અનાસક્તિયોગ/૩. કર્મયોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨. સાંખ્ય-યોગ અનાસક્તિયોગ
૩. કર્મયોગ
ગાંધીજી
૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ →કર્મયોગ

આ અધ્યાય ગીતાનું સ્વરૂપ જાણવાની કૂંચી છે એમ કહેવાય. તેમાં કર્મ કેમ કરવું અને ક્યું કરવું, તથા ખરું કર્મ કોને કહેવું જોઈએ તે સ્પષ્ટ કર્યું છે. અને બતાવ્યું છે કે ખરું જ્ઞાન પારમાર્થિક કર્મોમાં પરિણમવું જ જોઈએ.

अर्जुन बोल्या:

હે જનાર્દન! જો તમે કર્મના કરતાં બુદ્ધિને ચડિયાતી માનો છો તો હે કેશવ! તમે મને ઘોર કર્મને વિશે કેમ પ્રેરો છો? ૧.

નોંધ: બુદ્ધિ એટલે સમત્વબુદ્ધિ.

તમારાં મિશ્ર વચનથી મારી બુદ્ધિને તમે જાણે શંકાશીલ બનાવો છો. માટે તમે મને એક જ વાત નિશ્ચયપૂર્વક કહો કે જેથી મારું કલ્યાણ થાય. ૨.

નોંધ: અર્જુન મૂંઝાય છે; કેમ કે એક તરફથી ભગવાન તેને શિથિલ થવાને સારુ ઠપકો દે છે અને બીજી તરફથી બીજા અધ્યાયના ૪૯-૫૦ શ્લોકોમાં કર્મત્યાગનો આભાસ આવી જાય છે. ઊંડે વિચારતાં એમ નથી એમ ભગવાન હવે બતાવશે.

श्रीभगवान बोल्या:

હે પાપરહિત અર્જુન! હું પૂર્વે કહી ગયો છું કે આ લોકને વિશે બે પ્રકારની નિષ્ઠા હોય છે : એક તો જ્ઞાનયોગ વડે સાંખ્યોની અને કર્મયોગ વડે યોગીઓની. ૩.

કર્મનો [કેવળ] આરંભ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ્ય અનુભવતો નથી અને કર્મના કેવળ બાહ્ય ત્યાગથી સિદ્ધિ કે મોક્ષ મેળવતો નથી. ૪.

નોંધ: નૈષ્કર્મ્ય એટલે મનથી, વાણીથી અને શરીરથી કર્મનું ન કરવાપણું. પણ આવી નિષ્કર્મતાનો અનુભવ કર્મ ન કરીને કોઈ નથી લઈ શકતું. ત્યારે એનો અનુભવ કેમ મળે એ હવે જોવાનું છે.

ખરેખર, એક ક્ષણભર પણ કર્મ કર્યા વિના કોઈ નથી રહી શકતું. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો જ પરવશ પડેલા પ્રત્યેક જણ પાસેથી કર્મ કરાવે છે. ૫.

જે મનુષ્ય કર્મ કરનારી ઇન્દ્રિયોને રોકે છે પણ તે તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતવન મનથી કરે છે તે મૂઢાત્મા મિથ્થાચારી કહેવાય છે. ૬.

નોંધ : જેમ કે જે વાણીને રોકે છે પણ મનમાં કોઈને ગાળ કાઢે છે તે નિષ્કર્મ નથી પણ મિથ્યાચારી છે.

આનો અર્થ એવો નથી કે મન રોકાય નહીં ત્યાં લગી શરીરને રોકવું નિરર્થક છે. શરીરને રોક્યા વિના મન ઉપર અંકુશ આવતો જ નથી. પણ શરીરના અંકુશની સાથે મન ઉપર અંકુશ રાખવાનો પ્રયત્ન હોવો જ જોઈએ.

જેઓ બીક, શરમ કે એવાં બાહ્ય કારણોને લીધે શરીરને રોકે છે પણ મનને વાળતા નથી, એટલું જ નહીં પણ મનથી તો વિષય ભોગવે છે અને લાગ ફાવે તો શરીરથી પણ ભોગવે તેવા મિથ્યાચારીની અહીં નિંદા છે.

હવે પછીનો શ્લોક આથી ઊલટો ભાવ દર્શાવે છે.

