અપરાધી/છુટકારાની લાગણી

વિકિસ્રોતમાંથી
← શિવરાજ પીડિત-આશ્રમમાં અપરાધી
છુટકારાની લાગણી
ઝવેરચંદ મેઘાણી
ગરીબનવાજ →


૨૦. છુટકારાની લાગણી

જુદા પડતાં શિવરાજે પાછળ બે વાર નજર નાખી. શિવરાજને એ અજવાળી ત્રણ મહિનાની રાત પૂર્વેની અજવાળીથી જુદું જ માનવી લાગી. એણે ત્યાંથી વિદાય લીધી ત્યારે, પોતાનું કશુંય વાતાવરણ પોતે મૂકતો જતો નથી, તેમ આંહીંથી પોતે કશી સુવાસનો એક શ્વાસ પણ નથી લઈ જતો — એની પોતે ખાતરી કરી.

બહાર નીકળીને પોતે પોતાની જાતને તપાસવા લાગ્યો : આ ખેદ, આ દિલગીરી અને આ હતાશાની લાગણી અંધકારનાં મોતી-શાં ચમકવાને બદલે ડોળાયેલાં પાણી-શાં કેમ લાગે છે ? શું હું ખરેખર દિલગીર છું ? — કે કાંઈ પાઠ ભજવી રહ્યો છું ? અજવાળી મારા પ્રત્યે ઠંડીગાર બની ગઈ તે મને ગમી જતું દેખાય છે. અજવાળીએ મને છોડ્યો છે. એનું મન બીજે ક્યાંક ઢળ્યું લાગે છે. મુક્તિ મારે જોઈતી હતી ? — કે અજવાળીએ મને વણજોઈતી આપી છે ? હું તો એને એ જેવી હોત તેવી વેંઢારત. લાગણીથી નહીં તો સ્વધર્મની વૃત્તિથી હું એનો સ્વામી બનત. પણ અજવાળી પોતે જ મને છોડતી હોય તો ? તો છુટાય કે કેમ ? અજવાળી અકારી બની હોય, પ્રેમવિહોણી થઈ ચૂકી હોય, તો પછી મારાથી એને પરણાય કે કેમ ?

સરસ્વતી તરફ જવાનો પંથ પાધરો અને પુષિત બનતો જાય છે કે શું ? અજવાળી સાથેના ઘરસંસારની જે ઝાંખી થઈ તે તો ભયાનક હતી. એથી ઊલટું, સરસ્વતી જોડેનો સંસાર આજથી જ કેરીના અથાણાની સોડમે ફોરતો હતો.

અદાલતના રસભર્યા મુકદ્દમાઓ કોની સાથે ચર્ચા શકાશે ? સરસ્વતી સાથે. અજવાળીની એ તાકાત નથી.

હું પૂરો બેવકૂફ હતો. મેં મારા બાપના યુગનો પલટો વિચાર્યો જ નહીં. આ જમાનામાં જુવાન હૃદયોને અજવાળીઓ – ગમે તેટલી પ્રેમાળ છતાં, સુંદર છતાં અને ગ્રામ્ય સરલતાની મૂર્તિઓ છતાં — નહીં સંતોષી શકે. અજવાળીઓનાં તો કાવ્ય જ સુંદર; સહજીવન એનાં સુંદર ન હોય.

વળતે દિવસે પોતે સંચાલકબાઈને એકલો મળ્યો. અજવાળી કોણ છે, પોતે એને શા સંબંધી થાય છે… વગેરે વાતો નીકળી. શિવરાજે ઓળખાણ બનાવી કાઢી કે, “હું જમીનદાર છું : મારા ખેડુની પુત્રી છે :એનો પિતા વિફરી ગયો છે : છોકરીને પિતાના ત્રાસમાંથી બચાવવા આંહીં રાખેલ છે, ને હું મુંબઈ આવ્યો હતો તેથી મારી એ આશ્રિતાને મળવાની તક લીધી છે.”

