અખાના છપ્પા/ગુરુ અંગ
← કુટફળ અંગ | અખાના છપ્પા ગુરુ અંગ અખો |
સહજ અંગ → |
ગુરુ અંગ
ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પહાણા શકે ક્યમ તરી;
(જ્યમ) નાર નાંનડી હવું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત;
શિષ્યને ભારે ભારે રહ્યો, અખા એમ મૂળગેથો ગયો. ૧૨
પોતે હરિ નહીં જાણે લેશે, કાઢી બેઠો ગુરુનો વેશ;
સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર આપ;
એવા ગુરુ ઘણાં સંસાર, તે અખા શું મૂકે ભવ પાર. ૧૩
તું તારું સમજીને બેશ, કાં કોળે દિલે પ્યારી મેશ;
તુંબડું જેમ માંહેથું મરે, જે લઇ પેશે તે સૌ તરે;
તરુવર ફળ દેવા નવ જાય, અખા આવી જાચે તે ખાય. ૧૪
પહેલો તું પરમારથ પ્રીછ, પચે ગુરુ થવાને ઈચ્છ;
પારો મુવો તે રોગ નિર્ગમે, પચે ભોજના બોળું તે જમે;
ત્યમ નિરાશે મલે નારાયણ, અખા તું પહેલે એવું જાણ. ૧૫
તું તારા મનમાંહી પ્રીછ, શાને મોટપા લે છે શીશ,
ઝીણું મળતાં મોટું થાય, મોટુઁ કણ્યકા થઇને જાય;
અખા તાત વિચારે વિંધ્યે, રિધ્ય ઘણી તો રહે સાંનિધ્યે. ૧૬
આપે આપ પૂરણ બ્રહ્મ હરિ, પોત પસાર્યું રચના કરી;
ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર, ઋષિ જક્ષ માનવ પશુ પિત્ર;
થાય જાય એ માયા ભેર, અખા ચૈતન્ય નોહે ઉચ્છેદ. ૧૭