અપરાધી/કોઈ નહિં ભાગી શકે

વિકિસ્રોતમાંથી
← વસિયતનામું અપરાધી
કોઈ નહિં ભાગી શકે
ઝવેરચંદ મેઘાણી
હું નો’તો કે’તો →


પોકારો : પળે પળે જાણે અકસ્માતો બને છે. શન્ટિંનાના ડબ્બાઓ વચ્ચે જાણે કોઈક પિલાઈ રહ્યું છે. કોઈકના પગ કપાઈ રહ્યા છે. કોઈક પટકાઈ પડે છે. ગોદામો પરના બુઢ્‌ઢા ચોકિયાતો સામસામા હોકારા સાંધી રહેલ છે. ચોમેરથી ગાડીઓ છૂટતી લાગે છે. એ બધા સ્વરો મને જગબત્રીસીમાંથી બચાવી લેવા વિકરાળ મૃત્યુની ગોદ હેઠળ બોલાવી રહ્યા છે. તાકીદ કરું : ફાટલી પોતડી પહેરી લઉં, માથાના વાળ મૂંડી નાખું, ને ગળામાં —અલખ નિરંજન એકેશ્વરની આરાધના કરનાર પિતા તો કદી માળા ફેરવતા નહોતા, પણ માતાજીનાં વસ્ત્રોની પેટીમાં તુલસી-પારાની તથા રુદ્રાક્ષની માળાઓ છે — ગળામાં પહેરી લઉં. માનું સંભારણું સાથે આવશે. એ માળાઓ આવતા પ્રભાતે કહી દેશે કે કોઈ ભામટો બાવો હશે. એ જ ઠીક છે : એ જ માર્ગ બહેતર છે.

હાથ લંબાવીને એણે બત્તીની વાટ સતેજ કરી. એ ક્ષણે એને ઓરડામાં કશોક સંચાર થતો લાગ્યો. એણે ચોમેર જોયું. ગાઢ ચુપકીદી હતી.

“કોણ છે ?” એણે ઊંચેથી પૂછ્યું.

જવાબ જડ્યો નહીં. થરથરતો એ ઊઠતો હતો તે જ પળે પાછું કોઈક બીજું ઓરડામાં હાજર હોવાનો અને આભાસ થયો.

“કોણ છે ?”

અને વળતી જ પળે એને પિતાના વખતની, પિતાજીની હમેશાંની પ્યારી, જ્યાં બેસીને પિતાજી એને માથે રોજ રાતે છેલ્લી વાર હાથ ફેરવતા, તે જ જૂની આરામખુરસી પર બાપુ પોતે જ સદેહે બેઠેલા લાગ્યા. છેલ્લી વાર જેવો જોયેલો તેવો જ પ્રતાપી ચહેરો : પણ એ મૃતદેહના ચહેરા પર મઢાયેલી આંખો તો શૂન્યમય હતી, આ ચહેરાની આંખો અત્યારે ઉઘાડી છે.

નહીં નહીં, નબળું પડેલું મન જ મને આવા આભાસો કરાવે છે, એમ વિચારીને શિવરાજે આંખો મીંચી. મીંચેલી આંખો પર હાથ ચાંપી દીધા. પણ ફરી પાછી જ્યારે આંખો ઉઘાડી ત્યારે પિતાજીને ત્યાં જ બિરાજેલા દીઠા. બાપુની આંખોમાંથી કરુણા અને માર્દવ નીતરે છે !

માથામાં એક ધણેણાટી ઊઠી. ચક્કર આવ્યાં. સોફાના તકિયા પર શિવરાજ મોંભર ઢળી પડ્યો.

પછી એણે પિતાના શબ્દો સાંભળ્યા : જીવતા હતા ત્યારે બોલતા હતા તે જ કોમળ, ગંભીર, પ્રેમાળ પણ મક્કમ બોલ :

“બેટા ! મારા બેટા ! તારા સંકલ્પો હું સમજું છું. સાવધાન, બેટા ! એ માર્ગે જતાં તને હું ચેતાવું છું. પોતાનાં પાપનાં પરિણામોથી કોઈપણ માનવી છટકી જઈ શકતો નથી. જો એ આ જન્મે છૂટશે તો નક્કી આવતા જન્મમાં એ જ કાર્યોને પોતાની સન્મુખ ઊભેલાં જોશે. ત્યારે એના હિસાબ ચૂકવવામાં હજારગણી વધુ વેદના સહેવી રહેશે, બેટા ! સાવધાન, ભાગીશ ના.”