પણ હે અર્જુન! જે મનુષ્ય ઈન્દ્રિયોને મનથી નિયમમાં રાખી સંગરહિત થઈ કર્મ કરનારી ઈન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે શ્રેષ્ઠ પુરુષ છે. ૭.

નોંધ : આમાં બહાર ને અંતરનો મેળ સાધ્યો છે. મનને અંકુશમાં રાખતાં છતાં મનુષ્ય શરીર વડે એટલે કે કર્મેન્દ્રિયો વડે કંઈ ને કંઈક તો કરશે જ. પણ જેનું મન અંકુશમાં છે તેના કાન દૂષિત વાતો નહીં સાંભળે પણ ઈશ્વરભરજન સાંભળશે, સત્પુરુષોના ગુણોનું કથન સાંભળશે. જેનું મન પોતાને વશ છે તે આપણે જેને વિષય તરીકે ઓળખીએ છીએ તેમાં રસ નહીં લે. આવો મનુષ્ય આત્માને શોભે તેવાં જ કર્મો કરશે. આવાં કર્મો કરવાં તે કર્મમાર્ગ. જે વડે આત્માનો શરીરના બંધનમાંથી છૂટવાનો યોગ સધાય તે કર્મયોગ. આમાં વિષયાસક્તિને સ્થાન હોય જ નહીં.

તેથી તું નિયત કર્મ કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવાં એ વધુ સારું છે. તારા શરીરનો વ્યાપાર પણ કર્મ વિના નહીં ચાલે.

નોંધ : નિયત શબ્દ મૂળ શ્લોકમાં છે. તેનો સંબંધ આગલા શ્લોક સાથે છે. તેમાં મન વડે ઈન્દ્રિયોને નિયમમાં રાખી સંગરહિત થઈ કર્મ કરનારની સ્તુતિ છે. એટલે અહીં નિયત કર્મની એટલે ઈન્દ્રિયોની નિયમમાં રાખીને કરવાના કર્મની ભલામણ છે.

યજ્ઞાર્થે કરેલાં કર્મ સિવાયનાં બીજાં કર્મોથી આ લોકમાં બંધન પેદા થાય છે. તેથી હે કૌન્તેય! તું રાગરહિત થઈને યજ્ઞાર્થે કર્મ કર. ૯.

નોંધ : યજ્ઞ એટલે પરોપકારાર્થે, લોકકલ્યાણાર્થે, ઈશ્વરાર્થે કરેલાં કર્મ.

પ્રજાને યજ્ઞસહિત ઉત્પન્ન કરીને પ્રજાપતિ બ્રહ્મા બોલ્યા: 'આ યજ્ઞ દ્વારા તમે વૃદ્ધિ પામજો. એ તમને ઈચ્છિત ફળ આપો. ૧૦.

તમે યજ્ઞ દ્વારા દેવોને પોષો અને એ દેવો તમને પોષે. આમ એકબીજાને પોષીને તમે પરમ કલ્યાણને પામો. ૧૧.

યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગ આપશે. જે કોઈ, વળતર આપ્યા વિના, તેમણે આપેલું ભોગવે છે તે અવશ્ય ચોર છે.' ૧૨.

નોંધ: અહીં દેવ એટલે ભૂતમાત્ર, ઈશ્વરની સૃષ્ટિ. ભૂતમાત્રની સેવા તે દેવસેવા અને તે જ યજ્ઞ.

જે યજ્ઞમાંથી વધેલું જમનારા છે તે બધાં પાપોથી મુક્ય થાય છે. જેઓ પોતાને જ અર્થે પકાવે છે તેઓ પાપ ખાય છે. ૧૩.

અન્નમાંથી ભૂતમાત્ર પેદા થાય છે. અન્ન વરસાદથી પેદા થાય છે. વરસાદથી યજ્ઞ થાય છે. અને યજ્ઞ કર્મથી થાય છે. ૧૪.

તું જાણે કે કર્મ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે, પ્રકૃતિ અક્ષરબ્રહ્મ થકી, અને તેથી સર્વવ્યાપક બ્રહ્મ હમેશાં યજ્ઞને વિશે રહેલ છે. ૧૫.

આમ પ્રવર્તેલા ચક્રને જે નથી અનુસરતો તે મનુષ્ય પોતાનું જીવન પાપી બનાવે છે, ઈન્દ્રિય-સુખમાં મચ્યો રહે છે, અને હે પાર્થ! તે વ્યર્થ જીવે છે. ૧૬.