“એને પરણાવી દેવાની જરૂર છે.” સંચાલક-સ્ત્રીએ સૂચક ટકોર કરી.

“એને પોતાને તમે પૂછ્યું છે ? શું કહે છે ?” શિવરાજને એક એવું પગથિયું જડ્યું કે જેના ઉપર ચડીને પોતે અજવાળીના મનની રસાવસ્થા નિહાળી શકે.

“એ તો ‘નથી પરણવું, નથી પરણવું’ કરે છે, પણ એના રંગઢંગ બધા પરણવાની ઈચ્છાવાળા જ છે.”

“એ કોઈનું નામ લ્યે છે ?” શિવરાજ પૂછતો પૂછતો કંપ્યો.

“કોઈનું નહીં.”

“ચિંતાતુર રહે છે ?”

“અરે બાપ ! અજવાળી ચિંતાતુર ? એને ને ચિંતાને લાગે જ વળગે છે શું ! એ તો મદમસ્ત ફરે છે — ને રાતદહાડો ઘોરે છે. બસ, ‘ખાવાનું વધારે લાવો… ભૂખી છું… ખાવા લાવો !’ એ એક જ એની ચિંતા છે.”

“તમે શી સલાહ આપો છો ? ત્યાં તો એનાં લગ્ન થઈ શકે તેવું નથી.” શિવરાજે અજવાળીની વાતનો મામલો વર્ણવ્યો.

“હું તો કહું છું કે મુંબઈમાં ન્યાતજાત પૂછ્યા વિના પરણવા તૈયાર થનારા એક કરતાં એકવીસ છે. એને સોને મઢી નાખનારાઓ આંહીં આંટા ખાય છે.”

“તો એને સમજાવો ને પછી મને લખો.”

શિવરાજના હૈયાનો ઘણો ભાર હળવો થઈ ગયો : અજવાળી સુખી છે, પોતા પ્રત્યેના અનુરાગે પીડિત નથી, કોઈ બીજી ચિંતાએ સંતપ્ત નથી, મોજ કરે છે — અને સાવ સહજ છે કે એ પરણવાની વાત પણ કબૂલ કરી લેશે.

બસ, પછી હું છૂટો. પછી મારે અજવાળીની માને છેતરવી નહીં પડે, અને થોડા જ દિવસમાં સરસ્વતીના કંઠમાં મારી ભુજાઓ ભિડાઈ શકશે.

એક ઊર્મિગીત અંતરમાં લલકારતો લલકારતો શિવરાજ હળવાફૂલ હૈયે કેમ્પમાં પાછો આવ્યો.

પણ શિવરાજના આત્મામાં સમુદ્રની ભરતી હતી : સાયર-લહેરો એક પછી એક આવતી હતી.

કોઈને છેતરવું નહીં પડે એ વાત સાચી નહોતી. સરસ્વતીની સાથે લગ્નમાં જોડાવું હોય તો ખૂણેખૂણાની આત્મરજ ઝાડી નાખવી જોઈએ. પાછળથી સરસ્વતીને જાણ થાય તો સંસારનું સત્યાનાશ થાય. સરસ્વતીને કહી દઉં.

એ તિરસ્કારી કાઢશે તો ?

નહીં, નહીં. એના જીવનમાં વીતેલાં વીતકો એણે મને કહ્યાં હતાં. એ મને પણ ન્યાય આપશે. એને કહી જ નાખું.

દોહવાના ટાણે વાછરું ખીલેથી જે વેગે માનાં આઉમાં ધસે છે તે જ વેગે શિવરાજ સરસ્વતી પાસે ધસ્યો.

ડેપ્યુટીનો સામાન તે વખતે રાજકોટ રવાના થતો હતો. સરસ્વતી પોતાના ખંડને ખાલીખમ કરીને ઊભી હતી. એના હાથમાં ફક્ત એક જ વસ્તુ હતી : એના ભાગી ગયેલા ભાઈની જતનથી સાચવેલી છબી.

