અખેગીતા/કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ અખેગીતા
કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ
અખો
કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ →


કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ

રાગ ધન્યાશ્રી

વળી કહું આઘો અનુભવ જેહજી, જેજે સમજ્યા પુરૂષવિદેહજી;
કોઇક જાણે મર્મ તો એહજી, જે જઇ નીસરે શૂન્ય છેહજી. [૧]

પૂર્વછાયા

શૂન્ય મધ્યે છે વાટ એહવી, પરમાતમ પદ સદા;
અગમ અગાધ મત મહા મનોહર, જ્યાં ન મળે દ્વૈતની આપદા. ૧

તેહને જગત નહીં તો શૂન્ય શું કહે, ગુણદોષ તે કોના ગણે;
પરમાર્થ આવ્યું પ્રીછમાં[૨], તો આપવિના અન્ય શું ભણે? ૨

જેમ રતાંબરને[૩] સત્ય ન મલે, તો દિવસ પરઠે[૪] શાવડે;
એ તો કાલ માપે ભૂતલવાસી[૫], પણ સૂર્યને કાંઇ નવ નડે. ૩

તેમ વિશ્વ દેખી મિથ્યા કહે છે, આશ જાણીને જગતની;
નિકાલ તેહને નથી જડતો, તેણે પેર્ય[૬] બાંધી મુગતની [૭]. ૪

ભાઇ અણલિંગીને આપ ન મળે, તો વ્યાપક પરઠેકેહતણો[૮];
અણચવ્યું[૯] આપ અનાદિ વર્જીત[૧૦], એવો લક્ષ આધો ઘણો. ૫

શૂન્યવાદી તે શરીર દેખે, પણ કૃત્ય[૧૧] ન માને દેહનું;
અંધ લક્ષ આઘો ન ચાલે, ન સમજે કારણ છે હતું. ૬

જેમ કાઇ મથતાં ઉષ્ણતા, પ્રથમ પ્રગટે માંહેથી;
પછે પ્રગટે ધૂમ્ર તેહનું, મૂલ અગ્નિને દાહથી. ૭

ઉષ્ણતા તેહજ અગ્નિ જાણીએ, પણ આઘો આદર નવ લણો;
તેમ જગત જગતનાં કૃત્ય દીઠાં, પણ આતમા અજાણ્યો રહ્યો. ૮

શૂન્યવાદી તે એમ જાણે, દેહ સૂધી તેહની દૂષ્ટ[૧૨] છે;
પણ પરમારથમાં પોંચ ન હોય, જેહની પુઠે પુષ્ટ[૧૩] છે. ૯

કહે અખો જે લક્ષણ સમજે, તેહજ પામે અંતને;
પરપંચ-પાર[૧૪] તે રહ્યો બોલે, કલા મોટી સંતને. ૧૦

 1. છેડે
 2. જાણવામાં.
 3. આકાશમાં રહેનારને.
 4. નક્કી કરે.
 5. પૃથ્વીપર રહેનારા.
 6. રીત.
 7. મુક્તની.
 8. કોનો.
 9. નહિ અનુભવેલું
 10. સર્વથી રહિત.
 11. કર્મ.
 12. દ્દષ્ટિ-જ્ઞાન.
 13. પોષણ પામેલ.
 14. જગતની બહાર.