અપરાધી/વસિયતનામું
← शिवास्ते पंथाः | અપરાધી વસિયતનામું ઝવેરચંદ મેઘાણી |
કોઈ નહિં ભાગી શકે → |
૩૮. વસિયતનામું
ઘેરે ચાઊસ જાગતો હતો. મોટરમાંથી ઊતરતા શિવરાજને શરીરે પ્રેમાળ પંજો મૂકવાની ચાઊસે કેટલે વર્ષે હિંમત કરી ! ‘સાહેબ’ બન્યા પછી શિવરાજ સાથે છૂટ ન લેતા ચાઊસથી આજે ન રહેવાયું. શિવરાજના કાને ચાઊસના કલેજાના ધડધડાટો સંભળયા ને શબ્દો પડ્યા : “માલિક મેરા ! બચ્ચા ! તુમ સલામત થે, માલુમ થા મુઝે. બાબા આયે થે – કહેતે થે – બચ્ચાકી ફિકર મત કરો, ચાઊસ !”
“ચાઊસચચા !” શિવરાજે પૂછ્યું, “તહોમતદારણનું શું થયું ?”
“પુલીસ કૂવેમેં બિલ્લિયાં ડાલતી થી સારી રાત ! ફોજદાર અભી તક યહાં થે. અભી આયેગા.”
મોટરની ગર્જના સાંભળીને ફોજદાર અને પોલીસો બંગલે આવ્યા. તેમના હાથમાં પેટ્રોમેક્સ બત્તીઓ અને ધુમાડી ગયેલાં પંદરવીસ લાલટેન હતાં. લાંબાં દોરડાં તેઓ પોતાના પછવાડે ઢસડ્યે આવતા હતા. લોઢાની મીંદડીઓ એમના હાથમાં ખખડતી હતી.
“કૂવેકૂવા ડખોળી જોયા, સાહેબ, પણ કેદીનો પત્તો નથી.”
“સાંજથી અત્યાર સુધીમાં કોઈ ટ્રેન ગઈ ?” શિવરાજે પૂછ્યું.
“હા સાહેબ, બે મિક્સ્ડ ગાડીઓ ગઈ. બેઉમાં માણસો જોઈ કાઢ્યા. પત્તો નથી મળ્યો.”
“એની મા પાસે તપાસ કરાવી ?”
“હા સા’બ. ત્યાં તો કાલ સવારથી એની માએ ડાકલાં બેસાર્યાં છે. માણસો આખો દિવસ ત્યાં ટોળે વળીને બેઠા રહ્યા છે. ઇવડી ઇ ડોશી તો ખાટલે સૂતેલી છે. કોઈ કરતાં કોઈ ત્યાં ફરક્યું નથી.” કાંથડ હવાલદારે હાંફતાં હાંફતાં કહ્યું.
“ફોજદાર.” શિવરાજે કહ્યું, “સવારે આવો. દરમિયાન રાતમાં વિશેષ કૂવાઓ તપાસો, ધર્મશાળાઓ જોઈ કાઢો.”
“સાહેબ,” ફોજદારે એકાંત માગી, “અંદર આવું ?”
“આવો.”
ફોજદારે કહ્યું : “વકીલ રામભાઈનો પણ પત્તો નથી. મને શક છે કે બાઈને આપના બંગલાને પાછલે બારણેથી એમણે ભગાડી.”
“રેલગાડીઓમાં તો તમે જોયું હતું ને ?”
“રેલરસ્તો નયે લીધો હોય.”
“કોઈ ટેક્સી ગામમાંથી ગેરહાજર છે ?”
“એકેય નહીં.”
“તો પછી ?”
“અહીંથી બે ગાઉ દૂર ભાગી જઈને વિક્રમનગરની ટ્રેન પકડી હોય તો ? ને ત્યાંથી મુંબઈની સ્ટીમર પકડે તો ?”
“સવારે આવો.”
“વોરંટ જોઈશે, સાહેબ !”
“સવારે વિચારીશું.”
