અખેગીતા/કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨
← કડવું ૧૭ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૧ | અખેગીતા કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૨ અખો |
કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા → |
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨
જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી[૧];
અગમઅગોચર જેહને વેદ ગાયજી, અટપટો આશય સેહેજે સમજાયજી.
સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે[૨], અચવ્યો [૩] રસ પીવો નવો. ૧
મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું [૪] જેમ ધ્યાન. ૨
વસ્તુગતે [૫] સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ [૬] નહિ, એહવું તે ધામ અનુપ. ૩
જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા [૭], તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪
સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫
વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ [૮] નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬
કૂટસ્થ [૯] આત્મા બ્રહ્મ કૈવલ્ય[૧૦], તેહનો સર્વ પસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. ૭
જે કહેવોએ કહેવાય નહિ, શબ્દાતીત સદાય;
અનિર્વચની વચન બોલે, તે નાવે વાણીમાંય. ૮
એ તો પ્રીછણ્હારવિના[૧૧] પ્રીછવું, પદાર્થ-વોહોણી[૧૨] જે પ્રીછ;
આપે આપનું જે નિરીક્ષણ[૧૩], ઇચ્છા-વોણી જે ઇચ્છ. ૯
કહે અખો એ વાણ્ય-વર્જિત,નિજસ્ફુર્ણ મહંતને;
એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