અનાસક્તિયોગ/૬. ધ્યાનયોગ
← ૫. કર્મ-સન્યાસ-યોગ | અનાસક્તિયોગ ૬. ધ્યાનયોગ ગાંધીજી |
૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ → |
૬
ધ્યાન યોગ
આ અધ્યાયમાં યોગ સાધવાનાં એટલેકે સમત્વ પામવાનાં કેટલાંક સાધનો બતાવ્યાં છે.
श्रीभगवान बोल्याः:
કર્મફળનો આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસીયે છે, અને યોગી પણ છે; જે અગ્નિનો એટલે કે અગ્નિહોત્રનો અને બીજી ક્રિયા માત્રનો ત્યાગ કરીને બેસે છે તે નહીં. (૧)
નોંધ: વિહિત એટલે કર્તવ્ય તરીકે પ્રાપ્ત થયેલું (સત્કર્મ). અગ્નિ એટલે સાધન માત્ર. જ્યારે અગ્નિ મારફતે હોમ થતા ત્યારે અગ્નિની આવશ્યકતા હતી, સંન્યાસીઓ હોમ ન કરી શકે એટલે એમને નિરગ્નિ કહેતા. આ યુગમાં માનો કે રેંટિયો સેવાનું સાધન છે તો તેનો ત્યાગ કરવાથી સંન્યાસી નથી થવાતું.
હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ. જેણે મનના સંકલ્પો તજ્યા નથી તે કદી યોગી થઈ શકતો નથી. ૨.
યોગ સાધાનારને માટે કર્મ સાધન છે, જેણે તે સાધ્યો છે તેને માટે ઉપશમ એટલે વિરતિ, શાન્તિ એ જ સાધન છે. ૩.
નોંધ: જેની આત્મશુદ્ધિ થઈ છે, જેણે સમત્વ સાધેલ છે તેને આત્મદર્શન સહજ છે. આનો અર્થ એવો નથી કે યોગારૂઢે લોકસંગ્રહને સારુ પણ કર્મ કરવાનાં નથી રહેતાં. લોકસંગ્રહ વિના તે જીવી જ ન શકે. એટલે સેવા કર્મ કરવાં એ પણ તેને સહજ હોય છે. તે દેખાવને અર્થે કંઈ કરતો નથી. સરખાવો ૩-૪, અને ૫-૨.
જ્યારે માણસ ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં આસકત નથી થતો અને બધાં સંકલ્પિ તજે છે ત્યારે તે યોગરૂઢ કહેવાય છે. ૪.
આત્મા વડે મનુષ્ય આત્માનો ઉદ્ધાર કરે; તેની અધોગતિ ન કરે. આત્મા જ આત્માનો બંધુ છે; અને આત્મા જ આત્માનો શત્રુ છે. ૫. તેનો જ આત્મા એનો બંધુ છે જેણે પોતાને બળે પોતાની જાતને જીતી છે; જેણે જાતને જીતી નથી તે પોતા પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. ૬.
જેણે પોતાનું મન જીત્યું છે ને જે સંપૂર્ણપણે શાન્ત થયો છે તેનો આત્મા ટાઢ-તડકો, સુખ-દુઃખ, તેમ જ માન-અપમાન વિશે એક સરખો રહે છે. ૭.
જ્ઞાન અને અનુભવથી જે તૃપ્ત થયો છે, જે અવિચળ છે, જે ઈન્દ્રિયજીત છે અને જેને માટી પથ્થર અને સુવર્ણ સરખાં છે એવો ઈશ્વરપરાયણ મનુષ્ય યોગી કહેવાય. ૮.
હિતેચ્છુ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, અળખામણો કે વહાલો, એ બધા પ્રત્યે તેમ જ સાધુ અને પાપી, બન્ને પ્રત્યે જે સમાન ભાવ રાખે છે તે યોગી શ્રેષ્ઠ છે. ૯.
[નોંધ: બન્ને પક્ષ વિશે સરખો જ ઉદાસીન કે બેદરકાર તે તટસ્થ. સામસામે લડનાર બન્ને પક્ષનું ભલું ચાહનાર તે મધ્યસ્થ. કા૦]
ચિત્ત સ્થિર કરીને, વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને, એકલો એકાન્તમાં રહીને યોગી નિરન્તર આત્માને પરમાત્માની સાથે જોડે. ૧૦.
પવિત્ર સ્થાનમાં, બહુ ઊંચું નહીં ને બહુ નીચું નહીં એવું, તેમ જ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર ઉપરાઉપર પાથરેલું એવું સ્થિર આસન પોતાને સારુ કરી, ત્યાં એકાગ્ર મને બેસી ચિત્ત અને ઈન્દ્રિયોને વશ કરી તે યોગી આત્મશુદ્ધિને સારુ યોગ સાધે. ૧૧–૧૨.