“આ તમારા ઘર સાચવશો ?” સરસ્વતીએ શિવરાજને પૂછ્યું.

“કેમ ?”

“નિષ્કલંક હોય તેની પાસે જ આ નિર્મળ છબી રાખવી સારી છે.”

પ્રહાર કરતી હતી ? ગર્ભિત કોઈ ટોણો મારતી હતી ? ખરેખર મને નિષ્કલંક માનતી હશે ? તો તો સમય થઈ ચૂક્યો છે. કહી નાખું. મોડું થશે તેટલો મહાઅનર્થ નીપજશે.

પણ ડેપ્યુટી આવી પહોંચ્યા, અને શિવરાજને પોતાના ખંડમાં તેડી ગયા.

શિવરાજને સૂઝ પડી આ વૃદ્ધને જો પાછળથી જાણ થશે તો ? તો એના આઘાતનું શું ? એને જ પૂછી ન જોઉં ?

શિવરાજે શરૂ કર્યું : “એક વાતમાં આપની સલાહ લેવી છે.”

“કોની — તમારી વાત ?”

“નહીં, મારો જૂના વખતનો એક અસીલ સ્નેહી છે તેની વાત છે. એણે મને પુછાવ્યું છે. મને કાંઈ ગમ પડતી નથી.”

“વાત કહો.”

“એ એક ખાનદાન કુટુંબનો યુવાન છે. સામે એવી જ ખાનદાન એક કન્યા છે. બંને વચ્ચે બેહદ પ્રેમ છે. બેઉ પરણવા માગે છે. પણ પુરુષના જીવનમાં એક નાનો એવો પ્રસંગ અજાણે બની ગયો છે : એક બીજી, હલકા વર્ણની કન્યા જોડે…”

“અજાણે ?”

“જી હા, તદ્દન એક અકસ્માતરૂપે.”

“એને પ્રેમ નહોતો ?”

“જી ના, ઓળખાણ પણ નહોતું.”

“હં.”

“એ પુરુષ ગાંઠ વાળી બેઠો છે કે જેને પોતે ભ્રષ્ટ કરેલી છે તેની વેરે જ પોતે પરણવું.”

“પોતે એને ચાહતો નથી તોપણ ?”

“તોપણ.”

“પોતાને એ કન્યા ચાહે છે ?”

“ના.”

“તોપણ ?”

“તોપણ.”

“એ ભૂલ કરે છે. પોતાનો ને એ કન્યાનો બેઉનો સંસાર એ ભસ્મ કરી નાખશે. કેમ કે બંને વચ્ચે, તમે કહો છો તેમ, પ્રેમ તો છે જ નહીં, છે કેવળ બની ગયેલી ભૂલનો સાંસારિક પશ્ચાત્તાપ અને કલંકભાવ.”

“હા જી.”

“એ ભૂલનો ભોગ કન્યા બીજી કોઈ રીતે થઈ પડી છે ખરી ? ભૂલ ન જ સુધરી શકે એવું તો નથી બન્યું ને ?”

શિવરાજ ઝબક્યો એણે કદી ન વિચારેલું એની સામે ડોળો ઘુરકાવતું ઊભું થયું. એને ખબર તો કશી જ નહોતી. એણે જલદી પ્રત્યુત્તર વાળ્યો : “આં-ના-ના-જી.”

“એ કન્યા એ જુવાનને ફજેત કરે તેવું ખરું ?”

“જી ના, એ તો બીજે પરણી જવા રાજી જણાય છે.”

“બસ, તો પછી એ જુવાન પોતાની પ્રેમી કન્યાનું દિલ વિના કારણે ન ભેદે, અને આખી વાત પર પડદો જ પાડી નાખે. જુવાનોએ જીવનના વહેવારમાં સરલ બનતાં શીખવું જોઈએ. પેટ ચોળીને શૂળ ઊભું કરવાની શી જરૂર છે ? હોય, બન્યા કરે છે. એનાં તે ઢોલ પિટાવવાના હોય ? ભૂલ થઈ ત્યાં સુધારી લેવી એ જ નીતિ સાચી છે. નીતિ કાંઈ પોતાની ભૂલો જ્યાં ને ત્યાં જઈને ગાવા બેસવામાં નથી. જુવાનો એમ કરીને બીજી ભૂલ કરવા જેટલા બિનજવાદાર બની રહે છે.”