પણ જે મનુષ્ય આત્મામાં રમનારો છે, જે તેથી જ તૃપ્ત રહે છે અને તેમાં જ સંતોષ માને છે તેને કંઈ કરવાપણું હોતું નથી. ૧૭.

કરવા ન કરવામાં તેનો કંઈ જ સ્વાર્થ નથી. ભૂતમાત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી. ૧૮.

એટલે તું તો સંગરહિત થઈને નિરંતર કર્તવ્ય-કર્મ કર. અસંગ રહીને જ કર્મ કરનારો પુરુષ મોક્ષ પામે છે. ૧૯.

જનક જેવા અનેક લોકો કર્મ થકી જ પરમસિદ્ધિને પામી ગયા છે.

૧૦

લોકસંગ્રહ જોતાં પણ તારે કર્મ કરવું ઘટે છે. ૨૦.

[નોંધ: લોકો અવળે માર્ગે જઈ સમાજનો નાશ ન કરે એ હેતુથી માર્ગદર્શન દ્વારા લોકકલ્યાણ સાધવું તે લોકસંગ્રહ. -કા૦]

(કેમ કે) જે જે આચરણ ઉત્તમ પુરુષો કરે છે તેનું અનુકરણ સામાન્ય લોકો કરે છે. જે (આદર્શ)ને તેઓ પ્રમાણ બનાવે છે તેને લોકો અનુસરે છે. ૨૧.

હે પાર્થ! મારે ત્રણ લોકોમાં કંઈ જ કરવાપણું નથી. મેળવવા યોગ્ય કંઈ મને નથી મળ્યું એમ પણ નથી; તોયે હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. ૨૨.

નોંધ: સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ઈત્યાદિની નિરંતર અને અચૂક ગતિ ઈશ્વરનાં કર્મો સૂચવે છે. આ કર્મો માનસિક નહીં પણ શારીરિક ગણાય. 'ઈશ્વર નિરાકાર હોવા છતાં શારીરિક કર્મો કરે છે, એમ કેમ કહેવાય?' એવી શંકા કરવાને સ્થાન નથી. કેમ કે તે અશરીરી છતાં શરીરની જેમ વર્તતો દેખાય છે. તેથી જ તે કર્મ કરતો છતો 'અકર્મકૃત્' અને અલિપ્ત છે. મનુષ્યને સમજવાનું તો એ છે કે જેમ ઈશ્વરની પ્રત્યેક કૃતિ યંત્રવત કામ કરે છે તેમ મનુષ્યે પણ બુદ્ધિપૂર્વક છતાં યંત્રની જેમ જ નિયમિત કામ કરવાં ઘટે છે. મનુષ્યની વિશેષતા યંત્રગતિનો અનાદર કરી સ્વચ્છંદી થવામાં નથી, પણ તે ગતિનું જ્ઞાનપૂર્વકનું અનુકરણ કરવામાં છે. અલિપ્ત રહી, અસંગ રહી, યંત્રવત કાર્ય કરે તો તેને ઘસારો લાગતો જ નથી. તે મરણ પર્યંત તાજો રહે છે. દેહ દેહના નિયમને અનુસરી તેના કાળે પડે છે, પણ તેમાં રહેલો આત્મા જેવો હતો તેવો જ રહે છે.

જો હું કદી પણ આળસ મરડવા સરખોયે થોભ્યા વિના કર્મને વિશે પ્રવૃત્ત ન રહું તો હે પાર્થ! લોકો બધી રીતે મારા વર્તનને અનુસરશે. ૨૩.

જો હું કર્મ ન કરું તો આ લોકો નષ્ટ થાય; હું અવ્યવસ્થાનો કર્તા બનું અને આ લોકોનો નાશ કરું. ૨૪.

હે ભારત! જેમ અજ્ઞાની લોકો આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીને આસક્તિરહિત થઈને લોકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ. ૨૫.

કર્મને વિશે આસક્ત એવા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિને જ્ઞાની પુરુષ ડામાડોળ ન કરે, પણ સમત્વ જાળવી સારી રીતે કર્મો કરી તેમને સર્વ કર્મોને વિશે પ્રેરે. ૨૬.

બધાં કર્મો પ્રકૃતિના ગુણો વડે જ કરેલાં હોય છે. ત્યાં અહંકારથી મૂઢ બનેલો મનુષ્ય 'હું કર્તા છું' એમ માની બેસે છે. ૨૭.