સ્થિરપણે કાયા, ડોક અને મસ્તક સમરેખામાં અચલ રાખીને, આમતેમ ન જોતાં પોતાના નાસિકાગ્ર ઉપર નજર ટેકવીને, પૂર્ણ શાન્તિથી, ભયરહિત થઈને, બ્રહ્મચર્યને વિશે દૃઢ થઈને, મનને મારીને મારામાં પરાયણ થયેલો યોગી મારું ધ્યાન ધરતો બેસે. ૧૩–૧૪.
નોંધ : નાસિકાગ્ર એટલે ભ્રૂકુટી વચ્ચેનો ભાગ. (જુઓ ૫-૨૭) બ્રહ્મચારીવ્રત એટલે કેવળ એક વીર્યસંગ્રહ જ નહીં પણ બ્રહ્મ પામવાને સારુ આવશ્યક અહિંસાદિ બધાં વ્રતો.
આમ જેનું મન નિયમમાં છે એવો યોગી આત્માનું અનુસન્ધાન પરમાત્માની સાથે કરે છે ને મને પામવામાં રહેલી મોક્ષરૂપ પરમ શાંતિ મેળવે છે. ૧૫. હે અર્જુન ! આ સમત્વરૂપ યોગ નથી પ્રાપ્ત થતો અંકરાંતિયાને, અને નથી થતો નકરા ઉપવાસીને, અને તેમ જ તે નથી મળતો અતિ ઊંઘનારને અથવા અતિ ઉજાગરા કરનારને. ૧૬.
જે મનુષ્ય આહાર-વિહારમાં, ઊંઘવા-જાગવામાં તેમ જ બીજાં બધાં કર્મોમાં, પ્રમાણ જાળવે છે તેને યોગ દુઃખભંજન થઈ પડે છે. ૧૭.
સારી રીતે નિયમમાં આણેલું ચિત્ત જ્યારે આત્માને વિષે સ્થિર થાય છે અને કામનામાત્રને વિશે માણસ નિ:સ્પૃહ બને છે ત્યારે તે યોગી કહેવાય છે. ૧૮.
આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરનાર સ્થિરચિત્ત યોગીની સ્થિતિ વાયુરહિત સ્થળમાં અચલિત રહેનાર દીવાની જેવી કહેવાય છે. ૧૯.
યોગના સેવનથી અંકુશમાં આવેલું મન જ્યાં શાન્તિ પામે, આત્મા વડે જ આત્માને ઓળખીને આત્માને વશે જ્યાં મનુષ્ય સંતોષ પામે; વળી ઈન્દ્રિયોથી પર અને બુદ્ધિ વડે ગ્રહણ કરવાયોગ્ય એવા અનંત સુખનો જ્યાં અનુભવો થાય છે; જ્યાં રહ્યો મનુષ્ય મૂળ વસ્તુથી ચલાયમાન થતો નથી; વળી જે પામ્યા પછી તેનાથી બીજા કોઈ લાભને તે અધિક માનતો નથી; અને જેને વિશે સ્થિર થયેલો મહાદુઃખથી પણ ડગતો નથી, તે દુઃખના પ્રસંગથી રહિત એવી સ્થિતિનું નામ યોગની સ્થિતિ જાણવી. એ યોગ કંટાળ્યા વિના દૃઢતા પૂર્વક સાધવાયોગ્ય છે. ૨૦–૨૧–૨૨–૨૩.
સંકલ્પથી ઉત્પન્ન થતી બધી કામનાઓને પૂરેપૂરી તજીને, મન વડે જ ઈન્દ્રિય-સમૂહને બધી યોગી ધીમે ધીમે વિરમે અને મનને અત્મામાં પરોવીને બીજા કશાનો વિચાર ન કરે. ૨૪–૨૫.
ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં ભમવા જાય ત્યાં ત્યાંથી તેને નિયમમાં આણીને (યોગી) પોતાને વશ લાવે ૨૬.
જેનું મન સારી રીતે શાન્ત થયું છે, જેના વિકાર શમ્યા છે એવો બ્રહ્મમય થયેલો નિષ્પાપ યોગી અવશ્ય ઉત્તમ સુખને પામે છે. ૨૭.
આ રીતે આત્માની સાથે નિરન્તર અનુસન્ધાન કરતો પાપરહિત થયેલો આ યોગી સહેલાઈથી બ્રહ્મપ્રાપ્તિરૂપ અનન્ત અપાર સુખનો અનુભવ કરે છે. ૨૮.
બધે સમભાવ રાખનારો યોગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પોતાનામાં જુએ છે. ૨૯.
જે મને જુએ છે અને બધાને મારે વિશે જુએ છે તે મારી નજરા આગળથી ખસતો નથી, અને હું તેની નજર આગળ થી ખસતો નથી. ૩૦.
આમ મારામાં લીન થયેલો જે યોગી ભૂતા માત્રને વિશે રહેલા મને ભજે છે તે બધી રીતે (કર્મોમાં)વર્તતો છતાં મારે વિશે જ વર્તે છે. ૩૧.