“પણ ભવિષ્યમાં કોઈક દિવસ પણ પરણેલી સ્ત્રીને પોતાના પતિની ભૂલની જાણ થાય તો ?”

“તો તે વખતે સત્ય કહી નાખવું. કોઈપણ પરણનાર સ્ત્રીને કે પુરુષને લગ્ન પૂર્વેના જીવનમાંથી આવા કોઈ દોષો જોવાની નિસબત નથી. તમારા સ્નેહીને લખી નાખો કે વેદિયો ન થાય.”

શિવરાજના નૈતિક ભાવનાવાદ પર નવું અજવાળું પડ્યું.

“અને મોટામાં મોટી વાત તો આ છે,” ડેપ્યુટી સાહેબે કપાળની કરચલીઓ ભાંગતાં ભાંગતાં કહ્યું કે એક માણસના જીવનનો ખાનગી ખૂણો બીજા માણસ પાસે ખુલ્લો ન કરાય. એમાં પણ આ તો એક ઓરતના જીવનની ખાનગી છે. બીજી ઓરતને એ કેમ જ બતાવાય ?”

જઈફ આદમીની આ દલીલો શિવરાજને જોઈતી હતી તેવી જ જડી ગઈ. પોતાને મનભાવતી એ વિચારણા હતી. પોતે એનો સ્વીકાર કર્યો. અને એ ભાવતી વાત પર ઇન્સાફનાં આભૂષણો ઢંકાયાં.

અંતર પરથી પહાડ ઊતરી ગયો. હવે એ અપરાધી રહ્યો નથી. હવે એની અને સરસ્વતીની વચ્ચે નૈતિક આંચકા લેતો જ્વાલામુખી રહ્યો નથી. સરસ્વતીના ઓરડાનો માર્ગ ઊઘડી ગયો છે. એ ઊઠ્યો અને રાજકોટ જવા તૈયાર થયેલી સરસ્વતીને મળી લેવા રઘવાયો બન્યો. ઊઠીને વિદાય લેવા જાય ત્યાં તો પાછા એને ડેપ્યુટીએ કહ્યું : “આજનાં જુવાનિયાં જેમ ચીકણાં બન્યાં છે તેમ પાછાં મનનાં નબળાં પણ એટલાં જ બન્યાં છે. હાલતાં ને ચાલતાં અટવાઈ પડે છે ને પછી રસ્તો કરતાં આવડતો નથી તેથી વધુ અટવાય છે. અમારા વખતમાં…”

શિવરાજને વૃદ્ધનું આ લપીપણું અસહ્ય લાગ્યું. ડેપ્યુટીના પ્રવચનનું પૂર્ણવિરામ ક્યારે આવે છે એની તપાસમાં એણે સમજ્યા વગર ‘હા જી, હા જી’ જ કર્યે રાખ્યું. અને ડેપ્યુટીસાહેબને ઉધરસનું એક ઠસકું આવતાં જ એણે ફરી પાછા ઊપડવાનો લાગ જોયો. બારણા સુધી પહોંચ્યો કે તરત જ પાછો ડેપ્યુટીનો અવાજ આવ્યો : અને જુઓ, તમને જ કહું છું. બીજાને કોઈને મેં વાત કરી નથી : હું જ્યારે બાવીસ વર્ષનો હતોને –”

વર્ષો પહેલાંની આ પારકી જુવાનીનાં ચૂંથણાંમાં શિવરાજને તે ક્ષણે જે રસ આવ્યો તેનો સ્વાદ સુદર્શનના કઢા સરીખો હતો. છતાં બારણામાં ઊભા રહી ‘હા જી, ખરું છે…’ વગેરે અર્થહીન હોંકારા એના મોંમાંથી પડ્યે ગયા. છેવટે પોતે જાણે ત્યાંથી જીવ લઈને નાઠો.