જ્યારે, હે મહાબાહો! ગુણ અને કર્મના વિભાગના રહસ્યને જાણનારો પુરુષ 'ગુણો ગુણોને વિશે વર્તે છે' એમ ધ્યાનમાં આણીને તેમાં આસક્ત નથી થતો. ૨૮.

નોંધ: જેમ શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા પોતાની મેળે થાય છે; તેને વિશે મનુષ્ય આસક્ત નથી થતો, અને જ્યારે તે અવયવોને વ્યાધિ હોય ત્યારે જ મનુષ્યને તેની ચિંતા કરવી પડે છે, અથવા તેને તે અવયવની હસ્તીનું પણ ભાન થાય છે, તેમ સ્વાભાવિક કર્મો પોતાની મેળે થતાં હોય તો તેમને વિશે આસક્તિ ન હોય. જેનો સ્વભાવ ઉદારતાનો છે તે પોતે ઉદાર છે એમ જાણતો પણ નથી; તેનાથી દાન કર્યા વિના રહેવાનું જ નથી. આવી અનાસક્તિ અભ્યાસ અને ઈશ્વરકૃપા વડે જ આવે.

પ્રકૃતિના ગુણોથી મોહ પામેલા મનુષ્યો ગુણોનાં કાર્યોમાં આસક્ત રહે છે. એવા અલ્પજ્ઞાની મંદબુદ્ધિ લોકોને જ્ઞાનીઓએ અસ્થિર ન કરવા જોઈએ. ૨૯.

૧૧

અધ્યાત્મ વૃત્તિ રાખી બધાં કર્મો મને અર્પણ કરીને આસક્તિ અને મમત્વ છોડી રાગરહિત થઈ તું યુદ્ધ કર. ૩૦.

નોંધ : દેહમાં રહેલા આત્માને જે ઓળખે છે અને તે પરમાત્માનો જ અંશ છે એમ જાણે છે તે બધું પરમાત્માને જ અર્પણ કરશે. જેમ સેવક સ્વામીની ઓથે નભે છે અને બધું તેને અર્પણ કરે છે તેમ.

શ્રદ્ધા રાખી, દ્વેષને ત્યાગી જે મનુષ્યો મારા આ અભિપ્રાય પ્રમાણે હમેશાં ચાલે છે તેઓ પણ કર્મબંધનથી મુક્ત થાય છે. ૩૧.

પણ જેઓ મારા આ અભિપ્રાયનો દોષ કાઢી તેને નથી અનુસરતા તેઓ જ્ઞાનહીન મૂર્ખ છે. તેમનો નાશ થયેલો જાણ. ૩૨.

[એ વાત સાચી છે કે] જ્ઞાની પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે, પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે, ત્યાં બળાત્કારે શું કરે? ૩૩.

નોંધ : બીજા અધ્યાયના ૬૧ કે ૬૮મા શ્લોકનો આ વિરોધી શ્લોક નથી. ઈન્દ્રિયોનો નિગ્રહ કરતાં કરતાં મનુષ્યે મરી છૂટવાનું છે, પણ તેમાં સફળતાં ન મળે તો નિગ્રહ એટલે બળાત્કાર નિરર્થક છે. આમાં નિગ્રહની નિંદા નથી સૂચવી. સ્વભાવનું સામ્રાજ્ય છે. 'આ તો મારો સ્વભાવ છે' એમ કહી કોઈ ખોટો થઈ બેસે તે આ શ્લોકનો અર્થ નથી સમજતો. સ્વભાવની આપણને ખબર પડતી નથી. ટેવમાત્ર સ્વભાવ નથી. અને આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન છે. એટલે આત્મા જ્યારે નીચે ઊતરે ત્યારે તેની સામે થવું એ કર્તવ્ય છે. તેથી જ નીચેનો શ્લોક સ્પષ્ટ કરે છે.

ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોને વિશે રાગદ્વેષ રહેલા જ છે [એ ધ્યાનમાં રાખીને] મનુષ્યે તે રાગદ્વેષને વશ થવું ન ઘટે. કેમ કે તે બંને મનુષ્યના વાટશત્રુ છે. ૩૪.