“બાપુજી ! ઓ બા…” ઉચ્ચ સ્વરે બૂમ પાડવાની ઈચ્છા છતાં સાદ શિવરાજના ગળામાં જાણે ચોટી રહ્યો. પિતાનો અવાજ અટકી પડ્યો. અને પછી એને જ્યારે ભાન આવ્યું ત્યારે એના ખંડના બારણાની બહાર ચાઊસનો ધીરો સ્વર સંભળાતો હતો : “સા’બ ! છોટે સા’બ ! બચ્ચા મેરા !”

‘બચ્ચા મેરા’ એ છેલ્લા બોલ જાણે ચાઊસ મનમાં મનમાં બોલતો હતો.

“હાં, આતા હૂં.”

“સા’બ, પોલીસ સુપરિટન સાબ આયે હૈ !”

તાજગીભેર ખડા થઈને એણે સળગતી બત્તી બુઝાવી નાખી. એના બિછાના પરની બારીએ જાંબલી રંગના નાનકડાં બે પંખી જાણે પહેલી જ વાર કોઇ દેશાવરથી આવીને બોલતાં હતાં. એ કોના સંદેશા લાવ્યાં હતાં ? સરસ્વતીના ? કે અજવાળીના ? બીજી બારીમાંથી નજર કરી. ઉગમણી દિશાની સેંકડો સીમડીઓને કોઈ વ્રતધારિણી કુમારિકા સમી ઉષા કંકુચાંદલા કરતી હતી. વિરાટ આકાશ જાણે કોઈ નાના ઝાકળબિન્દુ જેટલું અબોલ હતું. ને પોતે ? પોતે જાણે કે વિકટ જંગલ વટાવીને ભયમુક્ત બનેલો માનવી હતો; પોતે જાણે કે વર્ષોજૂની પાછળ ઘસડાતી આવતી પગબેડીના ટુકડા કરીને મુક્તિ મેળવનારો કોઈ ગુલામ હતો. જીવનમાંથી ભય નામ ભાગી ગયું હતું. પોતાના માર્ગની ભાળ પોતે મેળવી લીધી હતી. હવે ભૂલા પડવાપણું ક્યાં રહ્યું હતું ? ‘સાવધાન, ભાગીશ મા !’ હતા બાપુના અનાહત બોલ.

મોં ધોઈ વાળ ઓળ્યા. દાંતિયાને પહેલે જ સપાટે લલાટથી લઈને ચોટી-ભાગ સુધી સીધાદોર સેંથી પડી ગઈ. પાયજામા પર ટૂંકો કોટ પહેરીને એ નીચે ઊતર્યો, એની ચંપલોના પટકારા દાદરને છેલ્લે પગથિયે પહોંચ્યા ત્યારે નીચેના મુલાકાત-ખંડમાં ખુરશી પર બેઠેલા આસિસ્ટંટ પોલીસ ઉપરીએ સલામ ભરીને “ગુડ મોર્નિંગ, સર” કર્યું.

“હલ્લો, મિસ્તર સ્કોટ ! ગુડ મોર્નિંગ. મને તો ઘારણ વળી ગયું હતું. તમારે બહુ વાર બેસવું પડવું, નહીં ? ઓહો ! આજનું પ્રભાત તો ગજબ ખુશનુમા છે, નહીં ? તમારા દેશમાં તો આવું પ્રભાત દેખી તમે ઘેલા જ બની જાઓ કે બીજું કાંઈ ?” એવું બોલતાં બોલતાં શિવરાજે અવિરત હાસ્યભેર આ ગોરા પોલીસ અધિકારી સાથે હાથ મિલાવ્યા. “રાજકોટથી પરોઢિયાની ટ્રેનમાં આવ્યા લાગો છો.”

“હા જી, ફોજદારનો એક્સ્પેસ તાર મળ્યો કે જેલ તૂટી છે, તહોમતદારણ ભાગી ગઈ છે. મેં આવીને તપાસ કરી છે, સાહેબ ! ને મને પૂરો શક ગયો છે કે તહોમતદારણ અચાનક નથી ભાગી ગઈ. એને ભગાડવામાં મારા બે કોન્સ્ટેબલોનો અને જેલરનો હાથ છે. અગાઉથી ગોઠવી રાખેલી આ યોજના છે. કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને મેં અટકાયતમાં લીધા છે. જેલરને સસ્પેન્ડ કરવાની ભલામણનો તાર આપ રાજકોટ કરો, તે દરમિયાન આપ જેલરને મારી અટકાયતમાં રાખવાની પરવાનગી આપો એટલી વિનંતી કરવા આવ્યો છું.”

