લખાણ પર જાઓ

અખેગીતા/કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા

વિકિસ્રોતમાંથી
← કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ અખેગીતા
કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા
અખો
કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઈશ્વરનું સ્વરૂપ-સદ્દ્ષ્ટાંત →


કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા

રાગ ધન્યાશ્રી

વળી કહું પૂરણપદ મહિમાય્જી, કોટી બ્રહ્માંડ જે નવાં રચાયજી;
પણ અધિક ઓછું કાંઈ નવ થાયજી, જોતાં જોતાં તે વિલૈ [] જાયજી.

પૂર્વછાયા

વિલઈ જાતાં વણસે [] નહીં, અને થાતાં નવ વધે;
પ્રાય વસ્તુ અરૂપ અણલિંગી, હેતુવિના કારણ-નિધે[]. ૧

હેતુવિના કારણતણું, કહું દૃષ્ટાન્ત વિધે કરી;
આકાશવિષે જેમ અભ્ર[] નાનાં, થાય જાય પાછાં ફરી. ૨

નીલ પીત ને શ્યામ ઉજ્જવલ, રક્ત[] ભાત અનંત;
વિચિત્ર પેરે [] વિલસે [] વળી, ત્યાંહાંજ આવે અંત. ૩

પણ વ્યોમ[] તેમનું તેમ, થાતે[] જાતાં[૧૦] તેમનું તેમ;
વારક [૧૧] પ્રેરક[૧૨] નહિ અભ્રને, વસ્તુ જાણવી એમ. ૪

એ તો અરૂપીકેરૂં રૂપ બંધાયે, પાછું રૂપ અરૂપ થઇ જાય;

ઉપના પછી તેહનાં નામ પાડે, પણ થયું શાનું પ્રાય. ૫

એ વિચારી જોતે થકે, જેહવો એ ઘનસાર[૧૩];
$$ ધાઇ રમે રમાડે, પણ ક્ષણ ક્ષણ ખગાકાર [૧૪]. ૬

ભાઇ જગતનાં કારણ ઘણાં, પણ થયા પછે ધરે નામ;
કહે પંચભૂતનાં પૂતળાં, એ બ્રહ્માકેરાં કામ. ૭

પણ વિરંચીઆદે [૧૫] વિશ્વ સઘળું, ઘડ્યો કેહેનો ઘાટ;
એ વિચારે બુધ્ધિ બુડે,અતિ નિરાળો [૧૬] નાટ [૧૭]. ૮

ભાઇ જે છે તે તો એજ અછે, બીજો વિચાર મનનો ઘડ્યો;
કરતા કોણ કહું કેહતણો, જો અન્ય પદાર્થ નવ જડ્યો. ૯

કહે અખો એ કળા મોટી, તોજ ઉપજે જંતને;
રૂપ અરૂપી આપ દેખે, જો સેવે હર-ગુરુ-સંતને. ૧૦

  1. વિલય પામી
  2. વિનાશ પામે
  3. કારણનો ભંડાર
  4. વાદળાં
  5. રાતાં
  6. પ્રકારે
  7. વિલાસે
  8. આકાશ
  9. ઉત્પન્ન
  10. વિનાશ પામતાં
  11. નિવારણ કરનાર
  12. પ્રેરણા કરનાર
  13. કપૂર
  14. આકાશને આકારે
  15. બ્રહ્મા આદિ
  16. ભિન્ન
  17. નાટક