એ પાછલી રાતના ત્રણ વાગ્યે મેડી પર ચડી શિવરાજે સૂવાના ઓરડાને અંદરથી સાંકળ મારી એકાંતે જાગરણ માંડ્યું : વિચારની કડીઓ ગોઠવી : વિક્રમનગર ! પેલાં બેઉ ગયાં તેમનાથી તદ્દન ઊંધી જ દિશાનો આખરી છેડો વિક્રમનગર ! એ ઊલટા જ માર્ગે આખી ગંધ ચાલી ગઈ છે. એ તો બચી ગયાં.
ફોજદાર વોરંટ માગવા આવશે. હું એ નિર્દોષો પર વોરંટ કાઢવાની ના કહી દઈશ. હોહા થશે. રાજકોટથી ઉપરી અધિકારી આવશે, હું કબૂલ કરીને કેદખાનું સ્વીકારીશ.
ઊંડી સાગર-ખોપમાં ગડગડતા ખારા પાણીના લોઢની માફક એના વિચારો માથાની બખોલમાં પછડાતા હતા. એને ખાતરી હતી કે આવતી કસોટીમાંથી એ જીવતો બહાર નીકળવાનો નથી. માણસો લાંબી કેદની સજાઓ પૂરી કરીને જીવતા પાછા આવતા હતા, તે તો ફરીથી તેમને સુખના દિવસો સાંપડવાના હતા એ આશાના ટેકે ટેકે. એવી કોઈ આશા એને રહી નહોતી. એટલે મેજ પર બેસીને એણે એક લાંબી મુસાફરીએ ઊપડનારા માનવીની અદાથી વરિષ્ઠ સરકારી ધારાશાસ્ત્રી પર એક કાગળ લખ્યો :
મહાશય, આ કાગળ તમને મળશે ત્યારે તમને એના પ્રયોજનની જાણ થઈ ચૂકી હશે. હું જાણું છું કે આ કાગળ મારા વસિયતનામા જેટલો માન્ય ન બની શકે. પણ ધોરણસરના એવા કોઈ વીલનો મને સમય નથી રહ્યો, એટલે વીનવું છું કે મારી અંતિમ ઈચ્છાઓના ઉચ્ચારણ લેખે એની ગણના કરીને એનો અમલ કરવાનો કોઈ માર્ગ કાઢશો.
પહેલું તો, મારો ચાઊસ જીવે ત્યાં સુધી એનું ગુજરાન મારે પૈસે ચાલ્યા કરે. આજે તો એ એક જ મારી માતા છે, ને મારો પિતા છે.
મારી બીજી ઇચ્છા તહોમતદારણ અજવાળીની માતાને એના ધણીના જુલમાટમાંથી બચી શકે એ પ્રકારનું સાધન પણ મારી ઇસ્કામતમાંથી કરી આપવાની છે.
ત્રીજું જે બે પોલીસ કોન્સ્ટબલો તહોમતદારણને મારા ભરોસે સોંપવાને પરિણામે નોકરી ગુમાવશે તેમની સંભાળ લેજો.
ને છેલ્લું, જો હું જીવતો પાછો ન ફરું તો મારી બાકીની સર્વ ઈસ્કામત શ્રીમતી સરસ્વતીબાઈ પંડિતને પ્રેમપૂર્વક અને ભક્તિભાવપૂર્વક મારા તરફથી સુપરત થાય તેમ હું ઇચ્છું છું.
આટલું બસ છે.
સહી કરી, કાગળનું પરબીડિયું વાળી, સીલ કરી, પોતાની છાતી પરના ગજવામાં મૂક્યો. તે પછી મેજનું એક આખું કાગળભર્યું ખાનું લઈને એ ‘સોફા’ પર ગયો.
પહેલો કાગળ રામભાઈનો હતો “અમે ગયા પછી ફોડજો” એવું કહીને રામભાઈએ આપેલો એ કાગળ; એ એણે પોતાના બાપનું વસિયતનામું એક્ઝિક્યૂટ કરનારાઓ પર લખ્યો હતો : “હું પાછો કાઠિયાવાડમાં કદી પગ ન મૂકવાની ઈચ્છાથી જાઉં છું. ને એટલી જ માત્ર વિનવણી કરું છું, કે જો કદી મારા બાપની ઈસ્કામતનો વારસો મને મળવાનો સમય આવે, તો પાંચ હજાર રૂપિયા મારા પરમ મિત્ર શિવરાજસિંહને આપજો. મેં એમની પાસેથી કટકે કટકે ઉછીની લીધેલી એ રકમ છે.”