“હાં — હાં વારુ ! બીજું કાંઈ ?” શિવરાજ લહેરથી પૂછતો હતો.

“તહોમતદારણને અને એના નસાડનારને પકડવાનું વોરંટ આપો.”

“કોણ નસાડનાર ?”

“રામભાઈ વકીલ, જેણે જેલરનાં ને મારા બે કોન્સ્ટેબલોનાં ગજવાં પૈસાથી ભરી દીધાં છે.”

“જેલર કાંઈ કહે છે ?”

“લગભગ કબૂલ કરે છે.”

“ચાલો ત્યારે આપણે જેલ પર જઈએ.”

ક્રિશ્ચિયન જેલર, રોજનો રાડારાડ પાડનારો, જરા બંકી હેટ રાખીને મરકતો મરકતો ડગલાનાં છયે છ ચકચકિત બીડેલ બટને “ગુડ મોર્નિંગ, સર” કરી રોજ ઊભો રહેનારો, એ પ્રભાતે ગરીબડો બનીને જેલની ઓફિસમાં ઊભો હતો. ઓફિસના પાછલા બારણા પર એની બૈરી ને એનાં ચાર છોકરાં ઊભાં ઊભાં રુદન કરતાં હતાં. ફ્રોક પહેરીને ઊભેલી પત્ની પોતાના કંઠમાં પડેલા સોનાના વધસ્તંભને ચૂમતી ચૂમતી અશ્રપૂર્ણ નેત્રે ધા નાખતી હતી : “જિસસ ! મર્શીફુલ લોર્ડ ! સેવ માય હસબંડ ! માય ઇનોસંટ હસબંડ ! દયાળુ પ્રભુ ઈસુ ! મારા નિર્દોષ સ્વામીને બચાવી લેજે !”

શિવરાજને જોતાં જ એ ધસી આવી : “મર્સીફુલ સર, યોર એક્સેલન્સી ! મારો આલ્બર્ટ આવું કદાપિ ન કરે. એણે મને લગ્ન વખતે વચન આપેલું, એ કદી વિશ્વાસઘાત ન કરે — એ દારૂ પીએ છે, જુગાર પણ રમે છે, પણ વિશ્વાસઘાત એ ન કરે. મને કોલ આપેલો છે. લગ્નવેળાનો કોલ ! તમે સમજી શકો છો, દયાળુ સાહેબ, કે બધા કોલ તોડાય, લગ્નના કોલ ન તોડાય.”

એટલું બોલીને મા ને છોકરાં શિવરાજને પગે પડી ગયાં. જેલર ઊંધું ઘાલીને ઊભો રહ્યો. “ગાર્ડ ટંચન !” કરીને સલામી આપી ઊભેલા પહેરેગીરોનાં મોં પણ કાળાં મેશ હતાં. કાંપની જેલ પર આ પહેલવહેલું કલંક હતું.

“કહાં હૈ વો દો પહેરેવાલે ?” શિવરાજે તીણા હાકમી સૂરે હવાલદારને પૂછ્યું.

એ બેઉને હાજર કરવામાં આવ્યા. એમના કમરપટા ખૂંચવાઈ ગયા હતા. તાજેતરની કોઈ આકરી સતામણીનાં નિશાન એમના દીદારમાં દેખાઈ આવતાં હતાં.

“ઓ બાબાજાન !” એવી કોઈ આક્રંદભરી ચીસ થોડે દૂરથી સંભળાઈ અને ચોંકેલા શિવરાજે તે તરફ જોયું.

એક ઇજારધારી, ને એક ધોળું હિન્દુ વસ્ત્ર પહેરેલી એવી બે ઓરતો થોડે આઘે ઊભી હતી, તેમની આંગળીએ બચ્ચા હતાં. ઇજારધારી ઓરતે મોં ઢાંકેલું હતું. સફેદ પોશાકધારી હિન્દુ ઓરતનું ઉઘાડું મોં દાખવતું હતું કે પોતે એક સિત્તેર વર્ષની બૂઢી છે. બંનેએ શિવરાજ તરફ હાથ જોડ્યા.