નોંધ : ‘પોતે’ જ્યાં લગી છે ત્યાં લગી તો પરમાત્મા પર છે. ‘પોતે’ મટી – શૂન્ય થાય તો જ એક પરમાત્મા બધે જુએ. આગળ અધ્યાય ૧૩-૨૩ની નોંધ જુઓ.
હે આર્જુન ! જે મનુષ્ય બધાને પોતાના જેવા જ ગણીને, સૂખ હો કે દુઃખ, બધે સમાનભાવે જુએ છે તે યોગી શ્રેષ્ઠ ગણાય. ૩૨. [નોંધ : શ્રી શંકરાચાર્ય કહે છે કે કોઈ પ્રત્યે પ્રતિકૂળ ના આચરનારો એ અહિંસક, સમગ્ર દરશનનિષ્ઠ યોગી સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે – કા૦]
अर्जुन बोल्या:
હે મધુસુદન ! આ ( સમત્વરૂપી ) યોગ જે તમે કહ્યો તેની સ્થિરતા હું ચંચળપણાને લીધે જોઈ શકતો નથી.૩૩.
કેમકે, હે કૃષ્ણ ! મન ચંચળ જ છે મનુષ્યને વલોવી નાખે છે. જેમાં વાયુને દબાવવો રોકવો બહુ કઠણ છે તેમ મનને વશ કરવું પણ હું કઠણ માનું છું. ૩૪.
श्रीभगवान बोल्याः:
હે મહાબાહો ! એમાં શંકા જ નથી કે મન ચંચળ હોવાથી વશ કરવું કઠણ છે. છતાં હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે પણ વશ કરી શકાય. ૩૫.
મારો અભિપ્રાય છે કે જેનું મન પોતાને વશ નથી તેને યોગસાધના બહુ કઠિન છે; પણ જેનું મન પોતાને વશ છે ને જે યત્નવાન છે તે ઉપાયો વડે તે સાધી શકે છે. ૩૬.
अर्जुन बोल्या:
હે કૃષ્ણ ! જે શ્રદ્ધાવાન તો છે પણ યત્ન માં મંદ હોવાથી યોગભ્રષ્ટ થાય છે તે સફળતા ના પામવાથી શી ગતિને પામે છે ? ૩૭.
હે મહાબાહો ! યોગથી ભ્રષ્ટ થયેલો, ને બ્રહ્મ માર્ગમાં ભૂલો પડેલો તે, છૂટા વિખરાયેલાં વાદળોની જેમ, ઉભય-ભ્રષ્ટ થઈ નાશ થઈ નાશ તો નથી પામતો ? ૩૮.
હે કૃષ્ણ ! આ મારો સંશય તમારે જ સમૂળ દૂર કરવો જોઈએ. તમારા સિવાય બીજો કોઈ આ સંશય દૂર કરનાર મળે તેમ નથી. ૩૯.
श्रीभगवान बोल्याः:
હે પાર્થ ! એવા મનુષ્યનો નાશ નથી આ લોકમાં કે નથી પરલોકમાં. કલ્યાણ માર્ગે જનાર કોઈની પણ, બાપુ ! કદી દુર્ગતિ નથી જ થતી. ૪૦.
પુણ્યશાળી માણસો જે સ્થાન પાને છે તેને પામીને ત્યાં લાંબો સમય રહ્યા પછી યોગભ્રષ્ટ થયેલ મનુષ્ય પવિત્ર અને સાધના વાળાને ઘેર જન્મે છે. ૪૧.
અથવા જ્ઞાનવાન યોગીના જ કુળમાં તે જન્મ લે છે [જોકે] જગતમાં આવો જન્મ અવશ્ય બહુ દુર્લભ છે. ૪૨.
ત્યાં તેને પૂર્વજન્મના બુદ્ધિ સંસ્કાર મળે છે, અને ત્યાંથી હે કુરુનન્દન ! તે મોક્ષને સારુ આગળ પ્રગતિ કરે છે. ૪૩.
તે જ પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. યોગનો કેવળ જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મ કરનારી સ્થિતિને ઓળંગી જાય છે. ૪૪.
વળી ખંતપૂર્વક પ્રયત્ન કરતો યોગી [ક્રમે ક્રમે] પાપમુક્ત બની અનેક જન્મથી વિશુદ્ધ થતો પરમગતિને પામે છે. ૪૫.
તપસ્વીના કરતાં યોગી ચડિયાતો છે; જ્ઞાનીના કરતાં પણ તે અધિક મનાય છે, તેમ જ કર્મકાંડી કરતાં તે અધિક છે. તેથી હે અર્જુન ! યું યોગી થા. ૪૬.
નોંધ: અહીં તપસ્વીની તપશ્ચર્યા ફલેચ્છાવાળી છે; અને જ્ઞાની એટલે અનુભવજ્ઞાની નહીં પણ શાસ્ત્રપંડિત.
બધા યોગીઓમાં પણ જે મારામાં મન પરોવીને મને શ્રદ્ધાપૂર્વક ભજે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ૪૭.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ધ્યાનયોગ' નામનો છઠ્ઠો અધ્યાય અત્રે પૂરો થાય છે.