એ કાગળ થોડી વાર શિવરાજના હાથમાં કાંપતો રહ્યો, ને પછી ટેબલલેમ્પની સાંકડી ચીમનીને મથાળે સળગીને એ કાગળ ખાખનું ગૂંચળું બન્યો.
બીજા પણ સંખ્યાબંધ કાગળો – દેણદારોની ચિઠ્ઠીઓ : કોઈ પચાસની, સોની, પાંચસોની પણ — એના હાથમાં ઊપડી ઊપડીને ચીમનીની ટોચે ચડી, રામભાઈના કાગળની પેઠે જ ઝડપી અગ્નિસંસ્કાર પામી.
ખાનાને તળિયેથી નીકળી ચામડાના પૂંઠામાં લપેટાયેલી એક નોટબુક, જેના મથાળે લખ્યું હતું : ‘નર્મદાની નોંધપોથી’.
એને પણ ભસ્મીભૂત કરવાનો નિશ્ચય થઈ ચૂક્યો. પિતાજીના આત્માનું એ સમાધિમંદિર હતું. પરાઈ કોઈ આંખો એના ઉપર ન પડજો !
પરંતુ ખુદ પોતે જ પોથીને પિતાજીની મૃત્યરાત્રિથી આજ પર્યત કદી નિહાળી નહોતી. સળગાવી નાખતાં પહેલાં છેલ્લે એક વાર એ જોઈ લેવાની લાલચ ન રોકી શક્યો. એક પાના પર આંખો પડી. એમાં લખ્યું હતું :
“હવે તો બધું જ પાર ઊતરી ગયું છે, નર્મદા ! તારો દીકરો હવે મારા વિના ચલાવી શકશે. હવે એને પિતાના ટેકણની જરૂર રહી નથી. પેલી બહાદુર છોકરી એની પડખે હશે, એટલે એ પ્રારબ્ધની સીડીનાં પગથિયાં કડકડાટ ચડ્યે જવાનો. એ બંને પરણશે અને આપણા ઘરની નવી કુલીનતાને આગળ ધપાવશે. એ જ મારી વધુમાં વધુ ઉત્કટ વાંચ્છના છે.”
વાંચતાં વાંચતાં હૈયું ધણધણ્યું : આહ ! એ બધી આશાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ ! બત્તી સામે ઘૂંટણભર બનીને એક પછી એક પાનું એ ચરડ ચરડ ફાડતો ગયો, ફાડી ફાડીને ચીમનીના જ્વાળામુખીમાં મૂકવા મંડ્યો. એક પછી એક પાનું બળતું હતું – જાણે સાથોસાથ એ બાળનારો હાથ પોતે પણ સળગી જતો હતો. આંસુ પાડવામાં સદાય ભીરુ ભાગ્યે જ કદી પાંપણો પલાળી હશે એણે, છતાં છેલ્લું પાનું ભસ્મસાત્ થયું તે પૂર્વે એ ભગ્નહૃદયા સ્ત્રીની માફક ધ્રુસકતો હતો.
પછી પોતાની પોકેટ-બુકમાંથી એણે સરસ્વતીના પ્રેમપત્રો બાળવા બહાર કાઢ્યા. આ કાગળોમાંથી ધીરી કોઈ ખુશબો ફોરી ઊઠી, કોઈ ઉષ્માનો જાણે સ્પર્શ થયો, જાણે એની લખનારી સદેહે ત્યાં હાજર હતી. મોટો કાગળ કે નાનકડી એક “આજે બાપુજી ફરવા આવવા કહાવે છે’ એવી નજીવી ચિઠ્ઠી — એના હસ્તાક્ષરની ચપતરી પણ — શિવરાજે સાચવી હતી. પણ છેલ્લા એક પત્ર રાજકોટ ગયા પછી આવેલો તે એના હાથમાં આવ્યો ત્યારે તો આંગળીનાં ટેરવાં ત્રમ ત્રમ થયાં. બત્તી પાસે ધરીને એણે એ પત્ર વાંચ્યો :
“શિવરાજ વહાલા ! જ્યારે હું તારા જીવનની ચોક્કસ ચડતીના માર્ગનો વિચાર કરું છું ને ચિંતવું છું કે હું પણ તારા એ જીવનપંથે તારી જ આશાઓ, આકાંક્ષાઓ ને ઇચ્છાઓની ભાગીદાર બનતી, તારી જોડમાં જ જીવનના સુખસૂર્યની હૂંફ પામતી અને જીવનના વંટોળિયા સોંસરી ચાલતી હોઈશ — ત્યારે તો એ સુખસ્વપ્ન મારાથી સહેવાતું નથી, રડી પડાય છે.”