નોંધ : કાનનો વિષય સાંભળવું એ છે. સારું લાગે તે જ સાંભળવું તેને ગમે - એ રાગ; જે માઠું માને તે સાંભળવું ન ગમે - તે દ્વેષ. 'એ તો સ્વભાવ છે' એમ કહી રાગદ્વેષને વશ થવાને બદલે તેમની સામે થવું ઘટે. આત્માનો સ્વભાવ સુખદુઃખથી અસ્પૃષ્ટ રહેવાનો છે. તે સ્વભાવને મનુષ્યે પહોંચવાનું છે.

પરાયો ધર્મ સુલભ હોય છતાં તેના કરતાં પોતાનો ઊતરતો ધર્મ પણ વધારે સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું છે; પરધર્મ ભયાનક છે. ૩૫.

નોંધ : સમાજમાં એકનો ધર્મ ઝાડુ કાઢવાનો હોય ને બીજાનો ધર્મ હિસાબ રાખવાનો હોય. હિસાબ રાખનાર ભલે ઉત્તમ ગણાતો હોય છતાં ઝાડુ કાઢનાર જો પોતાનો ધર્મ છોડે તો તે ભ્રષ્ટ થાય ને સમાજને હાનિ પહોંચે. ઈશ્વરના દરબારમાં બંનેની સેવાની કિંમત તેમની નિષ્ઠા પ્રમાણે અંકાશે. ધંધાની કિંમત ત્યાં તો એક જ હોય. બંને ઈશ્વરાર્પણબુદ્ધિથી પોતાનું કર્તવ્ય કરે તો મોક્ષને સરખા યોગ્ય બને છે.

૧૨

अर्जुन बॊल्याः

હે વાર્ષ્ણેય ! ન ઈચ્છતો છતો કોનાથી પ્રેરાઈને મનુષ્ય બળાત્કારે જોડાતો ન હોય તેમ પાપ કરે છે? ૩૬.

श्रीभगवान बॊल्या:

રજોગુણથી ઉત્પન્ન થયેલો એ (પ્રેરક) કામ છે, ક્રોધ છે; એનું પેટ જ ભરાતું નથી, એ મહાપાપી છે. એને આ લોકમાં શત્રુરૂપ સમજ. ૩૭.

નોંધ : આપણો ખરો શત્રુ અંતરમાં રહેલો કામ કહો કે ક્રોધ કહો તે જ છે.

જેમ ધુમાડાથી અગ્નિ અથવા મેલથી અરીસો અથવા ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ કામાદિરૂપ શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. ૩૮.

હે કૌન્તેય! તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ નિત્યનો શત્રુ છે, તેનાથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાયેલું છે. {{float right|૩૯.વ્

ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ આ શત્રુનું નિવાસસ્થાન છે. એ વડે જ્ઞાનને ઢાંકીને આ શત્રુ દેહીને મૂર્છિત કરે છે. ૪૦.

નોંધ : ઈન્દ્રિયોમાં કામ વ્યાપે છે તેથી મન મિલન થાય છે, તેથી વિવેકશક્તિ મંદ થાય છે, તેથી જ્ઞાનનો નાશ થાય છે. જુઓ અ. ૨, શ્લોક ૬૨-૬૪.

તેથી હે ભરતર્ષભ! તું પહેલાં તો ઈન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને અનુભવનો નાશ કરનાર આ પાપીનો અવશ્ય ત્યાગ કર. ૪૧.

ઈન્દ્રિયો સૂક્ષ્મ છે, તેથી વધારે સૂક્ષ્મ મન છે, તેથી વધારે સૂક્ષ્મ બુદ્ધિ છે, જે બુદ્ધિથી પણ અત્યંત સૂક્ષ્મ છે તે આત્મા છે. ૪૨.

નોંધ : એટલે જો ઈન્દ્રિયો વશમાં રહે તો સૂક્ષ્મ કામને જીતવો સહેલ થઈ પડે.

આમ બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીએ અને આત્મા વડે મનને વશ કરીને હે મહાબાહો! કામરૂપ દુર્જય શત્રુનો સંહાર કર. ૪૩.

નોંધ : મનુષ્ય જો દેહમાં રહેલા આત્માને જાણે તો મન તેને વશ રહે, ઈન્દ્રિયોને વશ ન રહે. અને મન જિતાય તો કામ શું કરી શકે?

ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'કર્મયોગ' નામનો ત્રીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.