“બાબાજાન ! મેરે બાબા !” એમ બોલતી નાની મુસ્લિમ છોકરી પેલા બે સસ્પેન્ડ પહેરેગીરો પૈકીના એક તરફ પુકારીને માના હાથમાંથી છૂટી ધસી આવવા મથતી હતી. ડોશી પણ એક દીન બાળકને પકડી રાખી ઊભી હતી.

“કૌન હૈ યે ?” શિવરાજે પૂછ્યું.

“સા’બ, યે દો કન્સ્ટેબલકે ઘરકે લોગ હૈં.” હવાલદારે જવાબ વાળ્યો.

“બચ્ચોંકો આને દો ઈધર.”

“ધે વિલ મેક એ નીડલેસ રો, સર !” (એ વેજા આંહીં નકામી કકળાટ કરી મૂકશે.) આસિસ્ટન્ટ પોલીસ-ઉપરીને આ તમાશો ન ગમ્યો.

છોકરાં — બેય કોન્સ્ટેબલોનાં ને જેલરનાં — નજીક આવ્યાં. શિવરાજે તેમને પંપાળ્યાં ને ગજવામાંથી એક રૂપિયો કાઢીને હવાલદારને કહ્યું : “બચ્ચેકો ખાના ઔર ખિલૌના મંગવા દેના.”

“ત્યારે હવે શું કરવું છે, મિસ્તર સ્કોટ ?” શિવરાજે પૂછ્યું.

“આપની પાસે મેં માગણી કરી છે.”

“તમે તમારી તપાસમાં બહુ વધુ પડતા આગળ નીકળી પડ્યા છો, મિ. સ્કોટ ! તમે અવળા જ માર્ગે છો.”

“સાહેબ ! હું વોરંટ માગું છું અને આ જેલર માટેનો સસ્પેન્શન ઓર્ડર માગું છું.”

શિવરાજના હૃદયમાં બેઠેલો અસુર બોલતો હતો : જવા દેને આ પોલિસ-શકની બિલાડીને મોભામોભ એના જ ઇચ્છિત માર્ગે ! તું શા માટે સતવાદીનું પૂંછડું થવા જાય છે ? આ જેલરનાં ને કોન્સ્ટેબલનાં બાયડી-છોકરાંને પાળજે, પૈસા મોકલજે, બહુ બહુ તો બબ્બે વર્ષની સજા પામીને એ છૂટે આવે ત્યારે એને ધંધે ચડવાની મદદ કરજે. તું જીવતો હોઈશ ને તારું આજનું સ્થાન સલામત હશે તો તારી એક બૂરાઈની ભરપાઇ તું સુકૃત્યો વડે કરી શકશે. માટે જવા દે ! જવા દે, આ મામલાને એની મનઇચ્છિત બાજુએ, કુદરત પોતે જ ઈચ્છે છે.

એવા એવા લોભામણા સ્વરો જેલના દરવાજા પર ઊભા ઊભા કાનમાં સિંચાઈ રહ્યા. ઘડીભર એ સાચા લાગ્યા, ઘડી પછી પિતાના બોલ યાદ આવ્યા “કોઈ નહીં ભાગી જઈ શકે.” અને એની સામે ત્રણ ગરીબ કુટુંબો કમબખ્તીના કાલિમંદિરના બરાબર ઉંબર પર બોકડા બનીને ઊભાં હતાં. એ બોકડાને વધેરવાની છૂરી એના હાથમાં હતી. વિધાતાદેવીએ જાણે એને પોતાનો પૂજારી બનાવ્યો હતો.

“સાહેબ !” ગોરો અફસર અધીર બન્યો, “વખત જાય છે. કાં તો વોરંટ આપો, નહીંતર મને રાજકોટ તાર કરવા દો.”

“એ તારમાં બે શબ્દો ઉમેરશો, ઉમેરજો, કે સાચો ગુનેગાર હાથમાં જ છે, ને આપોઆપ સુપરત થાય છે.”

પોતાના હાથ લાંબો કરીને શિવરાજે પોલીસ-ઉપરી સામે ધર્યા ને પછી કહ્યું : “સાહેબ, ગુનેગાર હું છું. તહોમતદારણને મેં મારી સત્તાની મદદથી નસાડી છે, ઈરાદાપૂર્વક નસાડી છે. મને ગિરફતાર કરો.”