આ કાગળે મચાવેલી વેદનાની સાગર-ભરતી શમાવી નાખવા એણે ઝટ ઝટ કાગળનો ભડકો કર્યો. આંચ લાગ્યા પછી હાથ પાછો ખેંચી એ અરધા બાળેલા કાગળને પાછો ખીસામાં મૂકવા જતો હતો, પણ એને યાદ આવ્યું કે આ ખીસાની તમામ વસ્તુઓ જોડે એ પણ હમણાં જ પરાયા હાથમાં પડશે. પછી મોં ફેરવી જઈને, પોતાનું કાળજું સળગાવતો હોય એવી વેદના સાથે, એણે એ પત્ર સળગી જવા દીધો.
આતશબાજી પૂરી કરીને એ સોફા પર પડ્યો. સરસ્વતી સાથેની પ્રેમપળો એક પછી એક એની યાદદાસ્તનાં પાંદડાં પર આગિયા જેવી ચમકતી ગઈ. આઘેઆઘેના કોઈ ઠાકરમંદિરની ટોકરીઓના જાણે કે વિલાપસ્વરો એના કાનમાં ગુંજી ઊઠ્યા, કેટલી બધી ઘાતકી એ મજા હતી !
એકાએક અંતરમાં નવું બંડ ઊઠ્યું. આવું મહાન આત્મસર્મપણ કરવામાં પોતે સરસ્વતીને પણ જતી કરે છે એવો આત્મગર્વ અનુભવતી વેળા એને ગમ નહોતી પડી કે સરસ્વતીના વિસર્જનનો શો અર્થ છે ! એ વિસર્જનનો અર્થ એ હતો કે સરસ્વતીની પ્રાપ્તિ તો જીવનભર અશક્ય હોવાથી જીવનમાં ફરી કદાપિ કોઈ સ્ત્રીને તો આ સંસારમાં સ્થાન જડવાનું જ નથી.
એ વિચારે એનાં ગાત્રોમાં ભયની ઠંડીગાર કંપારી છૂકી દીધી. પોતે એક પુરુષ હતો. ‘કેદમાંથી જો જીવતો બહાર નીકળીશ તો બાકીની આવરદા હું મારાં સગાંવહાલાં, સ્નેહીઓ, સંબંધીઓવિહોણી એકલતામાં, કોઈ સ્ત્રીસાથી વગર શી રીતે ખેંચી શકીશ ? દુનિયાનું દ્વારેદ્વાર જ્યારે મને જાકારો દેતું હશે ત્યારે હું સહચારિણી વગરનો, સ્ત્રીના ટેકણવિહોણો એકલો મારા ઘરની કબરમાં કેમ કરી શ્વાસો ઘૂંટીશ ? આવી જિંદગી કરતાં તો મોત જ બહેતર નથી ?’
અને બીજો વધુ ભયાનક વિચાર આવ્યો : ‘કેમ નહીં ? માટે સાહેબને એક કાગળ લખી નાખું રામભાઈ નિર્દોષ છે. અપરાધી હું પોતે જ છું. હું જ અજવાળીને લઈ ભાગી નીકળ્યો છું. બસ, બધું જ ખતમ થઈ જશે. નહીં વૉરંટ, નહીં મુકદ્દમો, કશું જ નહીં. એ જ શું ઠીક નથી?’
બહાર રાત્રિ જાણે કે પોતાનાં ઝંટિયાં વિખેરીને બેઠી હતી. એ કાળી વિરાટ શાહુડીનાં પિછોળિયાં સમમ ! સમમ ! કરતાં ખડાં થતાં હોય તેવા સૂરો નીકળતા હતા. પાંદડુંય નહોતું હલતું. પૃથ્વી અને આકાશ જાણે કોઈ કાવતરું રચતાં હતાં.