અખો નહીં તો કને કવે, થાશે માપ માપણહાર મુવે. ૨૮૧