સરસ્વતી તે વખતે ઊંચી અભરાઈ પર કાંઈ પડી રહ્યું હોય તો તેની તપાસ કરતી હતી. એક સીડી એના પગ નીચે કડાકા કરતી હતી. બાવીસ વર્ષનો એ દેહ વજનદાર હતો. સીડીના કચડાટાએ શિવરાજની આંખો પાસે સરસ્વતીના ભરપૂર યૌવનની ચાડી ખાધી. શિવરાજ બિલ્લીપગે પાછળ પાછળ ગયો.

દીવાલ પર સરસ્વતીએ કોઈનો ઓળો પડેલો દીઠો : એ ચમકી… એના પગ અસ્થિર બન્યા… સીડીએ સમતોલતા ગુમાવી.

અને બીજી જ ક્ષણે એ લસરેલું યૌવન શિવરાજની બાથમાં ઝિલાયું હતું. ભયભીત સરસ્વતીની કમ્મર શિવરાજની ભુજાઓમાં હતી. ભય અને પ્રાણના પ્રથમ પુલક વચ્ચે બેચાર પલનું તો માંડ અંતર પડ્યું.

એક હિલોળો લેવરાવીને શિવરાજે સરસ્વતીના યૌવનને ભોંય પર મૂક્યું. સરસ્વતીની છાતી ધડક ધડક થઈ રહી.

ભય અને સુખસ્પર્શના ઉપરાછાપરી આઘાતે સરસ્વતીને ઉચ્ચાર સરખો પણ થોડી ઘડી ન કરવી આપ્યો. એને થયું કે શિવરાજે પોતાને સાત માળના ઊંચાણેથી ૫ડતી ઝીલી છે.

“હાય ! હું તો બી મરી !” એના હાંફતા હાંફતા શ્વાસમાંથી એટલો જ ઉચ્ચાર માંડ, માંડ નીકળ્યો. એના રોમેરોમમાંથી ‘શરમ… શરમ’ના જાણે સુર નીકળ્યા, એનું શરીર અસંખ્ય છિદ્રોવાળું વાદ્ય બની ગયું. એ બોલી શકતી નહોતી, કેમ કે એ મહાબંસીમાંથી પૂર્વે કદી ન સુણેલું સંગીત બજતું હતું.

શિવરાજના હાથમાં આટલું કૌવત હતું ! એક છલકતા નારીદેહને આસાનીથી હિલોળા ખવરાવવા જેટલું કૌવત ! કાયદાની પોથીઓ ઉથલાવનારા એ હાથ આવું કૌવત ધરાવી શકતા હશે ? પુરુષના કૌવતમાં પણ શું આટલી કોમળતા સંઘરેલી હતી ?

જગત સર્જાયું છે તે દિવસની જૂની વાત : પલેપલની સામાન્ય પાર્થિવતા : તેનો સરસ્વતીને અચંબો શું થયો ?… કોણ કહી શકે ? યૌવન પણ ક્યાં સૃજનજૂનું બેવકૂફ નથી ? કૌવતની પૂજા સ્ત્રીએ ક્યાં આદિકાળથી નથી કરી ? સરસ્વતીનું એ શરીરવાદ્ય શિવ-ગોરીનું ‘કુમાર સંભવ’ સંભળાવી રહ્યું હતું.

ન સરસ્વતી બોલી શકી, ન શિવરાજના મૂંઝાયેલા મોંમાંથી શબ્દ પડ્યો. શરમ એના મોં પરથી જતી રહી હતી. પોતાના ગુપ્ત કૌવતનું એને પણ નવભાન થયું હતું. અને એ નવું ભાન જૂના અનુભવની કોઈપણ ઓળખાણનો જ જાણે ઇન્કાર કરતું હતું.